Skip to content

બાળપણની નવરાત્રીની યાદો – ઘોઘા રાણા ઘોસલા યાદ છે ?

બાળપણની નવરાત્રીની યાદો
6007 Views

બાળપણની નવરાત્રી, ગરબા વિશેષ, તેલ પુરવાનાં ગીતો, અહલી પહલીનાં ગીત, નવરાત્રી ઘોઘા ગીત, ઘોઘો ફેરવતી વખતે ગવાતુ ગીત, નવરાત્રીનાં ગીત, નવરાત્રી વિશે નિબંધ, નવરાત્રીની યાદો, જુના સમયમાં ઉજવાતી નવરાત્રી, પ્રાચીન નવરાત્રીની યાદો, જુના સમયનાં નોરતા, ઘોઘા ઘોઘા ઘો’સલામ, Navaratri ni yado, Navratri memoires.

બાળપણની નવરાત્રી

ભારતીય પરંપરા અને સંસ્કૃતિના મુળિયા આમ તો ઘણા ઊંડા હોય, આજે પણ પ્રાચીન પરંપરાઓ ચાલતી આવે છે છતાં પણ અનેક સંસ્કૃતિ લુપ્ત થવાને આરે પહોંચી હોય તેમ કહી સકાય છે. પ્રાચીન પરંપરાની જાળવણી સૌરાષ્ટ્રના ગામડાઓ અને નાના શહેરોમાં જોવા મળે છે જયારે મહાનગરો આવા રીવાજો હવે ભૂલવા લાગ્યા છે તેવી જ એક પ્રાચીન સંસ્કૃતિ “ઘોઘા”અને “ગરબા” ની છે. ગરબો એટલે ઘણા કાણાં કરેલું એક નાનકડું માટલું અને ઘોઘો એટલે માટી નું નાનકડું મંદિર.

ગરબા વિશે…

સૌરાષ્ટ્રમાં નવરાત્રી સમયે નવ દિવસ માથે ગરબો મૂકી ઘેર ઘેર ગાવા જતી બાળાઓનું દ્રશ્ય મનમોહક હોય છે જાણે સાક્ષાત જગદંબા ગરબો લઈને ધરતી પર આવી હોય. સાંજ પડે અને બળાઓ માથે ગરબો લઈને આસપાસ ની શેરી સોસાયટી અને આખા ગામ માં ગરબો ગાવા નીકળી પડે. સૌ પડોશી, આજુ બાજુનાં દુકાનદાર બાળાને ખુશ કરવા ગરબામાં તેલ પુરે, રોકડા પૈસા આપે, ચોકલેટ બિસ્કિટ આપે અને બાળાઓને ખુશ કરે.

ગરબામાં તેલ પુરાવવાના ગીતો …

ગરબડીયો ગોરાવો ગરબે જાય રે મે લાવો રે,
હું નેપ નો’તી મારે પારસભાઈ છે વીરા રે,

વીરા વીરાના તોરણિયા કાંઈ આંગણિયું શણગારું રે,
શેર મોતી લાડવા, કાંઈ ખારેકડીને ખીર રે,

ભાઈ બેઠો જમવા, ભોજાઈ એ ઓઢાડ્યા ચીર રે,
ચીર ઉપર ચુંદડી કાંઈ ચોખલીયાડી ભાત રે,

ભાતે ભાતે ઘુઘરીયું કાંઈ વે’લ દરકુંડી જાય રે,
વે’લમાં બેઠો વાણિયો કાંઈ શેર રીંગણા તોડે રે,

શેર રીંગણા તોડે તો કાંઈ પાસેર કંકું ઢોળે રે,
અમીબેન ચાલ્યા સાસરે કાંઈ ટીલી કરૂ લલાટે રે,

આછી ટીલી ઝગમગે કાંઈ ટોડલે ટહુંકે મોર રે,
મોરવદ આવ્યા મોતી રે, ઈંઢોણી મેલી રડતી,
રડતી હોય તો રડવા દેજે ને પાવલું તેલ પડવા દેજે..

◆◆◆◆◆

એક દડો ભાઈ બીજો દડો, ત્રીજે તોરણ બાંધજો,
આજના મારા વિપુલભાઈ,તમારી વહુ ને વારજો,

તમારી વહુ છે લાડકા, ઝાંઝરીયા ઘડાવજો,
ઝાડ ઉપર ઝૂમખું, ચોખાલીયાળી ભાત રે,

ભાત રે ભાત રે ભળકડા, વેલ છૂટતી જાય રે,
વેલમાં બેઠો વાણિયો, કાગળ લખતો જાય રે,

કાગળમાં બે પૂતળી, હસતી રમતી જાય રે,
વાંકાશેરનો વાણિયો, શેર કંકુ તોળે રે,

આછી ટીલી ઝગમગે, ટહુલે ટહુલે મોર રે,
મોર વધાવ્યા મોતીળે, ઇંઢોણી મેલી રડતી રે,

રડતી હોય તો રડવા દેજો, તેલનું ટીપું પડવા દેજો,
એલચીયો લવિંગીયો પૈણાવીયો ને જાનું બેનનો વીરીયો..

એ……તેલ પુરાવો તેલ…

◆◆◆◆◆

ચાંદા ચાંદાની રાત, ચાંદો કે’દિ ઉગશે રે,
ચાંદો પાછલી પરોઢ મોતીડાં વિણશે રે,

હિતેશભાઈ ચાલ્યા દરબાર, ઘોડે બેસી આવશે રે,
લાવશે કમળના ફૂલ, અનુપમા વહુ સૂંઘશે રે…

◆◆◆◆◆

અહલી દયો પહલી દયો ગીત

અહલી દેજો, પહલી દેજો

મોટા ઘરનું માણું દેજો,
માણાં માંથી પાલી દેજો,

પાલીમાંથી પવાલી દેજો,
પવાલીમાંથી ખોબો દેજો,

ખોબામાંથી ધોબો દેજો,
મૂઠીમાંથી ચપટી દેજો,

દેશે એને પાધડિયો પુત્તર
નહી દે એને બાહુડો જમાઈ..

◆◆◆◆◆

ગરબો શણગાર
બાળપણની નવરાત્રીની યાદો


એક ના એકવીસ રે ગોરી ગરબો આવ્યો,
બે ના બાવીસ રે ગોરી ગરબો આવ્યો,

ત્રણ ના ત્રેવીસ રે ગોરી ગરબો આવ્યો,
ચાર ના ચોવીસ રે ગોરી ગરબો આવ્યો,

પાંચ ના પચીસ રે ગોરી ગરબો આવ્યો,
છ ના છવીસ રે ગોરી ગરબો આવ્યો,

સાત ના સત્યાવીસ રે ગોરી ગરબો આવ્યો,
આઠ ના અઠયાવીસ રે ગોરી ગરબો આવ્યો,

નવ ના ઓગણત્રીસ રે ગોરી ગરબો આવ્યો,
દસે જાજા હીરા રે ગોરી ગરબો આવ્યો,
જીવે તમારા વીરા રે ગોરી ગરબો આવ્યો..

★★★★

👉 નવરાત્રી ચાલુ થઇ ગઈ છે. બાળપણમાં નવરાત્રી દરમ્યાન, જો સૌથી વધારે આનંદદાયક કોઇ કાર્ય હોય તો, ઇ ઘોઘા ફેરવવાનું! મોટા શહેરો માં તો ખબર નથી, પણ નાના શહેરમાં અને ગામડામાં તો હજી મધ્યમ અને ગરીબ વર્ગ નાં બાળકો ‘સીખ’ મેળવવા માટે ઘરે ઘરે ‘ઘોઘા’ અને ‘ગરબા’ ફેરવે છે.

ઘોઘા વિશે..

ઘોઘા (કે ગરબા) માં એક દિવો કરવાનો; એક નાની ડબ્બી માં થોડુંક તેલ લેવાનું; એક બાકસ અને દિવા માટે એક-બે વધારાની વાટો. આ બધુ એક થાળી માં લઇ ને સાંજ પડ્યે મિત્રો સાથે આજુ-બાજુ ની સોસાઇટીઓ માં ઘરે ઘરે જાવાનું. છોકરાઓ પાસે ઘોઘા હોય અને છોકરીઓ પાસે ગરબા હોય. દરેક ઘરે જઇને ઘોઘા નું ગીત ગાવાનું. ઘોઘા અને ગરબા નાં ગીતો જુદા જુદા હોય; આથી, બન્ને ગ્રુપ અલગ અલગ હોય.

જુદા જુદા ઘરે થી જુદી જુદી વસ્તુ મળે. કોઇ ચોકલૅટ તો કોઇ પેપરમીંટ (peppermint) આપે. તો કો’ક વળી કાજુ, અગરબત્તી, દિવા માં પૂરવા નું તેલ કે મગફળી નાં દાણા આપે. જો ક્યારેક કો’ક નાં હૈયા માં રામ વસ્યા હોય તો ‘રોકડા’ ય આપે!! ઘણાં લોકો એમ પણ કહી દ્યે કે “છેલ્લે દિ’ (દશેરા) આવજો”; બાકી, છેલ્લે દિ’ તો સવાર થી નીકળી જાતા સીખ માંગવા અને છેલ્લે દિવસે નાની વાટકી કે થાળી આપે. બધેથી હોંશેહોંશે લઇ આવવાનું. દિવસે ભણી લેવાનું તો જ રાતે જવા મળે. કેટલી મજા આવતી !’

ઘોઘા ફેરવતી વખતે ગવાતુ ગીત

ઘોઘા ઘોઘા ઘો’સલામ
નાથી ભાઇ નાં વીસ સલામ
ટોકરી નો ટમકો
ઘૂઘરી નો ઘમકો
પરે પટોળીયે પોઢે છે
ગોદડીયા ને ગોળી વાઇ’ગી
જાય ગોદડીયો ભાઇ’ગો
દિકરી દિકરી દિવાળી
સોના ની ઘાઘરી સીવાણી
તેલ દ્યો, ધુપ દ્યો, બાવા ને બદામ દ્યો
ઘોઘા ની સીખ ! (જોર થી બોલવાનું)

Gujarati Prachin Garba Lyrics
ગુજરાતી ગરબા lyrics pdf

નવરાત્રી જુના ગરબાનું કલેક્શન 👈


👉 ગુજરાતમાં એક જમાનામાં ગરબો લઈને કુંવારિકાઓ મહોલ્લા-શેરીઓમાં ગાતી ફરતીને તેમાં તેલ પૂરવામાં આવતું અને છોકરાઓ માટીના ઘોઘા નાવી અંતર દીપ મૂકી ઘરે ઘરે ફરતા અને સોમનાથના યુદ્ધમાં વીરતા દાખવનાર ઘોઘા ચૌહાણની યાદમાં ગાતા,

ઘોઘો ઘોઘો ઘોઘ સલામ,
નાથીબાઈના વીર સલામ
આગલો બંદૂકદાર, પાછલો ચોકીદાર તેલ દ્યો, ધૂપ દ્યો બાવાને બદામ દ્યો,
તાવડીમાં ઠીકરી, જીવે તમારી દીકરી.

ગરબો, ગરબી, રાસ, રાસડા, દાંડિયા વિશે જાણવા જેવુ
ગરબો, ગરબી, રાસ, રાસડા, દાંડિયા વિશે જાણવા જેવુ


★★★★★

● ઉપરના ગીતોના લેખકની માહિતી ઉપલબ્ધ નથી, ગીત ના તમામ લેખકો નો આભાર.

:- સંકલિત માહિતી “સંજય મોરવાડિયા”

■ ઘોઘો : આસ્થા, આનંદ અને અસ્મિતાનું વિસરાતું પ્રતીક ■
======================================

નવરાત્રીનાં ઘોઘાનો કોઈ ઇતિહાસ ખરો?
નવરાત્રીનાં ઘોઘાનો કોઈ ઇતિહાસ ખરો?


ચાર દાયકા પહેલાંની જ વાત છે. મારી ઉંમર દસ-બાર વર્ષની હશે. સાતમ આઠમના તહેવારો પછી અત્યારે જેમ જાહેર અગિયાર દિવસનો ગણેશ મહોત્સવ ચાલે છે તે હતું નહીં. ભાદરવો મહિનામાં કોઈ જ તહેવાર નહીં. મિત્રો સાથે મોજ આનંદ માટેની અમારે રાહ જોવાની રહેતી નોરતાની! અમે નવરાત્રી નહીં પણ નોરતાં એમ જ કહેતા હતા. ગરબીમાં રમવા જવાની ખૂબ મજા પડે. મારા વતનમાં ગરબી દરેક માટે ખુલ્લી રહેતી. મતલબ કે ઘરેથી માત્ર પોતે ખરીદેલા દાંડિયા જ લઈને જવાનું અને જે ગરબીમાં રમવું હોય ત્યાં ચક્કરમાં જોડાઈ જવાનું બસ! મોટો ગરબો પૂરો થાય અથવા તાલ બદલી થાય ત્યારે ત્યાં રમવું હોય તો રોકાઈએ નહીંતર આગળ બીજી ગરબીમાં રમવા જવાનું.

દરેક ગરબીએ વાંસના દાંડિયાનો પણ ઢગલો રહેતો. કોઈને હાથતાલી ફાવે તો દાંડિયા વિના રમે અને પોતાના હોય તો ઠીક છે નહીંતર ગરબીના દાંડિયા લેવાના, રમવાનું અને જતી વખતે મુક્તા જવાનુ. ગરબી રસ્તા પર જ થાય અને મંચ નહોતા. ચોક્કસ જૂથો નહોતા. ઢોલ-દોકડ-કાંસા વગાડતા એક ભાવક માઈક પરથી કે માઈક વિના ગરબા ગવરાવે. કઈ ગરબીનું કેટલું ચક્કર મોટું તે ગરબી જામી છે તેનું માપદંડ! ખાસ કોઈ કપડાં નહીં કે શણગાર નહીં, કોઈ સાધનો નહીં, કોઈ સ્પર્ધા નહીં, કોઈ ઇનામો નહીં, જાહેરાતો નહીં, કોઈ ટીકીટ-પાસ નહીં.

જો કોઈ ગરબીએ ખાસ કોઈ વેશભૂસાનું આયોજન હોય તો આગલા દિવસે જાહેરાત થતી એટલે સૌ ત્યાં જોવા જતા. આજે શહેરી વિસ્તારમાં આમાનું કંઈજ જોવા મળતું નથી તે હકીકત છે અને તે પરિવર્તન છે.

અમેં નોરતાની રાહ જોતા કે જે મજા આવતી તેનું એક બીજું કારણ પણ ઘોઘો અને ગરબા હતા. અત્યારે કદાચ શહેરી બાળકોને ઘોઘો એટલે શું તેની ખબર ન હોય તેવું બને. તે શેમાંથી બને કે આકાર-કદ-માપ કેવા હોય તેની પણ ખબર ન હોય કારણ કે આ પ્રથા લગભગ વિસરાતી જતી હોય તેવું જોવા મળે છે. ભણતરનો ભાર, મોબાઈલ-ટેલિવિઝન જેવા સાધનોની સરળ ઉપલબ્ધી, માતા-પિતાનું પણ વધુ પડતું સાવચેતીપૂર્ણ વલણ, પ્રમાણમાં ઊંચું જઈ રહેલું જીવન ધોરણ વિગેરે આ પ્રથાને લુપ્ત કરવા માટેના પ્રાથમિક કારણો હોય શકે છે.

નોરતામાં નાની નાની છોકરીઓ માથે માટીનો પ્રજ્વલ્લિત ગરબો મૂકીને ઘરે ઘરે ફરે અને સૌ તેમાં માતાજી સ્વરૂપ માની તે છોકરીઓને રાજી કરે. છોકરાઓ માટે ઘોઘો રહેતો. અમે આ ઘોઘો માંગવા અને તેનાથી આનંદ માટે નોરતાની રાહ જોતા હતા. આજે કોઈ કોઈ જગ્યાએ આવી રીતે છોકરી-છોકરાઓ નીકળે છે. ગયા વર્ષે મારા ઘરે આવેલા આવા ઘોઘા-ગરબાની વિગત-તસ્વીરો અહીં મૂકી હતી.

આ પ્રથા કેવી રીતે-ક્યાં કારણોથી શરૂ થઈ હશે તેનો ખ્યાલ નથી પણ એટલું જરૂર કહી શકાય કે નિર્દોષ બાળદેવોને આનંદ કરાવી લોકો પોતાની આસ્થા સાથે જોડાઈ રહેતા હતા. ગરબો તો લગભગ વર્તમાન પેઢીએ જોયો હોય. જો કે તેમાં પણ આમૂલ પરિવર્તનો તો આવ્યા જ છે. ઘોઘો એટલે શું? શા માટે ઘોઘો? આ પ્રશ્નાર્થોની તે ઉંમરે માહિતી નહોતી પણ સાંજ પડે એટલે ઘોઘો લઈને નીકળી પડતા એ મજા હતી.

ઘોઘો તેના શાબ્દિક અર્થ પ્રમાણે તો નાગદેવતા કહેવાય છે. ઘોઘો એટલે નાગદેવ કે સાપ. નગપાંચમને ઘોઘાપાંચમ પણ કહેતા હતા. અત્યારે અપભ્રંશ બનીને ગોગા કે ગોગો તરીકે ખૂબ પ્રચલિત છે. નવરાત્રીમાં એ માતાજીની પૂજા અર્ચનાના દિવસો છે. અહીં સાથે છોકરાઓ માટે વડીલોએ આ વ્યવસ્થા કરી હશે. શબ્દકોશમાં ( ભગો ) દર્શાવ્યા પ્રમાણે;

૧) ઘોઘો – નાગરાજને નિમિત્તે નવરાત્રીમાં ભિક્ષા માંગવી.

૨) ઘોઘારાણો – નવરાત્રીના દિવસોમાં બનાવવામાં આવતું એક કદરૂપુ પૂતળું.

૩) ઘોઘરરાણો – ઘોઘરોનો રાજા. નવરાત્રીમાં બનાવવામાં આવતી માટીની સ્થૂળ પુરુષાકૃતિ; માતાનો ઘાંચી. તેની આગળ છોકરાઓ રમે છે.

ઘોઘાનો એક અર્થ નાનું મંદિર એવો પણ થાય છે. ગરબો અને ઘોઘો બંને માટીમાંથી બને. ગરબો માટલી આકારનો અને ફરતા છિદ્રો વાળો હોય જે અંદર પ્રજ્વલ્લિત દીપકની જ્યોતિનો પ્રકાશ બહાર ફેલાવે છે. ઘોઘો એક ઉભા ઘર-મંદિર આકારનો હોય છે. નીચે સાંકડો, વચ્ચે પહોળો અને ઉપર નાગની ફેણ જેવો આકાર આપી બંધ કરી દેવામાં આવે. આગળનો એક ચોરસ હિસ્સો 3×3 ઇંચ જેટલો ખુલ્લો હોય. જેમાંથી અંદર કોડિયું મૂકી શકાય. ત્રણેય બાજુએ બંધ હોય એટલે દીપકને હવા ન લાગે. ઉપર પણ બંધ હોય. અહીં ફરતા છિદ્રો હોતા નથી. તે સમયે કુંભાર દ્વારા આવા ઘોઘા બનાવવામાં આવતા. પચીસ પૈસાનો મળતો.

અમે મિત્રો આવો ઘોઘો ઘરે બનાવતા. શ્રાદ્ધપક્ષ ચાલુ હોય ત્યારે આ કામ કરતા કારણ કે પહેલા નોરતે તૈયાર જોઈએ. અમે ચોરસ બનાવતા. વચ્ચે-નીચે-ઉપર સાવરણાની જાડી સળીઓ ગોઠવી ઉપર કાળી માટી લગાડી દેતા. થોડુંક સુકાય એટલે ઉપર ત્રિકોણ આકારે ઘૂમટ બનાવી મૂકી દેતા. ચુનો અથવા મટોડી પલાળી તેનો રંગ કરવાનો હતો. અંદર બેસાડવા માટે બે પાંચ નાગ બનાવી રાખતા. જો કોઈ દિવસ એક નાગ તૂટી જાય તો બીજે દિવસે બીજો નાગ લઈ જવાનો.

મોટી પિત્તળની થાળીમાં ઘોઘો મૂકીએ. બહાર દીવો ન કરતા પણ તાજી ભીની માટીનો લોન્દો મૂકી તેમાં અગરબત્તી રાખી દેતા. સાંજ પડે એટલે છોકરીઓ ગરબા લઈને નીકળે એટલે સાથે સાથે અમે પણ નીકળી પડતા. દશેરાના દિવસે ઘરની પાછળ આવેલ એક મંદિરે મૂકી આવતા.

ઘોઘાનો કોઈ ઇતિહાસ ખરો?

મેં ક્યાંક વાંચ્યું છે તે મુજબ સોમનાથના દરિયામાંથી જતા વહાણોના કાફલાને દરિયાઈ ચાંચિયાઓ લૂંટી લેતા હતા ત્યારે એક ઘોઘા ચૌહાણ નામના વીરપુરુષે ચાંચિયાઓ સામે યુદ્ધ કરી બધાનો ખાત્મો બોલાવ્યો હતો અને તેની વીરતાનું ગીત આ ઘોઘા માંગનાર છોકરાઓ ગાય છે. ” ઘોઘા રાણા ઘોસલા, નાથી બાઈના વીર સલામ ” આ ઘોઘા રાણા એટલે કદાચ ઘોઘા ચૌહાણ અને તે નાથીબાઈ નામે કોઈ સ્ત્રીના પુત્ર હશે કે વીર હશે તેવું માની શકાય છે. આ વીરને તેની યાદગીરી સ્વરૂપે પિતૃ સ્વરૂપે એટલે કે નાગ સ્વરૂપે બેસાડી ફેરવવામાં આવતા હશે? ચોક્કસ જવાબ નથી પણ એટલું કહી શકાય કે હોય પણ શકે!

આ પ્રથા સૌરાષ્ટ્રમાં જ છે કે આખા ગુજરાતમાં છે? ગુજરાત બહાર છે? તે અભ્યાસનો વિષય છે. ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયા કિનારેથી આવી ઘટના ઘટી હોવાની શક્યતા ખરી. આવું એક ઉદાહરણ લાઠીના દેદા કાઠીનું પણ છે કે જેણે ગાયોની રક્ષા માટે જીવ આપ્યો હતો અને એની યાદમાં અષાઢ મહિને વ્રતો રહેતી કુંવારીકાઓ દેદાને ફૂટીને શોક મનાવે છે તેવી પ્રથા ગ્રામ્ય વિસ્તારોમાં હતી અને લોકસાહિત્યમાં તે આજે પણ અમર છે.

આ ઘોઘો લઈને નોરતાની દરેક સાંજે નીકળી પડીએ. ઘરે ઘરે જવાનું. બજારમાં દુકાને ફરવાનું. ઘોઘાનું ગીત ગાવાનું. ઘરે ઘરેથી પીપરમેન્ટ, કાજુ, બિસ્કિટ રોકડ પૈસા મળે તે ટોળીના સભ્યો બધા ભેગા મળી ખાય ને આનંદ કરે બસ આ જ મજા! મારા બા – બાપુ બંને સરકારી નોકરિયાત એટલે તેઓને આ ગમતું નહીં પણ છાના માના જતો રહેતો હતો. ઘોઘા લઈને ફરવાનો પણ એક આનંદ હતો. કોઈ ઘરે એમ કહે કે છેલ્લે દિવસે આવજો પણ પછી ત્યાં ન જતા. જે ગીતો ગાતા હતા તે ચોક્કસ યાદ નથી પણ આવા શબ્દો હતા. જુઓ;

” ઘોઘા રાણા ઘોસલા,
નાથી બાઈના વીર સલામ
પરે પટોળીયા ઓઢે છે,
ગોદડીયાની ગોદી આયવી
જાય ગોદડિયો ભાયગો ,
આસલા કાસલા
બાવાને બદામ દે
તેરા બેટા જીવતા રે
દીકરી ઠીકરી દિવાળી
. ટકાની ઘાઘરી સિવાણી
ટકો મુન્ડો ટાઉ ટાઉ
ઘોઘો માંગે ખાઉં ખાઉં “

આ જોડકણા-ગીત ઉપરાંત તેનું એક બીજું પણ ગવાતું સ્વરૂપ (version ) નીચે મુજબ છે;

” ઘોઘો ઘોઘો ઘોસલા,હાથીભાઇના વિસલા
તામ્બિયો ટેટ્યો, ઘોઘો રાણો મોટો
મોટો મોટો થાવા દ્યો, બેડે પાણી ભરવા દ્યો
બેડામાં નાંખી ઠીકરી, જીવે તમારી દીકરી
દીકરીનું નામ દિવાળી, સોનાની ઘાઘરી સિવાણી
તેલ દયો, ધૂપ દયો, ઘોઘાને વધાવી લ્યો “

ઉપરોકત બંને સ્વરૂપોમાં ઘોઘારાણાનું સન્માન તો છે જ પણ સાથોસાથ ઘોઘો માંગનાર છોકરાઓ પણ મફત નથી માંગતા તે જુઓ. પહેલાં સ્વરૂપમાં ‘ તેરા બેટા જીવતા રે ‘ તો બીજામાં ‘ જીવે તમારી દીકરી ‘ કહી રાજી રાખનાર પરિવારને નિર્દોષ આશિષ – શુભેચ્છાઓ પણ આપે જ છે! બાળકોમાં ઈશ્વરનો વાસ હોય છે તેમ કહેતા હોય તો આ ઈશ્વરીય આશિષ જ છે!
ઘોઘાનું આદ્યુનિક સ્વરૂપનું ગીત મેં રાજકોટ આવીને સાંભળ્યું હતું જે આ પ્રમાણે છે;

” ટીન ટીન ટોકરી વાગે છે
ઘોઘો પીપર માંગે છે
રામ કરે રોટલી
ભીમ કરે ભાજી
અમને કરો રાજી “

ગરબાની એક મજાની વાત તો એ પણ છે કે તે લઈને જતી છોકરીઓ માત્ર માતાજીના ગરબા જ નહોતી ગાતી પણ જમાઈ અને વહુને ભવિષ્યમાં કેવી રીતે અને કેવા ફટાણા દેવાય તેની તાલીમ પણ જાણે મેળવતી હોય તેવું બનતું હતું! નોરતામાં ગરબો લઈને ઘરે ઘરે ફરતી છોકરીઓ દ્વારા ગાવામાં આવતા એક બે ફટાણા રૂપી ગીત જુઓ;

” વાટકીમાં સોપારી, મારી ભાભી રૂપાળી
રૂપ રૂપ કરતી જાય, સોનાના ડગલાં ભરતી જાય
સોનુ પેર્યું ડોકમાં, જમાઈ આવ્યો ચોકમાં
જમાઈ જમાઈ રૂપિયો આપો
રૂપિયો તો ખોટો, જમાઈ પડ્યો ભોંઠો! “

બીજું ગીત કે જે ગરબો લઈને આવતી બાળાઓ ગાતી હતી;

” એક દડો ભાઈ બીજો દડો,ત્રીજા દડે આવજો
અમારા વહુ છે લાડકડાં, ઝાંઝરીયા ઘડાવજો
એક ઝાંઝરીયું ઝરી પડ્યું, તેણે લીધી નાગરવેલ
નાગરવેલના સવળા પાન અવળા પાન
સાંવરિયો મારો વીરો ભાઈ! “

ઉપરોક્ત ગીતોમાં ગરબા સાથે માતાજીની આરાધના કરતા હળવો હાસ્ય-ટીખળ ભાવ વધુ મજબૂત સ્પષ્ટ થાય છે. જે ઘરે આ છોકરીઓ ગરબા ગાતી હોય તે ઘરે તે જમાઈને કોશે છે અને વહુને આવકારે છે. નવી આવેલી વહુ સામે સારી પણ લાગે અને જો છોકરીઓને શીખ આપવાનું તેના હાથમાં હોય તો તે પણ રાજી થઈ જાય છે અને વધુ પણ આપી શકે છે! આવું જ અન્ય ગીત;

” ગરબડીયા કોરાવો ગરબે જાળીયા મેલાવો રે
હું નહોતી પનોતી મારે સૌમ્યભાઈ વીરા રે
વીરા વીરાના તોરણીયા કાંઈ આંગણિયું શણગારું રે
શેર મોતી લાડવા, કાંઈ ખારેકડીને ખીર રે
ભાઈ બેઠો જમવા, ભોજાઈએ ઓઢાડ્યા ચીર રે
ચીર ઉપર ચૂંદડી કાંઈ ચોખલીયાળી ભાત રે
ભાતે ભાતે ઘૂઘરીયું કાંઈ વે’લ દુરે જાય રે
વે’લમા બેઠો વાણિયો કાંઈ શેર રીંગણાં તોડે રે
શેર રીંગણાં તોડે તો કાંઈ પાશેર કંકુ ઢોળે રે
જાગૃતિબેન ચાલ્યા સાસરે કાંઈ ટીલી કરી લલાટે રે
આછી ટીલી ઝગમગે કાંઈ ટોડલે ટહુકે મોર રે
મોરે આપ્યા મોતી રે ઈંઢોણી મેલી રડતી રે
રડતી હોય તો રડવા દેજોને પાવલું તેલ પડવા દેજો રે “

નોરતા પર્વમાં અનેક ફેરફારો આવ્યા છે. પરિવર્તન હંમેશા આવકાર્ય જ હોવું જોઈએ. વર્તમાન સમયે દરેક તહેવારો અને તેની પરંપરાઓ કે પ્રથાઓ કે ઉજવણી પદ્ધતિમાં આવેલા ફેરફારો કેટલા વાજબી છે તે તો આવનારો સમય જ કહેશે પણ સાધારણ આર્થિક સંજોગોમાં પણ નિર્દોષ આનંદ સાથે નોરતા પર્વના ગરબા કે ઘોઘા જેવી તો દિવાળીએ મેરાયું જેવી પ્રથાઓ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે તે હકીકત છે.

વિક્રમ સંવત ૨૦૭૮ ના આસો સુદ એકમથી શરૂ થતાં નોરતા પર્વે સર્વે મિત્રોને આગોતરી શુભકામનાઓ અને સાથે સાથે આપણાં ઘરે જો કોઈ બાળકો ઘોઘા કે ગરબા લઈને શીખ માટે ગાતા ગાતા આવે તો ગીતો ગવડાવજો – સાંભળજો – યાદ રાખજો – હરખાજો – શીખજો અને મનગમતી વસ્તુઓ આપી રાજી કરશો તેવી વિનંતી પણ છે.

■ © ડૉ. રમણિક યાદવ ■
■ તા. ૨૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ ■

Best Gujarati Garba List

Padve Thi Pelu Maa Nu Nortu Ji Re lyrics pdf

Tu Kali Ne Kalyani Re Maa lyrics pdf

Rude Garbe Rame Che Devi Ambika lyrics pdf

Amba Abhay Pad Daayni lyrics pdf

Maa Paava Te Gadh Thi Utarya lyrics pdf

Pratham Samru Saraswati Ne lyrics pdf

Maa No Garbo Re Rame Raj Ne Darbar lyrics pdf

Aasma Na Rang Ni Chundadi lyrics pdf

Khodiyar Che Jogmaya lyrics pdf

Range Rame Anande Rame Aaj lyrics pdf

Kesariyo rang tane lagyo ela garba lyrics pdf

kum kum na pagla padya lyrics pdf

chapti bhari chokha ne lyrics pdf

sonal garbo shire ambe ma lyrics pdf

Tara vina shyam Ekldu lage lyrics pdf

Dholida dhol re vagad lyrics pdf

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *