Skip to content

નાગમતી નાગવાળો અમર પ્રેમકથા | Nagmati nagvalo

નાગમતી નાગવાળો full story
9225 Views

નાગમતી નાગવાળો (નાગમદે નાગવાળો) , વાગડ ની અમર પ્રેમ કહાની, ગુજરાતી પ્રેમકથાઓ, અમર પ્રેમકથાઓ, હોથલ પદમણી, શેણી વિજાણંદ, માંગડાવાળો અને પદ્માવતી. 1984 Nagmati Nagvalo Hd Mp4 & MP3, 3gp Download 1984 Nagmati Nagvalo Hd Mp4, HD & 3gp. Download નગમતી નગ્વાળો 1984 (Nagmati Nagvalo) || HD ફુલ ગુજરાતી મૂવી, Amar prem kahani Nagmati Nagvalo,

નાગમતી નાગવાળો સંપુર્ણ કથા

વાગડ ની અમર પ્રેમ કહાની

નાગમતી નાગવાળો (નાગમદે નાગવાળો)

પ્રભાત નો સુંદર સમય હતો. રાત્રી નો ઘેરો અંધકાર આકાશ ની કોઈ ઉંડી ઉંડી ગુફા મા ઉતરતો જતો હોય એવુ જણાતુ હતુ. અંધકાર ને સ્થાને પ્રકાશ પોતાની સત્તા જમાવવા લાગ્યો હતો. આખી રાત પોત પોતાના માળા મા પુરાઈ રહેલા પંખીઓ મુક્તિ ની મોજ માણવા વાગડ ના વનરાજી મા કિલકિલાટ કરતા અંતરના આનંદ નો ઉભરો બહાર કાઢી રહયા હતા.

આ વખતે કચ્છ વાગડ ના કાનમેર ના કાઠી રાજા કાનસુર ભેદા ની વાઢ મા ઠેર ઠેર ગાજી રહેલો છાસ નો વલોણા ના ધ્રુસકો વાતાવરણ ને ધમધમાવી રહયો હતો. ગાયો ભેંસો જંગલ નુ લીલુ લીલું મનમાનીતુ ઘાસ ચરવા ને સીમ ભણી ઉપડી ચુકી હતી. એ સમયે સમાજ ની તમામ ધન સંપતિ નો સમાવેશ પશુધન મા જ થઈ જતો હતો.

પશુધન એ જ મોટા મોટું ધન મનાતુ હતુ જમીનદારો જાગીરદારો અને રજવાડા ની મહત્તા પણ એમની પાસે ના પશુધન પર થી જ અંકાતી હતી. જયારે બારે માસ ચારા પાણી સગવડ હોય એવી જગ્યા એ વાંઢ અથવા નેસ ના નામ થી ઓળખાતી. પશુ પાલકો અને જમીનદારો પણ આવા સ્થાન પર પોતાનુ મેલાણ નાખી રહેતા.

કાનમેર નો કાઠી રાજા કાનસુર ભેદો પણ પોત પોતાની વાંઢ મા સવાર ના સુંદર સમયે એક લીમડા ના વુક્ષ નીચે દાતણ કરતો બેઠો હતો. કાઠી રાજા સઘળી વાતે સુખી અને સમૃદ્ધ હતો. એને એક જ વાત નુ દુખ હતુ. એને ત્યા સંતતિ ની ખોટ હતી. એણે અનેક સંતો મહંતો ની પ્રેમ પુર્વક સેવા કરી હતી. પરતુ એની ભક્તિ આજ સુધી એને ફળી ન હતી. આ દંપતિ ના અંતર મા સંતાન ની ખોટ ની ખટક રાત દિવસ કાંટા ની માફક ખટકી રહી હતી.

કાઠી રાજા દાતણ કરતો બેઠો હતો એ વખતે એક વુદ્ધ યોગી અચાનક અહી આવી ચડ્યો. એના મસ્તક પર સફેદ બાલ ની મોટી જટા શોભી રહી હતી સવાર ના મંદ મંદ પવન થી ફરફર થતી દાઢી ના શ્વેત લાંબા બાલ યોગી ની ભવ્યતા મા ઓર વધારો કરી રહયા હતા. આજે અચાનક આ યોગીરાજ ને અહી આવી પહોચેલો જોઈ ને કાઠી રાજા ઉમળકાભેર એમની સામે આવ્યો અને એમના પગ મા પડી બે હાથ જોડી ઉભો રહયો.

યોગી કાઠી રાજા ના મસ્તક પર આર્શિવાદસુચક હસ્ત મુકી આગળ ચાલવા વધવા લાગ્યો. પરંતુ આજ નો દિવસ અહી જ રોકાઈ રહેવા કાઠી રાજા એ અતિ નમ્રતાપૂર્વક એમને વિનંતી કરી. એની ભક્તિ જોઈ યોગી પ્રસન્ન થયા અને કંઈક માંગણી કરવા આજ્ઞા કરી.
‘યોગીરાજ! હુ દરેક વાતે સુખી છુ. મારે ત્યા માત્ર સંતતિ ની ખોટ છે. અને એ દુખ થી મારુ જીવન આજે કડવું ઝેર બની ગયુ છે. પુષ્કળ માલ મિલકત નોકરો ચાકરો અને પશુધન નો માલિક છુ. છતા વાઝીયાપણા ની ચિનગારી મારા અંતર મા અહોનિશ આગ જલાવી રહી છે. આવા જીવન કરતા મરણ મને વધારે ગમે છે.
આટલુ કહેતા જ કાઠી રાજા ની આંખો માથી એકધારો અશ્રુ નો પ્રવાહ ચાલવા લાગ્યો.

કાઠી રાજા ની દુખદ સ્થિતિ જોઈ ને યોગી ને દયા આવી. દયાપુર્વક વાણી થી તે બોલ્યો-
‘રાજન! આજ થી તમો દંપતિ નાગદેવ ની પુજા કરી ને પછી ભોજન કરજો અને નાગદેવ ની કૃપા થી તમારી ઈચ્છા પૂર્ણ થશે એમ મને લાગે છે. અને તરત યોગી ત્યાથી વિદાય થઈ ગયા.

બરાબર બાર માસ પછી યોગી પાછા આવ્યા ત્યારે કાનસુર ભેદા ને ત્યા નાગપદમણી જેવી એક અતિ સ્વરૂપવાન પુત્રી રમી રહી હતી. રાજા રાણી ના આનંદ નો હવે પાર રહયો ન હતો. એ પુત્રી એમને પુત્ર થી પણ વિશેષ પ્રિય હતી. આ બધો પ્રતાપ યોગીરાજ નો જ છે એમ જાણી આ દંપતિ એ યોગીરાજ ની અતિપ્રેમ થી પુજા કરી, બાલકુવરી ને યોગીરાજ ના ચરણો મા લોટાવી દીધી.

યોગી બોલ્યા, આ કુંવરી નાગદેવ ની દયા થી તમો ને પ્રાપ્ત થઈ છે. માટે એની નામ ‘નાગમતી ‘ રાખવુ. આમ નામાકરણ વિધિ પુર્ણ થતા યોગી તરત જ પાછા પોતાના રસ્તે પડી ગયા.

નાગમતી જેમ જેમ મોટી થતી ગઈ , તેમ તેમ તેનુ સ્વરુપ ચંદ્ર ની ચડતી કળા ની પેઠે ખીલવા લાગ્યુ. એ સોળ વર્ષ ની થઈ ત્યારે ઈદ્ર ની અપ્સરા પેઠે એનુ યૌવન અને લાવણ્ય ખીલી ઉઠ્યુ.
નાગમતી ના અથાગ રુપ ની વાત ચારે તરફ ફેલાઈ ગઈ હતી. આ કારણ થી ચોતરફ થી તેના હસ્ત ગ્રહણ માટે માંગા આવવા લાગ્યા હતા. પરંતુ નાગમતી ના રુપ ની સરખામણી મા ઉભી શકે એવો કોઈ રાજકુમાર કાઠી રાજા ની નજર મા આવતો ન હતો.

નાગમતી અને નાગવાળો
નાગમતી

કાઠી રાજા કૃષિકળા નો જાણકાર અને કદરદાન હતો. નાગમતી કુમારી માટે યોગ્ય વર ની શોધ કરવા તેણે એક નવી જાત નો સ્વયંવર રચ્યો. કાઠી રાજા એ જાહેર કર્યુ કે ‘જે રાજકુમાર ખેતી ની કળા મા સોથી શ્રેષ્ઠ નીવડશે તેને હુ મારી કન્યા પરણાવીશ.,

આ કસોટી એવા પ્રકાર ની હતી કે એક (ખેતર) ધરતી મા હળ વડે સીધી ‘દોરીછટ’ ચાસ પાડવા. એ તમામ ચાસ એવા સીધાદોર હોવા જોઈએ કે ચાસ ની વચ્ચે એક છેડે મુકેલી સોપારી બીજા છેડે થી ચોખ્ખી જોઈ શકાય. કસોટી આકરી હતી. આવા એક સરખા સીધા ચાસ પાડવા એ કાઈ બચ્ચા ના ખેલ નથી. આ પરીક્ષા પસાર કરવા માટે અહી રાજકુમારો માટે કૂષિકળા શિખવાની એક ખાસ સંસ્થા ખોલવા આવી. નાગમતી કુમારી ના હસ્તગ્રહણ ની ઉમેદવારી માટે આવેલા રાજકુમારો અહી કૃષિકળા નો અભ્યાસ કરવા લાગ્યા.

આ વખતે કચ્છ દેશ પર ઓચિંતી એક અણધારી આફત આવી પડી આખો દેશ દુષ્કાળ ના ભયંકર પંજા મા ઝડપાઈ ગયો. પશુ પાલકો માટે દુષ્કાળ જેવી કોઈ મહાન આફત નથી અને વાગડ જેવા પ્રદેશ મા જયા દુષ્કાળ ના સમય મા માણસો માટે પાણી પીવા ના સાંસા પડે ત્યારે ઢોરો નુ તો પૂછવું જ શુ? પોતાની લાડીલી ગાયો ભેંસો ને દુષ્કાળ ના જડબા માથી બચાવી લેવા માટે કાઠીરાજા એ વાગડ ની ભુમી નો ત્યાગ કરી ગુજરાત તરફ ઉપડી જવા નો વિચાર કર્યો.

બરાબર એજ સમયે એક ચારણ અહી આવી પહોંચ્યો અને રણ ની પેલી પાર આવેલી સમિયાણા ની ધરતી ના પેટ ભરી ને વખાણ કરવા લાગ્યો.

લાખેણુ લીલું ભલું, સમિયાણુ શુભ સાર,

રજવાડુ રિદ્ધિ ભર્યુ, બહોળો હાટ બજાર,

લાડકવાયા લોક, મીઠા બોલા માનવો,

સમિયાણા ની નંદનવન જેવી ઘાસ ચારા થી ભરપુર ભુમી ની વાતો સાંભળી કાઠી રાજા એ પોતાની તમામ આથો સાથે ત્યા જવાનો નિશ્ચય કરી લીધો. બીજે જ દિવસે કાઠી રાજા નો તમામ રસાલો તૈયાર થઈ ગયો. ગાયો ભેંસો વગેરે પુષ્કળ પશુધન સાથે આ લોકો રણ ઓળંગી આગળ ચાલ્યા અને કેટલેક દિવસે મજલ દર મજલ કરતા સમિયાણા ની સીમ મા આવી પહોંચ્યા લીલી નાગરવેલ જેવી આ ભુમી જોઈ ને બધા જ ને આનંદ નો પાર રહયો નહી. એમના ઢોરો અહી નિરાંતે ચરવા લાગ્યા. અહી લીલુ ઘાસ આનંદે ચરી ને આ પ્રાણીઓ દુષ્કાળ ભુખ દુર કરવા લાગ્યા. હજારો ઢોર ના ટોળા સમિયાણા ની સીમ ને સાફ કરવા લાગ્યા.

આ સમયે સમિયાણા મા કાઠી રાજા ઘમરવાળા ની રાજ સત્તા હતી.ઘમરવાળો એક ધર્મનિષ્ઠ અને ઉદાર રાજા હતો. એના રાજ મા માગ્યા મેહ વરસતા. હમણા જયારે કચ્છ વાગડ અને બીજા કેટલાક પ્રદેશ મા ભયંકર દુષ્કાળ ના ઓળા ઉતરી રહયા હતા ત્યારે ઘમરવાળા ના રાજ મા લોકો લીલા લહેર કરી રહયા હતા. અહી ની તમામ સીમ લીલીછમ ખેતરો અને વિપુલ ઘાસચારા થી છલકતી હતી ઘમરવાળા ને સંતતિ મા એક નો એક પુત્ર હતો. તેનુ નામ નાગવાળો.

નાગવાળો રૂપ અને ગુણ ના ભંડાર સમાન હતો. યુવાન હતો. આણલદેવી નામે એક રાજકુમારી સાથે એના લગ્ન થયા હતા. પરતુ આણલદેવી અને નાગવાળા વચ્ચે સાચો સ્નેહ સબંધ જાગૃત થતો ન હતો. આણલદેવી સ્વરૂપવાન તો હતી. પરતુ એથી વધારે ઉગ્ર હતી. એની આ ઉગ્રતા પતિ પત્ની વચ્ચેની સ્નેહ ગાંઠ દ્રઢ થવા દેતી ન હતી.

રાજકુમાર નાગવાળો દરરોજ સવારે એકલો ઘોડે બેસી ને પોતાનો ઘોડો ફેરવવા નિકળી પડતો હતો. આજે એ ફરતો ફરતો જયા વાગડ કચ્છ ના કાનસુર ભેદા ની છાવણી પડી હતી ત્યા આવી પહોંચ્યો. જુએ છે તો આખી સીમ આ દુકાળીયા ઢોરો એ ખાઈ ને સફાચટાક કરી નાખી હતી. સમિયાણા ની લીલીછમ ભુમી ને આ લોકો એ ઉજ્જડ જેવી બનાવી દીધી હતી. સુંદર હરીયાળી ભુમી કાળી ભાઠ બની ગયેલી જોઈ ને નાગવાળા નુ અંતર ચણચણી ઉઠ્યુ એણે એકદમ પોતાના પાણીદાર ઘોડા ને કાનસુર ભેદા ની છાવણી મા દાબી દીધો.

સમિયાણા ના રાજકુંવર ને આવતો જોઈ ને કાનસુર ભેદા ના તમામ સરદારો તેની સામે આવ્યા.

( નાગવાળા ના જન્મ વિષે એવી કથા ચાલે છે કે એના પિતા ઘમરવાળા ને મોટી ઉમર સુધી સંતાન પ્રાપ્તિ ન થવા થી તેણે નાગદેવતા પર તપ કરવા માડયુ. આથી પ્રસન્ન થઈ ને નાગદેવતા એ તેને વરદાન માગવા કહયુ. ઘમરવાળા એ સંતાન પ્રાપ્તિ ની પોતાની ઈચ્છા વ્યકત કરી. એ વખતે નાગદેવતા એ કહ્યુ કે વાળારાજ તમારા નસીબ મા સંતાન સુખ તો લખેલુ જ નથી. પણ મારા થી વચન અપાઈ ગયુ છે તો હવે હુ પોતે તમારા ઘરે પુત્ર રુપે જન્મ લઈશ. આ રીતે ઘમરવાળા ને ત્યા નાગવાળા નો જન્મ થયો. અને નાગદેવતા ની બે નાગણીઓ આણલદે અને નાગમતી રૂપે જમીન પર અવતરી.)

અને એને ઘણા જ માનપૂર્વક વંદન કરી કાઠી રાજા ના તંબુ મા લઈ આવ્યા. કાઠી રાજા એ પણ સમિયાણા મા રાજકુંવર નાગવાળા નો ખુબ સત્કાર કર્યો અને આજ નો દિવસ અહી રોકાઈ રહેવા અને આગ્રહ કર્યો.

પારકી સીમ પરવાનગી વગર ચારવી એનો અર્થ શુ તે કાઠી રાજા સારી પેઠે સમજતો હતો. પારકી સીમ ચારવી તે ઉધારા કજીયા લેવા જેવુ હતુ. આજે સમિયાણા નો રાજકુંવર અહી અચાનક આવી ચડેલો હોવાથી વાત ને વણસી જતી બચાવવા માટે કાઠી રાજા એ એની ખુબ આગતા સ્વાગતા કરતા સમિયાણા ની સીમ ચરાવી દેવા બદલ માફી માગી અને તેઓ તરત જ અહી થી ઉપડી જવા માંગે છે તેની ખાતરી આપી.

આ લોકો ની આટલી બધી નમ્રતા જોઈ ને નાગવાળા નો ક્રોધ ઉતરી ગયો. કાઠી રાજા ની વિનંતી ને માન આપી ને આજ બપોર સુધી અહી રહેવા ની કબુલાત આપી.

રાજકુમાર આજે અહી જ ભોજન લેવા ના હોવાથી કાનસુર ભેદા ની છાવણી મા આનંદ નો પાર રહયો નહી. રાજકુમાર ના સત્કાર માટે ઉત્તમ પ્રકાર ના ભોજન ની તૈયારીઓ ચાલવા લાગી.

ભોજન તૈયાર થઈ જતા બધા જ જમવા બેઠા. રાજકુમાર નાગવાળા ને રુપા ના બાજોઠ ઉપર બેસાડવા મા આવ્યો. રાજકુમારી નાગમતી એ એને સોના ના થાળ મા વિવિધ પ્રકાર ની વાનગીઓ પીરસવા લાગી.

નાગમતી આ વખતે સંપુર્ણ યૌવન મા આવી ચુકી હતી. યૌવન ના મલયનિલે એના અંગે અગ મા કંઈક અજબ રુપ અને માધુર્ય ભરી દીધા હતા. શરદ ના ચંદ્ર જેવું એનુ મુખમડળ જાણે ખરેખર અમૃત વરસાવતુ હોય એવુ જણાતુ હતુ. એના કઠ મા વીણા નો મીઠો રણકાર રણકી રહયો હતો.

આ વખતે નાગમતી પર રાજકુમાર નાગવાળા ની નજર પડી ચારે આંખો એકમેક બની. બન્ને એ બન્ને ની આં.ખો વાંચી લીધી. કદી નહી અનુભવેલી એવી લાગણી ઉભય ના અંતર મા જાગી ઉઠી. આ અલ્પ સમય નુ મિલન કો યુગ યુગ ના સબંધ ની સ્મૃતિ જાણે તાજી કરી રહયુ હતુ.

ભોજન કાર્ય થી પરવારી થોડો આરામ લઈ રાજકુમાર નાગવાળો પોતાને પંથે પડયો. એ તો ચાલવા લાગ્યો. પરંતુ એના હદય કાઠીરાજા ની છાવણી મા નાગમતી ની આસપાસ ભટકી રહયુ છે. એ નાગમતી ના રુપ અને માધુર્ય મા એવુ અટવાઈ ગયુ હતુ કે એમાથી કોઈ પ્રકારે મુકત થઈ શકાતુ ન હતુ. નાગવાળો ખોવાયેલા હદયે રાજમહેલ મા પહોંચ્યો. કોઈ ની સાથે કશી પણ વાતચીત કર્યા વગર તે એકદમ પલંગ પર આવી પડ્યો. એની આંખો નાગમતી ની છબી જોવા લાગી. એના કાન મા નાગમતી ની મીઠી વાણી ના મધુર શબ્દો નો એ પલંગ પર એક પડખે આડો પડી ને રાજમહેલ ની ભીત પર નખ વડે નાગમતી નુ ચિત્ર દોરવા લાગ્યો.

નાગવાળો પોતાની ધુન મા મસ્ત બની નાગમતી નુ ચિત્ર દોરી રહ્યો હતો. ત્યા એની સ્ત્રી આણલદેવ આવી પહોચી. નાગવાળો આજે શૂન્યમનસ્ક બનેલો જોઈને તરત એની પાસે આવી હતી. એ છાનીમાની નાગવાળા ની પાછળ ઉભી રહીને એ શુ કરે છે તેનું નિરીક્ષણ કરવા લાગી. અલ્પ સમય મા જ જોઈ લીધુ કે નાગવાળો ભીત પર કોઈ રૂપ સુંદરી નુ ચિત્ર દોરી રહ્યો હતો.

આ જોઈ ને આણલદેવી ના હૃદય પર આઘાત નો ફટકો લાગ્યો. આણલદેવી ને તેના રુપ નુ ગુમાન હતુ. નાગવાળો એને છોડી ને કોઈ અન્ય સુંદરી નુ ધ્યાન ધરે તે એને માટે અસહ્ય હતુ. જેમ જેમ ભીત પર નાગમતી ની છબી ચીતરાતી જતી હતી . તેમ તેમ આણલદેવી વધુ ને વધુ અસ્વસ્થ બનતી જતી હતી. આખરે એના હૃદય ની ધીરજ નો અત આવ્યો. એ બોલી ઉઠી:

*નાગ ઉપરાઠો કા સુએ, નખ ચીતરે ભિત?*

*મુથી રુપાળી ગોરડી, કઈ ચડી છે ચિત્ત?*

ઓ નાગવાળા! તુ આમ અધુકડો બની કેમ સુતો છે? તુ તારા નખ વડે ભીંત પર શુ ચિતરી રહયો છે? મારા થી રૂપાળી કઈ રમણી તારા ચિત્ત મા ચડી છે?

નાગવાળો પોતાની ધુન મા જ રચ્યોપચ્યો હતો. આણલદેવી ના શબ્દો એને માટે અરણયરુદન સમાન હતા. એણે કશો જવાબ આપ્યો નહી. ઉચી આંખ કરી ને પણ જોયુ નહી. આણલદેવી થોડો વખત શાન્ત રહી. વળી તે બોલી ઉઠી:

*આભા મંડન વિજળી, ધરતી મંડન મેહ,*

*નરા મંડન નાગડો, સ્ત્રીઆ આણલ દે.*

આકાશ નો શણગાર વિજળી છે. ધરતી નો શણગાર મેઘ છે. પુરૂષો ના શણગારરુપ નાગવાળો છે. તેમજ સ્ત્રીઓમા આણલદેવી છે.

આણલદેવી ની આ વાત નાગવાળા ને ગમી નહી. એની અભિમાન ભરેલી વાણી નાગવાળા ના હૃદય મા ખુંચવા લાગી. તે તરત બોલી ઉઠયો:

*આણલદે અહંકાર, કાયાનો કરી એ નહી,*

*ઘડીયલ કાચે ગાર, માટી મા જાણે મળી.*

અરે આણલદેવી! આ કાયા નો અહંકાર કરવો વાજબી નથી. કાયા તો કાચી માટી વડે જ ઘડાયેલી છે અને માટી મા જ મળી જશે.

નાગવાળા નો આવો વિચિત્ર ઉત્તર સાંભળી આણલદેવી નિરાશ થઈ ને એની રુપ ની પ્રશંસા એ નાગવાળા પર સીધી અસર કરવા ને બદલે ઉલટી જ અસર કરી તેથી એ ઝંખવાણી પડી ગઈ. નાગવાળા ને માટે એના અંતર મા કચવાટ પણ પેદા થયો. એ એક શબ્દ નો ઉચ્ચાર કર્યા વગર તરત જ ત્યાથી સરકી ગઈ.

નાગવાળો જેમનો તેમ નાગમતી ના જ વિચારો કરતો ત્યા જ બેસી રહયો. નાગમતી ની મનોહર મૂર્તિ એ આજે એના પર કઈ અજબ જાદુ કર્યુ હતુ. નાગમતી જેવી કામણગારી કામીની એણે આજ પહેલા કયાય જોઈ ન હતી. એની નાજુક હરણી જેવી ચપળ આંખો પહેલા કયાય જોઈ ન હતી. એની નાજુક હરણી જેવી ચપળ આંખો નાગવાળા ની આંખો મા રમી રહી હતી. એનુ હદય આજે અનેક કલ્પનાઓ ના ડુંગરો અને ખીણો મા અટવાઈ ગયુ હતુ. એજ સ્થિતિ મા કયારે સાંજ પડી કયારે રાત પડી અને કયારે પાછા પ્રભાત મા ચોઘડીયા વાગ્યા તેનુ પણ એને ભાન રહયુ નહી.

સવાર પડતા જ તેણે પાછો પોતાનો પાણીદાર અશ્વ પર સવાર થઈ ગયો અને આખી રાત હદય મા રમી રહેલો નાગ કન્યા જેવી લાવણ્યવતી નાગમતી કુમારી ના પ્રત્યક્ષ દર્શન કરવા તેણે પાતાના માનીતા ઘોડા ને કાનસુર ભેદા ની વાંઢ તરફ મારી મુક્યો.

રસ્તા મા એક રૂપાળું સરોવર આવતુ હતુ. આ સરોવર કિનારે સુર્યદેવ નુ મંદિર હતુ. કાઠી લોકો સુર્ય ના પુજારી હોવાથી નાગમતી કુમારી દરેક સોમવારે સવારે પોતાની એક દાસી સાથે અહી આવતી અને સરોવર મા સ્નાન કરી સુર્યદેવ ની પુજા કરતી હતી. આ સરોવર અને સુર્યમદિર જંગલ મા આવેલા હોવાથી અહી કોઈ માણસ નો પગરવ ભાગ્યે જ જોવામા આવતો.

આજે સોમવાર હોવાથી નાગમતી સવારમાં જ અહી આવી પહોચી હતી. દાસી સુર્યદેવ ના પુજન માટે જંગલ મા ફુલ વીણી રહી હતી. નાગમતી નિશ્ચિત બની સરોવર મા સ્નાન કરી રહી હતી. નાગવાળા ની મનોહર મૂર્તિ એ એના અંતર પર એટલી જ ઉડી અસર કરી હતી. કદી ન જાગેલી એવી ભાવનાઓ આજે એના અંતર મા જાગી ઉઠી હતી. કદી ન અનુભવેલી એવી હદય વેદના આજે એ અનુભવી રહી હતી.

આજ ની રાત્રી જેમ નાગવાળા એ નાગમતી ના પ્રેમ મા તલપાપડ બની ને પસાર કરી હતી. તેમ નાગમતી પણ આખી રાત પાણી વગર માછલી તરફડે તેમ તરફડી રહી હતી. ઊઘ અને આરામ આજે એના થી દુર દુર નાશી ગયા હતા. આથી આજ એ વહેલી હતી નાગવાળા નો થનગનતો અશ્વ આજે એના અંતર મા પણ જાણે થનગની રહયો હતો. નાગવાળા જેવો અપાર કાન્તિવાળો પુરુષ એણે કદી નિહાળ્યો ન હતો. આથી સ્નાન સમયે પણ નાગવાળા ના મધુરા સપનો સેવી રહી હતી.

બરાબર એજ સમયે નાગવાળો પોતાના અશ્વ ને નચાવતો અહીંથી પસાર થયો. અશ્વ તરસ્યો હોવાથી એ સરોવર ના આરા તરફ આગળ વળવા લાગ્યો. નાગવાળા એ પણ હાથ માથી લગામ અશ્વ ની ગરદન પર છોડી દીધી અને એને પાણી પીવા માટે એની ઈચ્છાનુસાર જવા દીધો.

આ વખતે અચાનક નાગવાળા ની નજર સરોવર મા સ્નાન કરી રહેલી નાગમતી પર પડી. પરસ્પર ઓળખાણ પડતા જ ચારે આંખો જાણે ચોટી ગઈ. એકાકાર બની ગઈ. તરત જ નાગમતી એ પોતાની નજર પાછી ખેંચી લીધી. ચંદ્ર સમાન સ્વચ્છ એના વદન પર શરમ ના શેરડા પડી ગયા મુખમડળ લાલચોળ થઈ ગયુ. નજર પાણી મા પેસી ગઈ. શુ કહેવુ એ બે માથી કોઈ ને સુઝયું નહી. ઉભય પ્રેમીઓ ના હૃદય નુ રક્ત ધસારાબધ વહેવા લાગ્યુ. બન્નેની વચ્ચે આવી રહેલો શરમ નો પડદો બંનેની વાણી ને દબાવી રહયો હતો. ગુંગળાવી રહયો હતો.

નાગવાળા નો ઘોડો પાણી ને જોઈ ને મસ્ત બની ગયો હતો. ઘોડો પાણી મા આગળ ને આગળ ચાલ્યો જતો હતો. નાગવાળા નુ હદય નાગમતી તરફ વધતું જતુ હતુ.

નાગમતી સરોવર મા સ્નાન કરી રહી હતી. નાગવાળો નાગમતી ના રૂપ ના સરોવર મા સ્નાન કરી રહયો હતો. ઘોડો પાણી દેખી મોજ મા આવી ગયો હતો. ત્રણેય પોતપોતાનો મસ્તી ના રગ મા રંગાઈ ગયા હતા.

*જળ તરસ્યો જુવાન, જળ દેખી જળ મા પડયો,*

*ભીજે પાખર પલાણ, નેણે નાગમતી રમે,*

આ વખતે નાગવાળા એ નાગમતી બોલાવવા માટે એક નવી યુક્તિ શોધી કાઢી એણે આંગળી એ પહેરેલો વેઢ પાણી મા સરકાવી દેતા કહયુ. કે ‘ નાગમતી કુમારી મારો વેઢ હમણા જ પાણી મા પડી ગયો છે. તમે જરા શોધી દેશો.?

નાગમતી જવાબ શુ આપવો તેનો વિચાર કરી રહી હતી. એટલા મા એક નવિન ઘટના ઘટી.
નાગવાળો વહેલી સવાર મા જ રાજમહેલ માથી છાનોમાનો સરકી ગયો હતો.એ વાત થી આણલદેવી અજ્ઞાત ન હતી. નાગવાળા નુ ગઈકાલ નુ વર્તન તેને અતિ વિચિત્ર લાગ્યુ હતુ. આખી રાત નાગવાળા એ વ્યગ્રતા મા જ પસાર કરી હતી. એ હકીકત પણ એના લક્ષથી બહાર ન હતી. નાગવાળા ના ચાલ્યા જવા ના ખબર પડતા જ એ પણ તરત જ ઘોડેસવાર બની ગઈ અને પતિ ના અશ્વ ને પગલે પગલે એણે પોતાનો અશ્વ ને પણ દોડાવી દીધો.

જે વખતે નાગવાળા એ પોતાનો વેઢ સરોવર ના પાણી મા નાખ્યો તે જ વખતે આણલદેવી અહી આવી પહોચી. આણલદેવી ના અશ્વ ને આવતો જોઈ ને વાળાકુમાર નો અશ્વ એકદમ હણહણી ઉઠયો. નાગવાળા એ નજર કરી તો એની ધર્મ પત્ની ની પુરપાટ એની તરફ જ ધસી આવતી હતી. ઉભય પ્રેમીઓ આ અણધારી બલા ને એમના તરફ જ ધસી આવતી જોઈને ગભરાઈ ગયા. મનગમતા ભોજન નો પિરસાયેલો થાળ ઉભય ની આંખો આગળથી ગાયબ થવા લાગ્યો.

એટલા મા આણલદેવી નજીક આવી પહોચી એના અશ્વ ને પણ પાણી મા ઝુકાવી દીધો. થોડી જ વાર મા એનો અશ્વ ઉભય પ્રેમીઓ ની વચ્ચે આવી ને ઉભો. આ વખતે નાગમતી બોલી:

*વાળા તણો વેઢ, જળ પાતા જળ મા પડયો,*

*આવો આણલદેય, ગળ બતથુ દઈ ગોતી એ,*

ઘોડા ને પાણી પાતા વાળા કુમાર નો વેઢ પાણી મા પડી ગયો છે. હે આણલદેવી! આવો આપણે એકબીજા ને ગળે બાથ ભીડીને એ વેઢ ને શોધી કાઢીએ.

નાગમતી અને નાગવાળો આવી સ્થિતિ મા ઉભેલા જોઈ ને આણલદેવી ના ક્રોધ નો અગ્ની ભભુકી ઉઠયો. એ અગ્ની મા નાગમતી ના ઉપલા ઉપલા શબ્દો થી ઘી રેડયું. એના ગુસ્સા ની જવાળા છેક આકાશ સુધી પહોચી ગઈ. તે તરત જ પોતાના ઘોડા પરથી પાણી મા કુદી પડી. નાગમતી પાસે જઈ ને તેના વાળ પકડી બન્ને હાથે ખેંચવા લાગી.

હવે કયો માર્ગ લેવો તેના વિચાર મા નાગવાળો ગુથવાઈ ગયો. આણલદેવી ને નાગમતી પર આટલી હદ સુધી સત્તા બજાવતી જોઈ ને નાગવાળા ને પણ ગુસ્સો ચઢ્યો. તે ગંભીર મુખમુદ્રા થી આણલદેવી ને ઉદેશી ને કહે છે :

*આણલદે અજાણ , વણ પુછે વેડુ કરે,*

*મિદલડા મ તણા, નાગમતી નાની ઘણી,*

અરે અજ્ઞાન આણલદેવી, તુ પુછયા વગર વઢવાડ શા માટે કરે છે?
નાગમતી ની વેણી તુ તાણ મા ! એ હજુ ઘણી નાની છે.

નાગમતી પર આણલદેવી ને અત્યાચાર ચલાવતી જોઈ ને નાગવાળા ને એકદમ ક્રોધ વ્યાપી ગયો. તેની આંખો લાલચોળ બની ગઈ. આણલદેવી એ વિચાર્યું કે હવે વધુ ખેંચવા મા સાર નથી. આથી એણે તરત પોતાના અશ્વ ને એડી લગાવી અને વિજળી ની ઝડપે ત્યાથી પસાર થઈ ગઈ. આણલદેવી ના અશ્વ પછવાડે નાગવાળા એ પણ પોતાના ઘોડા ને વાયુવેગે મારી મુક્યો.

કાઠી રાજા કાનસુર ભેદા ની વાંઢ મા પશુધન વિપુલ પ્રમાણમાં હોવાથી ઘી પુષ્કળ ઉત્પન થતુ હતુ. કાઠી રાજા ના માણસો આ ઘી આજુ બાજુ ના પ્રદેશ મા વેચી આવતા હતા કયારેક સમિયાણા ના વેપારીઓ પણ આ ઘી ખરીદી કરી લેતા હતા. કયારેક સમિયાણા ગામે જઈ ને પણ લોકો ઘી વેચી આવતા હતા.

એક વખત કાઠીરાજા ની છાવણી ની બાઈઓ ઘી વેચવા માટે સમિયાણા ગામ મા જવા તૈયાર થઈ. સમિયાણા જોવા ની ઘણા દિવસો થી નાગમતી ની ઈચ્છા હોવાથી આજે એ પણ છાવણીની બાઈઓ સાથે ગામ મા ગઈ. સમિયાણા મા એક વાણીયા વેપારી ની મોટી દુકાન હતી. છાવણી નુ બધુ ઘી આ વેપારી ને જ આપવા આવતુ હતુ.

આજે બધી બાઈઓ પોત પોતાના માથા પર ઘી ના ઘાડવા ઉપાડી આવી હતી. એક ઘાડવો નાગમતી એ પણ પોતાના મસ્તક પર લીધો હતો. નાગમતી જયારે વેપારી ના વાસણો મા પોતાનુ ઘાડવા નુ ઘી ઠાલવી રહી હતી તે જ વખતે સમિયાણા ની બજાર મા પોતાનો કાળો ઘોડો કુદાવતો નાગવાળો પસાર થયો. નાગમતી ની નજર ઓચીંતી નાગવાળા પર પડી. બન્ને ની નજર એક બની. નાગમતી ના અંગે અગ મા એક પ્રકાર ની ધ્રુજારી વછુટી ગઈ. એ અમીટ નજર નાગવાળા ને નિહાળી રહી.

આ વખતે એનુ ઘી વેપારી ના ઠામ મા પડવા ને બદલે જમીન પર રેડાવા લાગ્યુ. વેપારી બોલ્યો! બાઈ તુ ઘી વેચવા આવી છે કે નાગવાળા ને જોવા આવી છે? જોતી નથી તારુ ઘી વાસણ મા પડવા ને બદલે જમીન પર ઢોલાઈ રહયુ છે ?

નાગમતી બોલી:

*ગોયા કીધા ઘી, આજુણા, ઉતારના.*

*ધન આજુણો દી, નરવર મળીયે નાગડો.*

નાગમતી બેપરવાઈ જોઈ વેપારી ને નવાઈ લાગી. બધી બાઈઓ બાકી ના ઘી નો વેપારી સાથે હિસાબ કરી પોતાના રસ્તે પડી.

કાનસુર ભેદો સમિયાણા ની સીમ મા ભાગ્યે જ એકાદ માસ રહયો હશે. ત્યા તો કચ્છ મા પુષ્કળ વરસાદ થવા ના સમાચાર એને કાને આવ્યા. પોતાના દેશ મા વરસાદ પાણી શ્રીકાર હોય તો પ્રદેશ મા ઓશીયાળા બની ને રહેવા કોણ તૈયાર થાય? તરતજ આ લોકો એ કચ્છ વાગડ ચાલ્યા જવા નો નિર્ણય કરી લીધો. મેલાણ ઉપાડવાની તૈયારી ઓ ચાલવા લાગી. અને બીજે જ દિવસે કાઠી રાજા પોતાના તમામ માણસો અને પશુઓ સાથે અહી થી ચાલતો થયો.

આ તરફ નાગવાળો નાગમતી ના પ્રેમ મા ચકચુર બની ગયો હતો. તે અવારનવાર કોઈ ને કોઈ નિમિત્તે નાગમતી ના દર્શન માટે એની વાંઢ મા આવ્યા વિના રહેતો નથી. આ લોકો જે દિવસે અહીથી ઉપડી ગયા તે જ દિવસે નાગવાળો વાંઢ મા આવી પહોંચ્યો. આવી ને જુવે છે તો કલોલ કરતી ધરતી સુની બની ગઈ હતી. જયા ગોકુળ ગાજતું હતુ ત્યા કાળા કાગડા ઉડી રહયા હતા. ચુલાના કાળા મગાળા સિવાય અહી નાગમતી ની બીજી કોઈ નિશાની બાકી રહી ન હતી . એક વખત ની ઉજળી ધરતી ઉજજડ બની ગઈ હતી. દશે દિશા માથી ઉઠતી સુનકાર. જાણે ખાવા ખાતી હતી. આ જોઈ નાગવાળા નુ હ્રદય રડી ઉઠ્યુ.

*નહી વલોણુ વાંઢ મા, નહી પ્રભાતી રાગ,*

*નહી નાગમતી નેસ મા, કાળા ઉડે કાગ,*

દરરોજ વાંઢ મા ગાજતા વલોણા ના ધ્રુસકા આજે સભળતા ન હતા. પ્રભાત ના રાગ ના રણકાર પણ આજે કર્ણપટ પર અથડાતા ન હતા. આજે તો અહી શૂન્યતા નુ સામ્રાજય વ્યાપી રહયુ હતુ.

*નદી કિનારે નેસ, માળીગા માંડયા રહ્યા,*

*વેરણ ગઈ વિદેશ, ચાળો લગાડી ચિત્તને.*

નાગમતી ના વિયોગ મા ઘેલો બનેલો નાગવાળો નેસ મા આમતેમ ભટકી રહયો હતો. વિરહવેદના એના અંગે અગ મા જાણે આગ સળગાવી રહી હતી. એ પાણે પાણા ને નાગમતી ના સમાચાર પુછતો રડી રહયો હતો. એટલા મા એક મોટો પથ્થર પર તેની નજર પડી એમા બે દુહા લખેલ હતા.

*અમે પરદેશી પાન, વાને વટોળે આવીયા,*

*કોણે ન દીધેલ માન, પાદરથી પાછા વળ્યા,*

*આવેલ ઉભે દેશ, ગજો કો ગમિયો નહી,*

*નાગડ! તારે નેસ, મનડે માળો બાધીયો,*

દુહા વાંચી નાગવાળો ત્યા જ ઢગલો બની ગયો. એના રોમે રોમ મા નાગમતી રમી રહી હતી. એ એકાએક કેમ ચાલી ગઈ. તેનુ કારણ તો તે કાઈ સમજી શકયો નહી. એના ગાત્રો શિથિલ બની ગયા હતા. ઘેર તો પહોંચ્યો પણ એનુ જીવન ખારું ઝેર બની ગયુ હતુ . નાગમતી ને પ્રાપ્ત કરવા માટે કયો રસ્તો લેવો તેનો જ તે રાત દિવસ વિચાર કરી રહયો હતો. આખરે એણે અહીંથી ઉપડી જવાનો નિશ્ચય કરી રહયો હતો. એક દિવસ કોઈ ને કશુ જણાવ્યા સિવાય સમિયાણા નો ત્યાગ કરી ગયો.

કાનસુર ભેદો પોતાની મોટી ઓથો સાથે ફરતો ફરતો કેટલાક દિવસે પોતાના કાનમેર ગામ આવી પહોંચ્યો. અહી તો મેઘરાજા એ વરસી વરસી ને લીલાલહેર કરી દીધી છે કાળી થઈ ગયેલી ધરતી હવે લીલીછમ બની થઈ હતી. નદીઓ તળાવો આદિ નેસ નવાણો પાણી થી છલકી રહયા હતા લોકો આનંદ મા આવી ગયા હતા . દુષ્કાળ નુ તો નામોનિશાન પણ રહયુ ન હતુ. ચારેતરફ સુખ શાન્તિ નુ સામ્રાજય ફેલાઈ રહયુ હતુ.

કાઠી રાજા કાનસુર ભેદા ને હવે બીજી ચિંતા થવા લાગી હતી. હવે નાગમતી ઉમરલાયક થઈ હોવાથી તેને માટે યોગ્ય વર શોધવા તે રાત દિવસ કોશીશ કરી રહયો છે એક તરફ કૃષિ કળા ની તેની પ્રતિજ્ઞા પુર્ણ કરે એવો કોઈ રાજકુંવર મળતો ન હતો. બીજી તરફ નાગમતી દિનપ્રતિદિન ઉમર મા આવતી જતી હતી. આ મુશ્કેલી દુર કરવા કયો માર્ગ લેવો તેના વિચારો મા જ તે સદાય મગ્ન રહેતો હતો.

કૂષિ વિદ્યા ની તાલીમ લેનારા રાજકુમારો હજુ એની તાલીમ લઈ રહયા હતા. પરતુ કાઠી રાજા ની પ્રતિજ્ઞા પુર્ણ કરે એવો રાજકુમાર હજી કોઈ જાગ્યો ન હતો.

નાગવાળો સમિયાણા થી નિકળી વાગડ ના રસ્તા ની પુછા કરતો કરતો આખરે રણ ઓળંગી કાનમેર આવી પહોંચ્યો. અહી આવી એણે નાગમતી ને વરવા તૈયાર થયેલા ઉમેદવાર મા પોતાનુ પણ નામ નોધાવી દીધુ. એ પણ અન્ય રાજકુમારો ની સાથે કૃષિ વિદ્યા ની તાલીમ લેવા લાગ્યો. કાઠી રાજા ની પ્રતિજ્ઞા પુર્ણ કરવા એ રાત દિવસ તનમન થી જહેમત કરવા લાગ્યો. પરંતુ કાઠી રાજા ની શરત મહામુશ્કેલ હતી. આ શરત પરિપૂર્ણ થાય એવુ એને જણાતુ ન હતુ.

એની શરત પુર્ણ કરવા એણે તનતોડ પરિશ્રમ લીધો હતો. કોમળ પલંગ પર પોઢનારા એ સમિયાણા ના રાજકુમારે બળદો ના પુછડા મરડી ને પોતાનુ જીવન પણ એક બળદ જેવુ જ બનાવી દીધુ હતુ. પરંતુ કાઠી રાજા એ જે પ્રકારે સીધા ચાસ માગતો હતો તેવા ચાસ પાડી આપવા તે અશક્ત બન્યો હતો. હવે તો તે દિવસે દિવસે નિરાશ બનતો જતો હતો. લુખા સુકા રોટલા ખાઈ રાત દિવસ ભેદ ભુલી ખેતરો ખેડી ખેડીને નાગવાળો હવે કંટાળ્યો હતો. જીવન પર પણ એને તો હવે કંટાળો આવી ગયો હતો. આટલુ અપાર કષ્ટ ઉઠાવતા છતા એણે આજ દિન લગી નાગમતી ના મુખ ના દર્શન પણ કર્યા ન હતા. એ વ્યથા એને ખુબ જ સતાવતી હતી.

એમ છતા આટલી નિરાશા પણ એણે આશા નોતી છોડી. એક દિવસ એને નાગમતી અવશ્ય મળી જશે એવી શ્રદ્ધા હતી. આ શ્રદ્ધા ને આધારે જ એ જીવી રહયો હતો. દરરોજ બપોર ના સમયે રાજમહેલ ની દાસીઓ તમામ રાજકુમારો માટે ભાત લાવતી હતી. એ વખતે બપોરે માત્ર એક જ વખત એ કટકો રોટલો અને છાસ લેતો. આવી આવી સખત તપશ્ચર્યા થી એનુ શરીર પણ અડધુ થઈ ગયુ હતુ.કંચન જેવુ એનુ શરીર લોઢા જેવુ કાળુ ભાઠ પડી ગયુ હતુ.મખમલ જેવા સુવાળા એના હાથ બળદોની રાશ ખેચી ખેચી ને ખરબચડા બની ગયા હતા. સમિયાણા નો સુંદર રાજકુમાર આજે ખેડુત બની ગયો હતો. આમ ને આમ છ માસ નો સમય વ્યતિત થઈ ગયો હતો. પરતુ હજુ આશા નુ એક કિરણ પણ કયાય દેખાતુ ન હતુ.

મધ્યાહન નો સમય હતો. ઉનાળા નો સુર્ય બરાબર મધ્યાકાશ મા આવી ગયો હતો. વાગડ ની અસહ્ય લુ ના ગરમ સપાટા જડ ચેતન સર્વ ને ગરમાગરમ બનાવી રહયા હતા. પંખીઓ પણ પોતપોતાના માળા મા લપાઈ ને પડી રહયા હતા. ચોરો ચોરી કરવા ન નિકળે માગણ માંગવા ન નિકળે એવા તપતા તડકા મા કાનમેર ના કાઠી રાજા ના ખેતર મા રાજકુમારો પોતાના રજવાડીપણા ને ભુલી જઈ ને હળ ને હાકી રહયા હતા. ચાસ સીધો લેવા માટે ખેતર ના સામે છેડે આવેલા કોઈ ઝાડ કે છોડ પર નજર માંડી બધા રાજકુમારો એક સરખા સીધા ચાસ પાડવા પ્રયત્ન કરી રહયા છે. પરતુ ક્યારેક હળ નો વાંક કયારેક બળદ નો વાંક કયારેક હાંકવા ના વાંકે અને ક્યારેક બીજા કોઈક ના વાંકે પણ સીધા દોરીછટ ચાસ પાડી શકવાને સો અશક્ત બનતા હતા. આમ છતા આવી વરસતી લુ વચ્ચે પણ નાગમતી વરવા નુ અશાતતુ પર આ તમામ સંકટો સો રાજકુમારો સહન કરી રહયા છે.

ભાત નો સમય થઈ ગયો હોવાથી રાજમહેલ માથી દાસીઓ ભાત લઈ ને આવી પહોચી હતી. રાજકુમારો કેવા ચાસ પાડી શકે છે. તે જોવા માટે આજે નાગમતી પણ એક દાસી ના વેશ મા આવી પહોચી. તમામ રાજકુમારો ની ચાસ પાડવા ની કળા નુ નિરીક્ષણ કરતી તે ચાલી આવી હતી. એક પછી એક રાજકુમારો ને જોતી હતી. તે નાગવાળા પાસે આવી નાગવાળા પર નજર પડતા જ તે ઓળખી ગઈ. નાગવાળા નુ ગુલાબ ના ફુલ જેવુ શરીર વરસતા તાપ વચ્ચે હળ ખેડી ને કાળુ પડી ગયુ હતુ . આમ છતા તેને ઓળખતા વાર ન લાગી એ પોતાના કાર્ય મા મસ્ત છે. લોઢા જેવી ધખતી ધરતી પર તે બળદો હાકતો હળ ખેડી રહયો હતો. એને જોઈ નાગમતી બોલી:

*નાગ! સાતીડુ છોડ, ખેડુ વિણ ખેડાય ના,*

*આંખો રાતીચોળ, ધમરાણી ધંધે ચડ્યો,*

ઓ નાગવાળા! તુ તારુ સાતીડુ છોડી મેલ સાચા ખેડુત વગર ધરતી ખેડી શકાતી નથી. તારી આખો લાલચોળ બની ગઈ છે. ઓ ધભરવાળા ના રાજકુમાર! તુ આ કેવા ધંધા કરે છે.

આ વખતે નાગવાળો પણ દાસી ના વેશ મા આવેલી નાગમતી ને ઓળખી ગયો. હળ ખેડી ને થાકી ને લોથપોથ બનેલા નાગવાળો સઘળો થાક કયાંક ઉડી ગયો! તરસ્યા ચાતક ની ચાંચ મા અચાનક મેઘ બિંદુ આવી પડવાથી જે આનંદ નો અનુભવ આજે નાગવાળા ને થઈ રહયો હતો.

નાગવાળા ને ખાતરી થઈ ગઈ હતી કે કાઠી રાજા ની કસોટી પાર ઉતરીને નાગમતી ને પ્રાપ્ત કરવાની આશા તો હવે આકાશકુસુમવત હતી. આ નિરાશા એના મુખ મંડળ પર આજે પણ ઉંડી ઉંડી દેખાઈ રહી હતી. નાગમતી પણ સમજી ગઈ હતી કે આવી રીતે તે નાગવાળા ને વરી શકે તેમ ન હતુ આ એક જ પ્રશ્ન ઉભય પ્રેમીઓ ના અંતર ને મુંઝવી રહયો હતો.

નાગવાળા ની હાલત જોઈ નાગમતી ના હૃદય ને એક ભયંકર આઘાત લાગ્યો ફુલ જેવા કોમળ શરીર વારા આ રાજકુમાર ને ભરતાપ મા હળ હાંકતા જોઈ એનુ હદય દ્રવી ઉઠ્યુ તે જ ક્ષણે નાગમતી એ પોતાના મન સાથે એક વ્રજ નિશ્ચય કર્યો સમય સાધી એણે નાગવાળા ને જણાવી દીધુ કે આજે રાત્રે ચંદ્ર મધ્યાકાશ મા આવે તે પહેલા હુ બે પાણીદાર અશ્વો ને લઈ ને ગામ ની બહાર આવેલા પાવડીયામા મહાદેવ ના શિવાલય મા આવુ છુ. માટે તમે તૈયાર રહેજો.

એટલુ કહેતા જ નાગમતી ત્યાથી વિજળી ની ગતિ થી સરકી ગઈ અને તરત જ બીજી દાસીઓ માં ભળી ગઈ.

નાગમતી ના ઉપર્યુકત શબ્દો નાગવાળો સાંભળી ને કેટલીક વાર તો શતબ્દ બની ત્યા જ ઉભો રહયો. આ સપનુ હતુ કે સત્ય છે એનો પણ તે નિર્ણય કરી શકયો નહી. થોડીવાર પછી તે સ્વસ્થ થઈ એના વેડફાઈ રહેલા જીવન ને બચાવી લેવા માટે નાગમતી રૂપે કોઈ ફરિસ્તો આકાશ માથી ઉતરી આવ્યો હોય એવો એને આભાસ થયો હતો. એની સઘળી મહેનત આજે તેને સફળ થતી દેખાતી હતી. એનુ જીવન પળે પળે સાર્થકતા ની સમીપે પહોચી જતુ હતુ. એની ઉડી ઉતરી ગયેલી આંખો મા તેજનો નવો સંચાર ચમકાર ચમકી ગયો હતો. નિરાશા ની ખીણો મા અટવાયેલી એની કલ્પનાઓ ને આજે નવી પાંખો આવી હતી. નાગવાળા ને આજે હર્ષ નો પાર રહયો ન હતો. www.amarkathao.in

સાંજ પડતા જ એણે પોતાની તમામ તૈયારીઓ કરી લીધી હતી. આજે પૂર્ણિમા નો દિવસ હોવાથી થાળી જેવડો ચંદ્ર આકાશ મા ઉગી નિકળ્યો હતો. આજ ચંદ્ર એને માટે કોઈક નવો જ સદેશ લાવ્યો હોય તેમ એને લાગતુ હતુ. જરુર પુરતા સાધનો સાથે તે ગામ બહાર નિકળી ગયો અને પાવડીયારા ના શિવાલય મા ઉત્સુક અંતરે નાગમતી ની રાહ જોવા લાગ્યો.

આ તરફ નાગમતી એ પણ પોતા ની તમામ તૈયારીઓ કરી લીધી હતી તેણે પોતાની એક વિશ્વાસુ દાસી મારફત ગામ બહાર બે પાણીદાર અશ્વો તૈયાર રખાવ્યા હતા.

નાગમતી એ જરુર પુરતુ કેટલુંક ઝવેરાત પણ પોતા ની સાથે લઈ લીધું હતુ મધ્યરાત્રીએ થોડીવાર હતી તે સમયે નાગમતી પુરુષવેશ ધારણ કરી ને રાજમહેલ થી ગુપચુપ બહાર નિકળી પડી પરતુ કિલ્લા ના દરવાજા પાસે આવી ને જોવે છે તો દરવાજા બધ! એના હદય મા એકદમ ફાળ પડી દાસી ની ગફલત હોય કે દરવાન ની શરતચુક હોય! ગમે તે કારણ હોય આજે દરવાન વેલો દરવાજો બંધ કરી ચાલ્યો ગયો હતો.

દરવાજા પર લગાવેલા તોતીંગ તાળા કોઈ પણ પ્રકારે તોડી શકાય તેમ ન હતા. નાગમતી એ હાથ પછાડયા! તે તરત કિલ્લા પર ચડી કિલ્લા ની ચારેતરફ ફરી વળી કિલ્લા પર થી કુદી પડવું પણ અશક્ય હતુ. આ બાજુ રાત્રી તો જરાય થોભ્યા વગર ચાલી જતી હતી. મધ્ય રાત્રી લટકી ગઈ હતી. જેમ જેમ રાત જતી હતી તેમ તેમ નાગમતી ના અંતર જામે આગ ની જવાળા ઓ ફરી વળતી હતી.

નાગમતી લાચાર બની એ પણ ઉપાય એના હાથ મા રહયો ન હતો એણે આખી રાત કાનમેર ના કિલ્લા પર પ્રદિક્ષણા કરી ને વિતાવી હતી. વહેલી પ્રભાતે જયારે દરવાજા ઉઘડયા ત્યારે જ તે બહાર નીકળી શકી. સંકેત મુજબ ગામ બહાર બે અશ્વો તૈયાર. એક અશ્વ પર સવારી કરી બીજા ની લગામ હાથ મા લઈ તે ઝડપી ગતિ એ ત્યા થી ચાલવા લાગી.

આ તરફ નાગવાળો નાગમતી ની રાહ જોતો પળે પળે અધીરો બનતો જતો હતો.

પૂર્ણિમા નો ચંદ્ર માથા પર આવ્યો ત્યા સુધી તો આકાશ મા તે આશા મા તેનો સમય પસાર થઈ ગયો પણ ત્યાર પછી થઈ તેની એક એક પળ એક જુગ સમાન જતી હતી. એના હદય મા અનેક તર્ક વિતર્ક ના ગોળા ઉઠતા અને શમી જતા હતા. એનુ મન અકળાઈ ઉઠ્યુ હતુ .આકાશ મા હસતો હસતો ચાલ્યો જતો પૂર્ણિમા નો ચાંદલો પણ જાણે એની મશ્કરી કરતો હોય એવુ એને લાગતુ હતુ. આખી દુનિયા પર અમૃત વરસાવતો ચંદ્ર એના પર ઝેરી બાણ વરસાવી રહયો હતો. આકાશ પર ચમકતા તારલાઓ આજે તેને વીંધી રહયા હતા. અવની આજે તેને શુન્ય મા ભાસતી હતી.

ચંદ્ર આકાશ નો પથ કાપતો આથમવાની તૈયારી પર આવી રહયો હતો નાગવાળા નુ જીવન પણ ચંદ્ર ની સાથે જ જાણે આથમવાની તૈયારીઓ કરી રહયુ હતુ. એને હવે ખાતરી થઈ કે જરુર કાંઈક અનિચ્છનીય બનાવ બનેલો હોવો જોઈએ. તે સિવાય તો નાગમતી આજે કોલ કદી કુડો પડે જ નહી. એવો એને દ્રઢ નિશ્ચય હતો. આજે રાહ જતો જોતો નાગવાળો આકુળ વ્યાકુળ બની ગયો હતો.

પુર્વ દિશા મા પ્રભાત નો પ્રકાશ પણ પથરાવાની તૈયારી હતી. સમસ્ત વિશ્વ આજે જાણે આજે તેનો તિરસ્કાર કરી રહયુ હતુ. નાગવાળા ની ધીરજ હવે ખૂટી હવે એક પળ પણ વધુ રાહ જોઈ શકે એવુ ન હતુ. એણે ભેટ માથી કટાર કાઢી લીધી. આજે તો એની વહાલી કટારી પણ જાણે એના પર હસતી હોય તેમ આથમતા ચંદ્ર ના પ્રકાશ મા ચમકી રહી હતી. એની જીવન સગી કટારી ને પણ એની ઠેકડી ઉડાવતી જોઈ ને નાગવાળા નુ હ્રદય કંપી ઉઠયુ હતુ.

એના મસ્તક મા એક જ ક્ષણ મા અનેક વિચારો વિજળી ની ગતિ થી ફરી વળ્યા. તરત એણે હર હર મહાદેવ નો એક ઉચ્ચાર સાથે કટારી ને એક જ પલક મા પેટ મા ઘોચી દીધી. રકત ના ખાબોચીયા મા નાગવાળો મહાદેવ ની પાસે પટકાઈ પડયો.

બરાબર એજ વખતે નાગમતી આવી પહોચી પોતાના પ્રેમી ને ભેટવા દોડી આવતો જોવા ને બદલે તેને લોહી મા તરફડતો દીઠો. નાગમતી ના હૃદય માથી દુખ ની એક ઉંડી ચિસ નિકળી ગઈ એની તમામ જહેમત પર આખરે પાણી ફરી વળેલું જોઈ એ જાણે ગાંડી બની ગઈ નાગવાળા નુ મસ્તક પાતાના ખોળા મા મુકી ને હૈયાફાટ રુદન કરવા લાગી.

*વાળા ! જોતા વાટ, નખરપતિ નમી ગયો,*

*કરમે આ કચવાટ, નર નિરખયો નહી નાગડો*

હે વાળા નાગ! વાટ જોતા જોતા નક્ષત્રપતિ ચંદ્ર ના આથવમા આવ્યો. કર્મ મા લખેલુ દુખ કોણ મિટાવી શકે? હુ નર રત્ન નાગવાળા ને આખરે નિરખી શકી નહી.

*દરશન દે તુ નાગ, મોહન વગાડુ મોરલી.*

*કરમે કાળો ડાઘ, નર નિરખયો નાગળા,*

હે વાળા નાગ! તુ મને દર્શન આપે તો હુ મોરલી વગાડુ. પણ કર્મ મા કાળો ડાઘ લખેલો તે કોણ ટાળી શકે?

*દિન ઉગે દેવળ ચડુ, વાળા ની જોવું વાટ,*

*આતમ ના ઉચાટ, ટાળ્યા ટળે નહી નાગડા*

*નાગ નિસરણી નાખ, કયે આરે ઉતરીયે,*

*પાવડીયારી ની પાંખ, નર ગુમાવ્યો નાગડો*

*નાગડા નાગરવેલ, રાફડ કા રોકી રહ્યો,*

*નિકળ નિકળ છેલ, હુ વાદણ વગાડુ મોરલી*

*વાળા તણા વહાણ, આવ્યા સાયર ઝૂલતા,*

*ઉંડા જળ અણજાણ, નાગર તુટયા નાગડા,*

*નાગ તમે નાગપાળ, તે દી અમે નાગળી,*

*કાળજ મહી કટાર, નેહે મારી નાગડા,*

*તમે પાણી અમે પાળ, આઠે પહોર આહટતા,*

*તેદુણી ટાઢાર, નવી નથી કઈ નાગડા,*

*ડોબા ના ડોળેલ, ભૂંડા જળ ભાવે નહી*

*હૈડે અમૂત હેલ, નેહ તમારો નાગડા*

*વડલા હેઠે વાવ, હાલે હિલોળા કરે,*

*નાગમતી આ નાર, પરના નહી પાણી ભરે,*

નાગમતી ના છેલ્લા શબ્દો શ્રવણ કરતા નાગવાળા ની આંખો મા એક સંતોષ નો ચમત્કાર આવી ગયો. અને છેલ્લી વાર ના એની આંખો સદાને માટે મીંચાઈ ગઈ. નાગવાળા ના પ્રાણ પખેરું અનંત ધામ મા ઉડી ગયા. નાગમતી ચોધાર આંસુ એ રડે છે ખોળામાં પડેલા નાગવાળા ના મસ્તક સાથે જેમ ની તેમ બેસી રહી. એનુ કરુણ રુદન જંગલ ની શૂન્યતા મા શુન્યવત બની રહયુ હતુ.

એટલા મા કાઠી રાજા ની શોધ મા નિકળેલો કાઠી રાજા કેટલાક સવારો સાથે અહી આવી પહોંચ્યો શિવાલય માથી બહાર આવતા કરુણ કલ્પાંતો નો અવાજ કાને અથડાતા સો શિવાલય મા ધસી ગયા.

અંદર નુ દ્રશ્ય જોતા બધા જ ની આંખો ફાટી રહી દ્રશ્ય ભયંકર હતુ નાગમતી હવે રાજકુમારી નાગમતી રૂપે દેખાતી ન હતી. સતિ સાવિત્રી જાણે પતિ ના પ્રાણ લેનારા યમરાજ ની પુઠ પકડવા તૈયાર બની હોય એવી એ મહા યોગીનીશી દેખાતી હતી. આ અકલ્પ્ય દ્રશ્ય જોતા જ કાઠી રાજા સઘળી પરિસ્થિતિ પામી ગયો હતો. નાગમતી ને સમજાવી લેવા માટે હવે કોઈ ની હિંમત ચાલે એમ ન હતી. સઘળા પત્થર ના પુતળા બની નાગમતી ની આસપાસ સ્થિર થઈ ગયા હતા.

નાગમતી ના શરીર મા હવે સતિ ના ચિન્હો દેખાતા હતા.એના અંગે અંગ ને હવે કોઈ ઉંડી ધ્રુજારી ધ્રુજાવી રહી હતી. અનેક પ્રકારે રડતી કકળતી અને આક્રંદ કરતી નાગમતી ના શબ્દો કહી રહયા હતા કે :

*અગર ચંદન ના લાકડા, વન ખડકાવો ચેહ,*

*નાગો મુ કારણ મુઓ, ચેમા બળશા બેય*

સતિ નાગમતી ને અગ્નિદાહ દેવા માટે શિવાલય ની સમીપ મા એક મોટી ચિંતા ખડકવા મા આવી નાગમતી સ્થિર પગલે ચિંતા તરફ ચાલી અને નાગવાળા ના શબ ને લઈ ને લાકડાં અને ઘાસ ની બનાવેલી પર્ણકુટી મા બેસી ગઈ.

ગામ ના તમામ લોકો સતિ માતાના આર્શીવાદ લેવા માટે એકત્રિત થઈ ગયા હતા. થોડી જ વાર મા અગ્નિ ચેતવવામાં આવ્યો જય અંબે જય અંબે ના ગગન ભેદી નાદ થી આકાશ ગાજી ઉઠયુ.

ભડભડતો અગ્નિ સહસ્ત્ર જીહ્વાઓ લહેરાવતો પ્રગટી ઉઠયો એક અજોડ પ્રેમી યુગલ ને એણે પોતા ની ભયંકર છતા શીતળ ગોદ મા લઈ લીધુ નાગવાળા અને નાગમતી નો આ અદ્ભુત પ્રેમ ઈતિહાસ ના પટ પર સર્વદા સુવર્ણ એક્ષરે અંકિત રહેશે.

નાગવાળો નાગમતી ખાંભી
નાગવાળો નાગમતી ખાંભી


પલાંસવા થી દોઢ કિલો મીટર દુર પાવડોયાવારા તળાવ આજે જીર્ણ થઈ ગયેલ છે. ત્યા તળાવ ની પાળ પર નાગવાળા અને નાગમતી ની દેરી છે સારા સાતી ના હાકનાર ને વરવાનુ નાગમતી નુ બિરદ હોવાથી 140 રાજકુમારો હાળી તરીકે આવ્યા હતા. કહેવાય છે કે પહેલા ના સમય મા કચ્છ ના ખેતરો મા ગોળ ચાસ કરવા મા આવતા હતા તે બદલી ને નાગવાળા એ સીધા ચાસ કર્યા કાનમેર વાગડ મા ખુબ જ જુનુ ગામ છે.

નાગમતી અને નાગવાળા ના હાલ મા જે નાનુ એવુ મંદિર છે ત્યા આજે પણ નાગવાળો નાગદેવતા થઈ ને ફરે છે ત્યા દર્શન કરવા જતા અનેક માણસો ને સાપ ના દર્શન થાય છે તેમજ બાજુ આવેલ તળાવ મા હાલ મા શિવ મંદિર દટાયેલુ છે તેના અવશેષો જોવા મળે છે આ જગ્યા મા પલાંસવા થી રમેશભાઈ રાઠોડ રાજપુત જે વર્ષો થી તેમના દાદા નાગમતી અને નાગવાળા ના પાળીયા ની પુજા કરે છે

પેલા ના સમય મા નાગવાળા નો પાળીયો હતો જે વૃક્ષ ચારેબાજુ થી ઘેરાયેલો હતો અમુક વર્ષો પહેલા તે બરાબર કરી ને હાલ મા મંદિર બનાવેલ છે આ જગ્યા ગુજરાત ની અમર પ્રેમ કહાની ધરાવતી જગ્યાઓ માની એક છે અને પ્રથમ હરોળ ની જગ્યા છે આ જગ્યા ને સરકાર દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ અને પ્રવાસન વિભાગ દ્વારા તેનો સમાવેશ કરી ને જગ્યા નો વિકાસ કરવો જોઈએ અને લોકો ને ખબર નથી કે વાગડ મા નાગમતી અને નાગવાળા ની ઘટના બનેલ છે અને મંદિર છે તે એટલે લોકો ને ખયાલ આવે અને બહોળા પ્રમાણ મા આ જગ્યા ની મુલાકાત લે તો વિશ્વ ફલક પર આ એક અમર કહાની ને સાચો ન્યાય આપી શકીશું!

( કાનસુર ભેદા વિશે કચ્છ અને કાઠીયાવાડ ના ઈતિહાસ મા અલગ અલગ લખેલ છે કાઠીયાવાડ ના ઈતિહાસ
મા ઝવેરચદ મેઘાણી આહીર બતાવે છે તેમજ મહાન બારોટ કાનજી ભુટા બારોટ આહીર બતાવે છે તેમજ અમારે કચ્છ ના ઈતિહાસ મા દુલેરાય કારાણી કાઠી તરીકે બતાવેલ છે તેમજ સચ્ચીદાનદ સ્વામી પણ કાઠી તરીકે બતાવેલ છે તેમજ સ્થાનીક વાગડ મા લોકવાયકા પ્રમાણે પણ કાઠી બતાવે છે )

માહીતી દાતા

સુરેશસિહ બાબુજી ચાવડા પલાંસવા
સુરેશસિહ પેથાજી ચાવડા પલાંસવા

✍ મહાદેવ બારડ

રાજા ભરથરી (ભર્તૃહરિ) ની સંપુર્ણ જીવનકથા
રાજા ભરથરી (ભર્તૃહરિ) ની સંપુર્ણ જીવનકથા
રજપુતાણી
રજપુતાણી – ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ