10682 Views
ચતુરાઇની વાર્તાઓ નાના બાળકો અને મોટેરાઓને પણ ખુબ જ ગમે છે. આવી જ વાર્તા કાબરાનાં કાંધાવાળો આપની માટે મુકી છે. જેના લેખક છે. જોરાવરસિંહ જાદવ. Joravarsinh Jadav – chaturai ni vartao, Kabrana Kandhawalo
ચતુરાઇની વાર્તા કાબરાનાં કાંધાવાળો
‘ જુવાન , બળદ ચિયા ગામનો ? ’
‘ બળદ તો છે ખહ ગામનો. ’
‘ શું લઈને નીકળ્યા છો ? ‘
‘ નીકળ્યો છું તો બળદના હાટાંદોઢાં કરવા. માઠું ફરકું વરહ છે. હું ગરીબ ખેડુ છું. બે બળદ છે પણ આ કાબરો વધુ પાણિયાળો છે એટલે હરખી જોડય થાતી નથી. પાણિયાળો બળદ વેસીને જરાક ટાઢો લઉં તો હરખી જોડય થાય.’
જુવાન જરાક જ મોડો પડયો. જહદણ દરબારના તૈણચાર આદમી કાબરા બળદની ગોતે નીકળ્યા છે. ઘડી સાત મોર્ય જ આંયા પાણી પીને જીયા. હજી મારગ કાંઠે હાલ્યા જ જાતા હશે. માંડ બેક ખેતરવા ભોં પોગ્યા હશે. લ્યો બરકી લાવું. ’
કાબરો બળદ વેચવા નીકળેલા ખસ ગામના રજપૂત રૂપાજી અને વગડામાં પાણીની પરબ માંડીને બેઠેલા એક અવસ્થાદાર ભાભા વચ્ચે આટલી વાત થઈ ત્યાં તો ભાભો ઝડપથી ઉભો થયો ને મારગ માથે જતા બે – ચાર આદમીને ટૌકો કર્યો.
ટૌકો સાંભળતા વેંત જ ઓતરાદા મોઢે જતા ચારેય આદમી દખણાદા મોઢે થઈ ગ્યા ને ઉપડતા પગે આવ્યા પરબની છાપરીએ. ત્યાં ભાભાએ પેલા ચારે જણા સામે જોઈને કહ્યું :
‘ જોવો આ આયા. ઈ દહક દિ’થી બળદ ગોતવા નીકળ્યા છે. સાટું સધરે તો સધારી જુઓ. ’
પેલા ચારેયે વારાફરતી બળદને શીંગડે , મોરે ને પેટે , પૂંછડે બરાબર જોયો. પડખેના ખેતરમાં કોકનું સાંતી ફરતું’તું ત્યાં લઈ જઈને ઓહાણી જોયો. પછી કહે : ‘ તમારો કાબરો અમારી નજરમાં બેઠો છે. હવે કરો કિંમત.’
રજપૂત કહે : ‘ તમે દરબારના માણસ છો. તમે કિંમત કરો. મને પરવડશે તો દોરી આલીશ. ’
‘ ના , તમારું જાનવર છે, એટલે કિંમત તો તમારે મોઢે જ કે’વી પડશે. ’
આમ વડછડ ચાલતી હતી ત્યાં એક જણે પરબવાળા ભાભા સામે જોઈને કીધું : ‘ ઈમ કરો, બધી વાત જાવા દ્યો. આ ભાભા કિંમત કરે. ઈ અનુભવી છે. એકેને અન્યા નૈ થાવા દે. ’
ત્યારે પરબવાળો ભાભો કહે : ‘ બેય મારી વાત કબૂલ રાખો તો હું વચમાં પડું. ’
‘ અમને કબૂલ છે. ’
ત્યારે ભાભાએ કહ્યું : ‘ કાબરો બળદ છે પાણિયાળો. વળી શીંઘડે મોરે ય નમણો છે એટલે રૂપિયા તો ઝાજા બેહે પણ દુકાળ માથેથી ઉતરવા આવ્યો છે. જેઠ મહિનાની ગડાહાંધ ( ઉતરતો મહિનો ) છે એટલે આ બળદના રૂપિયા દોઢહે અલાય. ’
પેલા ચારેય કહે : ‘ કબૂલ છે. પણ ઓણની સાલ નાણાંભીડ બઉ છે એટલે રૂપિયાના કાંધા ( હપ્તા ) કરવા પડશે. ’
ભાભો ઠાવકાઈથી બોલ્યો : ‘ કંઈ વાંધો નૈ. પચા પચાના ત્રણ કાંધા કરી દ્યો. જેઠ , અહાડ અને સરાવણ મહિનો પૂરો થાય તી કેડયે એક એક કાંધું આપવું. ત્રણ મઈને ત્રણેય પૂરા કરવા. ’
રૂપાજી રજપૂત મનમાં ખૂબ મૂંઝાણો. પણ ડોસા આગળ જીભ કચરેલી એટલે ફરીને બોલાય ચ્યમ ? આ તો રજપૂતનું લોહી. વચને બંધાયેલા રૂપાજીએ કાબરો બળદ દોરી આલ્યો પણ આનું ખાતું કે પતરું કાંઇ ન મળે.
રજપૂત ઘેર ગયો. ગામમાં વાત કરી કે કાબરો બળદ જહદણ દરબારને વેસાતો દઈ દીધો. પછી રે’તા રે’તા ખબર પડી કે સાટાદોઢા તો બોટાદના મારગે આવેલી પરબની છાપરિયે થ્યા’તા. ત્યારે રૂપાજીને કોઈએ કીધું :
‘ ભલા માણહ , તું ડાયો માણહ થઈને ન્યાં ચાં જતો ભાલિયે ભરાણો ? ઈ ભાભો તો ચુંવાળિયો મૂખો છે. ઈને અરણા પાડા જેવા ચાર દીકરા છે. ઈ સીમ શેઢે રઈને આવો જ ધંધો કરે છે. આછીપાતળી ખેડ્ય હતી, ઈ દુકાળમાં ભાંગી જઈ તી, પછી વગડામાં પરબ નાખીને પડયા રે ’ છે. કોઈ નીકળે તો ડોહો પૂછે છે : કયાં જાવ છો ? શીદ જાવ છો ? કયારે પાછા વળશો પછી ચારેય દીકરાને ભેગા કરીને બધું લૂંટી લે છે. આજકાલ તો ઈ મારગ બંધ થઈ જીયો છે. કોઇ ભૂલેચૂકેય ન્યાં ફરકતું નથી. ’
ત્યાં તો ભાલમાંથી કોક સગાનો સંદેશો આવ્યો કે રૂપાભૈને કે’જો તમારો કાબરો આયા કેણે અઢીહેંમાં વેસાણો છે.
રજપૂતે વિચાર્યું : ‘ મારા દીકરા, આ સાગઠાઓએ ભારે કરી. હવે ગમે ઈ રીતે ઈમને લૂંટફાટનો ધંધો છોડાવું નઇ તો મારું નામ રૂપાજી નઈ. ’
એક દિવસ બપોરા નમતાં રૂપાજીએ ઘેરથી રજપૂતાણીને કહ્યું : ‘ મને ભાતાંપોતાં કરી આલો. આજ તો કાબરાનું કાંધુ લેવા જાવું છે. ‘
રજપૂતાણીએ કહ્યું : ‘ કાંધાના પૈસા આવે ઈમાંથી મારા હાટું શું લાવશો ? ’
રજપૂત કહે : ‘ તું રાજી થઈને કહે ઈ લાવું. તું ઘણા દિ’થી કે ‘ છ ને કે હાતમ – આઠમનું પરબલું આવે છે. ગામની વવારુ ઘરેણાં ને નવાં લુગડાં પે’રીને રાસડા લ્યે છે. તાં મને મારા અડવા અંગેથી શરમ આવે છે. આજ તારા માટે સુંડલી ઘઈણું લાવીશ. ’
‘ કાંબિયું ને કડલાંની જોડય લાવજો. પાટણનું પટોળું લાવજો.’
‘ પણ મને ઈમ નો ખબર્ય પડે. તારે જેવાં જોઇએ ઈના નમૂના હાર્યે આપ. અદલો – અદલ એવી જ લાવીશ. ’
રજપૂતાણીએ તો પડોશીનાં જોડય ઘરેણાં ને લૂગડાં માગી આણ્યાં ને રૂપાજીને દીધાં. રૂપાજી બસકો બાંધીને રૂઝયુંકુંઝયું ટાંણે ચાલી નીકળ્યો.
ભાભો ને એના ચારેય છોકરા ભાતું છોડીને વાળુ કરવા બેઠેલા. એવામાં છાપરીને નાકે અજાણી સ્ત્રી આવીને મોકળે ઠણકલે રોવા માંડી.
વાળુના કોળિયા પડતા મેલી ભાભો ને ચારેય છોકરા બા’ર આવ્યા ને પૂછ્યું : ‘ તમારે શાના દુઃખ છે ? રોવો છો શું લેવા ? જે હોય ઈ મોકળા મને કઈ દોને ઝટ.’
ત્યારે મોટો ઠૂંઠવો મૂકીને મોઢું ઢાંકેલી બૈ કહે : ‘ આ દુનિયામાં મારું દુઃખ ભાંગે એવો કોઈ નથી. હું બેલા ( ગામ ) ની છું. મારા ધણીએ રોયાએ મને મા – બોન કઇને ઘરમાંથી કાઢી મેલી છે. ઈની છાતી ઉપર રાખે ઇનું ઘર માંડવું છે. મને કોઇ હંઘરે ને ઘરમાં બેહારે ઈનું મોઢું જોવું છે. ત્યાં હુધી બીજાનું મોઢું નૈ જોવાનું મારે નીમ છે. ’
આ વાત હાંભળીને દસેક વરહ મોર્ય ઘરભંગ થયેલા આ ભાભાની ડાઢ ડળકી. એટલે ભાભાએ ચારેય છોકરા હામું જોઈને કીધું : ‘ બેટા ! તમારે ચારેયને ઘર્યે વવારુ છે, તમે રાજી થઈને કે’તા હો તો હું તમારી માસી લાવું. ‘
દીકરા કહે : ‘ બાપા ! ઈથી રૂડું બીજું શું ? ’
બૈ કહે
‘ તો તમારું ઘર માંડું. આ તો ઘરઘરણું કે ’ વાય. પાંચ નાતીલા જોશે. નાળિયેર ને સુંદડી જોશે. કાંક ઘરેણું – ગાંઠું જોશે. ચાર ગામનું પાણી લાવી ઈના સોખા રાંધીને ચાર નવાલા ( કોળિયા ) જમાડો ત્યારે ઘર માંડયું ગણાય. ’
ભાભો કહે : ‘ ઓ તારીની ! આ તો તેં નાતમાં નવો રિવાજ કાઢયો.’
છોકરા કહે : ‘ કંઇ નૈ ! અમે બેઠા છી કેવા ? અબઘડિયે ચાર ગામના કૂવાના પાણી હાજર કરી દઇ. ગામમાં જઈને લૂગડાંલત્તા ને ઘરાણું લાવી દઇ. ’
બાપને ઘરઘાવવાની હોંશમાં ચારેય ઉપડયા ઝપટ મોઢ. ઘડીસાત થઈ ત્યારે ભાભા બોલ્યા : ‘ આંયાં આપણે બે જ છી. હવે મોઢું બતાડો. ’
ત્યાં તો મોથેથી ઓઢણું આઘું કરતાકને રૂપાજી રજપૂતે ભાભા પાંહે પડેલી કુંડલિયાળી ડાંગ હાથમાં લીધી ને ભાભાને માંડયો ઝૂડવા, ખેડુ જેમ પોંક ઝૂડે એમ.
પછી કહે : ‘ આ તારો બાપ કાબરના કાંધાવાળો. ’ એમ કહીને ફડ લેતો ડાંગનો ઘોદો માર્યો. ભાભો ગલોટિયાં ખાવા ને રાડયું નાખવા મંડાણો.
‘ એ બાપા, મારશો નૈ તમે કો’ ઈ આલું. ’
‘ જે કંઇ લૂંટનો માલ હંઘર્યો હોય ઈ કાઢી આલ્ય. ‘
ભાભાએ છાપરીના છેડે હાથેક ભોં ઊંડી ખોદીને ઘરેણાં ને રૂપિયા કાઢી આપ્યા.
રજપૂત આ બધું લઈને નીકળ્યો ને કીધું : ‘ હવે બીજું કાંધું લેવા પંનરક દિ’માં આવું છું. રે’વું હોય ઈમ રે’જે. ’
રૂપાજીએ તો ઘરે આવીને રજપૂતાણીને ઘરેણે મઢી દીધી.
આંય ચારેય દીકરા પાણી, ચોખા, ચુંદડી ને ઘરેણાં લઈને આવ્યા, ત્યાં તો ભાભા છાપરીના ખૂણે પડયા પડયા બોકાહા નાખે. દીકરાઓને જોઈને ડોસાના મોઢામાંથી તૂટક તૂટક વેણ નીકળ્યાં : ‘ મારો દીકરો કાબરાના કાંધાવાળો હતો. મારી મારીને મારા હાડકાની કાછલિયું કરી નાખી. પાછો કે’તો જીયો છે કે પંનરક દિ ‘ કેડયે બીજું કાંધું લેવા આવું છું. ‘
અવસ્થાદાર શરીર પર ડાંગુના ઘા ખૂબ પડેલા એટલે ભાભો તો રાડયું પાડે છે ને કાળા બોકાહા નાખે છે. છોકરાઓએ ભાભાના ડીલે હળદર ઉની કરીને ચોપડી. ઘરઘરણાનું નાળિયેર લાવેલા ઈ વધેરીને પાણી પાયું. પછી છોકરા કહે : ‘ આ ફેરા છેતરાવું ની. ઈ કાબરાના કાંધાવાળો આવે તો ઠાર મારવો છે. મારીને રઈ રઈ જેટલા કટકા કરી નાખીશું. તોય દાઝ નૈ ઓલાય. ’ એમ કરતા કરતા દસેક દિવસ થયા.
ત્યાં છાપરી આગળથી એક ટપ્પો ( ઘોડાગાડી ) નીકળ્યો. ટપ્પાવાળો ટપ્પો ઊભો રાખીને નીચે પાણી પીવા ઉતર્યો. પાણી પીને એકેક લોટકો પાણી ટપ્પાના પૈડાં પર રેડયું. ત્યારે ભાભાના છોકરે પૂછ્યું :
‘ ટપ્પો કેણી કોર્ય ? ‘
‘ દાકતર સા’બને લઇને બોટાદ જાવું છે. ન્યાં વિઝિટે જાવાનું છે. ’
છોકરા કહે : ‘ મારા બાપા બઉ માંદા છે. નો તપાસતા જાવ ? ‘
માથેથી હેટ આઘીપાછી હલાવતા ડોકટર બોલ્યા : ‘ મારે મોડું થાય છે. પેશન્ટ સીરીયસ છે. વળતાં તપાસતો જઈશ. ’
પેલો છોકરો હાથ જોડીને બોલ્યો : ‘ બાપા ! તમે કે’શો ઈ ફી આલીશ. પણ મારા બાપાને તપાસીને પછી જાવ. ‘
ત્યાં ભાભાથી નો રહેવાણું : ‘ ઓય ઓય બાપલિયા … મરી જીયો. હવે નથી રે’વાતુ. ’ છોકરાની આજીજી સાંભળીને ડોકટર ટપ્પામાંથી હેઠે ઉતર્યા. સ્ટેથોસ્કોપ લઈને ડોસાને આખા શરીરે તપાસ્યો. પછી કહે :
‘ભાભા જીવે એમ લાગતું નથી. બઉ મૂંઢમાર પડચો છે. ’
‘ દાકતર સા’બ , કોઈ ઉપાય ? પૈસા હામું નો જોશો. અમારા બાપાને કોઈ વાતે હાજા – નરવા કરી દો. ’
‘જાવ, બે ઈન્જેકશન લઈ આવો.’
બે છોકરા દોડતા બોટાદ જવા નીકળ્યા. ત્યારે ડોકટર કહે : ‘લેપનો મલમ પણ જોશે. ઓલ્યા મને પૂછવાય ઉભા રે’તા નથી. ’ વાંહે બીજા બે છોકરા દોડયાં.
ઘડીક સાત થઈ ત્યાં દાકતર કહે :
‘ભાભા ! હરામના પૈસા કાઢ્ય ઝટ, તારો બાપ કાબરાના કાંધાવાળો છું. ‘
આ સાંભળતા જ ભાભાને તો વગર ડાકલે માતા આવી.
ભાભા કહે : ‘ બાપુ ! મારીશ મા. જો ઓલ્યા માટલામાં રૂપિયા પડયા છે. હંધાય લઈ જા. ‘
રૂપાજી તો રૂપિયા લઈને ચઢયો ટપ્પામાં. ‘ ત્રીજું કાંધું લેવા આઠ દિ’માં આવું છું. ’ એમ કહીને પછી ટપ્પાવાળાને કહે : ‘ આજ તારો ઘોડો મરી જાય તો કુરબાન. હું બીજા પૈસા આલીશ. નવો ઘોડો લાવજે. પણ જાવા દે એકવાર બળહોફીને. ભેગા નો થવા દેતો. નકર તું ને હું જીવથી ગયા માનજે.’
અને ટપ્પાવાળાએ ટપ્પો મારી મૂકયો. બેએક કલાક થઈ ત્યાં છોકરા હાંફતા હાંફ્તા આવ્યા છાપરીએ. ત્યાં કોઈ ન મળે. ભાભા કહે : ‘ હવે આને કોઈ વાતે ઠાર કરો. ઈ મારો જીવ લેશે હો. મારો દીકરો કાબરાના કાંધાવાળો હતો. ’
‘ આ ફેરા જીવતો ઊંધા માથે બાંધીને હળગાવી મૂકીએ નૈ તો હા માનોને ! ‘ છોકરા બબડયા.
આ વાતને આઠેક દિ ‘ થિયા. રજપૂત પાછો થિયો તિયાર. સીમમાં મારગ માથે હાલ્યો જાય છે ત્યાં એક ગોવાળ ઘેટાં – બકરાં ચારે. રજપૂત ગોવાળ પાંહે જઈને કહે : ‘ અલ્યા , તારે હો રૂપિયા જોએ છીં ? ’
‘ આલોને ભૈ. તમારા જેવા તો ભગવાને ય નૈ. ‘
‘ પણ તારે એક કામ કરવાનું. ’
‘ એક શું લેવા, બતાડોને ! ‘
‘ જો તારે બોલવું ય નથી ને બાઝવું’ય નથી. ઓલી પાણીની પરબવાળી ઝૂંપડી છે ત્યાં જઈને એટલું જ કહેવાનું કે, ‘ આ તારો બાપ કાબરાના કાંધાવાળો આવ્યો. ‘ એટલું કહીને ભાગવા માંડજે, પણ બઉ ધોડીશ નૈ – છોકરા વાંહે પડે તો ખેતરવાનું છેટું ભાંગવા નો દઈશ, અને ઘાએ નો સડતો, નિકર ઠાર મારી નાખશે.
ગોવાળે તો સો રૂપિયાની નોટ ગુંજામાં મૂકીને પછેડીના ચારેય છેડા ખોસ્યા પછી કહે : ‘ હવે મારું કામ . ’ ગોવાળ છાપરી પાસે ગયો ને કહે :
‘ એ આ તારો બાપ કાબરાના કાંધાવાળો. ’ આ સાંભળતાવેંત જ ચારેય છોકરા ડાંગું લઈને ગોવાળની વાંહે પડયા. મૌર્ય ગોવાળ ને વાંહે ભાભાના ચારેય છોકરા. ભાભો વિચાર કરે છે : આજ તો હરામીનું મોત આવ્યું છે. હમણે મારા છોકરા પાડી દેશે.
ત્યાં તો ભાભાના ડેબામાં ફડ ડાંગ પડી. એ ઈ નૈ પણ આ તારો બાપ કાબરાના કાંધાવાળો હાસો. ઝટ કાઢ્ય જે હોય ઈ.
આને જોતા જ ડોહાની આંખે અંધારા આવ્યાં. બે હાથ જોડીને કહે : ‘ બાપ, તારી ગા. હવે મને છોડય. ’
‘ બોલ ! હવે આ ધંધો કરીશ કોઈ દિ ? ઝૂંપડી વીંખીને આંયથી વયો જા ઝટ. ‘
‘પાણી મૂકું છું. કોઈ દિ ‘ આડા માર્ગે નઇ જાવ. ’
‘જે હોય ઈ ખરેઝેરો કાઢય ઝટ. ‘
ડોસાએ પંદર વીહ રૂપિયાનું પરચૂરણ હતું ઈ ધરી દીધું. એટલે રજપૂત લઈને વહેતો થઈ ગયો.
પછી ચારેય દીકરા થાકીને ઝૂંપડીએ પાછા આવ્યા. ડોસાની હાલત જોઈને ચારેય પોક મૂકીને રોયા. પછી છાપરીનો સામાન સંકેલીને ઘરભેગા થઈ ગયા. આજની ઘડી ને કાલ્યનો દિ ‘.
રજપૂત ઘરે ગયો ને ખાધું, પીધું ને રાજ કર્યું.
લેખક – જોરાવરસિંહ જાદવ. ટાઇપિંગ- www.amarkathao.in
લેખકનાં નામ વગર કે પોસ્ટમા છેડછાડ કરીને અન્યત્ર જગ્યાએ કોપી-પેસ્ટ કરીને મુકવું ગેરકાયદેસર છે. આપ અહીથી share કરી શકો છો. 👇
આવી જ અન્ય વાર્તા વાંચો –
Best Gujarati stories , ગુજરાતી વાર્તાઓ, બાળવાર્તાઓ, કવિતાઓ, બાળગીતો, લોકગીતો વગેરે માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી લિંક્સ 👇
અમરકથાઓ ગ્રુપ સાથે જોડાવા માટે
website – https://amarkathao.in/
YouTube channel 👇
https://youtube.com/channel/UCNytVNB6lXdQ5_63eMm0V8w
FB Page 👇
https://www.facebook.com/AMARKATHAO/