9809 Views
આજે Amarkathao માં વાંચો Balmukund Haveli Dharai (બાલમુકુંદ હવેલી- ધરાઇ)નો પ્રાચીન ઇતિહાસ, ધરાઈ તા. બાબરા જી. અમરેલી, ધરાઈ ગામનો ઇતિહાસ.
ગુજરાત અને તેમાય સૌરાષ્ટ્ર માં અનેક ધાર્મિક દર્શનિય સ્થળો આવેલા છે. જેના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. આવુ જ એક ધાર્મિક સ્થળ એટલે અમરેલી જિલ્લાનાં બાબરા તાલુકાનાં ધરાઇ ગામે આવેલ છે
બાલમુકુંદજીની હવેલી (Balmukund Haveli)
બાલમુકુન્દજીની પધરામણી કઇ રીતે થઇ ? કેવી રીતે ગામનું નામ ધરાઇ પડ્યુ એની પાછળ ઐતિહાસિક કથા છે.
🌺 ભક્તિપરાયણ દેવદેબા 🌺
દેવદેબા એટલે જાણે સૌરાષ્ટ્રની મીરાંબાઈ ! તેમને નાનપણથી જ કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો. જે તેમણે જીવનનાં અંતિમ દિવસ સુધી એવોને એવો રહેવા દીધો હતો. ઈ. સ. ૧૬૧૬ ના સમયની આ વાત છે. દિલ્હી સમ્રાટ જહાંગીરે દક્ષિણ ભારતના રાજ્યોને નમાવવા માટે એક યોજના બનાવી હતી. તેના ભાગ રૂપે તેણે ભારતવર્ષના વીર રાજપૂતોની મદદ માંગી હતી. આથી સમ૨ ભૂમિ સૌરાષ્ટ્રના વિભાજી પણ તેમની મદદે ગયેલા. આ સમયે બાદશાહનો પડાવ ઉજ્જૈન નગરીમાં હતો. વિજય મળ્યા બાદ વિભાજી ઉજ્જૈનથી પદ્મા રાવળની સાથે ઠાકોરજીના બે સ્વરૂપો રાજકોટ લેતા આવેલા. ઠાકોરજી આ બે સ્વરૂપોમાં એક શ્રી બાલમુકુંદલાલજી અને બીજા શ્રી બાલકૃષ્ણલાલજી હતા. તેમ જ સાથે એક ગંભીરો ફકીર પણ આવેલો.
રાજમહેલમાં ઠાકોરજીના બન્ને દિવ્ય સ્વરૂપોને ધામધૂમથી પધરાવવામાં આવ્યા. માંગલિક પ્રસંગ ઊજવવામાં આવ્યો. રાજમહેલમાં ભક્તિરસની હેલી જામી ! નાના એવા કુંવરી દેવદેબા પણ સૌની સાથે ઠાકોરજીના દર્શન કરે અને અલૌકિક આનંદ પામે. બસ, ત્યારથી કુંવરીને ભક્તિનો રંગ લાગી ગયો. તેઓ ભક્તિની સાથે પા પા પગલી કરવા લાગ્યા ને કાલુઘેલું બોલવા લાગ્યા. કુંવરી મોટા થયા. પ્રભુ સાથે આત્મીયતા સાધી લીધી. કુંવરીબા એકાંતમાં ઠાકોરજી પાસે રહેવા લાગ્યા. પ્રભુ સાથે વાતો કરે અને ખડખડાટ હસે પણ ખરા. આવું અનેકવાર થતું જોવામાં આવ્યું.
આથી રાજા – રાણી વિમાસણમાં પડ્યા. કુંવરીના ઓરડામાં પુરુષનો અવાજ ક્યાંથી ? કુંવરી કોની સાથે વાતો કરે છે ! વગેરે પ્રશ્નો ઉદ્ભવ્યા. શંકા દૂર કરવા સિપાઈઓનો પહેરો મૂકવામાં આવ્યો. છતાં કુંવરી કોઈકની સાથે એકાંતમાં વાતું કરતાં સાંભળવામાં આવ્યા. શંકા થતાં અપકીર્તિની બીકે જાણ્યાં – જોયા વિના કુંવરી માટે અફીણ ઘોળી તેમની સમક્ષ મૂકવામાં આવ્યું, કુંવરીને તે પી જવા આજ્ઞા આપવામાં આવી. માતા સમક્ષ કુંવરી ઝેર ગટગટાવી ગયા. છતાં કુંવરીને કાંઈ થયું નહિ.
રાજાએ રાણી દ્વારા આ વાત જાણી ત્યારે તેઓ નવાઈ પામી ગયા. કુંવરી પાસે હકીકત જાણવા કોશિશ કરી, ત્યારે કુંવરીએ જણાવ્યું કે ,“આ વાત જાણવી હોય તો આપણા ચીભડા ગામના અંધ સુથાર – દંપતી પીતામ્બરદાસ અને હીરાબાઈ પાસેથી જાણો. ”
રાજાએ અંધ સુથાર – દંપતી પાસે વાત જાણી. દંપતીએ કહ્યું કે , “ હે રાજા ! તમારે ત્યાં તો સાક્ષાત્ મીરાંબાઈ પધાર્યા છે. અને તે જેની સાથે વાતો કરે છે તે તો ત્રિલોકનો નાથ છે. ” અલૌકિક ચમત્કાર અને અંધ સુથાર – દંપતીની વાત સાંભળી રાજા – રાણી વિસ્મય પામી ગયા. ત્યારથી કુંવરીબાને ભક્તિમાં જરાયે ઓછું ન આવે તે રીતે તેમની દેખભાળ રાખવા લાગ્યા. ત્યાર પછી રાજા – રાણી પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા.
કુંવરીબા મોટા થયા. દીકરી તો પારકી થાપણ કહેવાય. હિન્દુ સમાજમાં કહેવામાં આવે છે કે દીકરી અને ગાય દોરે ત્યાં જાય. આથી ખરી રીતે દીકરી કુળદીપક કહેવાય. કુંવરીને ચિત્તલના રાજપૂત સરવૈયા કુળમાં દીધા. તેમના લગ્ન લેવાયા. ચિત્તલથી ખાંડુ પરણવા આવ્યું. રાજરીત પ્રમાણે ભવ્ય લગ્ન કરવામાં આવ્યા. આ સમયે કુંવરીએ પિતાજી પાસે કરિયાવરમાં એક અનોખી વસ્તુ માંગી. તે વસ્તુ હતી વહાલા ઠાકોરજી ! પિતાજીએ કુંવરીને ઠાકોરજીનું એક દિવ્ય સ્વરૂપ શ્રી બાલમુકુંદજી આપ્યું. વિદાય વેળા નજીક આવતાં પિતાજીએ કુંવરીને શિખામણના બે શબ્દો કહ્યા, “ બેટા ! બળદની કાંધેથી ધૂંસરી ઊતરે ત્યાં ઠાકોરજીને પધરાવજો અને રાજભોગ ધરાવજો. ’
જાન પરણીને ચિત્તલ રવાના થઈ. રાજકોટથી ચિત્તલ ઘણું દૂર થાય. ચાલતાં ચાલતાં ચિત્તલની હદ આવી. ચિત્તલની હદનું બોડકી ગામ આવ્યું. ગામની દક્ષિણે સુંદર મજાની વાડી. વાડીમાં પાણી ભરપૂર હતું. કુંવરીને થયું સૌ થાકી ગયા હશે. ઠાકોરજીને અહીંયા પધરાવી રાજભોગ ધરાવી લઈએ. અને સૌને આરામ પણ થઈ જાય. આથી ઠાકોરજીને સારી જગ્યાએ પધરાવી રાજભોગ ધરાવવામાં આવ્યો. પછી થોડો આરામ કરી સૌ ચિત્તલ તરફ રવાના થવાની તૈયારી કરવા લાગ્યા. રથમાં ઠાકોરજીને પધરાવવામાં આવ્યા. રથ ચાલતો થયો.
ત્યાં તો કચ …. ચ …. થતાંની સાથે રથના પેંડાની ધરી ભાંગી ગઈ. કુંવરીના હૃદયમાં વીજ ઝબકારો થયો. વિદાય વેળાએ પિતાજીએ આપેલી શિખામણનાં શબ્દો કાને પડ્યા : “ બેટા ! બળદની કાંધેથી ધૂંસરી ઊતરે ત્યાં ઠાકોરજીને પધરાવો અને રાજભોગ ધરાવજો. ”
બસ , કુંવરીએ નક્કી કરી નાખ્યું કે ઠાકોરજીને અહીંયા જ વાડીમાં પધરાવવા. પિતાજીના વચનનો અનાદર કરાય નહિં, તેમ જ ઠાકોરજીની ઇચ્છા પણ અહીંયા જ બિરાજવાની છે. આથી ઠાકોરજીને વાડીમાં જ પધરાવી તેની યોગ્ય સેવાપૂજાની વ્યવસ્થા કરી કુંવરીબા સૌની સાથે ચિત્તલ રવાના થયા. ચિત્તલમાં ગયા પછી દેવદેબાએ ઠાકોરજીની ભક્તિમાં જરાયે ઓટ આવવા દીધી નહિં.
સમય મળતાં તેઓ ઠાકોરજીનાં દર્શન અને સેવાપૂજા કરી જતાં હતા. અરે ! પાછલી અવસ્થામાં દેવદેબા ઠાકોરજી પાસે રહેવા આવ્યા. તેની ભક્તિની સુવાસે આજુબાજુના અને બોડકી ગામના લોકો પણ તેમની પાસે રહેવા આવ્યા. ત્યાં જોત જોતામાં એક ગામ વસી ગયું.
અહીંયા ઠાકોરજીના રથના પૈડાની ધરી ભાંગી ગઈ હતી એટલે લોકોએ ગામનું નામ ધરી ભાંગવા ઉપરથી ‘ ધરાઈ ’ એવું રાખ્યું. વિ.સં. ૧૮૧૧ ( ઈ. સ. ૧૭૫૫ ) ના રોજ ઠાકોરજીની સેવાપૂજાર્થે ગુજરાતના કડી – કલોલના મૂળ વતની એવા સિદ્ધપુરની ઔદિચ્ય સહસ્ર જ્ઞાતિના જોષી વશરામભાઇ કરશનભાઇ અને તેના પુત્ર મૂળજીભાઈને રાખવામાં આવ્યા. ઠાકોરજીની જગ્યાને માટે બે વાડીના કોસ, ચાર સાંતિની જમીન અને ખોરડાં આપવામાં આવ્યા. જે સરવૈયા બાપુભાઈ તથા સરવૈયા લખાજી અને સરવૈયા પથાજીની સહીથી સૂર્યદેવની સાક્ષીએ ને તુલસીને પાંદડે કૃષ્ણાર્પણ કરવામાં આવેલ, તેનો ત્રાંબાના પતરાં ઉપર એક લેખ કોતરાવી આપવામાં આવેલ. આજે શ્રી બાલમુકુંદજીની ખ્યાતિ ગુજરાતના સીમાડા બહાર ફેલાયેલી છે.
સામાન્ય રીતે વૈષ્ણવો બાધા કે માનતા માનતાં નથી. પરંતુ તેમાં બે અપવાદ છે. એક શ્રીનાથજીની પ્રખ્યાત હવેલી અને બીજી ધરાઈની શ્રી બાલમુકુંદની હવેલી છે.
આ રીતે વૈષ્ણવોના પવિત્ર તીર્થસ્થાન જેવી આ હવેલી વિશેષ મહત્ત્વ ધરાવે છે. તેમ જ ચિત્તલના રાજપુત સરવૈયા કુટુંબના ઈષ્ટદેવ તરીકે શ્રી બાલમુકુંદજીનું મહત્ત્વ અનેરું છે. હવેલીમાં નિયમ મુજબ ચાર વખત સવારે અને ચાર વખત સાંજે દર્શન ખૂલે છે. કીર્તન તથા નોબતના ભાવથી આરતીમાં નગારૂ વગાડવામાં આવે છે. આમ દર્શન આઠેય સમયના ખૂલે છે. હવેલીમાં ફૂલડોલ, જન્માષ્ટમી અને અન્નકૂટ જેવા ઉત્સવો ઊજવવામાં આવે છે. રવિવારે દર્શનાર્થીઓનો ઘસારો રહે છે. સૌને ભોજન – પ્રસાદ આપવામાં આવે છે. હવેલીમાં વશરામભાઇ કરશનભાઇ જોષીના વંશજો સેવાપૂજાનું કાર્ય કરે છે. પૂ. દેવદેબાના ભક્તિના પ્રતાપે વૈષ્ણવોના પવિત્રધામ એવા ધરાઈ ગામને આજે સૌ ‘ શ્રી બાલમુકુંદજીના ‘ ધરાઈ ‘ એ નામથી ઓળખે છે. જે બાબરા – રોડ ઉપર આવેલું છે. બાબરાથી તે ૧૮ કિ.મી. ના અંતરે આવેલું છે.
જો આપને આ લેખ ગમ્યો હોય અને મિત્રો સાથે share કરવા ઇચ્છો તો અહિથી કરી શકશો
Pingback: સંત કવિ ભોજા ભગત
Pingback: ઘેલા સોમનાથ | Ghela Somnath Mahadev History - AMARKATHAO