11610 Views
ધૂમકેતુ ની શ્રેષ્ઠ વાર્તાઓ. ગુજરાતી ટુંકી વાર્તાઓમાં પ્રથમ પંક્તિના લેખક એટલે ધૂમકેતુ. જુમો ભિસ્તી, ગોવિંદનું ખેતર, રજપુતાણી અને પોસ્ટ ઓફીસ જેવી શ્રેષ્ઠ વાર્તાઓ આપનાર ધૂમકેતુની એક હ્રદયસ્પર્શી વાર્તા એટલે જન્મભૂમિનો ત્યાગ…best Gujarati story – Janmbhumi no tyag , Dhumketu
જન્મભૂમિનો ત્યાગ – ધૂમકેતુ
✍ ધૂમકેતુ
આજ પંદર વર્ષથી, ત્યાં ફરવા નીકળનારા સૌ તેને એ જગ્યાએ જોતા. રસ્તાની એક બાજુ ખાંચો હતો, અને તે ખાંચાની જમીન રસ્તાથી ઊંચી હોઈ, ધોરા જેવું લાગતું. આસપાસ બે ચાર મોટા પથરા પણ પડયા રહેતા. ઉપર નાનું પણ ઘાટી છાયાવાળું પીપરનું ઝાડ હતું. વાઘજી મોચી ત્યાં સવારમાં આવીને બધું સાફ કરતો. પછી પોતાનો જૂનો કોથળો પાથરી, પાસે પાણીની કૂંડી ભરી, છીપર પર ધીમે ધીમે પોતાનો સોયો ઘસીને તાજો બનાવતો.
આઠ વાગે ને ‘સૂરજનારાયણ’ રાશવા ચડે, ત્યારે વાઘજીની વહુ નંદુ માથા પર ભાત લઈને મોટો ઘૂમટો તાણી, નવી કાંબીનો મધુર રણકાર કરતી આવી પહોંચતી. તેની સાથે વાઘજીને પ્રાણથી પણ વધુ પ્યારો એવો એનો પુત્ર માવજી પણ હોય.
ધણી-ધણિયાણી એ ખૂણાને પોતાનો કિલ્લો માનતાં. એ અભેદ્ય ગઢને તેમણે જરા પાળ જેવું બનાવીને સાચવ્યો હતો. પીપરના થડમાં એક ખાડો ખોદી, વાઘજીએ પોતાની ચલમ માટે ધૂણી પણ બનાવી હતી. એક તરફ બે પથરા પર એક જૂના માટલામાં છલોછલ મીઠું પાણી છલકાતું. બે કાચલીઓ ભેગી કરી વાઘજીએ કોઈમાં લેપી, કોઈમાં મીણ, તો કોઈમાં દોરા ભર્યા હતા. એક તરફ વાઘજીનો હોકો પણ બાદશાહી ઠાઠમાં બિરાજતો હોય! હંમેશા આઠ વાગે નંદુ ભાત લાવે એટલે ધણીધણિયાણી વાતો કરતાં જાય, ને ભાતમાં લૂખો રોટલો ને બે-ચાર મરચાં હોય તેમાંથી વાઘજી પોતાની શિરામણી શરુ કરે.
માવજી એ વખતે પોતાના પિતાનું સિંહાસન ખાલી ન પડે માટે પેલા જૂના કોથળા પર બેઠો હોય અને એકાદ ઓજાર છીપર પર ઘસતો હોય, તે વખતે હોકાની નળી મોંમાં લઈ, વાઘજીની પેઠે ગુડગુડ કરવાનો ઢોંગ કરી, સાવ ખોટા ધુમાડા કાઢતો હોય! ધણી-ધણિયાણી છોકરાની આ હોશિયારી જોઈ હસતાં, ને નંદુ તો વાઘજીને હસતી હસતી કહેતી : ‘તમતમારે જૂનાં ખાસડાં સાંધ્યા કરો, પણ મારો આ, શે’રમાં સંચે સીવીને બૂટ વેચશે…!
‘ વાઘજી સંતોષથી માવજી તરફ જોઈ રહેતો, અને તેમાં પણ જો છોકરો પલાંઠી વાળીને પગ પર પગ ચડાવી કોઈ મોટા માણસની પેઠે બેઠો હોય તો પછી તે દિવસે જોઈ લ્યો વાઘજીનો રંગ! મનમાં ગણગણતાં ગણગણતાં એક પછી એક ટાંકો દેતો હોય કે દોરો ખેંચી કાઢતો હોય, પણ છોકરો સવારે મોટાની માફક બેઠો હતો એ ધૂન તો તેના મગજમાં ચાલતી જ હોય!
કટકબટક શિરામણ કર્યા પછી વાઘજી હોકો ગગડાવતો, માવજીભાઈ તેની સામે જોયા કરતો, ને નંદુ એક-બે ઠામ ઘસી, માટલામાં પાણી ભરી લેવા તૈયારી કરતી. પછી નંદુ છોકરાને તેડી ઘેર જતી, ને વાઘજી જૂના ખાસડાનું વર્ગીકરણ કરી પોતાની ઑફિસના ચડેલા તુમારને પહોંચી વળવા તરત જ કામે વળગતો. તેની પાસેથી રસ્તા પર આખા દિવસમાં હજારો માણસો પસાર થઈ જતા, પણ તેનું ધ્યાન પોતાના ટાંકામાં જ ચોંટયું હોય!
એ ઝપાટાબંધ વીંધ પાડતો હોય, દોરો ખેંચતો હોય, દોરો વણતો હોય, કે જૂના જોડાને ગંધાતા પાણીમાં બોળતો હોય. પણ ગમે તે નીકળે ને ગમે તે જાય પોતાના કામમાંથી બહાર નજર કરવાની તેને ટેવ પણ ન હતી ને ફુરસદ પણ ન હતી. માત્ર રસ્તા પર જનારના પગ પર તેની નજર અચૂક જરા ફરી જતી ને તરત જ તે પાછો પોતાના કામમાં મશગૂલ થઈ જતો.
બપોરે પાછું ભાત આવે ને સાંજે વાઘજી પોતાના કિલ્લામાં બધું સુરક્ષિત મૂકી પોતાનો હોકો ગગડાવતો ખભે ફાળિયું નાખીને ચાલી નીકળે. ચાલીને તેને પહેલવહેલા જવાનું શાકબજારમાં. ત્યાંથી કંઈક શાકભાજી લઈ, બીજી કાંઈ ખરીદી ન હોય તો માવજી માટે થોડીક ‘કેસરવાળી પીળી જલેબી’ લેતોકને તરત જ ઘેર પહોંચી જતો. બે પંખી માળામાં બેસીને એકબીજાની હૂંફમાં કાંઈ કાંઈ પ્રેમની વાતો કરે તેમ આ ગરીબ ધણીધણિયાણી રાત્રે કમાણીના હિસાબની, આવતા દશેરાના તહેવારની, કે માવજીને નવા કબજાની વાતો કરતાં.
ચાંદની ખીલી હોય તે વખતે રસ્તાની ધૂળમાં ખાટલો ઢાળી બેસતાં ને ત્યારે નંદુ માવજીના સગપણ વિષે વાત કરતી. તો વાઘજી વળી વહુના ઘરેણાની ચિંતા કરતો. આદર્શ ઘડવાની તમન્ના નહિ હોવાથી ને કાવ્ય લખવાની ફુરસદ નહિ હોવાથી, બન્ને જણાં આવી કલ્પના કરીને આશાનો રસ જીવનમાં ઉતારતાં. નંદુની કાલ્પનિક ‘વહુ’ને વાઘજીનાં કાલ્પનિક ‘ઘરેણાં’ એ બન્ને હમેશાં મળતાં ને હમેશાં વેરાઈ જતાં!
છતાં, એ ગરીબ ઘર સાદુ, શાંત ને સુઘડ હતું, ને ત્રણે જણાં એકબીજાની હૂંફમાં ગરીબીનાં આંસુ ભૂલી સાદા જીવનનો આનંદ લઈ રહ્યાં હતાં.
- —– #અમર_કથાઓ —–
શહેરમાં એક ફેરફાર થયો.
વાઘજી બેસતો તે સરિયામ રસ્તો હતો. એ રસ્તો ખાસ કરીને ધોળાં લૂગડાંવાળા ઊંચ વર્ગ માટે હતો. આજે વાઘજી આવીને પોતાની ‘ઘોલકી’ વાળીચોળીને સાફ કરી રહ્યો હતો, ત્યાં એણે જોયું કે ગોઠણ સુધીના ચામડાના હોલબૂટ પહેરી એક સા’બ’ ત્યાં ફરી રહ્યો હતો. એક હાથમાં નાજુક નેતરની સોટી રાખી હતી. ચારે તરફ નજર ફેરવતો તે આમથી તેમ આંટા મારતો હતો.
સફાઈ કામદારો રસ્તો વાળીચોળીને સાફ કરતા હતા, ને પાછળ ધડ ધડ પાણીની ગાડી ચાલીને ધૂળ બેસાડી દેતી હતી. આઠ વાગ્યા પણ આજે નંદુ ભાત લઈને આવી નહિ. નવ થવા આવ્યા ને વાઘજી રાહ જોઈ જોઈને થાક્યો, પણ ક્યાંય નંદુ દેખાઈ નહિ એવામાં અચાનક પેલો સા’બ ફરતો ફરતો આવી પહોંચ્યો. તે વાઘજીના કિલ્લા પાસે અટક્યો.
‘રામુ!’ તેણે બૂમ પાડી.
બનાતનો પટો બાંધીને છેડે અદબસર ઊભેલો એક માણસ તેની પાસે હાજર થયો.
‘આ કોણ છે? રસ્તા પર ચામડાના ઢગલા શા?’
રામુના જોડાને હજી બે દિવસ પહેલાં જ વાઘજીએ એક થીગડી મફત મારી હતી એટલે તેણે કાંઈક બચાવવાનો પ્રયયત્ન કર્યો.
‘હા જી! એ તો મોચી છે. આ એની દુકાન છે. ઘણા વખતથી છે.’
સાહેબે નેતરની સોટીનો ઉપલો રૃપાના હાથાવાળો ભાગ મોમાં નાખ્યો : ‘રસ્તા ઉપર ખુલ્લી દુકાન શું?.. ચાલો ગવર્નર સાહેબની સવારી નીકળે તે પહેલાં એને બધો સામાન ઉપાડી ચાલ્યા જવાનો હુકમ કરો. જલદી થાય, દસ પહેલાં!’
આટલો હુકમ કરી સોટીને પોતાના ચામડાના બૂટમાં પછાડતો તે ત્યાંથી ચાલ્યો ગયો.
‘કોણ હતું રામભાઈ?’ વાઘજીએ રામુને પૂછ્યું.
‘નવા ફોજદાર સાહેબ. પણ ભાઈ! હવે જમાનો બદલાયો છે, નકર આવા ઓછા પેટા અમલદાર હોય? ગરીબ માણસ બિચારો બે પૈસા કામી ખાય છે, એમાં એના બાપનું શું જાય છે? હોં પણ ભાઈ, અમલ! અમલ કોને કે’?’
‘શું કીધું ફોજદારસા’બે?’
‘બીજું શું? આજ કાંઈ કોઈનું સારું થાય એમ ઓછું જ છે? પણ હું તને હેરાન કરું તો તું મને શું દે, એના જેવી વાત. આ એમ, કે ગવર્નર સાહેબ આવે છે ના, તે તને રસ્તા ઉપર બેસવા દેવો નહિ!’
વાઘજીની પીપરનાં પાન ખખડયાં. વાઘજીને અત્યારે એનો અવાજ ભવિષ્યની આપત્તિ જેવો લાગ્યો. તે જરાક ખિન્ન થયો.
‘અરે, ભાઈ! મારી ગરીબની રોજી…’
‘હવે એનું તારે શું કામ? પાછા અમે ને અમે સાંધી દેશું. હમણાં બે દિવસ ફરી ગયા.’
‘પણ આ મોકાનો મારગ…’
‘હવે મોકાનો મારગ ને બીજો મારગ, તારે ક્યાં મફત પૈસા લેવા છે? અને બે દિવસ ફરી જા ને. પછી વળી સાહેબને સમજાવીશું.’
એટલામાં ફોજદાર સાહેબ પાછા વળતા દેખાયા. સફાઈ કામદારો ધ્યાન રાખીને વાળવા મંડયા હતા.
‘વાઘજી! તું સામાન ફેરવવા મંડી જા. એનો હમણાં કોયડો ફાટે છે,’ રામુએ કહ્યું.
વાઘજીએ અત્યંત દુ:ખથી જૂના ખાસડાં કોથળામાં ભર્યા. કાચલીઓ અંદર મૂકી, પાણી ઠાલવી માટલું હાથમાં લીધું ને ધીમેથી ત્યાંથી ઊતર્યો. ફોજદાર ત્યાંથી પસાર થતા હતા, તેણે માટલાવાળા હાથે સલામ કરી, ખાસડાંનો કોથળો જરા નીચે મૂક્યો, અને તેની સામે જોઈ અરજ કરવા લાગ્યો.
‘સા’બ! મારી ગરીબની અરજી…’
નંદુ મોડી મોડી પણ માવજીને તેડીને આવતી હતી, તે વાઘજી પાસે થોભી ગઈ.
‘ઘેર હાલ્યા કે શું?’ તેણે ઘૂમટામાંથી જ પૂછ્યું. વાઘજી તેની સામું જોયા વિના સા’બ સામે જોઈ રહ્યો હતો. સાહેબે મોઢાથી સિસોટી વગાડતાં વગાડતાં રસ્તા પર લાંબી નજર ફેંકી, બધે સાફ થયું એમ જોઈ લીધું ને વાઘજી તરફ દ્રષ્ટિ ફેરવી.
‘સા’બ! મારી ગરીબની અરજી…’ વાઘજી હજી બોલ્યા કરતો હતો. સા’બ સાંભળતા છતાં ન સાંભળતા હોય તેમ ‘નિર્લેપ’ ઊભા હતા! એટલામાં એક પટાવાળાએ સાહેબની પાસે આવીને સલામ કરી એક કાગળ આપ્યો. સાહેબે કવર ફોડયું, ને કવરની ઉપલી ફાડેલી કોર નીચે પડી, તેના તરફ જરાક જોઈ કાગળ વાંચવા મંડયા. પટાવાળો સાહેબનું મન કળી ગયો. તેણે તરત એ કોર લઈને ડૂચો કરી પોતાના ખીસામાં મૂકી દીધી.
‘સા’બ! મારી અરજી…’
સાહેબના હાથમાંથી ખાલી કવર નીચે પડી ગયું. વાઘજી ઉતાવળે માટલું હેઠું મૂકી, પોતે સાહેબને કવર દઈ શકે એ લોભમાં આગળ વધ્યો. સાહેબે એના તરફ જરાક કરડાકીથી જોયું. પણ ધૂ્રજતા હાથે એણે કવર લઈને સાહેબ આગળ ધર્યું. સાહેબે તેની સામે જોયું નહિ, પણ કાગળમાંથી માથુ ઊંચુ કરી અચ્છા ‘ચિમનલાલ કુ ભેજો’ એટલું કહી પટાવાળાને જવાની નિશાની કરી.
‘સા’બ! મારી અરજી…’ ધ્રુજતા હાથે હજી વાઘજી પેલું કવર સા’બને આપવા ધરી રહ્યો હતો.
‘તુમેરા સબ સામાન લે કર ઇધરસે જલદી ચલે જાઓ.’ સાહેબે વાઘજીને એકદમ હિંદુસ્તાનીમાં જવાબ આપ્યો. સાહેબ ચાલ્યા ગયા. વાઘજી નિરાશ થઈને પાછો ફર્યો, ને તેનું જૂનું માટલું ઉતાવળમાં નીચે મૂકતાં ફૂટી ગયું હતું તે જોઈને હસ્યો : ‘આણે પણ રજા લીધી! આવું માટલું પણ નહિ મળે!’
‘અરે! જાઓ રે, તમે તો ભાયડા માણસ થઈને આમ શું નાખી દેવાની વાત કરતા હશો! શું આવું માટલું નહિ મળે? શું કીધું સાહેબે?’ નંદુએ પૂછ્યું.
‘હવે હાલ ઘરભેળાં થઈએ, નકર રહ્યાંસહ્યાં જૂનાં ખાસડાં પણ જાશે. આ માટલાએ રજા લીધી. એણે થોડાં ઠંડા પાણી પાયાં છે? વાઘજીએ જવાબ વાળ્યો.
પીપર ઉપર એક દ્રષ્ટિ નાંખી, વાઘજી તે દિવસે બેરોજગાર થઈ ઘેર ચાલ્યો ગયો.
‘આજ તું કેમ મોડી?’ રસ્તામાં વાઘજીએ પૂછ્યું.
નંદુને વાઘજીના સ્વભાવની ખબર હતી. પહેલેથી જ તેણે સાવ સાદું ને શાંત જીવન ગાળ્યું હતું, એટલે જરાક અટપટી અડચણ આવતા હેં- હેં- ફેં- ફેં થઈ જતો. નંદુએ જરા વિચાર કરીને જવાબ વાળ્યો : ‘હું તો આજ ના – પીટયું આજ તો તાવ- જરા…ક માથું દુ:ખે છે!’
વાઘજી શૂન્ય દ્રષ્ટિથી એની સામે જોઈ રહ્યો : ‘આજ તો દી જ એવો ઊગ્યો છે. સા’બે આંહી બેસવાની ના પાડી, રોજી ગઈ, માટલું ફૂટયું ને હવે તને તાવ…’ તેણે નંદુના હાથ પર હાથ મૂક્યો. હાથ તાવમાં ફફડતો હતો : ‘આ તારો જરાક તાવ?’
‘તે ઇમાં શું? તાવ તો આવે? ઇ તો આવે ને ઊતરે.’ નંદુએ હિંમતભેર કહ્યું. પણ વાઘજીના પગ ભાંગી ગયા હતા. બન્ને ઘેર ગયાં, પણ તે દિવસથી એ ગરીબ ઘરના વિનાશના ગણેશ મંડાયા.
રોજી તો ગઈ જ. અને નંદુનો તાવ પણ એકદમ ઊતર્યો નહિ, તે વધારે ને વધારે લેવાતી ગઈ : અને ઘરમાં પણ કેટલાક દીનું હોય? થોડાક દિવસ તો જેમતેમ પસાર થયા : પણ છેવટે ભૂખમરો સામે ઘૂરકતો ઊભો.
એક દિવસ વાઘજી નંદુ માટે રાબ કરતો હતો. રાડાં સળગાવીને રાબ કરતો હતો. એટલે બે કામ થાય. રાડાં સળગે એટલે દીવાનું પણ કામ સરે. આજે હવે ઘરમાં છેલ્લી ખરચી ખૂટી હતી.
‘તમે કાંઈ જમ્યા?’ નંદુએ પૂછ્યું.
વાઘજીના પેટમાં બે દિવસના અરધા ઉપવાસ હતા. તે ઉપરથી હસ્યો : ‘હું તો તારી પહેલાં જમ્યો!’
ધ્રુજતા હાથે રાબનો વાટકો લઈને નંદુ તેની સામે જોઈ રહી : ‘ધારો કે હું મરી જાઉં તો તમે આમ ભૂખ્યા જ પડી રહેવાના ને? જરાક તો ખાવાપીવાનું ભાન રાખો. આ છોકરો સુકાઈ ગયો, મારો મોરલા જેવો…’ નંદુ વધારે બોલી શકી નહિ. ટપટપ આંસુ પાડીને વાઘજી રોઈ રહ્યો હતો!
—– #અમર_કથાઓ
‘અરે! હું તો અમથી વાત કરું છું.’ એટલામાં માવજી દોડીને માની છાતીમાં માથું ભરાવી ડૂસકાં ભરવા લાગ્યો. ‘કાલ છે કાંઈ ખાવાનું? આનું- ફૂલ જેવાનું શું થાશે?’
વાઘજીએ નિ:શ્વાસ મૂક્યો.
‘તમે કાલે રોજી પર જાઓને, મને હવે કાંઈ પાણા ય પડવાના નથી.’
‘ઓલી મોકાવાળી જગ્યા ગઈ, ને બીજામાં કાંઈ પેદા થાતું નથી.’
‘હાય રે! શું કીધું, સા’બે મારા પીટયે!’
‘ના પાડી; ત્યાં બેસવાનું નથી.’
‘ગવંડરની સવારી તો હવે હાલી ગઈ છે તો ય?’
‘હા.’
જ્યારે છેલ્લું વાસણ વેચાઈ ગયું ત્યારે નંદુ તદ્દન સાજી થઈ ગઇ હતી. પણ આ જ આખા દિવસમાં એ કુટુંબને માત્ર બે પૈસા પર ચલાવવું પડયું હતું. વાઘજી તે દિવસે રોજીએ ગયો હતો પણ પેલી મોકાવાળી જગ્યા પર તો તેનો પગ હવે કોઈ ઠરવા દેતા જ નહિ, ને બીજે તેવી ઘરાકી જામે તેવો મોકો હતો નહિ. આજ એ કુટુંબ પહેલવહેલું રાત્રે ભીખ માગવા નીકળ્યું.
વીજળીની રોશની વચ્ચે અનેક સુખી યુગલ આનંદ કરતાં હતાં, પણ આ ભિખારી તરફ જોવાની કોઈને દરકાર ન હતી. તે ધીમે ધીમે આગળ ચાલ્યો. સિનેમા પાસે લોકોનો ઠઠેરો જામ્યો હતો, ને કેટલાક જુવાનો નિશ્ચિંત હાસ્ય કરતા હતા. તેનો લાંબો થયેલો હાથ દરેક વખતે ભોંઠો પડયો ને નંદુને થાક આપવા તે એક પાણીના નળ પાસે બેઠો ત્યારે પાણી સિવાય બીજું કાંઈ તેની પાસે હતું નહિ!
થાક ખાઈને તે આગળ વધ્યો. એક ઠેકાણે ‘સુભદ્રાહરણ’ વંચાતું હતું ને ગોળમટોળ ભટજી પાસે કેટલાક સીધાના થાળ પડયા હતા! ભટજી સ્ત્રીની પેઠે ઝીણાઝીણા સ્વર કાઢી લોકોને હસાવતા હતા. વાઘજીના કાલાવાલા એ સભામાં બેદરકાર કાન પર પડીને પોતાના જ મોં પર શરમની જેમ વેરાઈ ગયા!
વૃદ્ધ ન છતાં વૃદ્ધ જેવો તે આગળ ચાલ્યો ગયો. બહુચરાજીના મંદિર પાસે આરતી ઊતરી રહી હતી, ને માતાજીના ભક્તો ‘જે જે’ કરી રહ્યા હતા. ભક્તિમાં વિઘ્ન હોય તેમ તેને સૌએ ધિક્કાર્યો. ભીખમાં ન ટેવાયેલું મન આઘાત પામ્યું ને માવજીને રોતો જોઈ તેના તરફ વળ્યું. એક જુવાન નીકળ્યો. તેની પાસે તેણે સહજ જ હાથ લાંબો કર્યો ને આંખ માની શકે તે પહેલાં તેના હાથમાં એક પૈસો પડયો. તેના હાથને એક પૈસાનો ભાર પણ જણાયો. સામેની દુકાનેથી દોડીને તે દાળિયા લઈ આવ્યો. પોતાનાં બન્ને વહાલસોયાંને ખાતા જોઈને તેણે આકાશ સામે જોયું ને તેના ગાલ આભારનાં આંસુથી ભીના થવા લાગ્યા.
એ રાત્રિ તે એક દુકાન ઉપર પડયો રહ્યો. સવારે પાંચ વાગ્યે વહેલાં ઊઠવાવાળાં થોડાંક સાવધાન કૂતરાં જ ઊઠીને ભૈરવથી પોતાનું ગળું સાફ કરતાં હતાં. બજાર તદ્દન શાંત હતું ને સફાઈ કામદારોના સાવરણા માત્ર ફરતા હતા. કોઈ કોઈ જગ્યાએ સ્ત્રી વહેલી ઊઠી વાસણ માંજતી હતી કે દાતણ કરતી હતી. વહેલો નીકળેલો માત્ર એક ફકીર ક્યારેક કાંઈ ગાઈને તરત બંધ થઈ જતો હતો. બાકી બધું સુનકાર હતું. એ વખતે વાઘજી ઊઠયો ને માવજીને તેડી નંદુ સાથે ચાલ્યો. પોતાની જૂની ઘોલકી પાસે જઈ એક વખત પ્યારથી પેલી પીપરને ભેટયો. નાના બાળકની માફક રોયો, ને પછી કઠણ હૈયું કરી ચાલી નીકળ્યો. નંદુ આ બધો તાલ જોઈ રહી હતી. તે હવે બોલી : ‘આપણે ક્યાં જાવું છે?’
‘આપણે હવે આ થાનક છોડી દેવું છે!’
‘હેં! કેમ છોડવું છે? ક્યાં જાશું?’
‘ગમે ત્યાં.’
‘આંહી હવે આ થાનક વના કામની ધૂન નહિ જાગે, ને એ થાનક ફોજદારે છોડાવ્યું.?
‘હવે ઇમાં તે શું? આપણે ગરીબને વળી થાનક કેવાં?’
‘ના, ના, આ જનમભોમકા હવે કળજુગથી ભરાઈ ગઈ છે. રાજાના જેવી મોલાતો પાસેથી આપણે ભૂખ્યાં નીકળ્યાં ને કોઈએ કટકો રોટલો દીધો નહિ! જે જમીન પર બેસી શેર બાજરી પેદા કરતાં તે જમીન પર વીજળીનો થાંભલો થઈ ગયો! ધરતીમાંથી હવે અમી ખૂટયાં છે માટે આપણે બીજે ચાલો. આંહી જેવારો નહિ થાય.’ અને તે આખું ગરીબ કુટુંબ ત્યાંથી ચાલી નીકળ્યું.
હવે એ રસ્તા પર વાઘજીની દુકાન નથી. વાઘજી જતાં પેલી પીપરનું ઠૂંઠું થઈ ગયું છે. એક વીજળીનો થાંભલો ને તે ઠૂંઠું એવા બે જડ દોસ્તારો રસ્તા પર છેટે સુધી નજર નાખતા ઊભા છે.પણ હજી વરસમાં એક દિવસ એક મજૂર જેવો માણસ રાત્રે લપાતોછૂપાતો ત્યાં આવે છે ઠૂંઠાને ભેટી છાનોમાનો ચાલ્યો જાય છે! પણ આ બધું વરસમા એક દિવસ બને છે www.amarkathao.in
જુમો ભીસ્તી 👈
રજપુતાણી 👈
✍ ધૂમકેતુ
best Gujarati story – Janmbhumi no tyag – Dhumketu, ધૂમકેતુની વાર્તાઓ.
Pingback: "સિંહાસન બત્રીસી" બીજી પૂતળીની વાર્તા ભાગ 3 - AMARKATHAO
Pingback: સંસ્કાર સાહ્યબી - નટવરભાઈ રાવળદેવની વાર્તા 1 - AMARKATHAO
Pingback: રજપુતાણી | ધૂમકેતુ ની શ્રેષ્ઠ વાર્તાઓ - AMARKATHAO
Pingback: જક્ષણી વાર્તા - રામનારાયણ પાઠક | Jaxani Best Gujarati stories - AMARKATHAO
Pingback: કાશીમાની કૂતરી વાર્તા | Kashima Ni Kutari | Gujarati Best story - AMARKATHAO
Pingback: એક ટૂંકી મુસાફરી - ધૂમકેતુ ની શ્રેષ્ઠ વાર્તાઓ - AMARKATHAO
Pingback: ગુજરાતી સાહિત્યની 50 યાદગાર વાર્તાઓ - AMARKATHAO