Skip to content

વ્યથા – લેખક : નટવરભાઈ રાવળદેવ થરા ભાગ 1 – 2

વ્યથા
3019 Views

વ્યથા લેખક – નટવરભાઈ રાવળદેવ થરા, ગુજરાતી ટૂકી વાર્તા, અમરકથાઓ, best gujarati short story, Natavarbhai Ravaldev ni vartao, Gujarati short story vyatha, gujarati tuki vartao, gujarati vartao pdf

વ્યથા (ભાગ 1)

ઓફિસેથી ઘેર આવીને હિતેને જોયું તો વૈશાલી હીબકાં ભરીને ભરીને રડતી હતી.જો કે હિતેનને જોતાં જ એણે ઝટપટ આંસું લુંછી નાખ્યાં.ઉભી થઈને પાણીનું ગ્લાસ આપ્યું અને બોલી,’જમી લ્યો ઝડપથી હિતેન.જમીને આપણે બહાર જવું છે.’

“બકા” ના બદલે હિતેન? રડીને લાલઘૂમ થઈ ગયેલી આંખો! હિતેનને કંઈ સમજમાં ના આવ્યું.એમાંય વૈશાલીને કોઈ સામાન્ય શારિરીક તકલીફ હોય તો પણ જમવાનું તો લગભગ બહાર જ હોય તેવા સંજોગોમાં “જમી લ્યો ઝડપથી”?

આજે હોસ્પિટલે બધા રીપોર્ટ કરાવવા જવાનું હતું.એ રીપોર્ટો તો બધા નોર્મલ આવ્યા છે તે સમાચાર તો હિતેને બપોરે ત્રણ વાગે ફોન કરેલો ત્યારે વૈશાલીએ આપી દીધેલા.તો પછી શું ઘટના બની હશે?

પાણી પીતાં પીતાં તો હિતેનના મનમાં કેટલાય વિચારો આવી ગયા.હિતેને થોડા ગભરાયેલા અવાજે વૈશાલી પાસે બેસીને કાયમના “બેબી” સંબોધનને કોરાણે મુકીને કહ્યું, ‘શું વાત છે વૈશાલી?પ્લીઝ ઝડપથી બોલ, પછી હું જમવા બેસું.

‘તમારા સોગંદ ખાઈને કહું છું કે, કશું જ અઘટિત બન્યું નથી કે મને પણ કંઈ થયું નથી.પ્લીઝ તમે જમી લ્યો.હું જમવાનું તૈયાર કરુ છું.તમે હાથ પગ ધોઈ ફ્રેશ થઈ ને જમી લ્યો.’વૈશાલી વિનંતીભર્યા ભાવે બોલી.

હિતેન મનોમન ફરીથી ચોક્યોં. બે વર્ષના લગ્ન જીવનમાં આવો વિનંતીભાવ વૈશાલીના મોં પર એણે પ્રથમવાર જોયો હતો.છતાંય એણે કહ્યું, ‘તેં જમી લીધું?

‘ના, મને ભુખ નથી.તમે આજે મારી ચિંતા ના કરશો કે મને કોઈ પ્રશ્ન પણ કરશો નહીં કારણ કે આપણે જમીને એકસો પચાસ કિલોમીટર દૂર જવાનું છે.અત્યારે જ બા બાપુજીને મળવા.’

વૈશાલીએ ફટાફટ જમવાનું પીરસી દીધું અને બોલી,’તમે શાંતિથી જમી લ્યો ત્યાં સુધી હું સાડી પહેરી લઉં.’

મમ્મી પપ્પા માટે આજે વળી બા બાપુજીનું સંબોધન! સાડી પહેરી લઉં? અને તે પણ જાતે? હિતેનને બધું મુંઝવણભર્યું લાગતું હતું.એને કંઈ સમજણ પડતી નહોતી છતાંય જમતાં જમતાં એટલું તો બોલ્યો જ,’ડ્રેસ પહેરી લેવો હતો ને? તને સાડી પહેરતાં આવડશે? અને સાડી ક્યાંથી લાવી? તારી બધી સાડીઓ તો ગામડે છે,વતનમાં.’

સાડી,બ્લાઉઝ એ બધું તો આપણી કામવાળી બે’ન કોકીલા આપી ગઈ અને પહેરવાની ચિંતા તમે ના કરો.જેમ આવડશે તેમ પહેરી લઈશ.ત્યાં અડધી રાતે પહોંચશું પછી બીજું કોણ જોવાનું છે?’-વૈશાલી બેડરૂમમાંથી ભીના અવાજે બોલી.

વૈશાલી જેમ જેમ બોલ્યે જતી હતી તેમ તેમ હિતેન ગુંચવાતો જતો હતો. કામવાળીનાં કપડાં અને એ પણ વૈશાલી પહેરે! ઓફિસેથી ઘેર આવતી વખતે બહાર નિકળીને ગાડી પાર્ક કરેલ હતી ત્યાં પહોંચીને એણે એના પપ્પાને ફોન કર્યો હતો અને મમ્મી પપ્પા બન્ને સાથે વાતચીત કરી હતી,એમાં વૈશાલી ત્યાં આવવાની છે એ તો ફોનમાં મમ્મી પપ્પાએ કઈ કહ્યું જ નહોતું.હિતેનનાં મમ્મી પપ્પા -બન્નેએ ફોન પર વૈશાલીના સમાચાર પણ લીધા હતા.

ગળે ઉતરતું નહોતું છતાં થોડું જમી લીધું.જમીને રૂમમાં જ બે ત્રણ આંટા માર્યા ત્યાં તો વૈશાલી તૈયાર થઈને આવી ગઈ.હિતેન તો એને જોતો જ રહ્યો.કપાળમાં બિંદી, હાથમાં બંગડી! આ બધું શું? એટલે જ તો એણે કહ્યું, ‘ગામડાની ગોરી થઈ ગઈ વૈશાલી તું તો!મને કંઈક તો કહે?

પરંતુ વૈશાલીના ભાવશુન્ય અને રડમસ ચહેરામાં કોઈ પરિવર્તન નહોતું.

બન્ને જણ ઘરને લોંક મારીને બહાર નીકળ્યાં.ગાડીમાં ગોઠવાયાં ત્યાં જ વૈશાલીએ કહ્યું, ‘ઓફિસે મેઈલ કરીને કાલની રજા મુકી દો હિતેન અને હા, કોઈ પણ ચિંતા કર્યા વગર ગાડી ચલાવજો.રાત્રીની મુસાફરી છે ને પાછું દૂર જવાનું છે.પ્લીઝ!મને રસ્તામાં કોઈ પ્રશ્ન ના કરતા.ગાડી ચલાવવામાં જ ધ્યાન રાખજો.’

કિશોરભાઈ ગામડાના ગરીબ માબાપનું ફરજંદ.માબાપે પેટે પાટા બાંધીને પણ કિશોરભાઈને ભણાવ્યા અને મહેનત ફળી.કિશોરભાઈ પ્રાથમિક શિક્ષક બની ગયા.લગ્ન બંધને બંધાયાના બીજા જ વરસે એમનાં ધર્મપત્ની મનોરમાબેન પણ પ્રાથમિક શિક્ષિકા બની ગયાં.લગ્નજીવનના તેર તેર વરસ પછી ભગવાને આ પરિવાર સામે જોયું.

પુત્રરત્નનો જન્મ થયો.પરિવારમાં આનંદ આનંદ થઈ ગયો. એ પુત્રરત્ન હિતેન.

હિતેન ભણી ગણીને કંપનીમાં ઉંચા પગારવાળી નોકરીનો હકદાર બન્યો.એ જ કંપનીમાં વૈશાલીને પણ નોકરી મળી ગઈ.વૈશાલી અને હિતેન કોલેજકાળથીજ એકબીજાના પરિચયમાં હતાં.બન્નેનો અભ્યાસ પણ એક જ હતો.બન્નેની આંખ મળી ગઈ.બન્ને પરિવારોએ સબંધ પર મંજુરીની મહોર મારી દીધી.

હિતેનનાં મમ્મી પપ્પા બન્ને નોકરીયાત હોવા છતાં સાદુ જીવન જીવવાવાળાં માનવી હતાં એના પ્રમાણમાં વૈશાલીનો પરિવાર પ્રમાણમાં ખાધેપીધે ઠીક ઠીક કહી શકાય તેવો પરંતુ આધુનિક લાઈફસ્ટાઈલ ખરી! હિતેન તો આધુનિક જીવનશૈલી સાથે સાદગીને પણ સમજવવાવાળો યુવાન હતો.

ધામધૂમથી લગ્ન લેવાયાં.લગ્નના છ માસ પહેલાં કિશોરભાઈ નિવૃત થયા હતા તો લગ્નના છ માસ પછી મનોરમાબેન નિવૃત થયાં.

લગ્ન પછી તરત જ હિતેને નોકરીના સ્થળે મકાન લઈ લીધું હતું અને હિતેન, વૈશાલી મોજશોખથી સહજીવનનો આનંદ માણી રહ્યાં હતાં.

મનોરમાબેન નિવૃત થતાં જ હિતેને મમ્મી પપ્પાને એની સાથે રહેવા બોલાવી લીધાં.આમેય કિશોરભાઈનાં માબાપ તો અત્યારે આ દુનિયામાં હયાત નહોતાં એટલે દિકરા સાથે રહેવા જવામાં એમનેય ખુબ આનંદ થયો.

હિતેનનું મકાન પણ પ્રમાણમાં મોટું હતું. કોઈ તકલીફને અવકાશ નહોતો.

મનોરમાબેન તો રાજી રાજી થઈ ગયાં.આનંદથી સમય પસાર થતો ગયો.કિશોરભાઈ તો અઠવાડિયામાં બે ત્રણ દિવસ,લગભગ શુક્રથી રવિ સુધી વતન અને સગા સબંધી,મિત્રવર્ગમાં જ મહાલે.ભુતપૂર્વ વિદ્યાર્થીઓને ઘેર મહેમાનગતિના વાયદાઓ પુરા કરવાનો હવે જ તો સોનેરી અવસર હતો ને!

હિતેન અને વૈશાલી બન્ને નોકરીયાત હોવાથી મનોરમાબેન હોંશે હોંશે રસોડા વિભાગ સંભાળવા લાગ્યાં.અઠવાડિયું મમ્મીના હાથનો ભોજનનો સ્વાદ માણીને હિતેને કચરો, પોતુ, કપડાં,વાસણ કરતી કામવાળી બેન કોકીલાને સવારનો નાસ્તો અને રસોઈનો વધારાનો હવાલો સોંપી દીધો.

એક જ સાંજના ભોજનની જવાબદારી મનોરમાબેને દિકરા વહુને આગ્રહ કરીને પોતાના શીરે અકબંધ રાખી.

એક મહિનો બધું સમુસુતરૂ ચાલ્યું ત્યાં વૈશાલીના મોંઢે મનોરમાબેન માટે શિખામણના શબ્દો નિકળવા લાગ્યા જેમાં પ્રથમ શિખામણ કંઈક આવી હતી.’મમ્મી! માફ કરશો પરંતુ આ દુનિયા ખુબ આગળ વધી ગઈ છે અને આ શહેર છે.તમે આખો દિવસ આ સાડી પહેરીને જ ફરો છો.હવે અત્યારની જીવનશેલી મૂજબ ડ્રેસ, કેપ્રી-જર્સી, જીન્સ પહેરતાં થઈ જાઓ.’

‘મને આવાં વસ્ત્રો કોઈ પહેરે એની સાથે કોઈ વાંધો નથી બેટા! પરંતુ હું તો એક શિક્ષકનો જીવ છું.શિક્ષક હમેશાં આજીવન શિક્ષક જ હોય છે,સમાજના દરેક વ્યક્તિમાં એનું સ્થાન કંઈક વિશિષ્ટ અને અનોખું છે.મેં નોકરીના પહેલા દિવસથી જ સાડી પહેરી છે.મારાં ભૂલકાંએ મને એ જ વસ્ત્ર પરિધાનમાં જોઈ છે અને હું મરુ ત્યાં સુધી શિક્ષક જ છું,એટલે એ વસ્ત્ર પરિધાનમાં ફેરફાર કરવાનો મારો આત્મા મને ના પાડે છે બેટા.

તને ખબર છે વૈશાલી બેટા કે, હું ચોવીસ કલાક સાડીમાં જ રહી છું છતાં અહીં આવ્યા પછી તારા આગ્રહને વશ થઈને રાત્રે આરામ વખતે ગાઉન પહેરવાનું તો શરૂ કર્યું જ છે.આખી નોકરી દરમ્યાન ક્યાંક યાત્રા પ્રવાસ કે ખાસ સંજોગો સિવાય હોટેલનું જમી નથી છતાંય અહીં આવ્યા પછી સાદર તારા પ્રેમને વશ થઈને રવિવારે હોટેલમાં પણ સાથે આવું છું.’ -મનોરમાબેન મોં પર થોડું હાસ્ય લાવીને બોલ્યાં.

હોટેલની વાત સાંભળતાં જ વૈશાલીને મનમાં ખટકો લાગ્યો. મનોરમાબેન અહીં આવ્યાં તેના પછી વૈશાલીએ રવિવારના દિવસે ઉપરછલ્લું જ મનોરમાબેનને કહ્યું હતું કે, ‘ચાલો મમ્મી આજે હોટેલમાં જમી આવીએ.’એને એમ હતું કે, મનોરમાબેન ચોખ્ખી ના પાડીને કહી દેશે ને કહેશે કે તમે જઈ આવો.પરંતું મનોરમાબેને તો કહી દીધું હતું કે, ‘ચાલો ભાઈ ત્યારે.!

વૈશાલીએ તો એના ભાઈ અને બે નાની બહેનોને પણ દર રવિવારની જેમ ફોન કરીને કહીં દીધું હતું.

મેનુમાં વૈશાલીએ સાદા ભોજનની વાત કરી તો હિતેને કહ્યું હતું કે,’અરે યાર!મારા સાળા અને આ બે સાળીઓ જ્યારે આવે છે ત્યારે આપણે કાયમ પિત્ઝાનો જ ઓર્ડર આપીએ છીએ.આજે તો સાળા સાળી ઉપરાંત મમ્મી પણ આવી છે તો પિત્ઝાનો સ્વાદ જ માણીએ.’ફ્રી માઈન્ડના હિતેનને તો કંઈ મનમાંય નહોતું પરંતુ વૈશાલી ક્ષોભીલી પડી ગઈ હતી.એને ખબર હતી કે, આટલા બધા જણનું આજનું ભોજનબીલ મોટું આવશે તે જોઈને મનોરમાબેન જરૂર કંઈક કહેશે.

મોટું બીલ આવ્યા પછીયે મનોરમાબેન તો કંઈ જ ના બોલ્યાં હતાં .પરંતું રવિવારનો હોટલનો જમણવાર આપોઆપ બંધ થઈ ગયો હતો.

દર રવિવારે વૈશાલીના ભાઈ બહેનોને અહીં આવવાનું તો ચાલુ જ રહ્યું હતું .બપોર પછી વૈશાલી અને તેનાં ભાઈ-બહેન શોપીંગ કરવા જાય.શોપીંગ પછી વૈશાલી એકલી જ ઘેર આવે.તેનાં ભાઈ બહેનોને બારોબાર વળાવી દીધાં હોય.

મનોરમાબેન ટુંકા જીવનાં તો જરાય નહોંતાં પરંતુ હસતાં હસતાં મનમાં સ્વગત જરૂર બોલતાં, ‘કદાચ! એટલે જ પુર્વજોએ રિવાજ પાડ્યો હશે કે, ‘દિકરીના ઘરનું પિયર પક્ષને પાણીય ના ખપે!

એક રવિવારે સવારે વૈશાલીની ઘણીબધી ફ્રેન્ડ અને સ્ટાફમાં કામ કરતી યુવતીઓ ઘેર આવી ચડી. બધાં સાથે વૈશાલીએ મનોરમાબેનની ઓળખાણ કરાવતાં કહ્યું, ‘આ મારાં મધર ઈન લો છે.’કેટલીકે હાય! કહીને તો પાંચેક યુવતીઓએ નમસ્તે કરીને મનોરમાબેનનું અભિવાદન કર્યું.ત્યારબાદ વૈશાલી બોલી, ‘આ મારાં મમ્મી રિટાયર્ડ ટીચર હોવા છતાં હજી જુનવાણી વિચારસરણી ધરાવે છે ને જુનાં વસ્ત્રો પહેરાવવામાં જ ગૌરવ અનુભવે છે.મનેય શરમ આવે છે પણ શું કરુ? ‘

સમસમીને રહી ગયાં મનોરમાબેન છતાંય હસતું મોઢું રાખીને સૌની સરભરા કરી.

આમ ને આમ છ મહિના વીતી ગયા.કિશોરભાઈ તો હજી મહેમાન જેવા જ હતા. અઠવાડિયામાં ચારેક દિવસ રોકાય. એમાંય એ મોટાભાગે નજીકનાં દેવસ્થાનોમાં સમય પસાર કરી દે.ઘેર હોય તો છાપુ વાંચવામાં અને માળા ફેરવવામાં જ દિવસ વિતાવી દે.

રોજ સવારે નજીકમાં આવેલ શિવાલયમાં દર્શને જવાનો નિયમ તો મનોરમાબેનનો જળવાઈ રહ્યો હતો.વૈશાલી અને હિતેનનો આઠ વાગ્યા પછી ઉઠવાનો સમય હતો અને પ્રાતઃક્રિયા પતાવતાં જ નવ સાડા નવ થઈ જાય એટલે વૈશાલીને દર્શન માટે મનોરમાબેન સાથે કેવી રીતે લઈ જાય?

એક દિવસ વૈશાલી ખાસ્સી વહેલી ઉઠી ગઈ. એ દિવસે મનોરમાબેન બોલ્યાં, ‘ચાલ બેટા! આજ તો વહેલી વહેલી ઉઠી ગઈ છે,એટલે ફટાફટ તૈયાર થઈ જા.સાસુ,વહુ એકસાથે આજે ભોળાનાથને મનાવીએ. ‘

મને ક મને વૈશાલી તૈયાર થઈને બોલી, ‘ચાલો મમ્મી! ‘

મનોરમાબેનની નજર વૈશાલીએ પહેરેલ કેપ્રી પર પડી.

‘અરે બેટા! તારી નોકરીએ જવા માટેનાં જે વસ્રો પહેરે છે એ પહેરી લે. આ ઘેર પહેરવાનાં વસ્ત્રો મંદિરે પહેરીને ના જવાય! ‘ -મનોરમાબેન શિખામણભાવે બોલ્યાં પરંતુ વૈશાલી તો કારણ જ શોધી રહી હતી.

‘બસ! મારા માટે વાંકું બોલવા સિવાય ક્યાં તમને બીજું કંઈ આવડે છે?’ -વૈશાલી ગુસ્સા સાથે આટલું બોલી ત્યાં મનોરમાબેને એના મોંઢા આડે હાથ રાખીને ધીમેથી બોલ્યાં, ‘મને માફ કરી દે બેટા!જો,હિતેન જાગી જશે ને સાંભળશે તો ખોટી ચિંતા કરશે.હવે કોઈ દિવસ નહીં બોલું બસ! મને માફ કરી દે.’

આજે રવિવાર હતો.હિતેન એના મિત્રને મળવા ગયો હતો.ગમે તે કારણોસર વૈશાલીનાં ભાઈ બહેન આજે આવ્યાં નહોતાં. કામવાળી પણ બધાં કામ કરીને નિકળી ગઈ હતી. મનોરમાબેન તેમના બેડરૂમમાં આડાં પડ્યાં હતાં.ઉંઘ અને આરામ તો છેલ્લા દિવસોમાં ક્યારનાંય ઉડી ગયાં હતાં.ઉંઘ તો ક્યાંથી આવે પરંતુ આડાં જરૂર પડ્યાં હતાં.

અચાનક ફોન પર થતી વાતચીત કાને પડી.’હું તારી દિકરી છું.એ મને શું આખી જીંદગી સેવા કરાવવાનાં હતાં! તું જોજે ને! થોડા દિવસોમાં ઉભી પુંછડીએ ગામડે ભાગી જશે. હા, હા, મમ્મી! પેન્શનના રૂપિયા તો આપે જ છે અને હજી સુધી હિતેનને તો કોઈ વાતનો અણસારેય આવવા દીધો નથી.લે ફોન મુકું છું.બાય મોમ! ‘

મનોરમાબેન માટે આ કંઈ નવું નહોતું.એમને તો અનુભવના આધારે નક્કી થઈ ગયું હતું કે, દોરી સંચાર બધો પિયર પક્ષનો છે.હવે વધારે સમય અહીં રહેવું વસમું થઈ પડશે એ નક્કી પરંતુ ભોળો હિતેન પૈસેટકે લુટાઈ રહ્યો હતો તેની ચિંતા મનોરમાબેનને કોરી રહી હતી.

=========================

લેખક-નટવરભાઈ રાવળદેવ થરા.

વ્યથા (ભાગ 2)

મનોરમાબેને આવી પરિસ્થિતિ વચ્ચે પણ અઠવાડિયું કાઢી નાખ્યું,પરંતું પરિસ્થિતિમાં કોઈ ફરક દેખાયો નહીં.બીજા સોમવારે કિશોરભાઈ આવ્યા ત્યારે રાત્રે ધીરે ધીરે બધી ઘટના, હકીકતો મનોરમાબેને કહી સંભળાવી.

અંતમાં બોલ્યાં,’તમે કોઈ ચિંતા ના કરતા.હું હજી અડીખમ બેઠી છું.હજી દશ વરસ સુધી તો બધું જ કામકાજ કરી શકીશ અને પછીએ થઈ પડશે.ગામમાં ઘણીય જરૂરીયાતમંદ મહિલાઓ છે.ઘરકામ અને થોડી સેવા ચાકરી જરૂર કરી દેશે.પાંચ પચ્ચીસ વધારે આપશું તો એવા લોકોનીય આંતરડી ઠરશે.

પેન્શન તો આવે જ છે અને હિતેનેય પૈસા બાબતે ક્યાં ના પાડે એવો છે?દિકરો નવા જમાનાની વહુ આગળ સાવ ભોળો પડે છે ને લક્ષ્મી લુટાવી રહ્યો છે.બસ,આટલી જ ચિંતા છે.આખરે એના સંસ્કાર તો માબાપ જેવા જ હોય ને! બસ, અહીંથી જીવ ઉઠી ગયો છે હવે.હૈયું પોકારી રહ્યું છે કે, “હાલો ને આપણા મલકમાં.”

‘જેણે પોતાની જીંદગીમાં હજારો બાળકોને ઓળખ્યાં છે.જીંદગીના પાઠ ભણાવ્યા છે એના મોં પર હતાશા ક્યારેય ના હોય હિતેનની બા. સંસાર છે! ચાલ્યા કરે બધું. પરંતુ અહીંથી જવા બાબતે હિતેનને કોઈ વાતનો અણસાર ના આવવો જોઈએ.’-કિશોરભાઈ થોડા વિષાદ સાથે બોલ્યા.

સાંજે જમી લીધા પછી મનોરમાબેને વાત કરી.’દિકરા હિતેન! ખબરેય ના પડે તેમ સાત સાત મહિના વીતી ગયા અમને અહીં આવ્યા ને. હવે વતનની બહુ યાદ આવે છે એટલે પાંચ છ મહિના વતનનો આનંદ લઈ આવીએ. છ મહિના પછી વળી પાછાં આવી જઈશું.અમને ખબર છે કે, મારો દિકરો આ ઈચ્છા જરૂર પુરી કરશે.’

મમ્મી તમારી ઈચ્છા તો બરાબર છે પરંતુ જેમ બને તેમ જલ્દી પરત આવજો.બીજુ,તમે આ નિર્ણય અચાનક કેમ લીધો? વૈશાલીએ કઈ કહ્યું નથી ને? -હિતેન થોડો ચિંતાગ્રસ્ત ચહેરે બોલ્યો.

મનોરમાબેને વૈશાલીના ખભા પર હાથ મુકીને કહ્યું,’મારી વહુ તો લાખોમાં એક છે દિકરા.એનું બિચારીનું શું કરવા નામ લે છે? તું કોઈ ચિંતા કરીશ નહીં.જેમ બને તેમ જલ્દી આવી જઈશું અમે.’

બીજા દિવસે સપ્રેમ વિદાય લઈ લીધી કિશોરભાઈ અને મનોરમાબેને.હિતેન બસસ્ટેન્ડ સુધી મુકી આવ્યો.આમ તો હિતેને છેક વતન સુધી મુકી જવાની વાત કરી પરંતુ કિશોરભાઈએ શું કામ એક દિવસની રજા બગાડવી છે? કહીને બસમાં જવાનું જ યોગ્ય માન્યું.

છ ના બદલે આઠ મહિના વીતી ગયા પરંતુ મનોરમાબેન અને કિશોરભાઈ પરત ના આવ્યાં.હિતેન સતત આગ્રહ કરી રહ્યો હતો.વધારાના બે મહિના તો મનોરમાબેને જે તે અર્ધસત્ય જેવાં બહાનાં બતાવીને વિતાવી દીધા ત્યાં……..

રવિવારનો દિવસ હતો.હિતેનનો કિશોરભાઈ પર ફોન આવ્યો, ‘પપ્પા તમે અને મારી મમ્મી જલ્દી આવી જાઓ.વૈશાલી અકસ્માતમાં ગંભીર રીતે ઘવાઈ છે.શોપીંગ મોલમાંથી બહાર નિકળી રસ્તો ઓળંગતાં કારની અડફેટે આવી ગયેલ છે.’

પ્રાઈવેટ વાહન કરીને બન્ને જણ તાબડતોબ પહોંચી ગયાં.વૈશાલી કોમામાં હતી.નસીબજોગે પંદર દિવસે વૈશાલી ભાનમાં આવી.શરીરનું એકબાજુનું અંગ લકવાગ્રસ્ત બની ગયું હતું.ડોકટરોના અથાગ પ્રયત્નોથી બીજા પંદર દિવસે લકવામાંથી પણ મુક્ત બની ગઈ વૈશાલી.પાંત્રીસ દિવસે હોસ્પિટલમાંથી રજા મળી.હવે વૈશાલી ભયમુક્ત હતી પરંતુ હજી એક મહિનો ડોક્ટરના નિર્દેશ મૂજબ ઘેર રહેવાનું હતું.

વૈશાલીને નવી જીંદગી મળી હતી પરંતુ એની અસલિયત એ જ રહી.ઘેર આવ્યાના ચોથા જ દિવસે વૈશાલીએ મનોરમાબેનને ચોખ્ખું સંભળાવી દીધું કે, ‘મમ્મી તમારા લોકોનો કદાચ મને શ્રાપ લાગ્યો એટલે જ મને આવું થયું હોવું જોઈએ.હવે તમે વતનમાં જઈ શકો છો.’

મનોરમાબેન પાસે હવે બોલવા જેવું કશું જ નહોંતું રહ્યું.એ વિષાદગ્રસ્ત ચહેરે વિચારી રહ્યાં હતાં કે, હિતેન આગળ શું બ્હાનું બતાવીને અહીંથી જલ્દીથી નિકળવું?

પુરો અડધો કલાક પણ નહોતો થયો ત્યાં કિશોરભાઈ બેડરૂમમાંથી આવીને બોલ્યા,’ હિતેનની બા. પ્રતાપભાઈનું નિધન થયું છે.આપણે તાત્કાલિક ઘેર જવું પડશે.’

પ્રતાપભાઈ કિશોરભાઈને કુટુંબમાં પિતરાઈ ભાઈ થતા હતા.ઓફિસે ગયેલ હિતેનને ફોન કરીને કિશોરભાઈએ હકીકત જણાવીને કહ્યું કે, ‘અમે અત્યારે જ નિકળીએ છીએ.તારે તો આમેય ઘણીબધી રજાઓ મુકવી પડી છે એટલે તારે આવવાની જરૂર નથી બેટા! વૈશાલી વહુનો ખ્યાલ રાખજે.અમે જેમ બને તેમ જલ્દી આવી જઈશું.’

બન્ને જણ તાબડતોબ ટેક્સી ભાડે કરીને નિકળી ગયાં.મોતનો પ્રસંગ હોવા છતાંય વૈશાલીએ કહેલ વાક્યોની વેદના મનોરમાબેનના મોંઢે છતી થઈ. સાંભળીને કિશોરભાઈ પણ નર્વસ થઈ ગયા.

વૈશાલી તો જાણે જંગ જીતી ગઈ હતી.એણે મનોરમાબેન સામે છેલ્લો વાક્ પ્રહાર કરી દીધો હતો.હવે એને ખાત્રી હતી કે, સાસુ સસરા આ ઘેર ક્યારેય પગ નહીં મુકે.

વૈશાલી હોસ્પિટલથી ઘેર આવી એ દિવસે જ તેની મમ્મીએ તેને કહ્યું હતું કે, આ માસ્તર, માસ્તરાણીને જલ્દીથી વિદાય કરી દેજે.તારી સેવાને બહાને કાયમી ઉપાધી રહી જશે.જો કે કિશોરભાઈ અને મનોરમાબેનને જલ્દીથી રવાના કરાવવા પાછળનું કારણ તો માત્ર વૈશાલીની મમ્મી જ જાણતી હતી.વૈશાલીને તો ખબર જ ક્યાં હતી!

કે. કે. હોસ્પિટલમાં વૈશાલીનું ઓપરેશન થયું તે હોસ્પિટલના માલીક ગુપ્તા સાહેબ હિતેનના સહાધ્યાયી અને પરમ મિત્ર કેયુરના પપ્પા હતા.એટલે વૈશાલીને રજા મળ્યા પછી સાત દિવસે બીપી વગેરેના સામાન્ય ચેક અપ માટે તેમણે વિશ્વાસુ નર્સ મૌલિકાને વૈશાલીના ઘેર મોકલી.

મૌલિકા બપોરે બે વાગ્યે વૈશાલીના ઘેર આવી. સામાન્ય ચેક અપ પછી મૌલિકા બોલી.’વૈશાલીબેન,તમારાં સાસુ સસરા કેમ નથી દેખાતાં? ‘

‘એક મોત થયેલ હોવાથી વતન ગયાં છે અને આમેય એમને અહીના વાતાવરણમાં નથી ફાવતું.’-વૈશાલી બેફિકર થઈને બોલી.

મૌલિકાએ કહ્યું, ‘અહીં ફાવવા ના ફાવવાની વાત તો તેમને ખબર! પરંતુ તમે ખુબ નસીબદાર છો વૈશાલીબેન. આવાં માબાપતુલ્ય સાસુ સસરા ખુબ ભાગ્યશાળી વહુનેજ મળે.કુદરતે મારાં માબાપ બાળપણમાં જ છીનવી લીધાં પરંતુ એ પાંત્રીસ દિવસની હોસ્પિટલમાં તમારાં સાસુ સસરાની હયાતીએ મને મારાં સગાં માબાપનો અહેસાસ કરાવી દીધો.તમે કોમામાં પંદર દિવસ હતાં તે વખતે એમણે આંખનું મટકું પણ માર્યું નથી.બન્ને જણ વારાફરતી ખડે પગે હાજર રહ્યાં છે.પંદર દિવસ તમે લકવાગ્રસ્ત રહ્યાં ત્યારે પણ એ બન્ને પગ વાળીને બેઠાં નથી.હિતેનભાઈનો આખો દિવસ તો દવાઓ લાવવામાં તેમજ ઘર અને હોસ્પિટલના ધક્કાઓમાં જ પુરો થઈ જતો હતો.કોમા દરમિયાન તમારી શારિરીક સાહજિક ક્રિયાઓ તો બધી મનોરમા આન્ટીએ સંભાળી લીધી હતી.કદીય એમના મોં પર મેં લગીરેય છોછ ના જોયો.

પંદર પંદર દિવસ એ દંપતીને નાવા, ધોવા કે ખાવા પીવાની પણ પરવા કરી નથી.પંદર દિવસ તો બન્ને જણ જીવતાં ભૂત જોઈ લ્યો એવા ડોળ કરી મુક્યા હતા એમણે.કોમાના એ પંદર દિવસોમાં તમારાં સાસુ સસરાએ આખો દિવસ ચા સિવાય મોંમાં કંઈ નાખ્યું નથી.પંદર પંદર દિવસ ઉપવાસ કરીને ભોળાનાથને પ્રાર્થના કરી છે.મનોરમા આન્ટી સવારે તો કિશોર અંકલ સાંજે નિયમિત રીતે શિવાલયે પ્રાર્થના કરવા જતાં.સોળમા દિવસે તમે ભાનમાં આવ્યાં તે દિવસે એમણે ઉપવાસ પૂર્ણ કર્યા.એ દિવસે એમના મોં પર અનેરો આનંદ હતો.એ આનંદની મને પણ સહભાગી બનાવીને મને સાડી ભેટમાં આપી.એ ભેટમાં મને મારાં માબાપનો તાદ્રશ્ય અનુભવ થયો. -આટલું બોલતાં તો મૌલિકાની આંખમાંથી અનાયાસે આંસું સરી પડ્યાં.

વૈશાલી તો અત્યારે જડવત હતી છતાંય બોલી, ‘બધી હકીકત કહી સંભળાઓને મૌલિકાબેન!

‘તમારા ઘેરથી વહેલા મોડા આવતા ટીફીનના ઠંડા સ્વાદમાં જ સંતોષ માણી લેતાં તમારાં સાસુ સસરાએ હોસ્પિટલ નજીક આવેલ ભોજનાલયમાં ગરમાગરમ ભોજનની પણ ક્યારેય પરવા કરી નથી.હું અહીં ચેક અપ માટે તો જરૂર આવી છું પરંતુ સાથે સાથે એ આદરણીય દંપતીની લાગણીમય નજરમાં ભીંજાવા પણ આવી છું.વતનમાંથી એ લોકો ક્યારે આવશે વૈશાલીબેન.?-મૌલિકાએ વાત પૂર્ણ કરતાં કહ્યું.

મારી બિમારી દરમિયાન મારાં માબાપ, ભાઈ, બહેનોએ કંઈ ના કર્યું મૌલિકાબેન? -વૈશાલીએ કુતુહલવશ પુછ્યું.

સોરી! વૈશાલીબેન.હું કોઈના પારિવારિક જીવનમાં ચંચૂપાત કરવા માંગતી નથી.એ વાત તો તમે તમારાં માબાપને પુછી લેજો.હું જાઉં છું વૈશાલીબેન. આવતા અઠવાડિયે તમારે બધા રીપોર્ટ કરાવવાના .તમારાં સાસુ સસરા ત્યાં સુધી આવી ગયેલ હશે તો સૌ સાથે બેસીને બે ઘડી વાતો જરૂર કરીશું.’ -મૌલિકા ઝડપભેર આટલું બોલી.

‘તમને તમારા સૌથી વહાલા વ્યક્તિના સોગંદ દઈને કહું છું કે મારા માબાપની સાચી હકીકતને પ્રગટ કરીને જાઓ મૌલિકાબેન.મારે એ સાચી હકીકત જાણવી છે.તમને વિનંતી કરુ છું મૌલિકાબેન.’ -વૈશાલી આજીજીભર્યા સ્વરે બોલી.

‘તમને ખોટું તો નહીં લાગે ને વૈશાલીબેન!’

ના, બિલકુલ નહીં. સાચું શું છે એ જરૂર જાણવા મળશે.

તો સાંભળો વૈશાલીબેન.હું પાંત્રીસ દિવસમાં તો તમારા પરિવારના દરેક સભ્યને ઓળખતી થઈ ગઈ છું.પાંત્રીસેય દિવસ તમારા પરિવારની હાજરી વારાફરતી જરૂર રહી છે.તમારાં મમ્મી પપ્પા તો સવારે દરરોજ હાજર હોય.સવારનો નાસ્તો એ લોકોનો હોસ્પિટલમાં જ હોય.નાસ્તો પુરો થતાં તમારાં મમ્મી પપ્પા તમારા ખાટલા પાસે ઘડીભર ઉભાં રહે, તમારા સમાચાર પુછે ને પછી તમારા પપ્પા હિતેનભાઈને કહે,’કુમાર! કોઈ ચિંતા કરશો નહીં. વૈશાલી જલ્દી સાજી થઈ જશે.હવે તમે મને મારી ઓફિસ સુધી મુકી જાઓ.

તમારા પપ્પાને મુકીને હિરેનભાઈ આવ્યા હોય ત્યાં વળી તમારાં મમ્મી કહે,’કુમાર! તમારે તમારૂ ઘર નોકરાણીના હવાલે ના મુકાય! ચાલો! મને મુકવા આવો.હું તો હજી સવારની નાહ્યીએ નથી વૈશાલીની ચિંતામાં.

વળી બપોરે હિરેનભાઈ તમારાં મમ્મીને લઈ આવે ને સાથે ટીફીન પણ.બપોર પછી ચાર વાગ્યા આજુબાજુ તમારાં ભાઈ બહેન આવે.એમનેય સ્કુલેથી લેવા પણ હિતેનભાઈ જાય. અહીં આવીનેય એમને તો નાસ્તા પાણી અને આઈસક્રીમ જ ખાવાનાં.

છ વાગ્યા આજુબાજુ તમારાં મમ્મી અને ભાઈબહેનોને હિતેનભાઈ ઘેર મુકવા જાય.

આ સૌનો પાંત્રીસ પાંત્રીસ દિવસ સુધીનો લગભગ કાયમનો નિત્યક્રમ.

હા, વૈશાલીબેન! એ પાંત્રીસ દિવસ દરમિયાન તમારાં સાસુ કે સસરાએ ક્યારેય એમ નથી કહ્યું કે, ‘દિકરા હિતેન! બે દિવસથી ધોયા વગરનાં કપડાં પહેરીને ફરીએ છીએ તો એકાદ કલાક ઘેર જઈ આવીએ.

વૈશાલીબેન! સવારે ઠપકો આપી આપીને હું તમારાં સાસુ સસરાને હોસ્પિટલના બાથરૂમમાં પરાણે ન્હાવા મોકલતી.બસ, એમનો તો એક જ પ્રશ્ન હોય! અમે અમારી વહુને પળવારેય એકલી ના મૂકીએ.કોઈ આકસ્મિક જરૂરીયાત ઉભી થઈ જાય તો?

માફ કરશો વૈશાલીબેન! તમે હજી અમારી સારવાર હેઠળ છો, ખરેખર આવી વાતો મારે તમારી આગળ ના કરવી જોઈએ.-મૌલિકા લાગણીભાવે બોલી.

છેલ્લે મૌલિકાએ તેના મોબાઈલમાં પાંત્રીસ દિવસ સુધી મનોરમાબેન અને કિશોરભાઈએ દરરોજ વૈશાલીની કરેલ સેવા ચાકરીના ફોટા બતાવ્યા.જેમાં રવિવારના દિવસે શીવમંદિરે કરેલ પુજાના ફોટા પણ સામેલ હતા. મૌલિકાનો ફોટા પાડવાનો ભાવ માત્ર એ હતો કે, સાસુ સસરા પણ પોતાના દિકરાની વહુની આવી અવર્ણનીય સેવા કરવાવાળાં હોય છે તે લોકોને ઉદાહરણ સહિત સમજાવવા માટે…….

હવે મને કંઈજ નહીં થાય મૌલિકાબેન.કારણ કે હું ખુદ લાગણીહીન બની ચુકી છું.તમે કોઈ ચિંતા ના કરશો.તમારુ ઋણ હું જીંદગીભર નહીં ભુલું.હું આજે ખરેખર ભાનમાં આવી છું મૌલિકાબેન.’ -વૈશાલી નિસ્તેજ ચહેરે બોલી.

મૌલિકાએ વિદાય લીધી……..

અઠવાડિયા દરમ્યાન નિયમિત આવતા મમ્મીના ફોન વખતે વૈશાલી સાહજિક રીતે વાતો કરતી રહી.એણે હકીકતનો કોઈ અણસાર પણ આવવા ના દીધો.અરે!એની મમ્મીને ગમે એવી મીઠી મીઠી વાતો પણ કરી લેતી. ‘હેં મમ્મી! તું અને પપ્પા ના હોત તો હોસ્પીટલે મારુ કોણ રણી ધણી હતુંં? મારા ગામડીયણ અને અનુભવહીન સાસુ સસરાને શું ખબર પડે હોસ્પિટલમાં કાળજી રાખવાની.તમે જ મને બચાવી લીધી.’

‘અરે દિકરી !એ તો અમારી ફરજ કહેવાય. તું કોમામાં હતી ત્યારે તારી પાસેથી રાત દિવસ અમે ખસ્યાં નથી.તું ભાનમાં આવી એના પછી તારા પપ્પાને ઓફિસના કામમાં ઘણો ભરાવો હતો એટલે થોડું ઓછું રહેવાયું પરંતુ સવાર સાંજ ખબર લીધા વગર તો કેમ ચાલે!અને અમેય પૈસા તો પાણીની જેમ ખરચ્યા છે. -વૈશાલીનાં મમ્મી હોંશભેર બોલ્યાં.

વૈશાલીને મોડે મોડેય જીંદગીનું ગણિત સમજાઈ ગયું હતું.

બીજા અઠવાડિયે બધા જ રીપોર્ટો નોર્મલ આવતાં અઠવાડિયાથી શરીરમાં ભરાઈ રહેલ ડૂમો આંસુઓ વાટે સતત વહી રહ્યો હતો વૈશાલીના હ્રદયમાંથી અને એટલે જ તો હિતેન ઘેર આવતાંની સાથે વૈશાલી એને વતનમાં લઈને ઉપડી.

બરાબર રાત્રીના પોણા બાર વાગ્યે વતનમાં પહોંચી ગયાં.કિશોરભાઈના ઘરનો દરવાજો ખખડ્યો.મનોરમાબેને ઉભાં થઈને દરવાજો ખોલ્યો.સામે પુત્ર પુત્રવધૂને જોઈ થોડાં ખચકાયાં, મનમાં ઉચાટેય થયો પરંતુ વૈશાલીએ પહેરેલ સાડી જોઈને ઉચાટ દૂર થઈ ગયો.ના,કંઈ અજુગતું તો નથી જ બન્યું,છતાંય મોંઢેથી આપોઆપ શબ્દો બહાર નિકળ્યા, ‘દિકરા હિતેન! બેટા વૈશાલી! આટલાં મોડાં? ‘

વૈશાલી પહેલાં તો પગે પડી ને પછી બાથ ભરીને ચોટી ગઈ.ચોધાર આંસુએ રડતાં રડતાં બોલી, ‘બેટા વૈશાલી નહીં, મને વૈશાલી વહુ કહો મા! ‘

‘તમે લોકો પહેલાં અંદર આવો.’-મનોરમાબેન ધીરેથી બોલ્યાં.

કિશોરભાઈ પણ જાગી ગયા હતા.હિતેન અને વૈશાલી અંદર આવી ગયાં હતાં પરંતુ વૈશાલીનો અવિરત આંસુ પ્રવાહ અટકવાનું નામ નહોતો લેતો. કિશોરભાઈ, મનોરમાબેનની સાથે હિતેન પણ હકીકતથી અજાણ હતો એટલે તો મમ્મી પપ્પાએ વૈશાલીના રડવા વિષે પુછ્યું તો હિતેને નકારમાં માથું હલાવ્યું.

છેવટે મનોરમાબેને વૈશાલીને ખોળામાં લઈને અડધો કલાક પંપાળી ત્યારે માંડ શાંત થઈ.

પુરા અડધા કલાકે વૈશાલીએ શાંત થઈને પાણીનો ઘુંટડો ગળે ઉતાર્યો,પછી ઉભી થઈને કિશોરભાઈને પગે પડીને બોલી, ‘બાપુજી મને માફ કરો.તમારી સામે અત્યારે નવા અવતારમાં નવા સ્વરૂપે તમારા દિકરાની વહુ ઉભી છે.જેની સામે હવે તમારો કોઈ પ્રશ્ન નહીં હોય તેની ખાતરી આપું છું.’

આટલું કહીને વૈશાલીએ આરંભથી અંત સુધીની હકીકત કહી સંભળાવી.

રાતના દોઢ વાગ્યે સાંજે વાળુ કરતાં વધેલ શાક રોટલી હોશે હોશે જમી વૈશાલી.

સવારે નાહી ધોઈને લગ્નની સાડી પહેરીને કુળદેવીના મંદિરે દર્શન કરી કુળદેવીની સાક્ષીએ વૈશાલીએ સાસુ સસરાના આશિર્વાદ લીધા અને હિતેન સામે હાથ જોડીને બોલી,’મને માફ કરો હિતેન. મેં મારા માબાપ પત્યેના આંધળા અને માત્ર સ્વાર્થભર્યાં મોહમાયાને કારણે પત્નિત્વ ધર્મ નિભાવ્યો નથી.હવેથી જીંદગીમાં ફરીવાર ભૂલ નહીં થાય એની માતાજીની સાક્ષીએ ખાત્રી આપું છું.’

‘ખાત્રી તો તમારે મને પણ આપવી પડશે વૈશાલી વહુ.’-કિશોરભાઈ મર્મભેદી સ્વરે બોલ્યા.

‘બોલો બાપુજી! આપ કહો તે બધી જ ખાતરી હું આપીશ’-વૈશાલી બોલી.

કિશોરભાઈ બોલ્યા, ‘તમે તમારા માબાપને, એટલે કે મારા વેવાઈ વેવાણને તરછોડશો નહીં .મને વિશ્વાસ છે કે બનેલ બધી હકીકત તમે એકવાર કહેશો તો તેઓ ફરીથી ક્યારેય ભૂલ નહીં કરે.એટલું કર્યા પછીય ભવિષ્યમાં તમને એવું લાગે તો તમે તમારી રીતે સ્વતંત્ર છો.’

વૈશાલી એટલું જ બોલી શકી, ‘બાપુજી! ‘

મનોરમાબેન સાથે વૈશાલી સાડી પહેરીને નિયમિત શીવમંદિરે જાય છે.એ સાડી પહેરેલો ફોટો હિતેને એના ફેસબુક પર શેર કર્યો છે.”મલ્ટીનેશન કંપનીમાં ઉંચા પગારે સર્વિસ કરતી મહિલા અને તેની સાદગી.’

આધુનિક લાઈફસ્ટાઈલ ધરાવતી હજારો યુવતીઓના “લાઈક” આ પોસ્ટને મળી રહ્યા છે…………..

……….વાર્તા પૂર્ણ…..

=============================

લેખક-નટવરભાઈ રાવળદેવ થરા.

ચોકલેટ – મુકેશભાઇ સોજીત્રાની હ્રદય્સ્પર્શી વાર્તા

જુની વાર્તાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *