8240 Views
Gel Gatrad Ma No Itihas.- ગાંડી ગેલ ગાત્રાળ મા નો ઈતિહાસ અને પરચાઓ ભાગ-3 – જેમા ગેલ ગાત્રાળ મા એ કામીઓનો નાશ કરીને સાચા સાધુઓને રાક્ષસના ત્રાસમાથી બચાવ્યાની કથા મુકવામાં આવી છે. લેખક – વિજય વ્યાસ (વધાવી)
🙏🔱જય હો મા ગાંડી ગેલ ગાત્રાળનો 🔱🙏
Gandi Gel Gatrad Ma No Itihas
ચાર પુંજ સાધકો (યતિશ) જંગલમા વિહાર કરવા માટે નિકળે છે, આ પુંજ દેખાવથી સાધક છે પણ શરીરની નસે-નસમા વિકાર ભરેલો છે સંસારની મોહમાયા હજુ છુટી નથી (અમુક ઢોંગીના તન અને મન કામવાસનાથી ભરેલા હોય છે જેના લિધે આખો સમાજ બદનામ થાય છે.)
આ બાજુ પાંચ ઋષિમુનિઓ જંગલમા માતાજીની તપસ્યા કરે છે
ઋષિમુનિઓની તપસ્યાથી પ્રસન્ન થઇને માતાજી તેમની સમક્ષ પ્રગટ થાય છે અને વરદાન માંગવા કહે છે,
ઋષિમુનિ : (જગદંબાના ચરણોમા દંડવત પ્રણામ કરી) હે… અખીલ બ્રહમાંડની જોગમાયા તમે દર્શન આપી અમારૂ જીવતર ધન્ય કરી દીધુ
માતાજી : ઋષિમુનિઓ આપની ઘોર તપસ્યાથી હુ પ્રસન્ન થઈ છુ, આપ જે ચાહો તે વરદાન માંગી શકો છો.
ઋષિમુનિ : હે જગત જનની તમારાથી ક્યા કાઈ છાનુ છે આપ તો સર્વવ્યાપી છો, તમારુ આહવાન કરવાનુ કારણ અમે પાંચ ઋષિમુનિઓ જો આપની રજા હોય તો જગત કલ્યાણ અર્થે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે જવાના છીએ.
માતાજી : આપનો હેતુ સારો છે અને મારી તમને પરવાનગી છે પણ આ કાર્યમા હુ આપની શુ મદદ કરી શકું ??
ઋષિમુનિ : હે જગતપાલીકા, આ પથ બહુ લાંબો છે રસ્તામા અંધારું હોય અને સમયે જમવાનુ પણના મળે જેના લિધે અમારા શુભ કાર્યમાં અડચણ ના આવે માટે તમારી સહાયતા જોઈએ છે.
માતાજી : આપને શુભ કાર્યમાં અડચણ ના આવે માટે હુ સહાય કરવા તૈયાર છુ.
ઋષિમુની : દૈવી…..આપની પાસે અમે આશા લઈને આવ્યા છીએ.
માતાજી : ઋષિવર…આપની આશા પુર્ણ કરવા માટે જ હુ આવી છુ.
ઋષિમુનિ : હે જગદંબા આપની પાસે જે અમરદિવો અને અક્ષયપાત્ર છે તે આપવાની ક્રૃપા કરો તો અમારી મનોકામના પૂર્ણ થાય.
માતાજી : હે ઋષિમુનિઓ આ વસ્તુઓ આપને આપવામાં મને કોઈ વાંધો નથી પરંતુ આ મુલ્યવાન ચીજ છે આની સારસંભાળ રાખવી જોશે આ કોઈ આસુરી શક્તિના હાથમા ન આવે એનુ ખાસ ધ્યાન રાખજો અને જ્યારે જરુર જણાય ત્યારે મને યાદ કરજો હુ તમારી સમક્ષ હાજર થઈશ.
ઋષિમુનિ : હે…..જગતકલ્યાણી જ્યા સુધી અમારામા જીવ હશે ત્યા સુધી તેને બીજાના હાથમા નહી આવવા દઈએ.
માતાજી : તથાસ્તુ…. પૃથ્વીની પ્રદક્ષિણા પુર્ણ થયા બાદ તરત જ આ બંને વસ્તુઓ મને પરત કરી દેજો.
માતાજી બંને વસ્તુઓ ઋષિમુનિઓને સોંપી દે છે.
ઋષિમુનિઓ માતાજીનો જય જયકાર બોલાવી પૃથ્વી ની પ્રદક્ષિણા માટે આગળ વધે છે.
અમરદિવો : માતાજી પાસે જે અમરદિવો છે તે ક્યારેય ઓલવાતો નથી સદાય ને માટે પ્રગટેલ જ રહે છે
અક્ષયપાત્ર : માતાજી પાસે જે અક્ષયપાત્ર છે તેની પાસે જે પણ ભોજનની માંગણી કરો તે જમવાનુ એમા તરત જ હાજર થઈ જાય છે તેમા ક્યારેય જમવાનુ ખૂટતું નથી)
——————————————
આ તરફ માતાજી જંગલમા સ્વરુપવાન કન્યાનુ રૂપ લઈ જે બાજુ ચાર પુંજ સાધકો વિહાર કરે છે તે દિશામા જાય છે
માતાજી જે જંગલ વિહાર કરી રહ્યા છે તે જંગલ પણ કેવુ
ઘોર અતિ વંકી ધરતીને
વંકા પથરાયા બહુ પહાડ,
વિકટ અને વંકા પગરસ્તા
ઘીચ ખીચોખીચ જામ્યા ઝાડ.
ઝરે ઝરણ બહુ નીર તણાં,
જો ગાજે જંગલ ગીર તણાં.
ઉતાવળી ને ઊંડી નદીઓ,
સઘન ઘટાથી છાઈ રહે.
કાળાં ભમ્મર પાણી એનાં,
ધસતાં ધમધોકાર વહે.
ઝૂક્યાં તરુવર તીર તણાં
જો ગાજે જંગલ ગીર તણાં.
પુંજ સાધકો જંગલમા વિહાર કરતા-કરતા વાતો કરે છે કે જો કોઈક સારો સથવારો સાથે હોત ને તો મજા પડી જાત
રૂપવાન કન્યા પુંજ સાધકોની સામેથી પસાર થાય છે, એક પુંજ સાધકની નજર કન્યા પર પડે છે તેના તરફ આંગળી ચીંધીને તે બોલી પડે છે, ઓ.. હો…શુ એના રૂપ છે આ વિરાન જંગલમા આટલી સ્વરૂપવાન કન્યા, બધા પુંજ સાધકોની નજર કન્યા પર પડે છે અને બધા તેના રૂપમા મોહિત થઈ જાય છે અને મનમા કામવાસના જાગે છે બધા પુંજ સાધકો તે કન્યાની પાસે જાય છે
પુંજ : એ કન્યા આવા વેરાન જંગલમા તુ એકલી શુ કરે છે તને બિક નથી લાગતી ?
કન્યા : તો તમે અહીયા શુ કરો છો તમને બીક નથી લાગતી ?
પુંજ : અમે આ જંગલમા વિહાર કરવા માટે નિકળ્યા છીએ તારે અમારી સાથે આવવુ છે ?
કન્યા : ના હો…. હુ તમારી સાથે નહી આવુ.
પુંજ : જો તુ પ્રેમથી અમારી સાથે નહી આવે તો અમારે તારી સાથે બળજબરી કરવી પડશે
કન્યા : એમ વાત છે…પણ તમે ચાર જણા છો અને હુ એકલી તો તમારા બધા સાથે કેમ આવુ ? હુ તમારા બધામાથી કોઈ એક સાથે આવુ.
પુંજ : તો તુ અમારા માંથી કોની સાથે ફરવા જઈશ ?
કન્યા : તમે નક્કી કરો હુ કોની સાથે આવુ ?
બઘા પુંજ એકબીજા સાથે વાતચીત કરે છે કે આ કન્યા કોની સાથે જશે, આ કન્યા તો મારી સાથે જ ફરવા જશે એવી તુ-તુ-મે-મે થાય છે છેલ્લે કન્યા બઘાને શાંત પાડે છે.
કન્યા : તમે બધા ઝઘડો ના કરો હુ આનો વચલો રસ્તો કાઢુ છુ.
બઘા પુંજ : હા સુંદરી તુ જ કાઈક રસ્તો બતાવ.
કન્યા : એક કામ કરો હુ મારી આ ઓઢણી હવામા ઉડાડુ છુ જે મારી ઓઢણીને સૌથી પહેલા અડી લેશે તેની સાથે હુ જઈશ, બોલો બધાને મંજૂર છે ?
બઘા પુંજ : હા અમને મંજુર છે.
કન્યા પોતાની ઓઢણી હવામા ઉડાડે છે બધા પુંજ ઓઢણીને પકડવા હવામા ઉડે છે માતાજી હાસ્ય કરતા કરતા મનમા બોલે છે. હવે તમારા માંથી કોઈ નીચે જ નહી આવો મારી ઓઢણીને અડતાની સાથે જ બળીને ભસ્મ થઈ જશો.
ઓઢણીને અડતાની સાથે જ બધા પુંજ હવામા બળીને રાખ થઈ જાય છે તેઓ વાસનાના મોહમા માતાજીને ઓળખી નથી શકતા.
માતાજી લીલા પુર્ણ કરી તેની પુજા કરી રહેલ આલા ભગતની સમક્ષ પ્રગટ થાય છે અને ચારણ આલા ભગતને કહે છે
(આપણે પ્રથમ ભાગમાં જોયુ કે ચારણ આલા ભગતને માતાજીએ બાદશાહના કેદખાનામાંથી છોડાવ્યા હતા)
માતાજી : આલા ભગત તમારી આરાધનાથી હું પ્રસન્ન થઇ છુ.
આલા ભગત : (માતાજીના ચરણોમા દંડવત પ્રણામ કરી) ઘણી ખમ્મા માડી તને જાજી વધાયયુ
માતાજી : આલા ભગત મારા આ અવતાર કાર્યની આપણી આ છેલ્લી મુલાકાત છે.
આલા ભગત : “મા” હુ કાંઈ સમજ્યો નહી
માતાજી : આલા ભગત મારો આોખાના મંડાણની ગાંડી દેવી તરીકેનો જે અવતાર છે તેનુ હવે એક કામ જ બાકી છે તે પુર્ણ થતાંની સાથે આ સ્વરૂપે હવે હુ તમને નહી મળી શકુ.
આલા ભગત : માતાજી તો તમે જ્યા જવાના છો ત્યા મને પણ તમારી સાથે લેતા જાવ તમારા વિના હુ એકલો અહીયા શુ કરીશ ?
માતાજી : (હસીને) એ મારા ભોળીયા ભગત તમે આ માનવ શરીર સાથે મારી સાથે ન આવી શકો.
આલા ભગત : તો હુ શુ કરુ જેનાથી તમારી સાથે આવી શકુ ?
માતાજી : આલા ભગત હવે આપણી મુલાકાત તમે જ્યારે બીજો જન્મ લેશો ત્યારે ભદ્રપુરીમા (એટલે કે અત્યારનુ ભાડલા) થશે તમે બિજા જન્મમા આલા સલાટ તરીકે ઓળખાશો ત્યારે હુ તમારી પાસે આવીશ
આલા ભગત : માતાજી તમે ત્યારે ક્યા નામે અવતાર ધારણ કરશો ?
માતાજી : અમે સાતેય બેનુ અધર્મનો નાશ કરવા ગોહીલવાડમા મામડીયા ચારણને ત્યા અવતાર ધારણ કરીશુ ત્યારે દુનીયા મને ભાડલાની ગાંડી ગેલ તરીકે આોળખશે મારુ અવતાર કાર્ય પૂર્ણ કરવા હુ ભદ્રપુરી (ભાડલા) આવીશ.
આલા ભગત : હે મા જગદંબા હુ તમારા આવવાની રાહ જોઈશ.
માતાજી તથાસ્તુ કહી અંતરધ્યાન થઈ જાય છે
——————————————
આ તરફ ઋષિમુનિઓ પૃથ્વીની પ્રદક્ષિણા કરતા-કરતા ગોધમપુરના જંગલમા પહોંચે છે
આ જંગલની અંદર ગોધમા નામનો ભયંકર રાક્ષસ રહે છે.
ઋષિમુનિઓ ગોધમપુરના જંગલમા પ્રવેશ કરે છે પરંતુ આ જંગલની અંદર મહાકાય ગોધમો રાક્ષસ રહે છે, આ જંગલની અંદર ગોધમા રાક્ષસના ત્રાસના કારણે કોઈપણ મનુષ્ય જતુ નથી,ગોધમો રાક્ષસ જંગલના પશુ-પક્ષીને પોતાનો ખોરાક બનાવે છે ભુલથી કોઈ મનુષ્ય જંગલમા આવી ચડે તો તેને મારી તેનુ ભોજન કરી જાય છે જંગલમા કોઈપણ આવે તે જીવતો પાછો નથી જાતો
આ તરફ ઋષિમુનિઓ જેવા ગોધમપુરના જંગલના મધ્યમા પહોંચે છે ત્યા ગોધમા રાક્ષસને માણસની ગંધ આવે છે તે ગંધની દિશામાં “માણસ ગંધાય માણસ ખાવ” એમ ત્રાડ પાડતો આગળ વધે છે તેની ભયંકર ત્રાડના લીધે વૃક્ષોના પાંદડા ખરવા લાગે છે તેમજ તેના મહાકાય શરીરના લિધે ધરતી ધ્રુજવા લાગે છે પશુ – પક્ષી આમતેમ દોડાદોડી કરવા લાગે છે, ઋષિમુનિઓ આવો ભયંકર અવાજ સાંભળી ડરવા લાગે છે.
ઋષિમુનિઓ વિચારે છે આવો ભયંકર અવાજ જંગલના હિંસક પ્રાણીનો ના હોય નક્કી આ કાઈક માયાવી શકિત છે જે આપણને ડરાવે છે
ઋષિમુની (૧) : આપણે ઝડપથી આ જંગલની બહાર નીકળી જાય
ઋષિમુની (૨) : સાચી વાત છે આ જંગલ આપણા માટે સુરક્ષિત નથી
ઋષિમુની (૩) : જેમ બને તેમ ચાલવામાં ઉતાવળ રાખો
ઋષિમુની (૪) : મને તો આ જમીન ધ્રુજતી હોય તેવુ લાગે છે
ઋષિમુની (૫) : આ ભયંકર અવાજ પણ આપણી નજીક આવી રહ્યો છે
બધા ઋષિમુનીઓ જંગલની બહાર નીકળવા માટે દોડે છે પણ ઋષિમુનીના 100 ડગલા થાય ત્યારે ગોધમા રાક્ષસનુ અેક ડગલુ થાય ગોધમો રાક્ષસ ગંઘની દિશામાં ઝડપથી આગળ વધે છે
જેમ જેમ ગોધમો રાક્ષસ ઋષિમુનિઓની નજીક આવે છે તેમ ધરતી વઘુ ધ્રુજવા લાગે છે ઋષિમુનિઓ સંતુલન ગુમાવી આમતેમ પડવા લાગે છે
એક ઋષીને દુરથી જાણે ડુંગર હાલીને આવતો હોય તેવુ દેખાય છે પણ નિરખીને જોતા બિહામણા ચહેરાવાળો અને મહાકાય શરીરવાળા રાક્ષસને જોઈ ડરના માર્યા થોડે દૂર જઈ તળાવમા સંતાઈ જાય છે
ગોધમો રાક્ષસ ઋષિમુનિઓની નજીક આવી ત્રાડ નાખે છે
ગોધમો રાક્ષસ : એય…. સાધુડાવ ક્યા ભાગો છો,
મારા જંગલમા આવવાની હિંમત કેમ કરી,
આ જંગલની અંદર તમે તમારી મરજીથી આવી શકો છો પણ મારી રજા વગર જંગલની બહાર કોઈ નિકળી શકતુ નથી આ જંગલ મારુ છે હુ ગોધમો છુ અહીયા મારી મરજી ચાલે છે આ જંગલની નદીઓ હિરણ-શેત્રુંજી-હરી-દાતરડી-શિંગોળા-મચ્છુન્દરી-રાવલ અને ગોદાવરીનુ પાણી પણ મારા સીવાય કોઈ પી નથી શકતુ આ જંગલના 14 શતમ મહાનલ્વમ (૧૪૦૦ કિલો મીટર શતમ એટલે સો અને મહાનલ્વમ એટલે કિલોમીટર )વિસ્તારમાં જંગલના પશુ-પક્ષી સિવાય કોઈ પણ આવી નથી શકતુ
ઋષિમુનિ : અમે તો પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નિકળ્યા છીએ અમને માફ કરી દો ફરી ક્યારેય અમે તમારા જંગલમા નહી આવીયે
ગોધમો રાક્ષસ : (અટ્ટહાસ્ય કરીને) ફરી ક્યારેય આવવા જેવા રેવા દઉ તો ને, આ જંગલમા આવવાના ઘણા રસ્તા છે પણ બહાર જવાનો એકપણ રસ્તો નથી
ઋષિમુની : અમે જાણી જોઈને તમારા જંગલમા નથી આવ્યા
ગોધમો રાક્ષસ : જેટલા જાણે છે ને એતો મારા વિસ્તારથી બાર ગાંઉ છેટા જ રહે છે, અહીયા જે આવે તે અજાણ્યા જ હોય છે આવા અજાણ્યાના લિધે જ મારે ભુખ્યુ રહેવુ નથી પડતુ.
ઋષિમુની : અમને જવા દે અમે તો સાધુ છીએ અમે તને શુ હાનિ પહોંચાડી શકીયે, અમે કોઈને કહેશુ પણ નહી કે અમે ગોધમપુરના જંગલમા ગયા હતા.
ગોધમો રાક્ષસ : તમે સાધુડાવ જ યજ્ઞ કરીને દેવોને તાકાતવર બનાવો છો જેના લિધે અમારા રાક્ષસોનો નાશ થાય છે, મને પુજા-પાઠ હોમ-હવન કરનાર પર બહુ ખીજ ચડે છે મારા વિસ્તારમા તમારા જેવા હોમ-હવન કરનારા હજારો સાધુને હુ ભરખી ગયો છે, આજે તમને મારીને મારુ ખાલી પેટ ભરીશ.
ઋષિમુનિ : પુજા-પાઠ અને હોમ-હવન કરવો એ અમારો ધર્મ છે અમે ફક્ત અમારુ કર્તવ્ય નિભાવી છીએ
ગોધમો રાક્ષસ : (હસીને)તો મારીને ખાવુ એ મારો ધર્મ છે અને તમને મારીને હુ મારુ કર્તવ્ય નિભાવીશ
ઋષિમુની : હે ગોધમા રાક્ષસ અમને જવા દે અમે આખા જગતના કલ્યાણ અર્થે નિકળ્યા છીએ.
ગોધમો રાક્ષસ : મારે અને જગતને શું લેવાદેવા, મારે તો મારુ પેટ ભરાઈ જાય એટલે મારુ કલ્યાણ થઇ ગયુ.
ઋષિમુની : અમને મારીને તારા એક જ દિવસની ભુખ ભાંગશે ભવની ભુખ નહી ભાંગે
ગોધમો રાક્ષસ : ભવની ભુખ ભાંગવી છે એટલે જ તમને રોક્યા છે
ઋષિમુની : અમને રોકીને તારી ભવની ભુખ કઈ રીતે ભાંગશે
ગોધમો રાક્ષસ : હવે આવ્યા મુખ્ય મુદ્દા પર, સાધુડાવ તમને એમ છે કે આ ગોધમાને કાઈ ખબર નથી
ઋષિમુની : શેની ખબર નથી
ગોધમો રાક્ષસ : જો જીવતુ પાછુ જાવુ હોય તો છાનામુના દિવો અને અક્ષયપાત્ર મને આપી દો, આ બંને વસ્તુઓને ગોતવા માટે તો વરસોથી સોરઠના જંગલ અને ગામડા ફરી કેટલાય સાધુ અને નિર્દોષ માણસોને મોતને ઘાટ ઉતારી દીધા છે
ઋષિમુની : તારી કાઈક ભુલ થાય છે, અમારી પાસે આવી કાઈ વસ્તુઓ નથી
ગોધમો રાક્ષસ : (ગુસ્સે થઈને) આ બંને વસ્તુઓ તો હુ તમારી પાસેથી લઈને જ રહીશ, જો તમે સામેથી આપી દો તો જીવતા રહેશો નહીતર તમને મારીને લઈ લઈશ
ઋષિમુની : તો સાંભળ ગોધમા રાક્ષસ અમારા શરીરમાં જ્યા સુધી જીવ છે ત્યા સુધી તને આ વસ્તુઓ નહી મળે
ગોધમો રાક્ષસ : તો પછી તમારે મરવુ જ છે તો મરવા માટે તૈયાર થઇ જાવ
આ તરફ તળાવ પાસે સંતાઈ ગયેલ ઋષી છાનુમુનો બધી વાતો સાંભળે છે અને માતાજીને આરાધના કરે છે હે મા જગદંબા જગત કલ્યાણ અર્થે નિકળેલા તારા ભકતોનો જીવ જોખમમાં છે માતાજી તમે આ ગોધમા રાક્ષસના ચુંગાલમાથી બચાવો
આ બાજુ ગોધમો રાક્ષસ ઋષિમુનિઓની પાસેંથી અમરદિવો અને અક્ષયપાત્ર છિનવી લે છે અને એક પછી એક ઋષિમુનીને વારાફરતી મારી નાંખે છે અને અમરદિવો અને અક્ષયપાત્ર લઈ જંગલની અંદર ચાલવા લાગે છે
માતાજી ઋષિની આરાઘના સાંભળી તેની સમક્ષ પ્રગટ થાય છે અને સઘળી વાત પુછે છે
ઋષિ : (રડતા-રડતા) હુ સંતાઈ ગયો તેથી બચી ગયો પણ બીજા ઋષિમુનિઓને ગોધમા રાક્ષસે મારી નાંખ્યા તેમજ અમરદિવો અને અક્ષયપાત્ર તે લઈ ગયો
માતાજી : તમે ચિંતા ના કરો.
ઋષિએ બતાવેલ દિશામા અતી કોપાયમાન સ્વરૂપે માતાજી જાય છે
પાછળ કોઇક આવી રહ્યુ છે તેવુ લાગતા ગોધમો રાક્ષસ પાછળ વળીને જોવે છે તેની નજર જગદંબા પર જાય છે તે વિચારે છે મારા જંગલમા એકલી સ્ત્રી ક્યાથી, માતાજી ત્રાડ નાખી ગોધમાને ઊભા રહેવાનુ કહે છે
માતાજી : એય ગોધમા રાક્ષસ ઊભો રે
ગોધમો : મને ઉભો રહેવાનો કહેવાવાળી તુ કોણ છે, આ જંગલ મારુ છે અહી મારો હુકમ ચાલે છે
માતાજી : ગોધમા તારો હુકમતો આ જંગલ પુરતો જ ચાલે ને પણ આ નવખંડની અંદર મારી મરજી વિના એક પાંદડુ પણ ના હલી શકે …..
ગોધમો : હુ ધારુને તો એક ચપટીમા તને ચોળી નાખુ
માતાજી : મારા હાથ ખંખેરૂને તો તારાથી હજારોગણા બળવાન અસુર મારા હાથની રજમાથી ઉત્પન્ન થાય
ગોધમો : (હસીને) એમમમમમત તુ આટલી બધી તાકાતવર છે, મને તો તારાથીં ડર લાગે છે જો મને પરસેવો વળવા લાગ્યો
માતાજી : ગોધમા તુ મને ઓળખવામાં ભુલ કરે છે જ્યારે તને સત્ય સમજાશે ત્યારે બહુ જ મોડુ થઈ જાશે
માતાજી ગોધમા રાક્ષસને સમજાવે છે
ગોધમપુરના જંગલમા ગોધમા રાક્ષસ અને જગદંબા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે
ગોધમો રાક્ષસ : એમ, તને ઓળખવામાં મારી ભુલ થઇ છે, તો તારી ઓળખાણ આપ તુ કોણ છે મને પણ ખબર પડે
માતાજી : ગોધમા મારી ઓળખાણ તો હમણા તને મળી જાશે
ગોધમો રાક્ષસ : સારુ…. પણ અત્યારે તો હુ તને મારીને ખાઈ જાઈશ પછી ઓળખાણ પણ તારી સાથે મારા પેટમા જતી રેશે
માતાજી : તો લે ગોધમા તારી એ ઈચ્છા પણ પુરી કરી લે
ગોધમો પોતાનો હાથ માતાજી તરફ લંબાવે છે પણ ત્યાંતો માતાજી પોતાના શરીરનુ કદ વધારવા લાગે છે ક્ષણવારમા ગોધમા જેવડુ વિશાળ કદ ધારણ કરે છે, ગોધમો રાક્ષસ વિચાર કરવા લાગે છે નક્કી આ કોઈ દૈવીશક્તિ લાગે છે.
ગોધમો પોતાની માયાવી શકિત વડે જગદંબા પર પ્રહાર કરવા લાગે છે પણ તેની તસુભાર પણ અસર માતાજી પર થતી નથી માતાજી તેના સામે જોઈને અટ્ટહાસ્ય કરે છે જેના લીધે ગોધમો વઘુ ગુસ્સે થાય છે
માતાજી : અરે…ઓ… 14 શતમ મહાનલ્વમના ધણી ગોધમા રાક્ષસ કેમ શુ થયુ, ક્યા ગઈ તારી માયાવી શકિત જેના કારણે તે આ સોરઠના વિસ્તારમાં હાહાકાર મચાવ્યો’ તો
ગોધમો રાક્ષસ : તારી આ મેલીવિદ્યાથી હુ કાઈ ડરવાનો નથી તારા જેવા તંત્ર-મંત્ર કરનારા કેટલાયને કોળિયો બનાવી મારા પેટમા પુરી દીધા છે
માતાજી : (હસીને) એમ… તો મને પણ કોળિયો બનાવીને ખાઇ જા
ગોધમો રાક્ષસ : હુ તને જીવતી તો નહી જ મેલુ
માતાજી : તે મારા ઋષિમુનીઓને મારીને મોટી ભુલ કરી છે આનો હિસાબ તો હુ લઈને જ રહીશ
ગોધમો રાક્ષસ : તારા જેવી કામણ કરનારી તો ઘણી આવી ને ગઈ આ ગોધમાનો વાળ પણ કોઈથી વાંકો ન થયો
માતાજી : તારી સામે જે આવી ને ઈ બધી તો ડાહી હશે પણ તારો સામનો તો આજે આ “ગાંડી” સાથે છે,
સાંભળ ગોધમા, બાપનુ રહી ગયેલુ લેણુ જો એના દિકરા પાસેથી નો વસુલુને તો તો હુ કોંઢના કુબાની ગાંડી નો કે’વાવ હો
ગોધમો રાક્ષસ પોતાની આસુરી શક્તિથી માતાજીની ચારેબાજુ અનેક ગોધમા ઉત્પન્ન કરે છે અને બધી બાજુથી પ્રંચડ હુમલો કરે છે સામે માતાજી પણ એકમાંથી અનેક થઈ બધા પ્રહાર પોતાના ત્રિશુલ વડે જીલી લે છે
ગોધમો રાક્ષસ ઉડીને આકાશમા જઈને ત્યાથી પ્રહાર કરે છે માતાજી તેના પ્રહારને હવામા જ ઓગાળી નાખે છે તે અલોપ થઈ હુમલો કરે છે તો માતાજી પણ અલોપ થઈ સંતામણીની રમત રમે છે.
ગોધમો રાક્ષસ બધાજ પ્રકારની માયાવી શકિત અજમાવી જુવે છે પણ તેની એકપણ વિદ્યા કામ નથી આવતી, હજારો હાથીઓનુ બળ ધરાવનાર અને માયાવી શકિતમા નિપુણ એવો ગોધમો આજે જગદંબા સામે થાકીને લોથપોથ થઈ જાય છે અને છેવટે એકપણ રસ્તો ન દેખાતા જંગલમા દોડ મુકી ભાગવા લાગે છે માતાજી પણ હાસ્ય કરતા કરતા તેની પાછળ દોડે છે
જે જંગલમા ગોધમો રાક્ષસ મનુષ્ય-પશુ-પંખીને દોડવતો તે જ જંગલમા ભગવતીએ આજે ગોધમાને ઉભી પુછડીયે દોડવ્યો
માતાજી : અરે ગોધમા ભાગી ભાગીને જઈશ ક્યા, આ ત્રણેય લોકની અંદર એવી કોઈ તાકાત નથી કે જે મારા ગુનેગારને આશરો આપે
ગીરના આખા જંગલમા ગોધમો રાક્ષસ દોડી-દોડીને થાકી જાય છે આગળ ગાયોનુ ધણ બેઠુ છે ગોધમો ગાય નુ રૂપ ધારણ કરી ધણમા ઘુસી જાય બધી ગાયો ભાંભરડા નાખવા માંડે છે, માતાજી અટ્ટહાસ્ય કરતા તેની પાછળ જાય છે પરંતુ અચાનક ગોધમો રાક્ષસ દેખાતો બંધ થઈ જાય છે ચારેતરફ નજર ફેરવતા ગૌમાતાનુ ધણ દેખાય છે
ગાયોને ભાંભરડા નાખતી જોઈ માતાજી સમજી જાય છે કે ગોધમો ધણમા સંતાઈ ગયો છે
માતાજી ગાયનુ રૂપ ધારણ કરીને ભયંકર ત્રાડ નાખે છે જગદંબાની ત્રાડથી ગિરનાર અને દાતારના ડુંગરા ડોલવા લાગે છે
“ગાય કેરુ રૂપ તે લીધુ તુ
ત્રાડ મારી ગોધમાને કિઘુ તુ
અેલા ભાગ રે ભાગ
અેનો કાળ બનીને તુ ભમતી તી
ગોધમપુર જંગલમા ગરજતી તી”
ભગવતીની ત્રાળ સાંભળી ગોધમો રાક્ષસ તેના અસલ રૂપમાં આવી માતાજીના લલકારને ઝીલે છે માતાજી પણ તેના અસલ રૂપમાં આવી જાય છે
માતાજી અતી કોપાયમાન થઈ ગોધમા રાક્ષસ પર ત્રિશુલથી હુમલો કરી ગોધમા રાક્ષસને ત્રિશુલ વડે ઉંચો કરી હવામા ફેરવે છે
“મારી ગાય કેરી ત્રાડ, ગોધમે ઝીલ્યો લલકાર
ત્રિશુલ મારી ખપ્પર તુ ભરતી તી
ગોધમપુર જંગલમા ગરજતી તી”
માતાજીએ ગોધમાને ફંગોળીને ગોધમો જે જગ્યાએ રેતો’તો ત્યા તેનો ઘા કર્યો, ગોધમો જમીનદોસ્ત થઇ ઢળી પડ્યો અને માતાજીને આરાધના કરવા લાગ્યો
ગોધમો રાક્ષસ : હે મા જગદંબા મારા તને લાખો વંદન, મા હવે તો તમારી ઓળખાણ આપો
માતાજી : હુ ઓખાના મંડાણની ગાંડી દેવી છુ તને મારવા માટે જ આ બધી લીલા રચી’ તી પણ આજે મે ગૌમાતાનુ રૂપ લઈ ત્રાડ નાખી એટલે આજથી હુ ગાંડી ગાત્રાળ તરીકે ઓળખાઈશ.
ગાયના જેદી ગાતર કર્યા, ઓલો ગોધમો ઠેકાળ્યો તે ગાત્રાળ
ગોધમો રાક્ષસ : મા ગાંડી ગાત્રાળ તમારો જય હો, જગદંબા મારા પર એક ઉપકાર કરો
ગાત્રાળ મા : બોલ ગોધમા બોલ.
ગોધમો રાક્ષસ : “ભગવતી” મે અત્યાર સુધી એકપણ સારુ કામ નથી કર્યું છતા “મા” હુ તમને વિનંતી કરુ છું મને પાપકર્મો માથી ઉગારો
ગાત્રાળ મા : ગોધમા તારા આ ડુંગર જેવડા મહાકાય શરીરના મૃતદેહ માથી હુ ડુંગરો બનાવીશ જે ગોધમા ડુંગરા તરીકે ઓળખાશે અને આ ડુંગર પર હુ બેસણા કરીશ અને હુ “ગોધમાની ગાંડી ગાત્રાળ” તરીકે આોળખાઈશ જ્યા સુધી આકાશમા સુરજ અને તારા ચમકશે ત્યા સુધી તારુ નામ મારી સાથે અમર રહેશે
મા ગાંડી ગાત્રાળે ઋષિમુનીઓને પુનર્જીવિત કરી એમને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે મોકલી દીધા
બાદમા “મા ગાંડી ગાત્રાળે” ગોધમા ડુંગર પર બેસણા કર્યા અને રાયણના ઝાડના થડમા માતાજી સમાઈ ગયા.
હાલમા ગોધમા ડુંગરને રાયણના ડુંગર તરીકે પણ ઓળખવામાં આવે છે
બોલો ગોધમાની ગાંડી ગાત્રાળનો જય
બોલો કોંઢના કુબાની ગાંડી ગાત્રાળનો જય
ગોધમાની ગાંડી ગાત્રાળનો પરચો : આ હળાહળ કળયુગની અંદર પણ માતાજી હજરાહજુર છે જેના અનેક પરચાઓ મળે છે
આમળી ગામની અંદર એક ચારણ પતી-પત્નિ રહે, ચારણની ઘરવાળી મા ગાત્રાળનો ઓતાર લઈ લોબળીનો છેડો બિમાર વ્યક્તિને અડાળે અને શરીરના ગમે તેવા દુખ-દર્દ મટી જાય
ચારણની ઘરવાળી ધુણે તે તેના ઘરવાળાને ના ગમે તેણે ઘણીવાર ટોકી પણ ચારણઆઈ હસતા મુખે જતુ કરતી
દશેરાના દિવસે આમળીના પાદરમા ૧૫૦ પાઘડીબંધ ચારણોની બેઠક મળી બેઠકમા ચર્ચાનો દોર ચાલુ છે ત્યા સામેથી પેલી ચારણઆઈ ધુણતી ધુણતી પાદરમા આવી તેના ઘરવાળો ઉભો થઈ તેને ધક્કો મારી ત્યાંથી કાઢે છે પણ તે જાતી નથી
બધા ચારણો જુવે છે પણ તેમાથી એક સમજુ ચારણ તેને સમજાવે છે કે તુ આવી રીતે તેમને હડદોલા ન માર એના ખોળીયે જે ધુણતુ હોય તેના પારખા લઈએ.
જો એના ખોળીયે ગાત્રાળ ધુણતી હોય તો પારખા મા પાર પડે
બધા ચારણો પારખુ શુ લેવુ તે નક્કી કરે છે
છેલ્લે નક્કી થાય છે કે ઉગમણા ઓરડે સાત પગથિયા ઉપર જે મંદીર છે તેમા માતાજીના જે બે ફરા છે તેમાથી એક ફળાને નીચેના છેલ્લા પગથીયે રાખવાનુ અને જો તે ફળુ સાત પગથીયા ઉપર ચડી મંદીરમા અેની મુળ જગ્યાએ પહોંચે તો બાઈના ખોળીયે ગાત્રાળ ધુણે છે તે સાચુ નકર આ બાઈને ચારણીનાત માંથી બહાર કાઢવામાં આવે.
નક્કી થયા મુજબ મંદીરમાથી ફળુ નીચેના પગથીયે રાખવામા આવે છે
ચારણ આઈ “ગોધમાની ગાંડી ગાત્રાળને” આરાઘના કરે છે કે હે મા જગદંબા મારી આબરુ આજે તારા હાથમા છે જો મારા ખોળીયે તુ જ ધુણતી હો અને તારી લોબળીનો છેડો અડાડતા દરદ તુ જ મટાડતી હો તો આજે આમળીના પાદરમા આજ તારી દિકરીની આબરુના ધજાગરા નો ઉડે ઈ જવાબદારી તારી છે
આટલુ બોલી ચારણઆઈ ઓતાર લઈ ધુણતા-ધુણતા ફળા સામે આંગળી ચીંધે છે
બધો ચારણ ડાયરો ઘડીક ફરા સામે તો ઘડીક ચારણ આઈ
સામે જુવે છે
જેવી ચારણઆઈ ફળા સામે ચિંધેલી આંગળી ઉંચી કરે છે ત્યાતો ફળુ ધુણવા લાગે છે અને ધુણતુ-ધુણતુ એક પછી એક પગથીયુ ચડવા લાગે છે અને મંદીરમા રહેલુ બીજુ ફળુ પણ ધુણવા લાગે છે ધીરે-ધીરે ફળુ સાત પગથીયા ચડી એની મુળ જગ્યાએ બેસી જાય છે
બધા ચારણો પોતાની પાઘડી ચારણઆઈના ચરણોમા મુકી દંડવત પ્રણામ કરી ગોધમાની ગાંડી ગાત્રાળનો જય-જયકાર બોલાવે છે
> ટોળીયા ભરવાડને મા ગાંડી ગાત્રાળનુ વચન છે કે જગતમા ગમેતેવી વિપત પડે ત્યારે ૧૦૦ મા સોંસરવો કાઢુ અને જો ઝાલેલુ બાવડુ મેલુને તો તો હુ કોંઢના કુબાની ગાંડી ગાત્રાળ નો કે’વાવ
હાલમા પણ કોંઢના કુબામા ગાંડી ગાત્રાળ નાગણી બની ને દર્શન આપે છે
> એક સમયે સ્વર્ગમા ઈન્દ્રદેવ દેવસભા બોલાવે છે દેવસભામા દેવ-દૈવી, ચોસઠ જોગણી, બાવનવીર, યક્ષ, કિન્નર, ગાંધર્વ, પીર-પયગંબર બધા હાજર છે
દેવસભામા એક વાતને લઈને વિવાદ સર્જાયો
જમીયલશા દાતાર સભામા કહે છે કે સૌથી મોટુ સિંહાસન મારુ છે, ગરવા ગિરનારનુ બેસણુ કરીને એના પર મારી બેઠક જમાવી છે, મારા જેવડુ સિંહાસન કોઈને નથી
દેવસભામા સન્નાટો છવાઇ જાય છે કોઈ કાઈ જવાબ આપતા નથી આ જોઈ ગોધમાની ગાંડી ગાત્રાળ ઈન્દ્રદેવને કહે છે જમીયલશા દાતારને અભિમાન આવી ગયુ છે તો સતના ત્રાજવા મંગાવો એમા એક તરફ ગરવા ગિરનાર અને બીજી બાજુ મારા નાના એવા ગોધમા ડુંગરને મેલો જે બાજુ ત્રાજવુ નમે તે ડુંગર મોટો
આ સાંભળીને દેવસભામા બધા હસવા લાગે છે સતના ત્રાજવા મા બંને ડુંગરને જોખવામા આવે છે ગીરનારનો ડુંગર જે ત્રાજવામાં છે તે ત્રાજવુ જરાપણ નમતુ નથી
મા ગાંડી ગાત્રાળ જમીયલશા દાતારને કહે છે જો આજ ગિરનારને તલભાર પણ વધવા દવને તો હુ ગોધમાની ગાંડી ગાત્રાળ નો કે’વાવ
આખી દેવસભા માતાજીનો જય-જયકાર બોલાવે છે
માતાજીનો મહિમા તો અપરંપાર છે વૈદ પણ જેને नैति-नैति કઈ વિનવે છે તો આપણે તો સાધારણ માનવી છિએ તેની માયાનુ વર્ણન આપણે કઈ રીતે કરી શકીયે…
🙏 જય હો મા ગાંડી ગેલ ગાત્રાળનો 🙏
આ તરફ ભદ્રપુરીમા (ભાડલા) બાબરા ભુતના ત્રાશના કારણે મનુષ્યોમા હાહાકાર મચી ગયો છે
“ગામ ભાડલે ભુતડા ભમતા તા, દન ઉગ્યે માનવીને ભરખતા તા”
બાબરો ભુત અને તેનો પરિવાર (૧૮૦૦ ભુતાવળ) ભાડલાની સુંદરવાવમા રહે છે તે મનુષ્ય-પશુ-પંખીને મારીને તેને ખાય જાય છે, આ ભુતાવળના ડરના માર્યા ભાડલાની આસપાસ કોઈપણ જતુ નથી.
આગળની લીલા પછીના ભાગમાં…… (ભાડલાની ગાંડી ગેલના પરચા હવે પછીના ભાગમા)
ગાંડી ગેલ ગાત્રાળ મા ભાગ -4 👈
✍ વિજય વ્યાસ (વધાવી) – આ લેખનાં સર્વે copyright લેખક નાં છે.
આગળના ભાગ વાંચો 👇
Pingback: ગાંડી ગેલ ગાત્રાળ મા નો ઇતિહાસ અને પરચા ભાગ 2 - AMARKATHAO
Pingback: બાબરા ભુતને ગેલી ગાત્રાળ મા નો પરચો ભાગ 4 - AMARKATHAO