Skip to content

5 Best Akbar Birbal stories | અકબર બીરબલની વાર્તાઓ pdf

Best Akbar Birbal stories
7539 Views

Akbar birbal stories collection, Akbar Birbal Varta in Gujarati PDF, Akbar Birbal ni Varta, Akbar Birbal Story in Gujarati Wikipedia, Birbal ni chaturai, Akbar story in gujarati, Birbal ni yukti varta, Birbal wikipedia in gujarati, Small Moral story in Gujarati, બીરબલની ચતુરાઈ, અકબર અને બીરબલની વાર્તા pdf, બુદ્ધિશાળી બીરબલ, અકબર બીરબલની વાર્તાઓ pdf, અકબર બીરબલ ના જોક્સ, બોધકથાઓ, પ્રેરણાદાયક વાર્તાઓ.

5 Best Akbar Birbal stories

અકબર અને બીરલબલની વાર્તાઓ બાળકોને અને મોટાઓને પણ ખુબ જ પસંદ પડે છે, અમરકથાઓમાંં બિરબલની ચતુરાઇની 50 જેટલી વાર્તાઓ મુકવાનો પ્રયત્ન છ, જે ક્રમશ: મુકાશે આજે તેમાથી પાંચ Akbar birbal stories અહી મુકી છે.

પથ્થર અને પારસમણી – બીરબલની ચતુરાઈ

એક વાર એક વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્રવધુ સાથે બીરબલ પાસે જઈને બીરબલને કહ્યું, ‘મારા પુત્રએ વીસ વર્ષ સુધી શાહી ફોજમાં રાજયની સેવા કરી, પણ હવે એ આ દુનિયામાં નથી. અમે બે સ્ત્રીઓ તદ્દન નિરાધાર બની ગઇ છીએ. અમારી પાસે આવક નથી.’

તેમની વાત સાંભળી બીરબલે કહ્યું, ‘તમારા દુ:ખને હું સમજી શકું છું. બાદશાહ અકબર દયાળુ છે. એ તમારી મદદ કરશે. હું તમને કહું એમ તમે કરશો તો તમારું કામ થઈ જશે.’

બીજા દિવસે દરબાર ભરાયો. વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્રવધુ સાથે દરબારમાં હાજર થઈ. તેણે કહ્યું, ‘જહાંપનાહ! મારા પુત્રની આ તલવારે અનેક યુદ્ધો જીતાડયા છે. હવે એ હયાત નથી તો આપ આ તલવારને તમારા શસ્ત્રાગારમાં જગ્યા આપો.’

બાદશાહે તલવાર જોઈને કહ્યું, ‘આ કાટ ખાધેલી સાવ જૂની તલવાર અમારા કંઈ જ કામની નથી.’ વળી, બાદશાહે તેમના એક સેવકને હુકમ આપ્યો, ‘આ તલવાર એને પાછી આપી દો. સાથે પાંચ સોનામહોર પણ આપો’.

બાદશાહનું એવું વર્તન જોઈને બીરબલને નવાઈ લાગી. માત્ર પાંચ સોનામહોર!

બીરબલે બાદશાહ અકબરને કહ્યું, ‘જહાંપનાહ! શું એ તલવારનું હું નિરીક્ષણ કરી શકું?’ બાદશાહ અકબરે કહ્યું, ‘હા, બીરબલ તું પણ નિરીક્ષણ કરી લે.’

બીરબલે તલવાર હાથમાં લીધી અને ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવા લાગ્યો. ઘડીકમાં આમ ફેરવતો, તો ઘડીકમાં નીચેની બાજુ જોતો, તો ઘડીકમાં તલવારની મુઠ જોતો.

બાદશાહ પણ બીરબલની આ હરકત જોઇ વિચારમાં પડયા. છેવટે ન રહેવાતા પૂછ્યું,

‘શું થયું બીરબલ?’

‘કંઈ નહીં જહાંપનાહ! જો કે મને વિશ્વાસ હતો કે તલવાર સોનાની બની જશે.’

‘હેં, શું કહ્યું… સોનાની?’ બાદશાહને બીરબલની વાતથી નવાઇ લાગી.

‘હા જહાંપનાહ! એક પારસ જે માત્ર એક પથ્થર હોય છે, તેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે. તો આપના જેવા પરોપકારી બાદશાહના હાથનો સ્પર્શ પામ્યા પછી પણ…’

બીરબલે જાણી જોઇને વાકય અધૂરું છોડયું. બાદશાહ બીરબલની વાતથી બેચેન બની ગયા. તેમણે કહ્યું,

‘જે કહેવું હોય તે સ્પષ્ટ કહે.’

બીરબલે કહ્યું, ‘સામાન્ય પથ્થરમાં અને પારસમાં આ જ ભેદ હોય છે. એકના સ્પર્શથી સોનું બને તો બીજાનો સ્પર્શ ઇજા કરે. મદદ માટે આવેલી આ સ્ત્રીઓ ખુશ થવાને બદલે દુ:ખી થઈ ગઈ.’

અકબર બાદશાહ બીરબલના કહેવાનો ભાવાર્થ તરત સમજી ગયા. તેમને થોડી શરમ પણ ઊપજી.
તેમણે એ જ વખતે હુકમ કર્યો, ‘આ સ્ત્રીને તલવારના વજન બરાબર સોનામહોરો આપવામાં આવે અને જીવે ત્યાં સુધી તેમને ખરચા-પાણી આપવામાં આવે.’ તરત જ હુકમનું પાલન કરવામાં આવ્યું.

આમ બીરબલે ચતુરાઇથી વૃદ્ધ સ્ત્રી અને તેની પુત્રવધુને આજીવિકાનું સાધન કરાવી આપ્યું. બંને સ્ત્રીઓ બાદશાહ અકબર અને બીરબલને દુવાઓ આપતી ઘરે ગઇ.

બાળ જોડકણાંં pdf
બાળ જોડકણાંં સંગ્રહ

બીરબલની બુદ્ધિ અને કોયડાનો ઉકેલ

આ વાર્તામા બુદ્ધિશાળી બીરબલ કેવી રીતે કોયડાઓનો ઉકેલ મેળવે છે, તેની વાર્તા છે.

એક સમયે બાદશાહે બીરબલને એક કોયડો પુછ્યો કે,’

હમણાં છે, પછી પણ છે.
હમણાં નથી ને પછી પણ નથી.
હમણાં નથી, પણ પછી છે,
ને હમણાં છે પણ પછી નથી.

એ ચારે સવાલોના જવાબ આપો.’

આનો બહુ વાર વીચાર કર્યા પછી દરબારીઓની અજાયબી વચ્ચે બીરબલે કહ્યું કે, ‘સરકાર ! એ ચાર સવાલમાંનો એક જવાબ તો આપની પાસે મોજુદ છે. પણ બીજા સવાલોના જવાબ મેળવવા માટે આપણે બંને નગરમાં જઇએ ત્યાં હું બાકીનાનો જવાબ આપીશ !’

આ સાંભળી બાદશાહને અજાયબી લાગી કે, એ ચાર સવાલોનો જવાબ કોઇથી અપાઈ શકવાનો જ નથી ? તેમ છતાં બીરબલની ચાલાકી જોવા કે એ કેવી રીતે સવાલોનું સમાધાન કરી બતાવે છે ?’ એમ વીચારી બાદશાહે બીરબલની વાત કબુલ રાખી. પછી બીરબલે બાદશાહને કહ્યું કે, ‘આપ યોગીનો વેશ ધારણ કરો અને હું આપનો ચેલો બનું. પછી જુઓ શહેરની ગમત ?’
આ પ્રમાણે બંને જણ ગુરૂ ચેલા બની સાથે બે સમજુ બાળકોને લઇ એક શ્રીમંતની પેઢી ઉપર ગયા.

તે શાહુકારને વેષધારી બીરબલે પોતાના ગુરૂ તરફ આંગળી કરી કહ્યું કે, ‘શેઠજી ! આ મારા ગુરૂ છે, હું એમનો ચેલો છું. અમે બંનેએ આ ક્ષણભંગુર સંસારનો ત્યાગ કરી પરીબ્રહ્મ પરમાત્માનું ભજન કરવા વૈરાગ લીધો છે. પરંતુ એક ઉપાધીને લીધે આપની પાસે આવ્યા છીએ. આપની ઉદારવૃતી, પરોપકાર બુદ્ધિ અને નમ્રતા અવર્ણનીય પ્રકારની છે. એવી દેશ દેશાંતરમાં કીર્તી ફેલાવાથી અમો આપની કાંઇક સહાયતા લેવાને આવ્યા છીએ.’

આ પ્રમાણે ચેલાનું બોલવું સાંભળી શાહુકારે હાથ જોડીને કહ્યું કે, ‘મહારાજ ! જો આપની ઉપાધી મારાથી દુર થઇ શકે એમ હોય તો સુખેથી આપ ફરમાવો.’

ચેલાએ કહ્યું કે, આ અમારા ગુરૂનાં બે બાળક છે. તેમને ભણાવવા આ શહેરમાં રાખવાનો વીચાર છે. પરંતુ ધન વીના એ કામ પાર પડી શકે એમ નથી. એ બાળકોને ભણાવવા માટે ઓછામાં ઓછા બે હજાર રૂપીયા જોઇએ તો આપનાથી સહાયતા આપી શકાય તો કહો ! જો આપ એ કામમાં મદદ કરશો તો ઇશ્વર તેનો બદલો આપને આપશે.’

પછી શેઠે તરત માગણી મુજબ રકમ યોગીને ભેટ કરી.

તે જોઇ ચેલાએ કહ્યું કે, ‘આ ઉપકારના બદલામાં હું એમ કરવા ચાહું છું કે અકેક જોડો તમારા માથામાં મારતો જઉં, અને તમે દર જોડા દીઠ અેકેક રૂપીયો આપતા જાઓ.’

ચેલાની વાત સાંભળી દુકાન પર બેસનારા અને રસ્તે ચાલનારાઓ અજાયબીમાં ગરકાવ થયા કે ‘વાહ ! ઉપકારનો બદલો ઠીક ! રૂપીયા આપવા અને જોડાં ખાવાં ? એ ખરેખર નવાઈ !’

પરંતુ શાહુકાર કશું પણ ન બોલતાં તથા આ માટે જરા પણ ઉદાસ ન થતાં ગુરૂને વીનવી કહ્યું કે, ‘જ્યારે આ રૂપીયા સારા કામમાં જવાના છે તો પછી તે બદલ દર રૂપીયે જોડો સહન કરવામાં હું મારૂં મહાભાગ્ય સમજું છું ? સારા કામ માટે પ્રાણાંત સહન કરવું પડે તો પણ શું ? આમ કહી તરત શેઠે માથું નીચે નમાવ્યું. ધન્ય છે ! એવા ધનવાન ધર્માત્માઓને !

આ જોઈ ચેલાએ કહ્યું કે, ‘શેઠજી ! આપની આવી ગુરૂભક્તિ જોઇ હું ઘણોજ ખુશ થઇ કહું છું કે આ રૂપીયાની હવે કશી જરૂર નથી કારણ કે જે અમારે જોઇતું હતું અને જાણવાની ઈચ્છા હતી તે પ્રાપ્ત થવાથી કાર્યસિદ્ધ થયું છે. માટે આનંદમાં રહો અને સદા સુકૃત્ય કરતા રહો !’

એમ કહી આગળ ચાલ્યા, ચાલતાં ચેલાએ ગુરૂને કહ્યું કે, ‘આ આપના પહેલા સવાલનો જવાબ કે ‘હમણાં છે અને પછી પણ છે.’
મતલબમાં હાલ પણ પ્રભુ કૃપાએ સર્વ સંપતીવાન આ શેઠ છે, છતાં પોતાની સ્તુતીપાત્ર વૃતિ ભક્તિ અને રહેણી કરણી કાયમ રહેલ છે તો આ લોક ત્યાગી પરલોક જશે તો પણ ત્યાં સત્કૃત્યના બદલામાં ઉત્તમ પ્રકારનાં સ્વર્ગ સુખ મળશે જેથી હમણાં બધી વાતે સુખી છે અને આવતે ભવે પણ સુખી છે. માટે આપના પહેલા સવાલનો જવાબ સ્વીકારી લો.’

આ પ્રમાણે બીરબલનું બોલવું સાંભળી બાદશાહ ઘણો વીસ્મય પામ્યો. આગળ ચાલતાં એક ભીખારી ભીખ માંગતા લોકોને ઉપદેશ કરતો હતો કે,

”એક ગણું પુન્ય સહસ્ત્ર ઘણો લાભ છે. હાથે તેજ સાથે છે. દયાપાત્ર રાખી જો પરોપકાર, દાન કરશો તો પ્રભુ તમને આવતે ભવ અધીક સુખ આપશે.”

આ પ્રમાણે ભીખારીની દીનવાણી સાંભળી એક દયાળુ પુરૂષે પેટપુરતું ખાવાનું આપ્યું. તે લઇ ભીખારી ગામની બહાર જઇ ઝટપટ ખાવા મંડી પડ્યો.

ગુરૂ ચેલો પણ તેની પાછળ પાછળ તે ખાવા બેઠેલા ભીખારીને ચેલાએ કહ્યું કે, ‘દયાળુ સેવક ! અમે બંને જણ ભુખ્યા છીએ અને ભુખથી અમારો જીવ જાય છે. જો થોડું અમને આસરા જેટલું અન્ન ખાવા આપો તો ભગવત તમારૂં કલ્યાણ કરશે.’

એવી ઘણી આજીજી કરી, પણ ભીખારી તે આજીજી તરફ જરા પણ લક્ષ ન દેતાં પેટપુજા કરવામાં પુરેપુરૂં લક્ષ આપવા લાગ્યો હતો. તે જોઇને ચેલાને રીસ ચઢવાથી તે ભીખારીને બે ચાર જોડા મારીને કહ્યું કે,

‘અલ્યા અધમ ! ભીખ માગતી વખતે શો ઉપદેશ દે છે પણ તે ઉપદેશ મુજબ ચાલતો કેમ નથી ? પરભવમાં આપ્યું નથી તેથી આ ભવમાં મળ્યું નથી ! અને આ ભવમાં પણ આપતો નથી તો હવે પછીના અવતારમાં પણ કશું મળનાર નથી માટે તને, હમણાં પણ સુખ નથી અને પછી પણ નથી.’

એમ કહીને બાદશાહને કહ્યું કે, આ આપના બીજા સવાલનો જવાબ ! કે હમણાં નથી અને પછી પણ નથી.

બાદ ગુરૂ ચેલો આગળ ચાલ્યા, ચાલતાં રસ્તામાં પણ એક અતિ દુર્બલ અને ઈશ્વર ભક્તીમાં તલ્લીન એવા સાધુને જોઈ ચેલાએ બતાવ્યું કે, ‘સરકાર ! આ ભક્તની પાસે હમણાં કશું પણ નથી ! પરંતુ તપ અને ભગવત્‌ ભજનથી આવતા ભવમાં અપાર સુખ સમૃદ્ધીવાન થશે. માટે હમણાં નથી પણ પછી છે એ આપના ત્રીજા સવાલનો જવાબ.’ એ સાંભળી બાદશાહ આનંદમાં આવી જઇને કહ્યું કે, ‘હવે ચોથા સવાલનો જવાબ મારી પાસે જ છે તે શી રીતે ?

બીરબલે કહ્યું કે, ‘સરકાર ! એ સવાલનો જવાબ આપની આગળ છે તે તપાસી વીચારી જુઓ કે આપ પુર્વપુણ્યના પ્રતાપથી હિંદુસ્થાનની રાજ્ય ગાદી ઉપર તખ્ત નસીન થયા છો અને કોઇ પણ પ્રકારની સંપત્તિમાં કચાશ નથી, પરંતુ આવતા ભવમાં એ સુખનું જરા પણ સુખ પ્રાપ્ત થનાર નથી, કેમકે હમણાં પુર ચઢતાંના વખતમાં આપ દયા, દાન, પરોપકાર, સાધુ સંતની ભક્તી, સારાં કૃત્ય કરવામાં પુરી ખંત અને ઈશ્વર ભજન ઉપર રૂચી રાખતા નથી તો આવતા ભવમાં સુખ સંપત્તિ શી રીતે પ્રાપ્ત થશે ?

માટે ચોથા સવાલનો જવાબ એજ છે કે હમણાં છે પણ પછી નથી !’ પછી આપની જેવી ઇચ્છા હોય તે ખરી.

આ પ્રમાણે બીરબલનું બોલવું સાંભળી બાદશાહે પોતાની રેહેણી કેહેણી સુધારવા મન સાથે સત્ય પ્રતિજ્ઞા કરી અને બીરબલની બુદ્ધિ થતા તેની વિદ્વતા વિષેની ઘણી જ પ્રશંસા કરી. તથા બીરબલ પાસેથી શુદ્ધ જ્ઞાન, ભક્તી સંપાદન કરી આ લોક અને પરલોક સંબંધી યશ, લક્ષ્મી, અને ઉચ્ચ વૈભવ પ્રાપ્ત કર્યાં.

બીરબલના ઉત્તમ ગુણોથી રીઝી બાદશાહે બીરબલને અક્કલ બહાદુર, કવિરાય, પ્રેમ મુની, રાજા સાહેબ વગેરેના ઇલકાબ અને મોટી જાગીરો બક્ષીસ આપી આનંદસહ સત્કાર કરી જીવનનો લહાવો લીધો.

સાર – દાન, દયા પરોપકાર, સાધુ સંત, પ્રભુની ભક્તિ પોતાની શક્તિ પ્રમાણે કરી મનુષ જન્મ સફળ કરવો.

प्रहेलिकाः ઉખાણાં
प्रहेलिकाः ઉખાણાં

મહાતપસ્વિ પોપટ રાધુ

ચતુર ન સમજ્યા હોત તો, ચતુરાનની ચુક,
કહો કોણ કહાડત ? અરે ! સકળ ગણાત ઉલુક.

એક સમય બાદશાહ અને બીરબલ આનંદભુવનમાં બેસી આનંદ વારતાઓ ચલાવી રહ્યા હતા તેવામાં એક ફકીરે આવીને કહ્યું કે, ‘જહાંપનાહ ! આ મારી પાસેનો પોપટ કે જેનું નામ રાઘુ પાડેલું છે તેને મેં ઘણી મહેનત લઇ સારૂં બોલતાં શિખવ્યો છે અને તે એવી આશાથી ભણાવ્યો છે કે આપને તે નજરાણામાં આપી ઉમેદ બર લાવીશ ! માટે રાઘુને લ્યો. અને તેનું પ્રતિપાલન કરો.

‘ આ પ્રમાણે ફકીરનું બોલવું તથા રાધુના મુખથી મધુર ભાષણ અને કુરાનના પાઠ સાંભળી બાદશાહે ફકીરને ઘટતું ઇનામ આપી વીદાય કીધો. અને રાઘુની દેખરેખ માટે નોકર નીમી કીધો કે, જો જરા પણ રાઘુની તબીયત નાદુરસ્ત જણાય તો તુરત મને ખબર આપવી. જો, તેની ખબર ન આપી અને “બીમાર પડી રાઘુ મરી ગયો છે” એવી જો ખબર આપી તો તે વખત તારૂં માથું કપાવી નાખીશ.’

આવો હુકમ સાંભળીને નોકરો રાઘુની તબીયત સાચવવા માટે ઘણીજ કાળજી રાખવા લાગ્યા.

તેમ રાઘુ કુરાનના પાઠ ભણતો તે સાંભળી બાદશાહ અત્યંત ખુશ થઇ તેના ઉપર અતીશય પ્રેમ રાખવા લાગ્યો. એક વખત રાઘુ અચાનક મરણને શરણ થયો તે જોઇ તેનું રક્ષણ કરનાર ચાકરો ઘણાજ ગભરાયા અને ‘બાદશાહને શું જવાબ દેશું ? તેમજ મરી ગયો છે એ વૃતાંત જો જણાવીએ તો શીરચ્છેદનો હુકમ થાય ! માટે બંને તરફની પીડામાં આવી ફસાયા !

હવે તો બીરબલજી આગળ જઇ આ હકીકત જાહેર કરીએ તો કાંઇ પણ રસ્તો હાથ લાગે !’ એમ વીચારી બીરબલ પાસે ગયા, અને પોતાનું દુઃખ પ્રકાશ્યું.

બીરબલને તેઓની દયા આવવાથી કહ્યું કે. ‘તમે નીશ્ચીંત રહો, તમોને જરા પણ ઇજા આવવા દઇશ નહીં.’

એમ કહી બીરબલ બાદશાહ પાસે ગયો.
બાદશાહને જોઇ બોલ્યો કે, ‘આપણો રાઘુ ! આપણો રાઘુ !’

એ સાંભળી બાદશાહ એકદમ બોલી ઉઠ્યો કે, ‘શું રાઘુ મરી ગયો ?’

બીરબલે કહ્યું કે, ‘નહીં નહીં ખુદાવીંદ એમ તે કેમ બને ? એ તો મોટો તપસ્વી બન્યો છે ! આકાશ તરફ મ્હોં કરી તપસ્યા કરે છે ! પગ, પાંખ, આંખ અને ચાંચ જરા પણ હલાવ્યા વગર યોગ સાધના કરી ઇંદ્રીયોનું દમન કરી રહ્યો છે !

આ પ્રમાણે બીરબલનું બોલવું સાંભળી બાદશાહે કહ્યું કે, ‘શું રાઘુ મરણ પામ્યો ?’

બીરબલે કહ્યું કે, ‘આપ જોશો ત્યારેજ કહેશો કે આ કેવી તપશ્ચર્યા કરી રહ્યો છે ? હું તો એમ જાણું છું કે તેણે તપશ્ચર્યા આદરી છે અને આપ મરી ગયાનું કહો છો ! માટે આપ તેને જોવાથી નિ:સંદેહ થશો.’

બાદશાહને લઇને રાઘુના પાંજરા પાસે જઇ તપશ્ચર્યા કરતો બતાવ્યો તે જોઈ બાદશાહ બોલ્યો કે, ‘બીરબલ ! તારી મશ્કરી કરવાની ટેવ ગઇ જ નહી ! રાઘુ તપશ્ચર્યા કરે છે એમ ન કહેતાં એમજ કહ્યું હોત કે ‘રાઘુ મરી ગયો ! ‘ તો નાહક ધકો ખાવો પડત નહીં ?
“શું રાઘુ મરી ગયો એવી તને ખબર નહોતી ?”

બીરબલે હાથ જોડીને ધીમેથી બોલ્યો કે, ‘ નેક નામદાર ! શું કરવું ? જો સરકાર અાગળ “રાઘુ મરી ગયો છે” એવા સમાચાર કહેત તો આપના હુકમ પ્રમાણે નોકરોનો શીરચ્છેદ થવાનો વખત આવત. માટે કાંઇ પણ ઉપાય શોધવો કે નહીં ?’

તે સાંભળી બાદશાહ રાઘુનો શોક ભુલી જઇ બીરબલની બુદ્ધીનો ખ્યાલ કરી બહુ ખુશ થયો અને તે બદલ ઇનામ આપી પોતે ગેરવ્યાજબી હુકમ કરેલો તે માટેનો પસ્તાવો કરવા લાગ્યો.

સાર – બુદ્ધિવાનો કેવી યુક્તિથી રાજાના બોલ રાજાના મ્હોંમાં પાછા આપે છે, માટે બુદ્ધીવાનની જ બલીહારી છે, બુદ્ધિ વગરના માણસો જગતને ભાર રૂપ છે.

Ukhana
Ukhana – ગુજરાતી ઉખાણા

બુદ્ધિશાળી બીરબલની ચતુરાઈ

એક સમયે બાદશાહે રંગ ભુવનમાં દરબાર ભરી, રંગ રાગમાં ગુલતાન બની આનંદ લુટી રહ્યા હતા. દરબારીઓને વધારે આનંદીત બનાવવા માટે બાદશાહે એક ઉત્તમ અત્તરની શીશી કાઢી જેવો તે બધાને છાંટવા જાય છે તેવુંજ તે શીશીમાંનું થોડુંક અત્તર ગાલીચા પર ઢોળાઇ ગયું. તે કોઈ જાણી ન શકે તેમ ગાલીચા પરથી આંગળી વડે લેવાને જરા વાંકો વળ્યો, પણ અત્તર પડતાજ ગાલીચો ચુસી જવાથી બાદશાહના હાથમાં ન આવ્યું તેથી બાદશાહનો ચહેરો ફીકો પડી ગયો.

આ સમયે બીરબલ પણ બાદશાહની બાજુમાં બેઠો હતો. તે કોઇ જોઇ શકે નહીં તેમ બીરબલ બારીક નજરથી બાદશાહના હાથમાંની શીશીમાંથી ઢોળાઇ ગયેલા અત્તર ઉપર હતી.

તેથી બાદશાહ મનમાં વીચાર કરવા લાગ્યો કે, ‘મારા સરખા પણ આવી નજીવી વસ્તુ માટે કેટલો બધો લોભ રાખે છે. એમ જો બીરબલના જાણવામાં આવે તો તે વખત સાધીને મારી હાંસી કર્યા વગર કદી પણ રહેનાર નથી ?’ આવો વીચાર કરી બીજે દીવસે પોતાની ઉદારતા બતાવવા માટે, તરત એક પાણીનો હોજ ખાલી કરાવી, તે અત્તરથી ભરપુર ભરાવી, શહેરના તમામ લોકોને બોલાવીને કહ્યું કે, ‘જેમ તમારી મોજ આવે તેમ આ અત્તરથી ભરેલા હોજમાંથી અત્તર લો.

‘ આ સાંભળી લોકો મોટી હોંશથી અત્તર લેવા લાગ્યા. આ વખતે બીરબલ પણ હાજર હતો. બીરબલને જોઇ બાદશાહે કહ્યું કે, ‘કેમ બીરબલ ! કેવી મજા ઊડી રહી છે ? કેવો આનંદ મચી રહ્યો છે ?

આ સાંભળી બીરબલે તરત મોં મલકાવીને કહ્યું કે, હજુર ? મારા બોલવા પર રીસ ન ચઢાવશો ? પણ જે બુંદથી ગઇ તે હોજથી કદી પણ સુધરતી હશે ? તેનો આપેજ વીચાર કરી લેવો.’

બીરબલના આવા માનભંગ શબ્દો સાંભળીને બાદશાહ બહુ ચીડાઇ જઇને મનમાં બોલ્યો કે, ‘બીરબલે મારી હલકાઈ બતાવીને મારૂં માન ઉતરાવી નાખ્યું. અફસોસ ? આને માટે એનો જાહેરમાં તીરસ્કાર કરવો એતો મારા પદને વધારે લાંચ્છનરૂપ સમજું છું. માટે સર્વની સમક્ષ ન બોલતાં પછી એની વાત ?’ આવો વીચાર કરી બે ચાર દીવસ જવા દીધા પછી બાદશાહે રોજના નીયમ પ્રમાણે બીરબલની લેવાતી સલામ બંધ કરીને અનુચરને હુકમ આપ્યો કે, ‘મારો હુકમ થાય નહીં ત્યાં સુધી બીરબલને કચેરીમાં આવવા દેવા નહીં.

‘ આ વાત બીરબલના જાણવામાં આવતાંજ બીરબલે મનમાં વીચાર કર્યો કે, ‘ખરેખર મારા બોલવાથી શાહને માઠું લાગ્યું છે ! ખેર ! બગડેલી બાજીને સુધારીશું. આ બનેલા બનાવ કોઇના જાણવામાં ન આવે તેટલા માટે અહીંયા ન રહેતાં બહાર ગામ જઇ વસવામાં હું વધારે યોગ્ય સમજું છું.’ આવો વીચાર કરી તરત બીરબલ કોઇને જણાવ્યા વગર ગુપચુપ દીલ્લી છોડીને એક નાના ગામડામાં એક રહેતા ખેડુતને ત્યાં જઇ, પોતાનું ખરૂં નામ ઠામ ન બતાવતાં અન્ય નામ ધારણ કરી રહ્યો.

બીરબલ વગરનો દરબાર બાદશાહને અંધકાર સમ ભાસવા લાગ્યો, બીરબલ વગરનો દીવસ બાદશાહને બીહામણો લાગ્યો, બીરબલ વીના સત્ય ન્યાય કોણ આપે ? બીરબલ વીના રાજ ખટપટનો નીવેડો કોણ લાવે ? આવા વીચારમાં ને વીચારમાં બાદશાહ ઘણો ગભરાવા લાગ્યો. પોતાનો ગભરાટ ઓછો કરવા માટે બાદશાહે બીરબલની બહુ તપાસ કરાવી, પણ બીરબલનો પત્તો લાગ્યો નહીં. બીરબલ એ મારા રાજનો ચળકતો તારો છે ? એ તારો ગુમ થઇ જવાથી મારા રાજ્યમાં અંધકાર ફેલાઈ જશે.

આ ફેલાતા અંધકારને પ્રકાશમય કરનાર બીરબલ રૂપી તારાને શોધી કાઢવામાંજ મારૂં ભૂષણ છે ? આવો વીચાર કરી બાદશાહે તરત બીરબલને શોધવા માટે ગામો ગામ માણસો મોકલ્યા પણ બીરબલનો પત્તો લાગ્યો નહીં. આથી બાદશાહ ઘણો ઉદાસ રહેવા લાગ્યો.

બીરબલ બાદશાહથી રીસાઇ ગામ છોડી ચાલી ગયો છે, એવી વાત ફેલાતાં ફેલાતાં છેક બાદશાહની ઉપર વેરભાવ રાખનારાં, અને વખત આવે તો તેનું રાજ્ય છીનવી લેવાનો ઈરાદો રાખનાર રાજાઓના કાન પર ગઇ. આમાં સહુથી મોટો દુશ્મન તુર્કસ્તાનનો બાદશાહ હતો. તેણે બીજા રાજાઓને બોલાવી કહ્યું કે, ‘જ્યાં સુધી બુદ્ધિવાન બીરબલ હતો ત્યાં સુધી આપણે આપણા દુશ્મન ઉપર ફાવી શક્યા નહોતા.

હવે બીરબલની ગેરહાજરીમાં જો આપણે એકત્ર થઇ, સામટા બળથી હુમલો લઇ જઇને દીલ્લી હાથ કરવાંમાં કશો વાંધો જોતાં નથી. પણ આપણા પ્રયાસમાં જો આપણે માનભંગ થઇએ તેટલા માટે અકબરની દરબારમાં હવે કોઇ બીજો બુદ્ધિશાળી પ્રધાન છે કે નહી ? જો કોઇ તેવોજ બુદ્ધિશાળી પ્રધાન હોય અગર છુપી રીતે બીરબલ સલાહ આપતો હોય, તો ‘લેનેકો ગઇ પુત, ને ખો આઇ ખસમ’ જેવી વાત બને.

માટે પ્રથમ તેની ખાત્રી કરી લેવા માટે બાદશાહને આ પ્રમાણે કાગળ લખવો કે, ‘અક્કલનો એક ઘડો ભરી ચાર માસની અંદર મોકલાવી દેજો, અને જો ન મોકલી શકો તો લડાઇ માટે તૈયાર થજો.’ આમ લખવાથી ખરી બીના જાણવામાં આવશે એટલે પછી આગળ ચાલવામાં આપણને કોઇ જાતની હરકત પડનાર નથી.’ આ વાતને બધા રાજાઓ કબુલ કરવાથી તુર્કસ્તાનના શાહે સૌની સમક્ષ પત્ર લખી, અનુચરને આપી, અકબરને પહોંચાડવા દીલ્લી તરફ રવાના કર્યો.

તુર્કસ્તાનના બાદશાહનો પત્ર લઇ ભમતો ભમતો અનુચર દીલ્લીમાં આવી અકબરને તે પત્ર આપ્યો.

પત્ર વાંચી બાદશાહ મનમાં વિચાર કરવા લાગ્યો કે, ‘બીરબલના જવાની ખબર સાંભળી રાજ શત્રુઓ મારૂં રાજ્ય લેવાને કેવા ઉન્મત બન્યા છે ? બીરબલ વગર આનો ઉત્તર આપી રાજ્ય શત્રુઓનું સમાધાન કરી શકે એવો કોઇ બીજો બીરબલ નથી ! હવે આનો શો ઉપાય કરવો ?

કદાચ ! મારા કર્યા કર્મનો મારે ભોગ આપવો પડશે ? મારી કરણીનાં ફળ મારે ચાખવાં પડશે ? આતો હાથનાં કર્યાં હૈયે વાગ્યાં. એમાં બીજાનો શો દોષ ? પાણી પીને ઘર પુછવા જેવો મેં ઘાટ ઘડ્યો છે ! અપમાન કરી દરબારમાં આવતો બંધ કીધો અને હવે તેને સમજાવી લાવવામાં કેટલી બધી નામોશી ? પણ તેમ કર્યા વગર છુટકો જ નથી ?

માટે મારા ઉપર ડોળા ઘુરકાવી રહેલાઓની બુદ્ધિ ઠેકાણે લાવવા એક યુક્તિ રચી બિરબલને શોધી કાઢુ.’ આવો વીચાર કરીને બાદશાહે તરત દરેક ગામોના મુખીઓ ઉપર હુકમ લખી મોકલ્યો કે, ‘જે અમારા માણસ સાથે બકરો મોકલ્યો છે, તેને દરરોજ પાંચશેર દાણા તથા ઘાસ વગેરેનો ખોરાક આપવો. જેટલા વજનનો બકરો તમારી તરફ રવાના કરવામાં આવ્યો છે તેટલાજ વજનવાળો એક માસથી વધારે રહેવો જોઇએ.

જો વજન વધારે ઓછો થશે તો સખ્ત શીક્ષા કરવામાં આવશે.’ આવી યુક્તીવાળો હુકમ, અને તેની સાથે એકેક બકરો અને તેનું રક્ષણ કરવા માટે અકેક નોકર દરેક ગામના મુખીઓ પર મોકલી આપ્યા.

જે ગામમાં બીરબલ હતો તે ગામના મુખી પર આ હુકમ જતાં જ તે બહુ ચીંતામાં પડ્યો, એના દુઃખનો પાર રહ્યો નહીં. આ બકરો વજનમાં વધવો કે ઘટવો જોઇએ નહીં. એવી યુક્તિ કયા ભંડારમાંથી શોધી કાઢવી. આવી રીતે તે દિવસેને દિવસે ગળતો ગયો.

આ ખબર બીરબલને પડતાં જ બીરબલે કહ્યું કે, તમારે જરા પણ નીરાશ થવું નહીં. તમારી ઉપર આવી પડેલા સંકટ દુર કરવામાં હું મારો ધર્મ સમજું છું. તમે મને આશરો આપી રાખ્યો છે તેનો બદલો વાળી આપવાને મને આ એક સારી તક મળી છે. માટે હું તમને જેમ બતાવું તેમ તમે જો કરશો તો તમારી ચિંતા દુર થશે, બીરબલે મનમાં વીચાર કરી કહ્યું કે, બાદશાહે મને શોધી કાઢવા માટેજ આ યુક્તિ રચી છે.’

બીરબલનાં વાક્યો સાંભળી મુખીએ કહ્યું કે, ‘જો તમે મને આ આફતમાંથી બચાવશો તો તમારો ઉપકાર કદી પણ ભુલીશ નહીં. બીરબલે કહ્યું કે, ‘તમારા ગામને નાકે આવેલા બાગમાં જે વાધ બાંધ્યો છે , તે વાધની પાસે આવેલા બકરાને થોડી વાર લઇ બાંધવો. વાઘના ભયથી તે રોજ દાણા-ચારો ખાવા છતાં આખર સુધી જરા પણ વજનમાં ઓછો વધતો થશેજ નહીં. પણ આ યુક્તિ મેં બતાવી છે તે કોઇના જાણમાં આવવું ન જોઇએ.

બીરબલના કહેવા મુજબ કરવાથી આખર તારીખ સુધી બકરો તેટલા જ વજનમાં રહ્યો. અને તે પાદશાહ પાસે પહોંચાડવા પટેલ પણ સાથે ગયો. બાદશાહે દરેક ગામથી આવેલા બકરાઓને જોખી જોયા તો તે વજનમાં વધારે ઓછા થયા, પણ આ પટેલના ગામમાં રહેલો બકરો સરખા વજનનો થયો તે જાણી બાદશાહને ખાત્રી થઇ કે તેજ ગામમાં બીરબલ ભરાઇ બેઠો છે,

આ બાબતે મુખીને પુછતાં મુખીએ કહ્યું કે, અમારે તાં એક મે’માન ફરતો ફરતો આવી ચડ્યો હતો તેણે આ ઉપાય બતાવ્યો હતો. તે જાણી બાદશાહે મોટા ઠાઠથી સવારી મોકલી બીરબલને પરત બોલાવી પ્રથમ કરતાં વધારે માન આપી પ્રધાનપદનો પોશાક બક્ષ્યો.

પછી શાહે તરત તુર્કસ્તાનના શાહનો આવેલો પત્ર બીરબલના હાથમાં આપી શાહે કહ્યું કે, આ પત્રમાં જેમ લખ્યું છે તે મુજબ જવાબ આપવાની તજવીજ કરો, બીરબલ તરત તે કાગળ વાંચીને એક માટીનો ઘડો મંગાવી તેમાં એક તુંબડાના વેલાને વળગેલું નાનું તુંબડું ગોઠવી દીધું, રોજે રોજ તે તુંબડું વધતું ગયું. તેથી ઘડો તુંબડાના વધવાથી ભરાઇ ગયો તે જોઇ તેને ડીટડેથી કાપી જુદું કર્યું.

પછી બાદશાહને કહ્યું કે, ‘સરકાર અક્કલનો ઘડો ભરાઇ ગયો છે માટે તુર્કસ્તાનના શાહની પાસે મોકલાવો અને સાથે પત્ર લખી કહેવરાવો કે આપના લેખ મુજબ ઘડો ભરીને અક્કલ મોકલાવી છે, માટે ઘડાને ન ભાંગતાં, અક્કલને કાઢી લઇને અમારો ઘડો જેવો છે તેવોજ તરત મોકલાવી દેશો, જો એમ ન કરતાં અક્કલ અને ઘડાનો નાશ કરશો તો અક્કલની કીંમત બે કરોડ રૂપીયાની છે તે તમારી પાસેથી, લડાઇ કરી વસુલ કરવામાં આવશે.

આ પ્રમાણે લેખ લખી શાહે અક્કલનો ભરેલો ઘડો તુર્કસ્તાનના શાહની હઝુર સાથે એક સવાર સાથે મોકલી આપ્યો. કેટલી મુદ્દતે તે સવાર તુર્કસ્તાનના શાહ પાસે જ‌ઇ ઘડો અને લેખ રજુ કીધાં. શાહે આ લેખ વાંચી તમામ દરબારીઓને તેની હકીકત કહી સંભળાવી. તેથી સહુએ પોતપોતાની અક્કલ મુજબ ઘડાને ખાલી કરવા બહુ મહેનત કરી પણ તે ફોક ગઇ.

આ જાણી શાહે કહ્યું કે, આ ઉપરથી સાબીત થાય છે કે, અકબરની દરબારમાં હજી બુદ્ધિશાળી બીરબલ મોજુદ છે માટે લડાઇ કરવામાં લાભ નથી, અને ઘડાને તોડ્યા સિવાય અક્કલને કાઢી લઇ ઘડાને પાછો મોકલવાનુ પણ બની શકનાર નથી. માટે બે કરોડ રૂપીયા આપી ગુપચુપ બેસી રહેવામાંજ આબરૂ છે.’ આમ કરવા માટે તમામ દરબાર એકમત થવાથી બે કરોડ રૂપીયા બાદશાહને મોકલાવી આપ્યા. તે અકબરે લઇ બીરબલને શાબાશી આપી, તીજોરી તરતી કીધી.

સાર – બુદ્ધિવાન પુરૂષોથી બળવાન રાજાઓ પણ ડરે છે. કારણ કે બુદ્ધિવાન પુરૂષ ધારે તે કરી શકે ? અને તેથીજ તેઓ બુદ્ધિવાનોને ચહાય છે. માટે દરેકે બુદ્ધીવાનનો સંગ કરવો. તેને માટે કહ્યું છે કે, ‘પંડીતકી લાતાં ભલા, ક્યા મુરખકી બાતા, વોહ લાતે સુખ ઉપજે વોહ

Best Gujarati Kavita Pdf
Best Gujarati Kavita collection

બીરબલની પરીક્ષા

આનંદ કહે પરમાણંદા, માણસે માણસે ફેર,
એકતો લાખે ન મળે, એક તાંબીઆના તેર.

હજી દરબાર અમલદારોથી બરાબર ભરાયો નથી એટલામાં અકબર આવી પોતાના આસન પર વીરાજમાન થયો, જેમ જેમ ઉમરાવો આવતા ગયા તેમે તેને પુછતો ગયો કે,
૧. ફુલમાં કયું ફુલ મોટું?
૨. દાંત કોના સૌથી મોટા?
૩. સર્વથી સરસ પુત્ર કોનો?
૪. મોટામાં મોટો રાજા કયો ?
૫. ગુણમાં મોટો ગુણ કયો?

આ પાંચ સવાલોનો જવાબ જેમ જેના મનમાં આવ્યો તેમ તેઓ આપી પોતાની જગ્યા પર બેસતા હતા પણ તેઓના જવાબ બાદશાહને સંતોષકારક ન લાગવાથી બાદશાહ બહુ ઉંડા વિચારમાં ઉતરી જઇને મોટેથી કહ્યું કે, ‘મારા સવાલનો જવાબ આપી શકે એવો કોઇ પણ અમલદાર બુદ્ધિમાન નથી એ જોઇ મને મહાખેદ થાય છે.

જો બીરબલ જેવો બુદ્ધિશાળી અને તાનસેન જેવો ગવૈયો મારા દરબારમાં ન હોત તો મારા અદલ ન્યાયની અચળ કીર્તી જગમાં કદી પણ પ્રસરત નહીં.’

આ પ્રમાણેના અકબરના ઉદ્ગાદરો નીકળી રહ્યા છે, એટલામાં બીરબલ દરબારમાં દાખલ થયો. તે જોઇને અકબરે તે પાંચેય સવાલ બીરબલને પુછ્યા. તે સાંભળી બીરબલ કહેવા લાગ્યો કે, ‘સરકાર !

૧. મોટામાં મોટું ફુલ કપાસનું જેમાંથી રૂ પેદા થાય છે, તેમાંથી કાપડ બને છે, અને તે કાપડ લોકોના શરીરનું રક્ષણ કરે છે.

૨. સૌથી મોટા દાંત દંતાળીના. કે જેનાથી અનાજનો સારો પાક થાય છે.

૩. સૌથી મોટો પુત્ર ગાયનો કે જે બળદ ખેતી ખેડી જગતને પોષે છે.

૪. મોટામાં મોટો રાજા મેઘ, જેની વૃષ્ટિ વડે રાજા રંક, પશુ પક્ષી જીવે છે. જ્યારે મેઘની વૃષ્ટિ થતી નથી ત્યારે મહાન રાજાઓ અને પ્રજા નિર્બળ બની જાય છે.
માટે મેઘ મોટો રાજા ગણાય છે.

૫. ગુણમાં ગુણ મોટો હીંમત. જે વડે દુશ્મનને પણ વશ કરી શકે છે.’ આ પાંચેય જવાબ સાંભળી બાદશાહ ઘણો ખુશ થયો.

પણ અમીર ઉમરાવો રાજી ન થતા તે જવાબો પ્રત્યે અભાવ જણાવી ઘણો મતભેદ છે. એવુ બતાવ્યુ. પણ તેના મતભેદથી છુટો પડી રાજાએ પાંચમાં જવાબની ખાત્રી કરવાની મરજી જણાવી.

આ વાતને થોડાક દીવસ વીતી ગયા પછી એક સમયે યમુનાજીથી સ્નાન કરી બીરબલ આવતો હતો, તે જોઇ અકબરે પાંચમા સવાલની ખાત્રી કરવાનો વખત છે એમ વીચાર કરીને એક હાથીના મહાવતને બોલાવી કહ્યું કે, ‘ભાગવાનો રસ્તો ન મળે એવી સાંકડી શેરીમાં બીરબલ પેસે તેવો જ તેની સામે હાથીને મસ્તાન બનાવી એકદમ છોડી દે જે.’

જેવો બીરબલ સાંકડી શેરીમાં પેઠો તેવોજ મહાવતે મસ્ત હાથીને તેની સામે છોડી દીધો.

પોતાની સામે ધસારાબંધ આવતા હાથીને જોઇને બીરબલે મનમાં વીચાર કર્યો કે, ‘આ બધી ધામધુમ પાંચમાં સવાલની ખાત્રી કરવા માટે અકબરે કરી છે, એમાં તો જરા પણ શક નથી ? મારે પણ તેની ખાત્રી કરી આપવી જ જોઇએ?’

હાથીના સપાટામાંથી બચવા માટે ઉપાય શોધવા લાગ્યો, પણ કંઇ ઉપાય ન મળવાથી હીંમતે મદદ તો મદદે ખુદા આવો વીચાર કરી તે ઉશ્કેરાયેલા હાથી સામે જવા લાગ્યો. એટલામાં એક આડી ગલી આવી. આ ગલીને નાકે એક કુતરૂં સુતુ હતુ, તેના બે પગ પકડીને ખુબ ફેરવ્યું અને જોરથી હાથીના માથા પર ફેંક્યું.

અચાનક જ તે કુતરાના માથે પડવાથી અને તે કુતરાના નખ હાથીની સૂંઢના મુળમાં વાગવાથી હાથી પાછો હઠવા લાગ્યો. હાથીને જોઇ કુતરૂં બહુ ભસવા લાગ્યું.

તે જોઇ હાથી બહુ ખીજાયો, મહાવતના હાથમાં ન રહેતાં હાથીતો કુતરાની પાછળ દોડ્યો. તે તકનો લાભ લઇ બીરબલ આડી ગલીમાં નીકળી ગયો. કુતરૂં પણ ભસતું ભસતું બીરબલ વાળી ગલીમાં પેઠું, તે જોઇ હાથી પણ ઉભો રહી ગયો. મહાવતે તરત હાથીને પાછો ફેરવ્યો. અને બનેલી હકીકતથી બીરબલને વાકેફ કીધો. આ સાંભળી બીરબલ ઘણો ખુશ થયો.

સાર – હાજર સો હથિયાર ? આફતની વખતે તેજ કામ આવે છે. પણ જો તેમ કરવાની પોતામાં બુદ્ધિ ન હોય તો કોઇની સાથે કોઇ પણ વખતે તકરારમાં ઉતરી હઠ કરવી નહી, ખોટી રીતે હઠ કરવાથી આબરૂ અને પ્રાણની હાની થાય છે.

અમારી Youtube ચેનલની મુલાકાત લેવા માટે – https://www.youtube.com/@-amarkatha2326

Best Akbar birbal story – 1 મૂરખનાં સરદારો

101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ
101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ

અમરકથાઓ ગ્રુપમાં આપનું સ્વાગત છે. મિત્રો આ ગ્રુપની કોઇ પણ પોસ્ટ આપ share કરી શકો છો. પરંતુ કોપી કરીને અન્યત્ર ઉપયોગ કરતા પહેલા અમારી પરવાનગી ની જરુર છે. આપ અમરકથાઓ website પર બાળવાર્તાઓ, બાળગીતો, જુની નવી વાર્તાઓ, લોકગીતો, ભજન, ધૂન, best gujarati books, કવિઓ, લેખકોનો પરિચય, ઇતિહાસ, સંસ્કૃતિ, જાણવા જેવુ, ઉખાણાં, જોક્સ વાંચી શકશો. જો આપની કોઇ પસંદગી હોય તો અમને કોમેન્ટમાં જણાવો. અમે એ મુકવાનો પ્રયત્ન કરીશુ. – અમરકથાઓ

ગુજરાતી બાળવાર્તાઓનો ખજાનો, બાળવાર્તા સંગ્રહ, Gujarati balvarta, Gujarati child story, ગિજુભાઈ બધેકાની વાર્તાઓ, અમરકથાઓ, પ્રાચીન વાર્તાઓ , Old stories, bachpan stories, school time stories, baalgit, જોડકણા, ઉખાણા, બાળપણની યાદગાર વાર્તાઓ. બાળવાર્તાઓ pdf, બોધવાર્તા, ટુંકી બાળવાર્તા, પંચતંત્રની કથાઓ, હિતોપદેશની વાર્તાઓ. નવી વાર્તા, મહેનતની વાર્તા. પ્રેરણાત્મક વાર્તાઓ.

Akbar birbal stories collection, Akbar Birbal Varta in Gujarati PDF, Akbar Birbal ni Varta, Akbar Birbal Story in Gujarati Wikipedia, Birbal ni chaturai, Akbar story in gujarati, Birbal ni yukti varta, Birbal wikipedia in gujarati,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *