Skip to content

પ્રેમ એટલે શુ ? : ડૉ. આઈ. કે. વીજળીવાળા | Short love story

પ્રેમ એટલે શુ ? ટૂંકીવાર્તા
4496 Views

પ્રેમ એટલે શુ ? : ડૉ. આઈ. કે. વીજળીવાળાની મનનો માળો પુસ્તકમાથી લેવામાં આવેલ Heart touching story છે, પ્રેમની પરીક્ષા, ગુજરાતી પ્રેમ, પ્રેમ ની લાગણી, પ્રેમ વિશે, પ્રેમ ના પ્રકાર, પ્રેમનાં સુવિચારો, પ્રેમ ની પરિભાષા, પ્રેમ લાગણી શાયરી, પ્રેમ ના શેર, પ્રેમ શાયરી, પ્રેમ નો અર્થ, સાચો પ્રેમ, હું તને પ્રેમ, પ્રેમ નો સમાનાર્થી શબ્દ, સાચો પ્રેમ એટલે શું, પ્રેમ અને લાગણી એટલે શું, પ્રેમ એટલે શું કવિતા, લવ એટલે શુ, ગુજરાતી પ્રેમ કથાઓ, what is love ?, Love Story movie, Love story video, Love Story lyrics, Love story gujarati, Love Story song, Short love story, Romantic love story, Love story book

પ્રેમ એટલે શુ ? ટૂંકીવાર્તા

ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનની પૂછપરછની બારી પરના ઘડિયાળમાં સમય થયો હતો….છ વાગવામાં પાંચ મિનિટ ઓછી. એક કદાવર અને ફૂટડો આર્મી જવાન ઝીણી આંખ કરીને સમય નોંધી રહ્યો હતો. એક વખત આ ઘડિયાળ સામે અને બીજી વખત પોતાના કાંડાઘડિયાળ સામે જોઇને એણે બેઉ ઘડિયાળો બરાબર ચાલી રહ્યાં છે તેની ખાતરી કરી લીધી. એનો દરેક હાવભાવ અને પ્રત્યેક હલનચલન એ અતિ આતુરતાપૂર્વક કોઇકની રાહ જોઇ રહ્યો છે એવું બતાવતાં હતાં.

થોડી થોડી વારે એ ઊંડો શ્વાસ લઇને છોડતો હતો. હાથ નો પરસેવો લૂછતો હતો. પોતાના હાથમાં પકડેલા રાતા ગુલાબને જોઇને આમથી તેમ આંટા પણ મારી લેતો હતો. અને આવું બધું થાય તેમાં કંઇ નવાઇ પણ નહોતી. છેલ્લા અઢાર અઢાર મહિનાથી જે સ્ત્રીએ એના જીવનમાં અમૂલ્ય સ્થાન મેળવી લીધું હતું એ સ્ત્રી આજે એને પ્રથમ વખત મળવાની હતી.

જે સ્ત્રીના લખેલા પત્રો અને એમાંના અદ્દભુત શબ્દો ના સહારે એણે યુદ્ધભૂમિ પરનું દોઢ વરસ પસાર કર્યું હતું એ સ્ત્રી આજે એને ફક્ત પાંચ જ મિનિટ પછી એટલે કે, બરાબર છના ટકોરે મળવાની હતી. બંને એ એકબીજાને ક્યારેય જોયાં નહોતાં. ફક્ત પત્રના માધ્યમથી જ મળતાં રહેલાં. આજે છ વાગ્યે રાતા ગુલાબની નિશાની સાથે બંને મળવાના હતાં. હવે ફ્ક્ત ચાર જ મિનિટ બાકી હતી છ વાગવામાં. એ જવાનને આજની પાંચ મિનિટ એની જિંદગીની સૌથી લાંબી પાંચ મિનિટ લાગી રહી હતી.

એ જવાનનું નામ હતું લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડ. અમેરિકન યુદ્ધવિમાનોના કાફલાનો એક બાહોશ પાઇલોટ. હવાઇ ગોળાબારી અને અદ્દભુત ઉડાનકલા માટે એ પૂરા હવાઇ કાફલા માં જાણીતો હતો. યુદ્ધ મોચરા પર બ્લાન્ડફોર્ડને એ યુવતી – જેને તે ફક્ત થોડી જ મિનિટ પછી મળવાનો હતો – તેનો પત્ર મળેલો. એમાં લખેલું કે, ‘તમને હવાઇ હુમલો કરતી વેળા ક્યારેય ડર લાગે છે ખરો ?’

‘હા ! દુશ્મનોનાં વિમાનો ઘેરી વળે કે પીછો પકડીને ઊડી રહ્યાં હોય ત્યારે જરૂર બીક લાગે છે !’ લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડે જણાવેલું.

‘વેરી ગુડ ! તમારી નિખાલસતાં માટે મને માન છે. દરેક બહાદુર માણસને બીક લાગે છે ! અરે, આવા સમયે દરેક માણસને બીક લાગે છે. લોકો એ વાત સ્વીકારતા નથી હોતા. પણ બહાદુર માણસો એ બીકને કાબૂમાં રાખી શકે છે.’ પેલી એ લખેલું. પછી આગળ જણાવેલું કે, ‘તમે પણ બીકને કાબૂમાં રાખી શકો છો. હવે પછી ક્યારેય બીક લાગે ત્યારે એટલું જરૂર યાદ રાખજો કે ભગવાન તમારી સાથે જ છે અને હું પણ તમારા માટે પ્રાર્થના કરું છું.’

આ શબ્દોથી લેફ્ટનન્ટ ને ખૂબ જ સહારો મળેલો. એની હિંમતમાં પણ ઘણો વધારો થયેલો.

એ જ વખતે એક યુવતી એની નજીકથી પસાર થઇ. લેફ્ટનન્ટનું હ્રદય જોરથી ધડકી ઊઠ્યું. પણ પેલી યુવતીના હાથમાં રાતું ગુલાબ નહોતું. લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડ આગળ વધતાં અટકી ગયો. ‘હાય હેન્ડસમ !’ એટલું કહી એ યુવતી ચાલી ગઇ. બ્લાન્ડફોર્ડ ફરીથી વિચારોમાં ડૂબી ગયો. પોતાના ટ્રેનિંગ કેમ્પમાં એક પુસ્તકમાં આ છોકરીના હસ્તાક્ષર તેમજ નામ જોયેલું. ટેલિફોન ડિરેક્ટરીમાંથી એનું સરનામું મેળવી એણે કાગળ લખેલો. પેલી સ્ત્રી જેનું નામ હતું હોલીસ મેયનીલ….એણે જવાબ આપેલો.

પછી તો પત્રો લખવાનો ક્રમ નિયમિત રૂપે ચાલતો રહેલો. કામના બોજા નીચે લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડ ક્યારેક આ ક્રમ ચૂકી જતો પણ હોલીસ મેયનીલ ક્યારેય ન ચૂકતી. દોઢ દોઢ વરસના આ ક્રમ પછી બંને પણ એકબીજાને અત્યંત ચાહવા લાગ્યાં હતાં તેની બંનેને ગળા સુધી ખાતરી થઇ ચૂકી હતી.

લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડને બીજું પણ એક આશ્વર્ય થતું હતું. આટલા વખતમાં એણે જેટલી વખત એનો ફોટો મોકલવાનું લખેલું એટલી વખત હોલીસ મેયનીલે ઘસીને ના પાડી દીધેલી. બ્લાન્ડફોર્ડે એક વાર અતિ જીદ કરેલી ત્યારે એણે લખેલું કે, ‘જો મારા માટેની તારી લાગણી સાચી જ હશે તો હું કેવી દેખાઉં છું એ વાતનું કોઇ મહત્વ જ રહેતું નથી. એટલે મારી વિનંતી છે કે તું ફોટો ન મંગાવીશ, કારણ કે જો હું ખૂબ જ રૂપાળી તેમજ દેખાવડી લાગતી હોઇશ તો તું મારા રૂપને લીધે મારી સાથે સંબંધ રાખે છે તેમ મને લાગશે. અને એવા સંબંધ માટે મને ભારોભાર નફરત છે.

ધારો કે હું કદરૂપી હોઇશ (અને એવું કદાચ હોય પણ ખરું) અને પછી પણ તું લખવાનું ચાલુ રાખશે તો મને એવું લાગ્યા કરશે કે અત્યારે યુદ્ધમોરચે તું એકલો છો અને તારી સાથે બીજું કોઇ નથી એટલે તું મને લખવા મજબૂર બન્યો હઇશ. એટલે હવે ક્યારેય મારો ફોટો મંગાવીશ નહીં. તું પોતે ન્યુયોર્ક આવે અને મને જુએ ત્યારે જ તું જે કંઇ અભિપ્રાય બાંધવો હોય તે બાંધે તેવું હું ઇચ્છું છું’ અને એને હોલીસ મેયનીલનાં આ વાક્યો અદ્દભુત લાગેલાં.

છ વાગવામાં હવે ફક્ત એક જ મિનિટ બાકી રહી હતી. બ્લાન્ડફોર્ડનું હ્રદય હવે એને જરાય ગાંઠતું નહોતું. છેક ગળા સુધી ઊછળી ઊછળીને ધબકતું હતું. બરાબર એ જ વખતે જાણે આસમાનમાંથી કોઇ પરી ટપકી પડી હોય તેવું સંદર રૂપ ધરાવતી એક યુવતી પિસ્તા કલરના ડ્રેસમાં એના તરફ આવતી દેખાઇ. અતિ સુદંર, આકર્ષક અને નમણો ચહેરો, લાંબા પગ, વાંકડિયા લાંબા સોનેરી વાળ, સાગરનું ઊંડાણ ભરેલું હોય તેવી આંખો, મુખ પર મંદ મંદ સ્મિત અને ચાલવાની અદ્દભુત છટા જોઇને આફરીન થઇ જવાય તેવું વ્યક્તિત્વ.

એ યુવતી એની તરફ જ આવતી હોય તેવું લાગતા બ્લાન્ડફોર્ડ હાથમાંનું રાતું ગુલાબ એના તરફ લંબાવીને આગળ વધ્યો. ત્યાં જ એની નજર પડી કે એ યુવતી પાસે પણ નિશાની મુજબનું રાતું ગુલાબ નહોતું. મનને ન ગમ્યું છતાં પણ એ અટકી ગયો.

‘મારું કંઇ કામ હતું સોલ્જર જવાન ?’ અચાનક પોતાની આગળ ઊભા રહી ગયેલા બ્લાન્ડફોર્ડને ઉદ્દેશી ને એ યુવતી બોલી.

‘ઓહ નો ! નહીં નહીં ! માફ કરજો ! કંઇ નહીં, અમસ્તું જ !’ બ્લાન્ડફોર્ડે એટલું કહીને એ યુવતી ને જવાનો માર્ગ કરી આપ્યો. એ યુવતી હસી પડી. પછી રોડ ક્રોસ કરીને સામેની બાજુએ ચાલી ગઇ.

બ્લાન્ડફોર્ડ એને જતી જોઇ રહ્યો. એનું મન એક વખત બોલી ઊઠ્યું કે…. કેટલી સુંદર હતી એ !……

બરાબર એ જ વખતે નિશાની મુજબ હાથમાં રાતું ગુલાબ લઇને એની જ તરફ આવતી એક સ્ત્રી દેખાઇ. એ બરાબર એની સામે આવીને ઊભી રહી ગઇ. પરંતુ એ કોઇ યુવતી નહોતી. એ તો આધેડ ઉંમરની – બિલકુલ બેઠી દડીની સ્ત્રી હતી. એના માથાના અર્ધાથી ઉપર વાળ સફેદ થઇ ચૂક્યા હતા. ચરબીયુક્ત શરીર, સૂજી ગયેલાં પોપચાં, જાડા પગ, જાડા કાચવાળાં ચશ્માં – ટૂંકમાં સાવ જ અદોદરું શરીર. હાથમાં રાતું ગુલાબ લઇ ને એ હસતી હસતી ઊભી હતી.

‘હમ…મ…મ..! એટલે જ એણે પોતાનો ફોટો નહીં મોકલ્યો હોય ! મે પણ ક્યારેય એની આશરે ઉંમર પણ ન પૂછી. પણ એણે આવો ઉલ્લેખ તો પોતાના કાગળમાં કરેલો જ !’

બ્લાન્ડફોર્ડના મનમાં વિચારોનું વાવાઝોડું ઊમટી આવ્યું. બે ઘડી તો એ થોડોક લેવાઇ ગયો. એકાદ ક્ષણ પૂરતું એનું મન પેલી પિસ્તા કલરના ડ્રેસવાળી સુંદર યુવતીનો વિચાર કરી રહ્યું. પણ બસ ! ફક્ત એ એકાદ ક્ષણ જ ! તરત જ એને વિચાર આવ્યો કે, ‘સાચી સુંદરતા તો મનની જ હોય છે. મેયનીલ ખૂબ રૂપાળી અને પોતે કદરૂપો હોત તો ? એટલે શરીરનો વિચાર કરી જે યુવતી એ કપરામાં કપરાં દોઢ વરસ સુધી પોતાને ટકાવી રાખ્યો હતો એને અન્યાય ન જ કરાય. પોતાના ખરાબ સમયમાં સહારો બનેલું આ એ જ અદ્દભુત વ્યક્તિત્વ જ્યારે હવે સદેહે સામે ઊભું છે ત્યારે બાહ્ય દેખાવને પ્રાધાન્ય આપવાનું હોય જ નહીં.’

બધા જ આડાઅવળા વિચારો ને મનના કોઇ અજ્ઞાત ખૂણામાં ધરબીને મોં પર સાચું હાસ્ય તેમજ સાચી ખુશીના ભાવો લાવી એ આગળ વધ્યો. પેલી સ્ત્રી નો હાથ પકડી તેના હાથમાં રાતું ગુલાબ, મૂકતાં એ બોલ્યો, ‘મિસ હોલીસ મેયનીલ. હું છું લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડ. ખરેખર તમને મળીને ખૂબ જ ખુશી થઇ. હું તમને પ્રપોઝ કરવા માંગું છું. તમે મારા સાથી બનવા રાજી થશો ખરાં ? અને જો તમારો જવાબ ‘હા’ માં હોય તો તમને હું આજ રાતના ખાણા માટે હ્રદયપૂર્વક આમંત્રણ પાઠવું છું.’

પેલી બેઠી દડીની જાડી સ્ત્રી ખડખડાટ હસી પડી. હસતાં હસતાં જ એણે કહ્યું, ‘ દીકરા ! વહાલા જવાન ! તું શું કહી રહ્યો છો એ મને કાંઇ સમજાતું નથી. હું હોલીસ મેયનીલ પણ નથી. હોલીસ મેયનીલ તો હમણાં અહીંથી પિસ્તા કલરનો ડ્રેસ પહેરીને જે સુંદર યુવતી ગઇને તે હતી. એણે મારા હાથમાં આ રાતું ગુલાબ પકડાવેલું અને કહેલું કે જો તું મને આટલી મોટી ઉંમરની તેમજ જાડી હોવા છતાં પણ પ્રેમથી, લાગણીથી, ઉમકળાથી તેમજ આદરથી ડિનર માટે આમંત્રણ આપે તો જ મારે તને જણાવવું કે એ રોડની સામેની તરફ આવેલા રેસ્ટોરાંમાં તારી રાહ જુએ છે. આ કોઇક પ્રકારની કસોટી છે એવું પણ એ બોલેલી. તું તેમાં પાસ થયો છે બેટા ! હવે જા જલદી, એ તારી વાટ જોતી હશે !…..’

રોડની સામેની તરફ પગ ઉપાડતાં પહેલાં કેટલીય વાર સુધી લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડ એ સ્ત્રી સામે સ્તબ્ધ બનીને જોઇ રહ્યો ! પછી એક સ્મિત કરીને એ પેલી પરીને મળવાં રેસ્ટોરાં તરફ આગળ વધ્યો !

“મન નો માળો” માંથી
ડો આઈ કે વીજળીવાળા

આ પણ વાંચો 👇

👉 યસ અને નો Love story in Gujarati

👉 ઝેની – બાળપણનો પવિત્ર પ્રેમ દર્શાવતી ટૂંકીવાર્તા

👉 ડૉ. આઈ.કે.વીજળીવાળાની 2 short stories

👉 ખાનદાની – ડૉ. વીજળીવાળાની હ્રદયસ્પર્શી વાર્તા

1 thought on “પ્રેમ એટલે શુ ? : ડૉ. આઈ. કે. વીજળીવાળા | Short love story”

  1. Pingback: ગુજરાતી સાહિત્યની Best 101 વાર્તાઓનો સંગ્રહ | Gujarati Varta Pdf - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *