Skip to content

રમેશ પારેખની શ્રેષ્ઠ કવિતાઓ, ગઝલો | Best of Ramesh Parekh collection

રમેશ પારેખની શ્રેષ્ઠ કવિતાઓ, ગઝલો
6683 Views

રમેશ પારેખ ગુજરાતી ભાષાના કવિ અને ગીતકાર હતા. તેઓ આધુનિક ગુજરાતી કવિતાના સૌથી વધુ લોકપ્રિય કવિ હતા, આજે માણીએ કવિશ્રી રમેશ પારેખની શ્રેષ્ઠ રચનાઓ. રમેશ પારેખ જીવન કવન pdf, રમેશ પારેખ મુક્તક, ક્યાં કાવ્યસંગ્રહ, રમેશ પારેખ સાત રંગના સરનામે, રમેશ પારેખ pdf છ અક્ષરનું નામ, રમેશ પારેખ છ અક્ષરનું નામ pdf, Ramesh parekh poems in gujarati

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં, મારે ફળિયે ચકલી બેસે તે મારું રજવાડું, તમને ફૂલ દીધાનું યાદ, આ મનપાંચમના મેળામાં, વરસાદ ભીંજવે, તારું પહેલા વરસાદ સમું આવવું અને બીજી રચનાઓ.

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં લખાણમા

Gorama ne panche angaliye pujya lyrics

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભારે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ

સૈ, મારે ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ

લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડાં તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઈ ઊડ્યા કરે રે લોલ

– રમેશ પારેખ

આજે કવિ શ્રી રમેશ પારેખના જન્મદિવસે માણીએ એમનું એક ગમતીલું ગીત..

અલુણા નિમિત્તે ગોરમાનું વ્રત કરતી કન્યાનો ઉત્સાહ કદી જોયો છે ? એ જે કરે એ એને ઓછું જ પડે… ગોરમાને પૂજવા રૂના નાગલા ખૂટી પડે ને શરીરના શણગારમાં કમખાના આભલાંય એને ઓછાં જ લાગે. નેવેથી પાણીનાં રેલા દડતા હોય એમ મઘ મઘ જૂઈની વેલ માંડવે ચડી હોય અને કુંવારી કન્યા ત્રોફેલા મોર સાથે કે પછી કોઈ ચિત્તચોર સાથે મનમાં વાતો કરતી હોય એવામાં અતિથિના આવણાંની છડી પોકારતા કાગડાના બોલ પણ શરમાવી દે છે.

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં lyrics
ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં lyrics

મારે ફળિયે ચકલી બેસે તે મારું રજવાડું

Mare faliye chakli bese te maru rajavadu lyrics

તારો વૈભવ રંગમોલ, સોનું ને ચાકરધાડું
મારે ફળિયે ચકલી બેસે તે – મારું રજવાડું

તારે બોલે હાંફળફાંફળ ચાકર ઊઠેબેસે
મારા ઘરમાં કીડી સુધ્ધાં દમામપૂર્વક પેસે

મારે ફળિયે ઝૂલે ઝાડની ઘટાદાર હુશિયારી
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી

જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું

તારે ફળિયે તારો વૈભવ ખોંખારાઓ ખાય
મારે પંખીના ટહૂકાથી અજવાળાં ફેલાય,

સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો
હું તો અકડેઠઠ્ઠ ડાયરા વચ્ચે લહલહ થાતો

આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું ?

– રમેશ પારેખ

સાંવરિયો રે મારો સાંવરિયો ગીત – રમેશ પારેખ

તમને ફૂલ દીધાનું યાદ લખાણમા

Tamne ful didha nu yaad lyrics

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાનું યાદ

કેડસમાણી લીલોતરીમાં ખૂલ્લાં ખેતર તરતાં
સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં
તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર
ટેરવાં ભરી પીધાનું યાદ

ખેતરમાં આ અડખપડખનાં હળ આંખોમાં ફરતાં
એકલદોકલ સસલું દોડી જતું, પાંદડાં ખરતાં
સમળી ના પડછાયા છૂટી ફાળ ઘાસમાં ભરતા
અમે તમારી ટગરફૂલ-શી ટગરટગરતી આંખે
જિયલ ઝૂલા ઝૂલ્યા નું યાદ

ડાળ ઉપર એક ઠીબ, ઠીબથી બપોર ફંગોળાય
પાંખ વીંઝતું પાંખ વીંઝતું હવા જેવડું થાય
સવારપંખીનો પડછાયો ઠીબ વિશે તરડાય
ઠીબમાં ઝૂકી સવાર પીતું નીલરંગનું પંખી-
જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ

  • રમેશ પારેખ
રમેશ પારેખ
રમેશ પારેખ

વરસાદ ભીંજવે લખેલુ ગુજરાતીમા

Varsad bhijave Gazal lyrics

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

  • રમેશ પારેખ

શું બોલીએ?

Shu bolie gazal lyrics – Ramesh Parekh

શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ?
ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ?

બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ!
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ?

– રમેશ પારેખ

મારી આંખમાં તું

Mari Aankh ma tu Gazal lyrics

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?

મારી આંખમાં તું…

ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…

  • રમેશ પારેખ

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે

Aa Mann Pancham na mela ma lyrics – Ramesh Parekh

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.

કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અડોસરા ઝઝબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

– રમેશ પારેખ

એક છોકરીના હાથથી રૂમાલ પડે

Ek chhokari na hathathi rumal pade gazal Ramesh parekh

એક છોકરીના હાથથી રૂમાલ પડે
એ લેવા આખુંય ગામ વળે નીચે
જુવાન આંખ ફાડે, બુઢ્ઢાઓ આંખ મીચે.

નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે,
એ બાબત પર ઠેર ઠેર ગરમી.
પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર
અને નાસ્તિકો થઇ ગયા ધરમી.

કારણ કે મંદિરે જાય છોકરી તો
લોક શું કરવા ટળવળે બગીચે ?

ગંધ છોકરીની આવી જે જીવને તે જીવની
ગંભીરતામાં પડી ગયો ગોબો.
સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે
કે જરા મોઢાઓ માંજો ને શોભો.

કારણ કે ફળિયાના હીંચકે આ છોકરી
એકલી બેસીને રોજ હીંચે.

  • રમેશ પારેખ

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના – <<

તને યાદ છે ?

Tane yaad chhe Gazal

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને ઘેરાતી રાત મને યાદ છે ?
ઘેરાતી રાત તને યાદ છે ?

સોનેરી પોયણીઓ ઊઘડતી હોઠમાં ને થાતું પ્રભાત મને યાદ છે ?
થાતું પ્રભાત તને યાદ છે ?

ખરબચડું લોહી થતું રુંવાટીદાર
એવું ચોમાસું ચાર ચાર નેણનું
ધોધમાર પીંછાંનો પડતો વરસાદ
ગામ આખ્ખું તણાઈ જતું વેણનું
છાતીની ઘુમ્મરીમાં ઘૂમી ઘૂમીને ક્યાંક ખોવાતી જાત મને યાદ છે ?
ખોવાતી જાત તને યાદ છે ?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના
ધોમ તડકા સુસવાટે હવે રાતના
લોચનની ભાષામાં ઘટના કહેવાય
અને જીવતરની ભાષામાં યાતના

આવેલું સમણું પણ અવસર થઈ જાય એવા દિવસોની વાત મને યાદ છે ?
એવા દિવસોની વાત તને યાદ છે ?

– રમેશ પારેખ

હું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા – રમેશ પારેખ

ઠાલાં દીધાં છે મારા બારણાં

Thala didha chhe mara barana – Gujarati gazal lyrics

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

પાછલી તે રેણની નીંદરની કામળી
આઘી હળસેલતીક જાગું
દયણે બેસુંને ઓલી જમનાના વ્હેણની
ઘુમ્મરીમાં બૂડતી લાગું

બારણાંની તડમાંથી પડતા અજવાસને
ટેકે ઊભી રે મારી ધારણા
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

કૂકડાંની બાંગ મોંસૂઝણાંની કેડીએ
સૂરજની હેલ્ય ભરી આવે
કોડના તે કોડિયે ઠરતા દીવાને ફરી
કાગડાના બોલ બે જગાવે

ખીલેથી છૂટતી ગાયુંની વાંભ મુંને
બાંધી લ્યે થઈને સંભારણાં
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

-રમેશ પારેખ અને અનિલ જોશી
[ સહિયારી રચના ]

તારું પહેલા વરસાદ સમું આવવું

Taru pahela varsad samu aavavu – gazal

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને
કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોનાં એવાં અંધાર્યાં વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા
ઓચિંતા ધોધમાર સામસામે આપણે ઊભાં રહ્યાં-નું પૂર આવવું

ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખા છે ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ?

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

– રમેશ પારેખ

નાનપણમાં – ભગવાનનો ભાગ

Bhagavan no bhaag – Ramesh Parekh

નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
ટેટા પાડતા.
બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા-
-આ ભાગ ટીંકુનો.
-આ ભાગ દીપુનો.
-આ ભાગ ભનિયાનો, કનિયાનો…
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા-
‘આ ભાગ ભગવાનનો !’

સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.

ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઇ જાય-એમ અમે કહેતા.

પછી મોટા થયા.
બે હાથે ઘણું ય ભેગું કર્યું ;
ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ?

રબીશ ! ભગવાનનો ભાગ ?
ભગવાન તે વળી કઇ ચીજ છે ?

સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમ-
હાથમાં ઘણું ઘણું આવ્યું…

અચાનક ગઇ કાલે ભગવાન આવ્યા;
કહે : લાવ, મારો ભાગ…

મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા- ઉજ્જ્ડ.
એકાદ સુકું તરણું યે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે ?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.

વાહ !- કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જ્ડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.

તેણે પૂછ્યું : ‘કેટલા વરસનો થયો તું’
‘પચાસનો’ હું બોલ્યો
’અચ્છા…’ ભગવાન બોલ્યા : ‘૧૦૦ માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં…
હવે લાવ મારો ભાગ !’
ને મેં બાકીનાં પચાસ વરસ
ટપ્પ દઇને મૂકી દીધાં ભગવાનના હાથમાં !
ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.

હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહ-
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો…

– રમેશ પારેખ

રમેશ પારેખ જીવન કવન pdf

Ramesh Parekh biography in Gujarati

રમેશ પારેખ ( 27-11-1940 થી 17-05-2006)

રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા. રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. આ ‘છ અક્ષરનું નામ’ આજે અચાનક અ-ક્ષર થઈ ગયું. સમયના કોઈ ખંડમાં હિંમત નથી કે એના નામ પાછળ ‘હતાં’ લખી શકે. રમેશ પારેખ ‘છે’ હતાં, ‘છે’ છે અને ‘છે’ જ રહેશે !

અમરેલીમાં જન્મ. મેટ્રિક સુધી અભ્યાસ. કર્મભૂમિ રાજકોટ. પત્ની રસિલાબેન અને નીરજ, નેહા સંતાનો. સરકારી કારકૂની પણ કરી. દુનિયાદારીમાં મન ન લાગે અને કલમ દિશાહીન. સંગીત, ચિત્રકળા, જ્યોતિષ અને કવિતામાં ઊંડો રસ. માંહ્યલો તો શબ્દોથી ફાટફાટ પણ હનુમાનને સાગરલંઘનની ક્ષમતા કયો અંગદ યાદ કરાવે? રજનીકુમાર પંડ્યા અને અનિલ જોશી નામના અંગદ ન મળ્યાં હોત તો રમેશ નામનો હનુમાન શબ્દ-સાગર લાંધી શક્યો હોત કે કેમ એ પ્રશ્ન છે. 

રજનીકુમાર કવિતા લખવા પ્રેરે અને અનિલ જોશી વાર્તા લખવા માટે. ચિડાઈને એકવાર ર.પા.એ રજનીકુમારને કહી દીધું: ‘ સાલા, તું વાર્તાકાર છે એટલે મને કવિતામાં ધકેલે છે અને પેલો અનિલ કવિ છે એટલે મને વાર્તા લખવા કહે છે. સાલાઓ, તમે બધાં મારાથી ડરો છો’.

સાંઠનો દાયકો પતવા આવ્યો અને ર.પા.એ પોતાની જાત સાથે અનુસંધાન સાધી લીધું. લોહી કવિતા બની કાગળ પર વહેવા માંડ્યું. સોનલકાવ્યો એ એમનો પર્યાય બની ગયાં. સુરેશ દલાલ કહે છે:’ એમની કવિતામાં આવતી સોનલ પૂર્વજન્મની સ્મૃતિ છે, આ જન્મની અટકળ છે અને આવતા જન્મનું આશ્વાસન છે’. આલા ખાચરના કાલ્પનિક પાત્ર વડે કાઠિયાવાડના બાપુઓની મનોદશા અને દશાનું વ્યંગાત્મક અને કરુણ આલેખન આપણી કવિતામાં નોખું જ સ્થાન ધરાવે છે. મીરાંકાવ્યોમાં ર.પા.ની આધ્યાત્મિક્તા એવી તો સહજતાથી ઊઘડે છે કે કૃષ્ણને પણ અદેખાઈ આવે.

 ચમત્કૃતિથી ભરપૂર કવિતામાં ક્યાંય સસ્તી ચાલાકી કે શબ્દરમત જોવા ન મળે એ ર.પા.ની વિશેષતા. અરૂઢ વિષયોને અરૂઢતાથી, અવનવાં કલ્પનો ને લયઢાળો દ્વારા મૂર્ત કરવાની એમની સહજ ફાવટ એ એમની કવિતાનું ઘરેણું. ગીત, ગઝલ, છંદોબદ્ધ કાવ્યો, સૉનેટ, અછાંદસ- જેને એનો ‘મિડાસ ટચ’ મળે એ ભાષાની ખાણનું સોનું બની જાય. મોરારિબાપુએ કહ્યું હતું: ‘આ કવિ કંઈક ભાળી ગયેલો છે’.

હાથી પર સવારી કાઢી કોઈ શહેરે એના કવિનું સન્માન કર્યું હોય એવી લોકવાયકા ર.પા.ના જીવનમાં જ સાચી પડી શકે. શબ્દો સાથે એવો તો ઘરોબો કે કેટલાંક શબ્દો ને કાવ્યો તો વાંચતાં જ જણાય કે આ તો ‘રમેશ-બ્રાંડ’ છે. બીજો કોઈ કવિ આ સૂર્યના તાપને અડવાનું વિચારી ય ન શકે. ગુજરાતી સાહિત્યના તમામ મોટા પુરસ્કારો જીવતેજીવ મેળવનાર ર.પા. છેવટ સુધી ધરતીને અડીને જ જીવ્યાં. લોકપ્રિયતા કદી માથે ચડીને બોલી હોય તો એ જણ કોઈ અન્ય હોય તો હોય, ર.પા. તો નહીં જ.

હૃદયરોગના જીવલેણ હુમલાએ ર.પા.ના નશ્વર દેહને આજે અકારણ ખૂંચવી લીધો પણ એમનો અ-ક્ષરદેહ સદા શ્વસતો રહેશે આપણી ભાષા અને આપણી સ્મૃતિમાં.

રમેશ પારેખના કાવ્યસંગ્રહો (સર્જન)

Ramesh Parekh books

કાવ્યસંગ્રહો

 ‘છ અક્ષરનું નામ’ (1991) સમગ્ર કવિતામાં સંગ્રહસ્થ કાવ્યસંગ્રહો: ‘ક્યાં’ (1970), ‘ખડિંગ’ (1980), ‘ત્વ’ (1980), ‘સનનન’ (1981), ‘ખમ્મા, આલા બાપુને!’ (1985), ‘મીરાં સામે પાર’ (1986), ‘વિતાન સુદ બીજ’ (1989), ‘અહીંથી અંત તરફ’ (1991). ત્યાર બાદ ‘છાતીમાં બારસાખ’, ‘લે તિમિરા! સૂર્ય’, ‘ચશ્માંના કાચ પર’ અને ‘સ્વગતપર્વ’.

બાળ સાહિત્ય

‘હાઉક’, ‘દે તાલ્લી’, ‘ચીં’, ‘હફરક લફરક’, ‘દરિયો ઝુલ્લમ ઝુલ્લા’, ‘હસીએ ખુલ્લમ ખુલ્લા’, ‘જંતર મંતર છૂ’.

નવલિકા

 ‘સ્તનપૂર્વક’

નાટક

‘સગપણ એક ઉખાણું’, ‘ ‘સૂરજને પડછયો હોય’, ‘તરખાટ’

લેખો

‘હોંકારો આપો તો કહું’.

સંપાદન

‘ગિરા નદીને તીર’, ‘આ પડખું ફર્યો લે!’.

રમેશ પારેખને મળેલ પારિતોષિકો

 કુમાર ચંદ્રક, ગુજ. સાહિત્ય અકાદમી પારિતોષિકો, ગુજ. સાહિત્ય પરિષદ પારિતોષિકો, રણજિતરામ સુવર્ણચંદ્રક, ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક, કલાગૌરવ સુવર્ણચંદ્રક, ગુજ. રાજ્ય ફિલ્મ એવોર્ડ, ક્રિટીક્સ એવોર્ડ અને અન્ય ઢગલોક પુરસ્કારો.

ગામડાની જુની યાદો, ગામડાનો વરો અને પંગતમા જમવાની મજા

ગામડાની જુની યાદો 1 – ગામડાનો વરો અને પંગતમા જમવાની મજા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *