Skip to content

બાબરા ભુતને ગેલી ગાત્રાળ મા નો પરચો ભાગ 4

બાબરા ભુતને ગેલી ગાત્રાળ મા નો પરચો ભાગ 4
10712 Views

બાબરા ભુતના ત્રાસમાથી લોકોને ઉગારવા ગાંડી ગેલી ગાત્રાળ મા પોતાની સાત બહેનો સાથે આવે છે. અને બાબરાને બરાબરનો પરચો બતાવે છે. ગેલી ગાત્રાળ માં ના ઇતિહાસનો આ છેલ્લો ભાગ છે. અગાઉના ભાગ વાંચવાનાં હોય તો અંતમાં બધા ભાગની લિંક મુકેલી છે.

બાબરા ભુતનો ત્રાસ અને માતાજીનો પરચો.

🙏🔱જય હો મા ગાંડી ગેલ ગાત્રાળનો 🔱🙏

મા ગાંડી એ ગોધમાને મારવા માટે ગીરના આખા જંગલમા ભ્રમણ કરી ગીરને પાવન કર્યુ ત્યારથી ગીરને ગાંડીગીર તરીકે પણ ઓળખવામાં આવે છે.

મા ગોધમાની ગાંડી ગાત્રાળે અવતાર કાર્યની લીલા પુર્ણ કરી બીજો અવતાર ગોહીલવાડમા મામડીયા ચારણને ત્યા મા ખોડીયારના નાના બેન ગેલઆઈ તરીકે ધારણ કર્યો સાતેય બહેનો એ સમગ્ર સૃષ્ટિનો ઉધ્ધાર કરવા માટે ઘણા રાક્ષસોનો નાશ કર્યો અને તેમના ભક્તોને દર્શન આપી તેમનો જન્મારો સુધાર્યો

ગાત્રાળ થઈ છે ગેલી,ગાંડી ગીર વાળી, ગોધમપુર વાળી, મા ભેળીયાવાળી.

ગાંડી ગેલના પરચા તો અપરંપાર છે પણ આપણે અત્યારે માતાજીએ જેના કારણે આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો તે ભાડલાનો ભયાનક બાબરો ભુત અને તેની ૧૮૦૦ ભુતાવળની માયાજાળને ગાંડી ગેલે પોતાના વશમા કર્યા તે ઈતિહાસ

મામડીયા ચારણના નેસમા સાતેય બહેનો અને મેરખીયો વિર વાતો કરે છે

મા ગાંડી ગેલ : બહેન ખોડલ હવે મારે આ અવતાર કાર્ય પૂર્ણ કરવા ભાડલા જવાનો સમય આવી ગયો છે

આઈ ખોડીયાર : હા ગેલ તુ કહે ત્યારે ભાડલા જઈ

મેરખીયો વિર : બેન ગેલ મને પણ તમારી સાથે લેતા જજો મારે પણ ભાડલાની ભુતવાવ જોવી છે

મા ગાંડી ગેલ : હા ભાઈ આપણે બધા સાથે જ ભુતવાવ જોવા જશુ

ગેલઅંબે બધી બહેનોને કહે છે આપણે કાલે સવારે ભાડલા તરફ પ્રયાણ કરીશુ, અને હા બેન ખોડલ તારા પગમા ખોટ છે માટે તુ અમારી પહેલા હાલતી થઈ જાજે
અને ગોહિલવાડ થી પાંચાલના રસ્તામા જેને જ્યા બેસણા કરવા હોય તે જગ્યાએ પથ્થર પર સિંદુરીયા થાપા મારી નિશાન કરવુ

બીજા દિવસે વહેલી સવારે આઈ ખોડીયાર બધાની પહેલા ભાડલા તરફ હાલતા થાય છે, બાકીના બધા થોડીવાર પછી તે તરફ જાય છે

આઈ ખોડીયાર રસ્તામા ઘણી જગ્યાએ બેસણા કરી ધીરે ધીરે આગળ વધે છે રસ્તામા અેક સ્ત્રી હૈયાફાટ રૂદન કરે છે

સ્ત્રી : (રડતા -રડતા) હે માતાજી તે આ અભાગણી પર કેવો કેર વરસાવ્યો આના કરતા આ કાળોતરો મને ભરખી ગયો હોત તો સારું હતુ

આઈ ખોડીયાર તેની બાજુમાં આવી તેને છાની રાખી રડવાનુ કારણ પુછે છે

સ્ત્રી : (દંડવત પ્રણામ કરી) જય હો મા ખોડીયારનો, હે જગદંબા મારા જુવાનજોધ દિકરાને કાળોતરો નાગ ભરખી ગયો છે અને મારા દિકરાનુ મૃત્યુ થયું છે

આઈ ખોડીયાર : અરે બાઈ તુ ધીરજ રાખ હુ હમણા એ કાળોતરાને બોલાવુ છુ

આઈ ખોડીયાર નાગને આણ આપે છે તુ જ્યા હો ત્યાથી અહી આવ અને આ બાઈના દિકરાનુ ઝેર ચુંસી લે નહીતર તારા આખા નાગકુળનુ જો નામોનિશાન નો મિટાવી દઉને તો તો હુ મામડીયા ચારણની ખોડલનો કેવાવ

“ચોકમા મેલાવુ તાવડા એમા તાતાય સિંચાવુ તેલ
હાક મારી હોંકારો આપજે એમા ખોટી નો પડતી ખોડીયાર”

જગદંબા ખોડીયારનુ વેણ સાંભળી તે કાળોતરો નાગ ત્યાં આવી માતાજીને વંદન કરે છે

નાગ : ખમ્યયા કરો મા ખોડીયાર ખમ્મયા કરો, તારો છોરુ જાણી મને માફ કરો

આઈ ખોડીયાર : ઠીક છે, હવે જલ્દીથી આ બાળકનુ ઝેર ચુંસી લે

નાગદેવતા તે બાળકનુ જેવુ ઝેર ચુંસી લે છે કે તરત જ તે બાળક આળસ મરડીને ઉભો થાય છે

પેલી સ્ત્રી મા ખોડીયારનો જય જયકાર બોલાવે છે, મા ખોડીયાર તેમને ઘરે જવાનુ કહે છે

માતાજી પેલા નાગદેવતાની સાથે વાત કરે છે

આઈ ખોડીયાર : તને મનુષ્યોને દંશ દેતા શરમ નથી આવતી

નાગદેવતા : “મા” મારા રોમે-રોમમા કાળી બળતરા થાય છે હુ શ્રાપના કારણે નાગયોનીની યાતના ભોગવુ છુ “મા ખોડલ” મને આમાંથી મુક્તિ અપાવો

આઈ ખોડીયાર : આજથી તને આ યાતનામાથી મુક્તિ અપાવુ છુ

આઈ ખોડીયાર નાગદેવતાના માથા પર હાથ ફેરવે છે અને કહે છે આજથી તુ જગતમા ખેતલીયો થઈને ઓળખાઈશ તેમજ ચોંસઠ જોગણીના આગેવાન તરીકે તારી પુજા થશે
આ મારી લીલાનો જ અેક ભાગ હતો

ખેતલીયા દાદા : જય હો મા ખોડીયારનો નો, જગદંબા તમારી લીલા અપરંપાર છે

આઈ ખોડીયાર : અમે સાતેય બહેનો અને મેરખીયો વિર ભાડલા જાઈએ છિએ તો તુ પણ અમારી સાથે ચાલ
(ગાંડી ગેલ અને બધા આઈ ખોડલ ઉભા છે ત્યા પહોંચી જાય છે )

આઈ ખોડીયાર બધી બહેનોને સમગ્ર ધટનાની વાત કરે છે

ગાંડી ગેલ : બેન ખોડીયાર તે તો ગોહીલવાડ થી પાંચાલ સુધીમા એકપણ ઠેકાણુ બાકી ન રાખ્યુ કે જ્યા અમે બેસણા કરી શકીયે

આઈ ખોડીયાર : ગેલી તારી વાત તો સાચી છે હવે આપણે એમ કરીએ ભાડલા ગામમાં આપણે સાતેય બહેનો મેરખીયો વિર અને વિર ખેતલો બધા સાથે બેસણા કરી

ગાંડી ગેલ : સારૂ બેન જેવી તારી ઈચ્છા

બધા ભાડલા ગામમાં પહોંચે છે ત્યા સામેથી આલા સલાટ આવે છે અને બધી જોગમાયાના ચરણોમા દંડવત પ્રણામ કરી રડવા લાગે છે અને ગાંડી ગેલને કહે છે માતાજી તમારા દર્શન કરવા હુ ગાંડોતુર બની ભમુ છે તમે મને બોવ રાહ જોવડાવી

ગાંડી ગેલ : આલા સલાટ તમે મને આેળખી ગયા, તમને આગલા જન્મની બધી વાતો હજુ યાદ છે

આલા સલાટ : જોગમાયા મૃત્યુતો આ શરીરનુ થયુ તુ પણ આત્માતો એનો એ જ છે, હુ તમારા આધારે તો જીવુ છે તમને ના ઓળખુ એવુ કેમ બને, તમે આપેલ વચન મુજબ હુ તમારા આવવાની રાહ જોતો જોતો જીંદગીના દિવસો ટુંકાવી રહ્યો છુ

ગાંડી ગેલ : હવે તો હું આવી ગઈ છુ તમારે ચિંતા કરવાની જરૂર નથી

આલા સલાટ : જેની માથે તમારો હાથ હોય એને ચિંતા શેની

ગાંડી ગેલ : આલા સલાટ અમે બધા અહી ભાડલાની વાવ જોવા આવ્યા છી અમને તે વાવ પાસે લઈ જાવ

આલા સલાટ : જેવો તમારો હુકમ… પણ તે વાવમા તો ભુતાવળનો વાસ છે અને બાબરો ભુત અને તેની ભુતાવળ ત્યાં જે જાય તેને મારીને ખાઈ જાય છે, તે વાવમા કાઈ જોવા જેવુ નથી

ગાંડી ગેલ : પણ મારે તો એ વાવ જોવી જ છે હુ તે જોઈને જ રહીશ તમારે કોઈને મારી સાથે આવવુ હોય તો હાલો નકર હુ આ એકલી હાલી

આઈ ખોડીયાર : આલા સલાટ આ અમારી સાતેય બહેનોમા માથાફરેલ છે, આ લીધી વાત નહી મેલે એટલે તો બધા એને ગાંડી કહે છે

ગાંડી ગેલ : બેન ખોડલ આ જગતમા જે કામ ડાહ્યા થી નો થાયને ઈ કામ આ “ગાંડી” જ પાર પાડે હો…. આ “ગાંડી” એ કરેલો લીટો આ ત્રણેય લોકમા કોઈથી નો ભુંસાય અને હાક તો એવી જ હોવી જોય કે સામેવાળો નામ સાંભળેને ત્યા જ અેનો પરસેવો છુટી જાય,
તમે હજી લાગણીના તાંતણે બંધાઈને જાતુ કરી દો, આયા તો જાતુ કેમ કરાય ઈ શબ્દ હાયરે મારે કાઈ લેવાદેવા જ નથી આપણા થી કાઈ જાતુ નો થાય આપણો તો ચોખ્ખો હિસાબ કર્યુ અેટલે ભોગવવાનુ

આઈ ખોડીયાર : (હસતા – હસતા) એય ગાંડી અમને બધુય સમજાય ગયુ હવે તુ તારૂ મોઢુ બંધ કર તુ તો સાવ ઘેલી છો, હાલો આલા સલાટ આને વાવ પાસે મેલતા આવી

બધા હસતા – હસતા ભુતવાવ તરફ જાય છે

આઈ ખોડીયાર તેમજ સાતેય બહેનો, મેરખીયો વીર, વીરો ખેતલીયો ભાડલાની ભુતવાવ પાસે જાય છે.

ગેલ અંબે : તમે બધા અહીયા ઉભા રહો હુ વાવમા શુ છે તે જોઈ આવુ

આલા ભગત : “મા” તમે અહીયા ઉભા રહો પહેલા હુ જોઈ આવુ પછી આપ આવજો

ગેલ અંબે : જેવી તમારી ઈચ્છા

આલા ભગત ભુતવાવ પાસે જઇ અંદર જુવે છે અને જોરથી ચીંસ નાખી થરથર ધ્રુજતા ભાગે છે

ગેલ અંબે : શુ થયુ ભગત કેમ આટલા બધા ડરી ગયા

આલા ભગત : “મા” આ ભુતવાવની અંદર એક ભયાનક ભુતડી છે જે એકસાથે સો બચ્ચાને જન્મ આપે છે તેમજ બચ્ચા જન્મતાની સાથે એકબીજાને ખાવા લાગ્યા છે, આવુ ભયાનક દ્રશ્ય મે ક્યારેય નથી જોયુ

ગેલ અંબે : શુ વાત કરો છો ભગત આવુ દ્રશ્ય તો મારે પણ જોવુ છે

બેન ખોડીયાર મને રજા આપો

આઈ ખોડીયાર : જા ગેલ તારુ અવતાર કાર્ય પૂર્ણ કર

ગેલાઈ મા તે ભુતવાવ પાસે જઈને વાવની અંદરનુ ભયાનક દ્રશ્ય જુવે છે આખી વાવ ભુતાવળથી ખિચોખિચ ભરેલી છે

માતાજી ભુતવાવની અંદર ઉતરે છે તેમને જોઈને ભુતડી ભયંકર ચીંસ નાખે છે

ભુતડી : કોણ છે તુ અહીયા શુ કરવા આવી છો

ગેલ અંબે : હુ ગાંડી ગેલ છુ આ વાવ જોવા આવી છુ તમે બધા બહાર નીકળો મારે વાવ મા ઉતરવુ છે,

ભુતડી : મને બહાર નિકળવાનુ કેવાવાળી તને તારૂ મોત અહીયા લાવ્યુ છે

ગેલ અંબે : એમ વાત છે, તમે એમ બહાર નહી નીકળો તો મારે તમને બહાર કાઢવા જોશે

આમ કહી ગાંડી ગેલ વાવમા ઉતરે છે અને બધા ભુતને પકડી-પકડી વાવની બહાર ફેંકવા લાગે છે, છેલ્લે ભુતડી વધે છે એને જોરથી ફંગોળીને વાવની બહાર ઘા કરે છે

આઈ ખોડીયાર અને બધા વાવની બાજુમા બેઠા બેઠા આ દ્રશ્ય જુવે છે

અતી ક્રોપાયમાન સ્વરુપે વાવની બહાર નીકળી ગાંડી ગેલ ભુતડીનુ ગળુ પકળી હવામા ફંગોળે છે ભુતડી લોહીલુહાણ થઇ જાય છે, સામેથી તેનો ઘરવાળો આવે છે તેના ભુતાવળની આવી હાલત જોઈ ગુસ્સે થઈ જોગમાયા સામે ચીંખો નાખવા લાગે છે,

ભુત : એય…..કોણ છે ? તુ ……અને મારા પરિવારની આવી હાલત કરનાર તને હુ આજે જીવતી નહી છોડુ …

ગેલ અંબે : (હસીને) તુ ક્યા સંતાઈ ગયો તો

ભુત : હુ ક્યાય નથી સંતાણો હુ અને મારો દિકરો બાબરોભુત જંગલમા શિકાર કરવા ગયા હતા પણ આજે શિકાર તો સામે ચાલીને આવ્યો

ગેલ અંબે : તો લે આ રહયો શિકાર તારી સામે

ભુત અને ગાંડી ગેલ વચ્ચે યુધ્ધ થાય છે ગાંડી ગેલ ભુતને પછાડી-પછાડીને મારે છે બધી ભુતાવળ એકસાથે માતાજી પર હુમલો કરે છે, માતાજી બધાને મારી-મારીને અધમુંઆ જેવા કરી નાખે છે, બધા ભુત બેભાન થઈ જાય છે મોતને નજીક જોઈ દુર સંતાયેલ ભુતડી તેના મોટા દિકરા બાબરાને બોલાવે છે

ભુતડી : અરે…એય…માયાવી હમણા મારો દિકરો બાબરો આવશે ઈ જ તને ચપટીમા ચોળી નાખશે

ગાંડી ગેલ: (અત્યંત ગુસ્સે) બોલા….વ…… તારા બાબરાને એના માટે જ મે આયા ધક્કો ખાધો છે

અવાજ સાંભળી બાબરો ભુતવાવ પાસે આવે છે,

બાબરો ભુત : (ભુતાવળની દયનીય હાલત જોઈ) કોણ છે તુ, તે હજી આ બાબરાનુ નામ નથી સાંભળ્યુ લાગતુ, મારી બીકના લીધે આજુબાજુના વીસ ગાંઉની અંદર કોઈ ફરકતુ નથી,

ગેલ અંબે :(હસતા – હસતા) ઓહો…મને ખબર નો’તી સારુ થયુ તે મને કિધુ

બાબરો ભુત : (ગુસ્સે) મારા વિસ્તારમા આવી મારા પર હસે છે

ગેલ અંબે : (અટ્ટહાસ્ય) અરે…બાબરા તારા જ વિસ્તારમા તને દોડાવી-દોડાવીને મારવા આવી છુ

બાબરો ભુત : તે મને ઓળખામા ભુલ કરી છે, તારુ મોત આજે મારા હાથે જ થશે

ગેલ અંબે : કોણે ઓળખામા ભુલ કરી છે એ તો હમણા ખબર પડી જાશે

બાબરો ભુત : મારા ૧૮૦૦ ભુતાવળની આ હાલત કરનાર આજ તને હુ નહી છોડુ

ગેલ અંબે : તો….હુ આયા તારી મે’માનગતી માણવા થોડી આયવી છુ, તારુ અભિમાન ઉતારવા તો હુ આયા આયવી છુ તુ તારી માયાવી શક્તિના લિધે બધાને હેરાન કરે છે તો તારુ પાણી માપવા હુ આવી છુ

બાબરો ભુત : મારી માયાવી શક્તિનો સામનો કોઈપણ નથી કરી શકતુ, તારા જેવી હજારો જાદુગરણીને મારા પેટમા સ્વાહા કરી ગયો છુ

ગેલ અંબે : તુ જેને સ્વાહા કરી ગયો ને ઈ બધી તો ડાહી હશે, તારો સામનો આજે આ ગાંડી હાયરે છે

બાબરો ભુત : ડાહી હોય કે ગાંડી મારે તો ખાવાથી મતલબ

ગેલ અંબે : બાબરા તને બચવાનો એક મોકો આપુ છુ તુ તારી ભુતાવળ સહીત આ વાવ ખાલી કરી દુર ચાલ્યો જા.

બાબરો ભુત : અરે…તને તારો જીવ વહાલો હોય તો તુ અહીથી હાલતી થા.

ગેલ અંબે : બાબરા તુ આમ નહી સમજે, આમપણ “સમજણના સૌ ફુલ કરતા અનુભવનો એક કાંટો જરુરી છે” બાબરા યુધ્ધ માટે તૈયાર થઈ જા, લે પહેલો મોકો તને આપુ છુ પહેલો વાર તારો,

બાબરો ભુત : મને મોકો આપીને ભુલ કરો છો કેમકે મારો વા’ર કોઈ રોકી શકતુ નથી.

ગેલ અંબે : વાતો કરવામા સમય ના બગાડ, શુરવિર હો તો થા ભાયડો.

બંને વચ્ચે ભયંકર યુધ્ધ થાય છે, બાબરોભુત પોતાની માયાવી શક્તિથી જગદંબા પ્રચંડ હુમલા કરે છે પરંતુ બાબરાભુતના હુમલાની તસુભાર પણ અસર ગાંડી ગેલ પર થતી નથી, બધા વા’ર ખાલી જવાથી બાબરોભુત અત્યંત ક્રોધે ભરાય છે

ગાંડી ગેલ: (હાસ્ય કરતા) કેમ શુ થયુ બાબરા તારો એક વા’ર પણ કોઈથી સહન ન થાય પણ આજે તે અનેક પ્રયાસ કર્યા છતા બધા વા’ર કેમ ખાલી જાય છે, થોડીક વધારે તાકાતથી હુમલો કર નાના બાળકો જેવા હુમલા ના કર

જગદંબાના કટાક્ષ વચનો સાંભળી બાબરોભુત તેની બધી આસુરી શક્તિ ભેગી કરી પુરી તાકાતથી જગદંબા પર હુમલો કરે છે પરંતુ ગાંડી ગેલ તેના ત્રીશુલથી બાબરાભુતની માયાને રોકી લ્યે છે

ગાંડી ગેલ : માયાવી શક્તિના જોરે આ ભદ્રપુરી અને આસપાસના અનેક ગામડામા ભય ફેલાવનાર બાબરા ક્યા ગઈ તારી તાકાત મે તો સાંભળ્યુ છે કે બાબરાભુતની એક ત્રાડથી આજુબાજુના ૨૦ ગામ ધ્રુજવા મંડે તો આજે કેમ આમ થાય છે, યુધ્ધ કરીને થાક્યો હોય તો આરામ કરી લે

ગાંડી ગેલના આવા અપમાનજનક શબ્દો સાંભળી બાબરોભુત અત્યંત ગુસ્સે થઈ જોર-જોરથી ત્રાડો નાખવા લાગે છે

ગાંડી ગેલ : બાબરા ત્રાડો નાખવાથી કાઈ નો થાય, યુધ્ધ તો કાંડાના જોરે જીતવુ પડે, આમપણ ખાલી વાસણ ખખડે વધારે.

જગદંબાએ બાબરાભુતને યુધ્ધમા થકાવીને લોથપોથ કરી નાંખ્યો

બાબરોભુત તેની માયાવી શક્તિથી તેની ૧૮૦૦ ભુતાવળને સાજી કરે છે બધા એકસાથે જગદંબા પર પ્રહાર કરે છે ગાંડી ગેલ પોતાનુ મહાકાય સ્વરૂપ ધારણ કરી બાબરાભુત સિવાયની ૧૮૦૦ ભુતાવળને અધમુંઆ કરી ભુતવાવની અંદર નાખી દે છે

ગાંડી ગેલનુ અતી રુદ્ર સ્વરૂપ જોઈ બાબરોભુત ઊભી પુછડીંયે ભાગે છે, જગદંબા તેની પાછળ દોડે છે

ભદ્રપુરીની આસપાસના વિસ્તારમા બાબરાભુતને માતાજી દોડાવે છે, બાબરોભુત દોડી-દોડી થાકી જાય છે હાંફતો-હાફંતો ફરી પાછો ભુતવાવ પાસે પહોંચે છે.

“મારી ગાંડી ગેલાઈ
તારી લીલા અપાર
તુ તો રઢીયાળી નેહડે રમતી’તી
મા ભાડલા ગામે ગરજતી’તી”

ગાંડી ગેલ પણ ત્ર્રાડ નાખતી એની પાછળ ત્યા પહોંચે છે

“ગેલ બોલુ, ગેલ બોલુ, ગેલ બોલુ, ભાડલાની ગેલ બોલુ
મારી નાખુ, મારી નાખુ, મારી નાખુ, બાબરા તને મારી નાંખુ”

ગાંડી ગેલ : બાબરાભુત ભાગી ભાગીને કેટલુ ભાગીશ, આ ત્રણેય લોકમા એવી કોઈ જગ્યા નથી કે જ્યા તુ મારી નજરથી બચીને સંતાઈ શકે, આજે તારુ મોત નક્કી છે

“ભાગ ભાગ બાબરા કેટલેક જાઈશ
ગાંડી ગેલ થી બચીને ક્યા સંતાઈશ”

આમ બોલીને બાબરાભુત ને મારવા માટે ત્રિશુલ ઉગામે છે ત્યાતો બાબરોભુત માતાજીના ચરણ પકડી આજીજી કરવા લાગે છે,

બાબરો ભુત : એય…..જગદંબા મને માફ કરો, મે તમને ઓળખવામા ભુલ કરી તમારી માયા ને હુ ના સમજી શક્યો પણ હવે તો તમારી ઓળખાણ આપો.

ગાંડી ગેલ : લે બાબરા મારી ઓળખાણ દુનિયા મને
○ ઓખાના મંડાણની ગાંડી દેવી
○ ગોધમાની ગાંડી ગાત્રાળના નામથી ઓળખે

તને સબક શિખવવા માટે મે “મામડીયાની ગાંડી ગેલ” તરીકે અવતાર લીધો છે

તને ઘણો સમજાવ્યો પણ તુ તારા અભિમાન લિધે ના સમજ્યો મે તને કિધુ તુ ને કે તારો સામનો આજે ગાંડી સાથે છે.

બાબરોભુત : ક્ષમા, ક્ષમા, ક્ષમા હે પરામ્બિંકા અમને માફ કરો, તમારા દર્શનથી મારો જન્મારો સફળ થયો છે, “મા” મુજ પાપીની એક વિનંતી સ્વીકારો.

ગાંડી ગેલ : બોલ બાબરા બોલ

બાબરોભુત : હે જગત જનની મને અને મારી ૧૮૦૦ ભુતાવળને મારો નહી અમને તમારા ગુલામ બનાવીને રાખો, આપ જે કામ કહેશો તે કામ અમે કરશુ.

ગાંડી ગેલ : બાબરા તમને બધાને હુ માફ તો કરી દઉ પણ મને પુછ્યા વિના એકપણ કાર્ય ન થવુ જોઈ અને આ સૃષ્ટીના એકપણ સજીવને નુકશાન નહી પહોંચાડવાનુ જે દિવસે મારા વચનનો ભંગ થશે તે દિવસ તમારી જીંદગીનો છેલ્લો છેલ્લો દિવસ હશે

બાબરોભુત : હે જગત કલ્યાણી તમારા વચનોનુ કાયમી પાલન થશે

ગાંડી ગેલ : બાબરા તને અને તારી ભુતાવળને આ વાવમા રહેવાની જગ્યા આપુ છુ પણ તમારી ઉપર વાવની ચોથી મઝલે હુ ઢોલીયો ઢાળીને બેસણા કરીશ મારા ઢોલીયાના પાયે તને બાંધીને રાખીશ

બાબરો ભુત : “મા” તમારી બધી વાત અમને મંજુર છે

ગાંડી ગેલ : બાબરા આજે આ વાવના કાંઠે અમે સાતેય બહેનો – મેરખીયો વિર અને વિરો ખેતલીયો અહીયા બેસણા કરશુ આજથી હુ “ભાડલાની ગાંડી ગેલ” તરીકે ઓળખાઈશ, મારી સાથે તને પણ નૈવેધ ચડશે મારી સાથે તારુ નામ પણ આ દુનીયામા અમર રહેશે.

આવી રીતે ગાંડી ગેલ બાબરાભુતનો ઉધ્ધાર કર્યો

બોલો ભાડલાની ગાંડી ગેલની જય

આ ઈતિહાસનુ લખાણ મારી જાણકારી મુજબ કર્યુ છે લખાણમા કોઈપણ ભુલચુક થઈ હોય તો નાનો ભાઈ સમજી માફ કરવા વિનંતી

જગદંબાનો મહિમા તો અપરંપાર છે વૈદ પણ જેને नैती-नैती કહી વિનવે છે તો આપણે તો સાધારણ મનુષ્ય છીએ તેની માયાનુ વર્ણન આપણે કઈ રીતે કરી શકીએ

અમરકથા પરીવારના દરેક સદસ્યોએ આ ઈતિહાસના દરેક ભાગમા લાઈક/કોમેન્ટ/શેયર કરી જે પ્રેમ દર્શાવ્યો તે બદલ આપ સર્વનો દિલથી આભાર

આ ઈતિહાસ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવવા વિનંતી

બીજો કોઈ ઈતિહાસ જાણવો હોય તો કોમેન્ટમા જણાવશો

જય માતાજી

આપનો આભારી
✍ વિજય એચ વ્યાસ (વધાવી) – કોપીરાઈટ લેખક ના છે.

ગાત્રાળ મા નો ઇતિહાસ અને પરચાઓ 2

ગાત્રાળ મા નો ઇતિહાસ અને પરચાઓ 3

જય મા ગાંડી ગેલ ગાત્રાળ

2 thoughts on “બાબરા ભુતને ગેલી ગાત્રાળ મા નો પરચો ભાગ 4”

  1. ભાડલા ની માંઁ આઇ ગેલ માંઁ લુહાર પિત્રોડા નાં કુળ દેવી કેવી રીતે થયા
    કરછ થી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *