5634 Views
” મંગળસૂત્ર ” સંબંધોના તાણાવાણામાં ગુંથાયેલ એક હ્રદયસ્પર્શી વાર્તા છે. લેખક – નટવરભાઇ રાવળદેવ – થરા. Gujarati Heart touching story – Mangalsutr.
🍀મંગળસૂત્ર🍀
સંગીતા અને સંજય આડોશી પાડોશી. સંગીતા માત્ર દશ વર્ષની હતી ત્યારે એના પિતાજીનું મૃત્યુ થયેલું. એની માએ બીજે ઘર માંડ્યું પરંતુ સાથે દિકરીને લઈને આવવાની એના પતિએ ના કહેલ એટલે ના છુટકે સંગીતાને મામાને ઘેર રહેવાનું થયું. ત્યાંથી વળી એની માસી શાંતા એના ઘેર લાવી.
પાંચમા ધોરણમાં ભણતી સંગીતાનો અભ્યાસ એટલેથી જ અટકી ગયો કારણ કે માસી કાંતાબેનને બે દિકરા હતા પરંતુ દિકરી હતી નહીં એટલે સંગીતાને તો એ માત્ર ઘરકામની લાલચે લાવ્યાં હતાં. આમેય શાંતાબેનનો પરિવાર મજુરી ઉપર નભતો હતો એટલે પછી સંગીતાના અભ્યાસની ચિંતા માસીને થોડી હોય!
પાંચ ધોરણ સુધી સંગીતા ભણવામાં એકદમ અગ્રેસર. નામ પ્રમાણે સંગીતના ગુણ તો એટલા કે ના પુછો વાત! “મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ” તો એવા ભાવવાહી સ્વરે ગાય કે, અઠવાડિયે પંદર દિવસે શાળાનો શિક્ષક ગણ સંગીતાને “જનનીની જોડ સખી નહી જડે રે લોલ “ગીત પ્રાર્થનામાં અવશ્ય ગવડાવે જ.
હા, એ ગીતમાં માના પ્રેમની અનન્ય લાગણીસભર ગાથા વર્ણવેલી છે એ માના પ્રેમથી જ સંગીતા વેગળી થઈ ગઈ એ તો વિધિની ક્રુર મજાક નહી તો બીજું શું!
સાતમા ધોરણમાં ભણતો સંજય સવારે ઓસરીમાં બેસીને ગૃહકાર્ય કરતો હોય ત્યારે સંગીતા એને જોયા કરે.સંજયને જોઈને એનેય ભણતર યાદ આવે પરંતુ એને માત્ર ઘરકામ માટે જ માસી લાવ્યાં છે એ ભલી ભાંતી સંગીતા જાણતી હતી.માસી ના બન્ને દિકરાઓ પણ દશ દશ ધોરણ ભણીને મજુરીએ વળગી ગયા હતા.
સંજયને અભ્યાસમાં વ્યસ્ત જોતાં જ એને પ્રાર્થનાનાં ગીતો જરૂર યાદ આવી જાય ને ઘરકામ કરતી કરતી એ ગીતો ગણગણવા પણ માંડે.સૂરીલો લયબદ્ધ અવાજ સાંભળીને સંજય પોતાનું ગૃહકાર્ય પડતું મુકીને ગીતો સાંભળવામાં લીન થઈ જાય.
ઘણીવાર તો સંજય પણ સંગીતાને પાસે બોલાવીને એકાદ ગીત ગાવાની વિનંતી કરે. મીઠા અવાજે સંગીતા જરૂર ગાઈ સંભળાવે. સંજયનાં મમ્મી જશોદાબેન તો એ વખતે સંગીતાને જરૂર કંઈક ખવડાવે. સંજયના પપ્પા કરશનભાઈ આગળ જશોદાબેન ઘણી વખત સંગીતાની વાત કાઢે, ‘કેટલી ડાહ્યી ડમરી છે આ સંગીતા! વળી ભગવાને રંગ રૂપ પણ કેટલું આપ્યું છે! કેટલું રૂડું ગાય છે પાછું? ભણવામાંય ખુબ હોશિયાર હશે! બિચ્ચારી નબાપી છે એ કેટલું વસમું? એને આખો દિવસ કામ કરતાં જોઈને મારો તો જીવ બળી જાય છે પણ શું કરીએ? આ એની માસી કામ કરવા માટે તો એને લાવી છે.
સંજયના પિતાજીને ગામમાં જ મોટી કરિયાણાની દુકાન હતી જે ધમધોકાર ચાલતી હતી એટલે સંજયનો પરિવાર ખાધેપીધે સુખી હતો જ એટલે વાર તહેવારે જશોદાબેન સંગીતાને કપડાં લતાં લઈ આપે. સંગીતાનાં માસી પણ જશોદાબેનને કંઈ વધારે પડતું ઘરકામ હોય તે દિવસે સંગીતાને મોકલે.
સમય પસાર થતો ગયો.ધોરણ બાર પાસ કરીને સંજય આગળ અભ્યાસાર્થે શહેરમાં ઉપડી ગયો.દરરોજ એનાં માતાપિતા સાથે ફોન પર સંજય વાતચીત તો કરે જ પરંતુ જે દિવસે એને કંટાળો આવ્યો હોય એ દિવસે તો જશોદાબેન પાસે સંગીતાને ફોન પર બોલાવડાવીને એકાદ ગીત સાંભળે જ.
સંગીતાએ યુવાનીને ઉંબરે પગ માંડ્યો એ સાથે જ એનાં માસીએ એના હાથ પીળા કરાવી દીધા.અમદાવાદમાં રહીને મજૂરીકામ કરતા અને ચાલીમાં રહેતા જયંતી સાથે.લગ્ન વખતે જશોદાબેને સંગીતાને એક જોડી કપડાં ચાંદીનું મંગળસૂત્ર અને કપડાં ભરવાની પેટી ભેટમાં આપ્યાં. વિદાય વખતે તો સંગીતાનાં માસી કરતાંય જશોદાબેન વધારે રડ્યાં.છેલ્લે જશોદાબેને સંગીતાને કહ્યું કે, ‘કાંઈ પણ જરૂર પડે તો આ તારી જશોદામાસી પાસે ગમે ત્યારે ચાલી આવજે.’
કરમની કઠણાઈ કહો કે પછી લેખ! જયંતી દારૂડિયો માણસ. આમેય સંગીતાનાં માસીએ જયંતીનાં માબાપ પાસેથી ખાસ્સા રૂપિયા લઈને સંગીતાને જયંતી સાથે પરણાવી હતી એટલે જયંતીની થોડીઘણી કમાણી હતી એ પણ વપરાઈ ચુકી હતી. ત્રણ વર્ષના લગ્ન જીવનમાં સંગીતાએ દિકરીને જન્મ આપ્યો.દારૂડિયો પતિ અને કુટુંબમાં એક જણનો વધારો થયો એટલે સંગીતાએ બાજુની સોસાયટીમાં ઘરકામ બાંધી દીધું પરંતુ કુદરતને સંગીતાનું સુખ જાણે કઠતું હોય તેમ દારૂડિયો પતિ બિમાર પડ્યો ને દશ વર્ષનો સંસાર ભોગવીને સંગીતા વિધવા થઈ.
દશકો વીતી ગયો. સંજય તો ભણી ગણીને અમદાવાદમાં નોકરિયાત બની ગયો હતો.સુશીલ અને સંસ્કારી ઘરની પત્નિ પણ મળી હતી.અંજલી ગ્રેજ્યુએટ થયેલી અને એકદમ મળતાવડા સ્વભાવની આદર્શ ગૃહિણી હતી. લગ્ન પછી ત્રણ જ મહિને સંજયે એનાં માબાપને અમદાવાદ બોલાવી લીધાં હતાં.નોકરીના સાતમા વર્ષે તો સંજયે ઘરનું મકાન પણ લઈ લીધું. હર્યાભર્યા પરિવારમાં ભગવાનને આનંદનો ઉમેરો કર્યો ને પ્રથમ ખોળે જ અંજલીએ દિકરાને જન્મ આપ્યો જે અત્યારે પાંચ વર્ષનો છે.
સંજય નોકરીએ ગયેલ હતો. પાંચ વર્ષનો દિકરો જય સ્કૂલે હતો.બારેક વાગ્યાના સમયે અંજલી ટ્રોલીવાળા સ્કુટરમાં બેસાડીને જશોદાબેનને તાવ આવેલ હોવાથી ફેમિલી ડોક્ટરને બતાવવા લઈ જઈ રહી હતી.સાથે કરસનભાઈ પણ હતા.
દવાખાનું સામે જ દેખાતું હતું ત્યાં પૂરપાટ ઝડપે આવતી સીટી બસે અંજલીના સ્કુટરને અડફેટે લઈ લીધું.
લોહીલુહાણ હાલતમાં અંજલી, જશોદાબેન અને કરસનભાઈને દવાખાને લઈ જવામાં આવ્યાં. કરસનભાઈ અને જશોદાબેન કરતાં અંજલીને ઘણું વધારે વાગ્યું હતું. ડોકટરની તાત્કાલિક સારવાર છતાંય અંજલી ના બચી શકી.
સંજયના ખુશહાલ પરિવારમાં શોકનું મોજું છવાઈ ગયું. સંજય તો બિલકુલ પડી ભાગ્યો.સાત સાત વર્ષનું ઉત્કૃષ્ટ લગ્નજીવન! અંજલીના અનન્ય પ્રેમભાવથી સંજયનો પરિવાર સ્વર્ગ જેવો બની ગયો હતો.અંજલીને ભુલવી આખા પરિવાર માટે અશક્ય હતું.દિકરો જય તો વારંવાર અંજલીને યાદ કરીને રડી પડતો હતો.
દુ:ખનું ઓસડ દહાડા! છ મહિના વીતી ગયા.આધેડ ઉંમરે જશોદાબેન માથે તો ફરી એ જ ઘરકામ આવી પડ્યું હતું.બન્ને પતિ પત્ની સંજય નોકરીએ જાય ત્યારે સંજય બીજાં લગ્ન માટે તૈયાર થાય એ બાબતે જરૂર ચર્ચા કરી લેતાં હતાં પરંતુ સંજય આગળ કહેવાની બેમાંથી એકેયની હિંમત ચાલતી નહોતી. સંજય પણ વેદનાને છુપાવીને દિકરા જય માટે કરીને ખુશ રહેવાનો પ્રયત્ન કરતો હતો.
થોડો સ્વસ્થ થતાં જ સંજયે જશોદાબેનને કહ્યું, ‘મમ્મી! તમારે આ ઉંમરે બધું જ ઘરકામ કરવું પડે છે તો કોઈ કામવાળી બેન મળી જાય તો તમને રાહત થશે માટે જેમ બને તેમ જલ્દીથી કામવાળી શોધી લ્યો. ‘
‘ હા બેટા! કામવાળી તો જરૂર ગોતી કાઢીશ પરંતુ તું પણ બીજાં લગ્ન માટે કંઈક વિચારે એવી મારી અને તારા બાપુજીની ઈચ્છા છે.’ -જશોદાબેને કોચવાતા જીવે સંજયને કહ્યું.
સંજયની આંખમાંથી આંસુ આવી ગયાં છતાંય એણે જશોદાબેનને કહ્યું, ‘મમ્મી, મને વિચાર થશે તે વખતે હું તમને સામેથી કહીશ પરંતુ એના પહેલાં ફરીથી આ બાબતે મને ના ટકોરતાં.’ આટલું બોલીને સંજય જશોદાબેનના ખોળામાં માથું નાખીને રડવા લાગ્યો. જશોદાબેને માંડમાંડ સંજયને શાંત કર્યો.
સાંજે પાંચ વાગ્યાના સમયે સોસાયટીના દરવાજાની બહાર કરિયાણાની દુકાનેથી જશોદાબેન કરીયાણું લઈ રહ્યાં હતાં ત્યાં પરિચિત અવાજ એમના કાને અથડાયો, ‘ભાઈ બે કિલો ખીચડીના ચોખાને કિલો મગદાળ આપોને!’ જશોદાબેને પાછળ ફરીને જોયું.
જશોદાબેનને એમની આંખો પર વિશ્વાસ બેસતો નહોતો પરંતુ થોડાં લધર વધર કપડાંમાં ઉભેલ સ્ત્રી બીજુ કોઈ નહીં પરંતુ સંગીતા હતી.સાથે બારેક વર્ષની સંગીતાની દિકરી કલ્પના હતી.ચાંલ્લા વગરનું કપાળ અને હાથે વૈધવ્યનું નિશાન જોઈને જશોદાબેન થરથરી ગયાં.
સંગીતાએ પણ જશોદાબેન સાથે નજર મેળવી.એના મોઢામાંથી અનાયાસે જ શબ્દો સરી પડ્યા, ‘માસી! ‘
જશોદાબેન સંગીતાને ભેટી પડ્યાં.’ચાલ બેટા મારે ઘેર ,અમે પણ અહીંયાં જ રહીએ છીએ.’કહીને જશોદાબેને દુકાનદારને કહ્યું, ‘પ્રકાશભાઈ, બધું પેક કરીને મારે ઘેર મોકલાવી દેજો.હું અત્યારે જાઉં છું. ‘ કહીને જશોદાબેન સંગીતા અને તેની દિકરી કલ્પનાને લઈને ઝડપભેર ચાલતાં થયાં.
ઘેર આવતાં જ કરસનભાઈ પણ સંગીતાને ઓળખી ગયા.’અરે !બેટા સંગીતા તું ! વૈધવ્ય વેશમાં જોઈને એમનું હ્રદય પણ દ્રવી ઉઠ્યું. જશોદાબેને મા દિકરીને પાણી આપ્યું. જય તો એના ગૃહકાર્યમાં વ્યસ્ત હતો.
જશોદાબેને સંગીતાને પાસે બેસાડીને પુછ્યું, ‘બેટા! તારા આ હાલ! ‘
જેના લલાટમાં માત્ર દુ:ખના જ લીસોટા પડેલા હોય એની આંખમાં આંસુ તો ક્યાંથી ઉભરાય! છતાંય સંગીતા થોડી તો લાગણીમય થઈ ઉઠી. એણે એની સંપુર્ણ જીવનકથની જશોદાબેન આગળ કહી સંભળાવી.
અંતમાં ઉમેર્યું, ‘સગી માસીએ જ મને રૂપિયા લઈને પરણાવી પછી મારૂ દુ:ખ કોની આગળ કહું? મારી સગી મા તો મારી વિદાય વખતેય નહોતી આવી એ વાતથી તમે ક્યાં અજાણ છો માસી! આ કલ્પનાના બાપના મોત પછી તમારી ઘણી યાદ આવતી હતી પરંતુ હું લાચાર હતી. ત્યાં આવું ને મારાં માસી વળી ક્યાંક રૂપિયા લઈને બીજે ઘઘરાવી દે તો! ભગવાનને સુખ આપવું હોત તો આ પહેલા લગ્નમાં જ આપી દીધું હોત! એટલે જ તો એ ચાલીની નાની ઓરડી બે લાખમાં વેચીને રૂપિયા કલ્પનાના નામે મુકી દીધા છે.પાંચ ઘરનાં કામ બાંધ્યાં છે,એમાંથી આ સોસાયટીની બાજુની ચાલીમાં મહીને સાતસો રૂપિયાના ભાડાથી રહું છું ને કલ્પનાને ભણાવું છું.’
‘વાહ દિકરી વાહ! ધન્ય છે તને પરંતુ આ બધા સંસ્કારો તું લાવી ક્યાંથી?’ – કરસનભાઈ ભાવાવેશમાં બોલ્યા.
‘બાપુજી!એ બધું હું તમારા પરિવાર પાસેથી એકલવ્ય બનીને શીખી છું.’ -કોરી આંખે સંગીતા આટલું જરૂર બોલી શકી.
‘માસી સંજય ક્યાં છે? આ દિવાલે મઢેલી સુખડના હારવાળી છબી કોની છે? તમે કરીયાણું લેવા કેમ આવ્યાં હતાં?’ -સંગીતા જિજ્ઞાસાવશ બોલી.
સંઘરી રાખેલ લાગણી પ્રવાહ આંખોમાંથી આંસુ સાથે વહી પડ્યો. રડમશ ચહેરે જશોદાબેને બધું જ કહી સંભળાવ્યું.
સંગીતા જશોદાબેનને ગળે વળગીને રડવા લાગી. કરસનભાઈએ સાંત્વના આપીને બન્નેને છાનાં રાખ્યાં.
થોડો સમય સ્તબ્ધતા વ્યાપી ગઈ છેવટે સંગીતાએ જશોદાબેનને કહ્યું, ‘માસી, હવે તમારે રસોઈ સિવાય કોઈ ઘરકામ કરવાનું નથી.હું બધું જ કર્યે જઈશ. પાંચમાંથી ગમે તે બે ઘરનું કામ છોડી દઈશ.’
જશોદાબેન બોલ્યાં, ‘હા બેટા! પરંતુ આજે તો તારે અહીં જ રાત રોકાવાનું છે.’
આ બધી વાતચીત સાંભળી રહેલ જય એનું ગૃહકાર્ય પુરુ થતાં જ જશોદાબેન પાસે આવીને બોલ્યો, ‘દાદી! આ કોણ છે?
જશોદાબેને જયને કહ્યું ‘બેટા જય! એ તારી સંગીતા માસી છે અને એની સાથે દીદી કલ્પના છે. તને ગીત સાંભળવાં ખુબ ગમે છે ને! જો હમણાં સંગીતા માસી સરસ મજાનું ગીત ગાશે.’
ચા પાણી કરીને સંગીતાએ જયને પાસે બેસાડીને, “મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ” શરૂ કર્યું.
સાડા છ થઈ ચુક્યા હતા. દરવાજે આવીને સંજય આ ગીત સાંભળી રહ્યો હતો તે કોઈનેય ખબર નહોતી.ગીત પુરુ થતાં જ એકદમ લાગણીસભર અવાજે અંદર આવીને સંજય બોલી ઉઠ્યો, ‘સંગીતા તું?
એણે ગીત સાંભળ્યું ત્યાં સુધી થોડો હળવો થઈ ગયો હતો પરંતુ અંદર આવીને એણે સંગીતાને ધ્યાનથી જોઈ એ સાથે જ ફરી ગમગીન બની ગયો.
જશોદાબેને સંગીતાની બધી હકીકત કહી સંભળાવી.
સંજય સૂન્ન થઈ ગયો.અંતરઆત્મા પોકારી ઉઠ્યો, ‘હે પ્રભુ! તારી ગતિ અકળ છે.’
સવારે જશોદાબેને સંગીતાને કહ્યું, ‘બેટા સંગીતા! હવેથી તારે બન્ને ટાઈમ અહીં જ ખાવાનું છે અને એના સિવાય બીજી કોઈ જરૂર પડે એ શરમાયા વગર મને કહી દેજે.’
જોતજોતામાં એક વર્ષ પસાર થઈ ગયું.
સંજયને આજે આખી રાત ઉંઘ નહોતી આવી. શનિવારની આખી રાત એણે સતત વિચારોમાં પસાર કરી દીધી. સવારે ઉઠીને નાહી ધોઈ પુજાપાઠ કરીને એ સ્વ.અંજલીની છબી સામે બે હાથ જોડીને ઉભો રહ્યો.
થોડીવાર ઉભો રહીને પછી એણે જશોદાબેનને કહ્યું, ‘મમ્મી! સંગીતાને આ ઘરની વહુ બનાવવાનો મેં નિશ્ચય કર્યો છે. એક મા વગરના દિકરાને મા મળશે ને એક બાપ વગરની દિકરીને બાપ. અને હા, જેને ક્યારેય માબાપનું સાચું સુખ નથી મળ્યું એવી સંગીતાને સાસુ સસરા તુલ્ય માબાપ. છતાંય હજી આ બાબતે સંગીતાને પુછવું જરૂરી તો છે જ. એ વાત હું તમારા પર છોડું છું મમ્મી અને મારા બાપુજીને પણ તમે જ કહેજો’
‘બેટા! આ વિચાર તો હું અને તારા બાપુજી છેલ્લા બાર બાર મહિનાથી મનમાં સંઘરીને બેઠાં છીએ. મને વિશ્વાસ છે કે, આ વાતમાં સંગીતાની ના નહીં જ હોય! ‘ -જશોદાબેન ઘણા સમય પછી એકદમ ખુશ થઈને બોલ્યાં.
સવારના સાડા દશે સંગીતા અને કલ્પના આવી પહોચ્યાં. સંગીતાના હાથમાં ચાંદીનું મંગળસૂત્ર હતું.
‘માસી!જુઓ આ મંગળસૂત્ર.તમે જ મને ભેટમાં આપ્યું હતું. બંગલાવાળાં મંજુલામાસીને ઘેર બે વરસથી બારસો રૂપિયામાં ગીરવે પડ્યું હતું. આજે છોડાવીને લાવી છું. લ્યો માસી, ચાલીની ઓરડીમાં રાખ્યા કરતાં તમે જ તમારી તિજોરીમાં મૂકી દો. આમેય મારે શું કામનું? જરૂર પડશે ત્યારે માંગી લઈશ.’
જશોદાબેન મંગળસૂત્ર હાથમાં લઈને મનમાં બબડ્યાં, ‘હે પ્રભુ! તમે તો આજે અમારા શુભ વિચારને સાક્ષાત ટેકો આપી રહ્યા છો! ‘
‘અહીં આવ સંગીતા.’ -કહીને જશોદાબેન સંગીતાને બાજુના ઓરડામાં લઈ ગયાં. ઓરડામાં જઈને જશોદાબેન સંગીતાને ભેટી પડ્યાં અને બોલ્યાં, ‘આ મંગળસૂત્રનો તોલ આજે સાચવજે બેટા સંગીતા.’
‘ માસી,હું કંઈ સમજી નહીં તમારી વાતને! તમે શું કહો છો? ‘ -સંગીતા ભાવાવેશમાં બોલી.
આજે અમે સૌએ નક્કી કર્યું હતું કે, તને આ ઘરની વહુ બનાવવી. એવા સમયે જ તું સુહાગની નિશાની એવા મંગળસૂત્રને સામેથી લઈને આવી છે. આમાં પ્રભુનો સંકેત નહીં તો બીજું શું? આવું વિચારીને હું ભાવાવેશમાં તને મંગળસૂત્રનો તોલ સાચવવાનું કહી બેઠી. છતાંય તારા વિચારને જાણ્યા વગર મારે કંઈજ નથી કહેવું. બોલ તારે શું કહેવું છે? તારી ના હશે તો પણ આ ઘરના દરવાજા તારા માટે કાયમ ખુલ્લા રહેશે બેટા! ‘ -આટલું બોલતાં બોલતાં તો જશોદાબેન રીતસરનાં રડી પડ્યાં.
ટપકતાં આંસુને હાથમાં ઝીલીને સંગીતાએ એના માથે ચડાવ્યાં ને જશોદાબેનને ભેટી પડી. એના મોઢામાંથી શબ્દો સરી પડ્યા, ‘મા! તમે તો ગરીબ,ભીખારણ,નબાપી, નમાઈ,રાંડીરાંડ જેવા શબ્દોને એક જ ઝાટકે ભુંસી નાખ્યા છે.

એ જ ચાંદીનું મંગળસૂત્ર સંજયે અંજલીની છબી સામે સંગીતાને પહેરાવ્યું.સંગીતા સૌ પ્રથમ સ્વ. અંજલીની છબીને પગે લાગીને પછી વારાફરતી સંજય, કરસનભાઈ અને જશોદાબેનને પગે પડી અને છેલ્લે એક વાક્ય બોલી,’આજથી આ પરિવારમાં મને સૌ” અંજલી ” નામથી સંબોધન કરશો એવી વિનંતી કરૂ છું.મારા દિકરા જયને ક્યારેય એવું ના લાગે કે, મારી મમ્મીનું નામ બદલાઈ ગયું છે.કલ્પના તો મારા પેટની જણી છે ને!
લેખક -નટવરભાઈ રાવળદેવ.
પ્રા શિક્ષક
મુ-થરા તા. કાંકરેજ(બ.કાઠા)
તા-૩૦/૦૧/૨૦૨૨
બાળવાર્તા, ગુજરાતી બેસ્ટ વાર્તા, હ્રદયસ્પર્શી વાર્તા, યાદગાર વાર્તા, સિંદબાદની વાર્તા, સિંહાસન બત્રીસીની વાર્તાઓ માટે amarkathao સાથે જોડાયેલા રહો.
હ્રદયસ્પર્શી અન્ય વાર્તાઓ 👇 વાંચો.