Skip to content

તણખો – Heart touching gujarati short story 4

Heart touching gujarati short story
3047 Views

gujarati short story 4 તણખો – લેખક-નટવરભાઈ રાવળદેવ થરા, Heart touching short story by Natvarbhai Ravaldev, 101 inspiring stories in gujarati pdf, varta gujarati, હિતોપદેશની વાર્તાઓ, best motivation stories.

તણખો – short story (ટુંકી વાર્તા)

હંસાબેન એમની દિકરી હિમાંશીની ખબર પુછવા દિકરીની સાસરીમાં જઈ રહ્યાં હતાં.બસમાં ચડીને સીટમાં બેઠાં ત્યાં એમની નજર બાજુની સીટ પર પડી.એ સીટમાં પિસ્તાળીસની આજુબાજુની ઉંમર ધરાવતી થોડી પરિચિત મહિલા બેઠેલ હતી.મહિલાનો ચહેરો એકદમ ગમગીન હતો.રડીને આંખો થોડી સુઝી ગઈ હોય એવું હંસાબેને અનુભવ્યું.મહિલાની બાજુમાં બેઠેલ યુવતિ પણ સાવ હતાશ હતી એ હંસાબેનના ચકોર હ્રદયે પામી લીધું.

થોડીવાર ખામોશ રહીને હંસાબેને મહિલાને પુછ્યું,”તમે વડગામડાનાં છો ને?” સામેથી હકારમાં જવાબ મળતાં જ હંસાબેને કહ્યું,”હું હિમાંશીની મમ્મી છું.તમે અમારા જમાઈ ધવલકુમારનાં કુટુંબી જ છો ને? “

મહિલાએ પરાણે મોં પર થોડું હાસ્ય લાવીને કહ્યું,”હા વેવાણ! ઓળખ્યાં, ઓળખ્યાં તમને.મજામાં છો ને?દિકરીના ઘેર આવો છો કે શું?”

“હા, ત્યાં જ આવું છું.”-કહીને હંસાબેને ઔપચારિક રીતે ખબર અંતર પુછ્યા.મહિલાએ પણ આભાર વ્યક્ત કરીને કહ્યું,”મારુ નામ વનિતા છે ને આ મારી દિકરી સુલેખા. મારા ભાઈના ઘેર જઈને આવીએ છીએ.”

હંસાબેન ઘડીભર વિચારે ચડી ગયાં.ગયા વર્ષે જ હિમાંશીના દિયરના લગ્ન પ્રસંગે સુલેખાને નાચતાં જોઈ હતી ત્યારે કેવી સુંદર લાગતી હતી?આખા મહોલ્લામાં બધાંની સૌથી વધારે વહાલી હોય તો એ સુલેખા જ હતી એ આપોઆપ પરખાઈ આવતું હતું.અને અત્યારે? સાવ નંખાઈ ગયેલ ચહેરો?એ પણ બન્ને મા દિકરીનો?પાંચેક મહિના પહેલાં સુલેખાના પિતાજીનું મોત થઈ ગયેલું,એ હંસાબેનને યાદ આવ્યું.એ વખતે હંસાબેન અને એમના પતિ મનુભાઈ લોકાચારે આવ્યાં હતાં,પરંતું એ આઘાત સિવાયનું કોઈ બીજું કારણ હંસાબેનને એ મા,દિકરીના ચહેરા પર દેખાયું.વિચારો ને વિચારોમાં ગામ આવી ગયું.

હંસાબેન,વનિતાબેન અને સુલેખા બસમાંથી ઉતરીને ગામ તરફ ચાલવા લાગ્યાં.રસ્તામાં થોડી ઔપચારિક વાતો થઈ.મુકામે પહોંચતાં જ વનિતાબેને હંસાબેનને કહ્યું,”અમારા ઘેર ચા પાણી કરવા જરુર આવજો.”

હંસાબેને દિકરીના ઘેર પહોંચીને ચા પાણી કર્યા.મનમાં સંઘરીને બેઠેલ મનોવ્યથાને હિમાંશીનાં સાસુની હાજરીમાં જ બહાર ઠાલવતાં હંસાબેન બોલ્યાં,” આ વનિતા વેવાણ અને એમની દિકરી સુલેખા હતાશ હોય એવું મને કેમ લાગ્યું?કંઈ બન્યું છે કે શું?અમે બસમાં સાથે જ આવ્યાં છીએ.”

જિજ્ઞાસાવશ પુછાયેલ પ્રશ્નનો જવાબ આપતાં હિમાંશીનાં સાસુ કોમલબેન બોલ્યાં,”તમે સાચાં છો વેવાણ. ન બનવાનું બની ગયું છે.સુલેખા તો સંસ્કારી છોકરી છે.એ શહેરમાં રહીને અભ્યાસ કરતી હતી ને ત્યાં આપણા જ સમાજના પરિવારમાં એનું સગપણ પાક્કુ થઈ ગયું હતું.છોકરો તેની સાથે અભ્યાસ કરતો હતો અને છોકરા છોકરીની પસંદગી પછી આ સબંધ નક્કી થયો હતો.સુલેખાના પિતાજી શેર બજારમાં ખુબ સારુ કમાતા હતા પરંતુ એમના મોત પછી પૈસાભુખ્યા વેવાઈએ સબંધ તોડી નાખ્યો.છોકરો પણ ના મકર ગયો ને છૂટી પડ્યો.સુલેખા ખુબ સમજુ દિકરી છે એટલે કોઈ ખોટું પગલું ના ભર્યું એટલું વળી સારુ થયુ વેવાણ. બાકી આજની આ નવી પેઢીનું તો શું કહેવું?વનિતાએ જ સુલેખાને થોડા દિવસ એના ભાઈને ત્યાં મોકલી દીધી હતી.આજે તેડી લાવી હશે.”

હંસાબેન પણ ઘડીભર થોડાં ઢીલાં થઈ ગયાં.થોડીવાર રહીને બોલ્યાં,” એક વાત કહું વેવાણ? “

“હા, હા, બોલો હંસા વેવાણ.”-કોમલબેન આતુરતાથી બોલ્યાં.

હંસાબેને દિકરી હિમાંશી સામે ઘડીભર જોયું ને પછી બોલ્યાં,”મારા દિકરા સુમિતને તો તમે જોયો જ છે કોમલ વેવાણ. એણે એમ એ સુધીનો અભ્યાસ પણ ખુબ ઉંચી ટકાવારીથી પુરો કર્યો છે.માથું વાવે એવી પચાસ વિઘા જમીનના લીધે એનું મન નોકરી ઉપર ના ગયું તે ના જ ગયું એ તમારાથી ક્યાં અજાણ્યું છે?અત્યારે બાપ દિકરો ભેગા મળીને ખેતી અને પશુપાલનમાંથી વરસે-દહાડે પંદર વીસ લાખ રમતાં રમતાં કમાઈ લે છે.આટલી સારી કમાણી કરતા દિકરા માટે અમે ઘણા ઠેકાણે જોયું પરંતુ હજી સુધી ક્યાંય મન ના માન્યું.ક્યાંક સુમિતને છોકરી પસંદ ના આવે તો ક્યાંક છોકરી સામેથી જ ના પાડી દે છે કે,”મને ગામડામાં ના ફાવે”-એમ કહીને.આજની પેઢીની છોકરીઓને તો મૂરતિયો શહેરનો જ જોઈએ ને એય પાછો નોકરીયાત!

સુલેખાનું સગપણ ભલે તૂટ્યું પરંતુ એની ઈચ્છા હોય તો હું સુમિતને સમજાવી લઈશ.સુમિતના પિતાજી તો મારી હા માં હા જ ભણશે.બાપ વગરની છોકરીની પસંદગીથી મારોય જીવ રાજી થશે કોમલ વેવાણ.”

કોમલબેન એકીટશે ઘડીભર જોઈ રહ્યાં હંસાબેનને. એમના મોંમાંથી લાગણીભર્યા શબ્દો નિકળ્યા,”ધન્ય છે વેવાણ તમને.એક સબંધભગ્ન છોકરીને તમે સહજભાવે અપનાવવા તૈયાર થયાં છો! અમારા આખા પરિવારને આજે આનંદ છે કે,તમારા જેવાં સબંધી અમને મળ્યાં છે.” વળી હિમાંશી તરફ નજર નાખીને કોમલબેન બોલ્યાં, “એય ચકુડી! તું કેમ કંઈ બોલતી નથી?”

સાસુ તરફ આભારભરી નજર નાખીને હિમાંશી બોલી,”વડીલોની વાતોમાં મને શું ખબર પડે મમ્મી? “

બન્ને વેવાણો બાથ ભરીને મળી.પંદર મિનિટમાં તો હિમાંશી વનિતાકાકી અને સુલેખાને બોલાવી લાવી.

થોડીવારમાં જ કોમલબેને વનિતાબેનને કહ્યું,”જો વનિતા! થોડી ચર્ચા કરવા બોલાવી છે તને.”

વાતથી સાવ અજાણ વનિતાબેન ઉત્સુકતાથી બોલ્યાં,”શું વાત છે કોમલભાભી! કંઈ કહેવાનું છે?”

“હા, વનિતા.આજે આપણી પાસે એવો સોનેરી મોકો આવ્યો છે કે એની વાત ના પુછ.પરંતું એ પહેલાં સુલેખાને કંઈક કહેવું છે મારે.”-કોમલબેન સુલેખા સામે જોઈને બોલ્યાં.

સુલેખા ટગર ટગર જોઈ રહી કોમલબેન સામે.એને કંઈ સમજાતું નહોતું કે આખરે શું વાત છે!તે થોડી વધારે હતાશ થઈને બોલી,”જે કહેવું હોય તે કહો મોટાં કાકી!”

કોમલબેન ઉત્સાહભેર બોલ્યાં,”જો સુલેખા! આ હિમાંશીનાં મમ્મી બસમાં તમારી સાથે જ આવ્યાં છે.એ બસમાં તમારી સાથે આવ્યાં એ કંઈક ભગવાનનો સારો સંકેત જ છે.તમે મા દિકરી બન્ને હતાશ હતાં એ એમણે અહીં આવીને જણાવ્યું.મેં બધી હકીકત કહીં સંભળાવી છે.હવે મૂળ વાત એ છે કે,હંસા વેવાણ તેમના દિકરા સુમિતનું તારા માટે માગું નાખે છે.” કહીને કોમલબેને સુમિત વિષે જાણકારી આપી.

વનિતાબેનની આંખોમાં ખુશીનાં આંસુ છવાઈ ગયાં.એમણે સુલેખા તરફ નજર નાખી.સુલેખા થોડી મુંઝાયેલી દેખાઈ.એ ધીરેથી બોલી,”આટલા સારા ઘરનો છોકરો મને પસંદ કરશે હવે?”

હંસાબેન ઝડપથી બોલ્યાં,”જરૂર પસંદ કરશે સુલેખા પરંતુ છોકરો તને પસંદ કરશે તો તને ગામડામાં રહેવાનું તો ફાવશે ને? એકવાર એ બાબતનો વિચાર કરી લેજે સુલેખા. “

સુલેખા મનોમન પસ્તાઈ રહી હતી એની પસંદગી પર. જેને કંચન ધાર્યો હતો એ સાવ કથીર બનીને ઉભો રહ્યો એ નજર સામે જ હતું.એ કશું બોલી તો ના શકી પરંતુ એની આંખો આંસુઓથી ઉભરાઈ ગઈ.

હંસાબેન સુલેખા પાસે ગયાં અને એની આંખો લુંછતાં બોલ્યાં,”રડીશ નહીં સુલેખા.સુમિત તને જરૂર પસંદ કરશે. મારા લોહી પર મને વિશ્વાસ છે.”

વનિતાબેન તો આભારવશ નજરે હંસાબેનને જોઈ જ રહ્યાં.આપોઆપ એમના હાથ હંસાબેન તરફ જોડાઈ ગયા.

અઠવાડિયામાં જ સુલેખા અને સુમિતની મુલાકાત ગોઠવાઈ.સુલેખાએ એનું ભ્રામક પ્રેમવૃતાંત વર્ણવતાં અંતમાં એટલું જ કહ્યું,”હું છેતરાઈ ગઈ સુમિત, પરંતુ મેં સ્ત્રી સહજ મર્યાદા ના ઓળંગી એટલાં મારાં નસીબ.તમે મને પસંદ કરશો તો હું ગામડાને અનુકુળ બનીને રહીશ એની બાંહેધરી આપું છું.”

છ મહિના પછી સુલેખા અને સુમિતનાં ધામધૂમથી લગ્ન લેવાઈ ગયાં.વનિતાબેનની આનાકાની છતાં પણ સુમિતના પિતાજી મનુભાઈએ બન્ને પક્ષનો લગ્ન ખર્ચ ઉપાડ્યો.સામાજિક ટીકા ટિપ્પણીઓ એકાદ વર્ષમાં શાંત થઈ ગયાં.સુમિતે એના સાળાને પોતાના ખર્ચે ઉચ્ચ અભ્યાસ માટે શહેરમાં મોકલ્યો.

એક સમયે શહેરમાં રહીને અભ્યાસ કરતી અને શહેરી બાબુનાં સ્વપ્ન સેવતી સુલેખા ગ્રામ્યજીવનના રંગે એવી તો રંગાઈ ગઈ કે એની વાત ના પુછો.

ગામમાં રહેલી તેના જેવી વહેવારુઓનું એક મંડળ બનાવી દીધું અને ગ્રામ્યસંસ્કૃતિને સતત ઉજાગર કરવાનું બીડું ઝડપ્યું સુલેખાએ. હોળીના તહેવારમાં ઉચ્ચ અભ્યાસ કરતી ગ્રામ બાલીકાઓ પાસે ફાગની વેશભૂષા કરાવવી,નવરાત્રિમાં પ્રાચીન ગરબાઓ માટે દિકરીઓને તૈયાર કરવી, દિવાળી, બેસતું વર્ષ અને અન્ય તહેવારોની સંસકૃતિમય ઉજવણી, ગામની શાળામાં સાંસ્કૃતિક ઉજવણીમાં સહયોગ આપવો વગેરેમાં આ મંડળ ખડેપગે હાજર હોય.

લગ્નના ત્રીજા જ વરસે પહેલા ખોળે સુલેખાએ દિકરીને જન્મ આપ્યો.હિમાંશી ફોઈએ રાશી પરથી “સંસ્કૃતિ” નામ પસંદ કર્યું.

એ ખેતરની ભીની માટીના લોંદા હાથમાં લઈને સુમિતના માથા પર લગાવતી માનુની સુલેખાના જીવનમાં આજે સતત ખુશીઓની છોળો ઉડતી હતી.તાજાં શાકભાજી, તાજાં ફળ, તાજાં ઘી-દુધ સતત તાજગીપ્રેરક હતાં.બીજા ખોળે કુંજનો જન્મ થતાં જ પરિવાર હર્યોભર્યો થઈ ગયો.

સુખી જીવન ક્યારે પસાર થઈ જાય એની ખબર પણ પડતી નથી.સુમિત અને સુલેખાનાં બન્ને બાળકો યુવાન થઈને ઉભાં રહ્યાં.

સંસ્કૃતિ એમબીબીએસના બીજા વર્ષમાં છે.એણે રવિવારના દિવસે ઘેર આવીને સુલેખાને મોબાઈલમાંથી એક ફોટો બતાવતાં કહ્યું,”મમ્મી! આ છોકરો કેવો છે? ચોથા વર્ષમાં છે.આપણા સમાજનો છે ને પૈસાદાર કુટુંબનો પણ છે.એનું નામ મનોરથ છે.”

સુલેખાએ ફોટો ધ્યાનથી જોયો. છોકરો રૂપાળો હતો. એણે દિકરીને કહ્યું,”બેટા! તું ગ્રામ્યજીવનના ધબકારમાંથી નિપજેલ સંસ્કૃતિ છે.તારા સંસ્કારોમાં કોઈ ઓટ ના હોય. તારી પસંદગી શ્રેષ્ઠ જ હોય,છતાંય મને ઉંડે ઉંડે ભય સતાવે છે.હું એકવાર છેતરાઈ હતી એ વાત તને કરેલ છે.મને અને તારા પપ્પાને જણાવ્યા વગર તું આ સબંધમાં આગળ તો નથી વધી ને?”

“ના મમ્મી! આ સંસ્કૃતિ એ માટે કાયમ સજાગ જ છે.એ છોકરાનો બે દિવસ પહેલાં જ પ્રસ્તાવ આવ્યો.મેં એનો એ વખતે જ ફોટો સેવ કર્યો. સાથે સાથે એના પરિવારના ફોટા પણ મેં એની પાસેથી મેળવ્યા છે.જો!આ રહ્યા એ ફોટા.”-સંસ્કૃતિ ફોટા બતાવવા લાગી.

પ્રથમ ફોટો જ સુલેખા ધારીધારીને જોવા લાગી.એની આંખોમાં લાલાશ ઉપસી આવી. ચહેરો તંગ થઈ ગયો.સંસ્કૃતિ ક્ષોભીલી પડી ગઈ.મમ્મીનો ક્રોધ ભરેલ ચહેરો જોઈને સંસ્કૃતિ ગભરાતાં ગભરાતાં બોલી,” શું થયું મમ્મી! એમને તું ઓળખે છે?”

સુલેખા ક્રોધ મિશ્રિત અશ્રુથી ખરડાયેલ ચહેરે બોલી,”હા બેટા! હું આ પરિવારને ખુબ સારી રીતે ઓળખું છું.મારી સંસ્કૃતિને ફરી એકવાર અભડાવવા આ પરિવાર સામે આવ્યો છે.એને જાકારો આપી દે બેટા! એને જાકારો આપી દે દિકરી! “

સંસ્કૃતિ સુલેખાનાં બે વાક્યોમાં બધુ સમજી ગઈ.એને સમજાઈ ગયું કે મમ્મી સાથે વગર વાંકે સબંધ તોડનારનું જ સંતાન છે મનોરથ.એનાથી આપોઆપ આકાશ તરફ હાથ જોડાઈ ગયા.’હે પ્રભુ!તમે મને વેળાસર બચાવી લીધી.’ એ સુલેખાને વિંટળાઈ વળી.

…..સંસ્કારહીન પરિવારનો મનોરથ સંસ્કૃતિને કઈ રીતે પામી શકે!!!!!!

=================================

👉 ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 101 વાર્તા સંગ્રહ

👉 બાળવાર્તાઓ નો ખજાનો (વિસરાયેલી વાર્તાઓ)

👉 યાદગાર કવિતા સંગ્રહ

લેખક-નટવરભાઈ રાવળદેવ થરા.

તારીખ-૧૬/૧૦/૨૦૨૨

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *