Skip to content

Aghor Nagara Vage Book 2 | હિમાલયના સિદ્ધ યોગી

Aghor Nagara Vage Book 2
4982 Views

Aghor Nagara vage Book, aghor nagara vage book pdf, aghor nagara vage vol 2 pdf free download, aghor nagara vage book, Mohanlal Agrawal

પૂર્વભૂમિકા :

Aghor Nagara vage Book – (લેખક મોહનલાલ અગ્રવાલ) માથી આ પ્રસંગ લેવામાં આવેલ છે. સરયુદાસ એ હિમાલયના સિદ્ધ યોગી છે, ગિરનાર ક્ષેત્રમા મહાશિવરાત્રી દરમિયાન તેમની મુલાકાત લેખક સાથે થાય છે, સરયુદાસની યોગશક્તિ જોઇને તેઓ દંગ બની જાય છે, બાદમાં તેઓ હિમાલય તરફ જવા નિકળે છે, ત્યારે રસ્તામાંં લેખકને અનેક શંકા, તર્ક, ઉભા થાય છે, જે અંગે સરયુદાસજી એક પ્રયોગ લેખકને બતાવે છે, જે હવે લેખક મોહનલાલ અગ્રવાલના શબ્દોમા વાંચો. (આગળના ભાગ વાચવાની લિંક પોસ્ટમા જ આપેલી છે.)

અઘોર નગારા વાગે

(સરયુદાસનાં સાનિધ્યમાં)

હું આસ્તેથી રૂમમાં દાખલ થયો. મેં વાતાવરણમાં કંઈક વિશેષ પ્રકારની ચેતના પથરાઈ હોય તેવો અનુભવ કર્યો.

સરયુદાસજીએ મને બેસવા માટે કહ્યું. તેમણે ગંભીર સ્વરે કહ્યું : જુઓ, હું મારા આસન પર શવાસન કરીને સમાધિસ્થ થઈશ. જ્યારે તમને સંજ્ઞા કરું તેની બરોબર પંદર મિનિટ પછી તમે મારી નાડીનું અને હૃદયનું નિરીક્ષણ ધ્યાનપૂર્વક કરી લેજો. તે બંધ થઈ ગયાં હશે. એ અંગે તમે મૂંઝાશો નહિ. એ વખતે બહાર જઈ ફોન પાસે બેસજો અને મારો ફોન આવવાની રાહ જોજો. સાથોસાથ આ રૂમને બહારથી બંધ કરી દેજો જેથી કોઈ અંદર આવે નહિ.

હું સુરેન્દ્રનગરથી તમને ફોન કરીશ અને તમારા ભાઈ સાથે ફોન પર વાત કરાવીશ. ફોન પર વાત થઈ ગયા બાદ બરોબર વીસ મિનિટે તમે રૂમમાં દાખલ થજો. મારા હૃદય પર હાથ મૂકીને જોશો. તેમાં સંચાર શરૂ થયા બાદ નાડી ધબકવાની શરૂ થશે. ત્યાર બાદ હું અત્યારે છું તે રીતે સામાન્ય અવસ્થા પ્રાપ્ત કરીશ.

તેમના આ નિર્ણયથી મારું સમગ્ર અસ્તિત્વ હચમચી ઊઠયું. અદ્ભુત યોગક્રિયાનો પ્રયોગ પ્રત્યક્ષ જોવાના અવસરનો ઊંડે ઊંડે આનંદ હતો. પરંતુ ફક્ત મારા સમાધાન માટે સરયુદાસજી સરળ અને સહજભાવથી આ પ્રયોગ માટે તૈયાર થયા હતા એ વિચારથી મારું મન દ્રવી ઊઠયું. આંખોમાં ભીનાશ આવી ગઈ. ક્ષોભયુક્ત ધીમા અને કંપતા અવાજથી તેઓને હાથ જોડી કહ્યું : આપે કહ્યું એટલું જ મારા માટે ઘણું છે. મારા સમાધાન માટે હું આપને આ રીતે અકારણ તકલીફ આપીને આપના સાધનામાર્ગનું દૂષણ બનવા નથી ઇચ્છતો માટે આપે દર્શાવેલ પ્રયોગની કાંઈ જરૂર નથી. આપના કથનથી જ મારું સમાધાન થઈ ગયું છે. એને પ્રયોગમાં લાવવાની જરૂર નથી ..

સરયુદાસજી આછું સ્મિત ફરકાવતાં બોલ્યા : આ માર્ગને જોવા, સમજવા અને અપનાવવા માટે કાયરતાને ત્યજી દેવી જોઈએ. નાદાનિયત અને ભાવપ્રવાહમાં નહિ ખેંચાતાં એકદમ જાગ્રત રહી મૂક દ્રષ્ટા – શ્રોતા બનીને ઈશ્વરની અદ્ભુત રચનાને સમજવાનો પ્રયત્ન કરો. આ પ્રયોગથી મારું કે કોઈ અન્યનું કાંઈ જ અનિષ્ટ નથી થવાનું માટે ધીરજથી, શાંતિપૂર્વક આગળ વધો. તેમણે વધુમાં કહ્યું : હું અને તમે બંને આ પ્રસંગ – પ્રયોગના નિમિત્ત છીએ. ઈશ્વર પોતે જ કદાચ આવું કરવા માટે પ્રેરતો હોય એમ ન બને ?

સરયુદાસજીએ આ પ્રયોગને સહજ રીતે કહી બતાવ્યો, જેથી હું માનસિક રીતે તૈયાર થઈ જાઉં.

ફરીથી તેમણે મને સ્વસ્થ થવા કહ્યું. હું બધા વિચારોને ખંખેરી નાખી પ્રયોગ માટે સ્વસ્થ થયો. સરયુદાસજીએ બધાં વસ્ત્રો દૂર કરીને ફક્ત એક લંગોટી ધારણ કરી રાખી. લાદી ઉપર એક શેતરંજી પાથરીને તેઓ ચત્તા શવાસન કરીને સૂતા. હું તેમની તરફ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો. તેમણે શરીરને એકદમ ઢીલું છોડી દીધું અને શ્વાસોશ્વાસની ગતિ ધીમે ધીમે વધારવાની શરૂ કરી . એક મિનિટમાં તો શ્વાસોશ્વાસ નો અવાજ જાણે કોઈ વેક્યૂમ કૉમ્પ્રેશર જોરદાર અવાજથી ગૅસની સક્શન ડિલિવરી કરતું હોય તેટલો સંભળાવા લાગ્યો.

મારા માટે આ અનુભવ પહેલી વાર જ હતો. મને થયું કે આ અવાજથી જો મારું હૃદય ધબકારો ચૂકી જશે તો પ્રયોગ એના ઠેકાણે રહેશે અને હું ઠેકાણે પડી જઈશ. પણ હવે શું થાય ? બીજી જ મિનિટે શ્વાસોશ્વાસની ગતિ ધીમી પડી ગઈ. એ વખતે તેમણે સમયનું ધ્યાન રાખવાનો સંકેત કરી આંખો બંધ કરી દીધી. હું ઘડિયાળ તરફ ક્યારેક જોતો હતો, તો ઘડીભર સરયુદાસજીને જોઈ લેતો હતો. આ પંદર મિનિટનો સમય પસાર કરવો મારા માટે જાણે અસાધ્ય જણાતો હતો. એટલી બધી એકાગ્રતા થઈ કે જાણે મારા પોતાના જ શ્વાસોશ્વાસનો અવાજ કાનના પડદાઓ સાંભળી રહ્યા હતા. હૃદયના ધબકારાની ગણતરી જાણે મગજ નોંધી રહ્યું હતું.

દસ મિનિટ પસાર થયા બાદ મેં જોયું તો સરયુદાસજીનું શરીર પ્રમાણમાં સહેજ ફૂલતું હોય તેમ જણાયું. આ પ્રમાણે થયા બાદ તેમની શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ ગઈ. આ પ્રયોગ ઘરમાં થઈ રહ્યો હોવા છતાં વાતાવરણ મને ભારે ભારે જણાતું હતું. મારી માનસિક પરિસ્થિતિ જાણે શિથિલ થઈ ગઈ હતી. બરોબર બાર મિનિટ પછી મેં સમુદાસજીની નાડી જોવા માટે તેમના તરફ હાથ લંબાવ્યો. મારા હાથમાં આછી ધ્રુજારી વ્યાપી ગઈ.

ધ્રૂજતા હાથે મેં સરયુદાસજીની જમણા હાથની નાડી દબાવીને જોયું. તે બંધ જણાતી હતી. ત્યાર બાદ છાતી ઉપર હાથ મૂકીને જોયું તો હૃદયના ધબકારા પણ સાવ બંધ હતા. હૃદયના બંધ ધબકારાની જાણ થતાં મારું મન વ્યાકુળ બનીને અકથ્ય વેદના અનુભવી રહ્યું. ઘડિયાળમાં પંદર મિનિટ થઈ જતાં હું ઊઠીને રૂમની બહાર આવ્યો. રૂમને કાળજીપૂર્વક બંધ કરી, બેઠકરૂમમાં ફોન પાસે જઈને બેઠો. સરયુદાસજીના રૂમ સામે જ બેઠકરૂમ હતો એટલે તે રૂમનું પણ ધ્યાન રાખી શકાય એમ હું બેઠો.

શિયાળો હોવા છતાં મને પાણીની તરસ લાગી હતી. ગળું સુકાતું હતું. ફોન પાસે બેઠાં બેઠાં લગભગ પંદર મિનિટ થઈ ગઈ હતી. પરંતુ ફોન પણ મારી જેમ ચુપચાપ બેઠો હતો. મારાં સાળીએ એકાદબે વખત ઔપચારિક પૂછપરછ કરી કે કેમ જરા ચિંતાતુર જણાઓ છો ? કોઈ અગત્યનો ફોન આવવાનો છે ?
મેં ફક્ત હકારમાં માથું હલાવીને હા પાડી.

મારા પર હવે એ ફિકર સવાર થઈ હતી કે જો કલાક બે કલાક સુધી ફોન પણ ન આવે અને સરયુદાસજીના અચલ દેહમાં ફરીથી ચેતના ન આવે તો મારા માટે કેવી કફોડી પરિસ્થિતિ ઊભી થાય ?

આ વિચાર મને વારંવાર બેચેન બનાવી રહ્યો હતો. મેં મનોમન નક્કી કર્યું કે આવા ઝેરનાં પારખાં કરવામાં કયારેક જાનહાનિ થવાની પણ સંભાવના ખરી.
હું નિઃસહાય બનીને વારંવાર ફોન સામે જોયા કરતો હતો. એટલામાં ટ્રંક – કોલની રિંગ થઈ. ટ્રંક – કોલ સરયુદાસજીનો જ હોય તો કેવું સારું એવો વિચાર રિસીવર ઉપાડતાં જ આવી ગયો.

ખરેખર ! એ ટ્રંક – કોલ સુરેન્દ્રનગરથી હતો. સરયુદાસજીએ વાતની શરુઆત કરી. સ્વસ્થ છો ને ? મેં પરાણે હા પાડતાં કહ્યું કે મજામાં છુ. અર્ધી મીનિટ વાત કર્યા બાદ એમણે મારા ભાઈને ટેલિફોન આપ્યો મેં ભાઈ સાથે વાત શરૂ કરી. તેણે જણાવ્યું કે સરયુદાસજી તમારી સાથે ગયા હતા તો પછી પાછા શા માટે આવી ગયા. હજુ હમણાં જ તેઓ આવ્યા છે અને મને ટ્રંક – કોલ જોડવા માટે કહ્યું. શું હકીકત છે ? કાંઈ અનિચ્છનીય તો બન્યું નથી ને ?

તેના પ્રશ્નોના હું શું જવાબ આપું ? મેં તેને કહ્યું : ‘ સરયુદાસજી ત્યાંથી જવા માટે રવાના થાય ત્યારે તેમને ડ્રોઅરમાંથી મારાં ચશ્માં આપી દેજે. તે હું લાવવાનું ભૂલી ગયો છું. ‘ ફરી સરયુદાસજીએ ટેલિફોન પર વાત કરતાં કહ્યું : ‘ ટેલિફોન મૂકયા પછી બરોબર વીસ મિનિટે તમે રૂમ ખોલીને મારી પાસે આવશો અને તમને આપેલ સૂચના પ્રમાણે કરશો. ’

ટેલિફોન બંને તરફથી મુકાઈ ગયો. મને એ સમયે ખૂબ આનંદ હતો. એક તો હું ચિંતામુક્ત બન્યો તેનો આનંદ હતો કે મનમાં ઊઠતી કુશંકાઓનું નિવારણ થયું હતું.

બીજો આનંદ એ બાબતનો હતો કે ઈશ્વરે કેવી મહાન પળ અનુભૂતિ માટે મને બક્ષી હતી કે જે પળ જીવનને વળાંક આપવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. વીસ મિનિટનો સમય જોતજોતામાં પસાર થઈ ગયો.

હું ઓરડો ખોલીને અંદર દાખલ થયો. સરયુદાસજી પોતાના આસન પર પૂર્વવત્ સૂતા હતા. મેં તેમના હૃદય પર આસ્તેથી હાથ મૂકયો. તેમાં ધબકાર શરૂ થઈ ચૂકયો હતો — શરીરની ગરમી – ઠંડીમાં કાંઈ જ તફાવત નહોતો થયો. એ સિવાય એક વાત પર મારું ધ્યાન ખેંચાયું. તેમના ડાબા હાથથી થોડે નીચે મારા ચશ્માં જે સરયુદાસજીને આપી દેવા મેં ફોન પર ભાઈને જણાવેલ તે પડયાં હતાં.

મેં તરત બે દઢ નિર્ણય કર્યા : એક તો આ મહાત્માને હવે કોઈ પણ રીતે છોડવા નહિ. અને બીજો, હવે કોઈ પણ વાતમાં શંકા – સંશય કરવો નહિ. આ સાથે સરયુદાસજી ધીમે ધીમે શ્વાસોશ્વાસની ક્રિયામાં આવી રહ્યા હતા. બંને હાથની નાડીઓ ધબકવી શરૂ થઈ ગઈ હતી. તેમની પાસે બેઠા પછી આશરે દસેક મિનિટમાં તેઓ સ્વસ્થ થઈને બેઠા થયા. પ્રમાણમાં તેઓ સહેજ થાકેલા જણાતા હતા.

તેમણે મારી સામે જોઈને મારું મન વાંચવા પ્રયાસ કર્યો. જાણે તેમની દૃષ્ટિમાં એવો પ્રશ્ન હતો કે, બોલો, હવે છે કાંઈ સમાધાન કરવાનું બાકી ? તેમની વેધક દષ્ટિ સામે જોવું અઘરું જણાતાં મેં મારી નજર ફેરવી લીધી. હું નીચે જોઈને તેમની સાથે વાત કરી રહ્યો હતો.

મારો ક્ષોભ તેઓ સમજી ગયા હતા. તેમણે તે દૂર કરતાં કહ્યું : તમારે આ પ્રયોગ અંગે કાંઈ પણ એવું વિચારવાનું નથી કે આ અયોગ્ય થયું છે. તમે કરેલો નિર્ણય, તે આ પ્રયોગની ફલશ્રુતિ છે– તે શું મહત્ત્વની વાત નથી ?

હું કાંઈ સ્પષ્ટતા કરી શકું એમ ન હતો. પણ હવે મને એક અનુભૂતિ થઈ રહી હતી કે ઊંડે ઊંડે ક્યાંક ન સમજી શકાય એવા આનંદનો સ્રાવ શરૂ થયો હતો. એનું કારણ મારા માનવા પ્રમાણે મને એમ જણાયું કે સરયુદાસજી સાથેના વ્યવહારમાં હવે તર્ક, શંકા, સંશય કાયમ માટે વિદાય લઈ ચૂક્યાં હતાં. જ્યારે વ્યવહાર – વર્તનમાં સહજ ભાવ આવે અને તર્ક , કુતર્ક , શંકા , અવિશ્વાસ એવા બધા જ વિચારો નિર્મૂળ થાય ત્યારે મન હળવું બનીને ફક્ત આનંદની જ અનુભૂતિ કરે છે.

જેમ માના ખોળામાં સૂતેલું બાળક પોતાની જાતને સંપૂર્ણ સુરક્ષિત માનીને નિર્ભયપણે બધી જવાબદારી માને સોંપી દે છે તેવી પરિસ્થિતિની અનુભૂતિ હું સરયુદાસજીના સાન્નિધ્યમાં કરી રહ્યો હતો.

સરયુદાસજીએ ઊભા થઈને પોતાનાં વસ્ત્રો યથાવત્ કરી મને કહ્યું : તમારાં ચશ્માં ત્યાં પડયાં છે તે લઈ લો. તેમણે બહુ જ સાહજિક રીતે વાત શરૂ કરી હતી. મને સૂચના આપતાં તેમણે કહ્યું : આ પ્રસંગની ચર્ચા તમારે અહીં કરવાની નથી તેનું ધ્યાન રાખશો. મારી ગેરહાજરી હોય ત્યારે તમારાં સગાસંબંધીને વાત કરજો. અત્યારે આ ઉલ્લેખ બિલકુલ કરશો નહિ. મેં સંમતિ દર્શાવતાં કહ્યું : એમ જ થશે.

તે દિવસે છેક સાંજે તેમણે થોડાં દૂધચોખા લીધાં.
બીજા દિવસે આખો દિવસ વાતાવરણમાં ધુમ્મસ અને વાદળ રહ્યાં તેથી ઘરમાં જ સમય પસાર કર્યા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો.

બીજા દિવસે બપોર પછી ચર્ચામાં ખૂબ મજા આવી. તેમણે પોતાની આપમેળે જ આ વાતની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું : હજી સંપૂર્ણપણે તમે પરિવર્તન પામ્યા નથી. હજુ અમુક બાબતો ઊંડે ઊંડે પડેલી છે. તે ત્યારે જ બહાર આવે જ્યારે તેને અનુરૂપ પ્રસંગની પરાકાષ્ઠા સરજાય. એ સિવાય સાધારણ અવસ્થામાં તો વિવેકબુદ્ધિ દરેક નબળા વિચારો પર નિયંત્રણ રાખે છે આ શોધનક્રિયા કરવા માટે મારા સ્નેહી વજ્રનાથ જેને અમે બજરનાથ કહીને સંબોધીએ છીએ તેમની પાસે તમે એકાદ – બે દિવસ રહેશો એટલે લગભગ ઘણુંબધું પરિવર્તન આવી જશે.

✍ મોહનલાલ અગ્રવાલ – અઘોર નગારા વાગે ભાગ 2 પુસ્તકમાથી
(ટાઈપીંગ – અમરકથાઓ ગ્રુપ)

નોંધ – આ લેખ માત્ર પુસ્તક પરિચયનાં હેતુથી મુકેલો છે. તેથી આ લેખનો અન્યત્ર ઉપયોગ કરવો ગેરકાયદેસર છે.

અઘોર નગારા વાગે (ભાગ -1) અમેરીકન યુવતી અઘોરીની જાળમા

🍁 યોનિપૂજા – અઘોર નગારા વાગે

અર્બુદાચલ કલ્પ – Aghor Nagara Vage

Aghor Nagara Vage પુસ્તક વિશે.

ભારતવર્ષના યોગી , સાધુઓ , ભજનાનંદી પુરુષો માટે સેંકડો વર્ષોથી અનેક વિદેશી સંશોધકો સ્વઅનુભવ લખતા આવ્યા છે. આજે પણ અસંખ્ય વિદેશીઓ આપણી સંસ્કૃતિમાં એમને ખૂટતી વસ્તુ શોધી રહ્યા છે.

ડૉ. પોલ બ્રન્ટોને ચાર પુસ્તકો ભારતના સાધુઓ , યોગીઓ , જાદુગરો , જ્યોતિષીઓ તથા સૂફીસંતો વિશે લખ્યાં જેમાં તેમણે વીસમી સદીના બીજા દાયકા થી પાંચમા દાયકા સુધી હિમાલયથી કન્યાકુમારી અને બંગાલ , અરુણાચલ સુધીના પ્રવાસની જાતમાહિતીનું વર્ણન કર્યું છે , જેમાં તેમણે પ્રત્યક્ષ માહિતીનો નિચોડ મૂક્યો છે. સામાન્ય બુદ્ધિની સમજ બહારના અલૌકિક પ્રસંગો , ઘટનાઓ અને વર્ણનો તથા સ્વપ્નમાં આવતા આદેશ , મૂક મૌન , માનસિક વાર્તા , લાખો – સેંકડો – હજારો વર્ષોના આયુષ્યના યોગીઓ હિમાલયમાં હોવાની અને તેમને મળવાની વાતો આલેખી છે તેમનાં પુસ્તકો

1. એ સર્ચ ઈન સીક્રેટ ઇન્ડિયા
2. એ મેસેજ ફ્રોમ અરુણાચલ
3. એ હરમીટ ઈન ધી હિમાલયાઝ
4. ધ હીડન ટીચિંગ બીયોન્ડ યોગા
books

Books

વિશ્વભરમાં તેમને પ્રખ્યાતિ અને સ્વીકૃતિ મળી. ભારતમાં પણ ખૂબ આવકાર મળ્યો છે.

કોઈ સૂફીસંતે એક ઉદાહરણ આપ્યું છે કે દૂર દૂરથી ભ્રમર આવીને સરોવરમાં ખીલેલા કમળનું રસપાન કરીને , સત્ત્વ મેળવીને ચાલ્યો જાય છે જ્યારે કમળની દંડી પાસે ઊગેલા પાન ઉપર દેડકો બેસીને શેવાળ જ ખાતો રહે છે. ગુણીજન હંમેશાં સારસત્ત્વ ગ્રહણ કરે છે. જ્યારે નુગરો હંમેશાં છલ – છિદ્ર જોયા કરે છે.

‘ Aghor Nagara Vage (અઘોર નગારાં વાગે) ‘ નો ઉદ્દેશ એ છે કે આપણા સાધુસમાજને સમજવાની યોગ્ય દૃષ્ટિ આપણી પાસે હોવી આવશ્યક છે , જેથી સાધુવેશે ફરતા પાખંડીઓને સમજી શકાય , સુરક્ષિત રહી શકાય. આપણી સંસ્કૃતિનું એ મહત્ત્વનું પાસું છે. જાણે અજાણે આપણે આવા સંપર્કમાં આવતા હોઈએ છીએ યોગ્ય દૃષ્ટિ ન હોય તો કયારેક એમને માટે, ક્યારેક આપણા માટે અઘટિત થવાની શક્યતા રહે છે. – લેખકશ્રી

👉 આ પોસ્ટ અંગેના આપના અમુલ્ય પ્રતિભાવો જરુર આપશો. આ પોસ્ટને આપ અહીથી મિત્રો સાથે share કરી શકશો. 👇

mohanlal Agrval - Aghor nagara vage book
mohanlal Agrval – Aghor nagara vage book

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *