9469 Views
શાહબુદ્દીન રાઠોડ એ ઉત્તમ હાસ્યકલાકાર સાથે હાસ્યલેખક અને સાહિત્યકાર છે. જેની ઓળખાણ આપવાની કોઇ જ જરુર નથી. હાસ્ય સાથે ચિંતનને વણી લેવાની તેમની આવડત અદ્ભુત છે. અહી આપેલ પ્રસંગ “શાહબુદ્દીન રાઠોડની ચિંતનકથાઓ” માથી લેવામાં આવ્યો છે. આ લેખની કોપી કરવાની અનુમતિ નથી.
શાહબુદ્દીન રાઠોડ : જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ
દામોદર અમારી શાળામાં ભણતો. તમે ઘોડાને પરાણે તળાવ સુધી લઈ જાઓ, પણ પાણી તો ઘોડાને પીવું હોય તો જ પીએ. મથુર દામોદરને નિશાળે મૂકી જતો, પણ દામોદર ભણે તો ને ?
એ મોટે ભાગે તો મંદિરને ટોડલે વાંદરો કંડાર્યો હોય તેમ વંડી માથે બેસી રહેતો , ક્યારેક લીમડાની ડાળો ભાંગતો , ખીલીથી નવી બેન્ચોમાં નામ કોતરતો, કોકના કંપાસમાંથી ડિવાઈડર કાઢી બ્લૅક – બૉર્ડમાં સફેદ લીટા પાડતો , કોઈની સાઈકલના ટાયરમાંથી હવા કાઢી નાખતો , ભટકાડી – ભટકાડી બારણાં તોડી નાખતો , તો ક્યારેક શાળાની સફેદ દીવાલ પર અપશબ્દો લખતો.
ઘણા પ્રયત્નો છતાં દામોદરને ભણતર ચડ્યું નહીં.
એક વાર મથુરના ઘરે મહેમાન આવ્યા. મથુરે દામોદરને ઘી લેવા મોકલ્યો. હરિભાઈને ત્યાંથી ઘી લઈ વચલા દરવાજા પાસે દરબારગઢના રસ્તે દામોદર પાછો ફર્યો. દરબાગરગઢનો મોટો દરવાજો પથુ પગીએ બંધ કર્યો હતો. નાનો દરવાજો ખુલ્લો હતો , જેમાંથી એક જણ જઈ શકે અથવા આવી શકે. ઘીની તપેલી હાથમાં અને દામોદરે નાના દરવાજામાં પ્રવેશ કરવા પ્રયાસ કર્યો ત્યાં સામેથી વિઠ્ઠલનો મગન સામો મળ્યો.
હવે મગન પણ વિઠ્ઠલને માથે પછાડો તો ઘોબો ન પડે તેવો.
મગન કહે, ” હું પહેલો દરવાજામાંથી નીકળું “
અને દામોદર કહે , ‘ વાતમાં માલ શું છે ? ”
બન્ને દરવાજામાં સામસામે ઉભા પણ કોઇકોઇને નિકળવા ન દે.
બંને વાદે ચડ્યા પણ એક બીજાને મચક ન આપી.
ઘણી વાર થવાથી મથુર પુત્રરત્નની શોધમાં નીકળ્યો. દરબાગરગઢના નાના દરવાજા પાસે તેણે ઘી લઈ ઊભેલા દામોદરને જોયો. અમરકથાઓ
દામોદરે કહ્યું, ” બાપા, આ મગન મારગ નથી દેતો અને કહે છે, “ હું પહેલો નીકળું.” તે, બાપા, એમ કોઈને મારગ આપી દેવાય ? આ આટલા માટે મોડું થયું.”
મથુરને દામોદરની વાત વાજબી લાગી. વિલંબનું કારણ સમજાયું. વિચારીને મથુરે કહ્યું, ‘ તું ઘરે જા. લાવ તપેલી. હું ઊભો છું. ’
મથુર તપેલી લઈને ઊભો રહ્યો અને દામોદર ઘેર આવ્યો, તેની માતાને બધી વાત કરી, ‘ બાપા મારી જગ્યાએ ઊભા છે ’ એ સમાચાર આપ્યા. www.amarkathao.in
આ સાંબળી મથુરની પત્નીનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. દામોદરને કહે, તારો બાપ ભલે ને આખો જનમારો ત્યાં ઊભો રહે અને સમાત લે, પણ ઘી તો ઘરે સળગાવવું’તું !’
દામોદરને સત્ય સમજાયું. પિતા વગર ઘીએ માર્ગમાં આડા ઊભા રહી કુળની પરંપરા જાળવી શકે તેમ છે, તેમાં ઘી જરૂરી નથી, એટલે તે પાછો દરવાજે આવ્યો અને બોલ્યો ‘ બાપા, હવે તમે ઘી લઈ ઘરે જાઓ , હું અહીં ઊભો છું. ’
ત્યાં તો પથુ પગીએ મોટો દરવાજો ખોલ્યો અને આ મહત્ત્વના સંઘર્ષનો અંત આવ્યો.
આવો ઉદંડ, તોફાની, માર ખાઈખાઈને કસાયેલા શરીરવાળો દામોદર પ્રાર્થના પછી શાળામાં આવ્યો અને તેના વર્ગ નવ – ડીમાં દાખલ થવા વર્ગના દરવાજા પાસે ઊભો રહ્યો.
હું રાઉન્ડ મારીને એ જ વર્ગ પાસે આવ્યો. દામોદરને જોઈ મને નવાઈ લાગી, કારણ, તેના ચહેરા પર ઘેરો વિષાદ હતો, આંખોમાં કોઈ શરારત – કોઈ તોફાનનો ભાવ નહોતો.
મેં પૂછ્યું, ‘ કેમ મોડો આવ્યો ?’
દામોદરે કહ્યું, ‘ સાહેબ, રાંધવામાં મોડું થઈ ગયું. ’
મેં કહ્યું, ‘ તારે રાંધવાનું કામ કરવું પડે છે ?
દામોદરે કહ્યું , ‘ હા , સાહેબ. ‘
મેં કહ્યું, ‘ પણ શા માટે ? તારાં બા નથી રાંધતાં ? ‘
મેં પ્રશ્ન તો પૂછ્યો, પણ દામોદર મારે ખભે માથું મૂકીને ધ્રુસકે – ધ્રુસકે રડ્યો : ‘ સાહેબ, મારી બા ગુજરી ગઈ ! મારી મા મને મૂકીને ચાલી ગઈ ! ‘
મેં કહ્યું , ” અરે, પણ કેવી રીતે તારી માતાનું અવસાન થયું ? ”
દામોદર કહે, ‘ દાઝી જવાથી. અહીં દવાખાને લઈ ગયા , પછી રાજકોટ લઈ ગયા, પણ સાહેબ, મારી માતા ન બચી શકી ! ‘ આમ કહી દામોદર ફરી રોવા લાગ્યો.
હું તેને ઑફિસમાં લઈ આવ્યો, પાણી પાયું, સાંત્વન આપ્યું અને પૂછ્યું , ‘ મરતાં – મરતાં તારી માતાએ કાંઈ કહ્યું ?
દામોદર કહે, ‘ હા. મને કહ્યું, “ બેટા, બરાબર ભણજે અને રાઠોડસાહેબને કહેજે, તારું ધ્યાન રાખે.”
દામોદરની વાત સાંભળી હું પણ લાગણી રોકી ન શક્યો. અમે બંને રડ્યા.
દામોદર નવમા ધોરણમાં છઠ્ઠ નંબરે પાસ થયો અને એસ. એસ. સી. માં ફર્સ્ટ ક્લાસ માર્કસ સાથે પાસ થયો.
માતાના એક જ અંતિમ વાક્યે દામોદરને જિંદગીનું સત્ય સમજાવી દીધું. દામોદરનું જીવન બદલાઈ ગયું. માત્ર તેની દૃષ્ટિ બદલી અને સૃષ્ટિ બદલાઈ ગઈ, વૃત્તિ બદલી અને વર્તન બદલાઈ ગયું.
✍ શાહબુદ્દીન રાઠોડ – સંકલન અને ટાઇપીંગ અમરકથાઓ ગ્રુપ.
આ લેખની કોઇપણ પ્રકારે કોપી કરવી એ ગેરકાયદેસર છે. આપ માત્ર share કરી શકો છો.
શાહબુદ્દીન રાઠોડ – નટા જટાની જાત્રા
મુંબઇનો મારો પ્રથમ પ્રવાસ – શાહબુદ્દીન રાઠોડ
શિક્ષકોનું બહારવટું – શાહબુદ્દીન રાઠોડ