Skip to content

29 મી પૂતળીની વાર્તા – સિંહાસન બત્રીસી

1889 Views

ઓગણત્રીસમી પૂતળી ચંદ્રકલાએ સિંહાસન ઉપર બેસવા જતા ભોજ રાજાને અટકાવી બોલી : “હે રાજન ! થોભો, આ સિંહાસન પર પગ મૂકશો નહિ.

29 મી પૂતળીની વાર્તા

ઓગણત્રીસમે દિવસે ઓગણત્રીસમી પૂતળી ચંદ્રકલાએ સિંહાસન ઉપર બેસવા જતા ભોજ રાજાને અટકાવી બોલી : “હે રાજન ! થોભો, આ સિંહાસન પર પગ મૂકશો નહિ. આ તો વીર વિક્રમ રાજાનું છે. વિક્રમ રાજા જેવા પરોપકારી રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકે.” આમ કહી તેણે વિક્રમ રાજાના પરોપકાર અને દાનવીરતાની નવી વાર્તા કહેવી શરૂ કરી.

માધવપુર નગરીમાં એક ગરીબ બ્રાહ્મણ-બ્રાહ્મણી રહેતાં હતાં. આ બ્રાહ્મણ-બ્રાહ્મણીને એક પણ સંતાન ન હતું. બંને આખો દિવસ પ્રભુભક્તિ કરીને સમય પસાર કરે. તેમને હંમેશ સંતાનની ખોટ ખૂબ સાલતી, પણ ભગવાનની મરજી આમ કહી તેઓ મન વાળી લેતા.

એક દિવસ આ બ્રાહ્મણ-બ્રાહ્મણી શિવમંદિરે દર્શન કરવા ગયાં. ઝૂંપડીમાં ભગવાનના મંદિરમાં દીવો પ્રગટતો હતો. કંઈક કારણોસર દીવાને કારણે મંદિરનો પડદો સળગી ઊઠ્યો. ધીરે ધીરે આ પડદાથી આખી ઝુંપડીને આગ લાગી, ને થોડી વારમાં તો આ ગરીબ બ્રાહ્મણ-બ્રાહ્મણીની ઝુંપડી બળીને રાખ થઈ ગઈ. તેથી બ્રાહ્મણ-બ્રાહ્મણી ખૂબ જ દુખી થઈ ગયાં.

આ બ્રાહ્મણ-બ્રાહ્મણીને પડોશીઓએ તેમના ઘેર રાખ્યાં. પરંતુ આ બંને માણસોનું દિલ ત્યાં પણ લાગતું નહિ. તેઓ આખો દિવસે કલ્પાંત કર્યા કરે. પડોશીઓએ બંને માણસોને હિંમત આપીને કહ્યું: હે ભૂદેવ ! તમે ઉજ્જયિની જાવ. ત્યાંનો રાજા વિક્રમ ઘણો ઉદાર અને દાનવીર છે. એના દરબારમાંથી કોઈ ખાલી હાથે પાછું ફરતું નથી. માટે તમે ત્યાં જઈને તમારા દુઃખની વાત કહો અને રહેવા માટે એક નાનું મકાન માગી લો.”

બંને માણસોને આ વાત ગળે ઊતરી ગઈ. બ્રાહ્મણે ઉજ્જયિની જવાનું નક્કી કરી લીધું. બીજા દિવસે તે થોડું ભાથું લઈને ઉજ્જયિની તરફ રવાના થઈ ગયો. થોડા દિવસ પછી તે ઉજ્જયિનીમાં આવ્યો. ઉજ્જયિનીના લોકોનો ઠાઠ જોઈને તે તો આભો જ બની ગયો. તે લોકોને પૂછતાં પૂછતાં રાજમહેલે ગયો. બ્રાહ્મણ તો વિક્રમ રાજાનો મહેલ જોઈને દંગ થઈ ગયો. તે તો એકીટશે આ મહેલ જોઈ રહ્યો. તેને થયું કે, હું ખરેખર મૂર્ખ છે. આટલા મોટા સમંદરમાંથી એક ખોબો ભરીને જળ જ માગું છું. માંગવું માંગવું ને એક નાનું અમથું મકાન માગવું! એના કરતાં આ મહેલ જ શા માટે ન માગવો ?

આમ વિચાર કરતો કરતો બ્રાહ્મણ છેવટે રાજદરબારમાં આવ્યો અને વિક્રમ રાજાને પ્રણામ કરી પોતાના દુખની વાત કરી ને કહ્યું: હે અન્નદાતા ! અત્યારે મારી પાસે શિર છૂપાવવાની પણ જગ્યા નથી. હું અને મારી પત્ની પડોશીઓના ઘરમાં રહીએ છીએ. અમારું બધું જ બળી ગયું છે.”

રાજાએ બ્રાહ્મણને પૂછ્યું: “હે ભૂદેવ! કૃપા કરીને કહો તમારે શું જોઈએ છે?”

રાજન મારે તો તમારો મહેલ જોઈએ છે? બ્રાહ્મણે કહ્યું.

રાજાએ ખુશીથી પોતાનો રાજમહેલ બ્રાહ્મણને દાનમાં આપી દીધો. બ્રાહ્મણ તો રાજાના આ દાનથી ખૂબ જ આશ્ચર્ય પામ્યો. તેને તો કલ્પનામાંય પણ આવી આશા ન હતી. ધીરે ધીરે રાજાના આ દાનના સમાચાર આખા નગરમાં ફેલાઈ ગયા. બધા વિક્રમ રાજાની વાહ વાહ બોલવા લાગ્યા.

બ્રાહ્મણ તો પોતાને ગામ જઈ બ્રાહ્મણીને લઈ ઉજ્જયિની આવ્યો. તેણે બ્રાહ્મણીને કહ્યું: “મેં રાજા પાસે આ વિશાળ રાજમહેલ માગ્યો છે. હવેથી આપણે બંને જણ આ વિશાળ રાજમહેલમાં રહેવાનું છે.” બ્રાહ્મણી તો આટલો મોટો વિશાળ રાજમહેલ જોઈ તેની બુદ્ધિ બહેર મારી ગઈ. તે તો બ્રાહ્મણ પર ગુસ્સે થઈ ગઈ ને બોલી: “પતિદેવ ! મેં તો રાજા પાસે તમને એક નાનકડું મકાન માંગવા માટે મોકલ્યા હતા. તમે આ શું માંગ્યું આપણે બે જણ આટલા મોટા મહેલમાં કરીશું શું?

બ્રાહ્મણને હવે પોતાના નિર્ણય બદલ પસ્તાવો થવા લાગ્યો. પરંતુ તે બ્રાહ્મણી આગળ કશું બોલી શક્યો નહિ. આ બંને જણ આખા રાજમહેલમાં ફરી વળ્યા. તેઓ તો રાજમહેલ જોઈને દંગ રહી ગયા. પછી બંને જણ રાજમહેલના એક ખૂણામાં પોતાની નાનકડી ગૃહસ્થી જમાવી. એ ખૂણામાં જ બ્રાહ્મણ-બ્રાહ્મણી રસોઈ કરીને જમતાં અને ત્યાં જ સૂઈ જતાં.

એક રાત્રે બ્રાહ્મણ-બ્રાહ્મણી તે ખૂણામાં સૂતાં હતાં કે મહેલમાં ઝાંય ઝાંય એવો અવાજ આવવા લાગ્યો. રાતના અંધકારમાં મહેલનું વાતાવરણ વધુ ડરામણું લાગતું હતું. બંને પતિ-પત્ની અર્ધનિદ્રામાં પડ્યાં હતાં. તેઓ મધરાતે મહેલમાંથી આવતો અવાજ સાંભળી ગભરાઈ ગયાં. ત્યાં જ બ્રાહ્મણ-બ્રાહ્મણી શેતરંજી પરથી ઊંચકાઈને સુંદર શૈયા પર આવી ગયા. મહેલનો એ ખૂણો આખો સરસામાનથી ભરાઈ ગયો.

બ્રાહ્મણ-બ્રાહ્મણી તો ખૂબ જ ડરી ગયાં. ત્યાં ફરીથી કંઈક અવાજ થયો કે તરત બ્રાહ્મણ હિંમત કરીને બોલ્યો “કોણ છે?

“હું” અવાજ આવ્યો. બ્રાહ્મણ-બ્રાહ્મણી તો આ સાંભળી ભાગવા લાગ્યા અને બોલવા લાગ્યાં : “રાજમહેલમાં તો ભૂત છે. બંને હાફતા હાંફતા મહેલની બહાર આવ્યાં અને આખી રાત ભગવાનનું નામ લઈને પસાર કરી.

સવાર પડતાં જ તેઓ વિક્રમ રાજા પાસે ગયાં અને તેમના પગમાં પડી રડવા લાગ્યાં ને બોલ્યાં : “અન્નદાતા ! અમારે આ મહેલ નથી જોઈતો. ત્યાં તો ભૂતપ્રેત રહે છે.”

રાજાને બ્રાહ્મણ-બ્રાહ્મણીની વાત સાંભળી નવાઈ લાગી. તેમણે બંનેને ઘણા સમજાવ્યા કે “મહેલમાં કોઈ ભૂત નથી. અત્યાર સુધી તો હું આ મહેલમાં રહેતો હતો. મેં તો કોઈ દિવસ ભૂત જોયું નથી.” રાજાએ ઘણા સમજાવ્યા, છતાં બંને પતિ-પત્ની માન્ય નહિ. વિક્રમ રાજાએ બ્રાહ્મણને કહ્યું: “હે ભૂદેવ! હું દાનમાં આપેલી વસ્તુ પાછો લેતો નથી. હું આ મહેલ કઈ રીતે લઈ શકું?”

બ્રાહ્મણ તો રાજા પાસે મહેલની માગણી કરીને ખૂબ પસ્તાવા લાગ્યો. આ બાજુ રાજા મહેલ સ્વીકારવા તૈયાર નહિ ને બીજી બાજુ બ્રાહ્મણ-બ્રાહ્મણી તે મહેલમાં રહેવા તૈયાર નહિ. આ વાતની જાણ મહામંત્રીને થઈ. તેમણે કહ્યું: “મહારાજ! રાજના કાયદા પ્રમાણે એ મહેલનું મૂલ્ય તમે બ્રાહ્મણને ચૂકવી આપીને એ મહેલ પાછો લઈ લો.” વિક્રમ રાજાને મહામંત્રીની વાત યોગ્ય લાગી. તેમણે તરત જ તેનું મૂલ્ય ચૂકવી આપ્યું. બ્રાહ્મણ-બ્રાહ્મણી તો તે ધનનો ઢગલો લઈને પોતાના ગામ તરફ રવાના થઈ ગયાં.

હવે વિક્રમ રાજાએ બ્રાહ્મણની વાત મહેલમાં ભૂત છે તેની તપાસ કરવાનું નક્કી કર્યું. તે માટે વિક્રમ રાજાએ આખી રાત જાગીને મહેલમાં પહેરો ભરવાનું રાખ્યું. મધરાત થતાં જ મહેલમાં કંઈક અવાજ સંભળાયો કે તરત જ વિક્રમ રાજા તલવાર ખેંચીને જોરથી બૂમ મારીઃ “કોણ છે?

“હું” જવાબ મળ્યો.

વિક્રમ રાજાએ પૂછયું “હું કોણ?”

“હું લક્ષ્મી. તારા રાજ્યની લક્ષ્મી. રાજા વિક્રમ, તું ધર્માચરણ કરે છે, તેથી તારા મહેલમાં મારો વાસ છે.”

વિક્રમ રાજા ગળગળા થઈ ગયા અને માતાજીને પગે પડ્યા ને બોલ્યા: “આ મહેલ પર તમારી ઘણી કૃપા છે. તમારે કારણે જ હું લોકકલ્યાણનાં કાર્યો કરી શકું છું.”

લક્ષ્મીદેવી વિક્રમ રાજા પર પ્રસન્ન થતાં બોલ્યાં : “રાજન ! તારી ઇચ્છા હોય તે માગી લે.”

વિક્રમ રાજા બોલ્યા: “મા, તમારી કૃપાથી મારી પાસે બધું જ છે. જો તમારે મને કંઈ આપવાની ઇચ્છા હોય તો માં, તમે આ મહેલ છોડી મારી પ્રજાના ઘેર ઘેર ધનવર્ષા કરી દો.”

“તથાસ્તુ” કહી લક્ષ્મીદેવી ચાલ્યાં ગયાં.

ચંદ્રકલા પૂતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું: “હે ભોજ રાજા ! વિક્રમ રાજા જેવા દાનેશ્વરી અને ઉદાર રાજા જ આ સિંહાસન પર બેસી શકે.”

આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.

@અમરકથાઓ

28 મી પૂતળીની વાર્તા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *