6277 Views
અમરકથાઓમા આજે વાંચો ટાઢુ ટબુકલુ અને ડોશીમાની વાર્તા, આ વાર્તા બાળપણમા દાદા દાદી પાસેથી સાંભળવાની ખુબ જ મઝા આવતી, ફરી એકવાર વાંચીને જુની યાદો તાજી કરીએ. જુની બાળવાર્તાઓનો ખજાનો, દાદીમાની વાર્તા, tadha tabukala ni varta, gujarati balvarta sangrah, old gujarati story collection
ટાઢા ટબુકલાની વાર્તા
એક હતા ડોશીમા. તે જંગલમાં એક ઝૂંપડીમાં રહેતા હતા. ઝૂંપડીનું છાપરું તૂટેલું હતું. ચોમાસું આવ્યુંને છાપરામાંથી પાણી ઝૂંપડીમાં પડવા લાગ્યું. ડોશીમા બોલ્યા :
“હું વાઘલાથી ના બીવું
હું સિંહલાથી ના બીવું
બીવું હું એક ટાઢા ટબુકલાથી“
બરાબર આ વખતે એક સિંહ તેમેની ઝૂંપડી આગળ વરસાદથી બચવા લપાઈને ઉભો હતો. તેણે તો આ ગીત સાંભળ્યું અને વિચારવા લાગ્યો કે આ ટાઢું ટબુકલુ કેવું હશે? બહુ જ ખતરનાક હશે. તો જ આ ડોશીમા આવું ગાય છે. એટલામાં વરસાદનુ ટીપુ તેની ઉપર પડ્યું. તેને થયું, બાપ રે- આતો ટાઢું ટબુકલું જ લાગે છે. તે તો ભાગવા માંડ્યો. રસ્તામાં એક ઝાડ પર વાંદરો બેઠો હતો. તે બોલ્યોઃ” અરે! સિંહ રાજા આમ કેમ ભગો છો?”
સિંહ કહે- અરે, જવા દે વાત. એક ટાઢું ટબુકલું છે તે બહુ જ બદમાશ છે. તે આપણેને ખાઈ જશે પેલા ઝૂંપડીવાળા ડોશીમા ગાતા હતા
હું વાઘલાથી ના બીવું
હું સિંહલાથી ના બીવું
બીવું હું એક ટાઢા ટબુકલાથી…
વાંદરાને થયું સિંહ કાંઈ ખોટું થોડું બોલે? બરાબર એ જ વખતે વરસાદનું ટીપું વાંદરા પર પડ્યું. વાંદરાને થયું, આ ટાઢું ટબુકલું જ લાગે છે. તે તો ગભરાઈ ગયો અને કૂદ્યો અને પડ્યો સિંહની પીઠ પર. બેય જણા જાય નાઠા…. જાય નાઠા…..
સામે એક વાઘ મળ્યો, તે કહે અરે અરે વાંદરાજી સિંહ પર બેસીને આમ કેમ ભાગ્યા જાઓ છો? શું થયું?
વાંદરો કહે- એક ટાઢું ટબુકલું છે. બહુ જ બદમાશ છે. તે બધાને ખાઈ જાય છે. તે અમારી પાછળ પડ્યું છે એટલે અમે ભાગીએ છીએ.
પેલા ઝૂંપડીવાળા ડોશીમા ગાતા હતા
હું વાઘલાથી ના બીવું
હું સિંહલાથી ના બીવું
બીવું હું એક ટાઢા ટબુકલાથી…
બરાબર તે જ વખતે વરસાદનું ટીપું વાઘ પર પડ્યું. વાઘને થયું આ ટાઢું ટબુકલું જ લાગે છે. તે તો ગભરાઈ ગયો અને નાસવા લાગ્યો. આગળ સિંહ, તેની ઉપર વાંદરો અને પાછળ વાઘ. જાય નાઠા….. જાય નાઠા
સામે ચિત્તો મળ્યો. તે કહે અરે અરે વાઘજી આમ ક્યાં ભાગ્યા જાઓ છો?
વાઘ કહે,
એક ટાઢું ટબુકલું છે. બહુ જ બદમાશ છે. તે બધાને ખાઈ જાય છે. તે અમારી પાછળ પડ્યું છે એટલે અમે ભાગીએ છીએ.
પેલા ઝૂંપડીવાળા ડોશીમા ગાતા હતા
હું વાઘલાથી ના બીવું
હું સિંહલાથી ના બીવું
બીવું હું એક ટાઢા ટબુકલાથી…
બરાબર તે જ વખતે વરસાદનું ટીપું ચિત્તા પર પડ્યું. ચિત્તાને થયું આ ટાઢું ટબુકલું જ લાગે છે. તે તો ગભરાઈ ગયો અને નાસવા લાગ્યો. આગળ સિંહ, તેની ઉપર વાંદરો તેની પાછળ વાઘ.તેની પાછળ ચિત્તો…. જાય નાઠા….. જાય નાઠા
સામે વરૂ મળ્યું મળ્યો. તે કહે અરે અરે ચિતાજી આમ ક્યાં ભાગ્યા જાઓ છો?
ચિત્તો કહે-એક ટાઢું ટબુકલું છે. બહુ જ બદમાશ છે. તે બધાને ખાઈ જાય છે. તે અમારી પાછળ પડ્યું છે એટલે અમે ભાગીએ છીએ.
પેલા ઝૂંપડીવાળા ડોશીમા ગાતા હતા
હું વાઘલાથી ના બીવું
હું સિંહલાથી ના બીવું
બીવું હું એક ટાઢા ટબુકલાથી…
બરાબર તે જ વખતે વરસાદનું ટીપું વરૂ પર પડ્યું. વરૂને થયું આ ટાઢું ટબુકલું જ લાગે છે. તે તો ગભરાઈ ગયો અને નાસવા લાગ્યો. આગળ સિંહ, તેની ઉપર વાંદરો તેની પાછળ વાઘ.તેની પાછળ ચિત્તો, તેની પાછળ વરૂ .. જાય નાઠા….. જાય નાઠા
સામે હાથી મળ્યો. તે કહે અરે અરે વરૂજી આમ ક્યાં ભાગ્યા જાઓ છો?
વરૂ કહે-એક ટાઢું ટબુકલું છે. બહુ જ બદમાશ છે. તે બધાને ખાઈ જાય છે. તે અમારી પાછળ પડ્યું છે એટલે અમે ભાગીએ છીએ.
પેલા ઝૂંપડીવાળા ડોશીમા ગાતા હતા
હું વાઘલાથી ના બીવું
હું સિંહલાથી ના બીવું
બીવું હું એક ટાઢા ટબુકલાથી…
બરાબર તે જ વખતે વરસાદનું ટીપુ હાથી પર પડ્યું. હાથીને થયું આ ટાઢું ટબુકલું જ લાગે છે. તે તો ગભરાઈ ગયો અને નાસવા લાગ્યો. આગળ સિંહ, તેની ઉપર વાંદરો તેની પાછળ વાઘ.તેની પાછળ ચિત્તો, તેની પાછળ વરૂ , તેની પાછળ હાથી.. જાય નાઠા….. જાય નાઠા
સામે ઘોડો મળ્યો. તે કહે અરે અરે હાથીજી, આમ ક્યાં ભાગ્યા જાઓ છો?
હાથી કહે-એક ટાઢું ટબુકલું છે. બહુ જ બદમાશ છે. તે બધાને ખાઈ જાય છે. તે અમારી પાછળ પડ્યું છે એટલે અમે ભાગીએ છીએ.
પેલા ઝૂંપડીવાળા ડોશીમા ગાતા હતા
હું વાઘલાથી ના બીવું
હું સિંહલાથી ના બીવું
બીવું હું એક ટાઢા ટબુકલાથી…
બરાબર તે જ વખતે વરસાદનું ટીપુ ઘોડા પર પડ્યું. ઘોડાને થયું આ ટાઢું ટબુકલું જ લાગે છે. તે તો ગભરાઈ ગયો અને નાસવા લાગ્યો.
આગળ સિંહ, તેની ઉપર વાંદરો તેની પાછળ વાઘ.તેની પાછળ ચિત્તો, તેની પાછળ વરૂ , તેની પાછળ હાથી., તેની પાછળ ઘોડો…. જાય નાઠા….. જાય નાઠા
સામે ઊંટ મળ્યું તે કહે અરે અરે ઘોડાજી આમ ક્યાં ભાગ્યા જાઓ છો?
ઘોડો કહે–એક ટાઢું ટબુકલું છે. બહુ જ બદમાશ છે. તે બધાને ખાઈ જાય છે. તે અમારી પાછળ પડ્યું છે એટલે અમે ભાગીએ છીએ.
પેલા ઝૂંપડીવાળા ડોશીમા ગાતા હતા
હું વાઘલાથી ના બીવું
હું સિંહલાથી ના બીવું
બીવું હું એક ટાઢા ટબુકલાથી…
બરાબર તે જ વખતે વરસાદનું ટીપુ ઊંટ પર પડ્યું. ઊંટને થયું આ ટાઢું ટબુકલું જ લાગે છે. તે તો ગભરાઈ ગયો અને નાસવા લાગ્યો. આગળ સિંહ, તેની ઉપર વાંદરો તેની પાછળ વાઘ.તેની પાછળ ચિત્તો, તેની પાછળ વરૂ , તેની પાછળ હાથી.. તેની પાછળ ઘોડો, તેની પાછળ ઊંટ….જાય નાઠા….. જાય નાઠા
આંમ બધા ઉંધું ઘાલીને દોડ્યે જ જતા હતા . હવે તે બધા દરિયા કિનારે પહોંચી ગયા. પણ અટકવાનું તો નામ જ ના લે. ત્યાં એક ચાલક સસલું ઉભું હતું . તેણે જોયું તો આખું લશ્કર ઉંધું ઘાલીને દોડતું હતુ. તેને થયું આ બધા જ ગાંડીયાઓ દરિયામાં પડશે અને ડૂબી જસ્જે તે બોલ્યો- અરે અરે ઊટજી આમ બધા દોડતા દોડતા ક્યાં જાઓ છો? જરા જુઓ તો ખરા, બધા જ દરિયામાં ડૂબી જશો. બધાએ ટાઢા ટબુકલાની વાત કરી.
સસલું કહે – ઊંટજી જરા કહો તો ખરા”આ ટાઢું ટબુકલું કેવું દેખાય છે? તમે જોયું છે?
ઊંટ કહે- ના રે ના મેં તો નથી જોયું. આ ઘોડો કહેતો હતો.
સસલાએ ઘોડાને પુછ્યું- હેં જોયું છે?
ઘોડો કહે ના રે ના મેં તો નથી જોયું. આ હાથી કહેતો હતો.
સસલું કહે – હાથીજી જરા કહો તો ખરા ” આ ટાઢું ટબુકલું કેવું દેખાય છે? તમે જોયું છે?
હાથી કહે- ના રે ના મેં તો નથી જોયું. આ વરૂ કહેતો હતો.
સસલાએ વરૂને પુછ્યું- તેં જોયું છે?
વરૂ કહે ના રે ના મેં તો નથી જોયું. આ ચિત્તો કહેતો હતો.
સસલું કહે – ચિતાજી જરા કહો તો ખરા”ટાઢું ટબુકલું કેવું દેખાય છે? તમે જોયું છે?
ચિત્તો કહે- ના રે ના મેં તો નથી જોયું. આ વાઘ કહેતો હતો.
સસલાએ વાઘને પુછ્યું- હેં જોયું છે?
વાઘ કહે ના રે ના મેં તો નથી જોયું. આ વાંદરો કહેતો હતો.
સસલું કહે -વાંદરાજી જરા કહો તો ખરા”ટાઢું ટબુકલું કેવું દેખાય છે? તમે જોયું છે?
વાંદરો કહે-ના રે ના મેં તો નથી જોયું. આ સિંહ કહેતો હતો.
સસલાએ સિંહને પુછ્યું- રાજાજી તમે ટાઢુ ટબુકલું જોયું છે?
સિંહ ના રે ના મેં તો નથી જોયું.
હું ડોશીમાની ઝૂંપડી પાસે ઉભોહતો ત્યારે ડોશીમા ગાતા હતા
“હું વાઘાલાથી ના બીવું
હું સિંહલાથી ના બીવું
બીવું હું એક ટાઢા ટબુકલાથી“
સસલું કહે ચાલો આપણે ડોશીમાની ઝૂંપડીએ જઈએ અને તેમને જ પૂછીએ.
બધા જ ચાલ્યા ડોશીમાની ઝૂંપડીએ
ડોશીમા કહે – અરે મૂરખાઓ, આ ટાઢું ટબુકલું કોઈ પ્રાણી નથી. હું તો આ વરસાદનાં ટીપા મારી પર પડે છે એટલે ગાતી હતી બધા સમજી ગયા. અને પોતપોતાને ઘેર જવા લાગ્યા.
તે વખતે સસલું બોલ્યું “ઉભા રહો, ઉભા રહો. આપણે બધા ભેગા થઈને ડોશીમાને તેમનું છાપરું રીપેર કરી આપીએ”.
કોઈ વાંસ લાવ્યું તો કોઈ પાંદડા લાવ્યુ, કોઈ માટી લાવ્યુ, તો કોઈ છાણ લાવ્યું , કોઈ દોરી લાવ્યું.
અને ડોશીમાની ઝૂંપડી બનાવી દીધી.
ડોશીમા તો રાજી રાજી થઈ ગયા.
ચાંદો સૂરજ રમતા તા રમતા રમતા કોડી જડી
1990 ગુજરાતી પુસ્તક old gujarati textbook
Pingback: જુના બાળગીત, જોડકણા, કાવ્યો | 20 Old Balgeet collection - AMARKATHAO
Pingback: ‘અંધેરી નગરી અને ગંડુ રાજા’ કહેવત સાંભળી હશે પણ તે પાછળની વાર્તા જાણો છો ? - AMARKATHAO