Skip to content

કર્ણ-અર્જુનનું યુદ્ધ (વિરાટ યુદ્ધ ભાગ 4)

કર્ણ-અર્જુનનું યુદ્ધ
8313 Views

મિત્રો આપ વાંચી રહ્યા છો મહાભારતના વિરાટ યુદ્ધ ની કથા. આજે વાંચો ભાગ-4. કર્ણ-અર્જુનનું યુદ્ધ. અગાઉનાં ત્રણ ભાગ વાંચવાનાં બાકી હોય તો પોસ્ટનાં અંતે લિંક મુકેલી છે.

કર્ણ-અર્જુનનું યુદ્ધ


અશ્વત્થામા દ્વારા કર્ણ-દુર્યોધન પર આક્ષેપો

પિતામહ ભીષ્મ દ્વારા સેનાની વ્યૂહરચના

👉 કર્ણ આચાર્ય દ્રોણ નું અપમાન કરે છે તેથી કૃપાચાર્ય કર્ણ ને ફટકારે છે હવે આગળ.

👉પિતા ના અપમાન થી ક્રોધિત થઈ ને અશ્વત્થામાએ કહ્યું.
“કર્ણ, હજુ તો આપણે ગાયો નું હરણ કરીને રાજા વિરાટ ની સીમા થી બહાર પણ નથી નીકળ્યા અને તમે કાંઈ કર્યા વગર જ આત્મ પ્રશંસા કરો છો.”

“અનેક યુદ્ધો જીતીને અને વિશાળ સેનાને હરાવી ને પણ શૂરવીર આત્મ પ્રશંસા નથી કરતા.”

” ચાર વર્ણ ના અલગ અલગ કર્મ નિર્ધારિત છે. નિર્ધારિત કર્મ કરવામાં જ કલ્યાણ છે.”

” એવો કોણ ક્ષત્રિય હોય જે અત્યાચાર કરે, જુગાર માં જીતેલા રાજ્ય થી સંતુષ્ટ થઈ જાય. એવો કોણ પુરુષ હોય જે કપટ થી રાજ્ય જીતી ને આત્મ પ્રશંસા કરે.”

” હે કર્ણ, જે પાંડવો ને તમે લોકો એ કપટ થી હરાવ્યા છે તે પાંડવો માંથી કોઈ સામે તું ક્યારેય યુદ્ધ માં જીત્યો છે.”

👉આમ અશ્વત્થામા કર્ણ દુર્યોધન પર આક્ષેપો કરતા આગળ બોલ્યો.
“તમે પાંડવો ને નષ્ટ કરવા અનેક પ્રયત્ન કર્યા છતાં તમે પાંડવો ને નષ્ટ ન કરી શક્યા”

“જુગાર ના દિવસે વિદુરજી બોલ્યા હતા કે આ જુગાર ના કારણે એક દિવસ કૌરવો નો વિનાશ થશે. દરેક જીવ ની સહનશીલતા ની એક સીમા હોય છે. પાંડવો તે સીમા પાર કરી ગયા છે.”

“ભીમ અને અર્જુને કૌરવો નાં સંહાર માટે જ જન્મ લીધો છે અને તું અહીંયાં આત્મ પ્રશંસા કરેશ.”
“ક્યાંક એવું ન બને કે આજે અર્જુન બધા નો વધ કરીને વેર નો અંત કરી નાખે.”

” મહાપરાક્રમી અર્જુન દેવો, અસુરો ગંધર્વો કે રાક્ષસો ના ભય થી પણ પાછળ નથી હટતો”

“અર્જુન તારા થી બળવાન, ઈન્દ્ર સમાન ધનુર્ધર અને કૃષ્ણ સમાન યોદ્ધો છે.”

“જે અર્જુન દેવો સાથે દેવો ની શૈલીમાં અને મનુષ્યો સાથે મનુષ્યો ની શૈલીમાં યુદ્ધ કરે છે.તેના સમાન યોદ્ધો કોણ હોઈ શકે.”

“તમે અમારી સહાયતા વગર જુગાર રમ્યા હતા, ઇન્દ્રપ્રસ્થ પર અધિકાર કર્યો હતો, દ્રૌપદી ને કેશ પકડી ને સભામાં લાવ્યા હતા તો આજે કેમ અમારી સહાયતા માંગો છો, અમારી સહાયતા વિના જ અર્જુન નો સામનો કરો.”

” દુર્યોધન, તમારા મામા ક્ષત્રિયકુળ કલંક શકુની ને પણ યુદ્ધ કરાવો, શકુની ને પણ જાણ થાય કે ગાંડીવ માંથી પાસા નહીં પણ ભયંકર બાણ નીકળે છે.”

“કદાચ યમરાજ શત્રુ ને જડમૂળથી નષ્ટ ન કરે પણ ક્રોધિત અર્જુન શત્રુ ને જડમૂળથી નષ્ટ કરી નાખે છે.”

“આચાર્યો ની ઈચ્છા હોય તો યુદ્ધ કરે પણ હું અર્જુન થી યુદ્ધ નહીં કરું કારણ કે આપણે અહીંયા વિરાટ ની ગાયો હરણ કરવા આવ્યા છીએ માટે જો કોઈ ગાયો ને છોડાવા આવશે તો જ હું તેના સાથે યુદ્ધ કરીશ.”

👉આમ, અશ્વત્થામા એ પોતાના મન નો ક્રોધ દુર્યોધન અને કર્ણ પર ઠાલવે છે અને સ્વંય અર્જુન સામે લડવા માટે ના કરે છે.

👉કૌરવ સેના એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગી એટલે બધા ને શાંત કરવા ભીષ્મ બોલ્યા.

” દુર્યોધન, હું દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય થી સહમત છું, યુદ્ધ સમય અને સ્થિતિ જોઈને કરવું જોઇએ.”

“કર્ણ જે કાંઈ બોલ્યો તે કૌરવ સેના નો ઉત્સાહ વધારવા બોલ્યો છે એટલે ગુરુપુત્ર અશ્વત્થામા કર્ણ ને ક્ષમા કરે, અત્યારે આપણા સામે યુદ્ધ ઉભું છે એટલે આ સમય અંદરોઅંદર ના વિરોધ નો નથી માટે બધા એકબીજા ને ક્ષમા કરે.’

👉ત્યારબાદ દુર્યોધન અને કર્ણ આચાર્ય દ્રોણ થી ક્ષમા માંગે છે.

👉આચાર્ય દ્રોણ ક્ષમા કરીને બોલ્યા.
“હવે આપણે આપણા કર્તવ્યો નું પાલન કરવું જોઈએ”

“ગંગાપુત્ર, કોઈ એવી યુદ્ધનીતિ બનાવો કે દુર્યોધન ને કોઈ અડી ન શકે.”

“અર્જુન ગૌધણ પાછું લીધા વિના જશે નહીં માટે આપણે એવું કરવું જોઈએ જેથી ધૃતરાષ્ટ્ર પુત્રો નો સામનો અર્જુન થી ના થાય. માટે ગંગાપુત્ર તમને જે યોગ્ય લાગે તે રણનીતિ બનાવો.”

👉પિતામહ ભીષ્મ દુર્યોધન સામે જોઈને બોલ્યા.
“સમય ની ગણના પ્રમાણે પાંડવો નું ૧૩ મુ વર્ષ પુરું થઈ ગયું છે. પાંચ મહિના અને બાર દિવસ વધુ થયા છે.”

“પાંડવો એ જે પ્રતિજ્ઞા કરી હતી તેનું પૂર્ણ પાલન કર્યા બાદ જ અર્જુન રણભૂમિમાં આવ્યો છે.”

“આપણી સામે ધનંજય છે એટલે આપણને પૂર્ણ સફળતા પ્રાપ્ત થાય એવો કોઈ ઉપાય મને નથી દેખાતો.”

👉આગળ ભીષ્મ દુર્યોધન ને કહે છે.
“કાં તો તું યુદ્ધ કર અથવા ધર્મ અનુસાર સંધિ કર, જે કરવુ હોય તે જલ્દી કરો અર્જુન સામે આવી ગયો છે.”

👉દુર્યોધન-” પિતામહ, હું પાંડવો ને રાજ્ય નહીં આપું, યુદ્ધ માટે શીઘ્ર રણનીતિ તૈયાર કરો.”

👉ભીષ્મ પિતામહ સેના ના ચાર ભાગ કરીને બોલ્યા.
“એક ભાગ દુર્યોધન ની સાથે રહીને હસ્તિનાપુર જાય.”

“સેના નો બીજો ભાગ ગાયો ને ઘેરી ને હસ્તિનાપુર બાજુ જશે અને બાકી ના બે ભાગ અર્જુન સાથે યુદ્ધ કરશે.”

👉દુર્યોધન ને હસ્તિનાપુર તરફ જવાનું કહીને પિતામહે વજ્રગર્ભ અને અર્ધચક્રાન્તમંડલ વ્યૂહ ની રચના કરી.

👉વ્યૂહ ના અગ્રભાગમાં અંગરાજ કર્ણ ઉત્તમ યોદ્ધાઓ સાથે તૈનાત હતા.

👉ડાબી અને જમણી બાજુ અશ્વત્થામા અને કૃપાચાર્ય તૈનાત હતા તથા મધ્યભાગમાં આચાર્ય દ્રોણ ને રાખ્યા હતા.

👉પિતામહ સ્વયં વ્યૂહ ની પાછળ ની ભાગમાં રહીને યુદ્ધ નું નેતૃત્વ કરતા હતા.

👉આ બાજુ અર્જુન ભયંકર ગર્જના કરતો કૌરવ સેના તરફ આવી રહ્યો હતો.

👉કૌરવો એ દુર થી અર્જુન ના ધ્વજ ને જોયો અને ગાંડીવ ની ટંકાર સાંભળી.


સંગ્રામજીત નો વધ તથા કર્ણ ની પરાજય

👉પિતામહ ભીષ્મ કૌરવ સેના ની વ્યૂહ રચના કરીને યુદ્ધ કરવા સજ્જ થયા.

👉સામે થી અર્જુન ગાંડીવ ની ટંકાર અને ઘોર ગર્જના કરતો આવી રહ્યો હતો.

👉કૌરવ સેના ની નજીક આવીને અર્જુને ગુરુ દ્રોણ તરફ બાણ છોડ્યા.

👉દ્રોણાચાર્ય બોલ્યા.
” અર્જુન ના બે બાણ મારા પગ માં પડ્યા છે અને બે બાણ મારા કાન નો સ્પર્શ કરીને નીકળી ગયા છે.”

“આ બાણો નો અર્થ છે કે વનવાસ થી મુક્ત થયેલ અર્જુન મને પ્રણામ કરે છે અને યુદ્ધ કરવાની અનુમતિ માંગે છે.”

👉ગુરુ દ્રોણાચાર્ય ને પ્રણામ કરીને અર્જુને ઉત્તર ને કહ્યું.
“રાજપુત્ર, રથ રોકો, કૌરવ સેના મારા બાણો ની માર સામે આવી ગઈ છે.”
“રાજકુમાર રથ ને રોકો તેથી હું જોઈ શકું કે આ સેના માં કુરુકુળ કલંક દુર્યોધન ક્યાં ઉભો છે.”

“આ બધા યોદ્ધાઓ થી લડવામાં શું લાભ, અભિમાની દુર્યોધન ના હારવા થી આ બધા સ્વંય હારી જશે.”

👉કૌરવ સેના નું નિરિક્ષણ કરીને અર્જુન બોલ્યો.
“રાજપુત્ર, આ જોવો મધ્યમાં ગુરુ દ્રોણાચાર્ય ઉભા છે, તેમની બંને બાજુ કૃપાચાર્ય અને અશ્વત્થામા છે, પાછળ પિતામહ ભીષ્મ ઉભા છે અને વ્યૂહ માં સૌથી આગળ કર્ણ છે.”

“મને આ સેનામાં દુર્યોધન ક્યાંય દેખાતો નથી. સંભવતઃ દુર્યોધન દક્ષિણ માર્ગે થી હસ્તિનાપુર તરફ જતો હશે.”

“રાજકુમાર, આ સેના ને મુકીને શીઘ્ર રથ ને દુર્યોધન ની દિશામાં લઈ જાવ, હું દુર્યોધન સાથે યુદ્ધ કરીશ કેમ કે આ મહારથીઓ સાથે લડવામાં કોઈ લાભ નથી.”

“દુર્યોધન ને પરાજિત કરી અને ગાયો ને છોડાવી ને આપણે શીઘ્ર નગર માં ચાલ્યા જશું.”

👉અર્જુન ની આજ્ઞા થી ઉત્તર રથ ને દુર્યોધન જતો હતો તે દિશામાં લઈ જવા લાગ્યો.

👉અર્જુન ને દક્ષિણ તરફ જતા જોઈને કૌરવો સમજી ગયા કે અર્જુન દક્ષિણ બાજુ દુર્યોધન થી યુદ્ધ કરવા જાય છે.

👉દ્રોણાચાર્ય બોલ્યા.
” અર્જુન દુર્યોધન તરફ જાય છે. અત: આપણે પણ તે બાજુ જવું જોઈએ. અર્જુન દુર્યોધન નો વધ કરી નાખશે તો અનર્થ થઈ જશે.”

👉 પિતામહ ભીષ્મે અર્જુન થી દુર્યોધન ની રક્ષા કરવા કૌરવ સેના ને આદેશ આપ્યો.

👉થોડા સમયમાં જ અર્જુન દુર્યોધન ની નજીક પહોંચી ગયો અને ભયંકર બાણ વર્ષા શરુ કરી.

👉અર્જુન ના બાણો એ આકાશ ને ઢાંકી નાખ્યું. દુર્યોધન ની રક્ષા કરતા સૈનિકો નો અર્જુન ના બાણો થી નાશ થવા લાગ્યો.

👉અર્જુને ગાયો ને વાળવા ફરી એકવાર શંખનાદ કર્યો અને ગાંડીવ ની ટંકાર કરી.
શંખનાદ ની ધ્વનિ થી રાજા વિરાટ ની ગાયો નગર તરફ ભાગવા લાગી.

👉કૌરવ સેના એ જોયું કે અર્જુને ગાયો ને મુક્ત કરાવી લીધી છે પણ તે નગરમાં જવા ને બદલે દુર્યોધન તરફ આગળ વધી રહ્યો છે એટલે કૌરવો પણ વેગ થી અર્જુન તરફ આવ્યા.

👉અર્જુન ઉત્તર ને કહે છે.
“રાજકુમાર, રથ ને કૌરવ સેના સામે લઈ જાવ”
“સૌથી આગળ આવતો આ અભિમાની કર્ણ હંમેશા મારી સાથે સ્પર્ધા કરે છે. કર્ણ હંમેશા મારી સાથે લડવા તત્પર હોય છે. તમે સર્વ પ્રથમ રથ ને કર્ણ સામે લઈ જાવ. કર્ણ શ્રેષ્ઠ યોદ્ધો છે તેથી તમે પણ સતર્ક રહેજો.”

👉આટલું સાંભળતા જ ઉત્તર રથ ને કર્ણ તરફ લઈ જવા લાગ્યો.

👉અર્જુન ને કર્ણ તરફ આગળ વધતો જોઈને કર્ણ ની રક્ષા માં તૈનાત ચિત્રસેન, સંગ્રામજીત, શત્રુસહ, જય વગેરે વીરોએ અર્જુન પર આક્રમણ કરી નાખ્યું અને અર્જુન ને ઘણા બાણ માર્યા.

👉બાણ વાગતા અર્જુને ક્રોધિત થઈ ને સામે બાણ વર્ષા શરુ કરી. અર્જુન ના બાણો થી ચિત્રસેન, સંગ્રામજીત વગેરે ના રથ ધ્વસ્ત થઈ ગયાં.

👉કુરુઓ ના રથ નષ્ટ થયેલા જોઈને વિકર્ણ વેગ થી અર્જુન તરફ આવ્યો.
તેણે અર્જુન પર‌ બાણ વર્ષા શરુ કરી.

👉અર્જુને વિકર્ણ ના બાણો ને આકાશ માં જ કાપી નાખ્યાં તથા એક ક્ષણમાં જ અર્જુને વિકર્ણ ના ધનુષ અને રથ ની ધજા‌ ને કાપી નાખી.

👉ધ્વજ અને ધનુષ કપાઈ જતાં વિકર્ણ પાછો હટી ગયો ત્યારે શત્રુંતપ નામનો એક રાજા આ સહન ન કરી શક્યો.

👉શત્રુતંપે અર્જુન ને તીક્ષ્ણ બાણ માર્યા. ક્રોધિત અર્જુને તે રાજા ના સારથિ ને ઘાયલ કરીને રથ ને ક્ષતિગ્રસ્ત કર્યો અને પાંચ બાણ થી શત્રુંતપ નો વધ કરી નાખ્યો.

👉શત્રુંતપ નામક અતિરથી યોદ્ધા ને આમ મરતા જોઈને કૌરવ સેના ભય થી કાંપવા લાગી.

👉અર્જુન રણભૂમિમાં શત્રુઓ નો સંહાર કરતો આગળ વધી રહ્યો‌ હતો ત્યાં અર્જુન ને અધિરથપુત્ર સંગ્રામજીત યુદ્ધ માટે લલકારે છે.

👉અર્જુને સંગ્રામજીત નું ધનુષ કાપી નાખ્યું, રથ તોડી નાખ્યો અને એક જ બાણ થી સંગ્રામજીત નું મસ્તક ધડ થી અલગ કરી નાખ્યું.

👉પોતાના ભાઈ સંગ્રામજીત ના મૃત્યુ થી ક્રોધિત કર્ણ અર્જુન પર આક્રમણ કરે છે.

👉કર્ણ અર્જુન ના શરીર માં ૧૨ બાણ મારે છે. કર્ણ ના બાણો થી અર્જુન ઘાયલ થાય છે. ત્યારબાદ કર્ણ ઉત્તર અને રથ ના ઘોડા‌ ને‌ પણ ઘાયલ કરે છે.

👉આ બાજુ અર્જુને પણ કર્ણ પર બાણ છોડવાના પ્રારંભ કર્યા. જાણે બે મદમસ્ત હાથી એકબીજા થી લડતા હોય એમ કર્ણ અર્જુન વચ્ચે ભયંકર યુદ્ધ શરુ‌ થયું.
કર્ણ – અર્જુન ના યુદ્ધ ને જોવા દરેક સૈનિક દર્શક ની જેમ ઉભા રહી ગયા.

👉પોતાના અપરાધી કર્ણ ને સામે જોઈને અર્જુન નો ક્રોધ જાગી ગયો, અર્જુને ભયંકર બાણ વર્ષા કરતા કર્ણ ના રથ ને પોતાના બાણો થી ઢાંકી દીધો. કર્ણ ની આસપાસ ઉભેલા રથી યોદ્ધાઓ ઘાયલ થઈ ગયા એટલે કર્ણે બાણ સમૂહ ઉત્પન્ન કર્યા અને અર્જુન ના બાણો ને કાપી નાખ્યાં.

👉અર્જુન ના બાણો કાપી ને કર્ણ માં ઉત્સાહ આવી ગયો તથા કૌરવ સૈનિકો કર્ણ નો જયજયકાર કરવા લાગ્યા.

👉કર્ણ અને કૌરવો નો ઉત્સાહ જોઈને અર્જુન ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય સામે હળવું હસ્યો અને કર્ણ પર બાણ વર્ષા શરુ કરી. સામે કર્ણ પણ બાણ છોડવા લાગ્યો.

👉બંને વીરો એકબીજાને બાણો થી ઢાંકવા લાગ્યા, એકબીજાના બાણો કાપવા લાગ્યા.

👉અર્જુન નું પરાક્રમ કર્ણ માટે અસહ્ય થવા લાગ્યું તેથી કર્ણે યુદ્ધ ની એક કળા ‘આશુકારિતા’ નો પરિચય આપતા અર્જુન ના ઘોડા અને ઉત્તર કુમાર ને બાણ થી વીંધી નાખ્યાં.
(આશુકારિતા એટલે એકદમ શીઘ્ર બાણ છોડવાની કળા)

👉કર્ણ નુ આવુ પરાક્રમ જોઈને અર્જુને અતિમાનુષ પરાક્રમ પ્રગટ કર્યું અને કર્ણ પર પહેલા થી પણ વધુ બાણો ની વર્ષા શરુ કરી. એ બાણો ની મધ્યમાં અર્જુને તીક્ષ્ણ બાણો છોડ્યા.

👉અર્જુન ના‌ બાણો દ્વારા કર્ણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. કર્ણ ના સંપૂર્ણ શરીર ને અર્જુને બાણો દ્વારા વીંધી નાખ્યું.

👉અર્જુન ના અદભૂત યુદ્ધ કૌશલ અને વેગ નો અંગરાજ કર્ણ પાસે કોઈ જવાબ નહોતો તેથી ગંભીર રીતે ઘાયલ થઈ ને અંગરાજ કર્ણ યુદ્ધ નો ત્યાગ કરે છે.

👉અર્જુન દ્વારા કર્ણ પરાજિત થતાં દુર્યોધન તથા અન્ય‌ વીરો અર્જુન તરફ આગળ વધે છે.

👉 વધુ આગળ ના ભાગમાં

🙏હર હર મહાદેવ 🙏
🙏જય શ્રી કૃષ્ણ 🙏

  • મહેન્દ્ર સિંહ ગોહિલ
  • આ લેખનાં તમામ કોપીરાઇટ લેખક નાં છે. માટે ઉપયોગ કરતા પહેલા લેખકની પરવાનગી અવશ્ય લેવી.

💥 મહાભારત – વિરાટ યુદ્ધ (ભાગ-1) 👈

💥 મહાભારત – વિરાટ યુદ્ધ (ભાગ-2) 👈

💥 મહાભારત – વિરાટ યુદ્ધ (ભાગ-3) 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *