Skip to content

વિશ્વપ્રસિધ્ધ તરણેતરનો મેળો જીવનમાં એક વાર અવશ્ય માણો

તરણેતરનો મેળો
7775 Views

” વિશ્વપ્રસિધ્ધ તરણેતરનો મેળો “, તરણેતરનો મેળો 2023, Tarnetar fair, Tarnetar fair information in Gujarati, ગુજરાતના પ્રખ્યાત મેળા, તરણેતરનાં મેળા વિશે નિબંધ, Tarnetar no melo kya bharay che, તરણેતરનો નો મેળો ક્યારે ભરાય છે ?

 " મન મોર બની થનગાટ કરે, 
   મન મોર બની થનગાટ કરે.."

      જ્યાં માનવીનું મન મોર બની થનગાટ કરે, જ્યાં માનવીના મનનો મેળ મળે, જ્યાં મનના માનેલ મળી જાય, જ્યાં મિલનનાં અરમાનો પૂરાં થાય અને જ્યાં સ્વજનોની વિદાયની વ્યથા કાળજાને કોરી નાખે એનું નામ મેળો.
ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર - તરણેતર
ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર – તરણેતર

તરણેતરનો મેળો એટલે જ્યાં માનવી મેળેમેળે આવે અને મેળેમેળે જાય – મેળો એટલે મિલન. સંતો, સ્વજનો, સ્નેહીઓ અને સાથીઓનો સંગ. સૌ હળેમળે, ત્રણ દિવસ આનંદ માણે અને છેલ્લે દિવસે ‘ ફરી મળીશું’ એવી ધરપત હૈયામાં સંઘરી વિખૂટાં પડે એવો મેળો એટલે….. તરણેતરનો મેળો

……..તરણેતરીયો મેળો……..

પેર્યુ પાહાબંધી કેડીયુ ને કંઈ ઉપર ગુથ્યા મોર
ફુટતી તે ઈની માહેરીને કંઈ નમણો ઈ નો મોર
….સખી એવો તારો છેલ

પછેડી ની બાંધી કેડ્ય ને કંઈ હૈડે રમે હામ
ડિલ ને તે સરખી સરહડી ને કંઈ કરી નાખતો કામ

સખી એવો તારો છેલ……

હાથમાં ચપડાળી લાકડી ને કંઈ સમણવાનો શોખ
હૈયે ઝુલે હીરાકંઠી ને કંઈ તાકી રે’તુ લોક

સખી એવો તારો છેલ….

જુનાગઢ જોવાલાયક સ્થળોનું લીસ્ટ

ગિરનાર જુનાગઢ જોવાલાયક સ્થળોનું લીસ્ટ | 20 Best Places to visit in Junagadh list

તરણેતરનાં મેળાની પરંપરા

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામથી આઠ કિલોમીટર દૂર તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમ ત્રણ દિવસ ભરાય છે.

લગભગ બસ્સો વરસથી ચાલી આવતી પાંચાળના સંતોએ ઊભી કરેલી આ પરંપરા છે. સંતોએ પવિત્ર તીર્થસ્થાનોને માનવસમાજ સાથે સાંકળી સંસ્કારની જે સરવાણી વહાવી છે તેની ફલશ્રુતિ એ આજનો તરણેતરનો મેળો છે.

પ્રાચીન સમયનો તરણેતરનો મેળો

બસ્સોક વર્ષ પહેલાં તરણેતર આજુબાજુનાં ગામડાંઓમાંથી લોકો સાધુ, સંતો, ભક્તો અને સેવકોના સાથમાં ગાડાંમાં સરસામાન ગોઠવી, ઘોડા માથે કે પગપાળા તરણેતર તરફ પ્રયાણ કરતા .
ગામેગામ મુકામ થતા. રાવટીઓના ખીલા ધરબાતા. અન્નક્ષેત્રો શરૂ થઈ જતાં. હરિહરનો સાદ પડતાં દીનદુખિયાં અને ભૂખ્યાં સાથે સૌ એક જ પંગતે ભોજન કરતાં.
સત્સંગ અવિરત ચાલુ રહેતો. રાતે વાળુ કર્યા પછી ભજનોની જમાવટ થતી. તબલાંના તાલ મેળવવામાં આવતા. મંજીરાની દોરીઓ કસવામાં આવતી, રામસાગરના તારનો મેળ કરવામાં આવતો અને પછી ભજનોની જમાવટ થતી. સંધ્યા , આરાધ , કટોરો , પ્યાલો , રામગિરિ પરભાતીમાં ક્યારે સવાર પડી જતું એની ખબર નહોતી રહેતી.

સવાર પડતાં સંઘ પાછો તૈયારી કરી આગળ પ્રવાસ કરતો. આમ , ગામેગામ મુકામ કરતાં સૌ ચોથના દિવસે થાનગઢની અસ્થળની જગ્યામાં આવી પહોંચતાં. અહીં ધજા ચડતી . પછી સૌ પ્રયાણ કરતાં અને તરણેતર પહોંચતાં . તરણેતર મહાદેવના મંદિર પર બાવન ગજની ધજા ફરકતાં મેળો વિધિવત શરૂ થઈ જતો. આજે પણ શ્રી પાળિયાદ મહંતસાહેબના હાથે ધ્વજારોહણવિધિ સંપન્ન થાય છે.

પાંચાલની કંકુવરણી ભોમકા, એના લાખેણા લોકો, સારા વરસાદ પછી બે કાંઠે વહેતાં નદીનાળાં અને ઝરણાં, ભરાયેલાં તળાવો, આવળ – બાવળ – બોરડી અને ખાખરાથી શોભતો વગડો, છાંયડો આપતાં વડ, લીંબડ, પીપળ અને પીપળાનાં વૃક્ષો, ટેકરીઓ, ખડકો અને અહીંની માટી તમારા હૃદયમાં સ્મૃતિની એક એવી કેડી કંડારી દેશે જે પગદંડી તમને મેળાના મારગે ચડાવી દેશે.

અહીં માનવજીવન તમને ભાતીગળ રંગમાં, પ્રેમીઓના સંગમાં અને અનોખા ઉમંગમાં જોવા મળશે.

જુદાજુદા રંગના પોશાકો પહેરી મેળામાં મહાલતો માનવમહેરામણ તમને ધરતીએ વનરાઈની ઓઢેલ લીલી ચૂંદડીમાં નોખી ભાત પાડી હોય એવો લાગશે.

તરણેતર મેળાનું રસદર્શન

Tarnetar fair
Tarnetar fair

અહીં મર્દાનગી ઘોડે ચડીને મહાલે છે. અહીં જુવાની પુરબહારમાં ખીલે છે. અહીં હુડારાસમાં જોબન હિલોળે ચડે છે. અહીં…

    "છલકાતું આવે બેડલું, 
     મલકાતી આવે નાર રે, 
     મારી સાહેલડીનું બેડલું."

અને ….

   "હાલો, જુવાનો ! તરણેતરને મેળે જો, 
    તરણેતરનો મેળો જોવાની જુગતિ." 

આવાં ગીતો સાંભળવા મળશે .

અહીં ગુજરાતી સાહિત્યમાં સર્જાયેલાં પાત્રો તમને જીવંત થઈને મહાલતાં જોવા મળશે. અહીં શેણી-વિજાણંદ, દેવરો- આણલદે, સતી ઊજળી-મેહ જેઠવો, કાળુ અને રાજુ, જીવી અને કાનો અને પદ્મા અને માંગડાવાળો પણ મળી આવશે.

અહીં ચિત્રકારો મેળાની લાક્ષણિકતાને સ્કેચબૂકમાં અંકિત કરવામાં મશગૂલ બની જાય છે . વિખ્યાત ફોટોગ્રાફરો શું આવરી લેવું અને શું છોડી દેવું એની મૂંઝવણમાં ફોટાઓ પાડ્યા જ કરે છે.

તરણેતર મેળાનો ઇતિહાસ

ઇતિહાસના અભ્યાસીઓ અને સંશોધકો તો આવતાંવેંત થેલામાંથી ડાયરી કાઢી નોંધવાનું શરૂ કરી દે છે : “ આ મંદિરનો ઈ . સ . ૧૯૦૨ માં લખતરના રાજવી કરણસિંહજીએ તેમની પુત્રી સુંદરબાના સ્મરણાર્થે રૂપિયા ૫૦૦૦૦ ખર્ચીને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

‘ કોઈ ઊંડા ઊતરવા પ્રયાસ કરે છે : ‘ તો પછી આ પહેલાં મંદિર કેવું હતું ? જવાબમાં કઝીન્સે અંગ્રેજીમાં લખેલ ગ્રંથ “ સોમનાથ અને કાઠિયાવાડનાં અન્ય મધ્યકાલીન મંદિરોમાં જૂના તરણેતર મંદિરનો ફોટો મળી આવશે.

આ મંદિર દસમી સદીમાં બંધાયેલું છે. આ મંદિરની શૈલી ગુર્જર પ્રતિહાર શૈલી છે.

કનોજ આજુબાજુ વસતા પ્રતિહારોએ સ્થળાંતર કરી આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો. તેમણે આ પ્રદેશને પાંચાલ નામ આપ્યું અને શિવભક્ત પ્રતિહારોએ આ મંદિર બાંધ્યુ.

‘ અહીં પાંચાલી–દ્રૌપદીનો સ્વયંવર રચાયો હતો અને અત્યારે જ્યાં તુલસીક્યારો છે ત્યાં અર્જુને મત્સ્યવેધ કર્યો હતો . ‘

‘ આ સ્થળે બ્રહ્માજીએ શિવપૂજન માટેનાં એક હજાર કમળમાંથી એક કમળ ઘટતાં પોતાની આંખ કમળના સ્થાને ચડાવી હતી …

‘ હજી સાંભળો : ‘ કણ્વઋષિને અહીં મહાદેવે વરદાન આપ્યું હતું કે આ કુંડમાં સ્નાન કરી મારી પૂજા કરી જે પિંડદાન આપશે તેમના પિતૃ મોક્ષ – ગતિને પામશે . ’

‘ અયોધ્યાના સૂર્યવંશી રાજવી યુવનાશ્વના પુત્ર માંધાતાએ આ મંદિર બંધાવ્યું છે ‘

આવું ઘણું સાંભળવા મળશે .

એવું પણ કહેવાય છે કે આ મંદિર રતિએ બંધાવ્યું. બાર વર્ષ સુધી ભગવાન શંકરની આરાધના કરી ત્યારે શિવજીના વરદાન મુજબ રતિને તેનો પતિ કામદેવ મળ્યો. આ મિલનની ભૂમિ છે.

અહીં કામનો વિહાર જોવા મળશે, વિકાર નહિ.

અહીં કામ છે, પણ ભસ્મીભૂત થઈ પાછો પ્રગટ થયેલો કામ છે . વિરહના અગ્નિમાંથી પસાર થયેલાં કામ અને રતિનું આ મિલનસ્થાન છે.

રંગબેરંગી છત્રીઓ તરણેતર મેળાનું આકર્ષણ છે.
રંગબેરંગી છત્રીઓ તરણેતર મેળાનું આકર્ષણ છે.

ભાઈબંધો હારે ભાતાં ખાતો , પીણાં પીતો, ચકડોળે ચડતો, ફજેતમાં ફરતો , હુડા અને રાસમાં કોઈ અણિયાળી આંખ્યુંથી વીંધાઈ જવાના ઓરતા હૈયામાં સંઘરીને ફરતો, સુખનાં સપનાં જોતો યુવાન પ્રૌઢાવસ્થા વટાવી વૃદ્ધાવસ્થાને આરે આવીને ઊભો રહે છે, ત્યારે મેળાનો કોલાહલ ધીરેધીરે શમી જાય છે. સંસારના સંતાપોને સમાવવા એના પગ આપોઆપ રાવટી તરફ વળે છે.

માતાનો સાદ સાંભળતાં બધાં રમકડાં એમ ને એમ મૂકી જેમ બાળક માતાને મળવા દોટ મૂકે છે , તેમ માનવીને વૃદ્ધાવસ્થામાં રામસાગરમાં રામનો સાદ સંભળાય છે સંસારનાં તમામ સત્તા, સંપત્તિ, મોજશોખનાં રમકડાંનો ત્યાગ કરી એ રાવટીમાં પહોંચે છે , ત્યાં બેસે છે, મનના સંતાપો શાંત થાય છે…

✍ શાહબુદીન રાઠોડ. www.amarkathao.in
———————————————————-

આધુનિક સમયનો તરણેતરનો મેળો


👉 હાલના સમયમા તરણેતરના મેળાને પણ આધુનિકતાનો રંગ લાગેલો દેખાય છે, આધુનિક રાઇડ્સ અને ખાણીપીણીના સ્ટોર દેખાશે… છતા જુની પરંપરાઓ રાવટીઓ, ડાયરાઓનો અદ્દભુત સમન્વય માણવા મળશે.

  • હાલમા ગ્રામ્ય કક્ષાનો ઓલિમ્પિક યોજાય છે, જેમા અર્વાચીન રમતોની સાથે ગાડાદોડ, ધોડાદોડ,ઊંટોની સ્પર્ધાઓ, લાડુ ખાવાની, માટલાદોડ જેવી અનેક રમતો યોજાય છે, જે મેળાનુ અનેરુ આકર્ષણ છે..
  • આ મેળા દરમિયાન રાત્રીનાં સમયે અનેક જગ્યાએ ભજનની રમઝટ શરુ હોય છે. સાથે દર વર્ષે ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે. એક એકથી ચડીયાતા લોકગીતો, કલાઓ, ભજન, હાસ્યકાર્યક્રમો, સાહિત્ય અને સંસ્કૃતિની વાતો રંગ જમાવે છે. અને આખી રાત કેમ પસાર થઇ જાય છે એનો પણ ખ્યાલ રહેતો નથી.
    ટૂંકમા જીવનમાં એક વખત આ મેળો માણવાનો લહાવો લેવા જેવો ખરો….
  • મિત્રો આ પોસ્ટ આપને કેવી લાગી ? એ અંગેના અમુલ્ય પ્રતિભાવો આપશો.
  • Tarnetar fair

🍀 મઢડાવાળા આઇ સોનલ મા નો પ્રસંગ વાંચો click

તરણેતરનાં મેળાનાં લોકનૃત્યો અને હુડા રાસ

તરણેતરનો મેળો : સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી છ માઈલ દૂર આવેલા તરણેતરમાં ભરાતો મેળો. જંગલમાં તરણેતરનું પ્રાચીન મંદિર છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. અહીં તરણેતર (ત્રિનેત્રેશ્વર) મહાદેવનું દસમા સૈકાનું કલાપૂર્ણ મંદિર છે. આ ભૂમિ દેવપાંચાલ તરીકે જાણીતી છે. અર્જુને અહીં મત્સ્યવેધ કરીને દ્રૌપદીનું પાણિગ્રહણ કર્યું હતું એવી લોકવાયકા છે.

ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી આ ગામનું નામ અપભ્રંશ થઈને તરણેતર પડ્યું છે. અહીં ભાદરવા મહિનામાં ત્રણ દિવસનો મેળો ભરાય છે. તેની ખ્યાતિ સમગ્ર રાષ્ટ્રમાં વિસ્તરેલી છે. ગાન વાદન ને નૃત્યમાં મસ્ત એવા લોકોની લીલાનું મંદિરની છતમાંનું શિલ્પ ઉત્કીર્ણ શિલ્પનો શ્રેષ્ઠ નમૂનો છે. આજે પણ સૌરાષ્ટ્રભરનાં લોકનૃત્ય જાણીતાં છે. આ મંદિરના પ્રાંગણમાં મેળો ભરાય છે તેથી તે મંદિરના નામ કરતાં તરણેતરના મેળાના સ્થાન તરીકે જાણીતું બન્યું છે.

આ મેળામાં સ્ત્રીઓ ત્રણ તાળીના રાસ લેતી ગાતી હોય ત્યારે રાસડામાં એવી ચગે છે જાણે સો શરણાઈઓ સામટી વાગતી હોય એવું વાતાવરણ સર્જાય છે. મીઠી હલકે, મોકળે કંઠે ગાતી અને વાયુવેગે ઊપડતી સ્ત્રીઓનાં રાસડા આકર્ષક હોય છે. ભરવાડોના રાસમાં 30 થી 60 સ્ત્રી પુરુષો હોય છે. અમરકથાઓ

અહીં રાસદાંડિયા રમે ત્યારે સ્ફૂર્તિથી દાંડિયા ઠોકી દૂર જઈ ઊભા રહે અને એટલી જ સ્ફૂર્તિથી પાછા ભેગા થઈ જાય. પઢારોના જેવી જ સ્ફૂર્તિ આ લોકોમાં હોય છે. કોળી સૌરાષ્ટ્રની રંગીલી કોમ છે. ત્યાં તો ગમે તે ઉંમરનો આદમી પણ ઉત્સવ ટાણે આંખમાં સુરમો, માથે લાલ મદ્રાસીઆની આંટિયાળી ગોળ પાઘડી, પાઘડીને આભલાં ભરેલ લીલા પટ્ટાનું બાંધણું, કેડે બાંધી હોય રંગીલી ભેટ, વળી વધારે રંગીલો હોય તો રાસની વચમાં બબ્બે હાથમાં બે છત્રીઓ ઝુલાવતો જાય.

છત્રી પણ કેવી ? સુંદર ભરત ભરેલી સોળ સોળ સળિયાની, સળિયે સળિયે લાલ, પીળા ને લીલા રેશમી રૂમાલ ફરકતા હોય, બહુ લાંબા નહિ તેમ બહુ ટૂંકા નહિ. આ છત્રી કલારસિકોનું આકર્ષણ બને છે. પાતળી કાઠીનાં શરીર અને પાછાં અજબ ચેતનવંતાં, રાસની સાથે ધ્રબુકતા ચાર ચાર ઢોલ, જોડિયા પાવા સાથે સેંકડોની સંખ્યામાં સ્ત્રીઓ રાસડા લેતી હોય.

આ બધાંની સાથે તેમનો ભવ્ય પોશાક ! હીરમાં આભલે ચોડેલાં કમખાં, ઘાઘરા અને ઓઢણાં હોય. આ પ્રસંગે  પ્રણાલિકાગત વસ્ત્રો અને તેવાં જ આભૂષણો પહેરેલાં અનેક કોમોનાં સ્ત્રીપુરુષો અનેરો રંગ જમાવે છે.

રાસમાં પુરુષો જેમ દાંડિયાથી રમે છે તેમ સ્ત્રીઓ મટકી પણ બહુ સરસ લે છે. બંને હાથમાં લોઢાના કે રૂપાના કરડા પહેર્યા હોય અને હાથમાં તાંબા પિત્તળના ઘડા હોય. હીંચ સાથે ઘડા ઝુલાવતી જાય. ઉપર, નીચે અને પાછા ખભેથી સરકાવીને માથા ઉપરથી હિલોળીને હેઠા લાવતી જાય અને ઘડા સાથે તાલબદ્ધ કરડા વગાડતી જાય.

તરણેતરનો મેળો આમ રાસ, તાલ, લય, ગીત અને નૃત્યની ર્દષ્ટિએ તેમજ ભાતીગળ પોશાકના વૈવિધ્યથી દેશવિદેશમાં ખૂબ લોકપ્રિય બન્યો છે.

આ પોસ્ટ પણ વાંચવાનું ચુકશો નહી 👇

🍀 ખોડીયાર મા નું પ્રાગટ્ય અને પરચાઓ

📕 અઘોર નગારા વાગે – અઘોરી કાપાલિકની જાળમાં (ભાગ-૧)

📕 શાહબુદ્દીન રાઠોડ – મુંબઇનો મારો પહેલો પ્રવાસ

📕 નટા જટાની જાત્રા – શાહબુદ્દીન રાઠોડ

📕 આવ ભાણા આવ – શાહબુદ્દીન રાઠોડ

આપ અહીથી પોસ્ટ ને share કરી શકો છો 👇



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *