3705 Views
Heart touching story, દિવાળી હ્રદયસ્પર્શી વાર્તા , લેખક – નટવરભાઈ રાવળદેવ (થરા), આ વિભાગમાં નટવરભાઈની તમામ રચનાઓ મુકવામાં આવે છે. આ માળામાં ચોથા મણકારૂપી મોતી પરોવુ છુ. આશા છે આપ સૌને પસંદ આવશે જ… , Gujarati motivation stories collection. પ્રેરણાદાયી વાર્તાઓ, નવી વાર્તાઓ.
Heart touching story : દિવાળી
દિવાળી…..
======
દિવાળીના અવસરે નિલેષભાઈ પોતાની કારમાં મીઠાઈ અને કપડાં લઈને પોતાની સોસાયટી પાછળ આવેલ પચ્ચીસેક કુટુંબની ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારના નાકે આવીને ઉભા રહ્યા. ડીકી ખોલીને સામાન બહાર કાઢી રહ્યા હતા ત્યાં સુધી તો ઝૂંપડપટ્ટીનાં હાજર બાળકો,સ્ત્રીઓ એકઠાં થઇ ગયાં.
ઘડીકવારમાં તો વિતરણ પણ થઈ ગયું. લગભગ બધાં કુટુંબોને કપડાં,મીઠાઈ અપાઈ ચુકી હતી છતાંય અવાજો આવ્યે જતા હતા…. એ ભઈ!આ બેનને મીઠાઈ રઈ જઈ.એ સાયેબ! આ સોકરાને એક જરસી હોય તો આલો ને! ઓ મોટાભઈ!આ સોડીને માવતર નથી, એને એક લુઘડું વધારે આલો ને!
નિલેષભાઈએ ટુંકમાં પતાવ્યું, ફરી કોઈક વાર આવીશ ત્યારે આપીશ. હાલ તો જે કંઈ લાવ્યો હતો એ બધું ખલાસ થઈ ગયું.
કાર ચાલુ કરીને વીસેક મિટર આગળ આવ્યા ત્યાં એમની નજર એક દિકરી પર પડી. એમણે કાર થોભાવી. દિકરી હાથમાં પુસ્તક પકડીને વાંચી રહી હતી. બારેક વર્ષની ઉંમર હશે. એના નાનકડા મોંઢેથી સુરીલો સ્વર વહી રહ્યો હતો,
“ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ.
ગુણ તારા નિત ગાઈએ થાય અમારાં કામ.
હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ.
ભૂલ કદી કરીએ અમે,તો પ્રભુ કરજે માફ……”
સુરીલો સ્વર સાંભળીને કુતૂહલવશ નિલેષભાઈ કારમાંથી નીચે ઉતર્યા. એમને એટલો ખ્યાલ તો આવ્યો કે આ દિકરી મીઠાઈ લેવા તો નથી જ આવી. ઉતરીને દિકરી પાસે ગયા અને પુછ્યું. “બેટા!તું મીઠાઈ લેવા કેમ ના આવી?”
દિકરીએ જવાબ આપ્યો,”બાપુજીએ ના પાડી છે. અહીં તો બે ત્રણ દિવસથી કેટલાય લોકો ચીજ,વસ્તુઓ આપવા આવે છે પરંતુ બાપુજીએ કહ્યું છે કે, મહેનત વગરની કોઈ ચીજ વસ્તુ ના લેવાય.”
નિલેષભાઈ ચોંકી ગયા. દિકરીની શુધ્ધ ભાષા એટલી તો સાક્ષી પુરતી જ હતી કે તે કોઈ વ્યવસ્થિત માબાપનું સંતાન છે તો ઈંટો અને માટીની દિવાલ ને પતરાંના છાપરાવાળું નાનકડું ઘર અને બાજુમાં ઉભેલ હાથલારી ગરીબીની ચાડી ખાતાં હતાં.
નિલેષભાઈએ દિકરીના માથે હાથ મુકીને પુછ્યું, “બેટા તારુ નામ શું?”
દિકરીએ વિસ્મયપ્રેરક જવાબ આપ્યો,”સાહેબ! એક ઝાડ… ઝાડને બાર ડાળી….દરેક ડાળીએ ત્રીસ ત્રીસ પાન….. છેલ્લી ડાળીનું છેલ્લું પાન…. એ જ મારુ નામ…….”
દિકરીનું સુકલકડી શરીર, શરીર પર સાવ સાદાં કપડાં ને છતાંય “સુખ કી ભૂખ ના દુઃખ કી ચિંતા”-સાક્ષી ભરતો રૂઆબભર્યો ચહેરો ને એમાંય નામ પુછતાં મળેલો અજીબ જવાબ! નિલેષભાઈને નવાઈ લાગી.
નિલેષભાઈ દિકરીની બાજુમાં બેસી ગયા અને બોલ્યા, બેટા! “તું મારો સાહેબ ને હું તારો વિદ્યાર્થી બસ! પણ તારુ નામ પુછતાં તેં જે જવાબ આપ્યો એ સમજાવ.”
દિકરી ખિલખિલાટ હસી પડી ને પછી બોલી,”અરે સાહેબ આટલુંય ના સમજ્યા? એક ઝાડ એટલે એક વર્ષ…. બાર ડાળી એટલે બાર મહિના…. એનાં ત્રીસ પાન એટલે મહિનાના ત્રીસ દિવસ….. છેલ્લી ડાળીનું છેલ્લું પાન એટલે છેલ્લા આસો મહિનાનો છેલ્લો દિવસ આસો વદ અમાસ એટલે કે દિવાળી…..મારુ નામ દિવાળી. હવે સમજ્યા!”
ઘડીભર એકીટશે દિકરીને જોઈ જ રહ્યા નિલેષભાઈ. સાચ્ચે જ એક ગરીબ ઘરમાં સાચે સાચી દિવાળી જોઈ!!!!!!
નિલેષભાઈએ મીઠાશભર્યા સ્વરે દિકરીને કહ્યું, “બેટા, તારાં માબાપ ક્યાં છે?”
દિકરીનો ચહેરો થોડો વિલાયો. થોડીવાર રહીને બોલી, “માને લકવો થયેલ છે. છેલ્લા ત્રણ મહિનાથી ખાટલામાં છે. દવા ચાલું છે. હવે થોડું સારુ છે. આજે બાપુ એને દવાખાને ડોક્ટરને બતાડવા માટે લઈને ગયા છે. નાનો ભૈલો પણ સાથે ગયો છે.”નિલેષભાઈ ઢીલા થઈ ગયા છતાંય પુછ્યું, “બેટા! તું ભણે છે?”
દિકરીએ હકારમાં માથુ હલાવીને જવાબ આપ્યો,”હા સાહેબ, હું સરકારી પ્રાથમિક શાળામાં સાતમા ધોરણમાં ભણું છું ને ભૈલો પાંચમામાં. મારે તો ભણીને સ્કુલમાં બેન બનવાનું છે ને ભૈલાને મોટો સાહેબ!આ સત્રાંત પરીક્ષામાં હું વર્ગમાં પ્રથમ નંબરે પાસ થઈ છું ને ભૈલો પણ એના વર્ગમાં પ્રથમ નંબરે રહ્યો છે. અમે બન્ને ભાઈ બહેન ભણવામાં હોશિયાર હતાં એટલે તો મારા બાપુજી અમને લઈને ગામડેથી ત્રણ વરસ પહેલાં શહેરમાં આવ્યા. ગામડામાં બાપુજીને મજુરીકામમાં વધારે પૈસા નહોતા મળતા. અહીં તો બાપુજી દરરોજના ત્રણસો ચારસો રૂપિયા કમાઈ લે છે. મા પણ ત્રણ ઘરનાં કામ કરીને મહિને છ હજારનો ટેકો કરતી હતી પરંતુ ત્રણ મહિનાથી લકવો થતાં ખાટલામાં છે.”
નિલેષભાઈ રીતસરના ઢીલા થઈ ગયા. એમણે મોબાઈલમાં સમય જોયો. બપોરના સાડાબાર થવા આવ્યા હતા એટલે અનાયાસે પુછાઈ ગયું,”બેટા તેં કંઈ ખાધું છે?”
દિકરીએ સાહજિકતાથી જવાબ આપ્યો,”ના સાહેબ,ક્યાંથી ખાધું હોય!સરકારી દવાખાને વહેલો નંબર આવે એટલે બાપુજી તો માને લઈને દિવસ ઉગ્યે નિકળી ગયા. હજી પણ આવતાં વાર લાગશે. આવીને બાપુજી ખાવાનું બનાવશે ને પછી અમે ખાઈશુંં. હજી મને ભુખ નથી લાગી હો સાહેબ!”
નિલેષભાઈ દિકરીના માથા પર ફરીથી હાથ મૂકીને નીચું જોઈને નિકળી ગયા. ગાડી ચાલું કરીને સડસડાટ મારી મુકી. આજે એમણે સંસ્કાર,સમજણ અને સ્વમાનથી પ્રજ્વલિત દિવાળી નજરોનજર જોઈ હતી.
ઘેર આવીને ઘડીભર સોફામાં સૂનમુન બેસી રહ્યા. પત્નિ કૃપાબેને પાણી આપ્યું ને ચહેરો જોઈને પુછ્યું, “કેમ સાવ ઢીલા દેખાઓ છો?”
નિલેષભાઈએ પત્નિ સામે જોઈને કહ્યું,”ઢીલો તો થયો જ છું કૃપા,પરંતું હકીકત જાણીને તુંય ઢીલી થઈ જઈશ. મેં આજે નજરોનજર દિવાળી જોઈ!” નિલેષભાઈએ પાણી પીને બધી હકીકત કહી સંભળાવી. વાત સાંભળીને કૃપાબેન ખરેખર ભાવવિભોર બની ગયાં. પતિ પત્નિએ કંઈક નક્કી કરી લીધું. નિલેષભાઈ અને કૃપાબેન બન્ને એક જ કોલેજમાં પ્રોફેસર છે. પતિ પત્ની બન્ને પરગજુ સ્વભાવનાં છે પરંતુ કુદરતે હજી સંતાનસુખ આપ્યું નથી.
સાંજે જમીને નિલેષભાઈ અને કૃપાબેન બન્ને નિકળ્યાં એ જ ઝૂંપડપટ્ટીએ જવા માટે …..
નિલેષભાઈએ દિવાળીના ઘર પાસે ગાડી થોભાવી. ગાડી જોઈને ઝૂંપડપટ્ટીમાં થોડી હલચલ થઈ પરંતુ નિલેષભાઈ અને કૃપાબેન ગાડીમાંથી ઉતરીને સીધાં દિવાળીના ઘેર પહોંચી ગયાં.
કેરોસીનના દિવડાના અજવાળામાં દિવાળી નિલેષભાઈને ઓળખી ગઈ એટલે એણે એના બાપુજીને કહ્યું,”બાપુજી!સવારે આ સાહેબ મીઠાઈ અને કપડાં આપવા આવ્યા હતા અહીં અને મારી પાસે બેસીને મારા માથા પર હાથ ફેરવીને મારુ નામ પુછ્યું હતું.”
દિવાળીનાં માબાપે આવકાર આપ્યો. નાનકડી ખાટલીમાં નિલેષભાઈ અને કૃપાબેન બેઠાં. દિવાળીએ નિલેષભાઈ અને કૃપાબેનને પાણી આપ્યું.
નિલેષભાઈએ સવારની હકીકત દિવાળીના બાપુજીને કહી અને પછી કહ્યું,”તમારી દિકરીના સંસ્કાર,સમજણ અને સ્વામાને અમને અત્યારે અહીં ખેંચી લાવ્યાં છે.”
દિવાળીના પિતાજી શીવરામભાઈએ પોતાના પરિવારની બધી હકીકત ટુંકમાં કહી સંભળાવી. નિલેષભાઈએ પણ પોતાનો પરિચય આપ્યો.
નિલેષભાઈએ જાણ્યું કે, મા કાર્ડની સહાયથી દિવાળીની મા ભગવતીબેનની દવા થઈ રહી છે. દિવાળીના બાપુ હાથલારી પર માલસામાનની હેરફેર કરીને કુટુંબનો જીવનગુજારો કરી રહ્યા છે ને બન્ને બાળકોને સરકારી શાળામાં ભણાવી રહ્યા છે.
નિલેષભાઈએ જોયું કે સાવ નાનકડા ઘરમાંય ભગવાનના ફોટા પાસે દિવો ઝળહળી રહ્યો છે ને બાજુમાં શ્રીમદ્ ભાગવત ગીતાજી ગ્રંથ પડેલ છે. બાકી તો દિવાળીનાં માબાપ સાથેની વાતચીતમાં જ નિલેષભાઈ પામી ગયા કે ખરેખર આ ઝુંપડામાં સંતોષ અને સંસ્કાર સાહ્યબીની ઝગમગતી દિવાળી છે.
વાતચીત પુરી થતાં જ કૃપાબેને પોતાના પર્સમાંથી રાખડી કાઢીને નિલેષભાઈને આપી. નિલેષભાઈ રાખડી લઈને ભગવતીબેનના ખાટલા પાસે ગયા. દિવાળીનાં માબાપ તો નિલેષભાઈ શું કરવા માગે છે એ જોઈ જ રહ્યાં!
નિલેષભાઈ ભગવતીબેનના હાથમાં રાખડી પકડાવીને બોલ્યા,”આજથી તમે મારાં બહેન! બાંધો રાખડી.” એટલું બોલીને હાથ લાંબો કર્યો.
ભગવતીબેને દિવાળીના પિતા શીવરામભાઈ તરફ નજર કરી. શીવરામભાઈએ મૂક સંમતિ આપી.
વાતાવરણ લાગણીમય બની ગયું. થોડીવાર રહીને કૃપાબેને દિવાળીની માને કહ્યું, “નણંદ બા! કાલથી તમારે અમારે ત્યાં રહેવા આવી જવાનું છે. અમારા બગીચામાં ઓરડી ખાલી જ છે. તમારે વગર ભાડે કાલથી ત્યાંજ રહેવાનું છે. તમે સંપૂર્ણ સાજાં થઈ જાઓ ત્યારે અમારા ઘરનું કામ કાજ સંભાળી લેજો. દિવાળીના બાપુ એમની મરજી મુજબનો ધંધો કરી શકે છે. બન્ને બાળકોનો અભ્યાસ પુરો થાય ત્યાં સુધીની જવાબદારી આજથી અમારી. બાળકોનો અભ્યાસ પુરો થાય એટલે અમારી જવાબદારી પુરી……..”
દિવાળીના પિતાજી શીવરામભાઈ નિલેષભાઈને પગે પડે એના પહેલાં તો નિલેષભાઈએ એમને બાથમાં લઈ લીધા. બીજા દિવસે સવારે જ દિવાળીનો પરિવાર નિલેષભાઈને ત્યાં રહેવા આવી ગયો.
એક જ અઠવાડિયામાં તો દિવાળી નિલેષભાઈ અને કૃપાબેનથી એવી હળતી મળતી થઈ ગઈ કે જાણે એમની સગી દિકરી ના હોય! એણે કૃપાબેનને કહ્યું, “મામી !અમારા ઘેર ભૈલો છે તો તમારે ઘેર કેમ નથી? તમે અમારા માટે આટલું બધું કર્યું તોય ભગવાન નઈ સાંભળતો હોય કે શું?કાલથી જ ભગવાનને સવાર સાંજ ભૈલા માટે પ્રાર્થના કરીશ. હું જોઉં છું કે ભગવાન મારી પ્રાર્થના ક્યાં સુધી નથી સાંભળતા?”
કૃપાબેન પાસે કોઈ પ્રત્યુત્તર નહોતો પરંતુ તેઓ દિવાળીને એકીટશે જોઈ જ રહ્યાં. એમની આંખમાંથી દડદડ આંસું વહી પડ્યાં.
જોતજોતામાં એક વર્ષ વીતી ગયું. આજે દિવાળી છે. નિલેષભાઈ અને દિવાળીનો પરિવાર હોસ્પિટલમાં આમથી તેમ આંટા મારી રહ્યો છે. નર્સે બહાર આવીને મીઠો ટહુકાર કર્યો.”કૃપાબેને બાબાને જન્મ આપ્યો છે.”
નિલેષભાઈને આંગણે આજ દિવાળી જ દિવાળી છે…………….
========================
લેખક -નટવરભાઈ રાવળદેવ થરા.
પ્રા. શિક્ષક મું -થરા
તા. કાંકરેજ બ. કાંઠા
આ વાર્તાઓ પણ વાંચો 👇
- સંસ્કાર સાહ્યબી નટવરભાઈ રાવળદેવ વાર્તા 1
- નાથીયો – નટવરભાઇ રાવળદેવ વાર્તા 2
- સબંધોની આરપાર – નટવરભાઇ રાવળદેવ વાર્તા 3
ખાનદાની – ડૉ. આઈ. કે. વિજળીવાળા
