Skip to content

નીલીનું ભૂત – ગુજરાતી જુની વાર્તા સંગ્રહ

    નીલીનું ભૂત
    871 Views

    નીલીનું ભૂત – ગુલાબદાસ બ્રોકર તેઓ ગુજરાતી વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્રલેખક, સંપાદક હતા. તેમના વાર્તાસંગ્રહો માં ‘લતા અને બીજી વાતો’ , ‘વસુંધરા અને બીજી વાતો’ , ‘ઊભી વાટે’ , ‘સૂર્યા’ , ‘માણસનાં મન’ , ‘બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’ , ‘ભીતરનાં જીવન’ અને ‘પ્રેમ પદારથ’ મુખ્ય છે. ઉપરાંત એમની ‘ગુલામદીન ગાડીવાળો’, ‘નીલીનું ભૂત’, ‘સુરભિ’, ‘બા’, ‘પ્રેમ પદારથ’ વગેરે વાર્તાઓ પણ ખુબ પ્રસિદ્ધિ પામી. Nili nu bhut – Gulabdas broker, અમરકથાઓ

    નીલીનું ભૂત ( Nili nu bhut )

    ઘોર, ભીષણ, અંધારી રાત્રિએ બહાર તો પોતાનું સામ્રાજ્ય પૂરેપૂરું જમાવી દીધું હતું, પણ દીવાની ઓથે ઘરના એક ઓરડામાં બેઠેલાં એ ત્રણે મિત્રોને એનું કશું ભાન નહોતું.

    તે લોકો તો પોતાની વાતોમાં જ એટલાં મશગૂલ બની ગયાં હતાં કે કદાચ એ રાત્રિ વર્ષા અને મેઘગર્જનાથી વધારે ભીષણ ગંભીર સ્વરૂપની બની જાત તોયે કદાચ એનું ભાન એમને ન રહેત.

    રાત્રિના કલાકો પણ એક પછી એક વીતતા જતા હતા. ઠંડી પણ સારા પ્રમાણમાં હતી, એનું ભાન કદાચ એમને હશે, કેમ કે એ ઓરડામાં એક ખૂણામાં ગોઠવાયેલા ખાટલા ઉપર નિર્મળા તથા પ્રબોધ – પતિપત્ની – એક જ શાલનો આશ્રય લઈ સામસામાં બેઠાં હતાં. શશી – તેમનો મિત્ર – પલંગની એકદમ નજીક ખુરશી લાવી, ઉપર ટૂંટિયું વાળી, બંને હાથથી ગોઠણને વીંટી લઈ બેઠો હતો.

    ચાલતી વાતમાં ત્રણેને સમાન રસ હતો તે તો તેમની બોલવાની રીતથી, હાવભાવથી, તેમના ચહેરા ઉપર દેખાતી રંગરેખાઓથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું. ત્રણે જણાં ઘણી વાર એકીસાથે બોલતાં, એક અર્ધું બોલે ત્યાં કોઈ કોઈ વાર બીજું બોલવા મંડી જતું, એક પણ માટે પણ વાતમાં વિરામ નહોતો આવતો.

    ‘ઓ મા રે! પણ એવું એવું કેમ થાય? ગમે કેમ?’ નિર્મળા શાલમાં ઢંકાયેલા પોતાના ગોરા, જરા પાતળા હાથ બહાર કાઢી તેમાંથી સુરેખ, ફિક્કા વદનને ઢાંકી દેતાં બોલી, તેના અવાજમાં વિષાદ જરાતરા હતો, પણ તિરસ્કાર તો સ્પષ્ટ હતો.

    ઠંડી જરૂર જરા વિશેષ પ્રમાણમાં હશે, કેમ કે એક પળમાં જ નિર્મળાનું વિષાદ—તિરસ્કારયુક્ત મુખ માત્ર ઉઘાડું રહ્યું, હાથ તો શાલના સંરક્ષણ નીચે લપાઈ ગયા.

    ‘એ તને ન સમજાય, નિમુ!’ પ્રબોધ તેની સામે સ્નેહથી – અને અત્યંત માનથી પણ – જોઈને બોલ્યો. ‘તને એ ક્યાંથી સમજાય?’

    ‘સાચું છે, નિમુબહેન, તમને એમ થાય એ સ્વાભાવિક છે,’ શશી હાથને ગોઠણ આસપાસ, જરા વધારે જોરથી દબાવતાં બોલ્યો. ‘ક્યાં તમે અને ક્યાં એ? પેલી તો છેક…’

    વધારે બોલ્યા સિવાય, તેની સામે તે સાચી જ વાત કરતો હોય એવા ભાવથી જોઈ રહેલાં પતિપત્ની માટે જ પેલી માટેનું વિશેષણ પૂરું કરવાનું રહેવા દઈ, તે ચૂપ થઈ ગયો. તેના ગોરા, હસમુખા, તંદુરસ્ત ચહેરા ઉપર વિષાદ, અણગમો, છૂપો છૂપો ધિક્કાર એવા એવા તો ઘણા ઘણા ભાવો ફેલાઈ ગયા. 

    ‘પણ એવું કેમ થાય?’ ફરી પાછી નિમુ બોલી. ‘એને સ્વમાન જેવું પણ કંઈ નહીં હોય? હિંદુ, મુસલમાન, મિત્ર, દુશ્મન ગમે તે–’ અર્ધું બોલી, માત્ર શોકસૂચક રેખાઓ મુખ પર લાવી તે ચૂપ થઈ ગઈ.

    ‘આપણે શું કામ નિમુ?’ પ્રબોધ બોલ્યો. શશી તરફ જોઈ : ‘એ તો મરી ગઈ, પણ મર્યા પહેલાં જ બિચારા મંગળને તો અર્ધો મારતી ગઈ. તને તો બધી ખબર છે.’

    ‘બધી જ ખબર છે.’ શશી બોલ્યો. પછી જરા વધારે ગંભીર બની ઉમેર્યું : ‘કદાચ તમને હશે તેથીયે વિશેષ ખબર મને છે.’

    એટલું કહેતાં એના મુખ ઉપર જે ભાવ ફેરવાયા તે નિમુ-પ્રબોધ બેમાંથી એકેયે ન જોયા. બન્ને ઉત્સુકતાથી તેની સામે જોઈ રહ્યાં.

    શશી બોલ્યો. તેનો અવાજ જરા ધીમો હતો : ‘પેલી કુસુમ નહીં? જયાની બહેન? તેને એક દિવસ બપોરે નીલીનું કંઈ કામ પડ્યું અને તેને ઘેર ગઈ. મંગળ તો બિચારો કામધંધે એ વખતે ગયો જ હોય. નીલીએ ઓરડાનું બાર પણ પૂરું બંધ નહોતું કર્યું. કુસુમે ધક્કો મારતાં જ તે ઊઘડી ગયું. અંદર નીલી કોઈની સાથે એવી ખરાબ રીતે બેઠી હતી તે કુસુમ જોઈ ગઈ.’

    ‘તને કોણે કહ્યું?’ ‘તમને કોણે કહ્યું?’ પતિપત્ની બન્ને એકીસાથે પૂછી રહ્યાં.

    એ પ્રશ્ન જ જાણે સાંભળ્યો ન હોય તેમ શશી અમુક પળ સુધી મૂંગો બેઠો રહ્યો. એ પળો દરમિયાન એની નજર આગળ એક મુખ રમી રહ્યું – નાનું, ફિક્કું, સહેજ ઊજળું, અત્યંત નિર્દોષ લાગતું. જાણે તેને કહેતું ન હોય : ‘તમે પણ? તમને શો હક્ક છે?’ હજી તેને આપવાને કંઈ ઉત્તર મનમાં ગોઠવે ત્યાં તો તેનો ધ્યાનભંગ થયો. ફરી પાછો બન્નેનો પ્રશ્ન આવ્યો :

    ‘પણ એ બધી ખબર તમને ક્યાંથી પડી?’

    ‘મને? કુસુમે જયાને કહ્યું, અને તેણે મારી પત્નીને કહ્યું.’

    ‘જુઓ નિમુ, આ વળી એક વધારે પ્રસંગ.’ પ્રબોધ બોલ્યો.

    નિમુ પણ કંઈક બોલી પણ એ પળે શશીને એ બહુ ન સંભળાયું, કેમ કે પેલું મુખ હવે એકલું મુખ નહોતું રહ્યું. તેની સાથે સાથે આખી કાયા ઊભી થતી જતી હતી, કૃશ, અશક્ત, છતાં જરા મોહક, ને નિર્દોષ દેખાતા મુખને વધુ નિર્દોષ દેખાડતી, તે જાણે તેને કહેતી હતી :

    ‘તમે પણ? કહો, હજી જરા વધુ કહો ને.’

    અને જાણે એમાંથી જ પ્રેરણા મળી હોય તેમ તે પ્રબોધ-નિમુની ચાલતી વાતને અટકાવીને બોલ્યો :

    ‘ને નિમુબહેન, નીલી નિર્દોષ કેટલી લાગતી હતી? જાણે કે એવી સ્ત્રી તો કશું પાપ જ ન કરે. ને છતાં કેટલી દુષ્ટ?’

    ‘ને ઝેરીલી પણ કેટલી? મંગળ નિમુ સાથે બોલેચાલે એમાં તો એનો જાન લઈ જતી’તી,’ પ્રબોધે કહ્યું.

    ‘હશે. આપણને શું?’ નિમુએ શોકપૂર્વક કહ્યું. ‘અંતે તો બિચારી મરી ગઈ ને? ને ત્રાસ પણ કેટલો ભોગવ્યો?’

    ‘એવાઓનું તો એમ જ થાય,’ શશી જુસ્સાથી બોલ્યો : ‘ન પોતે સુખથી રહી, ન કોઈને રહેવા દીધાં.’ ફરી પાછી પેલી આકૃતિને સ્મરણમાંથી બળથી હઠાવી દેવી હોય તેમ તે જુસ્સાથી બોલ્યે જ જતો હતો :

    ‘મેં તો એને આ વખતે આમ કહ્યું અને પેલી વખતે…’

    તેની વાગ્ધારા લાંબી ચાલી. પ્રસંગો ઉપર પ્રસંગો નીલીના દોષના અને એ દોષમાંથી તેને ઉગારી લેવાના પોતાના પ્રયત્નોના તેણે કહ્યા. તેને અને નીલીને અમુક વખત તો એટલું બનતું કે એ બધા પ્રસંગોને અત્યંત રસ અને સમભાવપૂર્વક નિમુ-પ્રબોધ સાંભળી રહ્યાં. વચ્ચે વચ્ચે તેમણે પણ પોતાના સ્મરણકોષમાંથી રસિક પ્રસંગો વીણી કાઢી રસિક વાણીમાં રજૂ કર્યા.

    એમાં જ ઘણો સમય વહી ગયો.

    એ સમય દરમિયાન શશી જેમ જેમ વાતો કરતો જતો હતો તેમ તેમ વધુ ને વધુ ઉશ્કેરાતો જતો હતો, કેમ કે એક બાજુ તે અમુક પ્રકારની પ્રસંગપરંપરા વર્ણવતો જતો હતો તો બીજી બાજુ તદ્દન જુદી જ જાતની પ્રસંગપરંપરા તેના સ્મરણપટમાંથી ખસતી જ નહોતી.

    વાતચીતમાં, શારીરિક હાજરીમાં, તે અહીં આ ઘોર ભીષણ રાત્રિમાં દીવાના પ્રકાશથી પ્રકાશિત ઓરડામાં નિમુ અને પ્રબોધ સાથે બેઠો હતો. મનથી, કલ્પનાથી, તે અહીંથી સેંકડો માઈલ દૂર મુંબઈ શહેરના એક પરામાં વિચરી રહ્યો હતો. પળો, કલાકો, દિવસો વિચારોની ત્વરાથી પસાર થતા હતા. મુંબઈની એક શાળામાં તે નોકરી કરતો હતો.

    નીલીનો પતિ મંગળ પણ એ જ શાળામાં હતો. બન્ને એક જ પરામાં રહેતા હતા. પ્રબોધ ધંધો કંઈ જુદો જ કરતો હતો છતાં એ તથા નિમુ એ જ પરામાં રહેતાં હતાં.

    થોડે થોડે અંતરે તેમનાં ઘરો હતાં. મંગળ તથા નિમુ, નિમુ તથા નીલી, નીલી તથા શશી, પ્રબોધ અને મંગળ, એમ એક-બીજાનાં અને એને અંગે એમાંના સૌ એકબીજાના અંગત મિત્રો હતાં. ગામ આખાને ઈર્ષ્યા આવે એટલા પ્રમાણમાં એ લોકો એક-બીજાનાં મિત્ર બની ગયાં હતાં.

    મૈત્રીની એવી આદર્શ સ્થિતિ અમુક સમય જ ટકે છે. એક પછી એક પ્રસંગો ચલચિત્રની ઝડપથી શશીના મનમાંથી પસાર થવા લાગ્યા. નીલી નિમુની ઈર્ષ્યા કરવા લાગી. મંગળ નિમુ સાથે શા માટે આટલો બધો હળી જાય? હજારો તરકીબોથી તેણે મંગળને નિમુને ત્યાં જતો બંધ કરી દીધો.

    શશી આગળ પણ તેણે નિમુ સંબંધી હજારો વાતો કરી હતી. અત્યારે એમાંની જ એક વાત શશી નિમુ-પ્રબોધને સંભળાવતો હતો.

    ‘ને મને એ કહે : ‘શશીભાઈ, એમાં મને શો વાંધો? ભલે ને મંગળ નિમુને કપાળે ચુંબન કરે. એ તો મિત્ર તરીકે જ કરતો હતો એ મને ખાતરી હતી. એમાં શું થઈ ગયું?’

    એટલી નિર્દોષતાથી એ એ બોલતી હતી કે એના હૃદયમાં ભરેલા ઝેરને તો હૃદયમાં જ દટાઈ રહેવું પડે. વાણી દ્વારા બહાર નીકળવાનો અવકાશ જ તેને ન મળે.’

    ‘જુઠ્ઠી સદંતર જુઠ્ઠી,’ નિમુ ગુસ્સાથી બોલી ઊઠી. ‘એવું કદી બન્યું જ નથી.’

    પ્રબોધની આંખોમાં તો માત્ર તિરસ્કાર જ ભર્યો હતો. તે કશું ન બોલ્યો.

    ‘જુઠ્ઠી સ્તો! એ તો એને હજાર માણસો ચૂમે એ ગમે એટલે એને એવી જ કલ્પના આવે ને?’ શશી બોલ્યો અને પળએક મૂંગો થઈ ગયો.

    એ પળમાં તો આખો એક પ્રસંગ તેના મગજમાંથી પસાર થઈ ગયો.

    નીલીનું ચારિત્ર્ય જરા શિથિલ હતું એ વાત તે આખી મંડળી જાણતી. એકબે કબૂલાત તો નીલીએ પોતે મંગળ પાસે દુઃખી હૃદયે કરી હતી. શશી પણ એ બધી વાતો જાણતો.

    તેથી સ્તો એ પ્રસંગ બની ગયો.

    મંગળ તથા નીલી સાથે તેના ઓરડામાં શશી બેઠો હતો. એક ખુરશી ઉપર મંગળ બેઠો હતો. બાજુમાં આરામખુરશી ઉપર પોતે બેઠો હતો. તેની બાજુમાં એક નાની ખુરશી ઉપર નીલી.

    મંગળ વાતો કરવાનો શોખીન હતો. જાતજાતની વાતો કરી તે બંનેને હસાવતો હતો. શશી ખૂબ હસતો હતો. હસતાં હસતાં તેણે એક વખત નીલી સામે જોયું. નીલી તેની સામે જ જોઈ રહી હતી તેમ તેને લાગ્યું.

    વાતો વધતી જતી હતી. હાસ્ય વધતું જતું હતું. ફરી પાછું શશીએ નીલી સામે જોયું, ત્યારે તેનો ફિક્કો ચહેરો હાસ્યથી લાલ બની ગયો હતો. નીલી શશીની નજર પોતા ઉપર પડતાં જરા વધારે હસી. શશીને કદાચ પહેલી જ વાર નીલી મોહક લાગી.

    મંગળની ફરવા જવાની લાકડી ત્યાં આગળ જ પડી હતી. નીલીએ તે પોતાના હાથમાં લીધી, અને તેનાથી રમવા લાગી. ત્રણેની વાતોમાં એથી કશો વિક્ષેપ ન પડ્યો.

    થોડી વાર પછી નીલી એ લાકડી ધીમે ધીમે શશીના પગના તળિયામાં ફેરવવા લાગી. શશીનું હાસ્ય વધી પડ્યું. મંગળને પણ હસવું આવ્યું.

    એ તોફાનની સજા કરવા શશીએ લાકડી નીલીના હાથમાંથી ઝૂંટવી લીધી. એ વખતે નીલી લાકડીને પકડી રહેવાના પ્રયત્નમાં જરા નીચી નમી ગઈ. તેનું મુખ તો તે નીચે નમી ત્યારે પણ શશીના મુખ સામે જ તાકી રહ્યું. એ નિર્દોષ લાગતા, હાસ્યથી ભરેલા મુખમાં જડાયેલી આંખોએ શશીને અનેક વાતો કહી દીધી.

    કોણ જાણે કેમ આજે એને નીલીની વિરુદ્ધ જ વાતો કરવાનો ઊભરો આવ્યો હતો. તેના સ્વભાવની અનેક વિષમ વાતો કરી રહ્યા પછી તે નિમુ-પ્રબોધને નીલી બીજાઓ પાસે પણ મંગળને અને નિમુને શી રીતે ઉતારી પાડતી હતી તેની વાતો કરવા માંડ્યો :

    ‘પેલી કુસુમને પણ એણે મંગળ વિશે અને તમારી વિશે અનેક વાતો કરી હતી. મને એ બધી વાતો મારી પત્ની દ્વારા જાણવા મળી ત્યારે એટલી ચીડ ચડી…’

    મનમાં તો જુદી જ દુનિયા દોડતી હતી. એક વખત મુંબઈ જવા માટે પરાની ટ્રેનમાં નીલી અને પોતે સાથે થઈ ગયાં. એક ડબામાં બેઠાં. ડબામાં ગિરદી ખૂબ હતી. માંડ માંડ તે બંને આજુબાજુમાં બેસી શક્યાં. પોતાનો પગ નીલીના પગ સાથે જરાક દબાઈ ગયો નીલી પગ જરા ખેસવી લેશે તેમ તેણે માન્યું, પણ નીલીએ તો જાણે કશું જાણતી જ ન હોય તેમ પત્ર રહેવા દીધો. પોતે પણ પગ ખેસવી જ ન શક્યો.

    ગાડીમાંથી ઊતરી બંને બસની રાહ જોતાં ઊભાં રહ્યાં. એ સમય દરમિયાન અજાણ્યે જ હોય તેમ બંનેના હાથ એકબીજાને અડકી રહ્યા. ન નીલીએ પોતાનો હાથ પાછો ખેંચી લીધો, ન શશીએ પોતાનો. નીલીએ પોતાની નિર્દોષ દેખાતી આંખો શશી તરફ ફેરવી, ત્યારે તેનો અવાજ ઘોઘરો બની ગયો. તેણે માત્ર એટલું જ કહ્યું :

    ‘નીલી, કાલે સાંજે તું મારે ઘેર આવજે.’

    શશી ત્યારે પોતાના ઘરમાં એકલો જ રહેતો હતો.

    ‘મંગળ વખતસર ઘેર આવી જશે તો અમે જરૂર આવીશું.’ નીલીએ હસતાં હસતાં કહ્યું.

    શશીને પોતાનો અવાજ હજીયે વધારે ઘોઘરો લાગ્યો. તે જરા ધ્રૂજતોપણ હતો.

    ‘ના, તું એકલી જ આવજે.’

    ‘શા માટે?’ બસ આવી પહોંચી હતી તેમાં ચડતાં નીલી બોલી.

    ‘બસ.’ એટલું બોલી શશી ત્યાંથી ચાલી ગયો.

    એ પછી બીજી સાંજે નીલીના અનેક પ્રણયીઓમાં શશીએ એક સંખ્યાનો ઉમેરો કર્યો તે તેને યાદ આવ્યું, ને તેણે નિમુ-પ્રબોધ સાથે વાત કરતાં કરતાં ઉમેર્યું :

    ‘નીલી તો વેશ્યા જ હતી. કોણ જાણે કયે ભવે છૂટશે!’

    ‘આપણે હવે એ વાત બંધ કરો ને, શશીભાઈ’, નિમુ બગાસું ખાતાં બોલી. ‘એ બિચારી મરી ગઈ, હવે શું?’

    ‘શશી, તું તો આજે બહુ ઊપડ્યો હોં! અમને ખબર નહીં તું પણ નીલીથી આટલો ધરાઈ ગયો હશે એ.’ પ્રબોધે કહ્યું.

    ‘એટલો ધરાયો છું કે ન પૂછો વાત, એના પરિચયમાં આવવું એ પણ પાપ હતું.’ શશીએ કડવાશથી કહ્યું.

    ફરી પાછું પેલું મુખ તેની નિર્દોષ દેખાતી મોહકતાથી હસતું એને કહી રહ્યું હોય એમ લાગ્યું :

    ‘એમ કે? ને તમારા પરિચયથી તો મને પુણ્ય મળ્યું. કેમ?’

    એથી તો શશીની કડવાશ એકદમ વધી ગઈ.

    વાતમાં ને વાતમાં દોઢ વાગી ગયો હતો. હવે એ વાતોથી બધાં થાકી પણ ગયાં હતાં. શશી ઊઠ્યો :

    ‘ચાલો હવે છૂટાં પડીએ. આજે તો બહુ મોડું થઈ ગયું.’

    ‘ખાસ્સો દોઢ થયો.’ નિમુ બગાસું ખાતાં બોલી.

    શશીએ પોતાના સુતરાઉ કોટનો કૉલર ઊંચો કરી પોતાની મજબૂત છાતીને સુરક્ષિત કરી. હાથ જરા આળસમાં મરડી બોલ્યો :

    ‘હજી તો ખૂબ લાંબે જવું છે અને હું મૂર્ખની જેમ આટલે મોડે સુધી બેઠો રહ્યો.’

    ‘તે તેમાં શું થયું?’ પ્રબોધે પણ શાલનું સંરક્ષણ ધકેલી નાખી ઊભા થતાં કહ્યું : ‘બે-અઢી માઈલ તને શી વિસાતમાં?’

    નિમુ પણ શાલને દૂર કરી સાડી ખંખેરતી ઊભી થઈ. બારી બહાર નજર કરી તે બોલી :

    ‘અંધારું કેટલું છે!’ પછી આવાજમાં જરા ભાવ લાવી : ‘શશીભાઈ, અહીં જ રાત રોકાઈ જાઓને? આવા અંધારામાં ક્યાં જશો?’ 

    ‘ના રે ના!’ શશી હસીને બોલ્યો. ‘આ કંઈ મુંબઈ થોડું છે તે ટેલિફોન કરીને કહી દઈ શકાય? અત્યારે સુધી નથી ગયો તે બધાં વિચારમાં તો પડી ગયાં હશે જ.’

    ‘ને આ દેશી રાજ્ય! આપણે નકામાં અહીં આવ્યાં, પ્રબોધ.’ નિમુએ કહ્યું, ‘રસ્તામાં બ્લૅક-આઉટને અંગે એક દીવો પણ ન મળે. જાણે બધી લડાઈ અહીં જ ઊતરી આવી ન હોય! એથી તો મુંબઈ ક્યાંય સારું.

    ‘મુંબઈ જેટલા જ પગારમાં અહીં કેટલી બાદશાહીથી રહેવાય છે?’ પ્રબોધે જવાબ વાળ્યો.

    નિમુ એનો કંઈ ઉત્તર આપવા જતી હતી ત્યાં તો શશીએ તેને વારી :

    ‘હવે એ વાત ઉપર ઊતરીશું તો વળી બીજો કલાક નીકળી જશે. થોડા થોડા સમયને અંતરે એક યા બીજી નોકરી મળવાથી આપણે બધાં અહીં ભેળાં થઈ ગયાં એ જ પ્રભુનો પાડ માનો ને.’

    ‘એક મંગળભાઈ બિચારા ત્યાં જ રહી ગયા.’ નિમુએ કહ્યું.

    ‘ચાલો ત્યારે, હું જાઉં છું હોં.’ કહી શશી ચાલવા લાગ્યો.

    દરવાજા સુધી પ્રબોધ અને નિમુ તેને મૂકવા આવ્યાં. શાંત નીરવ રાત્રિ મૂગી મૂગી વહી જતી હતી. તારાઓ પણ જાણે અંધકારમાં ઓગળી ગયા હતા. માત્ર ઠંડી જ પોતાનો ચમકારો કરી રહી હતી. સાડીથી પોતાના આખા અંગને વીંટી લેતી નિમુ આકાશ સામે જોઈ બોલી : ‘શશીભાઈ, ખરેખર તમે રોકાઈ જાઓ હોં! રાત ભયંકર છે અને ઠંડી પણ પુષ્કળ છે.’

    ‘કંઈ નહીં, હું તો આ ચાલ્યો.’ કહી, શશી તેની સામે જોઈ જરા હસીને દરવાજાની બહાર નીકળી ગયો.

    ‘જો રસ્તે નીલીના બહુ વિચાર નહીં કરતો હોં!’ પ્રબોધ હસ્યો, પછી ‘એ શશીને ઠંડી કે અંધારું કદી નડ્યું છે કે આજે નડશે? મરદ છે. એનું શરીર કેવું છે જોતી નથી?’ એમ દરવાજો બંધ કરતાં તેણે કહ્યું.

    ‘મને તો આમાં થોડે દૂર જવાનું હોય તોયે એટલી બીક લાગે!’ નિમુએ કહ્યું.

    અને બન્ને ફરી પાછાં દીવાના રક્ષણ નીચે ચાલી ગયાં.

    શશીની એકાંતયાત્રા શરૂ થઈ ગઈ.

    બે-અઢી માઈલ દૂર તેને જવાનું હતું. ત્રણ-ચાર મહિનાથી નિમુ અને પ્રબોધ કાઠિયાવાડના આ નાના શહેરમાં આવ્યાં હતાં. બેએક મહિનાથી પોતે. નિમુ-પ્રબોધ ગામ બહાર દૂર દૂર પ્લૉટમાં રહેતાં હતાં.’ શશી ગામમાં જ રહેતો હતો. તેમનાં બન્નેનાં ઘરની વચ્ચે બે-અઢી માઈલનું અંતર હતું. વચ્ચે એકાદ માઈલ તો એક પણ ઘર નહોતું આવતું, માત્ર વેરાન જ આવતું. ગામના લોકો તેને રણ કહેતા.

    તે ચાલ્યો. તેના પદાઘાતે નીરવ રાત્રિને સ્વરમય કરી મૂકી.

    તેની નજર સામે દૂર દૂર સુધી અંધકાર પથરાયેલો હતો. આજુબાજુ, પાછળ, જ્યાં જુઓ ત્યાં માત્ર અંધકાર. એ અંધકારની જ મૂક વાણી હોય એવી ઠંડી પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપવા પ્રયત્ન કરી રહી.

    શશી આગળ ને આગળ ચાલ્યો જતો હતો. આ રાત્રિના અંધકારથીયે વિશેષ ગાઢ અંધકાર તેના હૃદયમાં પથરાતો જતો હતો. ‘શા માટે પોતે નીલીની વિરુદ્ધ આટલું બધું બોલ્યો? નીલી દોષિત હતી તો પોતે ક્યાં નિર્દોષ હતો?’

    ‘શા માટે? શા માટે? શા માટે?’ તેનું હૃદય તેને પૂછી રહ્યું.

    એ પ્રશ્નની ચુંગાલમાંથી છૂટવા તેણે સ્વસ્થ બનવા પ્રયત્ન કરી આજુબાજુ, ઉપર, જોયું.

    ક્યાંય કશું ન દેખાયું. માત્ર અંધારું પોતાનું મુખ ફાડી તેને પણ ગળી જવા ઊભું હોય તેમ તેને લાગ્યું.

    ફરી પાછો તે વિચારોમાં ઘસડાયો.

    છેલ્લા કલાકમાં તો નિમુ અને પ્રબોધ બહુ જ થોડું બોલતાં હતાં. પોતે જ મૂર્ખની માફક બોલ્યે જતો હતો, પોતે નીલીને અન્યાય નહોતો કર્યો?

    ‘હા, કર્યો’તો જ.’ જાણે નીલી તેને કહેતી હોય તેમ તેને લાગ્યું. તેણે ચમકીને સામે જોયું. જાણે નીલી હસતી હસતી તેને ઠપકો દઈ રહી હતી.

    તેણે આંખો ચોળી. કશું ન દેખાયું. માત્ર અંધારું જ.

    તે ધ્રૂજી ઊઠ્યો. જાણે ઠંડીથી જ પોતે ધ્રૂજતો હતો તેમ માની તેણે કોટને પોતાની મજબૂત છાતી આસપાસ વધારે જોરથી વીંટી લીધો.

    તે આગળ ચાલ્યો. ફરી વિચારો શરૂ થયા. તેનાં પગલાં જમીન ઉપર અવાજ પાડી રહ્યાં.

    કોઈ દહાડો નહીં ને આજે તેને લાગ્યું કે આ અવાજ કોઈ તેની પાછળ પાછળ ચાલ્યું આવે છે તેનો છે. તે ઊભો રહી ગયો. અવાજ પણ ઊભો રહી ગયો. તેણે પાછળ ફરી જોયું.

    કશું જ નહોતું. માત્ર અંધારું.

    તેને પોતા ઉપર ગુસ્સો આવ્યો. પોતે કદી કશાથી બીતો નહોતો ને આ શું? પોતાથી જ પોતે બીતો હતો? ને નીલી? પોતે શું ખોટું કહ્યું હતું? નીલી ખરાબ તો હતી જ.

    ‘હા, હતી જ, પણ તમે?’ ફરી પાછું પેલું હસતું મુખ ગાઢ અંધારાં ભેદી તેની સામે હસી રહ્યું.

    તેની નજર ચુકાવવા તેણે બાજુએ જોયું. ત્યાં પણ તે જ આંખો, તે જ સ્મિત, તે જ રેખાઓ તેને દેખાઈ.

    તે જાણતો હતો કે આ બધો ભ્રમ હતો. માત્ર તેનું ક્ષુબ્ધ મન આવા આવા ઓળાઓ પોતાની આસપાસ રજૂ કરતું હતું, પણ છતાં એ ઓળાઓનો તેને ભય તો લાગ્યો જ.

    ફરી પાછો કોટને જરા ઠીક કરી તેણે આગળ પગલાં માડ્યાં.

    ચાલતાં ચાલતાં આજુબાજુ કોઈ માણસ ચાલી જતું હોય તો કેવું સારું તેમ તેને થયું. તો તો આ કશી ભ્રમણાઓ પણ પોતાને ન નડે?

    પણ ચાર ડગલાં ચાલ્યો ત્યાં પાછી એની એ ભ્રમણાઓએ એને ચારે બાજુથી વીંટી લીધો.

    ‘ઠંડી કેટલી છે?’ તેણે પોતાના ધ્રૂજતા મનને પૂછ્યું. ‘ખૂબ.’ જવાબ આવ્યો. 

    ઝાઝો વિચાર કર્યા વિના તે પાછો વળી ગયો. પ્રબોધના ઘરથી તે હજી કંઈ બહુ દૂર ગયો નહોતો. એના ઘર ભણી તે ઉતાવળાં પગલાં માંડી રહ્યો.

    ત્યાં પણ અંધારું થઈ ગયું હતું. તે લોકોએ દીવો ઓલવી નાખ્યો હતો. બેએક પળ બૂમ મારવી કે નહીં તેના વિચારમાં તે ઊભો રહ્યો. નીલીનું જે મોહક હાસ્ય તેણે સંતૃપ્તિની ક્ષણે ચિત્તમાં સાચવી રાખ્યું હતું તે ફરી પાછું દેખાતાં તેણે બૂમ મારી :

    ‘પ્રબોધ, નિમુબહેન.’

    નિદ્રાઘેરો અવાજ અંદરથી આવ્યો : ‘કોણ છે!’

    ‘એ તો હું.’

    ‘કોણ શશીભાઈ?’ અંદર પદસંચાર થઈ રહ્યો.

    અમુક ક્ષણોમાં તો તે પાછો પ્રબોધના ઓરડામાં દાખલ થઈ ગયો.

    ‘કેમ શશી, કેમ પાછો આવ્યો?’ પ્રબોધે પૂછ્યું.

    માણસોને જોતાં શશીની બીક હઠી ગઈ. તેણે કહ્યું :

    ‘ઠંડી બહુ પડે છે તેથી મને થયું કે તમારી શાલ સાથે લેતો જાઉં.’

    તે આવ્યો ત્યારે જ તેનો ચહેરો નિમુએ જોયો હતો. તેથી કે શાથી એ તો કોણ જાણે, પણ તેણે કહ્યું :

    ‘હું તો ફરી કહું છું શશીભાઈ, કે તમે રાત અહીં જ રોકાઈ જાઓ. ઠંડી અને અંધારું બન્ને કેટલાં છે?’

    ‘ના, મારે જવું તો જોઈએ જ,’ શશી હવે પોતે પળ માટે પણ ભય કેમ પામી શક્યો તે સમજી નહોતો શકતો. પોતાના મનથી પણ પોતાને બીકણ ગણવા તે રાજી નહોતો.

    નિમુએ છતાં પણ તેને રોકાઈ જવા આગ્રહ કર્યો, પ્રબોધે પણ તેમાં થોડોઘણો સૂર પુરાવ્યો, પણ શશી ન રોકાયો. શાલને શરીર આસપાસ બરોબર લપેટી તે ફરી પાછો ચાલતો થયો.

    અને એ જ નિ:શબ્દ, સ્તબ્ધ રાત્રિ ફરી પાછી તેનું સ્વાગત કરી રહી.

    પણ આ વખતે તેણે ભયને મારી હઠાવ્યો હતો. હવે તો ભય ન જ પામવો તેવું નક્કી કરી તેણે પ્રબોધના ઘરના પ્રકાશમાંથી આ અંધકારમાં પ્રવેશ કર્યો હતો. તે ઝડપબંધ આગળ ને આગળ પગલાં માંડી રહ્યો.

    વિચારો તો હજી તેના મનમાં ચાલુ જ હતા. નીલી પણ એ વિચારોમાં ગૂંથાઈ ગયેલી હતી. છતાં હવે તેને ભય નહોતો લાગતો.

    ‘હું ભય પામ્યો!’ તે મનમાં હસ્યો.

    ‘આવી તો અનેક અંધારી રાત્રિઓ મેં ઓળંગી કાઢી છે. એમાં બીવાનું શું હતું?

    નીલી વિશે પણ તે હવે સ્વસ્થતાથી વિચાર કરી શક્યો.

    ‘બીજાં સાથે એ ગમે એવી હશે પણ મને તો એ ચાહતી હોં! ખરેખર!’ એ વિચારે એનું પુરુષાભિમાન સંતોષ પામ્યું.

     એમ ને એમ ઘરોવાળો પ્રદેશ પૂરો થયો. હવે તો રણ આવી પહોંચ્યું.

    ત્યાં પણ અંધારું તો એટલું જ હતું, પણ વિશેષ ગાઢ લાગ્યું. ઘરોનો આશ્રય જતાં ઠંડી તો ખરેખર બલવત્તર બની.

    ‘કોઈક નિર્જન જગ્યાએ મરી જાઉં, તમને યાદ કરતી કરતી, તો કેવી મઝા આવે?’ આ નિર્જન પ્રદેશ આવતાં નીલીના શબ્દો તેને યાદ આવ્યા.

    ‘અંતે એ બિચારી મરી ગઈ, મને યાદ કર્યો હશે કે નહીં? કોણ જાણે!’

    પણ મરી ત્રાસ પામીને, રોગોના રાજા ક્ષયથી. મેં તો એને છેલ્લા દિવસોમાં જોઈ જ નહીં. કેવીક લાગતી હશે એ છેલ્લે છેલ્લે?’

    તેના મનમાં છેલ્લા વખતની નીલીને એક ભયંકર મૂર્તિ રચાઈ ગઈ – આંખો ઊંડી ઊતરી ગયેલી, મોઢું છેક બિહામણું બની ગયેલું. એવી કલ્પનાથી જ એ ધ્રૂજી ઊઠ્યો. અને ત્યાં જ એક ચીસ પાડી તે ઊભો થઈ ગયો. તેના પગ નીચે કશુંક દબાયું અને તે ગોળાની જેમ ઊછળ્યું. તેના ભસવાથી શશી સમજી શક્યો કે એ તો માત્ર એકાદ કૂતરું જ હતું. પણ એ જ્ઞાને એનું ધબકતું હૈયું ધબકતું અટકી ન શક્યું. કોઈ અચિન્તવ્યા ભયે ફરી પાછો તેનો કબજો લઈ લીધો.

    ફરી પાછી ભૂતાવળ શરૂ થઈ ગઈ.

    ‘કેવી લાગતી હશે એ નીલી?’ બીતાં બીતાં તેને વિચાર આવ્યો.

    ક્ષયગ્રસ્ત નીલીની પળ પહેલાં જ તેણે જે કલ્પના કરી હતી તેથીય ભયંકર સ્વરૂપ ધારી જાણે તે તેની સામે ઊભી હોય તેમ તેને લાગ્યું. એના દાંત મોટા બની પોતા સામે ભયંકર હાસ્ય કરતા હતા.

    શશી આંખો મીંચી ગયો. આગળ ચાલવા તેણે ડગલું ઉપાડ્યું, પણ તે જાણે ત્યાં જ જડાઈ ગયો હોય તેમ લાગ્યું. આંખો ઉઘાડી. ત્યાં કશુંય નહોતું. માત્ર અધારું જ હતું. પણ તે હવે તેને પહેલાં કરતાં વધારે ભયંકર લાગવા માંડ્યું.

    તેણે જલદી ઘેર પહોંચી જવા દોડવા પ્રયત્ન કર્યો. થોડું દોડ્યો પણ ખરો. જાણે પાછળ કોઈ દોડતું આવતું હોય તેમ તેને લાગ્યું, પણ તે પાછળ જોવા હિંમત ન કરી શક્યો.

    અનેક ભયોને તેણે નાનપણમાં જાગ્રતમાંથી અજાગ્રતમાં હડસેલી દીધા હતા. આજે ઓચિંતા જ તે બધા એ અજાગ્રતમાંથી અતિ-જાગ્રતમાં આવી ભીંસાભીંસ કરી રહ્યા, ઘમસાણ મચાવી રહ્યા.

    દુઃખમાં દુઃખ ઉમેરાય તેમ તેને આજે જ પ્રબોધે કહેલું એક વાક્ય યાદ આવ્યું :

    ‘એ નીલી મંગળનો એવો જીવ લેતી’તી કે ભૂત થઈને એને વળગી નથી એ જ નવાઈ.’

    ખરેખર નીલી ભૂત થઈ હોય તો? આ બધા એના જ ચાળા હોય તો? શશી ભૂતમાં માનતો નહોતો. આ બધી એના મનની જ ભ્રમણા હતી. એ આ ઘડીએ પણ એ સમજતો હતો, છતાં એ કલ્પનાએ તેને પાંગળો બનાવી દીધો.

    તે જોરથી આગળ ધસતો જતો હતો. મનમાં ચંડીપાઠ કોણ જાણે કેવી રીતે યાદ કરી આવડે એવો બોલી જતો હતો. ગામ નજીક આવતું જતું હતું, પણ સ્મૃતિ એનો કેડો છોડતી નહોતી. 

    તે દિવસે સાંજે જ્યારે એ પોતા પાસે આવી ત્યારે ભલે ને દંભ ખાતર પણ પોતાને વારવાનો નીલીએ કેટલો પ્રયત્ન કર્યો હતો?

    ‘તમને મંગળના સોગંદ, કશું કરો તો,’ તેણે કહ્યું હતું.

    છતાં પોતે તો બધું ઘોળીને પી ગયો હતો.

    ‘અને છતાં આજે પોતે સતો થઈ મને કુલટા કહેતો હતો, કેમ?’ નીલી ભયંકર રીતે હસી તેની સામે બોલી રહી હોય એવું એને લાગ્યું. ‘મિત્રદ્રોહી, હરામખોર!’

    તેનો શ્વાસ જોરથી ચાલતો હતો, છતાં શાલને શરીર આસપાસ જોરથી વીંટતો જતો તે ચાલી જતો હતો. જરા દૂર તેની સામે કશુંક મોટું ઝાડ જેવું ઊભું થયું હોય તેવું તેને લાગ્યું. એવું કશું ત્યાં નહોતું તેની તેને ખાતરી હતી. એ વળી શું હશે? તેણે ઊંચે જોયું.

    એ ઝાડ ઉપર બેઠી બેઠી નીલી–જુવાન, તંદુરસ્ત, મોહક નીલી – તેને આમંત્રતી હતી, તેના બાહુપાશમાં લપાવા. આંખ મીંચીને તે આગળ ચાલ્યો. થોડે ગયા પછી જ તેને ખ્યાલ આવ્યો કે એ તો માત્ર માણેકચોકનો થાંભલો હતો. ઝાડબાડ કશું નહોતું.

    પછી તો ઘર સુધી તે દોડી ગયો.

    ઘરનું બારણું ખખડાવતો તે ઊભો હતો ત્યારે તેનાં અંગેઅંગ ધ્રૂજતાં હતાં. આટલી સખત ટાઢ છતાં તે તો પ્રસ્વેદથી ભર્યો હતો!

    તેને જોતાં જ પત્નીએ કહ્યું :

    ‘હાય! હાય! તમને તો ઠંડી ચડી ગઈ લાગે છે. આખું શરીર ધ્રૂજે છે.’

    ‘કશું નથી, સૂઈ જવા દે’. કહી તે પથારીમાં ધબ દઈને પડ્યો.

    શશી ખરેખર ભય પામ્યો હતો. રાત્રિના પણ અર્ધજાગ્રત અર્ધનિદ્રિત અવસ્થા દરમિયાન નીલીના જ વિચારો અને સ્વપ્નોએ તેને આખો ને આખો ઘેરી લીધો.

    સવાર પડી. તે તો અર્ધનિદ્રામાં પડ્યો હતો. તેની પત્ની તેના કપાળે પાણીનાં પોતાં મૂકી રહી હતી, કેમ કે તેને તાવ ચડી આવ્યો હતો. રાતના પણ એક-બે વાર તે ઝબકી ગયો હતો તે તેણે જોયું હતું.

    શશીએ આંખ અર્ધી ઉઘાડી અને તરત જ મીંચી દીધી. તેણે પત્નીના હાથને બળપૂર્વક માથા આગળથી હઠાવી દીધો.

    ‘હજીય મારો કેડો છોડતી નથી? મારો જાન લેવો છે?’

    પત્નીએ પોતું ભીનું કરી કપાળે મૂક્યું.

    માથા ઉપર મૃદુતાથી હાથ ફેરવતાં તેણે કહ્યું :

    ‘તમને થયું છે શું? કાલ રાતના આમ કરો છો તે?’

    શશીએ આંખો બરોબર ઉઘાડી. એ જ ઘર, એ જ પ્રેમાળ પત્ની, સૂર્યનો મીઠો તાપ, બધું તેણે જોયું. તેની આંખોમાં અત્યાર સુધી ભરાઈ રહેલી નીલીની મૂર્તિ આપોઆપ દૂર હઠી ગઈ. તેણે ફરી આંખો ચોળી જોઈ. ત્યાં નીલી નહોતી. તેનું મોહક ઝેર પીરસતું સ્મિત નહોતું. ત્યાં તો માત્ર તેની પ્રેમાળ પત્ની, તેનું ઘર, સૂર્યનાં કિરણો હતાં.

    જરા બેઠો થવા પ્રયત્ન કરતાં તેણે પૂછ્યું :

    ‘તને કશું ન દેખાયું?’

     મને તે શું દેખાય? મને તો તમે જ દેખાઓ છો. તમે શું જુઓ છો?’ તેણે પૂછ્યું.

    શશીએ એક નિ:શ્વાસ નાખી કહ્યું :

    ‘કશું નહીં.’

    જે ખૂણામાં આખી રાત તેને નીલી વિધ વિધ સ્વરૂપે દેખાઈ હતી તે ખૂણામાં તેણે ભયભીત આંખે નજર કરી તો ત્યાં તો માત્ર કોઈ સુંદરીની છબી, હંમેશાં ટીંગાતી હતી તે, તે જ સ્વરૂપે ટીંગાઈ રહી હતી.

    ને આંખો મીંચી ફરી પાછો પથારીમાં સૂઈ ગયો.

    પત્નીનો મૃદુ સ્પર્શ તેના તપ્ત શરીર પર શાંતિ વરસાવી રહ્યો.

    આ પણ વાંચો

    🍁 ગિલાનો છકડો – જયંતિ ગોહિલ

    🍁 જીવ – જયંતિ ગોહિલ (માય ડિયર જયુ)

    🍁 જુમો ભિસ્તી – ધૂમકેતુ

    🍁 પોસ્ટ ઓફિસ – ધૂમકેતુ

    gujarati varta pdf, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા pdf, ગુજરાતી વાર્તા pdf, હિતોપદેશની વાર્તાઓ pdf, મહેનત વાર્તા pdf, શ્રેષ્ઠ પ્રેરક કથા, બોધ વાર્તા pdf, ગુજરાતી બોધ વાર્તા pdf, ગુજરાતી સાહિત્ય વાર્તા, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા, ગુજરાતી વાર્તા સંગ્રહ, વાર્તા gujarati pdf, varta gujarati pdf, ગુજરાતી પ્રેરક વાર્તા pdf, નવી વાર્તા pdf, વાર્તા ગુજરાતી સાહિત્ય, બોધ વાર્તા ગુજરાતી, બોધ કથા pdf, ગુજરાતી પ્રેરક વાર્તા, પંચતંત્રની 75 વાર્તાઓ pdf, ગુજરાતી બાળ વાર્તા pdf, બોધ કથા ટૂંકી ગુજરાતી, 101 inspiring stories in gujarati pdf, varta gujarati, હિતોપદેશની વાર્તાઓ

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *