Skip to content

Mahabharat Read Online | વિરાટ યુદ્ધ ભાગ – 3

Mahabharat Read Online
7695 Views

મિત્રો આપ અહી Mahabharat ના વિરાટ યુદ્ધ ની સંપુર્ણ કથા online વાંચી શકશો. જો આગળના ભાગ વાંચવાનાં બાકી હોય તો અહી 👇 ક્લીક કરીને વાંચી શકશો.

MAHABHARAT – VIRAT YUDDH PART-1

MAHABHARAT – VIRAT YUDDH PART-2

                    વિરાટ યુદ્ધ ભાગ - 3

ઉત્તર ની શંકા અને અર્જુન દ્વારા સમાધાન

👉અર્જુન ભયભીત કુમાર ઉત્તર ને શમીવૃક્ષ પાસે લઈ જાય છે તથા ગાંડીવ ધનુષ વીશે જણાવે છે અને પાંડવો ના હથિયારો ઉતારવા નું કહે છે. હવે આગળ.

👉અર્જુન ઉત્તર ને સમીવૃક્ષ પર થી અસ્ત્રો શસ્ત્રો ઉતારવાનું કહે છે ત્યારે ઉત્તર કહે છે.

“મેં સાંભળ્યું છે કે તે વૃક્ષ પર કોઈ મૃત શવ છે. તે વૃક્ષ ની બાજુ માંથી કોઈ પસાર નથી થતું અને તમે મને તે વૃક્ષ પર ચડવાનું કહો છો.
મારા જેવા રાજકુમાર માટે મૃત શવ નો સ્પર્શ કરવો ઉચિત નથી. શવ ના સ્પર્શ થી હું અપવિત્ર થઈ જઈશ.”

👉અર્જુન- “ડરો નહીં રાજકુમાર, ત્યાં કોઈ શવ નથી ફક્ત અસ્ત્રો શસ્ત્રો જ છે. તમે એક મહાન સામ્રાજ્ય ના રાજપુત્ર છો, હું તમારી પાસે કોઈ નિંદનીય કાર્ય નહીં કરાવું.”

👉અર્જુન ના આમ કહેવાથી ઉત્તર મરેલા મન થી વૃક્ષ પર ચડી જાય છે અને અસ્ત્રો ઉતારે છે.

👉પાંડવો ના હથિયારો જોઈને ઉત્તર ના રુંવાડા ઊભાં થઇ જાય છે અને તે ભય થી ધ્રુજવા લાગે છે.

👉ઉત્તરે ચાર શ્રેષ્ઠ ધનુષ સાથે ગાંડીવ ધનુષ્ય ને જોયું અને ઉત્સુકતાવશ અર્જુન ને પુછવા લાગ્યો કે આ અસ્ત્રો શસ્ત્રો કોના છે. mahabharat story

👉અર્જુન અસ્ત્રો શસ્ત્રો નો પરિચય આપતા બોલે છે.

“આ ભયંકર ધનુષ અર્જુન નું ગાંડીવ ધનુષ છે. સાથે રહેલા બે અક્ષય તુણીર પણ અર્જુન ના છે. આ ધનુષ થી જ અર્જુને દેવતા અને દૈત્યો પર વિજય પ્રાપ્ત કરી છે.”

“આ ધનુષ ની દેવો દ્વારા પૂજા થયેલી છે. આ ધનુષ એક હજાર વર્ષ બ્રહ્મ દેવ પાસે, પાંચસો વર્ષ પ્રજાપતિ પાસે, પાંચસો વર્ષ દેવરાજ પાસે, પાંચસો વર્ષ સોમદેવ પાસે, સો વર્ષ વરુણ દેવ પાસે હતું ત્યાર બાદ આ ધનુષ ને અર્જુને ધારણ કર્યું છે.”

👉ત્યાર બાદ અર્જુને બીજા ભાઈઓ ના હથિયારો વિશે પણ ઉત્તર ને જણાવ્યું.

👉ઉત્તર – “મહાત્મા પાંડવો ના અસ્ત્રો અહીં છે તો પાંડવો ક્યાં છે, પાંડવો જુગાર માં સર્વસ્વ હારી ને ક્યાં ચાલ્યા ગયા છે, હવે તો તેમના વિષય માં કાંઈ સમાચાર પણ નથી મળતા.”

👉અર્જુન – “રાજકુમાર, હું જ પાર્થ અર્જુન છું, માનનીય કંક ભ્રાતા યુધિષ્ઠિર છે, ભોજનાલય માં રસોઈયા નું કામ કરનાર બલ્લવ ભીમસેન છે, અશ્વો ની દેખરેખ કરનાર ગ્રથિંક નકુલ છે, ગૌશાળા અધ્યક્ષ તંતિપાલ સહદેવ છે અને સૈરન્ધ્રી દ્રૌપદી છે.જેના કારણે ભાઈઓ સહિત કીચક માર્યો ગયો.”

👉ઉત્તર આશ્ચર્ય થી અર્જુન સામે જોવે છે અને પુછે છે.
“મેં અર્જુન ના દસ નામ સાંભળ્યા છે જો તમે તે નામ જણાવી શકો તો હું તમારી વાત પર વિશ્વાસ કરુ.”

👉ત્યારબાદ અર્જુન પોતાના દસ નામ ઉત્તર ને જણાવે છે જે આ પ્રમાણે છે.

👉અર્જુન, ફાલ્ગુન, જિષ્ણુ,કીરીટી, શ્વેતવાહન, વિભત્સુ, વિજય, કૃષ્ણ, સવ્યસાચી અને ધનંજય.
( આ સિવાય પણ અર્જુન ના નામો છે પણ અર્જુન ઉત્તર ને ફક્ત દસ નામ જ જણાવે છે.)

👉ઉત્તર – “તમારા આ નામ કેમ પડ્યા, તેનું કારણ શું છે, તમે તમારા નામો વીશે જણાવશો તો મને તમારી પર વિશ્વાસ આવી જશે.”

👉અર્જુન – “હું બીજા દેશો અને રાજ્યો ને જીતીને કર સ્વરૂપ ધન લઈને એ રાજ્યો ની રક્ષા કરું છું તેથી તે લોકો મને “ધનંજય” કહે છે”

“યુદ્ધમાં હું વિજય મેળવ્યા વગર પાછો નથી આવતો એટલે લોકો મને ‘વિજય’ કહે છે”

“યુદ્ધમાં મારા રથ પર સદૈવ સફેદ ઘોડા રહેતા હોવાથી મને ‘શ્વેતવાહન’ કહે છે.”

“મારો જન્મ હિમ પર્વત પર ઉત્તર ફાલ્ગુની અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રો ની સંધિ સમયે થયો હતો તેથી મને ‘ફાલ્ગુની’ કહે છે.”

“પહેલા ના સમય માં હું દાનવો સાથે યુદ્ધ કરવા જતો હતો ત્યારે દેવરાજે મારા માથે સૂર્ય સમાન ચમકદાર કીરીટ રાખ્યું હતું. તેથી મને ‘કિરીટી’ કહે છે.”

“હું યુદ્ધ માં ક્યારેય નિંદનીય કૃત્ય નથી કરતો તેથી મને ‘વિભત્સુ’ કહે છે”

“હું બંને હાથે એકસમાન બાણ વર્ષા કરી શકું છું એટલે મને ‘સવ્યસાચી’ કહે છે.”

“ધરતી પર મારા સમાન નિર્મળ કર્મ કરનાર કોઈ નથી તેથી મને ‘અર્જુન’ કહે છે.”

“હું અત્યંત બળવાન, દેવતાઓ પર વિજય પ્રાપ્ત કરવા વાળો છું તેથી મને ‘જિષ્ણુ’ કહે છે.”

“મારો કૃષ્ણ વર્ણ હતો અને બાલ્યાવસ્થામાં હું બધા ને અતિપ્રિય હતો તેથી મારા પિતાજી એ મારું નામ ‘કૃષ્ણ’ રાખ્યું હતું”

👉અર્જુના ના મુખે થી અર્જુન નો પરિચય સાંભળી ને ઉત્તર પ્રણામ કરે છે અને કહે છે.

“મારું નામ ભૂમિજન્ય છે અને ઉત્તર નામ થી પણ જાણીતો છું”

” હું સદભાગ્યે તમારા દર્શન કરી શકું છું અને તમારું સ્વાગત કરું છું. હું જે કાંઈ અજ્ઞાન માં બોલી ગયો તે માટે મને ક્ષમા કરો.”

“તમે ભૂતકાળમાં જે જે પરાક્રમ કર્યા છે તેના સ્મરણ થી મારો ભય દૂર થઈ ગયો છે. મને સારથિ બનાવી ને તમે કઈ બાજુ યુદ્ધ કરવા માંગો છો તે કહો એટલે હું રથ ને તે દિશા તરફ ચલાવું.”

👉અર્જુન – “રાજકુમાર, હવે તમે જરા પણ ચિંતા ન કરો. હું તમારા શત્રુઓ ને યુદ્ધ માંથી ભાગવા વિવશ કરી દઈશ. આજ તમે મારું રણકૌશલ જોવો.”

“તમે નિર્ભય થઈને સારથિ ના સ્થાને બેસી જાવ, તમે બેઠા હશો તે જગ્યા ની રક્ષા હું એક નગર ની જેમ કરીશ‌.”

👉ઉત્તર – ” હું હવે કૌરવો થી ભયભીત નથી. હું જાણું છું કે તમે યુદ્ધ માં કેશવ અને ઈન્દ્ર સમાન છો.”

” મેં ગુરુ દ્વારા સારથિ વિદ્યા શીખી છે અને હું નિપુણ સારથિ છું.”

👉ત્યારબાદ ઉત્તર તેના રથ ના ઘોડાઓ ની શક્તિ નો પરિચય આપે છે અને અર્જુન ની આજ્ઞા ની રાહ જોવા લાગે છે. mahabharat in Gujarati

👉ઉત્તર ને રથ ચલાવા તૈયાર જોઈને અર્જુન પોતાના ધનુષ ગાંડીવ ની ભયંકર ટંકાર કરે છે.

Mahabharat virat yuddha
mahabharat virat yuddha part 3

Mahabharat Read Online | વિરાટ યુદ્ધ ભાગ – 3


અર્જુન નો શંખનાદ

કૃપાચાર્ય દ્વારા કર્ણ ને ફટકાર

👉અર્જુન ના ગાંડીવ ની ટંકાર થી જાણે એક પર્વત બીજા પર્વત સાથે ટકરાય એવી ભયાનક ધ્વનિ ઉત્પન્ન થઈ.
બીજી બાજુ ઉભેલા કૌરવોને તે ટંકાર વજ્ર ના વિસ્ફોટ જેવી લાગી.

👉ત્યારબાદ અર્જુન અને ઉત્તર રથ થી સમીવૃક્ષ ની પ્રદક્ષિણા કરે છે.

👉અર્જુને ઉત્તર ના રથ પર ના ધ્વજ ને ઉતારી ને સમીવૃક્ષ ના થડ માં રાખ્યો અને આગળ વધ્યો.

👉અર્જુન મન થી આહ્વાન કરીને વિશ્વકર્મા રચિત ધજા રથ પર લગાવે છે પછી અગ્નિ દેવ નું આહ્વાન કરીને પોતાના રથ ની શક્તિ ઓ અલ્પ સમય માટે ઉત્તર ના રથ માં સ્થાપિત કરે છે.
( અર્જુન ને તેનો શ્વેત વાહન રથ અગ્નિદેવે ખાંડવ દહન સમયે આપ્યો‌ હતો.)

👉રથ મા શક્તિઓ સ્થાપિત થતાં જ અર્જુન ઉત્તર દિશા તરફ રવાના થયો.

👉થોડો આગળ વધી ને અર્જુને શત્રુને ભયભીત કરવા શંખનાદ કર્યો. શંખ ધ્વનિ થી રથ ના બળશાળી ઘોડા ઘુંટણ પર બેસી ગયા અને રાજકુમાર ઉત્તર પણ ભયભીત થઈ ને રથ ના અગ્રભાગમાં જઈ બેઠો.

👉આવું થયેલું જોઈને અર્જુને સ્વયં ઘોડા ની લગામ પકડી ને રથ ને કાબૂ કર્યો અને ઉત્તર ને સાંત્વના આપતા કહ્યું.
“રાજપુત્ર, તમે ક્ષત્રિય છો માટે શત્રુઓ ની સામે આવ્યા પછી ડરો નહીં. તમે તો અનેક યુદ્ધો માં શંખનાદ સાંભળ્યા હશે. તો મારા શંખ ની ધ્વનિ થી કેમ ભયભીત થાવ છો”

👉ઉત્તર – “મેં અનેક વખત શંખનાદ સાંભળ્યા છે પણ આવો શંખનાદ ક્યારેય નથી સાંભળ્યો. આવો ધ્વજ પણ ક્યારેય નથી જોયો અને ધનુષ ની આવી ટંકાર પણ ક્યારેય નથી સાંભળી.”

“તમારા શંખ ની ધ્વનિ અને ગાંડીવ ની ટંકાર થી મારુ હ્રદય ભયભીત થાય છે. ગાંડીવ ના અવાજ થી મારા કાન બહેરા થઈ ગયા છે.”

👉અર્જુન – ” રાજકુમાર, તમે રથ ને એક જગ્યાએ સ્થિર કરો અને રથ ના ઘોડા ની લગામ અને રથ ને મજબૂતી થી પકડી રાખો. હું પુનઃ શંખનાદ કરું છું”

👉આ બાજુ કૌરવ સેના માં આચાર્ય દ્રોણ બોલે છે.
” જે પ્રમાણે રથ ની ગડગડાટ થાય છે, જેવો શંખનાદ હમણાં થયો છે અને જેવી ધનુષ ની ટંકાર હમણાં થઈ છે તેથી એવું લાગે છે કે અર્જુન આપણી બાજુ આવી રહ્યો છે.”

“મને એવું લાગે છે આપણી સેના નિરુત્સાહી થઈ ગઈ છે, જાણે કોઈ લડવા જ નથી માગતું માટે આપણે ગાયો ને આગળ મોકલી અને વ્યૂહ બનાવી ને લડવા તૈયાર થઈ જવું જોઈએ”

👉દુર્યોધન – ” જુગાર ના પ્રણ અનુસાર પાંડવો ને બાર વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસમાં રહેવાનું હતું.
હજુ તેમનું તેરમું વર્ષ ચાલું છે છતાં અર્જુન અહીંયા લડવા આવે છે.”

” આપણી સામે‌ લડવા આવનાર અર્જુન હશે તો પાંડવો ને ફરી બાર વર્ષ વનવાસ માં રહેવું પડશે”

” પાંડવો ને અજ્ઞાતવાસ ના સમયની ગણતરી કરવામાં કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો તે સમય નું સચોટ આંકલન ભીષ્મ પિતામહ જ કરી શકે એમ છે”

“આપણે અહીંયા મત્સ્ય દેશ ની સેના સાથે યુદ્ધ કરવા આવ્યા છીએ અને ઉત્તર ની જ રાહ જોઈએ છીએ છતાં જો અર્જુન આવી ગયો છે તો પણ હવે પાછા નહીં હટવી.”

“આપણે સુશર્મા ની સહાયતા માટે અને રાજા વિરાટ થી લડવા આવ્યા હતાં. આપણે તથા ત્રિગર્તો એ પ્રતિજ્ઞા કરી હતી કે તેઓ સપ્તમી ના દિવસે ગાયો પર અધિકાર કરી લેશે અને આપણે અષ્ટમી ના દિવસે આક્રમણ કરશુ.”

“આ સમયે ત્રિગર્તો આપણી બાજુ ગાયો હાંકી ને આવતા હોય પણ પરિસ્થિતિ જોતા લાગે છે કે રાજા વિરાટે ત્રિગર્તો ને પરાજિત કરીને ભગાડી મુક્યા છે અને રાજા વિરાટ સેના લઈને આપણી બાજુ આવી રહ્યા છે.”

“રાજા વિરાટ ની સેના નો કોઈ મહા પરાક્રમી યોદ્ધો આગળ વધી ને આપણી સાથે યુદ્ધ કરવા આવ્યો છે. અને એ પણ સંભવ છે કે વેશ બદલી ને રાજા વિરાટ જ આવ્યા હોય.”

“આ રાજા‌ વિરાટ હોય કે અર્જુન હવે તો આપણે યુદ્ધ કરવાનુ જ છે.”

” ન જાણે કેમ પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ વગેરે મહારથી ગભરાઈ ને રથ પર બેઠા છે, હે વીરો હવે યુદ્ધ સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી.”

👉કર્ણ – “મિત્ર દુર્યોધન, તમે ગુરુ દ્રોણાચાર્ય ને પાછળ રાખી ને સ્વયં યુદ્ધ ની બાગડોર હાથમાં રાખો, ગુરુદેવ અર્જુનને વધુ પ્રેમ કરે છે અને અહીંયા પાંડવો નું નામ લઈને આપણને ભયભીત કરવા માંગે છે.
અત: તમે એવી વ્યવસ્થા કરો જેથી આપણી સેના નિરુત્સાહી ન થાય.”

” એવુ લાગે છે કે આચાર્ય ના હ્રદય માં આપણા માટે ક્રોધ અને દ્વેષ છે. સામાન્ય રીતે આચાર્ય પાપરહિત, દયાળુ, બુદ્ધિમાન અને હિંસા વિરુદ્ધ હોય છે પણ આવી વિકટ પરિસ્થિતિ હોય ત્યારે તેમની સલાહ ન લેવી જોઈએ. બ્રાહ્મણ નું કાર્ય શિક્ષા આપવાનું છે યુદ્ધ કરવાનું નહીં.”

“એવું લાગે છે કે તમારા માંથી કોઈનું મન યુદ્ધ માં નથી લાગતું,
સામે આ રાજા વિરાટ હોય અથવા સ્વયં અર્જુન હોય તો પણ હું તેને રોકી લઈશ‌. મારા ધનુષ માંથી છુટેલા બાણ અચૂક હોય છે અને મારા બાણ રણભૂમિમાં અર્જુન ને ઢાંકી નાખશે.”

” આજ હું મારા બાણો દ્વારા અર્જુન નો વધ કરીને મારા મિત્ર દુર્યોધન ના ઉપકારો થી મુક્ત થઈશ. આજે કૌરવો શાંતિ થી મારું પરાક્રમ જોવે”

👉આમ, કર્ણ વારંવાર પોતાની પ્રશંસા કરે છે એટલે કૃપાચાર્ય થી ન રહેવાયું.

👉કૃપાચાર્ય- ” રાધાપુત્ર કર્ણ, તને યુદ્ધ ની ઘટનાઓ તથા પરિણામ નું કાઈ ભાન નથી‌. શાસ્ત્રો માં યુદ્ધ ની અનેક નીતિઓ છે.”

” જે યુદ્ધ સ્થળ અને સમય અનુસાર હોય તેમાં વિજય પ્રાપ્ત થાય છે પરંતુ કોઈ યુદ્ધ સમય અને સ્થળ ની પ્રતિકૂળ હોય તે યુદ્ધ માં પરાજય પણ મળી શકે છે. સમય અને સંજોગો અનુસાર પોતાનું શૌર્ય પ્રગટ કરવું જોઈએ.”

“અર્જુન નું બળ અને સ્વભાવ જાણતા અમે ગુરુઓ એક નિશ્ચય પર પહોંચ્યા છીએ કે આપણા માંથી કોઇ અર્જુન થી યુદ્ધ કરવા સમર્થ નથી.” the mahabharata

“અર્જુને ખાંડવ વન માં દેવો ને હરાવી ને અગ્નિ દેવ ને તૃપ્ત કર્યા છે. અર્જુને 5 વર્ષા બ્રહ્મચર્ય નું પાલન કર્યું છે.”

“તેણે એકલા એ જ સુભદ્રા નું હરણ કરીને કૃષ્ણ, બલરામ જેવા યોદ્ધાઓ ને લલકાર્યા હતા.”

“તેણે એકલાએ જ જયદ્રથ ને તેની સેના સહિત હરાવી ને કૃષ્ણા ને મુક્ત કરાવી હતી.”

“જે ગંધર્વો સામે તું મિત્ર ને સંકટ માં છોડી ને ભાગી ગયો હતો. તે ગંધર્વો અને ચિત્રસેન ને અર્જુને એકલાએ હરાવ્યા હતા.”

“અર્જુને એકલાએ જ દેવતાઓ માટે પણ અજેય એવા નિવાતકવચો, કાલકેયો અને પૌલોમ નામના દૈત્યોનો નાશ કર્યો છે.”

” હે કર્ણ, તું કહે તે એકલાએ પહેલાં આવું ક્યું પરાક્રમ કર્યું છે, જે મૂર્ખ એકલો અર્જુન થી લડવાનું સાહસ કરે તેને પોતાની ચિકિત્સા કરાવવી જોઇએ.”

” જે પોતાના ગળે વિશાળ પથ્થર બાંધી ને સમુદ્ર માં કુદીને પાર કરવાનું વિચારે તે પરાક્રમી નહીં મૂર્ખ કહેવાય.”

“આપણે‌ અર્જુન ને તેર વર્ષ દુઃખ આપ્યું છે તેથી હવે તે પિંજરા માંથી છુટેલા સિંહ સમાન આપણી પર તુટી પડશે માટે આપણા સૈનિકો વ્યૂહ બનાવી ને સાવધાન રહે.”

“હે કર્ણ, મારો મત છે કે દ્રોણ, દુર્યોધન, અશ્વત્થામા, ભીષ્મ, તું અને હું એકસાથે મળીને અર્જુન વિરુદ્ધ યુદ્ધ કરીએ.”

” કર્ણ, તું એકલો જ અર્જુન થી યુદ્ધ કરવાની ભૂલ ન કરતો. જો આપણે બધા મહારથી એકઠા થઇ જઈએ તો યુદ્ધ માટે આવેલ ઈન્દ્ર સમાન અર્જુન સામે લડવા સક્ષમ છીએ.”

👉આમ, કૃપાચાર્ય કર્ણ ને ફટકાર લગાવે છે તથા પોતાનો મત રજુ કરે છે.

👉વધુ આગળ ના ભાગમાં

🙏હર હર મહાદેવ 🙏
🙏જય શ્રી કૃષ્ણ 🙏

  • મહેન્દ્ર સિંહ ગોહિલ

વિરાટ યુદ્ધ – મહાભારત ભાગ-4 અહીથી વાંચો👈

વિરાટ યુદ્ધ – મહાભારત ભાગ-5 અહીથી વાંચો👈

mahabharat story, Mahabharat katha, Virat yuddha, the mahabharata, mahabharat ki katha, Read online Mahabharat, Mahabharat Pdf,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *