2293 Views
પચીસમે દિવસે ભોજ રાજા મુર્હુત જોવડાવી સિંહાસન ઉપર બેસવા જાય છે, ત્યાં જ પચીસમી પૂતળી સુગંધા એ ભોજ રાજાને સિંહાસન પર બેસવા જતાં અટકાવી બોલી: “હે રાજન ! તમે વિક્રમ રાજા જેવા પરદૂખે દુખી થનારા અને પરાક્રમી હોવ તો જ આ સિંહાસન ઉપર બેસી શકશો.” આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમ ને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી.
સિંહાસન બત્રીસી- જોગણની વાર્તા
એક વખત ઉજ્જયિની નગરીમાં એક વિચિત્ર માણસ આવ્યો. તે દેખાવે મસ્ત અને પાનનો શોખીન હતો. તે આખો દિવસ મોઢામાં પાનનો ડુચો ચાવ્યા કરે, કશું કામધંધો કરે નહિ છતાં તે એવો નસીબદાર કે તેને બે ટંક આરામથી ખાવાનું મળી રહેતું. વળી તે કોઈની પાસે માગતો પણ નહિ. લોકો આ માણસને ગાંડો ગાંડો કહી ચીડવતા, છતાં તે કોઈને મારતો નહિ.
આ માણસની ચર્ચા આખા નગરમાં ચોરે, ચૌટે, વાવે અને તળાવે થવા લાગી. એક દિવસ આ માણસની વાત છેક વિક્રમ રાજાને કાને પણ પહોંચી. રાજાને આ માણસને મળવાનું મન થયું. આ માટે તેમણે વેશપલટો કરી તેની પાસે ગયા. તેને એક નજરે જોતાં રાજાને તે થોડો ગાંડો લાગ્યો, પણ તેની સાથે વાતચીત કરતા લાગ્યું કે તે ગાંડો નથી, પણ કોઈ બત્રીસલક્ષણો ને ઊંચા કુળનો લાગ્યો.
રાજાએ એને પાસે બોલાવી પૂછયું: “હે પરદેશી મિત્ર! તું કોણ છે? ક્યાંથી આવ્યો છે અને આવી હાલતમાં કેમ ફરે છે?”
તે માણસ બોલ્યો : “હું એક દુખી માણસ છું. પરંતુ મારા દુખની વાત બધાને કહેતા ફરવાથી શો ફાયદો ?”
રાજાએ કહ્યું : “ભાઈ ! તું તારા દુખની વાત કર. જગતમાં ઘણા માણસો એવા પણ હોય છે, જે પારકાનું દુખ પોતે વહોરી લે છે. હું પણ તારું દુખ જરૂર દૂર કરી આપીશ. મારુ નામ વિક્રમ છે.”
વિક્રમ રાજાનું નામ સાંભળતા તે માણસ કહેવા લાગ્યોઃ હું રત્નવંતી નગરીના રત્નસેન રાજાનો એકનો એક પુત્ર છું. મારા પિતાની નવી રાણી મારી ઉમરની જ હતી. એક દિવસ મારા પિતા તેમના મિત્રો સાથે શિકાર ખેલવા ગયા. મહેલમાં હું એકલો જ હતો. એટલે લાગ જોઈને મારી સાવકી માએ મને તેના રાણી વાસમાં બોલાવ્યો.
હું તો નિર્દોષ ભાવે ત્યાં ગયો. તેણે મને પોતાની બાજુમાં પલંગ પર બેસવાનું કહ્યું. મને થયું કે મા જોડે પલંગ પર બેસવામાં શું વાંધો છે! હું તો તેની પાસે બેઠો. મારી માએ ધીરે રહીને મારી કટાર પલંગ પર એક બાજુ મૂકી, છતાં હું કાંઈ સમજી શક્યો નહિ, પછી તેણે મને છાતી સરસો ખેંચી લીધો અને ખરાબ વર્તન કરવા લાગી. હું એકદમ ચમકીને ઊભો થઈ ગયો !
રાણીએ કહ્યું: “ગભરાઓ નહિ, તમે મને ખૂબ જ પસંદ છો. થોડી વાર તમે મારી જોડે આનંદ કરો.”
હું મારી સાવકી મા પર ખૂબ જ ગુસ્સે થઈને બોલ્યો : “હું તમારો દીકરો છું. તમને આવું વર્તન કરતા શરમ નથી આવતી?”
રાણી બોલી : “જો તમે મને વશ નહિ થાવ તો હું તમને દેશ નિકાલ કરાવીશ” છતાં હું તો તેને ન કહેવાનાં વચનો કહી પગ પછાડતો ત્યાંથી બહાર નીકળી ગયો. પણ ઉતાવળમાં પલંગ પર પડેલી મારી કટાર લેવાનું હું ભૂલી ગયો.
પછી રાણીએ મારી ઉપર વેર વાળવા માટે રાજા આવ્યા કે તરત જ તેમને આડુંઅવળું ચડાવ્યું. મારા પિતા તો તે રૂપાળી રાણીના મોહમાં એટલા દીવાના બની ગયા હતા કે કશું વિચાર્યા વગર જ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. તેમણે તરત જ પ્રધાનને બોલાવી હુકમ ર્યો: “પ્રધાનજી! કુંવરે હવે તો હદ વટાવી દીધી છે. તેણે પોતાની સાવકી મા ઉપર ખરાબ દાનત કરી છે. માટે હવે તેના કટકે કટકા કરી નાખો. જો હુકમનું પાલન ન થયું તો તમે જીવતા નહિ રહી શકો.”
અમારા પ્રધાનજી ઠરેલ, બુદ્ધિશાળી ને ચતુર હતા. વળી તેઓ મારા ચારિત્ર્યથી પરિચિત હતા. તેઓ મને તેમના ઘેર લઈ ગયા. તેમણે મારા ચારિત્ર્યની કસોટી કરવા માટે પોતાની દીકરીને મારા ખંડમાં મોકલી. તે મારો સોહામણો સશક્ત દેહ જોઈ મારા ઉપર મોહી પડી. તેની આંખોમાં કામવિકાર જોયો,એટલે તરત જ મેં તેને કહી દીધું: “તમે મહેરબાની કરીને મારા ખંડમાં આવશો નહિ” તે શરમની મારી બહાર જતી રહી.
પ્રધાનજીએ આ વાત જાણી ત્યારે તેઓ મારા પર ખુશ થઈ ગયા અને પોતાની દીકરીના લગ્ન મારી સાથે કર્યા અને રાજાને જણાવ્યું કે, મેં તેના ટુકડે ટુકડા કરી નાખ્યા આ સાંભળી નવી રાણી અને રાજા તો હર્ષઘેલા થઈ ગયાં.
હવે મારે પિતાજીના લીધે છુપાઈને રહેવું પડતું. હું પ્રધાનજીનો ઘરજમાઈ બની ગયો. રાજાની બીકે ઘરની બહાર પણ નીકળી શકતો નહિ હું આવા જીવનથી કંટાળી ગયો, એટલે એક દિવસ પ્રધાનપુત્રીને સૂતી મૂકી હું ભાગી છૂટ્યો.
ચાલતાં ચાલતાં હું જંગલમાં દૂર નીકળી ગયો. અંધકાર થતાં હું એક ઝાડ નીચે આરામ કરવા બેઠો, ત્યાં મને એક ઝાંઝર મળ્યું. હું આ ઝાંઝર બાબતે કાંઈક વિચારું તે પહેલાં જ એક સુંદર કુંવરી સાંઢણી પર સવાર થઈને તે ઝાડ નીચે આવી. મને થયું કે આ ઝાંઝર કદાચ કુંવરીનું હશે, એટલે મેં તે ઝાંઝર કુંવરીને આપ્યું ને કાંઈ કહેવા જાઉં તે પહેલાં જ તેણે સાંઢણીને નીચે બેસાડી મને જબરજસ્તીથી સાંઢણી પર બેસાડી દીધો અને સાંઢણીને પવનવેગે મારી મૂકી. હું તો મૂઢ બનીને સાંઢણી ઉપર બેસી રહ્યો ને વિચારતો રહ્યો કે “આ કુંવરી કોણ હશે ! તે મને આવી રીતે જબરજસ્તીથી બેસાડીને કેમ ભાગતી હશે !” આવા અનેક વિચારો મારા મગજમાં ઘૂમ્યા કરતા.
સવાર થતાં જ કુંવરીએ મને જોયો. તે તરત જ ચોંકી ગઈ અને સાંઢણી ઊભી રાખી અને બોલી : “તમે કોણ છો ? મારુ ઝાંઝર તમારા હાથમાં ક્યાંથી આવ્યું?
www.amarkathao.in
મેં કહ્યું : “હે સુંદરી! હું એક વટેમાર્ગુ છું. હું જંગલમાં એક ઝાડ નીચે આરામ કરવા બેઠો હતો, ત્યાં મને આ ઝાંઝર મળ્યું. હું ઝાંઝર તમને આપવા ગયો ત્યારે તમે એકાએક મને જબરજસ્તીથી સાંઢણી ઉપર બેસાડીને સાંઢણીને ભગાડી મૂકી.”
સુંદરી આખી પરિસ્થિતિ સમજી ગઈ. તેને ખૂબ જ પશ્ચાત્તાપ થયો તે બોલી : “હું માંગરોળના રાજાની કુંવરી છું. અમારા રાજ્યના પ્રધાનપુત્ર સાથે હું પ્રેમમાં પડી હતી. અમે બંનેએ છાનામાના લગ્ન કરવા માટે એક જગ્યાએ ભેગા થવાનું નક્કી કર્યું. પ્રધાનપુત્ર આવ્યો પણ મારી સાથે લગ્ન કરી ભાગવા તૈયાર થયો નહિ અને પોતે એકલો ત્યાંથી ભાગી ગયો.
હું તેની ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. હું અંધારામાં તેને શોધવા નીકળી અને પ્રધાનપુત્ર સમજી તમને સાંઢણી ઉપર બેસાડી દીધા. હવે ખેર ! બનવા કાળે જે થવાનું હતું તે થઈ ગયું. હવે હું તમારે આશરે છું. ઘેરથી ભાગીને આવી છું, એટલે પાછી ઘેર જઈ શકું તેમ નથી. જો તમે મારી સાથે લગ્ન કરો તો સારું.”
મેં તેની સાથે લગ્ન કરી લીધાં પછી કહ્યું: “એક જરૂરી કામે નીકળ્યો છું, એટલે મારું કામ પતાવીને જ્યાં સુધી ન આવું ત્યાં સુધી તમે નજીકના ગામમાં જઈ ભાડે મકાન લઈને રહો.”
હું કુંવરીને મૂકી ત્યાંથી નજીકના ગામમાં આવ્યો. ત્યાં રસ્તામાં મને એક સાધુ મળ્યા. તેમણે મને ઊભો રાખી કહ્યું “બેટા! તું ખુદાનો બંદો લાગે છે. હું માગીશ તે આપીશ?”
મેં સાધુને વચન આપ્યું. તેણે મારી પાસે એક હજાર રૂપિયા માગ્યા. હું મૂંઝાઈ ગયો, કારણ મારી પાસે તો એક ફૂટી કોડી પણ ન હતી. એટલે કહ્યું: “બાબા!મારી પાસે અત્યારે તો કશું નથી. તમે મને ગમે ત્યાં વેચી એક હજાર રૂપિયા ઊભા કરી લો.
સાધુ મને એક સોઘગરને ત્યાં લઈ ગયો ને મને સોદાગરને એક હજાર રૂપિયામાં વેચી દીધો. પછી સાધુ તો હજાર રૂપિયા લઈ પોતાને રસ્તે પડ્યા.
આ સોદાગરને બીજે દિવસે વહાણ લઈને દરિયાઈ સફરે જવાનું હતું. તેને એક ગુલામની જરૂર હતી. તેણે મને પોતાની સાથે લઈ લીધો. અમે બંને જણ દરિયાઈ માર્ગે મણિપુર બંદરે પહોંચ્યા. અહીં કરોડો રૂપિયાના માલની લેવડદેવડ થતી હતી. સોદાગરને પણ અહીં માલ વેચવાનું મન થયું. તેથી હું અને સોદાગર બંને થોડાક કીમતી માલના નમૂના લઈ રાજા પાસે ગયા. પરંતુ રાજાએ તો અમારો માલ ન જોતાં એક શરત મૂકી કે મારી પાસે થોડાંક કીમતી રત્નો છે. જો તેની ખરી કિંમત આંકી આપો, તો જ હું તમારો માલ ખરીદુ.”
સોદાગર મૂંઝાયો, કારણ તેમને રત્નની કિંમત આંકતા આવડતું ન હતું. એટલે મેં પરિસ્થિતિ સંભાળી લીધી. મેં રાજાને કહ્યું : “મહારાજ ! મને રત્નો બતાવો, એટલે તેની કિંમત આંકી આપું.”
રાજાએ મને થોડાંક કીમતી રત્નો બતાવ્યાં. મેં તે રત્નોની કિંમત આંકી બતાવી. મારી કિંમત બરાબર હોવાથી રાજા મારા પર ખુશ થઈ ગયા. તેમણે મારી સાથે તેમની કુંવરીનાં લગ્ન કરી દીધા. પછી એક વહાણ તથા પુષ્કળ ધન-ઝવેરાત ભેટ આપી તેની કુંવરીને વળાવી.
મારી સાથે રહેલ સોદાગરને મારા પર ઈર્ષા આવી, છતા ઉપરછલ્લી ખુશી દર્શાવી. અમે ત્રણે જણા કિનારે આવ્યાં, ક્યાં રાજાએ આપેલું જહાજ હતું. સોદાગરે મને કહ્યું: “મેં અહીંયાં થોડો માલ વેચી દીધો છે, હવે બાકીનો માલ આપણે બીજા બંદરે જઈને વેચીશું. માટે આપણે અહીંથી રવાના થઈએ.”
હું અને મારી પત્ની રાજાએ આપેલ જહાજમાં બેઠા, જ્યારે શોદાગર પોતાના જહાજમાં બેઠો. ધીરે ધીરે બંને જહાજો દરિયામાં સાથે સફર કરવા લાગ્યા. મધદરિયે જતાં સોઘગરે મને મારી નાખવાની યોજના ઘડી. તેણે મને કોઈ કામના બહાને તેના જહાજમાં બોલાવ્યો. હું એક લાંબું પાટિયું લંબાવીને તેના જહાજ પર જવા ગયો કે તરત જ સોદાગરે પોતાનું જહાજ ખસેડી લીધું, તેથી હું દરિયામાં પડ્યો. ત્યાં મને એક મગરમચ્છ ગળી ગયો. આ મગરમચ્છ ધીરે ધીરે દરિયાકિનારે ગયો કે તરત જ કેટલાક માછીમારોએ તેને જાળમાં પકડી લીધો અને તેનું પેટ ચીર્યું, તો તેમાંથી હું જીવતો બહાર નીકળ્યો.
બધા માછીમારો ખૂબ જ નવાઈ પામ્યા. તેઓ બધા મને તેમના ઘેર લઈ ગયા અને મારી ખૂબ સેવા-ચાકરી કરી. થોડા દિવસમાં હું ભાનમાં આવ્યો. મેં મારી જાતને માછીમારો વચ્ચે નિહાળી. માછીમારોએ તે કેવી રીતે પોતાની પાસે આવ્યો તે સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. મને ખ્યાલ આવ્યો કે સોદાગરે પોતાના સ્વાર્થને સાધવા મને મારી નાખવા વિચાર્યું હતું.
પરંતુ ભગવાનની દયાને કારણે પોતે બચી ગયો. મને સોદાગરના ખરાબ કૃત્યથી દુનિયા પર નફરત થઈ ગઈ. મેં માછીમારોને તેમની સેવા બદલ મારા હાથમાં રહેલ એક કીમતી વીંટી ભેટ આપી, પછી ત્યાંથી હું નીકળી પડ્યો ને ફરતો ફરતો અહીં ઉજ્જયિની નગરીમાં આવી ચડ્યો. લોકો મારો આવો વિચિત્ર પોશાક જોઈને મને ગાંડો ગણે છે.
વિક્રમ રાજાએ આ પરદેશી માણસની વાત સાંભળી, તેના ઉપર હમદર્દી જાગી. તેમણે કહ્યું “ભાઈ! હવે તમતમારે બધું દુખ ભૂલી જાવ અને અહીં આનંદમાં રહો.”
પરદેશી બોલ્યો : “હવે જીવનમાં આનંદ ક્યાંથી આવે ! આનંદમાં રહેવાનું હોત તો ત્રણ ત્રણ વખત હાથમાં આવેલું સુખ પાછુ ચાલ્યું જાત નહિ.”
www.amarkathao.in
રાજાને પરદેશીની વાત પર ખૂબ દુખ થયું. તેમણે તેને આશ્વાસન આપી કહ્યું : “ભાઈ ! છ મહિના અહીં રહો. હું તમારુ દુખ જરૂર દૂર કરીશ. તમે મારા પર વિશ્વાસ રાખો.” પરદેશીને રાજાની વાત ઉપર વિશ્વાસ આવ્યો ને પોતે ત્યાં રોકાઈ ગયો.
આ વાતને બે-ત્રણ મહિના પસાર થયા હશે કે ઉજ્જયની નગરી બહાર આવેલા રાજબાગમાં એક જોગણ આવી. તે ખૂબ જ સુંદર અને તેજસ્વી હતી. તેણે ભગવાં વસ્ત્રો ધારણ કર્યા હતાં માથે જટા, ડોકમાં ને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી હતી. તે દરરોજ ગામના સાત ઘરે જઈ ભિક્ષા માગી, બાગમાં જાતે રસોઈ બનાવી જમતી. આ જોગણે મૌનવ્રત લીધું હતું, તે લાખ પ્રયત્ન પણ કશું બોલતી નહિ. આ જોગણની વાત આખા નગરમાં પ્રસરી ગઈ. બધાં તેનાં દર્શન કરવા આવવા લાગ્યાં, વળી આ જોગણ કોઈની ભેટ પણ સ્વીકારતી નહિ.
101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ | Best Gujarati bal varata pdf collection
આ વાતને અઠવાડિયું થયું કે ત્યાં બીજી એક જોગણ આવી. તે પણ પહેલી જોગણ જેવી રૂપાળી અને તેજસ્વી હતી. તેણે પણ ભગવાં વસ્ત્રો ધારણ કર્યા હતાં. તેણે પણ મૌનવ્રત લીધું હતું.
બીજી જોગણના આવ્યાના અઠવાડિયા બાદ ત્યાં ત્રીજી જોગણ આવી. તે તો પહેલી બે જોગણ કરતાં વધારે રૂપાળી અને તેજસ્વી હતી, જાણે સાક્ષાત્ સ્વર્ગલોકમાંથી ઊતરેલી હોય તેવી લાગતી હતી. આ જોગણ પણ કોઈની સાથે બોલતી નહિ. તેને પણ મૌનવ્રત હતું. તેણે પણ બંને જોગણોની જેમ ભગવાં વસ્ત્રો, માથે જટા, ગળામાં અને ડોકમાં રુદ્રાક્ષની માળા પહેરી હતી. નગરમાં ઘરે ઘરમાં આ વાતની ચર્ચા ચાલવા લાગી, આખું નગર આ ત્રણે જોગણોનાં દર્શન કરવા માટે રાજબાગમાં ઊમટ્યું હતું.
ઘીરે ધીરે આ ત્રણે જોગણોની વાત વિક્રમ રાજાના કાને પડી. રાજાને પણ આ વાત સાંભળી આશ્ચર્ય થયું. તેમને પણ ત્રણેય જોગણોનાં દર્શન કરવાની ઇચ્છા થઈ. રાજા જોગણો પાસે ગયા. તેમણે ત્રણે જોગણોને બોલાવવા ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ ત્રણેમાંથી એક પણ જોગણ બોલી નહિ. રાજાને થયું કે અચાનક આમ પોતાના રાજબાગમાં ત્રણ ત્રણ જોગણો કેમ આવી હશે ? તેમણે આ ત્રણે જોગણોનાં આવવાનું રહસ્ય જાણવાનું નક્કી કર્યું.
આ માટે રાજાએ નગરમાં ઢંઢેરો પિટાવ્યો કે જે આ ત્રણે જોગણોનું મૌન તોડાવશે તેને હું ખૂબ જ મોટું ઇનામ આપીશ. પરંતુ આ માટે કોઈ તૈયાર ન થયું. છેવટે રાજાએ હરસિદ્ધ માતાનું સ્મરણ કર્યું અને તેમને પ્રસન્ન કર્યા, એટલે માતાએ ત્રણે જોગણોનું રહસ્ય રાજાને બતાવી દીધું.
બીજે દિવસે રાજાએ પોતાના રાજદરબારમાં જાહેર કર્યું કે, આજે હું એ જોગણોને બોલાવીશ.” તેઓ પોતાના થોડાક દરબારીઓ સાથે વાજતે-ગાજતે રાજબાગમાં આવ્યા. આખું નગર પણ રાજાની પાછળ પાછળ શું થાય છે તે જોવા રાજબાગમાં આવ્યું. રાજાએ ત્રણે જોગણોને પ્રણામ કર્યા ને એક વાત કહેવા માંડી :
રત્નાવતી નગરીમાં રત્નસેન નામનો રાજા રાજ કરતો હતો. તેમને બત્રીસલક્ષણો કુંવર હતો. આ રાજા પોતાના કુંવરની ઉમરની જ એક નવી રાણી લાવ્યો. આ નવી રાણીએ એક દિવસ રાજાની ગેરહાજરીમાં કુંવરને પોતાના મોહપાશમાં ફસાવવા પોતાના મહેલે બોલાવ્યો અને તેને પોતાના મોહપાશમાં ફસાવવા પ્રયત્ન કરવા લાગી, પરંતુ કુંવર રાણીના મોહપાશમાં ફસાયો નહિ, એટલે રાણીએ રાજાને ખોટું ચડાવી કુંવરને ઘરમાંથી કાઢી મૂક્યો.
રાજાએ પોતાના પ્રધાનને હુકમ કર્યો કે કુંવરના રાઈ રાઈ જેવડા કટકા કરવા. પરંતુ પ્રધાનને કુંવર નિર્દોષ જણાયો. તેઓ કુંવરને પોતાના મહેલે લઈ ગયા અને રાજાથી છાના પોતાની પુત્રીના લગ્ન આ રાજકુંવર સાથે કરી દીધા. આ કુંવર પ્રધાનના ઘરમાં સંતાઈને ઘરજમાઈ તરીકે રહેતો હતો. કુંવરને આવું ઓશિયાળું જીવન ગમ્યું નહિ એટલે એક દિવસ કંટાળીને પ્રધાનના ઘરમાંથી ભાગી છુટ્યો.”
એટલામાં ત્રણે જોગણોમાંથી એક જોગણ વચ્ચે બોલી : “હે મહારાજ ! પછી આ કુંવરનું શું થયું ? હું જ તે પ્રધાનની પુત્રી અને કુંવરની પત્ની છું. હું મારા પતિને શોધવા માટે જ આવો વેશ ધારણ કરીને નીકળી છું.”
એક જોગણને બોલતી સાંભળી બધા દરબારીઓ અચરજ પામ્યા. રાજા તરત જ બીજી જોગણ પાસે ગયા અને બોલ્યા :
માંગરોળના રાજાને એક કુંવરી હતી, તે પ્રધાનપુત્રને ખૂબ જ પ્રેમ કરતી હતી. પ્રધાનપુત્ર કાયર હોવાને લીધે એક દિવસ કુંવરી સાંઢણી પર બેસાડી ભગાડી ગઈ. જંગલમાં કુંવરીનું ઝાંઝર પડી જતાં તેણે પ્રધાનપુત્રને ઝાંઝર શોધવા મોકલ્યો. તે આ તકનો લાભ લઈ ભાગી ગયો. અંધારાના કારણે કોઈ બીજા માણસે આ કુંવરીને ઝાંઝર આપ્યું કે તરત જ કુંવરી તેને જબરજસ્તીથી સાંઢણી પર બેસાડી ભગાડી ગઈ અને સવાર પડતાં કુંવરીએ તે માણસનું મોઢું જોતાં જ તેને તે કુંવર ગમી ગયો અને તેણે તે કુંવર સાથે લગ્ન કરી લીધાં. કુંવરે કુંવરીને બીજા ગામે રહેવાનું કહી પોતાના કામ માટે નીકળી પડ્યો. તે પાછો કુંવરી પાસે ગયો જ નહિ.
ત્યાં બીજી જોગણ વચમાં બોલી : “હે મહારાજ ! માંગરોળ રાજાની કુંવરી હું છું. એ ઝાંઝર આપનાર મારા પતિ ક્યાં છે?
બધા દરબારીઓ તથા ગામલોકો અચાનક આમ બીજી જોગણને પણ બોલતી જોઈ વધુ અચરજ પામ્યા. બધા આનંદમાં આવી વિક્રમ રાજાની જય બોલાવવા લાગ્યા. ત્યાંથી વિક્રમ રાજા ત્રીજી જોગણ પાસે ગયા અને તેને એક વાર્તા કહેવા લાગ્યા :
મણિપુર રાજાના દરબારમાં એક સોદાગર આવ્યો. તેની સાથે એક નોકર પણ હતો. રાજાએ આ સોદાગરને કહ્યું : “તમે મારાં આ કીમતી રત્નોની કિંમત બરાબર આંકી બતાવો.” પરંતુ સોદાગર આ રત્નોની કિંમત બરાબર આંકી શક્યો નહિ. એટલે તેના નોકરે આ રત્નોની કિંમત બરાબર આંકી બતાવી તેથી રાજાએ ખુશ થઈ પોતાની કુંવરી તેની સાથે પરણાવી દીધી અને કુંવરીને અનેક ભેટ-સોગાદો તેમજ એક સુંદર જહાજ આપી તેને વળાવી.
કુંવરી અને તેનો પતિ પોતાના જહાજમાં તેમજ સોદાગર પોતાના જહાજમાં સફર કરવા લાગ્યા. મધદરિયે સોદાગરની દાનત બગડી. તેણે કુંવરને કંઈક કપટ કરીને દરિયામાં નાખી દીધો. તેને એક મગરમચ્છ ગળી ગયો. આ મગરમચ્છને અમુક માછીમારોએ જાળમાં પકડ્યો અને તેનું પેટ ચીરતા તે કુંવર બેભાન હાલતમાં નીકળ્યો. અમુક દિવસો સુધી માછીમારોની સારવારથી તે સાજો થયો અને તે તીર્થયાત્રાએ નીકળી પડ્યો.”
ત્યાં વચમાં ત્રીજી જોગણ બોલી ઊઠી : “હે મહારાજ! હું જ મણિપુરના રાજાની કુંવરી છું. હું તો સમજતી હતી કે તેઓ રિયામાં ડૂબી ગયા છે, પરંતુ તમે બોલ્યા કે તે જીવતા છે, તો બતાવો કે તે ક્યાં છે?”
ત્રીજી જોગણને પણ બોલતી જોઈ બધાના આનંદનો પાર રહ્યો નહિ. બધા વિક્રમ રાજાની જય જયકાર બોલાવવા લાગ્યા.
રાજા ત્રણે જોગણોને લઈ પોતાને મહેલે આવ્યા અને તેમને નવાં કીમતી વસ્ત્રો અને આભૂષણો પહેરાવ્યા પછી રાજા ત્રણેને લઈ રત્નસેન રાજાના કુંવરના ખંડમાં લઈ ગયા અને બધી હકીક્ત જણાવી. ત્રણે જણ પોતાના પતિને જોઈ ખૂબ જ રાજી રાજી થઈ ગઈ. દરેક કુંવરીઓએ પોતપોતાના પિતાને સંદેશો મોકલાવ્યો કે તરત બધા ઉજ્જયિની નગરીમાં વિક્રમ રાજાના મહેલે આવ્યા. પછી વિક્રમ રાજાએ ત્રણે કુંવરીનાં લગ્ન રત્નસેન રાજાના કુંવર સાથે ઘામધૂમથી કરી દીધાં. બધા રાજાનો આભાર માની પોતપોતાને ઘેર ગયા.
સુગંધા પૂતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું : “હે રાજા ભોજ! વિક્રમ રાજા જેવા ચતુર અને પરગજું રાજા જ આ સિંહાસન પર બેસી શકે.”
આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.
32 પૂતળી – ચોવીસમી પૂતળીની ચતુર કન્યા અને વેશ્યાની વાર્તા
100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ
Pingback: 32 પૂતળી - ચોવીસમી પૂતળીની ચતુર કન્યા અને વેશ્યાની વાર્તા - AMARKATHAO
Pingback: 26 મી પૂતળીની વાર્તા - બત્રીસ પૂતળી - AMARKATHAO
Pingback: સત્તાવીસમી પૂતળીની વાર્તા - બુદ્ધિમાન કોણ ? - AMARKATHAO