Skip to content

વીર વિક્રમ અને સિંહાસન બત્રીસી 11 મી પૂતળીની વાર્તા

સિંહાસન બત્રીસી 11 મી પૂતળીની વાર્તા
8541 Views

વીર વિક્રમ રાજા અને સિંહાસન બત્રીસી, અગિયારમી પૂતળીની વાર્તા, વિક્રમ વૈતાળ pdf, બત્રીસ પૂતળીની વાર્તા, 32 putli ni varta Gujarati ma, vikram betal ni varta Gujarati, સિંહાસન બત્રીસીના લેખક કોણ ?, Batris putli ni varta gujarati pdf, વિક્રમ રાજા ની વાર્તા, વિક્રમ રાજા ની બત્રીસ પૂતળીની વાર્તા, અબોલા રાણીની વાર્તા, 32 પૂતળી ની વાર્તા pdf, Batris Putli ni Varta Gujarat, sinhasan battisi pdf, sinhasan battisi Gujarati ma, sinhasan battisi book pdf downland

સિંહાસન બત્રીસી 11 મી પૂતળીની વાર્તા

અગિયારમે દિવસે અગિયારમી પૂતળી ‘બાળા’એ ભોજ રાજાને સિંહાસન પર બેસવા જતા અટકાવી, વિક્રમ રાજાના પરાક્રમ અને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી.

ઉજ્જયિની નગરીમાં થોડા દિવસથી ચોરીની બૂમો વધતી જતી હતી. આથી એક દિવસ વિક્રમ રાજા છૂપાવેશે નગરમાં ફરવા નીકળ્યા. તેમણે નગરના દરવાજા બહાર એક ઝાડ નીચે ચાર ચોરને કંઈ વાતો કરતા સાંભળ્યા.

રાજા પોતાની વિદ્યાના પ્રતાપે અદૃશ્ય થઈ ચોરોની નજીક ગયા. ચારે ચોર અંદરોઅંદર એક મોટી ચોરી કરવાની વાતો કરતા હતા, જેનાથી તેઓની કાયમી ગરીબી દૂર થઈ જાય.

દરેક જણ પોતપોતાની વિદ્યા વિશે કહેતા હતા.
એક ચોર કહે : “ હું દાટેલું ધન જોઈ શકું છું. ”
તો બીજો કહે : “ હું પશુ – પંખીની ભાષા જાણું છું. ”
ત્રીજો કહે : ગમે તેવી જમીન સહેલાઈથી ખોદી શકું છું અને દીવાલ પણ તોડી શકું છું. ”
ચોથો કહે : “ હું એવી વિદ્યા જાણું છું કે સૌને પળવારમાં ઊંઘાડી દઉં. ”

પછી ચારે ચોર નગરમાં આવ્યા . રાજા પણ અદ્રશ્ય સ્વરુપે તેમની પાછળ આવ્યા. ચારેય બ્રાહ્મણવાડામાં આવ્યા.
ત્યાં પહેલા ચોરે કહ્યું : “ ધન તો ઘણું છે , પણ બ્રાહ્મણોનું ધન આપણને ખપે નહિ. ”
ત્યાંથી નીકળી ચારેય વાણિયાવાડામાં આવ્યા. ત્યાં પહેલા ચોરે કહ્યું : “ વાણિયાઓ પાસે અઢળક ધન છે. ત્યારે બીજાએ કહ્યું : “ વાણિયાઓ પાસે ઊંડા નિસાસાનું ધન છે , તેથી આપણું નખ્ખોદ વળી જાય. ”
ત્યાંથી નીકળી સુથારવાડા , કારીગરના વાડામાં આવ્યા , એક શાણો ચોર બોલ્યો : “ તે લોકો આખો દિવસ મહેનત કરીને ધન ભેગું કરે છે , તે આપણાથી ન લેવાય. ”

આમ , ચાલતાં ચાલતાં રાજાના મહેલે આવ્યા. રાજા પણ ચોરોની પાછળ અદૃશ્ય સ્વરૂપમાં આવ્યા.

પહેલા ચોરે કહ્યું : “ રાજાનું અઢળક ધન તેના પલંગના પાયા નીચે છે. ” ચોથા ચોરે પોતાની વિદ્યાથી સિપાહીઓને ઊંઘતા કરી દીધા અને ચારેય રાજાના શયનખંડમાં આવ્યા.- AMARKATHAO
ત્રીજાએ રાજાનો પલંગ ખસેડીને પોતાની વિદ્યાથી જમીન ખોદી કાઢી અને અંદરથી ચાર કળશ નીકળ્યા. ચારેય અેક એક કળશ લઈને મહેલમાંથી નીકળી ગયા. રાજા પણ અદ્રશ્ય સ્વરૂપે તેમની પાછળ પાછળ ગયા.

ચારેય ચોર નગર બહાર નીકળ્યા કે રસ્તામાં એક શિયાળ કૂતરાને કહેતું હતું : “ચોરો રાજમહેલમાંથી ચોરી કરીને જાય છે , છતાં તું કેમ ભસતો નથી ? ”

ત્યારે કૂતરો બોલ્યો : “માલનો ધણી જ ચોર લોકોની સાથે છે , પછી ભસું કોને ? ”

આ વાત પશુ – પંખીની ભાષા જાણનાર ચોરે સાંભળી.
તેણે બધાને ચેતવી દીધા અને કહ્યું : “ આપણે આપણા ગુપ્ત સ્થળે જવું નથી. બીજે ક્યાંય આ ચારેય કળશને છુપાવી દઈએ. ”

ચારેય ચોર એક પર્વતની ગુફામાં ગયા અને ત્યાં ખાડો ખોદી કળશ દાટી દીધા અને પછી આવીને લઈ જઈશું ’ વિચારી ચારેય અલગઅલગ દિશામાં જતા રહ્યા. અમરકથાઓ

રાજા તો મૂંઝાઈ ગયો . ‘ ચારેમાંથી એક ચોરને પકડવા જતાં બીજા ત્રણ કળશને કાઢી જાય. ‘ આમ વિચારી તેઓ આખી રાત કળશની ચોકી કરતા રહ્યા. સવાર થતાં રાજા પોતાના મહેલમાં આવી સૂઈ ગયા.

બીજી બાજુ ચોકિયાતો જાગ્યા ત્યારે ખબર પડી કે મહેલમાં રાજાના શયનખંડમાં ચોરી થઈ. આખા ગામમાં આ વાત ફેલાઇ ગઈ. રાજા તો આ વાત જાણત હતા , તેથી તેઓ નિશ્ચિત હતા. તેમણે કોઈને ઠપકો આપ્યો નહિ.

મધરાત થતાં વિક્રમ રાજા એક વહેલને બે બળદ જોડી પેલી ગુફામાં લઈ ગયા ને ત્યાં દાટેલા કળશને કાઢી વહેલમાં નાખી નગર તરફ વળ્યા રસ્તામાં બે વૃદ્ધો ને બે જુવાનને રડતા જોઈ તેમણે પોતાની વહેલ ઊભી રાખી અને અડધી રાતે તેમનાં રડવાનું કારણ પૂછ્યું.

ત્યારે એક વૃદ્ધે કહ્યું : “ અન્નદાતા, અમે ગરીબ બ્રાહ્મણ છીએ . અમારા દીકરાનાં લગ્ન થોડા જ દિવસમાં થવાના છે , પરંતુ અમારી પાસે લગ્ન કરવા જેટલું ધન નથી. જેની પાસે માગીએ છીએ તે અમને ના પાડે સાથે સાથે અમારી ઇજ્જત ઉઘાડી પાડે છે. માટે અમે આ નગર છોડી જઈએ છીએ. ”

વિક્રમ રાજાએ વહેલમાં પડેલા એક કળશમાંથી થોડું ધન વૃદ્ધને આપ્યું , પરંતુ તેને આટલા ધનથી સંતોષ થર્યો નહિ. તેણે રાજાને કહ્યું : “ મહારાજ ! તમારે ધનની ક્યાં ખોટ છે ? આટલા ધનથી શું થવાનું ? અમને ચારેય કળશ આપી દો , જેથી આખી જિંદગીની શાંતિ થાય . ”

રાજાએ વિનાસંકોચે ચારે કળશ તે બ્રાહ્મણને આપી દીધા અને ખાલી વહેલે મહેલે આવ્યા. બ્રાહ્મણ કળશ લઈને ઘેર ગયા અને ઘરના એક ખૂણામાં ચારે કળશને દાટી દીધા.
આ બાજુ રાજા મહેલે જઈને પ્રધાન અને સેનાપતિને ચોરોની અને કળશની બધી વાત કરી. પછી બધાને શાંતિ થઈ.

રાત પડતાં ચારે ચોર કળશ લેવા ગુફામાં ગયા, પણ કળશ મળ્યા નહિ. પહેલાં ચોરે પોતાની વિદ્યાના પ્રતાપે કળશ બ્રાહ્મણના ઘેર છે તેમ કહ્યું.

ચારેય ચોરબ્રાહ્મણના ઘેર આવ્યા. ચોથાએ બધાને પળવારમાં ઊંઘાડી દીધાં. ત્રીજાએ જમીન ખોદીને કળશ બહાર કાઢી લઈ ગયા.

સવાર પડતાં બ્રાહ્મણે જ્યાં કળશ દાટેલા હતા , ત્યાં ખાડો ખોદેલો જોયો અને કળશ ગુમ થયેલા દીઠા. ચારે સમબ્રાહ્મણો રડતા રડતા વિક્રમ રાજાને મહેલે આવ્યા અને ગમે તેવા અપશબ્દો બોલવા લાગ્યા અને ચોરીનો આળ રાજા પર નાખવા લાગ્યા. – અમરકથાઓ

રાજાએ બ્રાહ્મણોને કહ્યું : “ હે ભૂદેવો ! તમે મને ખોટું સમજો છો. હું તે ધન પાછું નથી લઈ ગયો. તમારે બીજું ધન જોઈતું હોય તો મારો ભંડાર ઉઘાડી આપું છું, તેમાંથી તમારે જોઈએ તેટલું ધન લઈ લો. ”

બ્રાહ્મણે કહ્યું : “ તમે ફરી કળશની માફક આ ધન પાછું તો નહિ લોને ? નહિ તો અમારું શું થશે ? હવે લગ્નનો દિવસ ખૂબ જ નજીક આવી રહ્યો છે. ”

રાજાએ કહ્યું : “ હૈ ભૂદેવ ! હું તમને વચન આપું છું કે આ ચારેય કળશ પંદર દિવસમાં તમને પહોંચાડી દઈશ. ” આમ તેમણે બ્રાહ્મણોને અઢળક ધન આપી સમજાવીને ઘેર મોકલ્યા.

બીજે દિવસે રાજા ફરી ગુપ્તવેશે ચોરોની શોધમાં નીકળી પડ્યા. સતત દસ દિવસ સુધી તેમણે ચોરોની શોધ કરી , છેવટે આ ચારે ચોરની ટોળકીને રાજાએ પકડી પાડી અને તેમણે પોતાની ઓળખાણ આપી અને કળશની ચોરી વિશેની બધી હકીકત કહી સંભળાવી. અમરકથાઓ

ચોર તો રાજાની વાત સાંભળી આશ્ચર્ય પામ્યા. રાજાએ ચારેય જણને શા માટે ચોર થવું પડ્યું તે વિશે પૂછતાં ચારેય પોતાની સાચી હકીકત જણાવી દીધી.

રાજા આ ચારે ઉપર રાજી થઈ ગયા અને કહ્યું : “તમે ચારે જણ પોત પોતાની વિદ્યામાં પારંગત છો, તો તેનો તમે સદુપયોગ કરો અને સારા માણસો બનો.
મેં પેલા બ્રાહ્મણને ચાર કળશ આપવાનું વચન આપ્યું છે , તેથી મને તે કળશ પાછા આપો. ”

ચારેયે રાજાની ઉદારતા જોઈને ચારે કળશ રાજાને સોંપી દીધા,
એટલે રાજા વિક્રમ અને ચારેય ચોર એ બ્રાહ્મણને ઘેર આવ્યા. વિક્રમ રાજા સાથે ચાર ચોરને આવેલા જોઈને બ્રાહ્મણે વિક્રમ રાજાની માફી માગી અને કહ્યું : “ હે અન્નદાતા , તમે આપેલું ધન અમારા દીકરાના લગ્ન માટે પૂરતું છે. અમારે કળશની જરૂર નથી, તે મહેલે પાછા લઈ જાવ. ”

વિક્રમ રાજા ચોરો પાસે કળશ ઉપડાવી પોતાને મહેલે લઈ આવ્યા અને ચોરોને પણ ચોરી કરવા બદલ માફ કરી દીધા. પછી તેમને પણ દરેકને એક – એક હજાર સોનામહોર આપી વિદાય કર્યા.

ચોરોનું પણ હૃદય – પરિવર્તન થયું અને તેઓ સોનામહોરોથી પોતાનો નાનો ધંધો શરૂ કરી આનંદથી રહેવા લાગ્યા.

‘ બાળા ’ પૂતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું : “ હે ભોજ રાજા ! વિક્રમ રાજા આવા પરગજુ અને વિદ્યાપારખુ હતા. તેમના જેવા રાજા જ આ સિંહાસન પર બેસી શકે. ”

આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.

સિંહાસન બત્રીસી બારમી પૂતળીની વાર્તા

best motivation video
દરેક માં બાપ એકવાર ચોક્કસ સાંભળે ક્લીક કરીને ☝

બારમે દિવસે રાજા ભોજ સિંહાસન પર બેસવા ગયા ત્યારે ‘સિંહકા’ નામની પૂતળીએ તેમને સિંહાસન પર બેસતાં અટકાવી , વિક્રમ રાજાના પરાક્રમની અને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી :

એક દિવસ વિક્રમ રાજાને અડસઠ તીર્થની જાત્રા કરવાની ઇચ્છા થતાં તેઓ પોતાનું રાજપાટ પ્રધાનને સોંપી, યાત્રાળુનો વેશ ધારણ કરી યાત્રાધામ જવા નીકળી પડ્યા.

તેઓ દરેક તીર્થે દેવદર્શન કરતાં કરતાં કર્ણાટક દેશમાં આવી ચડ્યા. ત્યાં એક ગામમાં વાણિયાની દુકાને રાજા વિસામો ખાવા બેઠા. રાજા દુકાને બેસતાં જ વાણિયાની દુકાને ઘરાકી વધી ગઈ અને થોડીવારમાં તો સારો એવો વકરો થઈ ગયો.

વાણિયાને થયું : ‘ આ પરદેશીના પગલે જ તેને આજે સારો વકરો થયો. ’
વાણિયાએ રાજાને નમન કરી કહ્યું : “ તમે યાત્રાળુ લાગો છો, વળી થાકેલા છો , તેથી મારે ઘેર ચાલો. હું આપની સેવા કરું.

વિક્રમ રાજા વાણિયાના ઘેર ગયા. ત્યા તેમની ખૂબ જ આગતા – સ્વાગતા કરીને તેમણે ત્રણ ચાર દિવસ વધારે રહેવા ભલામણ કરી. આ દિવસોમાં વાણિયાનો ધંધો ખૂબ જ ધમધોકાર ચાલતો રહ્યો.

આ વાણિયાને એક દીકરી હતી. તે પરણવાલાયક થઈ હતી , પરંતુ તે એકે મૂરતિયાને પસંદ કરતી ન હતી. તે તો વિક્રમ રાજાને પરણવા ચાહતી હતી.

આ વાતની ખબર વિક્રમ રાજાને પડી. વિક્રમ રાજાએ તેને પોતાની ઓળખ આપી. કુંવરી તો વિક્રમ રાજાને પોતાની સામે જોતાં ખૂબ જ રાજી થઈ ગઈ.

વિક્રમ રાજાએ તેને પોતે તીર્થયાત્રા પૂરી કરીને લગ્ન કરી ઉજ્જયિની નગરીમાં લઈ જવાનું કહ્યું. પરંતુ કન્યા તો હઠ લઈને બેઠી હતી , એટલે વિક્રમ રાજાએ વાણિયાની પુત્રી સાથે ગાંધર્વ લગ્ન કરી લીધાં.

વાણિયાનો વેપાર ધોમધોકાર ચાલતો હોવાથી આ મુસાફરનો જ પ્રતાપ છે. એમ જાણી વધુ ચાર-પાંચ દિવસ આગ્રહ કરીને રોક્યા. તેથી વણિકકન્યા ખુબ જ રાજી થઇ.
પણ વિક્રમરાજાએ કન્યાને કહ્યુ કે હાલ મારી ઓળખાણ કોઇને ન આપે નહિતર તીર્થયાત્રામાં મુશ્કેલી ઉભી થશે.

રાજાએ વણિકકન્યાને એક પત્ર અને એક હજાર સોનામહોર આપી. સવાર પડતાં વિક્રમ રાજાએ વાણિયાના ઘેરથી વિદાય લીધી અને પાછા ફરતી વેળાએ આવવાનું કહ્યું.

આકસ્મિક જાત્રા પૂરી કરીને રાજાને ઉજ્જયિની પહોંચવાની ફરજ પડી. અને પાછા રાજકાજમાં લાગી ગયા.

સમય જતાં વાણિયાની પુત્રી ગર્ભવતી બની. આખા ગામમાં આ વાત જાહેર થતાં બધા તેની નિંદા કરવા લાગ્યા. મા – બાપે તેને કલંકિત માની ઘરમાંથી કાઢી મૂકી. તે ગામ બહાર આવેલ મંદિરમાં રહેવા લાગી અને તેણે ત્યાં એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ વિક્રમચરિત્ર પાડ્યું. Amar kathao

વિક્રમ રાજાએ આપેલ સોનામહોર વડે તે પોતાના પુત્રને લઈને એક નગરમાં રહેવા લાગી. તેણે પોતાના પુત્રને પાઠશાળામાં ભણવા મૂક્યો વિક્રમચરિત્ર ભણવામાં ખૂબ જ હોશિયાર હોવાને લીધે તે પાઠશાળાનો વડો વિદ્યાર્થી બન્યો. સમય પસાર થતાં વિક્રમચરિત્ર બાર વર્ષનો થયો.

એક દિવસ એક વિદ્યાર્થી સાથે તકરાર થતાં વિક્રમ ચરિત્રને તે છોકરાએ ‘ નબાપો ‘ કહ્યો. આ સાંભળી વિક્રમચરિત્રને ખૂબ માઠું લાગ્યું. તેણે ઘેર આવીને પોતાની માને પોતાના પિતાજી વિશે પૂછ્યું ત્યારે માએ તેને પેલો કાગળ આપ્યો.

વિક્રમચરિત્ર તે કાગળ વાંચીને રાજી રાજી થઈ ગયો. તેણે માને કહ્યું : “ મા ! મને આશીર્વાદ આપો કે હું મારા પિતાને જઈને મળી શકું. ” માની રજા મળતાં વિક્રમચરિત્ર પોતાના ઘોડા પર સવાર થઈ ઉજ્જયિની નગરીમાં પહોંચ્યો.

પરંતુ રાજાને મળવું અશક્ય લાગતા તે મહેલે ન જતાં નગર બહાર આવેલા એક વાડીમાં જઈ ઝાડ નીચે આરામ કરવા બેઠો. એવામાં તેણે એક માલણને જોઈ. તેને થયું કે ‘ રાજદરબારમાં જતી – આવતી માલણ દ્વારા જ મારું કામ સિદ્ધ થશે. ’

આમ વિચારી તેણે માલણને કહ્યું : “ બહેન હું પરદેશી છું. મને થોડા દિવસ તમારે ઘેર આશરો આપો. ” આમ કહી તેણે પચીસ સોનામહોર આપી માલણ તો રાજી થઈને પરદેશીને પોતાને ઘેર લઈ ગઈ માલણે પરદેશીને ઘેર લાવી પ્રેમથી જમાડ્યો અને તેને રહેવા માટે સગવડ કરી આપી.

વિક્રમચરિત્ર બે દિવસ તો આરામથી માલણને ત્યાં રહ્યો અને તેને મોંએ વિક્રમ રાજાની બધી વાત સાંભળી. ત્રીજા દિવસે તેણે એક યોજના બનાવી અને રાજાને ઉદ્દેશીને એક પત્ર લખ્યો. તેમા લખ્યુ કે હુ કોઇપણ સમયે તમારા ગામને લુટવા આવી પહોચીશ.

ફૂલ આપવા જતી માલણને બીજી પાંચ સોનામહોર આપીને કહ્યું : “બહેન , તારે આ કાગળ ગમે તે રીતે રાજાના હાથમાં પહોંચાડવાનો છે. ” માલણ તો ફૂલની સાથે એ કાગળને લઇ રાજમહેલમાં ગઈ અને રાજાના અગત્યના કાગળો ઉપર આ કાગળ મૂકી દીધો. થોડીવારમાં રાજાએ પોતાના કાગળો લીધા, તો તેણે સૌ પ્રથમ ઉપરનો કાગળ વાંચ્યો અને તેઓ વિચારમાં પડી ગયા. તેમને થયું કે ‘ જરૂર આ કોઇ બહારવટિયાનું જ કામ લાગે છે. તેનો જ આ કાગળ છે.



રાજાએ તરત જ સભા ભરી અને આ કાગળની વાત જાહેર કરી અને કહ્યું : “ આ બહારવટિયાને વહેલી તકે પકડવાનો છે . તો તમારામાંથી તેને પકડવા કોણ તૈયાર છે ? “

સભામાં હાજર રહેલા બે પંડિત સહદેવ અને મૂળદેવે આ પડકાર ઝીલી લીધો. રાજાએ ‘ નગરમાં રાત્રિ દરમિયાન કોઈએ પણ બહાર નીકળવું નહિ ’ તેવો ઢંઢેરો પિટાવી દીધો.

માલણે આ સમાચાર વિક્રમચરિત્રને આપ્યા. વિક્રમચરિત્ર પોતાની યોજના પ્રમાણે અડધી રાતે ઊઠીને સ્ત્રીનો વેશ લઈ , સોળ શણગાર સજીને પૂજાનો થાળ લઈ રુમઝુમ કરતો ચાલી નીકળ્યો. તેણે સહદેવ – મૂળદેવને યોજનામાં ફસાવીને તેમના હાથમાં હથકડી પહેરાવી દીધી અને પછી પોતાની બહારવટિયા તરીકેની ઓળખ આપી જતો રહ્યો.

સવારે રાજાએ સહદેવ – મૂળદેવની ખરાબ દશા જોઈને સભામાં ફરી બારવટિયાને પકડવાનો પડકાર કર્યો. આ વખતે બાલુ અને ફતુ નામના બે ભાઈઓએ પડકાર ઝીલ્યો.
રાજાએ ફરી ઢંઢેરો પિટાવ્યો કે ‘ સૂરજ આથમ્યા પછી કોઈએ ઘરની બહાર નીકળવું નહિ. ‘

માલણે આ વાત વિક્રમચરિત્રને કહી. વિક્રમચરિત્રે ગામડિયાના વેશમાં બાલુ અને ફતુને બનાવ્યા. આ વાત વિક્રમ રાજાએ જાણી , તે તો ભારે વિમાસણમાં પડ્યા.

હવે તેમણે પોતે જ બહારવટિયાનું પકડવાની હામ ભીડી અને દરબારીઓને આ નિર્ણય જણાવ્યો.
માલણે આ વાત વિક્રમચરિત્રને જણાવી અને કહ્યું “ રાજા સૌ પ્રથમ હરસિદ્ધ માતાના મંદિરે જશે. વિક્રમ રાજા રાત્રે હરસિદ્ઘ માતાના મંદિરે ગયા. તેની પાછળ વિક્રમચરિત્ર ગયો. ત્યાં વિક્રમ રાજાએ બહારવટિયાને પકડવા માતાજીની સહાય માગી. – અમરકથાઓ

અહીં વિક્રમચરિત્ર વિક્રમ રાજા સમક્ષ જાહેર થયો. વિક્રમચરિત્રે પેલો કાગળ રાજાને આપ્યો. રાજાએ દીવાના ઝાંખા પ્રકાશમાં આ કાગળ વાંચ્યો અને તેને પોતાનો આખો ભૂતકાળ યાદ આવ્યો. તેઓ પોતાના પુત્ર વિક્રમચરિત્રને બાથમાં લઈ ભેટી પડ્યા.

તેઓ વિક્રમચરિત્રને રાજમહેલે લઈ ગયા અને બીજા દિવસે રાજદરબારમાં સભાજનો આગળ તેની ઓળખાણ કરાવી અને તેની માતાને પણ રાજમહેલમાં તેડાવી લીધી. બન્નેનું ધામધુમથી સ્વાગત કર્યુ. બંનેને રહેવા માટે એક અલગ મહેલ આપ્યો. આમ થોડો સમય આનંદથી વિત્યો.

એક દિવસ વિક્રમ રાજાના દરબારમાં કેટલાક દુ:ખી લોકો આવ્યા અને બોલ્યા : “ મહારાજ ! અમારા દેશમાં દુકાળ પડ્યો છે. નદી તળાવના પાણી સુકાઈ ગયાં. આથી ગામના લોકોએ જોષી પાસે જોવડાવ્યું તો તે કહે છે : “ આ તો કુદરતના કોપને લીધે છે ; પરંતુ ગામ બહાર તળાવમાં જો કોઈ બત્રીસલક્ષણાનો ભોગ અપાય તો જ વરસાદ પડે.

“અમે આવા બત્રીસલક્ષણા પુરુષની શોધમાં અહીં આવ્યા છીએ. ”

વિક્રમ રાજા કહે : “ હું બત્રીસલક્ષણો કહેવાઉં છું. હું મારો ભોગ આપવા તૈયાર છું. ”

લોકોમાથી એક આગેવાન બોલ્યો : “ના , એ નહિ બને. લાખ મરજો પણ લાખનો પાલનહાર ન મરજો. હું તમારા જેવા પરમાર્થીનો ભોગ નહિ આપું. ”

રાજાએ ખૂબ વિચારી પોતાના પુત્ર વિક્રમચરિત્રને વાત કરી.
વિક્રમ ચરિત્રે કહ્યુ કે જો મારા ભોગથી લોકોનાં દુ:ખ દૂર થતા હોય તો હુ મારો ભોગ આપવા તૈયાર છુ.

પોતાનાં પુત્રને સોપી ને કહ્યું : “ આ પણ બત્રીસલક્ષણો છે.”
લોકોની ખૂબ જ આનાકાની છતાં પણ વિક્રમ ચરિત્ર લોકોની સાથે તેના ગામમાં ગયો.

આખા ગામમાં જાહેર થઈ ગયું કે ‘ તળાવને કિનારે આજે બત્રીસલક્ષણા પુરુષનો ભોગ આપવાનો છે. આખું ગામ તળાવની આસપાસ એકઠુ થયુ. મંત્રોચ્ચાર સાથે વિક્રમચરિત્રના ભોગ આપવાની તૈયારી થઈ ગઈ.

વિક્રમચરિત્ર તલવારથી પોતાના મસ્તકનું બલિ આપવા જાય છે , ત્યાં તો પાતાળમાંથી જળદેવતા પ્રકટ થયાં અને બોલ્યાં :
બેટા તારા લોકહિતનાં નિર્ધારથી હુ પ્રસન્ન થયો છુ. તારી બલિ આપવાની કોઇ જરુર નથી, તારા લોહીનું એક ટીપું જો આ તળાવમાં પડશે તો તમારું કાર્ય સિદ્ધ થશે.

વિક્રમચરિત્રે જળદેવતાને નમન કરી પોતાની ટચલી આંગળી છેદી તેમાંથી લોહીની ધારા તળાવમાં પાડી કે તરત જ તળાવમાં પાણી ઉભરાયું. થોડીવારમાં આ ગામના નદી , તળાવ , નાળાં , વાવ પાણીથી ભરાઈ ગયાં.

આ ગામની પ્રજાએ વિક્રમ રાજા અને તેમના પુત્રનો જય જયકાર બોલાવ્યો. વિક્રમ રાજા પોતાના પુત્ર વિક્રમચરિત્રને લઈને ઉજ્જયિનીમાં પાછા ઓવ્યા ત્યારે પ્રજાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું.

‘સિંહકા’ પૂતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું : “ હે રાજા ભોજ ! વિક્રમ રાજા આવા પરગજુ અને પ્રજાહિત માટે સ્વજનોનો ભોગ આપવાની તત્પરતાવાળા હતા. તેમના જેવા રાજા જ આ સિંહાસન પર બેસી શકે. ”

આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.

(⚠ આ આખી સિરીઝ લેખકની અનુમતિથી મુકવામાં આવતી હોય અન્ય કોઇપણ જગ્યાએ copy કરવાની સખત મનાઇ છે. આપ ફક્ત share કરી શકો છો. છતા પણ આવી બાબત ધ્યાને આવશે. તો copy right ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.)
typing – અમર કથાઓ

🌟 સિંહાસન બત્રીસી – ભાગ 1 – સિંહાસન પ્રાપ્તિ

🌟 સિંહાસન બત્રીસી – ભાગ 2 – પ્રથમ પૂતળીની વાર્તા

🌟 સિંહાસન બત્રીસી – ભાગ 3 – બીજી પૂતળીની વાર્તા

વિક્રમ વૈતાલની વાર્તા ભાગ 1 થી શરુ

વિક્રમ અને વેતાળની વાર્તા 2

વિક્રમ અને વેતાળની વાર્તા 3

વિક્રમ અને વેતાળની વાર્તા 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *