Skip to content

વરસાદની આગાહી કરનાર અંબાલાલ કોણ છે ? શુ કરે છે ? શા માટે તેમને જવુ પડ્યુ હતુ જેલમા ?

આગાહીવાળા અંબાલાલ પટેલ
511 Views

વરસાદની સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલ કોણ છે ?, અંબાલાલ પટેલનુ ગામ ક્યુ ? અંબાલાલ પટેલનો પરિચય શુ ? એવા પ્રશ્નો સૌને થતા હોય તો વાંચો આ લેખમાં.. Ambalal patel introduction.

આગાહીવાળા અંબાલાલ પટેલ

* ‘ 29 જાન્યુઆરીથી હવામાનમાં પલટો : કમોસમી વરસાદ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીની આગાહી ‘

* ‘ ઉનાળાનાં એંધાણ : માર્ચના બીજા સપ્તાહમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી જશે.’

* ‘ ગુજરાતમાં હજુ પારો 11 ડિગ્રી સુધી પહોંચી શકે, માર્ચમાં માવઠાંની સંભાવના ‘

* ‘ રાજ્યમાં પાપગ્રહોના સંયોગથી 19 મી પછી ગરમીનો પારો ઊંચે ચડતો જાય.’

* ‘ દિવસે શાંત લહેરની આગાહી,માવઠાંની વકી ‘

* ‘ રાજ્યમાં આગામી સપ્તાહમાં મોસમનો મિજાજ બદલાશે, ફરી માવઠું થશે.’

– – વિવિધ વર્તમાન પત્રોમાં આ અને આવા પ્રકારની આગાહીઓ વાંચીને સમગ્ર ગુજરાતના લોકોના મોંઢે જે નામ આવે એ છે – અંબાલાલ દા. પટેલનું !
પણ, આ અંબાલાલ પટેલ કોણ છે એ વિશે બહુ ઓછા લોકો જાણે છે.

અંબાલાલ પટેલનો પરિવાર

એમનું વતન ચુંવાળ વિસ્તારના અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાનું રૂદાતલ ગામ છે. એમનો જન્મ 1947 માં થયો છે. પૂરું નામ અંબાલાલ દામોદરદાસ પટેલ. પત્નીનું નામ ગૌરીબેન. બે દિકરા અને એક દીકરી છે. મોટો દિકરા રાજેન્દ્રભાઈન ધાંગધ્રા મુકામે હોસ્પિટલ ધરાવે છે, જે અગાઉ અમેરિકા હતા. નાના દિકરા સતીશ પટેલ માસ્ટર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી થયેલ છે અને ઓસ્ટ્રેલિયામાં પ્રાઈવેટ બિઝનેસ સંભાળે છે. દીકરી અલકા પણ ડૉક્ટર છે.

અંબાલાલનો વારસાગત ધંધો ખેતી, અભ્યાસ પણ આણંદની એગ્રિકલ્ચર કોલેજમાંથી કૃષિ સ્નાતકનો અને નોકરી પણ બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઈઝર અને છેલ્લે આસિસ્ટન્ટ ડાયરેક્ટરના હોદા સુધી પહોંચનાર આ અંબાલાલ પટેલ ચીલો ચાતરીને પણ આવી આગાહીઓ કરવા લાગે અને બધી જ આગાહીઓ સાચી પડે ત્યારે આશ્ચર્ય જરૂર થાય.

એમાંય,સમગ્ર ગુજરાતને આવું આશ્ચર્ય આપનાર વ્યકિત ચુંવાળ વિસ્તારની હોય અને તેઓનો જ્યોતિષ વિષય ન હોવા છતાંય કે એ માટેની કોઈ ઉપાધિ પણ મેળવેલ ન હોવા છતાંય એ સચોટ આગાહીઓ કરતા હોય ત્યારે આશ્ચર્ય બેવડું, તેવડું કે અનેક ઘણું વધી જાય અને આ અંબાલાલ તરફ અહોભાવ પેદા થાય એ સ્વાભાવિક છે.

અંબાલાલ કેવી રીતે બન્યા હવામાન નિષ્ણાત ?

જાણીએ એમની આ સિધ્ધિઓ પાછળના સિક્રેટને.
બીજ પ્રમાણન એજન્સીની નોકરી દરમિયાન એમને જુદાંજુદાં ગામોએ ખેડૂતોની મુલાકાતે જવાનું થતું હતું.
મૂળ તો ખેડૂત પુત્ર અને ખેતીનું ભણેલા હોઈ એમને વરસાદ, હવામાન, ખેતી પાકો વગેરે વિશે જાણવાની સાથે એમને થતું કે જો ખેડૂતોને આ બધી આગોતરી માહિતી મળે તો એ ખેડૂતોને ઉપયોગી થઈ શકે. પણ, એ તો કૃષિ સ્નાતક હતા, હવામાન નિષ્ણાત નહોતા. ખેડૂતોને હવામાન,માવઠા કે વરસાદની આગોતરી માહિતી કેવી રીતે આપી શકે ?

એમનું આ મનોમંથન સતત ચાલતું રહ્યું. અને આ મનોમંથનમાંથી જ આગાહીઓરૂપી માખણ નીકળતું રહ્યું જે ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યું છે. સરકાર પણ એમની સલાહ લેવા માંડી. ગુજરાતના મુખ્યમંત્રીઓ ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદી પણ હવામાનનો વર્તારો જાણવા એમની સાથે ચર્ચા કરતા હતા.

વાતચીત દરમિયાન અંબાલાલ પટેલે જણાવ્યું કે મારા દિલો દિમાગમાં ખેડૂતોને બદલાતા હવામાનની માહિતી આપવા માટે મેં મારી રીતે જ અભ્યાસ શરૂ કરેલો.

જૂનાગઢ અને નવસારીના લાંબા પ્રવાસ દરમિયાન એ જ્યોતિષનાં પુસ્તકો વાંચતા. આ પુસ્તકોમાં મેઘમહોદય, પ્રાચીન વર્ષા વિજ્ઞાન, વારાહી સંહિતા ( બૃહદ સંહિતા ), તેમજ કેટલાંક જૈન શાસ્ત્રો જેવાં કે ભદ્રબાહુ સંહિતા, આરંભ સિધ્ધિ તેમજ ખગોળને લગતાં સૂર્ય ગણિત, ખગોળ ગણિત, ગ્રહણ ગણિત, કુંડળીયા, સાઠ સંવત્સરી કુંડળી, ચોમાસાના વર્તારાનો કોહિનૂર, દેશી વાયુચક્ર જેવાં ઘણાં પુસ્તકોનો તેઓએ અભ્યાસ કર્યો છે.

કોઈ પણ ગોડ ફાધર વિના જ પોતે જ પોતાના ગુરૂ બની હવામાનને લગતી પહેલી જ આગાહી તેઓએ 1980 ના વર્ષમાં કરેલી અને એ અક્ષરશ: સાચી પડતાં ઘણાંનું ધ્યાન ખેંચાયેલું અને એમનો આત્મવિશ્વાસ વધતો ગયેલો.

એ પછી તો વિવિધ વર્તમાન પત્રોમાં એમની આગાહીઓ પ્રકાશિત થવા લાગેલી. સંદેશ, જન્મભૂમિ, મુંબઈ સમાચાર વગેરે પંચાંગોમાં પણ એમના
લેખો પ્રસિદ્ધ થવા લાગ્યા. ઘણાં સામયિકો પણ અંબાલાલની આગાહીઓની નોંધ લેવા માંડ્યાં.સંદેશ, જીટીપીએલ, દૂરદર્શન, ન્યૂઝ- 18, 24, વી આર લાઈવ, વીટીવી જેવી ચેનલો પણ ” પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ….” આ રીતના સમાચારો પ્રસારીત કરવા લાગી.

તેઓ હોળીની જ્વાળાઓ ઉપરથી આખા વર્ષનો વર્તારો પણ કરવા લાગ્યા.

એકંદરે ” અંબાલાલ શું કહે છે ? ” ની લોકોમાં ઈન્તેજારી ઊભી થવા લાગી એ જેવીતેવી સિધ્ધિ ન ગણી શકાય.
એમની આ સિધ્ધિઓની કદરના ભાગરૂપે એમને ઘણા એવોર્ડસ્ પણ મળ્યા છે અને સન્માન પણ થયાં છે.

અંબાલાલને મળેલા એવોર્ડ્સ

2003 માં એમને UNO તરફથી ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે.તો, નેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી, ઈન્ટરનેશનલ સીમ્પોસીયમ ઓન એસ્ટ્રોલોજીકલ સાયન્સીઝ 2011, લોકસેવા ટ્રસ્ટ- કરમસદમાં વેસ્ટર્ન સીડ્સ દ્વારા સરદાર પટેલ એવોર્ડ, અખિલ ભારતીય જ્યોતિષ સંસ્થા સંઘ દ્વારા કોમોડીટી એવોર્ડ એનાયત થયેલ છે. ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ રોટરી કલબ દ્વારા એમનું વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવેલ છે. ઊંઝા ઉમિયા મંદિર સંસ્થા તરફથી પણ એમનું સન્માન કરવામાં આવેલ છે.

હવામાન અને જ્યોતિષને લગતાં પ્રવચનો અને ડિબેટમાં પણ તેઓએ ભાગ લીધેલ છે.
એક ખટકે તેવી વાત એ પણ છે કે આટલા એવોર્ડ અને સન્માનની યાદીમાં ચુંવાળની કોઈ સંસ્થા કે ગામનું નામ નથી કે જેઓએ એમના આ પનોતા પુત્રનું સન્માન કર્યું હોય.જોકે એમને એનો રંજ નથી એ એમની નિખાલસતા દર્શાવે છે. હા, એમને રંજ એ છે કે વિદેશના કેટલાક વિદ્યાર્થીઓ એમની પાસે હવામાન વિશેની આગાહીઓના અભ્યાસ માટે આવેલા છે પણ આપણે ત્યાંથી આવા અદભૂત અને ઉપયોગી જ્ઞાન મેળવવા માટે હજુ સુધી કોઈએ એમનો સંપર્ક કરેલો નથી.

ઔદ્યોગિક વિકાસ ગમે એટલો થાય તો પણ ખેતી વિના ચાલી શકે તેમ નથી.અને, હવામાનની આગાહી તો સમગ્ર માનવ જાતિ માટે આશીર્વાદરૂપ છે. અંબાલાલ પટેલે આવું માનવતાલક્ષી કાર્ય કર્યું છે અને છેલ્લા શ્વાસ સુધી એ કરતા રહેવા માગે છે.

સરકાર પણ એમના આ વર્તારા વિશે જાણવા ઉત્સુક રહે છે ત્યારે એજ સરકારે અંબાલાલ પટેલની ભૂકંપની આગાહી કરવા બદલ ધરપકડ પણ કરેલી. એમની ભૂકંપ વિશેની આગાહીથી સરકાર દોડતી થઈ ગયેલી. એમની આગાહી સાચી પણ પડેલી. પણ, ” વૈજ્ઞાનિક આધાર સિવાય આવી આગાહી થઈ ન શકે ” એમ કહીને એમની અટકાયત કરવામાં આવેલી.
આપમેળે હવામાન શાસ્ત્રમાં નિપુણતા મેળવી આગોતરી સચોટ આગાહીઓ કરતા અંબાલાલ પટેલ સમગ્ર ગુજરાત માટે ગૌરવ લઈ શકાય એવું વ્યક્તિત્વ ધરાવે છે.

✍ માણેકલાલ પટેલ

રાષ્ટ્રપતિની ચુંટણી કેવી રીતે થાય છે ?

President Election – ભારતમાં રાષ્ટ્રપતિની ચુંટણી કેવી રીતે થાય છે ? જાણો સરળ રીતે

કઠપૂતળીનો ઇતિહાસ અને રોચક વાતો

કઠપૂતળીનો ઇતિહાસ અને રોચક વાતો | kathaputali the puppet


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *