Skip to content

સાંઢ નાથ્યો ધોરણ 8 પાઠ

સાંઢ નાથ્યો ધોરણ 8 સ્વમુલ્યાંકન
11154 Views

ઇશ્વર પેટલીકરની ખુબ જ સુંદર વાર્તા સાંઢ નાથ્યો. – ગામમાં આવી ચડેલા તોફાની માતેલા સાંઢનો સામનો ભલભલા બહાદુર પુરુષો કરી શકતા નથી. ત્યારે ચંદા આ સાંઢને પકડવાનું બિડુ ઝડપે છે. હાલ આ વાર્તા ધોરણ-8 નાં અભ્યાસક્રમ માં સામેલ છે. Sandh Nathyo std 8 Gujarati sem 2

સાંઢ નાથ્યો… (ચંદાની બહાદૂરી)

ચંદા એ રયજીનાં સંતાનોમાં છેલ્લી હતી. છતાં રયજીની જુવાનીનો જુસ્સો ને જોમ એનામાં ઊતર્યા હતાં. નાનપણનાં તોફાન જુવાની ફૂટતાં કરમાયાં નહિ પણ નવીનવી કૂંપળો નીકળતી ચાલી. ભમ્મર ચઢાવેલો ગુમાની ચહેરો , અભિમાની ફૂલેલું નાક , રુઆબમાં પીસેલા હોઠ , અકડાટમાં ઊંચી રહેલી ડોક , હાથ વીંઝતા ખડકની પેઠે અણનમ રહેતા ખભા , ફલંગો ભરી ચાલતાં ‘ છટાક – છટાક થતો તેનો ઘાઘરો – ને એ સર્વમાં રાતા રંગની ઓઢણીમાં શોભતો એનો ઘઉંવર્ણો દેહ , દરેકના હૃદયસોંસરવો નીકળી જતો. અમરકથાઓ

ચંદાને પરણવાના કોડ નાતના જવાનિયામાં ઘણાઘણાને હતા. પણ એક વિચિત્ર અને માન્યામાં ન આવે તેવો પ્રસંગ બની ગયો. ત્યારથી ચંદાનો લંબાવેલો હાથ કોઈ પકડવાની હામ જ ભીડતું નહિ.

એક તોફાની , મદમસ્ત સાંઢ રખડતો – રખડતો ગામમાં આવી પહોંચ્યો. એને જોઈને સીમાડામાં જતાં ઢોર પાછાં ફરતાં નહિ , પણ જીવ લઈને નાસતાં. સીમમાં જતાં લોકો પણ એ રસ્તે ન જતાં. અડફેટે જતાં સાંઢનો કેર વધતો ગયો. સીમનો પાક ભેલાડે , પણ કોઈનાથી ચૂં કે ચાં ન થાય.

આનો ઉપાય કરવા એક વખત લોકો ભેગા થયા.
એકે કહ્યું : ” એક વખતે જો પગે ડહકલો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે. ”

બીજો : ‘ ત્યારે તો બકરી બની જાય. ‘

ત્રીજો : ‘ અત્યારે તીર નથી અડતાં પણ પછી તો કોઢીના ઘા પડશે ત્યારે ખબર પડશે.’

ખૂણામાં બેઠેલો એક જણ આનંદમાં આવી ગયો : ‘ સરસ ઉજાણી થાય . ’

બીજા એક – બેએ ટેકો આપ્યો : ‘ આટલું દુ:ખ ભોગવ્યા પછી ઓછા આપણે છોડવાના છીએ ? ‘

એ વાતને વધતી અટકાવી , અત્યાર સુધી કંઈ બોલ્યા વિના સાંભળતા એકે કહ્યું : ‘ પણ ડહકલો નાખવા કોણ જશે ?’

બધાં એકબીજા સામે તાકી રહ્યાં.

દૂર રહી વાત સાંભળતી ચંદા નિશાળમાં ભણતી ત્યારે તેને માસ્તરે કહેલી વાત સાંભરી આવી. તે બોલી : ‘ તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા , બિલાડીના દુ:ખનો ઉપાય કરવા. એક ડાહ્યા ઉદરે રસ્તો કાઢ્યો કે બિલાડીના કોટે ઘંટ બાંધ્યો હોય તો તે આવી પહોંચે એની ખબર પડે અને બધા દરમાં સંતાઈ જાય.
એ વાત વધાવી લેતાં બધા ઉંદરો એકસાથે બોલી ઊઠયા : “હા હા , એ સારો ઘાટ છે ! પણ બિલાડીને ઘંટ બાંધવા કોણ જાય ? તેમ આ સાંઢને અહીં ડહકલો નાખવાય કોણ જાય ? એ પૂંછડાવાળા ઉંદર , ને તમે વગર પૂંછડાના ! કટાક્ષ કરી ચંદાએ બધાની હાંસી કરતું હાસ્ય કર્યું.

‘ મરવું હોય તે જાય. ‘ એકે શરમાતાં – શરમાતાં કહ્યું.

‘જાનવરની જાત , એનો શો ભરોસો.’ બીજો બોલ્યો.

‘મને તમારી દયા આવે છે. નહિ તો હું હમણાં ડહકલો નાખી દઉં. ’ ચંદા છેવટે બોલી.

‘અમારી દયા’ બધાં એકસામટાં બોલી ઊઠ્યાં.

‘તમારી નહિ પણ તમારી આ મૂછોની ! ‘ મૂછો તરફ આંગળી કરી એ બોલી : ‘ ને એક વખત મૂછો મૂંડાવવાનું કહેતા હો તો મારે એ કામ કરી આપવું. ‘

એની શરત સાંભળી બધા વિચારમાં પડ્યા ને કંઈક વિચાર કર્યો હોય તેમ સર્વેએ કબૂલ કર્યું.

“કબુલ ” ચંદાએ ખાતરી માટે સામે પ્રશ્ન કર્યો . ‘

“કબુલ,….કબુલ..”

‘ત્યારે જોવું હોય તો ઊગતા સૂરજે આવજો , સાંઢ હોય ત્યાં. ‘ આમ બોલી ચંદા એની હંમેશની છટાથી પાણીના રેલાની માફક ચાલી ગઈ , ને પાણી જતાં ભીનાશ રહે તેમ ધૂળમાં પડેલાં એનાં પગલાં રહ્યાં.

રયજીએ આ વાત જાણી ત્યારે એણે ચંદાને ઘણી સમજાવી પણ , એકની બે થાય એ ચંદા શાની ?

” બાપા ! જીવથી જઈશ તોય ઓછો તમારો વંશ જવાનો છે ? ” એ છેલ્લું વાક્ય બોલી તેણે પિતા સાથે દલીલ ન કરી , ન તો પોતાનો વિચાર ફેરવ્યો.

સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી આંખ ઉઘાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા ત્યારે , નવો ચણિયો , ઓઢણી ને કાપડું પહેરી હાથમાં ડહકલો લઈ ચંદા વચન પાળવા નીકળી પડી હતી.
એનું પરાક્રમ નીરખવા સૂર્ય ઉતાવળે ઊંચે ચઢી રહ્યો હતો સારુંય ગામ કુતૂહલવૃત્તિથી જોવા ઊમટયું હતું. નિરાશ થયેલો રયજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈ નીકળ્યો.

પોતાને અજિત માનતો આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માલ ચરી લાંબા પગ કરી પડ્યો હતો. ગુમાન તો બંનેને હતું. આખલાને એના બળનું અને ચંદાને એની જુવાનીનું. ચંદાએ આખલાને દૂરથી જોયો , પણ એની ગતિમાં કંઈ મંદતા ન આવી. પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા. ને ગુમાનની સાથે એનો જીવ ન જાય માટે કેટલાકના હાથમાં કામઠાં ઉપર તીર , પલાણેલા અશ્વની માફક તૈયાર હતાં.
ચંદાએ ખેંચતાં ફાવે તેમ છરો કમરમાં ખોસ્યો હતો. હાથમાં ડહકલો સોટી પેઠે ઝુલાવતી તે નજીક જતી હતી.

બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દૃષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો. પુરુષને આંજતી અણિયાળી આંખે એય અંજાયો હોય તેમ પડ્યો – પડ્યો તાકી રહ્યો હતો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું.
દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આખલો હજી ઊંચી ડોક કરી એના ભણી તાકી રહ્યો હતો. એને સ્ત્રી ક્ષુલ્લક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો ? ગમે તેમ પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું.

એક રાશવા છેટું રહ્યું ને ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી ગયા , બ્રેક વાગતાં મોટર થમે તેમ. દૂરદૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો.

‘ આખરે બી ગઈ ! ‘

‘ એ તો મોંએ બોલે એટલું જ. બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ ! ‘

‘ એની વિકરાળ આંખ જોઈ ભલભલાના હાંજા ગગડી જાય તો એનું શું ગજું ?’

રયજીનો જીવ પડીકે બંધાયો હતો. જેમ અર્જુન લક્ષ્યપક્ષીનું માથું જ દેખતો હતો તેમ એની નજર ચંદા અને અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી.

ચંદા ઊભી હતી પણ છટા એની એ જ. યમરાજા મરણપથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દૃષ્ટિની દોરી બનાવી પડેલા આખલાના નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતા હતા. તેનું સૌદર્ય પીતો હોય તેમ આખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો હતો.

સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાએ આગળ ડગ દીધું. સ્પર્શ વાછતો આખલો દયામણે ચહેરે તાકી રહ્યો.
એક .. બે … ને ત્રીજે ડગલે એ તેની પાસે પહોંચી ગઈ , ને નીચી નમી તેના ઉપર હાથ ફેરવવા લાગી.

‘ આ છલંગ મારી … હમણાં ઊઠ્યો . ‘ એમ માનતા દરેકનાં હૈયાં ઘડીભર થંભી ગયાં. અશક્ય માનેલા દૃશ્યને શક્ય જોતાં આંખ ઉપર હાથ ફેરવી જોયો , ને આંખનું સદાય રક્ષણ કરતી પાંપણો હાલી ઊઠી.

ચંદા નીચે બેઠી – પાળેલા પશુ આગળ માલિક બેસે તેમ, અને એટલી જ હિંમતથી તેના કપાળમાં , આંખ ઉપર
હાથ ફેરવી તેની સાથે ગેલ ક૨વા લાગી , એ કોમળ હાથનો સ્પર્શ સતત ચાલું રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખી તે નિરાંતે સૂતો.
ચંદાનો રહ્યો સહ્યો ભય જતો રહ્યો. તેણે માથુ , પગ , હાથ ફેરવતાં ચારેય પગ વારાફરતી ઊંચા કરી જોયા

‘ આટલો ગરીબ ! ‘ ચંદાને દયા આવી ,
પણ વધતો વિજય ઊગતી દયાને ગળી ગયો.
ધીમે રહી તેણે વારાફરતી બંને પગે ડહકલાનો ગાળો ભેરવી દીધો.

પંપાળતા હસ્તનો સ્પર્શ બંધ થતાં આખલાએ આંખ ઊંચકી , ચંદા ઊભી થઈ હતી. જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઊતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય ! આખલા તરફ દૃષ્ટિ રાખી એ પાછા પગલે ધીમેધીમે ખસવા લાગી.

દૂર જતી ચંદાને નીરખવા આખલો ઊંચો થવા ગયો , ત્યારે એણે પગનાં બંધન અનુભવ્યાં ! પણ બંધનમાં પડ્યા પછીનું વીરત્વ શા કામનું ! પાંજરામાં સિંહ તાડૂકે તેમ એ બરાડ્યો , ઉધામાં મારી એ બેઠો થયો , પણ દોડવા જતાં એના પગ સામસામા ખેંચાયા એટલે એણે બીજો બરાડો નાખ્યો. અર્ધે આવેલી ચંદાએ તેના તરફ દૃષ્ટિ કરી વિજયી હાસ્ય ક્યું.
છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ રહ્યો.

લોકો નજીક આવતાં ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો : ‘ કોઈએ એને મારવાનો નથી. ‘ તેનો હુકમ માથે ચઢાવ્યો હોય તેમ મૌન છવાઈ રહ્યું.

‘ બેટા ! પુરુષથી ન થાય તે કામ આજ તેં કર્યું. ‘ રયજી પુત્રીને ભેટી પડતાં બોલ્યો.

‘ બાપા ! આ શું બોલો છો ? પુરુષથી ન બને એ કેમ મનાય ? ‘

‘ આ નજરે જોયું એ ખોટું ? આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી. ‘ રયજીએ ચારે બાજુ ઊભેલા પુરુષ સમુદાય તરફ નજર કરતાં કહ્યું.

‘ તમે પુરુષ દેખતા હો તો – હું તો કોઈને પુરુષ દેખતી નથી . ‘ એનો કટાક્ષ સાંભળી દરેકને જમીનમાં પેસી જવાનું મન થયું.

પણ આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહિ. ફરતાં ગામડાંમાં એ વાત જોતજોતામાં પ્રસરી ગઈ , ને તેમની નાતમાં તો એ રામાયણ – મહાભારતની કથા થઈ પડી.

✍ ઇશ્વર પેટલીકર.
~~~~~ધોરણ-8 ગુજરાતી પાઠ~~~~~~

આવી જ અન્ય વાર્તાઓ વાંચો 👇 www.amarkathao.in

કાશીમાની કૂતરી

ગિલાનો છકડો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *