Skip to content

ગોવિંદનું ખેતર ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ

    ગોવિંદનું ખેતર ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ
    4748 Views

    ગોવિંદનું ખેતર : ગુજરાતી સાહિત્યના મુર્ધન્ય લેખક એવા ધૂમકેતુ (ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી) ની શ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન પામતી વાર્તા છે. ‘પોસ્ટઑફિસ’, જુમો ભીસ્તી, ‘ભૈયાદાદા’, ‘લખમી’, ‘હૃદયપલટો’, ‘એક ટૂંકી મુસાફરી’, ‘જીવનનું પ્રભાત’, ‘તિલકા’, ‘બિન્દુ’, ‘સોનેરી પંખી’, ‘ત્રિકોણ’, ‘રતિનો શાપ’, ‘રજપૂતાણી’, ‘માછીમારનું ગીત’ ઇત્યાદિ નવલિકાઓ આવી સીમાઓથી મુક્ત કલાત્મક કૃતિઓ છે.

    ગોવિંદનું ખેતર

    [ ગામડા અને શહેરની વાસ્તવિકતા વર્ણવતી સુંદર વાર્તા ]

    નીલી નાઘેરમાં નદીના કિનારા પર ગોવિંદનું ખેતર હતું. ગોવિંદના પિતા રઘુનાથ મહારાજ રાજપુરમાં પ્રસિદ્ધ પુરુષ લેખાતા. વેપારી આલમના સરદાર તરીકે એમનું નામ આસપાસનાં બે ચાર ગામમાં મશહૂર હતું. ભોળા અને ભલા ખેડૂતોની ધીરધાર આ કામદારને ત્યાં થતી અને રાજપુરના સૌ રઘુનાથ મહારાજની સુવાસને ઓળખતા.

    સવારમાં દિવસ ઊગતાં રઘુનાથ નાહીને પોતાનું મજબૂત ગોળમટોળ શરીર ચંદનથી શોભાવતા ‘જય નીલકંઠ’ કરતા મંદિરમાં જતા. એમનોે સાદ પણ ખાસ્સો ઘાટો ઘેરો; ઘેર બેચાર ભેંસ, ખેતર, વાડી અને બે ત્રણ ગામમાં જામેલી જૂની પ્રતિષ્ઠા. અરધો કામદાર જેવો, અરધો શેઠ જેવો, ગામના ગુરુ જેવો ને નાનાંમોટાં સૌને મીઠો લાગતો આ પૂજ્ય પુરુષ રાજપુરમાં સુખી હતો, ને એને લીધે આસપાસનાં ત્રણ ચાર ગામડાં પણ સુખી હતાં.

    રઘુનાથ મહારાજે પોતાના ગોવિંદને શહેરમાં ભણવા મોકલ્યો હતો. રાજપુરની નાની શી સરહદમાં ગોવિંદ ચાર અંગ્રેજી ભણ્યો, ત્યાં તો એની કીર્તિ પ્રસરી ગઇ. ગોવિંદની મા નાનપણથી નહિ, એટલે એનામાં કાંઇક લાડનું અભિમાન વધારે હતું. ગામડિયાઓને તાજુબીમાં તરબોળ કરે એવો હોરેશ્યસ’નાં પાનાં બે પાનાં તે ક્યારેક વાંચતો. તેને સૌ વખાણતા કારણ વખાણનારું મંડળ તદ્દન અજ્ઞાાન હતું. ગોવિંદ ચૌથી અંગ્રેજીમાં પાસ થયો.
    જો કે એને તો વર્ગ ચડાવવામાં આવ્યો હતો, પણ પરીક્ષાની જાદુભરી જુદાઇ ગામડિયાનાં ભેજામાં આવે તેમ હતું નહિ.

    તે દિવસે રઘુનાથ મહારાજે મોટી મિજબાની જેવું કર્યું. જોકે શાક ભીંડાનું હતું, અથાણું ચીભડાનું, ને મુંબઇનાં ‘સંતરાં-મોસંબી’ની ગંધાતી બદબોને બદલે મગની તાજી શીંગો ને તાજગીભર્યા શેરડીના સાંઠા હતા. એની જ વાડીમાંથી લાવેલાં બોર ને દાડમ પણ ખરાં. ગામડિયા આ મેવામાં અનહદ આનંદ ભોગવી રહ્યા હતા.

    ગોવિંદ પરણ્યો ત્યાર પછી રઘુનાથ મહારાજ પોતાના પુત્રને બહુ વાર મદદરુપ ન થઇ શક્યા. એમનું વૃદ્ધ શરીર લથડયું. ગોવિંદ ત્યારે છઠ્ઠી અંગ્રેજીમાં હતો. એનું મન પણ પરણ્યા પછી અભ્યાસમાંથી ઊઠયું હતું, એટલે વૃદ્ધ પિતાની હાજરીમાં રહેવા માટે તેણે અભ્યાસને તિલાંજલિ આપી. ન આપી હોત તો પણ ગાડું હવે અટકે તેમ હતું. થોડા દિવસ પછી રઘુનાથ મહારાજ દેવ થયા ને ભર્યા ઘરમાં ગોવિંદ અને તેની ભાગીરથી બન્ને બિનઅનુભવી રહ્યાં. અમરકથાઓ

    ગોવિંદમાં અપૂર્ણ અંગ્રેજી જ્ઞાાનના ને લહેરી જીવનના દોષ ધીમે ધીમે ઘર કરી બેઠા હતા. ભાગીરથી પણ આ ગામડામાં રસ ભર્યો છે એવું સમજતી નહિ.
    પ્રભાતે રબારી ઢોરને ‘પહરમાં’ લઇ જવાની બૂમ પાડે ત્યારે પોતે નવ વાગ્યે પથારીમાંથી બેઠો થઇ મહારાજને દાતણની બૂમો પાડતો તે હોસ્ટેલના દિવસો ગોવિંદને યાદ આવે. ભાગીરથીની નવરંગ સાળુ ભેંસના છાણમાં જરાક બગડે તો એનો આખો દિવસ બગડતો. ગામડા ગામમાં તો પાંચ વાગ્યે ઘંટીના ઘેરા નાદ વચ્ચે ઝીણા સૂરની હલક જામતી હોય; છ-સાત ન વાગે ત્યાં દધિમંથનના સ્વરથી ફળીએ ફળી ગાજતી હોય!

    પણ ભાગીરથીની વાંકી સેંથી, ગોવિંદના ખમીસનો અક્કડ કફ, ઝીણું ધોતિયું કે નવરંગુ સાળુ એમાંનું કાંઇ પણ બગડે એ કેમ ખમાય? શહેરી જીવનની ટાપટીપના મોહમાં પડેલાં આ દંપતીને ગ્રામ્ય જીવન ખૂંચવા લાગ્યું. સવારની તાજી સુગંધી છાશ, મીઠું ગોરસ, ને ઇંદ્રને દુર્લભ દૂધ, આ ચીજો ચાના કપને બદલે ઘરમાં અથડાતી જોઇ ભાગીરથી તો અરધી થઇ જતી.

    ક્યાં હૉટેલ, મોટર, ચેવડા, ચા ને સુંદર બાગ : ને ક્યાં તાજી છાશ, ગાયના સ્વર અને વડનો મીઠો છાંયો! ગોવિંદને લાગ્યું કે જો પોતે ગામડામાં બહુ દિવસ ગાળશે તો સમાજમાં બહુ પછાત રહી જશે. વર્તમાનપત્ર પણ રાજપુરમાં ક્યાંથી? ને જાહેર સભા! બે ચાર પટેલ, એકબે શેઠિયા ને ચારપાંચ નાગાં છોકરાં ચોરાને ઓટલે બેઠાં હોય એ રાજપુરની જાહેર સભા! ધમપછાડા. ઢોંગ ને દંભ ત્યાં ન મળે. શબ્દના ઠરાવ નહિ ને ખોટાં અનુમોદન નહિ. અહીં તો બે ચાર જણ મળી વાત કરે કે ગોંદરામાં અગિયારશે ખડ નાખવું છે, ને કુતરાંને દૂધ પાવું છે કે ઠરાવ પાસ થાય.
    એમાં પ્રવૃત્તિની ધમાલ ન મળે. સાદી વાત ને સાદું વર્તન. ગોવિંદનાં ચશ્મામાં આ બધું માઠું ભાસ્યું,

    ને તેણે ગામડામાંથી જેમ બને તેમ જલદી ઊપડવાનો નિશ્ચય કર્યો. ગ્રામ્ય જીવનની ખોડખાંપણને સમારી એમાંથી દરેક પળે તંદુરસ્તી ને રસ ખેંચવાને બદલે શહેરના ઉપરના ભપકામાં અંજાઇ જવાથી ગોવિંદને દરેક પળે એ ગામડું ખૂંચવા લાગ્યું. તેણે ગામડામાં હિસાબ પતાવવાનું કામ શરુ કર્યું.

    રઘુનાથ મહારાજની પ્રમાણિકતા ને ચારિત્ર્યબળ એવાં વિખ્યાત હતાં કે એનું બધું લહેણું પતી ગયું. ગોવિંદ તથા ભાગીરથી હવે શહેરમાં જવાની તૈયારી કરવા લાગ્યાં. ‘ભગરી’ ભેંસ, ‘કલ્યાણી’ ગાય, વાછરડાં ને ઘોડી, પોતાનું સુંદર ફળી, વાલોળનો માંડવો ને તુળસીનો ક્યારો, એક ધોળી બિલાડી, પારેવાનું પાણી પીવાનું કૂંડું; ગલના છોડ ને અજમાનાં પાનનાં કૂંડા : બધું જ ગોવિંદે કાંઇ પણ અફસોસ વિના છોડયું. એનું ચિત્ત શહેરની ભભકભરી જિંદગીમાં એવું ચોંટયું હતું કે કોઇ વસ્તુ એના હૃદયને સ્પર્શી શકી નહિ.

    ગાડામાં બેસી ગોવિંદ રવાના થયો. સૌ દૂર સુધી વળાવી પાછાં ફર્યાં, એટલામાં ગોવિંદે પોતાના પિતાના વૃદ્ધ મિત્ર નારણ ભટ્ટને આવેલા જોયા.

    ‘ગોવિંદ! જાય છે? બાપુ, ગામડું સંભારજે હો.’

    ‘હા, કાકા, કાંઈ ગામ ભુલાય છે?’ ગોવિંદે વિવેકના શબ્દો બોલવા ઘટે તે વાપર્યા.

    ‘હિસાબ બધો ચૂકતે કર્યો?’

    ‘હા કાકા.’

    ‘ને ઢોરઢાંખર?’

    ‘મૂળુભાને વેચાતાં આપ્યાં.’

    નારણ ભટ્ટના પેટમાં ટાઢો શેરડો પડયો. ગામડાંનાં માણસોને ઢોર વેચતાં જીવન વેચવા જેવું લાગે છે!

    ‘ઠીક બેટા, તને ગમ્યું તે સાચું! ખેતર-વાડી?’

    ‘કલ્યાણ પટેલને અર્ધે ભાગે વાવવા દીધાં.’

    નારણ ભટ્ટની આંખમાં આંસુ આવ્યાં. રઘુનાથનો વિયોગ આજે ખરેખરો લાગ્યો. પણ ભાગીરથી ને ગોવિંદ ગામડાના જીવનની મશ્કરી કરતાં આગળ ચાલ્યાં. મિલનાં ભૂંગળાં, મોટરના ભોંકાર ને માણસોની જબ્બર ધમાલ વચ્ચે પહોંચ્યાં ત્યારે એમને લાગ્યું કે હવે તેમના જીવનમાં કાંઇક જોમ આવે છે!

    શહેરમાં ગોવિંદે જીવન શરુ કર્યું. બે ચાર દિવસ આંટા મારી રેલવેની ઑફિસમાં કારકુન તરીકેની નોકરી ગોવિંદે લીધી.

    રાજપુરના મીઠી તાજગીભરેલા જારના અને વણના ખેતરમાંથી પસાર થતાં જે અકથ્ય સુગંધી પૃથ્વીમાંથી છૂટતી, એને સ્થાને અમદાવાદની સાક્ષાત્ સુગંધી બદબોભરેલી પોળમાંથી ગોવિંદ હમેશાં અગિયાર વાગે જતો ને પાંચ બજ્યે આવતો. આટલી ગુલામી સ્વીકારીને તેણે પોતાની શહેરી તરીકે ઇજ્જત સાચવી લીધી! ને ભગીરથીનો પેલો નવરંગી સાળુ ભેંસના છાણને બદલે હવે ગટરની દુર્ગંધી પામવા લાગ્યો! ભાત, દાળ, રોટલી ને શાક, એ ખાતાં ખાતાં શહેરી જીવન વીતવા લાગ્યું.

    આજકાલ કરતાં પાંચ વર્ષ વીતી ગયાં. ભાગીરથીના સાડલા રંગવામાં, લિપ્ટનના ડબામાં, ક્યારેક કૉફી, કૉકૉ ને બિસ્કિટમાં ને વખત મળે તો હૉટલની મરકીમાં ગોવિંદના ટૂંકા પગારનો મોટો ભાગ વપરાઇ જતો, ને તેથી જીવન-રસાયન પદાર્થોને બદલે જીવન ટકે તેવા પદાર્થ પણ ન મળ્યા.

    એવામાં ભાગીરથીને એક છોકરો આવ્યો. પછી તો વિટંબણા વધી. નવી માતા જૂની સાસુ પાસેથી કાંઇ તાલીમ તો મેળવી શકી ન હતી. એટલે પાછો બાલામૃતનો ખર્ચ આ ગરીબ કારકુનના બજેટમાં વધ્યો. ધીમેધીમે જીવનનો શ્રમ એટલો વધ્યો કે ગોવિંદને ક્ષય લાગુ પડયો.

    દરેક કારકુનની સ્ત્રી હોય છે તેમ ભાગીરથી બહારની ટાપટીપમાં એટલો સમય ગાળતી કે ઘરમાં વ્યવસ્થાને બદલે દરેક જગ્યાએ કાંઇ ને કાંઇ ચીજ રખડતી હોય. બિચારી સમજે ક્યાંથી કે હૉટલનાં જલેબી ને ભજિયાં એ છોકરાને ઝેરનો પ્યાલો આપવા બરાબર છે. એનો પડોશીધર્મ પણ એટલો વિશાળ હતો કે એનું ઘર સૌ નવરાનું વિશ્રાંતિભવન હતું. ભાગીરથી ધીમેધીમે ગ્રામજીવનનો વ્યવહાર ભૂલી શહેરી જીવનનો ભભકો ને કર્કશતા ખીલવતી ગઇ.

    આજે હવે ગોવિંદ ધીમા બળતા દીવા સામે જોઇ રહ્યો છે. પાસે રગટીટિયા જેવો હરિપ્રસાદ ને ભાગીરથી ગ્લાનિભર્યાં બેઠાં છે.

    ‘નરહરને કીધું?’ ઝીણા દુ:ખભર્યા અવાજે ગોવિંદ બોલ્યો,

    ‘તેણે રાજપુર તાર કર્યો?’

    ‘હા,’ ભાગીરથીએ જવાબ વાળ્યો. આ બધી સ્થિતિથી અજ્ઞાાન બાળક એની માતાના ખોળામાં રમી રહ્યું હતું.
    નરહર, ગોવિંદ જેવો બીજો કારકુન હતો. શહેરમાં સૌ કારકુન ને ભાડુત છે. માલિક ને શેઠ લૂંટારા. ને તેમની જ પડોશમાં ભૂખ્યા ને દુ:ખી કારકુન ભાડૂત. આ શહેર!
    એટલામાં બારણું ખોલીને એક ફાંકડા જેવો જુવાન દાખલ થયો. એ નરહર પોતે હતો.

    ‘ઓહો હરિપ્રસાદ.’ તે છોકરા સામે જોઇ બોલ્યો : પછી ગોવિંદ સામે જોયું : ‘કાં કેમ છે? આજ તો ‘ફિવર’ નથી ના?’

    ‘શરીર સહેજ ગરમ છે.’ ગોવિંદ કહ્યું.

    ‘એ તો અમદાવાદની ‘હીટ’ તોબા!’

    ગોવિંદે ઉધરસ ખાધી. નાનો હરિપ્રસાદ ભાગીરથીની સાડી ખેંચીને રમતો હતો.

    ‘તેં તાર ક્યારે કર્યો?’

    ‘આજ બે દિવસ થયા.’ નરહર એક ખુરસી ખેંચી ગોવિંદ પાસે બેઠો : ‘આજના સમાચાર જાણ્યા ના?’

    ‘શા છે?’ ગોવિંદે આતુરતાથી પૂછ્યું.

    ‘બીજું શું? આખો ‘સ્ટાફ’ વિરુદ્ધ છે. સાળાને એકલાં હોઇયાં કરવું છે. કેમ જાણે બીજાને પેટ ન હોય?’

    ‘હં!’ ગોવિંદે ટૂંકમાં જવાબ વાળ્યો. બીજું કાંઇ બોલે ત્યાં ઉધરસ ખાવી પડી.

    આ વખતે દ્વાર ખૂલ્યું. બ્રાહ્મણો બાંધે છે તેવી ગોળમટોળ ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. એના એક હાથમાં ડાંગ ને ખભા પર ખડિયો હતો, ને બહુ જતનથી સાચવેલું ચંદનનું ટીલું કપાળમાં હતું. નરહર જરાક આડું જોઇ હસ્યો, ત્યાં બ્રાહ્મણની પાછળથી કોઇ વિચિત્ર ખેડૂતનો જાડો અસંસ્કૃત સ્વર આવ્યો : ‘કાં ગોવિંદભાઇ કાંઇ ઓળખાણ પડે છે?’

    નરહર બોલનાર સામે જોઇ રહ્યો. એના કાઠિયાવાડી જાડા વેષમાં ને ચહેરા પર જન્મસિદ્ધ ભલમનસાઇનાં ચિહ્ન હતાં. પણ કારકુનની નજર એવું જોવા કેળવાયેલી ન હતી. તે ગોવિંદ સામે જોઇને બોલ્યો : perhaps those rajpur fellows (કદાચ રાજપુરના માણસ હશે.)

    ગોવિંદ બન્નેને જોતાં સફાળો બેઠો થયો : ‘ઓહો! કાકા કલ્યાણ પટેલ! આવો આવો, તમને ભૂલું?’
    એટલામાં નારણ ભટ્ટ ખડિયો નીચે મૂકીને આગળ વધ્યા : ‘અરે ગોવિંદ! બેટા! તારા આ હાલ! શું માંદો છે?’
    નરહર સૌને વાતોએ ચડયાં જોઇ ધીમેથી સરી ગયો. શહેરમાં પડોશીધર્મ આવી રીતે સમાપ્ત થાય છે.

    ‘કાકા!’ ગોવિંદની આંખમાં આંસુ આવ્યાં : ‘હવે આ છોકરાને જાળવજો!’

    ‘અરે કાંઇ ગાંડો થયો છે? આવો કલ્યાણ પટેલ આવો, ગોવિંદ પાસે આવો.’
    કલ્યાણ પટેલ આગળ વધ્યા. ‘ઓહો ભાઇ! બહુ લેવાણા છો?’ ભોળા અને ભલા કણબીએ રુપિયાની થેલી આગળ ધરી. જુઓ. તમે, તો હિસાબ ન કર્યો પણ અમારે પાછું બીજે અવતાર ભર્યે છૂટકો. આ તમારા અરધિયાણ ભાગનું મૂલ.

    બીજે દિવસે સૌએ સાથે સંતલસ કરી. એમ ઠર્યું કે ગોવિંદે રાજપુર આવવું. ગોવિંદ રજા લેવા ગયો. બડા સાહેબના બાંકા શરીરમાં વક્રતા ઘણી હતી. એણે કહ્યું કે,
    ‘હમણાં કામની ખેંચ છે; રજા ન મળે.’
    ‘પણ સાહેબ, આ સવાલ મારી જિંદગીનો છે.’
    ‘જિંદગી કરતાં પણ આ કામ વધારે ઉપયોગી છે. રજા નહિ જ મળી શકે.’

    ગોવિંદ હતાશ બની પાછો ઘેર આવ્યો. ‘સાહેબ ડિસમિસ કરશે!’ તેણે નિરાશાભર્યા સ્વરે નારણ ભટ્ટને કહ્યું.
    ‘શું કીધું? નારણ ભટ્ટ સમજ્યા નહિ.’
    ‘ડિસમિસ કરશે.’
    ‘ડામેશ કરશે, એમ ના?’
    ‘હા.’
    ‘ત્યારે બેટા! પાછો રાજપુર ભેગો થા. એવા પાંચ સાબ ઘડીભર થંભી જાય એવા ઘોડાપૂર મોલ જામ્યા છે! જ્યાં સુધી તરકોશી વાડી છે ત્યાં સુધી આભરે ભર્યાં છે.’

    પણ ગોવિંદના નોકરીમય જીવનમાં તો ‘ડિસમિસ’ની ગડમથલ જામી રહી હતી. આવા યાંત્રિક જીવનમાંથી રસાયન ઊડી જઇ એકલો ધારાધોરણનો જથ્થો રહે છે. પરંતુ રાજપુરના જાહેર જીવન વગરના ગામડિયાઓમાં સ્વાધીનતાનો જુસ્સો હતો. તેમણે કારકુનને તેજ કર્યો.

    બીજે દિવસે સૌ રાજપુર તરફ ચાલ્યાં. ગોવિંદ રાજપુરમાં તો આવ્યો, પણ શહેરી જીવનનું ઝેર એવું રગરગમાં વ્યાપી ગયું હતું કે હવે તેની તંદુરસ્તીમાં ફેરફાર થવો અશક્ય હતો. નરહરનો કાગળ એવો હતો કે સાહેબે ડિસમિસ કર્યો છે. છતાં માણસનો ખપ છે માટે રાખશે. ગોવિંદે જવાબ લખ્યો કે, હવે હું નોકર નથી ને કોઇએ નોકર રહેવું નહિ. જમીનના કકડામાં જેટલું જીવન છે, તેટલું બીજા કશામાં નથી.

    ત્યાર પછી થોડા માસે જીવનની મુસાફરીનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો. ગોવિંદને એક જ નિરાંત હતી કે પોતાના જ ગામમાં કુટુંબને રક્ષણમાં મૂકી પોતે જાય છે.
    ‘કાકા! કલ્યાણ પટેલ!’ ગોવિંદે કહ્યું : ‘હવે હું જાઉં છું, અને આ તમને સોંપ્યાં.’
    થાપણનો ને હાથ ઝાલવાનો રિવાજ જેવો ગામડામાં સચવાઇ રહ્યો છે, તેવો જબરજસ્ત શહેરમાં પણ સચવાતો નથી; ને તેથી જ તો શહેરમાં ‘અનાથાશ્રમ’નો રિવાજ છે, જ્યારે ગામડામાં બંધુત્વની ભાવનાનો માર્ગ છે.

    કલ્યાણ પટેલ માત્ર રોઇ રહ્યો! છેવટે બોલ્યો : ‘તમારા જીવને સદ્ગતિ કરજો. જ્યાં સુધી હું છું ત્યાં સુધી હરિપ્રસાદની ખેડ તૂટશે નહિ.’
    ગોવિંદ આંખ મીંચી ગયો!
    —– #અમર_કથાઓ —–

    બેચાર વર્ષ પછી નીલા ભરચક્ક ખેતરમાં ભાગીરથી ઊભી છે. તાજી સુગંધથી મગજ ભરાઇ જાય છે. શ્રાવણ માસનાં આછાં વાદળાંમાં નીલાંપીળાં ખડ જલપ્રવાહની માફક ડોલી રહ્યાં છે. ટેકરીઓ પર ને ડુંગરા પરથી રબારીની વાંસળી ને દર્દભર્યા દુહાઓ આખી સીમને કાંઇ જુદો જ પલટો આપી રહ્યાં છે, એ વખતે ગોવિંદના ખેતરને સીમાડે બે બળદના ગાડામાં બેસીને એક જુવાન એ તરફ આવતો દેખાયો. ગાડું છેક નજીક આવ્યું. ભાગીરથીએ જુવાનને ઓળખ્યો.

    ‘ઓહો! નરહરભાઇ! આમ ક્યાં?’

    ‘મારા મામાને ત્યાં જાઉં છું; અહીંથી બે ગાઉ દૂર ગામડામાં રહે છે.’

    ‘બહુ લેવાઇ ગયા છો! કાંઇ તબિયત ઠીક નથી?’

    નરહરે ઉધરસ ખાતાં જવાબ આપ્યો : ‘બસ એ જ!’ અને એનો શહેરી જુસ્સો બહાર આવ્યો : ‘માણસને ક્ષયમાં મારી નાખવો ને ભવિષ્યમાં પ્રજાને હીનવીર્ય કરી નાખવી એ અમારી યાંત્રિક સાંસ્કૃતિક અને વીસમી સદીની સુધરેલી પ્રગતિનો પ્રભાવ છે! ખરેખર કોઇ પ્રજા ગુલામ ને હીનવીર્ય હોય એના કરતાં બળવાન ને જંગલી હોય તે વધારે સારું છે.’

    ગાડું આગળ ચાલ્યુ ને પાછાં ફરતાં ભાગીરથીની મિજબાની સ્વીકારવાનું નરહરે કહ્યું. ભાગીરથી સીમમાં નજર કરી રહી. ભથિયારીઓ સાંજે પાછી વળતાં ગીત લલકારી રહી હતી ને ચારે તરફ રસનો પ્રવાહ રેલી રહ્યો હતો. ભાગીરથીની આંખમાં આંસુ આવ્યાં.

    હરિપ્રસાદે તે જોયું. તેનો બાળસ્વભાવ તરત પ્રશ્ન કરવા દોડયો : ‘બા, તું કેમ રુએ છે?’

    ‘અમસ્તી, બેટા!’

    ‘ના, કહે.’

    ‘બેટા! આ પ્રકૃતિનું સૌંદર્ય, ખેતરની સ્વાધીનતા, લીલી વાડી ને જિંદગીની તાજગી ખોઇ, યંત્રોના મોહમાં શહેરમાં આપઘાત કરવાનો પાઠ કોઇ આપી રહ્યું છે : ‘શું ગામડાં ભિખારી થશે. ને શહેરો ગુલામ થશે. એ આ સંસ્કૃતિનું ધ્યેય છે?’

    આથમતા સૂર્યમાં મા-દીકરો રાજપુર તરફ ચાલ્યાં.

    લેખક – ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’

    👉 જુમો ભીસ્તી 👈 Best Gujarati story

    👉 રજપુતાણી 👈 Best Gujarati story

     ધૂમકેતુ
    ગોવિંદનું ખેતર | ધૂમકેતુ

    1 thought on “ગોવિંદનું ખેતર ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ”

    1. Pingback: એક ટૂંકી મુસાફરી - ધૂમકેતુ ની શ્રેષ્ઠ વાર્તાઓ - AMARKATHAO

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *