Skip to content

ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય નો સંપુર્ણ ઇતિહાસ

સમ્રાટ વિક્રમાદિત્ય નો સંપુર્ણ ઇતિહાસ
9242 Views

ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય વિશે અનેક કથાઓ, દંતકથાઓ પ્રસિદ્ધ છે. સિંહાસન બત્રીસી, વિક્રમ વૈતાળ ની કથાઓ. વિક્રમ રાજા ન્યાયપ્રિય અને પ્રજાવત્સલ હતા. અને બત્રીસ લક્ષણ ધરાવનાર વીર હતા. આજે વાંચો ઐતિહાસિક તથ્યો સાથેની પોસ્ટ. History of samrat vikramadity.

સમ્રાટ વિક્રમાદિત્ય

વિક્રમ સંવતના યશસ્વી નિમિત્ત બનનારા વિક્રમાદિત્યની કથાઓથી આપણું લોકસાહિત્ય ઉભરાય છે. લોકકથા કહો કે દંતકથા, વિક્રમ ઠેરઠેર મળે છે.

આવા મહાપરાક્રમી શાસકના સ્વર્ગવાસની વાત એકત્રીસમી પૂતળી કૌશલ્યાએ કરી છે. વૃદ્ધાવસ્થાએ પહોંચતા સમ્રાટે યોગબળથી જાણી લીધું કે હવે અંત નિકટ છે. તેમણે ધર્મ કાર્યમાં મનને પરોવી રાખ્યું, નેે સાધના માટે વનમાં કુટિર બનાવી.

એક દિવસ કુટિરની સામેના પર્વતમાં પ્રકાશ દેખાયો અને એની વચ્ચોવચ્ચ એક સુંદર મહેલ નજરે પડ્યો. સમ્રાટને આ મહેલ જોવાની ઇચ્છા થઇ. માં કાળીની ભક્તિ થકી બે વેતાળોનું સ્મરણ કર્યું. બન્નેને આદેશ આપ્યો કે મને સામેના પર્વત પર લઇ જાઓ. ત્યાં પહોંચ્યા બાદ વેતાળ બોલ્યા કે અમે આનાથી આગળ ન જઇ શકીએ. આનું કારણ પૂછતા વેતાળે સમજાવ્યું કે એક યોગી મહાત્માએ આ મહેલ બંધાવ્યો છે. અને મહેલની ચોતરફ મંત્ર-શક્તિનો ઘેરો છે. આ મહેલમાં એ જ પ્રવેશી શકે જેનું પુણ્ય આ યોગીથી વધુ હોય.

હકીકત જાણ્યા બાદ વિક્રમાદિત્ય એકલા મહેલ તરફ આગળ વધ્યા. પોતાનું પુણ્ય યોગી મહારાજથી વધુ છે કે ઓછું એ જાણવાનું કુતૂહલ મનમાં ઉછળતું હતું. મહેલના દરવાજે પહોંચતા અચાનક અગ્નિ-પિંડ સામે આવીને સ્થિર થઇ ગયું. એ સમયે મહેલમાંથી સત્તાવાહી અવાજ સંભળાયો અને અગ્નિ પિંડ મહેલની પાછળ ગાયબ થઇ ગયો.

દરવાજો ઓળંગીને વિક્રમાદિત્ય અંદર ગયા. અગાઉના અવાજે એમનો પરિચય પૂછયો. સાથોસાથ ચેતવણી મળી કે સાચે સાચું જણાવજે નહીતર મારા શ્રાપથી રાખ કરી નાખીશ. સમ્રાટ ઓરડામાં પહોંચ્યા તો એક યોગી ઊભા થઇ ગયા. સમ્રાટે સ્વ-પરિચય આપ્યો કે હું ઉજજૈનનો રાજા વિક્રમાદિત્ય.

યોગીએ ખુદ ભાગ્યશાળી જાહેર કરતા કબૂલ્યું કે ક્યારેય વિક્રમાદિત્યને મળવાની આશા નહોતી. 
રાજાના માનસન્માન બાદ યોગીજીએ કંઇક માગવા કહ્યું. વિક્રમાદિત્યે તમામ સુખ-સુવિધા સાથે આ મહેલ માંગી લીધો. યોગી મહારાજ હસતા-હસતા બધુ સોંપીને રવાના થઇ ગયા.

ખૂબ ચાલ્યા બાદ યોગીને જંગલમાં એમના ગુરુ મળ્યા. આવા સમયે જંગલમાં ભટકવાનું કારણ પૂછતા તેમણે જવાબ આપ્યો કે મારો મહેલ મેં વિક્રમાદિત્યને દાનમાં આપી દીધો.

ગુરુજી હસી પડયા. પૃથ્વી પરના સૌથી મહાન દાનવીરને તું શું આપી શકવાનો? ગુરુએ માર્ગ બતાવ્યો કે બ્રાહ્મણના વેશમાં જઇને મહેલ માગીને મારી વાતની ચોકસાઇ કરી જો.

એ બ્રાહ્મણે રાજાની કુટિર પાસે આવીને આશ્રય માગ્યો. વિક્રમાદિત્યે રાજીખુશીથી આવકારીને કીધું કે આપને જે જોઇએ એ માગી શકો છો, રાખી શકો છે. બ્રાહ્મણે પેલો મહેલ માગી લીધો. વિક્રમાદિત્યે જવાબ આપ્યો કે એ મહેલ તો હું જેમ હતો તેમ જ છોડીને આવ્યો છું. હું તો માત્ર યોગીજીની કસોટી કરતો હતો.

પૂતળી કૌશલ્યાના કથન મુજબ વિક્રમાદિત્ય દેવતા જેવા ગુણોના સ્વામી હતા. પરંતુ મૃત્યુલોકમાં જન્મવાથી માનવી હતા. તેમણે દેહત્યાગ કર્યાં બાદ પૃથ્વી લોકમાં હાહાકાર મચી ગયો. એમની ચિતા પર દેવતાઓએ પુષ્પ વર્ષા કરી હતી.

વિક્રમાદિત્ય બાદ એમનાં પુત્રે રાજ્ય સંભાળ્યું પણ એ સિંહાસન બેસી શકતો નહોતો. અંતે વિક્રમાદિત્યે સપનામાં દેખા દઇને પુત્રને સલાહ આપી કે દેવતા જેવા ગુણો વિકસાવ્યા બાદ જ તું સિંહાસન પર બેસી શકીશ. તારા યશ અને પુણ્ય એટલા જમા થશે એટલે હુું જ ફરી સપનામાં  આવીને કહી જઇશ કે હવે સિંહાસનસ્થ થવાને લાયક છો.

પરંતુ એવું ક્યારેય ન બન્યું.
આખરે ઉજજૈનના વિદ્વાનોએ નક્કી કર્યું કે મહાપરાક્રમી વિક્રમાદિત્યના સિંહાસનને જમીનમાં દાટી દઇએ. એ સમયે વિક્રમાદિત્યે સપનામાં આવીને દીકરાને સંદેશો આપ્યો કે ભવિષ્યમાં સર્વગુણ સંપન્ન શાસક આવશે તો સિંહાસન ખુદ એનું થઇ જશે. પછી પુત્રે મજૂરો પાસે ખાડો ખોદાવીને મહાન શાસકના અનોખા સિંહાસનને ધરતીમાતાની ગોદમાં સમર્પિત કરી દીધું.
આ બધુ વાચવાનું ખૂબ રસપ્રદ છે.- અમરકથાઓ
————————————————-

જાણીએ ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય નો સંપુર્ણ પરિચય અને ઇતિહાસ.

ઈસ્વીસનનું કયું વર્ષ ચાલે છે એવું પૂછીએ તો ઘણાં આપણા પર ઉપહાસ કરે, પણ વિક્રમ સંવત કઈ ચાલે છે એ સવાલ પર મોટા ભાગનાની બોલતી બંધ. કેટલાક પ્રશ્નકર્તા જુનવાણી ખોપડી સમજી લે પણ પોતાના અજ્ઞાન પર વસવસો ન અનુભવે. મજા સાથે આઘાતની બે વાત છે.

૧. વિ. સં. આપણી પોતીકી ગણતરી છે.

૨. વિ. સં. તો ઈ.સ. કરતા જૂની છે.
છતાં ઈતિહાસને ભુલાવી જ દેવાની ગળથૂંથીએ એક ભવ્ય વારસા, ગૌરવપ્રદ અતીત અને ગર્વ કહી શકાય એવા મહાનાયક સમા વ્યક્તિત્વને વિસારે પાડી દીધું છે.

કોણ હતા વિક્રમાદિત્ય ?

પહેલા એ જોઈએ કે વિક્રમાદિત્ય કોણ હતા અને કેવા અદ્ભુત રાજવી હતા કે એમની પાછળ વિક્રમ સંવત શરૂ થઈ ?

પ્રાચીન કાળમાં સંપૂર્ણ ભારત પર રાજ કરનારા રાજાના નામ આગળ ચક્રવર્તી સમ્રાટના વિશેષણ ઉમેરાવાની પ્રથા. આપણા દેશનું નામ ભારત જેમના પરથી પડ્યું એ રાજા ભરત પહેલાવહેલા ચક્રવર્તી સમ્રાટ. આ જ રીતે ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્ય પણ ચક્રવર્તી શાસક.

એમનું મૂળ નામ વિક્રમ સેન. એમના ગંધર્વસેન પણ ચક્રવર્તી. તેઓ મહેન્દ્રાદિત્ય, ગર્દ ભિલ્લ અને ગર્દભવેષ જેવાં નામોથી ય ઓળખાતા. જે વિક્રમાદિત્યને કાલ્પનિક પાત્ર માનનારાઓને કહી શકાય કે આજે ય મધ્ય પ્રદેશના સોનકચ્છની આગળ ગંધર્વપુરીમાં રાજા ગંધર્વ સેનનું મંદિર છે.

આ ચક્રવર્તી શાસકને ઘણા પુત્રો. એમાંથી વિક્રમાદિત્ય, ભર્તૃહરી અને શંખના નામ મળે છે, દીકરીનું નામ મૌનવતી. ગંધર્વ સેનના પત્ની સૌમ્યાદર્શના, જે મદનરેખા અને વીરમતી પણ કહેવાતા.
વિક્રમાદિત્યને પાંચ રાણી. પદ્મિની, મલાયવતી, મદનલેખા, ચિલ્લમહાદેવી અને ચેલ્લ. બે દીકરા વિક્રમચરિત અને વિનયપાલ, બે દીકરીઓ વસુંધરા અને વિદ્યોત્તામા. ઈતિહાસમાં એક પ્રિય ભાણિયાનું નામ મળે છે: ગોપીચંદ. ખાસ મિત્ર ભટ્ટ. સેનાપતિ વિક્રમશક્તિ અને ચંદ્ર. રાજપુરોહિત ત્રિવિક્રમ અને વસુમિત્ર. પ્રધાન બહસિંધુ અને ભટ્ટી.

૧૮ મુખ્ય પુરાણોમાંના એક એવા ‘ભવિષ્ય પુરાણ’માં વેદ વ્યાસજીની નોંધ મુજબ કળિયુગના ત્રણ હજાર વર્ષ વીતી ગયા બાદ ઈ.સ. પૂર્વે ૧૦૧માં વિક્રમાદિત્યનો જન્મ અને એમણે રાજ કર્યુ પૂરાં ૧૦૦ વર્ષ.

ભારતની પ્રાચીનતમ નગરીઓમાંની એક એવી ઉજ્જયિની (ઉજ્જૈન)ના રાજ સિંહાસન પર બિરાજમાન થઈને માત્ર યુદ્ધ લડવા, પ્રદેશો જીતવાનું કામ ન કર્યુ, પણ સામાન્ય પ્રજાના સુખ અને કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહ્યા. આમજનતાના સંકટ-મુશ્કેલી જાણવા માટે તેઓ વેશપલટો કરીને નીકળતા હતા. અમરકથાઓ

ઈતિહાસના સૌથી પ્રજાપ્રિય અને ન્યાયપ્રિય રાજાઓમાં એક ગણાતા વિક્રમાદિત્યે પોતાના રાજમાં પ્રજાહિતમાં તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે કોઈ કચાશ ન છોડી. વીરતા સાથે ઉદારતા, વિદ્વતા અને દૂરંદેશીતાનો સુભગ સમન્વય. કોઈ માણસ એકલેપંડે કંઈ ન કરી શકે એટલે તેમણે દરબારમાં નવરત્ન રાખ્યા હતા, જે પરંપરા ખુદ અકબરે અનુસરવી પડી.

વિક્રમાદિત્યનાં દરબારનાં નવરત્નો કોણ હતા ?

વિક્રમાદિત્યનાં દરબારનાં નવરત્નો
વિક્રમાદિત્યનાં દરબારનાં નવરત્નો

વિક્રમાદિત્યના નવરત્નમાં પ્રકાંડ વિદ્વાન, વિજ્ઞાનના વિશેષજ્ઞ, ગણિતના નિષ્ણાત અને શ્રેષ્ઠતમ કવિ સહિતના મહાનુભાવો હતા.
🔹ધન્વંતરિ,
🔹ક્ષપણક,
🔹શંકુ,
🔹વેતાળ ભટ્ટ,
🔹અમરસિંહ,
🔹વરરુચિ,
🔹ઘટખર્પર,
🔹વારાહમિહિર અને
🔹કાલીદાસ.

પરાક્રમ, વીરતા અને રાષ્ટ્રાભિમાનથી નસનસ ફાટે. વિદેશી આક્રમણખોર શકને મારી હટાવ્યા.

વિક્રમ સંવત ની શરુઆત કેવી રીતે થઇ ?

સમ્રાટ વિક્રમાદિત્ય
સમ્રાટ વિક્રમાદિત્ય

હકીકતમાં વિક્રમાદિત્યના ભાઈ ભર્તૃહરિ માલવામાં રાજ કરે. એમના સમય અને રાજ્યમાં શકના હુમલા વધવા માંડ્યા હતા. આ ભર્તૃહરિ રાજપાટ છોડીને વૈરાગ્યને પંથે નીકળી પડ્યા. ત્યારે વિક્રમાદિત્યે શાસનની ધૂરા સંભાળી. તેમણે ઈ.સ. પૂર્વે ૫૭-૫૮માં સૌથી પ્રથમ શક હુમલાખોરોને પોતાની સીમામાંથી બહાર તગેડી મૂક્યા. આની સ્મૃતિમાં વિક્રમ સંવતના શ્રીગણેશ થયા.

સમ્રાટ વિક્રમાદિત્યે માત્ર પોતાના રાજ્યનું રક્ષણ નહોતું કર્યુ, તેમણે આક્રમણ વલણ સુધ્ધાં અપનાવ્યું. ચૂપચાપ રાજ્ય કરો અને શાંતિ-સમૃદ્ધિ દેખાય તો પાડોશી રાજાને ઈર્ષા થાય, લાલચ જાગે. એટલે વિદેશીઓને ભારતથી શક્ય એટલા દૂર રાખવા તેઓ સદૈવ તૈયાર રહેતા. આ દિશામાં એક વ્યાપક અભિયાન ચલાવવાના વ્યૂહાત્મક નિર્ણય લીધો. આના સફળ અમલ માટે સૌથી પહેલા લશ્કરનું પુન:ગઠન કર્યુ.

સમયાંતરે સમ્રાટ વિક્રમાદિત્યનું લશ્કર વિશ્વભરમાં સૌથી વધુ શક્તિશાળી સેના બની ગયું. વિક્રમાદિત્યના નરબંકાઓએ ભારતના ખૂણે ખૂણે પહોંચીને પરદેશીઓને હાંકી મૂક્યા, તે અત્યાચારી શાસકોને ભૂ પીતા કરીને સમગ્ર દેશને એક છત્ર હેઠળ લાવ્યા.
એમની લોકપ્રિયતા અને વિશ્વસનીયતાના થોકબંધ ઉદાહરણ ઉપલબ્ધ છે.

કાશ્મીરના અંધ્ર (આંધ્ર નહિ) રાજ્યમાં અલગ પ્રકારની ઉપાધિએ ઉપાડો લીધો હતો. યુધિષ્ઠિરના વંશજ રાજા હિરણ્યનું દેહાવસાન નિ:સંતાન અવસ્થામાં થયું. આને પગલે અરાજકતા વધવા માંડી. રાજ્યના શાણા આગેવાનો અને પ્રધાનોએ રાજા વિક્રમાદિત્યને સંદેશો મોકલ્યો. તેમણે રાજ્યમાં શાંતિ અને સુશાસન સ્થાપવા માટે માતૃગુપ્તને રવાના કર્યા હતા.

નેપાળનો ઈતિહાસ ઉખેળીએ તો રાજા અંશુવસેનના શાસનકાળમાં વિક્રમાદિત્યની નેપાળ મુલાકાતનો ઉલ્લેખ મળી આવે છે.      

વિક્રમાદિત્યનાં સમય વિશે વિદ્વાનોનાં મત

ઘણાં વિક્રમાદિત્યના અસ્તિત્વ વિશે શંકા કરે છે. કેટલાંક ઈતિહાસમાં એકથી વધુ વિક્રમાદિત્યની હાજરીથી મુંઝાય છે, પરંતુ રાજા વિક્રમાદિત્યનો વ્યવસ્થિત ઉલ્લેખ સંસ્કૃત, અર્ધમાગધી અને પ્રાકૃત જેવી પ્રાચીન ભાષાઓ ઉપરાંત ગુજરાતી, હિન્દી, મરાઠી અને બંગાળી ભાષાના ગ્રંથોમાં થયેલો છે.

વિક્રમ સંવતનો પુરાવો ‘જ્યોતિર્વિદાભરણ’ ગ્રંથમાં મળે છે. ૩૦૬૮ કળિ અર્થાત્ ઈશુના ૨૪ વર્ષ પૂર્વે લખાયેલા આ ગ્રંથ મુજબ ઈ.સ. પૂર્વે ૫૭થી વિક્રમ સંવતનું ચલણ શરૂ થયું હતું.

તુર્કીના પાટનગર ઈસ્તંબુલ સ્થિત જગપ્રસિદ્ધ પુસ્તકાલય મકતબ-એ-સુલ્તાનિયામાં અરબી કવિ જરહામ કિનતોઈ લિખિત એક ઐતિહાસિક ગ્રંથ છે ‘સાયર-ઉલ-ઓકુલ’ મૌજુદ છે. એમાં રાજા વિક્રમાદિત્ય સંબંધિત શિલાલેખનો ઉલ્લેખ જાણવા જેવો છે: ‘એ લોકો નસીબવંતા છે જેઓ એ સમયે જન્મ્યા અને રાજા વિક્રમાદિત્યના રાજ્યમાં જીવન વીતાવ્યું. તેઓ બહુ જ દયાળુ, ઉદાર અને કર્તવ્યનિષ્ઠ રાજા હતા, જે દરેક વ્યક્તિના કલ્યાણ વિશે વિચારતા હતા.

ઐતિહાસિક ઉલ્લેખ મુજબ આ સમ્રાટે માત્ર ભારતીય ઉપખંડમાં જ નહિ ઈરાન, ઈરાક અને આરબ જગત સુધી રાજ્ય વિસ્તાર્યું હતું. જરહામ કિનતોઈએ તેમના આરબ પ્રાંત પરના વિજયનું વર્ણન કર્યું છે. અન્ય ગ્રંથો આને પુરાણોમાં ઉલ્લેખ મુજબ એક સમયે ઈજિપ્ત પણ એમને આધિન હતું. કહી શકાય કે આખી પૃથ્વીના લોકો એમને જાણતા હતા. એમનું લશ્કર ધરતી પર સૌથી શક્તિશાળી ગણાતું હતું.

‘વેતાળ પચ્ચીસી’ અને ‘સિંહાસન બત્તીસી’ સહિતની લોકકથાઓમાં વિક્રમાદિત્ય છે. આ જાગતિક શાસકનું પાટનગર ઉજ્જૈન, પાટલીપુત્ર દર્શાવાય છે. કૈલાશચંદ અને રજબઅલી પાંડે જેવા વિદ્વાનો પણ કબૂલે છે કે વિક્રમાદિત્ય ઉજ્જૈન સ્થિત માલવા રાજા હતા, જે ઈ.સ. પૂર્વેની પહેલી સદીમાં થઈ ગયા. ચંદ્રગુપ્ત બીજાએ શક હુમલાખોરોને પરાસ્ત કર્યા બાદ પોતાના નામ આગળ વિક્રમાદિત્ય ઉમેર્યું હતું.
આ થિયરીનો વિરોધ કરનારાઓની દલીલ છે કે ગુપ્ત યુગમાં લખાયેલા બે ગ્રંથ ‘બૃહદકથા’ અને ‘ગાથા સપ્તષ્ટી’માંય વિક્રમાદિત્યનો ઉલ્લેખ મળે છે.

વિક્રમાદિત્ય કોઈ સંજોગોમાં ચંદ્રગુપ્ત દ્વિતીય ન હોઈ શકે, કારણ કે એમનું પાટનગર ઉજ્જૈન નહિ, પાટલીપુત્ર હતું. એક તર્ક એવોય મુકાય છે કે વિક્રમ સંવતની પહેલી સદી સાથે સંકળાયેલી વિક્રમાદિત્ય નામની દંતકથામાં ચંદ્રગુપ્ત દ્વિતીય સહિતના ઘણાં વિક્રમાદિત્યની વાતો-હકીકતોની ભેળસેળ થઈ ગઈ છે.

આ થિયરીના વિરોધીઓ દાવો કરે છે કે અમુક પ્રાચીન ગ્રંથ સાથે ખૂબ ચેડાં થયાં છે. કાપકૂપ અને ઉમેરા થયા છે. આરંભિક જૈન ગ્રંથોમાં વિક્રમાદિત્યનો ઉલ્લેખ ન હોવાને મહત્ત્વનું ગણાય છે. એમની સરકારમાં નવરત્નો હોવાના કોઈ ઐતિહાસિક આધાર મળતો નથી.

વિક્રમાદિત્ય નામની દંતકથા આસપાસનું આભામંડળ વિરોધાભાસી છે, ફેન્ટેસીની નિકટ છે અને ઐતિહાસિક તથ્યોમાં વિસંગતિ છે. હકીકતમાં વિક્રમાદિત્ય નામ કે ટાઈટલ ધરાવતા કોઈ રાજા હોવાના આંકડાકીય, સાહિત્યિક કે ઐતિહાસિક તથ્ય સ્વીકારવા લાયક નથી. ગુપ્ત યુગના ઘણાં શાસકોએ વિક્રમાદિત્યના ટાઈટલ પોતમેળે અપનાવી લીધા હતા.

વિચિત્ર બાબત એ છે કે આ બધા આજે ય ઈસ્તંબુલમાં સચવાયેલા ગ્રંથને કેમ ભૂલાવી દે છે. એક પરદેશી કવિ શા માટે ભારતીય સમ્રાટના ગુણગાન ગાય? કે આરબ જગત પર એના વિજયનું વર્ણન કરે? આ ગ્રંથની સદંતર અવગણના તો ઈરાદાપૂર્વકનો અન્યાય જ ગણાય.- અમરકથાઓ
અલબત્ત, ગુપ્તકાળ પૂર્વેના કેટલાંક ગ્રંથમાં વિક્રમાદિત્યનો ઉલ્લેખ છે જ.

વધુ ખાંખાખોળા કરતા શક વિજેતા ગણનાયક મહારાજ વિક્રમાદિત્યના પાંચ નામેરી સામે આવે છે.

(૧) વિક્રમ સંવતના પ્રણેતા, પ્રતિષ્ઠાતા

(૨) ગુપ્તવેશી મહારાજ રામગુપ્તના નાનાભાઇ જેઓ ગુપ્તવંશીય સન ૩૭૫થી ૪૧૪ વચ્ચે થઇ ગયા. આ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના કાળમાં કવિ કાલિદાસ થઇ ગયા

(૩) સ્કંધગુપ્ત વિક્રમાદિત્ય જેના દિગ્વિજય પરથી કાલિદાસને ‘રઘુ-દિગ્વિજય’ રચવાની પ્રેરણા મળી.

(૪) માલવ સમ્રાટ યશોવર્મન પણ વિક્રમાદિત્ય તરીકે ઓળખાતા

(૫) હાલના રાજસ્થાનના રેવાડીના વણિક શાસક હેમચંદ્ર વિક્રમાદિત્ય તરીકે ઓળખાતા. જેમને અકબરે ૧૫૨૬માં હરાવ્યા.

છઠ્ઠી સદીના લખાણમાં વિક્રમાદિત્યની સબળ, નિર્વિવાદ હાજરી છે. પરમાર્થ લખિત વાસુબંધુ (૩૯૯-૫૬૯)ના જીવનચરિત્રમાં અને સુબંધુના ‘વાસવદત્તા’ આના પુરાવા છે, પરંતુ પરમાર્થના લખાણમાં રાજા વિક્રમાદિત્યની રાજધાની અયોધ્યા દર્શાવાઈ છે. મોડેથી લખાયેલા ઘણાં જૈન ગ્રંથો વિક્રમાદિત્યની હાજરી છે જ. આમાં મેરુતુંગના ‘પ્રબંધ-ચિંતામણિ’, પ્રભચંદ્રના ‘પ્રભાવક ચરિત’, સોમપ્રભના ‘કુમાર પળ પ્રતિબોધ’, જીનપ્રભસુરીના ‘વિવિધ તિર્થ કલ્પ’, રાજશેખરના ‘પ્રબંધ કોષ’, દેવમૂર્તિના ‘વિક્રમ ચરિત્ર’ ઉપરાંતના ગ્રંથોનો સમાવેશ થાય છે.

સૌથી મોટી હકીકત એ છે કે ઈસ્વીસન પૂર્વેથી વિક્રમ સંવત ચાલતી આવે છે. ઈતિહાસ ભૂલાઈ ગયો હોય, ચેડાં થયા હોય કે ભેળસેળ પણ વિક્રમ સંવતને કેવી રીતે નકારી શકાય?

વિક્રમ સંવતના યશસ્વી નિમિત્ત બનનારા વિક્રમાદિત્યની કથાઓથી આપણું લોકસાહિત્ય ઉભરાય છે. લોકકથા કહો કે દંતકથા, વિક્રમ ઠેરઠેર મળે છે.

✍ ઈતિહાસ પાછળનો ઈતિહાસ – પ્રફુલ શાહ, સંકલન – અમરકથાઓ

विक्रम बेताल की कहानि
विक्रम बेताल की कहानि

આ પણ વાંચો 👉 રાજા ભરથરી

વીર વિક્રમ અને વેતાલ, સિંહાસન બત્રીસી, બત્રીસ પૂતળીની વાર્તાઓ pdf book, vikram or betal.

1 thought on “ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય નો સંપુર્ણ ઇતિહાસ”

  1. Pingback: ગોવિંદનું ખેતર ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *