4138 Views
તુંગનાથ મહાદેવ : આ શ્રેણીમા આપ વિશ્વપ્રસિદ્ધ મંદિરો વિશે માહિતી મેળવશો, ગયા લેખમા આપણે સોમનાથ મહાદેવ મંદિર વિશે જાણ્યુ, અમર કથાઓમા આ લેખમા વિશ્વમા સૌથી વધુ ઊંચાઈએ આવેલું શિવ મંદિર : તુંગનાથ મહાદેવ મંદિર વિશે જાણીએ. પચંંકેદાર મંદિર Tunganath Mahadev Mandir.
ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જીલ્લામાં આવેલું છે. તુંગનાથનો અર્થ જ છે, શિખરોના ભગવાન. આ મંદિર આગળ અને ત્યાં જવાના રસ્તે શિયાળામાં બરફ છવાઈ જાય છે, એટલે શિયાળામાં મંદિર બંધ રહે છે. શિયાળામાં ભગવાનની મૂર્તિ, તુંગનાથથી ૧૯ કી.મી. દૂર, નીચે મુક્કુ ગામના મુક્કુમઠમાં લાવી દેવાય છે. પૂજારીજી પણ મુક્કુમઠમાં આવી જાય છે. એપ્રિલના અંતમાં જયારે બરફ પીગળી જાય ત્યારે મૂર્તિને વાજતેગાજતે તુંગનાથ લઇ જવાય છે, પછી નવેમ્બરના મધ્ય સુધી મંદિર ખુલ્લું રહે છે. એટલે તુંગનાથ મહાદેવનાં દર્શન કરવાં હોય તો આ સમયગાળામાં (ઉનાળામાં) જ ત્યાં જવું જોઈએ.
તુંગનાથ મહાદેવનું મંદિર પંચકેદારમાંનું એક છે. પંચકેદાર એ શિવજીનાં પાંચ કેદાર મંદિરોનું ગ્રુપ છે. આ પાંચ મંદિરો એટલે કેદારનાથ, તુંગનાથ, રુદ્રનાથ, મધ્યમહેશ્વર અને કલ્પેશ્વર. પાંચે કેદારમાં તુંગનાથ મહાદેવ સૌથી વધુ ઉંચાઈએ છે. ઘણા શિવભક્તો પંચકેદારની યાત્રા કરતા હોય છે. કહે છે કે આ પાંચે કેદાર મંદિરો પાંડવોએ બંધાવેલાં. એ હિસાબે, તુંગનાથ મહાદેવ મંદિર ૫૦૦૦ વર્ષ જૂનું મનાય છે. તુંગનાથ મહાદેવના પૂજારી ઉખીમઠના બ્રાહ્મણોમાંથી નીમવાનો શિરસ્તો છે., જયારે બાકીનાં ચાર કેદારના પૂજારી દક્ષિણ ભારતના હોય છે.
તુંગનાથ મહાદેવ ક્યાં થઈને, કેવી રીતે જવાય? આ માટે પહેલાં તો હરિદ્વારથી ચોપટા જવું પડે. હરિદ્વારથી કેદારનાથના રસ્તે NH-58 પર, હિમાલયના પહાડોમાં ગંગા નદીના કિનારે કિનારે જવાનું. હરિદ્વારથી ઋષિકેશ, દેવપ્રયાગ, કીર્તિનગર, શ્રીનગર, રુદ્રપ્રયાગ, અગત્સ્ય મુનિ અને પછી કુંડ ગામ આવે. કુંડથી ડાબે વળીએ તો કેદારનાથ જવાય, એ બાજુ નહિ જવાનું, એને બદલે સીધા જવાનું. એ રસ્તે કુંડ પછી ઉખીમઠ, દુગ્ગલબીટ્ટા અને પછી ચોપટા ગામ આવે.
તુંગનાથ મહાદેવ કેવી રીતે જશો ?
હરિદ્વારથી અંતર :
(૨૪ – ઋષિકેશ – ૭૦ – દેવપ્રયાગ – ૩૪ – શ્રીનગર – ૩૩ – રુદ્રપ્રયાગ – ૧૯ – અગત્સ્ય મુનિ – ૧૦ – કુંડ – ૬ – ઉખીમઠ – ૨૨ – દુગ્ગલબીટ્ટા – ૭ – ચોપટા. આમ, હરિદ્વારથી કુંડ ૧૯૦ અને ત્યાંથી ચોપટા ૩૫ કી.મી. દૂર છે.)
હરિદ્વારથી છેક ચોપટા સુધી પાકો રસ્તો છે. હરિદ્વારના મુખ્ય બસસ્ટેન્ડથી ૫૦૦ મીટર દૂર GMOU નામનું ગઢવાલ મંડળ એસોસીએશનનું બીજું બસસ્ટેન્ડ છે. આ બસસ્ટેન્ડ પરથી ચોપટા જવાની બસો મળે. જો કે ચોપટાની સીધી બસો કોઈ હોતી નથી. કેદારનાથની બસમાં બેસો તો કુંડ ઉતરી જવાનું. બદરીનાથની બસમાં બેસો તો રુદ્રપ્રયાગ ઉતરી જવાનું, અને ત્યાંથી જીપમાં કુંડ જતા રહેવાનું.(રુદ્રપ્રયાગથી બદરીનાથનો રસ્તો ફંટાય છે.) કુંડથી જીપમાં ઉખીમઠ અને ત્યાંથી ચોપટા પહોંચી જવાનું. હરિદ્વારથી સામાન્ય રીતે સવારની બસમાં નીકળવાનું કે જેથી બપોર પછી ૩,૪ વાગતા સુધીમાં ચોપટા પહોંચી જવાય.
હવે ચોપટાથી તુંગનાથ જવાનું છે. આ અંતર ફક્ત ૪ કી.મી. જ છે. પણ અહીં કોઈ વાહન જાય એવો રસ્તો નથી. એટલે ચાલીને ટ્રેકીંગ કરીને જવું પડે. જો કે ઘોડા મળે છે. ચાલીને જવા માટે પત્થરો જડીને રસ્તો બનાવેલો છે, તથા થોડા થોડા અંતરે બાંકડા મૂકેલા છે. ચોપટાની ઉંચાઈ ૨૯૨૬ મીટર અને તુંગનાથની ઉંચાઈ ૩૬૮૦ મીટર છે, એટલે રસ્તો ચડાણવાળો છે. ૪ કી.મી. જતાં સહેજે ૩ કલાક લાગી જાય છે. પીવાનું પાણી સાથે રાખવું. સામાન બહુ સાથે ના રાખવો. રેઇનકોટ સાથે રાખવો, વરસાદ ગમે ત્યારે પડી શકે. ચોપટામાં રહેવા માટે ગેસ્ટ હાઉસ, ધાબાં અને તંબૂઓ છે. ત્યાં રાત રહેવાની વ્યવસ્થા કરી, તુંગનાથ જવા માટે સવારે નીકળવું અને સાંજે ચોપટા પાછા આવી જવું.
ચોપટાથી ટ્રેકીંગના પ્રવેશદ્વાર આગળ ટીકીટ લેવાની હોય છે. (વ્યક્તિદીઠ આશરે ૧૫૦ રૂપિયા). ટ્રેકીંગના રસ્તે જવાની મજા આવતી હોય છે. રસ્તો ક્યારેક અડાબીડ જંગલોમાં તો ક્યારેક ખુલ્લાં મેદાનોમાં તો વળી ક્યારેક પર્વતની ધારે ધારે થઈને જાય છે. એપ્રિલ-મેમાં ફૂલોની ઋતુ બરાબર ખીલી હોય ત્યારે આ રસ્તે રોડોડેડ્રોન તથા અન્ય ફૂલોનો નજારો જોવા મળે છે. ક્યાંક હિમાલયનું મોનાલ પક્ષી જોવા મળી જાય છે.
અને ખાસ તો રસ્તા પરથી તથા તુંગનાથ પહોંચ્યા પછી દૂર દૂર હિમાલયનાં બરફછાયાં શિખરો નજરે પડે છે. આ શિખરોમાં નંદાદેવી, ચૌખંબા, કેદારનાથ, નીલકંઠ, બંદરપૂછ અને પંચચૂલી મુખ્ય છે. આ શિખરોને નજરે જોવાની તક બીજે ક્યાં મળવાની હતી ! તુંગનાથ, અલકનંદા અને મંદાકિની નદીઓનાં પાણી છૂટા પાડતી ધારની ટોચે છે, એમ કહી શકાય. અમરકથાઓ
તુંગનાથ આવતા પહેલાં, રાવણશીલા નામની જગા આવે છે. રાવણે શિવજીને રીઝવવા અહીં તપ કર્યું હતું. તુંગનાથ પહોંચ્યા પછી, મંદિરમાં શિવજીનાં દર્શન કરવાનો લ્હાવો અદ્ભુત છે. મનમાં એક જાતનો રોમાંચ અને ભક્તિભાવ પેદા થાય છે. તુંગનાથ મંદિરની આજુબાજુ ભૈરવનાથ અને અન્ય મંદિરો છે.
તુંગનાથથી હજુ દોઢેક કી.મી. જેટલું આગળ ચડીને ચંદ્રશીલા નામના શિખર પર પહોંચાય છે. આમ જુઓ તો તુંગનાથ, ચંદ્રશીલા શિખરની તળેટીમાં હોય એવું લાગે. ચંદ્રશીલાની ઉંચાઈ ૪૦૦૦ મીટર છે. ચંદ્રશીલા પર પહોંચો એટલે કોઈ પર્વતની ટોચે આવી ગયા હોઈએ એવું લાગે. આ શિખર પર પણ ગંગા ધામ નામનું એક નાનું મંદિર છે. ચંદ્રશીલા પરથી આજુબાજુનો નજારો કેવો ભવ્ય છે, તે તો ત્યાં જાઓ ત્યારે જ અનુભવવા મળે. અહીંથી પેલાં બધાં જ બરફછાયાં શિખરો અને તુંગનાથ તરફની ખીણો જોવા મળે છે. રામ ભગવાને રાવણને માર્યા પછી ચંદ્રશીલા પર ધ્યાન ધર્યું હતું.
બસ, પછી તો આ બધું જોઈ, માણી, તુંગનાથ અને ત્યાંથી ચોપટા પાછા આવી જવાનું. ત્યાંથી હરિદ્વાર અને દિલ્હી થઈને વતનમાં પાછા. હરિદ્વારથી દિલ્હી ૨૨૫ કી.મી. દૂર છે.
Read – જગન્નાથ મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ
આ પણ વાચો – चार धाम की रोचक जानकारी (4 ધામ યાત્રા)
ज्ञानवापी का इतिहास | काशी विश्वनाथ मंदिर history