Skip to content

પરીક્ષા પાઠ | પન્નાલાલ પટેલ ધોરણ 7

પરીક્ષા પાઠ | પન્નાલાલ પટેલ ધોરણ 7
7070 Views

પરીક્ષા પન્નાલાલ પટેલ લિખીત નવલિકા છે, જેમાં મહાદેવ નામનો વિદ્યાર્થી બીજાના ખેતરમાં આવી ચડેલી ગાયને હાંકવા જાય છે, અને પરીક્ષામાં મોડો પહોચે છે, એની સુંદર રીતે રજૂઆત કરવામાં આવી છે, Pariksha – Pannalaal Patel std 7, ગુજરાતી વાર્તા સંગ્રહ

પરીક્ષા – પન્નાલાલ પટેલ

સૂર્ય ઊગ્યો. ઘઉં ચણાના મોલ ઉપર સોનું છાંટવા લાગ્યો …

વસંતનો વાયરો મોલ ઉપરનું સોનું સાંભરવા માંડ્યો ….

પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું. પાંખોનો વીંજણો વીંઝતું હવામાંનું સોનું ધરતી ઉપર પાછું ધકેલાતું હતું …

ગામમાંથી ગાયભેંસનું ધણ છૂટ્યું. ધરતી ઉપર વેરાયેલું સોનું મોઢે મોઢે ફંફોળતું જતું ખાતું હતું.

શાળાએ જવા છોકરાં હાલ્યાં, મોલ જોતાં, હવા ખાતાં, પક્ષીઓના માળા પાડતાં, ખેતર શેઢેથી પસાર થતી રૂપેરી પગદંડી પર સોનેરી પગલાં પાડતાં …

એક છોકરો બોલી ઊઠ્યો : ‘ ઉપાડો પગ. આજે મારે પરીક્ષા આપવાની છે. ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલા છે.’

‘ તારે આપવાની છે . અમારે શું ? ‘ ચારેયમાં મોટો છોકરો મશ્કરીમાં બોલી ઊઠ્યો.

‘ અમને ઓછી શિષ્યવૃત્તિ મેળવવાની છે ? ‘ ત્રીજાએ ટાપસી પૂરી.

‘તમે અરજી કરો તો તમનેય મળે.’ ઉમેર્યું : ‘ પણ તમે કાંઈ મારા જેવા ગરીબ નથી. ’ પહેલો બોલ્યો.

‘પણ તને જ ક્યાં મળી છે ? તમારા દસની પરીક્ષા લેશે ત્યારે ને મહાદેવ ? ’ વડાએ કહ્યું.

‘ ને કેમ જાણ્યું કે પહેલા ત્રણમાં તું આવીશ ? ‘ ચોથોય વાતમાં પડ્યો.

‘ એમ તો નહીં પણ પહેલો આવીશ ‘ મહાદેવે સગર્વ કહ્યું.

‘ કહેવાય નહીં હોં , મહાદેવ. ’ વડાએ કહ્યું. ‘ આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું નય દોડે ! ‘

‘ ન શું દોડે ? એવી પાટી મેલાવું કે –

ત્રીજો વચ્ચે બોલ્યો : ‘ મણિયાને તું કમ ન જાણતો. છઠ્ઠા ( ધોરણ ) માં પહેલે નંબરે આવ્યો જ હતો ને વળી ? ’

‘ એ તો હું માંદો –

ચોથો બોલી ઊઠ્યો : ‘ ને નટુડો ઓછો છે કે ? એમાં પાછા એના બાપા હેડમાસ્તર છે.

બીજાએ ત્રીજી વાત કરી : ‘ મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે તેથી એને તો મળવાની જ. ‘

‘ ને ધનશંકરના માસા ? એ જ મને કહેતો હતો કે વિદ્યાધિકારીના હેડક્લાર્ક છે. એમના જ હાથમાં બધું. ’

પણ મહાદેવ ન ડગ્યો : ‘ ના રે ના. એવું હોત તો પરીક્ષા જ ન લેત. ખાલી તમે ઘોડાં દોડાવો છો. ’

વડાએ કહ્યું : ‘ ઠીક ભાઈ, જોઈએ છીએ ને ! મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. ’

‘ હા હા દીવો બળે એટલે ! પહેલો નંબર લાવું. ’ મહાદેવ તાનમાં હતો.

‘સારું તો તો, કેમ ભાઈ શંકા ? ‘ ત્રીજાએ વડા પાસે ટેકો માગ્યો.

‘ હાં વળી, આપણા ગામનું નાક રહેશે. પહેલો આવીશ તો દર મહિને પંદર ( રૂપિયા ), બીજાને દસને ત્રીજો આવીશ તોય – પાંચ. પાંચેય ક્યાં છે ગાંડા ! ‘

ત્રીજાએ લાગ સાધ્યો : ‘ ને આપણને ઉજાણી મળશે. ’

ચોથાએ પાકું કર્યું : ‘ હૈં ને મહાદેવ ? ’

‘ નક્કી જાઓ. ’ મહાદેવ મંજૂર થયો …

આ રીતે આ ચારેય છોકરા જીભના ઝપાટા મારે છે ને ચાલી રહ્યા છે. અડખે – પડખે લળી રહેલી ઉંબીઓને પસવારતા જાય છે. મોલ ઉપર બેસવા જતાં પક્ષીઓ ઉડાડતા જાય છે. દૂર દેખાતાં ઝાડનાં ઝુંડમાં નિશાળ સામે લાંબી નજર નાખી લે છે. ચારે દિશે પથરાઈ રહેલા મોલની ઉપર નજર એમની ફરતી રહે છે …

એકાએક મહાદેવની નજર થંભી જાય છે. અટકીને ઊભો રહે છે. બોલી પડે છે : ‘ ખાઈ જવાની ! ’

પેલા ત્રણેય અટકે છે. મહાદેવની નજર ભેગી નજરને ગૂંથે છે. પેલી બાજુના ખેતર તરફ જુએ છે. પાણી સરખો કૂળો કૂળો ઘઉંનો મોલ છે. સારસ પક્ષી તરતું હોય એવી એક ગાય છે. ધીમે ધીમે ચાલે છે ને ખાતી જાય છે.

‘ કાપલો કાઢી નાખવાની ! ‘ મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયેલા લાગતા હતા.

‘ તારી માસીના ખેતરમાં લાગે છે. ’ શંકાએ અટકળ કરી.

ત્રીજાએ કહ્યું : ‘ શેઢા પર છે. ’

મહાદેવ વિચારમાં હતો. બોલ્યો તે પણ વિચારતો હોય એવી રીતે : ‘આ પા કે પેલી પા પણ ખાવાની તો ઘઉં જ ને ! ‘

શયતાની સાંકળ - દરિયાલાલ નવલકથા

શયતાની સાંકળ ભાગ 1 દરિયાલાલ નવલકથા | Dariyalal Navalkatha Read online

ગામ તરફ એણે નજર દોડાવી દૂર કોઈ માણસને જોયું. બૂમ પાડીને કહેવા લાગ્યો : ‘ એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય – ‘

વળી થયું : ‘ ક્યારે આવશે ને ક્યારે હાંકશે ? એટલામાં તો કાપલો કાઢી નાખશે ! ‘

મહાદેવે શંકા સામે દફતર ધર્યું, ‘ લે ને શંકા. ગાયને હું હાંકતો આવું. ’

શંકાએ દફતર લીધું. યાદ આવ્યું : ‘તારે લ્યા પરીક્ષા છે ને – ‘

‘ આવ્યો આમ. મહાદેવે પાટી લગાવી. મોલ ઉપર ઊડતી ઊડતી સમડી જતી હોય એવું એનું માથું દેખાતું હતું. કહેતો હતો : ‘ તમ તમારે હેંડતા થાઓ. આવ્યો હું તો આમ ‘

હરાયું ચરેલી ગાય ! મસ્તાન હોય એમાં નવાઈ શી ?

મહાદેવ મન કરીને ઢેફાં મારે પણ ચરબીભરી ગાયને તો લાડનાં લટકાં હતાં. એટલામાં સોટું પણ ન હતું. શેઢા ઉપરથી આકડાનો એક ડોરો ભાંગ્યો. પણ ગાયને તો ચમરી જાણે શરીર પરથી માખો જ ઉડાડતી હતી.

માંડ માંડ માસીનું ખેતર વટાવ્યું તો બીજું પાછું કાકાનું આવ્યું. કાકા ખારીલા હતા. ‘ પણ એટલે કાંઈ ગાયને ઘઉં ખાવા દેવાય ? ‘

તો ત્રીજું ખેતર ગામના એક ગરીબનું હતું. મહાદેવને થયું : ના, ના, નારજીકાકાને આ આટલું એક ખેતર છે ને – કાપલો કાઢી નાખશે ! ને વળી ગાયને આગળ હાંકી …

મહાદેવમાં અધીરાઈ ને અકળામણ વધવા લાગી …

એક લાકડું હાથમાં આવતાં ગાયને ઝૂડવા માંડી. ગાયે મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવ સામે જોયું, પણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો. એટલે પછી આડાઅવળે દોડવા માંડ્યું.

નારજીકાકાનું ખેતર પૂરું થયું. મહાદેવને થયું : ‘ જાઉં. ’ પણ શંકાનું જ એ ખેતર હતું : ‘ એને થશે મારા જ ખેતરમાં મૂકી આવ્યો’

મહાદેવની અકળામણનો પાર ન હતો. શાળા તરફ જઈ રહેલાં છોકરાનાં હવે માથાં પણ નહોતાં દેખાતાં. મહાદેવે ઢીલા પડતા મનને મજબૂત કર્યું : ‘ આટલું ખેતર કાઢીને મેલીશ ને પાટી કે – ‘

ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય પેઠી. મહાદેવની મૂંઝવણે હવે માઝા મૂકી. એની ગતિ ગામ તરફ પાછી હતી ને સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી.

અકળામણમાં રડવા સરખો થઈ ગયો. ગાયને ભંડતો ગયો, મારતો ગયો ને વળી વળીને પાછું જોતો ગયો.

પણ પોતાનો શેઢો વટાવ્યો ત્યાં જ એનો ગભરુ જીવ રડી ઊઠ્યો : ‘આ તો પેલાં ખુશાલમાનું ખેતર આવ્યું ! એમને કોઈ હળ હાંકનાર તો છે નહીં ને ગામમાંથી લોકોનાં હળ માગીને આટલું ખેતર વવરાવ્યું છે. એટલેથી હાંકી લાવી મેલીને ખુશાલમાના ખેતરમાં મેલવી ? ! ’

… ને ભલો મહાદેવ રડતો ગયો, માથા ઉપર આવવા કરતાં સૂરજ સામે જોતો ગયો ને અલમસ્ત ગાયને ઝૂડતો ગયો.

એમાં વળી વાડ નડી. કાઢવી ક્યાં થઈને ?

ને મૂંઝાયેલો મહાદેવ, વાડમાં છીંડું પાડતો ગયો, નાકને સીકતો ગયો, પસીનો લૂછતો ગયો ને રડતો રડતો પાછી વળેલી ગાયને ભાંડતો ગયો : ‘ એ પાછી ક્યાં જાય છે ? … અહીં છીંડામાં મરને … ‘

મળેલા જીવ નવલકથા - પન્નાલાલ પટેલ

મળેલા જીવ નવલકથા – પન્નાલાલ પટેલ | Malela Jiv 1941

દોડીને મહામહેનતે ગાય વાળી. છીંડા વાટે બહાર કાઢી. ને અજબગજબની મુક્તિ અનુભવતા મહાદેવે જમના હાથમાંથી છૂટ્યો હોય એ રીતે શાળા તરફ એવી તે મૂઠીઓ વાળી ! મોલની સપાટીએ ‘ સનનનન ’ કરતો છૂટેલો તોપનો કોઈ ગોળો જોઈ લ્યો !

પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી !

દસમા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો.

ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું. એનો આખો ચહેરો આંસુથી ખરડાયેલો હતો. અંગે પણ પસીનામાં રેબઝેબ હતો.

સવાલ કર્યો : ‘ કેમ ભાઈ, મોડો પડ્યો ?’

મહાદેવ રડતો ગયો ને પોતાની કથની કહેતો ગયો : ‘ ઘઉંના મોલમાંથી ગાય હાંકવા ગયો હતો સાહેબ … જતાં તો જઈ લાગ્યો પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી સાહેબ ? એટલે પછી ખેતરોની બહાર ગાયને કાઢવા રહ્યો એમાં મને –

ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતાં, પણ માનવતાની સરવાણી હતી. પોતાનેય પૂછતી હતી : ‘ કોના મોલમાં મારે એ હરાઈ ગાયને મૂકવી સાહેબ – આપ જ કહો ? ! ‘

ને જાણે ઇન્સ્પેક્ટર પોતાના મનની વાત બબડી પડ્યા : ” પાસ છે, જા.”

ખ્યાલ આવતાં શિક્ષકને હુકમ કર્યો : ‘ આપો એને પેપર. ’

મહાદેવનાં આંસુ આનંદમાં ફેરવાઈ ગયાં. અંગ ઉપરના પસીનામાં પ્રકાશે – શક્તિએ પ્રવેશ કર્યો.
પેપર લઈને મંડી પડ્યો …

✍ પન્નાલાલ પટેલ.

પરીક્ષા પાઠ | પન્નાલાલ પટેલ ધોરણ 7
પરીક્ષા પાઠ | પન્નાલાલ પટેલ ધોરણ 7

🌺 પન્નાલાલ પટેલનો પરિચય 🌺

જન્મ : ઈ. સ. 1912
મૃત્યુ : ઈ. સ. 1988

પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડલી ( હાલ રાજસ્થાનમાં આવેલા ) ગામમાં થયો હતો. તેમણે ઈડરમાં રહી માત્ર ચાર અંગ્રેજી ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો, તેમ છતાં ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક તરીકે નામના મેળવી હતી.

તેમણે ‘ વળામણાં ’ , ‘ મળેલા જીવ ’ અને ‘ માનવીની ભવાઈ ‘ જેવી નવલકથાઓ તથા ‘ સુખદુઃખના સાથી ’ , ‘ વાત્રકને કાંઠે ’ , ‘ ઓરતા ’ જેવા વાર્તાસંગ્રહો આપ્યા છે. ગ્રામજીવનનું નિરૂપણ કરવામાં પન્નાલાલ સફળ રહ્યા છે.
તેમના સર્જનને ધ્યાનમાં રાખી તેમને ‘ રણજિતરામ સુવર્ણચંદ્રક ’ તથા ‘ ભારતીય જ્ઞાનપીઠ ‘ પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે.

Pannalal Patel Malela jiv, manavi ni Bhavai, Pannalal Patel books online, vatrakne kathe book, Malela jiv pdf book, manavi ni bhavai pdf downloud, Pannalal patel ni vartao, Gujarati navalkatha, pannalala patel ni navalkatha.

અન્ય વાર્તાઓ અહીંથી વાચો

લાડુનું જમણ

જુમો ભીસ્તી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *