Skip to content

છકડો પાઠ ધોરણ 10

છકડો પાઠ ધોરણ 10
17543 Views

ગિલાનો છકડો પાઠ ધોરણ 10 માં આવતી આ વાર્તા આજે પણ ભુતકાળમાં પહોચાડી દેશે. જાંબાળા, ખોપાળા, તગડી અને ભડી…. Gujarati Best story – Chhakado Jayantilal Gohel.

છકડો વાર્તા – જયંતિલાલ ગોહેલ

હવે ગામ તો ગિલાને ગિલા તરીકે ઓળખતું જ નહિ ; છકડો જ કહે.
છકડો કહે એટલે ગિલો સમજાય, ને ગિલો છકડાને છકડો નાં સમજે,
ક્યા ચલ ચોઘડિયે ગિલાએ છકડાનું હેન્ડલ પકડયુ , તે બેઠો નથી ને ……
જાંબાળા … ખોપાળા … તગડી .. ને ભડી .. ને ભાવનગર. એમાં હવે ભડી તો ગણાય એમ જ ક્યાં રહી છે ‘

બેઠલા નાળા લગી ભાવનગર લંબાઈ ગયું છે. ભડી ફરતે સોસાયટીનાં મકાનો ઊગી ગ્યાં છે. બેઠલું નાળુ આવે ને આવે જકાતનાકું. જકાતનાકું આવ્યું કે આવ્યું ભાવનગર.
ગિલાનો છકડો છૂટે ને . જાંબાળા … ખોપાળા … તગડી … ને ભડી … ( એમાં હવે ભડી તો ગણવી જ શું કામ ? )

એમાં ગિલાને તો આમેય વચલા ગામ દેખાતાં જ નહિ. છકડો છૂટે ને આંખો ઉઘાડો ત્યાં ભાવનગરનું જકાતનાકું. જકાતનાકે ઊભી જાવાનું. ડંડાવાળા માલીપા નૉ જાવા દે. નિયમ જ કરી નાખેલો. ચાહે તે ગવંડરનો દીકરો હોય, છકડો જકાતનાકે જ ઊભો રહી જાય. ઊપડે પછી ઊભો નાં રહે.
જાંબાળા … ખોપાળા .. તગડી ને ભડી ( એમાં ભડી તો ક્યાં ગણવાની ! ) આવ્યુ જકાતનાકું. છકડો જીવતું પ્રાણી બની ગયેલો.

ઠેકાણે આવીને ઘોડો ઊભો રહે એમ બેઠલું નાળું વટે કે ખીલો થઈ જાય. વચમાં ભલે જાંબાળા … ખોપાળા … તગડીનાં પાદર વીંધીને સડક દોડતી હોય, ક્યારેક ભલે કોક હાથ ઊંચો કરે. એ જાય ! રાખો , રાખો , મારે ભાવનગર … ’ પણ સાંભળે ઈ બીજા. વેગ થંભાવે ઈ બીજા, છકડો નહિ , ઈ તો ઊપડ્યો નથી , ને
જાંબાળા … ખોપાળા … તગડી … ને ( ભડી તો ક્યાં ગણવાની ! ) બેઠલું નાળું વટીને જકાતનાકે ખીલો ! જીવતું પ્રાણી જ જોઈ લ્યો,


એટલે તો ગિલો છકડાને છકડો નાં સમજે એની હારે વાતું કરે ; એને ધમારે , સાફસૂફ કરે ; ઝીણી ઝીણી વાતે , મા બાળકના કાન સાફ કરે એમ , ચકચકાવે , શણગારે , તે પછી છકડા તો ઘણા થયા , પણ ગિલાના છકડા તોલે કોઈ નાં આવે , છકડો તો ગિલાનો , ને ગિલો છકડાનો . કયા ચલ ચોઘડિયે ગિલાએ છકડા પર હાથ મૂક્યો કે પછી છકડો છકડો રહ્યો જ નહિ . છકડો સડક થઈ ગ્યો.
છકડો પવનપંથો ઘોડો થઈ ગ્યો , છકડો પાણીપંથો પ્રાણી થઈ ગ્યો ,
તે જાંબાળા … ખોપાળા … તગડી … ને ભડી … ને ( ભડી . તો … ! )

કયા ચલ ચોધડિયે ગિલાને વિચાર ઝબક્યો કે છકડો લઉં તો કેમ ? આમ ને આમ કાકાના કાનાના આ કેરિયરમાં મજૂરી કરીને તૂટી જઈશ તો ય ખાટલા વચાળ ને ખાટલા વચાળ રહીશ. એના કરતાં છકડો લીધો હોય તો કેમ ? લાઈન તો હાથવગી છે જ , કાનાનું કેરિયર રાતે બાર વાગે બકાલું ભરીને ઊપડે છે . વચમાં પાંચ ગામનું બકાલું ભરતું ભરતું ચારેક વાગે માર્કેટયાર્ડ પહોંચે છે .

વળતાં ભાવનગરથી જે ભાડું મળે એ લઈને પાછું આવે છે , આ એક ફેરામાં એનું ગાડું ઓહો દોડે છે . એમાં ને એમાં કાનાએ એની પડખોપડખનું ટીંઢોરનું મકાન પાડીને ચૂનાબંધ પાકું મકાન ચણાવ્યું . બેયનો એક કરો મજમ , તે એનોય એ કરો પાકો થઈ ગયો . તે એનો ડોહો રાતદિ ‘ એ કરાને ટીકી ટીકીને જોવે . ભાયુંભાયુંમાં એવું તો હોય જ ને ; આને કેવું – મારે કેવું ! એનો દીકરો કેવો પાટે ચડી ગયો અને મારો …

તે કયા ચલ ચોઘડિયે ગિલાએ નક્કી કર્યું ને ડોહાને વાત કરી . ને ડોહાએ જૂના પટારાને તળિયેથી ચીથરાં વીટેલી એક પોટકી કાઢી , ડોશી મરી ત્યારે એના કાન-નાકમાંથી ઉતારી લીધેલાં ત્રણ નંગ હતાં , જે સે ઈ આ સે . ‘ કહીને ડોહા ગિલા સામું જોઈ રહ્યા , ગિલાના દેવ જાગી ગયેલા , ઊંધું ઘાલીને ઊપડ્યો ભાવનગર , થોડાંક નાણાં આપ્યાં ને બાકીના હપ્તા નક્કી કરી નાખ્યા ; ને છકડો ઊભો રાખ્યો પાદર માં , લાઈન તો હાથવગી હતી જ , કાંઈ નહિ તો ભળકડે બકાલાનો ફેરો તો નક્કી . કાનાનું કેરિયર અડધી રાતે ઊપડે . મોડા પડનારા કોક કોક રહી જ જાય , એ લોકોને માથેથી કોઈ વાહન આવે તો મેળ પડે , એવાનો કાયમી ફેરો નક્કી . કાનાનું કેરિયર તો પાંચ પાંચ ગામેથી બકાલું ભરીને ક્યારેય માર્કેટ યાર્ડ પૂગે . જ્યારે છકડો તો ઊપડ્યો નથી , ને……

જાંબાળા … ખોપાળા .. તગડી ને ભડી . ( એમાં …. ) ને ભાવનગર , ઊપડવા ભેગો જકાતનાકે , ને જકાતનાકું આવ્યું કે આવ્યુ માર્કેટ યાર્ડ , બકાલાવાળાને ફાવી ‘ ગ્યું . બકાલાવાળાને ફાવી ગ્યું એમ પેસેન્જરોનેય ફાવી ‘ ગ્યું . બસના ભાવેભાવ ભાવનગર ભેળાં , બસ તો ગામેગામ ઊભી રહેતી જાય . કોઈ ગામે ડ્રાઈવરને ચાની અડાળી લગાવવાનું મન થાય તો પાંચ-પંદર મિનિટ વધુ ખોટી થાય . છકડામાં તો એવી કોઈ ડખામારી જ નહિ ; ઊપડ્યો નથી ને
જાંબાળા … ખોપાળા … તગડી … ને ભડી … ને જકાતનાકું .

શહેરમાં હટાણું પતાવીને માણસ ડેપોએ આવે , બસ વહેલીમોડી હોય તો પડતપે શેકાવાનું . એના કરતાં બે ડગલાં હાલી નાખે તો જકાતનાકે પૂગી જાય . જકાતનાકે તો છકડો મળી જ રહે , બેઠાં નથી ને ગામને પાદર ઊતર્યા નથી ! એટલે જાત – વળતના ભાડાની ઝંઝટ જ નાં રહી . ગામ ગિલાને જાણી ગયું . ચ્હાય તે ટાઢ હોય કે ચ્હાય તે તડકો હોય , વીસમી મિનિટે છકડો જકાતનાકે , ને વીસમી મિનિટે ગામને પાદર , બસ તો ક્યારેક ક્યારેક કલાક – દોઢ કલાક કરે . ડ્રાઈવરે આણીપાનો હોય તો બસ એમનેમ પડી રહેવા દઈને ઘરે આંટો મારી આવે . શું કરીએ , ધણીનો કોઈ ધણી છે ! જ્યારે ગિલાનું એવું નહિ , એ તો આવ્યા ભેગો ઊપડે . બે પેસેન્જર ઓછાં હોય તોય હાંકી મૂકે,


તે જાંબાળા … ખોપાળા … તગડી … ને ભડી …. ( એમાં ભડી તો …. ) મલક ગિલાને જાણે , ગિલો છકડાને જાણે , ને છકડો સડકને જાણે. તે હવે તો ગિલાનો હાથ હેન્ડલે ઉપર હોય કે નાં હોય , છકડો તો રોકેટ જેમ ઊડતો જાતો હોય . આઘેથી ભાળે એ ય વરતી જાય કે ગિલાનો છકડો લાગે છે ! એક જ ચાલે . એક જ રમરમાટી . ઊપડ્યો નથી ને…..
જાંબાળા … ખોપાળા … તગડી .. ને …

તે થોડા દિ’માં ગિલાના ડોહાના ગોઠણ છૂટા થઈ ગ્યા . ડોશી ગઈ પછી ડોહો ગોઠણ વાળીને બેસી રહેતો . આમેય આખી જિંદગી કાંઈ કામ કરેલું નહિ , મોસમમાં વાડીખેતરમાં કામ કરે , ને બાર મહિનાનો બાજરો ઘરભેગો કરે . બાકી ગોઠણ વાળીને બેસી રહે , ને હોકલી તાણ્યા કરે , બહુ બહુ તો એક બકરું , તે ઘડીક વાર એને પાદરની વાડિયુંના વાડવેલા બતાડી આવે. આખી જિંદગી રોકડો પૈસો જોયેલો નહિ. એમાં ગિલો રાત પડ્યે ગંજવું ઠાલવવા માંડ્યો , ને ડોહાના ગોઠણ છૂટા થઈ ગયા. ડોશી ગઈ પછી ગિલો રાતદિ ‘ કાનાના કેરિયરમાં મજૂરી કરે , ને રોટલોય એમાં જ ખાઈ લે ; ડોહા ઘડવો હોય તો એકાદ રોટલો ટીપી નાખે , નહીંતર હરિ ઇચ્છા , ગોઠણ વાળીને બેસી રહે ને હોકલી તાણ્યાં કરે . તે કેડ બેવડ વળી ગયેલી , ચાલે તોય કાટખૂણે . ટીંઢોરનું એક ઢાળિયું મકાન પડતર થઈ ગયેલું. ઘરમાં હાંડલાં હડિયું કરે. ફળિયામાં બકરી હરફર કરે , ને ક્યારેક બેં… બેંએં …કરે એ સિવાય કાંઈ હરફ નૉ નીકળે. સમશાન જ જોઈ લ્યો.

એમાં ગિલો રાત પડ્યે ગંજવું ઠાલવવા માંડ્યો , ને ડોહાના ગોઠણ છૂટા થઈ ગયા , કેડ સીધી થઈ ગઈ , સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો . આમ ગિલાનો છકડો … જાંબાળા … ખોપાળા … તગડી … ને ભડી , ને ભાવનગર , આમ ડોહાના દેવ જાગી ગ્યા , તે પગ વાળીને બેસે એ બીજા . આણી કોર છકડાના હપ્તા ભરાય , ને માણી કોર ડોહાને નવા નવા ઉંકરાટા ઊપડે. તે પરથમ પહેલાં તો ઘરની તાસીર ફેરવી નાખી . ત્રણે પડખાં પાકાં કરાવીને કાના જેવું ચૂનાબંધ મકાન કરાવ્યું. ને ડેલીની ખડકીનેય કલર કરાવ્યો , તે એના ચહેરેય રંગ ઊઘડ્યો , ને પાંચ માણસ સંગાથે વાતું કરતો થયો . કાનાના ઘરમાં આવાં ઠામવાસણ છે , તો આપડેય લઈ ખાવો . કાનાના ઘરમાં આવી ચીજ વસ્તુ છે , તો આપડેય હોવી જોઈએ , કાનોભાય આમ કરે છે , તો આપડેય … તે બેત્રણ વરસ ક્યાં ઊડી ગ્યા એની હરવર નાં રહી ;

ને ડોહો નાતગતમાં પુછાવા માંડયો , આખી જિંદગી બે લૂગડાં ય એકસાથે નવાં શીવડાવેલાં નહિ . હવે કોરાં લૂગડે ગામતરાં કરવા માંડ્યો . તે ગિલાના સંબંધની વાત મૂકી તંયે એક કહેતાં એકવીશ કન્યાના બાપનાં કહેણ આવ્યાં . ડોહાએ અપશરા જેવી કન્યાના બાપના હાથમાં બે રૂપિયા મૂક્યા . આ સંધુ છકડાની રમરમાટી માથે તાગડધિન્ના , આમ ગિલાના દેવ જાગી ગયેલા , તે છકડા સિવાય બીજી વાત નહિ .
જાંબાળા … ખોપાળા … તગડી … ને ભડી … ને ભાવનગર …
જાંબાળા … ખોપાળા … તગડી , ને ભડી … ( એમાં ભડી તો હવે … )

ગિલાનું જોઈ જોઈને ગામમાં બીજા છકડા થયેલા , પણ ગિલાની તોલે કોઈ નાં આવે . બીજા તો ઝાઝા ફેરા થઈ જાય તો હાંફીને બેસી જાય ; ગિલો ધરાય નહિ , થાકે એ બીજા , એ તો એકધારો … જાંબાળા … ખોપાળા … તગડી … ને ભડી … ને ( એમાં … ) ને , ગિલો રાતદિ ‘ પગ વાળીને બેઠો એવું જોયું નથી . સાંજ ની છેલ્લી બસ ભાવનગરથી નીકળી જાય , ને રડ્યુખડ્યું માણસ ભાવનગરની બજારમાં અટવાઈ ગયું હોય એને ય છેલ્લે છેલ્લે છકડો તો મળી જ જાય . તે છકડાનો છેલ્લો ફેરો થંભે ત્યારે પાદર પણ નિર્જન હોય . સડક પણ પડખું ફરીને સુઈ ગઈ હોય . પણ ગિલો જંપે નહિ . અડધી રાતે કોઈને ભાવનગર દવાખાને લઈ જાવાનું થાય તો ગિલો ખડે પગે હોય , ક્યારેય કોઈને ય ના નહિ .

તે લગન પછી ઢીલાશ આવશે એમ કોકને કોકને થાતું’તું . એની ધારણા ય ખોટી પડી . કારણ કે ગિલા કરતાં વહુ માથાની નીકળી . વટનો કટકો , વહુનેય એવું ખરું કે આપડો વટ પડવો જોવે . ગિલાની જાન આવી ત્યારે શેરીમાં પહેલવહેલા ફટાકડા ફૂટ્યા , ને ડોશીઓનાં બોખાં મોં ફાટી રિયાં , એમ વહુ પહેલવહેલાં ઈસ્ટીલનું બેડું લઈને પાણી નીકળી ત્યારે શેરીની આંખો ફાટી રહેલી . સંધી વાતે વટ પડવો જોવે . વહુનેય એવું ખરું . એટલે અડધી રાતે કોઈ સાદ પાડે કે ‘ ગિલાભાય ! ભાવનગર જાવું જોહે . ‘ તો ગિલો હડફ બેઠો થઈ જાય , ને વહુ ઊંકારો નૉ કરે એ સમજે કે આ સંધા તાગડધિન્ના છકડા માથે છે . છકડો દોડતો રહે છે , તો નસીબ દોડતું રહે છે , તો વટ પડતો રહે છે , તો બે પાંદડે છીએ , તો મન થાય ઈ ચીજ વસ્તુ હાજરાહજૂર હોય છે , તો કોઈ વાતે કમીના નથી . આમ છકડો ચાલે … જાંબાળા … ખોપાળા … તગડી .. ને … ને

આમ , ગિલાના ઘરમાં ચાકળા ચોડેલી ઓસરીમાં ઈસ્ટીલની બે ખુરશી મુકાણી .. ડોહા એની ઉપર બેસીને હોકલી તાણે . આમ છકડો ચાલે … આમ , ઓસરીના ગોખલામાં ટેપ મુકાણું . ડોહા ટેપ ચાલુ કરીને બેસે . મન થાય તો મોરારિબાપુની કથા મૂકે , ને મન થાય તો કવિ કાગની વારતા મૂકે . કાનાના ફળિયા લગી રાગડા ફેલાય એમ મોટેથી મૂકે ને મનોમન હરખાતો જાય.


એક વખતનું સમશાન જેવું ઘર રાતદિ ‘ ધમધમતું થઈ ગયું . ડોહે નવો અવતાર જીવવા માંડ્યો . એક વખતે ક્યારેક બકરીનો બેંકારો થાતો તો એટલું જ ; આજ ચોવીસ કલાક ધમધમાટી થઈ રહી . રેડિયો કે ટેપ ચાલુ હોય ત્યારે તો શેરીનું માણસ જ નહિ , આખું મલક હાજરાહજૂર હોય એવું લાગે એમાં ગામમાં ટી.વી. પહેલપહેલાં જગાભાઈ સોની લઈ આવ્યા , ગામ જોવા ઊમટેલું . પછી તો બે વાણિયાની ઓસરીમાં ને પાંચ કણબીની ઓસરીમાં આ તાગડધિન્નો ચાલુ થયા ; ત્યાં સુધી તો ડોહાના મનમાં નહિ . પણ એક દિવસ કાનોભાય એનું કેરિયર શેરીમાં લઈ આવ્યા ને બે માણસોએ જાળવીને એક ખોખું હેઠે ઉતારીને ઓસરીમાં મૂક્યું એ ડોહા ટીકી ટીકીને જોઈ રહ્યા . રાત પડીને શેરીની ચારપાંચ બાયું છોકરો વળગાડીને કાનાની ખડકીમાં ગઈ એય ડોહા ટીકી ટીકીને જોઈ રહ્યા , પોતાનું ટેપ બંધ કરીને ખુરશીમાં ગોઠણ વાળીને બેઠા ને મૂંગા મૂંગા હોકલી તાણવા લાગ્યા. અમર_કથાઓ

બે દિવસ ડોહા મૂંગા રહે , તો ગિલાના કાન બેઠા થયા વિના નાં રહે . ત્રીજે દિ ‘ એ વાતનો ફોડ પડે સાંજ પડ્યે વસ્તુ હાજર હોય . આ વખતે વાત જરાક વેંતબા” રી હતી . પણ ગિલો જેનું નામ . થોભલાય તો ગિલો નહિ , કોઈપણ વાતે સોંસરવા નીકળી જાવું એ ગિલાનું નામ.


તે થોડાક પૈસા રોકડા , ને બાકીના હપ્તા નક્કી કરીને ત્રીજે દિ’એ છકડો ઊભો રાખ્યો ખડકી મોર . મોટું ખોખું જોઈને કો’કે પૂછ્યું તો કીધું , ‘ કલર ટીવી સે … ‘ વટ પડવો જોવે ; અને કાના કરતાં તો ખાસ . એટલે ડોહાને સમજણ પાડતાં બોલ્યો , ‘ એક જગાભાયને જ આવું સે , ને બીજું આપડે . બીજામાં કલર નાં આવે અને બીજાને એક જ ટીવી આવે ; આમ , ચાંપુ દબાવતાં જાવ એમ એમ સ્ટેશન ફરતાં જાય . અને , રાત પડ્યે ભાવનગરના લોકલ સમાચાર આવે ઇ વધારામાં . ‘ ડોહા અને બીજા સાંભળી રહ્યા ને અચંબો પામી રહ્યા . ખરેખરો અચંબો નજરે જોયું ત્યારે થયો . રાતે નવ વાગે લોકલ સમાચાર શરૂ થયા . એક છોકરો ભાવનગરમાં આખા દિવસમાં જે જે બનાવ બન્યા હોય એ બોલતો જાય ને નજરોનજર બતાવતો જાય સભા – સરઘસમાં ને એવી વાતોમાં ડોહાને બહુ રસ નૉ પડે. પણ ભાવનગર નજર સામે દેખાય એમાં મજા પડે .

તે બપોરે ધરમશીની વહુ દાઝી ગયેલી , તરત કરી ભાવનગર મોટા દવાખાના ભેળી . એ અત્યારે નજરો નજર જોઈ . ધમાની વહુ દેખાડી , દાક્તરોની હડિયાપાટી દેખાડી , બહાર કોકડું વળીને બેઠેલા ધમો ને એનો બાપ ને જમાદાર ને ખોડુભા સરપંચ સંધાય બતાડ્યા .

ડોહાની આંખો ચકળવકળ થઈ ગઈ : આ માણહ ક્યાંનું ક્યાં પૂગી ગ્યું કે’વાય ! ક્યાં ધમો ને ઈની વહુ ! ને ક્યાં ગામેગામે ને ઘરોઘરમાં ઈના ફોટા તે પછી ડોહાને સમાચારનું બંધાણ થઈ ગયું . આપડા પંથકમાં નવાજૂની થાય એ રાતપડ્યે નજરોનજર જોવાની , એક દિ ‘ જિલ્લા પંચાયતની મિટિંગમાં ખોડુભાને બેઠેલા જોયા , ત્યારે ડોહાને મનમાં થયું કે કો’ક દિ ‘ આપડો ય ફોટો ટીવીમાં આવે તો કેમ ! વટ પડી જાય , એનો ભાય – કાનાનો બાપ બે ઘડી જોઈ રહે ! પાંચસાત દિવસ પછી , ડોહાનો તો નહિ , ગિલાનો વારો પડી ગયો , તે દિ ‘ ખોડુભા સવારના પહોરમાં તૈયાર થઈને પાદરમાં ઊભેલા , એને ભાવનગર જાવાની ઉતાવળ , મુખ્યમંત્રી ભાવનગર પધારવાના હતા . જકાતનાકે સામૈયું કરવાનું હતું , આખા પંથકના સરપંચોએ હાજર રહેવાનું હતું . ટાઈમ્ ભરાતો જતો હતો . ખોડુભા માથેથી તાલુકાની જીપ આવે એની વાટમાં ઊંચાનીચા થતા હતા.

એમાં ગિલાનો છકડો આવીને ઊભો , ખોડુભા કહે , ‘ જકાતનાકેથી આવે છે ? ‘ ગિલો કહે , હા . ખોડુભા કહે , ‘ જકાતનાકે માણહ ભેગું થયું છે ? ‘ ગિલો કહે , ‘ માણહ તો મા’તું નથ , કે ‘ તા’તા કે હમણાં મંત્રીશાબ આવવા જોવે , ખોડુભા હાકાવાકા થઈ ગયા , આમ તો કોઈ દિ ‘ છકડામાં બેસે નહિ , પણ અત્યારે બીજો વિચાર કર્યા વગર છકડા માથે ચડી ગયા , ‘ હાંક્ય સબદણ , નઈતર હું જ રહી જાશે . ‘ કહેતોકને છકડો ઊપડ્યો , ને જાંબાળા .. , ખોપાળા , .. તગડી , ને ભડી … ને જકાતનાકુ .

ઠેઠ જકાતનાકે જવાય એમ નહોતું . લોકોનો મહેરામણ ઉમટેલો , ગિલાએ બેઠલે નાળે છકડો ધીમો પાડ્યો ને કહ્યું , ‘ આંય ઊતરી જાવ , ડંડાવાળા ઠેઠ લગણ નંઈ જાવા દયે , ‘ પણ ખોડુભા હાકાવાકા થઈ ગયેલા , ‘ હવે ડંડાવાળાની મા …. તું તારે લઈ લે ઠેઠ લગણ . કોઈ કાંઈ બોલે તો હું બેઠો છઉં . ‘ ગિલાએ છકડાને રમરમાટી લેવરાવી , તે માણસોનાં ટોળાં વીખતો ઠેઠ જિલ્લા – પ્રમુખ સામે લાવીને ઊભો રાખ્યો , એ વખતે કેમેરાવાળા ફોટા લે . બધું ભૂલીને ગિલો એની સામું તાકી રહ્યો , એને થયું , આજના સમાચારમાં આપડો ફોટો નક્કી ,

બપોરે ખાતાં ખાતો ડોહાને વાત કરી . રાંધણિયામાં બેઠી બેઠી વહુ પણ સાંભળે , ડોહા રાજીના રેડ થઈ ગયા . આજ સુધીમાં કોઈ દિ ‘ ડોહાને એવું થયેલું નહિ , આજ પહેલી વાર ડોહાએ ગિલાને કહ્યું , ‘ તું ય આજ સાંજ પછી ફેરો નંઈ કરતો , ઘરે રહેજે , ‘ આજ સુધી કોઈ દિ ‘ ગિલાને એવું થયેલું નહિ , એ તો વહેલી સવારથી મોડી રાત લગી . જાંબાળા .. ખોપાળા … ને તગડી..ને ભડી … ને ભાવનગર … #અમર_કથાઓ
જાંબાળા … ખોપાળા , તગડી … ને ભડી …. ( એમાં ભડી તો … )

આજ તો સાંજ પડતાં છકડો પાદરમાં પડયો રહેવા દઈને ઘરે આવ્યો . હાથપગ ધોઈને ફળિયામાં ખાટલો પડ્યો ‘ તો એની ઉપર આડો પકડ્યો , ઘણા વખતે એનું લોહી અત્યારે જંપ્યુ હોય એમ લાગ્યું , પડયા પડ્યા એણે ઘરમાં ચોમેર નજ૨ ફેરવી , ઘર ભર્યું ભર્યું લાગ્યું . આણીપા છકડાની રમરમાટી , ને આણીપા ડોહાના કરાટા , તે કોઈ વાતે કમીના નાં રહી , એમાં વહુ માથાની નીકળી . ઘર સંધાય કરતાં સવાયું હોવું જોવે . પાણીયારે ઈસ્ટીલના વાસણ , માથે ભગવાનના ફોટાઓની હાર , ઓસરીમાં ઈસ્ટીલની ખુરશી , ગોખલામાં ટેપ. રંગીન ટીવી . પણ ટીવી બબ્બે ઈટ ગોઠવીને મૂકેલું , એ ગિલાને ખટક્યું . હમણાં તો ટીવીના હપ્તાની ભીસ છે , પણ મેળ પડે તો આજ કાલમાં ઈસ્ટીલનું સ્ટેન્ડ લેતો આવું –

એણે વિચાર્યું – વહુના સીમંત ટાણે મે’માનો આવશે , તંયે વટ પડવો જોવે ને ! ત્યાં બહાર કોઈએ સાદ પાડ્યો , ‘ ગિલાભાય ! ‘ ગિલો હડફ બેઠો થયો . ડોહાએ ખડકી ઉપાડી. આવનારે કહ્યું , ‘ મુખી બોલાવે , પાદર , ભાવનગર જાવું જોહે , અબ ઘડીયે . મુખીની ભેંસને આડું થઈ ગ્યું સ , તાત્કાલિક ભાવનગર દવાખાના ભેગી કરવી જોહે , હાલો જલ્દી . ‘ કોણ જાણે કેમ , ડોહાના દેવ માન્યા નહિ . એ મનોમન બોલી ય ગયો , ‘ છકડામાં ભેંશ રે ‘ શે ? ‘
આવનાર કહે , ‘ ઈ તો બે જણ પકડી રાખશે , આમેય સવારથી ભાંભરી ભાંભરીને ઘેંશ જેવી થતી ગઈ સે . ને આમેય ભાવનગર ક્યાં ઘોડાને ઘેર સે . ઘા એ ઘા જાવાનું સે. ઢોરનું દવાખાનુંય જકાતનાકા પાંહે જ સે ને ?
હાલો હાલો જલ્દી . ‘

કોણ જાણે કેમ , ગિલાના દેવ માની ગયા .
એણે મનોમન વિચાર્યું , ભેંસનું પાંસરું પડી જાય તો મુખી રાજી કર્યા વગર નહિ રહે , તો વળતાં ટીવીનું ઈસ્ટાન્ડ જ ઠોકતો આવું . આપડા સમાચાર આવે ઈ પેલા ટીવી ઈસ્ટાન્ડ ઉપર હોવું જોવે .
ગિલાને ય પોતાનો ફોટો જોવાનો હરખ . ફોટો આવે કે વહુ સામે આંખનો ઉલાળો મારવાનું નક્કી કરેલું . ‘ હમણાં … ગ્યા ભેળો આવ્યો સમજો ‘ બોલતાંક એણે ખડકી બહાર પગ દીધો એને ભાવનગર એટલે જાંબાળા … ખોપાળા … તગડી … ને ભડી … ( એમાં હવે … )

ગિલો ગયો એટલે ડોહા ખડકી બહાર નીકળ્યા . આમ તો કાનાના બાપ સાથે રોજ ની ઉઠકબેઠક નહિ પ્રસંગોપાત વાત કરી લે , ભાયુંભાયુંમાં એમ જ હોય , આને કેવું ! મારે કેવું ! – મનોમન સમજતાં હોય પણ અત્યારે કાનાના બાપને એની ખડકીના ઓટલે બેઠેલો જોઈ એનાથી બોલ્યા વગર નૉ રહેવાયું , ‘ આજ તો ગિલો ટીવીમાં આવવાનો સે . ‘ કાનાનો બાપ કહે , ‘ એમ ? ‘ તો તો જોવો જોહે , કંયે આવે સે ? ‘ ડોહા કહે , ‘ નવ વાગે . ” ડોહાના ચહેરા પર ચમકારો હતો , ‘ તો તો જોવો જોહે . હમણાં આવું . અમારે ટીવીમાં એવું ક્યાં આવે છે … ‘ બસ , કાનાનો બાપ આટલું બોલ્યા એમાં જ ડોહાના ચહેરા પર રાજીપો છલકાઈ પડયો . ભાયુભાયુંમાં એમ જ હોય .

આઠ વાગતાં ડોહા ટીવી સામું ગોઠવાઈ ગયા .
પણ એના મનમાં બેયના આવવાની અધીરપ ઊછળી રહી .

ત્યાં કાનાનો બાપ આવીને બીજી ખુરશીમાં ગોઠવાયો . હજી ગિલાના છકડાનો અવાજ સંભળાતો નહોતો . ડોહા મનોમન ઊંચાનીચા થતા હતા . આવે વખતે અમંગળ કલ્પના ન આવે તો સમજવું કે માબાપ નહિ .
ના , ના , એવું કાંઈ નાં હોય , ભેંશને આડું હતું એમાં વાર લાગે જ ને એણે સમાધાન કર્યા કર્યું . અને કાનાનો બાપ એના ઘરની રિયાસત પર નજર ફેરવતો હતો તે જોઈ જોઈને રાજી થયા કર્યું . અને ,
નવના ટકોરે લોકલ સમાચાર શરૂ થયા .
‘ નમસ્કાર દર્શકમિત્રો ! લોકલમાં આપનું સ્વાગત છે . આજના મુખ્ય સમાચાર

મુખ્યમંત્રીશ્રીની આજે ભાવનગરમાં પધરામણી . ભવ્ય સામૈયું .
મુખ્યમંત્રીશ્રીએ સ્થળ પર જ કરેલો પચીશ પ્રશ્નોને ઉકેલ . મુખ્યમંત્રીશ્રીએ …….
મુખ્યમંત્રીએ ……
‘ ડોહાને એમાં રસ નહોતો .
‘ શહેરમાં અપમૃત્યુના ત્રણ બનાવો . ‘
‘ સમાચાર વિગતવાર . ‘
અને પહેલા સમાચારમાં જકાતનાકું દેખાયુ . જકાતનાકે માણસો હકડેઠઠ . મુખ્યમંત્રીના સ્વાગત માટે ઉમટેલા મહેરામણને દેખાડ્યો . સ્વાગત માટે ઊભેલા શહેરના મોટા મોટા માણસો પર કેમેરો ફરી રહ્યો . ત્યાં ધમધમાટી સાથે ગિલાનો છકડો જિલ્લા પ્રમુખ પાસે આવી ઊભો . ખોડુભા ઊતર્યા . ને જિલ્લા – પ્રમુખને મળ્યા ત્યાં સુધી ગિલો આખો છકડા સાથે ટીવીમાં દેખાઈ રહ્યો . ગિલાને જાણે કેમેરાવાળાની ખબર હોય એમ એ કેમેરા સામું હસી રહ્યો હોય એમ લાગતું હતું .

ડોહાએ હરખઘેલા થઈને કાનાના બાપાને થાપાટોય મારી દીધો . અને એ એક જ મિનિટનો સીન એના મગજમાં તરબતર થઈ ગયો હોય એમ આંખો મીંચી ગયા . હવે એને બીજા સમાચારોની પડી નહોતી . એના મગજ માં છકડાની રમરમાટી ચાલી રહી . એના કાન છકડાનો અવાજ સાંભળવા બેઠા થઈ ગયા , ત્યાં , સમાચાર વાંચનાર બોલ્યો :
‘ અને છેલ્લે , શહેરમાં બનેલા અપમૃત્યુના બનાવોમાં , બેઠલા નાળે ગમખ્વાર અકસ્માત ….
છકડા-ચાલકનું કમકમાટીભર્યું મોત …….
બનાવની વિગતો પ્રમાણે , સાંજના એક ભેંશને લઈને ભાવનગર આવી રહેલ એક છકડો બેઠલા નાળે પલટી ખાઈ જતાં છકડા – ચાલકનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું .
જ્યારે છકડામાં ઊભેલા વ્યક્તિ ફંગોળાઈને દૂર પડવાથી બચી જવા પામ્યા હતા . તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે .
બનાવનું આશ્ચર્ય એ છે કે છકડામાંથી પછડાવાથી ભેંશને સ્થળ પર જ પાડો જન્યો હતો . #અમર_કથાઓ

જોનારા કહે છે કે……….
‘”છકડા – ચાલકે છકડાનું હેન્ડલ છોડી દીધું હોત તો એ પણ બચી ગયો હોત , પણ કહે છે , છકડો એનો જીવ હતો…… એ છકડા તરીકે જ ઓળખાતો … ‘”
ડોહાની આંખો ફાટી રહી .
એમ જ રહી .
(માય ડિયર જયુ – ‘જીવ’માંથી )

આવી અન્ય વાર્તાઓ વાંચો 👇

લાડુનું જમણ

ભવાન ભગત

રસિકભૈ રસો

એક ટૂંકી મુસાફરી - વાર્તા
એક ટૂંકી મુસાફરી – વાર્તા

છકડો પાઠ Pdf downland, છકડો વાર્તા, જુમો ભિસ્તી, વાર્તાઓ, નવલકથા, Old story, Balvarta, ઇશ્વર પેટલીકર, www.amarkathao.in