Skip to content

નાથીયો – નટવરભાઈ રાવળદેવ થરાની ટુંકીવાર્તા 2

નાથીયો - નટવરભાઈ રાવળદેવ થરા
5262 Views

નાથીયો – નટવરભાઈ રાવળદેવ થરા, “નાણાં વગરનો નાથીયો ને નાણે નાથાલાલ” ગુજરાતી ટૂંકી વાર્તા, લેખક શ્રી નટવરભાઈ શિક્ષક છે, સાથે જ ઉત્તમ ગુજરાતી ટૂંકી વાર્તાઓ, નવલીકાઓ, લઘૂકથાઓ અને કાવ્યો લખે છે.. તેમની વાર્તાઓ એક સાથે એક જ જગ્યાએ ઉપલબ્ધ થાય એ હેતુથી તમામ રચનાઓ આ વિભાગમાં મુકવામાં આવશે. લખાણનાં તમામ કોપીરાઈટ લેખકશ્રીનાં રહેશે.. લેખકનાં નામ સિવાય તેમની રચનાઓ અન્યત્ર મુકવી ગેરકાયદેસર છે. Gujarati Heart touching short story – Natvarbhai Ravaldev

નાથીયો

નાથીયો ત્રણ વર્ષનો હતો ત્યારે એની સગી મા ગુમાવી દીધી.સુવાવડ પ્રસંગે એની સગી માનું મોત થયું.માના મોત પછી એક વર્ષે બાપે નવી પત્ની કરી.બાર મહિના સુધી તો બધું સમુસુતરુ ચાલ્યું પરંતુ નાથીયાની ઉંમરના પાંચમે વર્ષે પનોતી બેઠી.નવી માએ કાચિંડાની જેમ રંગ બદલવાનું શરૂ કર્યું.નાથીયાના મોંઢેથી સંભળાતો “મા”શબ્દ પણ નવી મા કાન્તાને ખટખતો હતો.કારણ કે, એના ગર્ભમાં મા કહેનાર કોઈ આકાર લઈ રહ્યું હતું.

ખાવા પીવા અને કપડાં લતાં બાબતે સાંસા જેવું થઈ પડ્યું નાથીયાને.નવી માએ દિકરાને જન્મ આપ્યો એના પછી તો નાથીયા પર માઠી ગ્રહ દશા બેઠી.આખો દિવસ નાના ભાઈને રમાડવાનો ને ખાવા પીવામાં વધ્યું ઘટ્યું જે નવી મા આપે એ ખાઈ લેવાનું.તુટેલ ખાટલીમાં શિયાળાની કડકડતી ઠંડીમાંય અડધા ઉઘાડા પડ્યું રહેવાનું.બાપ તો ખેતીમાં ભાગીયો હોવાથી થાક્યો પાક્યો ઘેર આવે ને ઉંઘી જાય. અને આમેય નવી મા આગળ બાપનું કંઈ લાંબું ચાલતુંય નહોતું.આખોય ઘર વ્યવહાર નવી મા જ કરતી હતી.

આવી પરિસ્થિતિમાં ભણતરની તો વાત જ ક્યાં આવે! નમાયા નાથીયાને આ બધી વેદના કોઠે પડી ગઈ.હા,નાથીયાએ નવી મા માટે “મા”સંબોધન ના છોડ્યું તે ના જ છોડ્યું.નવી મા અે બીજા દિકરાનેય જન્મ આપ્યો પછી તો પૂછવું જ શું? પણ નાથીયો તો નાથીયો હતો.પાણી ભરવું, બળતણ માટે લાકડાં લાવવાં,વાસણ માંજવાં અને ભાઈઓ અને બાપનાં કપડાં ધોવા સુધીનાં કામ નાથીયા માથે.

એમાંય આવાં કામ વખતે કોઈ આવી ચડે તો નવી મા નાથીયાને મોટી ગાળ આપીને ઘાંટા પાડીને બોલે,’ઉભો થા હવે,વાસણ ઘસતાં આવડે તને?આ કો’ક જોશે તો મને શું કહેશે?મારી આબરૂ કાઢવા બેઠો છે તે! આ નવી મા જુનીના છોકરા પાસે વેઠ કરાવે છે કે શું? ‘

બહારનાંને તો એમ જ લાગે કે, નાથીયા પર નવી માને ખુબ હેત છે.પછી તો નાથીયાનેય ધીમે ધીમે બધું સમજાઈ ગયું હતું એટલે કોઈ બહારનું અચાનક આવી જાય તો નાથીયો કામ કરતાં કરતાં ઉભો થઈ જતો.

હા, આ બધું પાડોશી પારૂમા જાણતાં હતાં.બે ચાર વખત પારૂમાએ કાન્તાને સમજાવવાનો નિરર્થક પ્રયાસ કરી જોયો હતો પરંતુ કાન્તા તરફથી સણસણતો જવાબ મળ્યો હતો,’કો’કની ખોટી પંચાત ના કર ડોશી.તારૂ ઘર સંભાળીને બેસી’રે છાનીમાની.’

પારૂમાનો જીવ ખુબ બળતો હતો.એટલે જ કાન્તા ક્યાંક આડી અવળી થાય ત્યારે નાથીયાને શાન કરીને કંઈક સારૂ ખાવાનું આપે તો ક્યારેક રૂપિયો રડો વાપરવાય આપે.પારૂમાને ભગવાનને બે દિકરીઓ આપી હતી એ બન્ને એમની સાસરીમાં સુખી છે.પાંચેક વર્ષ પહેલાં એમના ઉંમરલાયક પતિનુંય મોત થયું હતું એટલે સીતેરેકની ઉંમરનાં પારૂમા એકલાં જીવન ગુજારી રહ્યાં છે.ખેતીની પાંચ વિઘા જમીનથી એમનું ગાડું રગડ્યે જાય છે.

નાથીયો સોળેક વર્ષની ઉંમરનો થયો.નવી માનો ત્રાસ વધતો જ ગયો.આખો દિવસ ખેતરોમાં મજુરીએ જવાનું ને રાત્રે કામની વેઠ.મજુરીના પૈસાય નવી માના હાથમાં આપવાના.ફાટેલ તૂટેલ કપડાં પહેરવાનાં.આ ઉંમરે તો નાથીયા માટે જીવવું દોહ્યલું થઈ પડ્યું.

ના છુટકે એક દિવસ નાથીયાએ નવી માને બે શબ્દો કહ્યા,’મા! કપડાં માટે તો થોડા પૈસા આપો?’

બસ,પુરુ થઈ ગયું,’તું મારી સામે બોલ્યો હરામી?આ ઘરનું મફતનું ખાય છે ને નવાં લુઘડાંના અભરખા? જા! નવાં લુઘડાં પેરવાં હોય તો આ ઘર મેલીને ઉપડ.’

નવી માનું આ કહેવા પાછળનું ગણિત જુદું જ હતું.એને હવે એ ચિંતા હતી કે,નાથીયો હવે ઉંમરલાયક થયો છે એટલે સગું સગપણ અને લગ્ન કરવાં પડશે.જગત લાજે આ બધું કરવું જ પડશે ને મોટો ખર્ચો થશે.એના કરતાં અહીંથી તગડી મૂકું તો ખર્ચ બચી જાય બાકી નાથીયાની મજુરીનું મહેનતાણું ને ઘરનું બધું જ કામકાજ કોને વહાલું ના હોય!

નાથીયો નવી માના પગે લાગીને બોલ્યો, ‘મા મને આશિર્વાદ આપો કે હું ગમે ત્યાં જઈને સુખી થાઉં ને તમને પણ સુખી કરુ.’

તુચ્છકારભરી નજરે નવી મા બોલી,’આયો મોટો આશિર્વાદવાળો ને મને સુખી કરવાવાળો!જા હેડ્ય અઈથી! મોટો કરોડપતિ થઈશ જા.’

‘ગમે તે રીતે તોય કરોડપતિ બનવાના આશિર્વાદ માના છે ને !જરૂર તમનેય લઈ જઈશ સુખી કરવા મા!

નાથીયે બન્ને નાના ભાઈઓને “આવજો”કહીંને ચાલતી પકડી.પારૂમા આ બધું જોઈ રહ્યાં હતાં.છાનાંછાનાં નાથીયા પાછળ જઈને ઉભો રાખ્યો અેને. નાથીયાને હાથે ઝાલીને નજીકની શેઠની દુકાને લઈ ગયાં.એમની પાસે રહેલ ચિઠ્ઠી શેઠને આપીને કહ્યું, ‘આ સરનામું બીજા કાગળમાં લખી આલોને!

સરનામું નાથીયાને આપીને પારૂમા બોલ્યાં, ‘નાથા, આ મારા જમાઈનું સરનામું છે.નવસારીમાં એમને હીરાની ઘંટીઓ છે.જા!જઈને મારુ નામ લેજે.તને કામધંધો મળી જાશે.અને લ્યે આ પૈસા ભાડાના.’

અભણ નાથીયો રડતી આંખે પારૂમાની ચરણરજ માથે ચડાવીને રવાના થયો.એના પિતાજી જ્યાં ભાગ રાખીને ખેતીકામ કરતા હતા એ ખેતરે જઈને એમના આશિર્વાદ લીધા.પિતાજીની મજબુરી એ ઉંમર મૂજબ સમજતો તો હતો જ.પિતાજીએ એટલું જ કહ્યું, ‘બેટા નાથીયા તું ક્યાં જઈશ?’બાપુજી હું હીરા ઘસવા નવસારી જાઉં છું’બોલીને ઉપડ્યો નવસારી જવા.પિતાજી રડતી આંખે જતા નાથીયાની પીઠ જોઈ રહ્યા.રડતી આંખો પસ્તાવા સાથે કહી રહી હતી કે હે ભગવાન! આવી નવી મા કોઈ દિકરાને ના આપતો.

રાત્રીના ત્રણેક વાગ્યે નાથીયો નવસારી પહોંચ્યો.સવાર સુધી બસસ્ટેન્ડમાં બેસીને પછી દિવસ ઉંચો ચડ્યે નાથીયો આપેલ સરનામે રીક્ષા કરીને પહોંચી ગયો.પારૂમાની દિકરી કંકુ નાથીયાને ઓળખી ગઈ.’આવ નાથા,આમ સવાર સવારમાં? ઘેર બધાં મજામાં તો છે ને? ‘

‘હા, બુન!બધાંય મજામાં છે.મને પારૂમાએ મોકલ્યો છે.’નાથીયે માંડીને બધી વાત કરી.કંકુ પણ નાથીયા વિષે ઘણું બધું જાણતી હતી.

એ જ દિવસથી નાથીયો કારખાને જઈને હીરા ઘસવાનું શીખવા માંડ્યો.દશેક દિવસ પછી ભલામણ માટે પારૂમાએ લખાવેલ પોસ્ટકાર્ડ મળ્યો.આમેય કંકુનો પતિ નારણ ભલો માણસ હતો એટલે નાથીયાને બહુ સારી રીતે રાખતો હતો જ.હીરાની તેજીના એ સમયમાં નાથીયો મન દઈને શીખવા માંડ્યો.કારખાનામાંજ રહેવાનું ઉંઘવાનું ને લોજમાં જમવાનું.રાત્રે સરખે સરખા મિત્રો સાથે વાતો અને અક્ષરજ્ઞાન બધું જ આનંદદાયક.

જોતજોતામાં નાથીયો નવસારી હીરા બજારમાં કારીગર તરીકે પ્રખ્યાત થઈ ગયો.મહિને સૌથી ઉંચી આવક મેળવનાર નાથીયો નાથાલાલ થઈ ગયો.સાથે જ હીરા ઘસતા સમાજના જ એક મિત્ર કરશને એના ઘરનાંને એની બહેન માટે નાથીયો ખુબ ઉતમ છોકરો છે એ એના માબાપને કાગળ લખીને જણાવ્યું.

આ સમય દરમિયાન નાથીયાના પિતાજીનું મોત થઈ ગયું પરંતુ નાથીયાને નવી માએ જાણ ના કરી.પારૂમાએ જ કાગળ લખાવીને જાણ કરી.નાથીયાને પિતાજીના મોતને પાંચમે દિવસે જાણ થઈ.ગાડી કરીને નાથીયો તાબડતોબ આવી પહોંચ્યો પરંતુ અહીં તો કોઈ આવકાર નહીં! કલાકેક બેસીને નાના ભાઈઓને પાંચ હજાર રૂપિયા આપીને નાથીયો ભારે હૈયે પરત ફર્યો.એમાંય પાછળથી નાથીયાને જાણ થઈ કે, નવી માએ પિતાજી પાછળ એક રૂપિયોય વાપર્યો નથી.

દિવાળીના વેકેશનમાં કરશન નાથીયાને એના ગામ લઈ ગયો.વાતચીતના અંતે નાથીયાનું કરશનની બહેન મંજુ સાથે ગોઠવાઈ ગયું.નાથીયાએ એની બધી હકીકત કહી સંભળાવી.

ઉનાળામાં અખાત્રીજ ઉપર નાથીયા અને મંજુનાં લગ્ન લેવાઈ ગયાં. નારણ અને કંકુએ નાથીયાને રંગે ચંગે પરણાવ્યો.આ વખતે નાથીયાને નવી મા અને ભાઈઓ જરૂર યાદ આવ્યા પરંતુ એમનું પિતાજીના મોત વખતનું વર્તને એને હચમચાવી મુક્યો હતો એટલે લગ્નમાં ના બોલાવવાનું જ નાથીયાને ઉતમ લાગ્યું.

બે વરસે મંજુનું આણું થયું ને એ નવસારી રહેવા આવી ગઈ.નવું મકાન રખાયું.નાથીયાએ પોતાનું નવું કારખાનું બનાવવાની વિનંતી નારણને કરી.નારણે હસતા મોંઢે નાથાને સંમતિ આપી.આમેય નારણ હીરા બજારમાં મોટું નામ હતું. www.amarkathao.in

નાથીયાનાં દરેક પાસાં સવળાં પડ્યાં.નાથીયો સતત પ્રગતિ કરતો ગયો.એક દશકામાં તો ગાડી, બંગલાનો માલિક “શેઠ નાથાલાલ “બની ગયો.ભગવાને પહેલા ખોળે દિકરોને બીજા ખોળાની દિકરી આપીને નાથીયાના પરિવારને હર્યોભર્યો બનાવી દીધો. આમેય નાથીયાને ભગવાન પર અપાર શ્રદ્ધા હતી એટલે જ તો મકાનમાં એક નાનકડા રૂમ જેવડું આરસનું મંદિરીયું બનાવ્યું હતું.

પારૂમાને હાથ પગે સાથ ના આપતાં કંકુએ તેમને નવસારી બોલાવી લીધાં હતાં.ગયા વર્ષે એમનું નવસારીમાં જ નિધન થયું હતું.એ સમયે સૌથી વધારે નાથીયો રડ્યો હતો.એને લાખોપતિ બનવા રસ્તો ચિંધનાર પારૂમા જ હતાં ને! અને એટલે જ તો પારૂમાની તસવીર એના મકાનમાં હતી.એની સગી માની કોઈ તસવીર તો એની પાસે હતી નહી.

એને તો નવી માની તસવીર મળે તોય મકાનમાં રાખવાની ઈચ્છા હતી.તુચ્છકારભર્યાય આશિર્વાદ એના હૈયામાં પડઘાતા હતા.

એક દિવસ નાથીયાના ગામનો જ અને નવસારીમાં જ હીરા ઘસતો સોમો નાથીયાના ઘેર આવ્યો.આવતાંવેંત નાથીયો સોમાને ઓળખી ગયો.આવકાર આપીને એણે મંજુને સોમાની ઓળખાણ આપતાં કહ્યું, ‘આ સોમભાઈ આપણા ગામના છે.’મંજુએ પણ આવકાર આપીને સોમાને પાણી આપ્યું અને રસોડામાં ચા મૂકવા ગઈ.

ચા પાણી કરીને સોમાએ ખચકાતાં ખચકાતાં નાથીયાને કહ્યું, ‘નાથાભાઈ! એક સંદેશો લઈને આવ્યો છું પણ કહેતાં જીભ ઉપડતી નથી.’

‘અરે! એવું તે શું છે સોમભાઈ? બે ધડક બોલ ભાઈ! શું વાત છે? ‘

‘કાન્તામા બહું દુ:ખી છે.બેય છોકરાઓ પરણીને એમની સાસરીમાં ચાલ્યા ગયા છે કાન્તામાને છોડીને.કાન્તામાની બેય આંખે મોતીયા આવ્યા છે.સાવ થોડું થોડું ભાળે છે એટલે મહેનત મજુરી તો કેવી રીતે કરે! બેયમાંથી એકેય છોકરો રૂપિયોય મોકલતો નથી.બેય ટંક આડોશી પાડોશી કટલો શાક રોટલો આપી જાય છે.દવાખાને લઈ જવા માટે ગામના બે ત્રણ જણે વાત કરી પણ સૌને દવાખાને જવાની ના પાડે છે.સૌને જાહેરમાં કહે છે કે, સગા દિકરાઓના મોહમાં મેં દેવ જેવા નાથાને હડસેલી મેલ્યો.હું આંધળી થઈને જીવડા પડીને મરુ એ જ ભગવાનનો સાચો ન્યાય છે એટલે મને રીબાઈ રીબાઈને મરવા દ્યો.’બોલતાં બોલતાં સોમાની આંખો ભરાઈ આવી.

ખુબ ખુબ આભાર સોમભાઈ તારો.તેં મને ખરા સમયે જાણ કરી છે.રડતા અવાજે નાથીયાએ સોમાના ખભે હાથ મુકીને આભાર વ્યક્ત કર્યો.

બન્ને બાળકોને નારણભાઈને ઘેર મુકીને ગાડી લઈને નાથીયો અને મંજુ વતનમાં આવ્યાં.કારને જોઈને ગામલોકો જોઈ રહ્યા હતા કે કોણ આવ્યું હશે?ગાડી નવી માના આંગણે આવીને ઉભી રહી.નાથીયો અને મંજુ ખાટલામાં બેઠેલ નવી મા પાસે આવ્યાં.

નાથીયાએ કહ્યું, ‘મા! હું તારો નાથીયો.’નવી માએ કંઈ જવાબ ના આપ્યો પરંતુ આંખો ઉભરાઈ આવી.નાથીયાએ ફરીથી એ જ શબ્દો ઉચ્ચાર્યા, ‘મા! હું તારો નાથીયો .’

કોઈ પ્રત્યુત્તર નહીં. નાથીયાએ ત્રીજીવાર એ જ શબ્દો દોહરાવીને ઉમેર્યું, ‘મા! હું અને તારી આ વહું -અમે બન્ને તને લેવા આવ્યાં છીએ.’

મંજુએ સાસુના બરડામાં હાથ ફેરવીને કહ્યું, ‘મા! હું તમારા દિકરાની વહુ મંજુ.અમે તમને લેવા આવ્યાં છીએ.’

નવી માના મોંઢામાંથી ધીરે ધીરે શબ્દો સર્યા, ‘એક પાપણ, માના નામ પર કલંક, દેવ જેવા દિકરાને ઓરમાન ગણીને એને કાઢી મુકનાર ડાકણને તમે “મા”કહો છો?’

કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર નાથીયો અને મંજુ નવી માને વળગી પડ્યાં.પાંચેક મિનિટના આ મિલન પછી નાથીયાએ પાડોશમાંથી પાણી મંગાવ્યું અને માને પાઈને બન્ને જણે પણ પીધું.

નાથીયાને જોઈને ખાસ્સી સંખ્યામાં આડોશી પાડોશી ભેગાં થઈ ગયાં હતાં.નાથીયાએ સૌને હાથ જોડીને કહ્યું, ‘મારી માને તમે સૌએ ખુબ સારી રીતે રાખી છે એટલે આપ સૌનું અને આ ગામનું પણ રૂણ ચુકવવા જરુર આવીશ.અત્યારે તો માની સારવાર કરાવીને એને દેખતી કરવી છે.’

સૌની ભીની આંખોમાં નાથીયા પ્રત્યે એક જ અહોભાવ છલકતો હતો, “દિકરા તો આવા હોય!”

નવીમાને નવસારીમાં સીધાં આંખની હોસ્પિટલમાં દાખલ કરીને ઓપરેશન કરાવ્યું,આંખોના પાટા ખોલાયા ત્યારે ચાર માનવ આકૃતિઓ નવી માને દેખાઈ.નાથીયો,મંજુ અને એમનાં બે બાળકો.

નવી માની નફરતની આગનું મોતીયાના ઓપરેશન ભેગું નિકંદન નિકળી ગયું………….

=============================

લેખન -નટવરભાઈ રાવળદેવ થરા.

ગુજરાતી સાહિત્યની ઉત્તમ વાર્તાઓ વાંચો 👇

🍁 ગિલાનો છકડો – જયંતિ ગોહિલ

🍁 જીવ – જયંતિ ગોહિલ (માય ડિયર જયુ)

🍁 જુમો ભિસ્તી – ધૂમકેતુ

🍁 પોસ્ટ ઓફિસ – ધૂમકેતુ

🍁 ગોવિંદનું ખેતર – ધૂમકેતુ

🍁 એક ટૂંકી મુસાફરી – ધૂમકેતુ

આ પોસ્ટ આપ અહિથી share કરી શકશો 👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *