Skip to content

જક્ષણી વાર્તા – રામનારાયણ પાઠક | Jaxani Best Gujarati stories

જક્ષણી વાર્તા - રામનારાયણ પાઠક
3174 Views

જક્ષણી વાર્તા – ગુજરાતી શ્રેષ્ઠ વાર્તાઓમા આજે વાંચો. જેના લેખક છે, રામનારાયણ પાઠક. તેમની વાર્તાઓમા ખેમી, જક્ષણી, રજનુ ગજ, કોદર, સૌભાગ્યવતી, જમનાનુ પુર વગેરેનો સમાવેશ થાય છે, તેઓ દ્વિરેફ ઉપનામથી જાણીતા છે, તેમના વાર્તાસંગ્રહો દ્વિરેફની વાતો ભાગ 1-2-3 મા સમાવવામા આવેલ છે. Jaxani varta Ramnarayan Pathak, dviref ni vato, jakshani story

જક્ષણી વાર્તા – દ્વિરેફની વાતો

હું ભાતું કરતી હતી, ત્યાં એમના પગ સંભળાયા. હું એમના પગ બરાબર વરતું છું. ક્યારે ગમગીન હોય છે, ક્યારે ઉત્સાહમાં હોય છે, ક્યારે વિચાર કરતા કરતા ટહેલતા હોય છે, એ બધું હું વરતું છું. એમના પગ ઉત્સાહથી ઊપડ્યા, નજીક સંભળાવા લાગ્યા. અંદર આવીને કહે: ‘કેમ?’ પણ મને ભાતું કરતી જોઈ અચકાઈ ગયા. ‘કેમ, આ શું આદર્યું છે?’

મેં કહ્યું: ‘ભાતું કરું છું. બપોરની ટ્રેનમાં જાઉં છું.’

‘પણ ક્યાં? શા માટે જાય છે?’

‘મારા અક્ષર સુધારવા અને તમારો અભ્યાસ વધારવા.’

એક વખત હું લાંબે વખતે મળી, મારા મનમાં એ કે એ શું શું કહેશે, ત્યારે ધીરે રહીને કહે કે, ‘જુદા રહેવાથી ફાયદો થાય છે. સ્ત્રીઓના અક્ષરો સુધરે છે, કારણ કે સ્ત્રીઓ તે દરમિયાન કાગળો લખે છે, તે સિવાય તેમનો લખવાનો મહાવરો થતો જ નથી.’ અને હું ભેગી હોઉં ત્યારે લગભગ હંમેશ જ ફરિયાદ કરે છે કે મારે લીધે પોતાનો અભ્યાસ આગળ ચાલી શકતો નથી.

‘પણ મારા ખાવા કરવાનો કાંઈ વિચાર કર્યો? આ મોતી શું કરશે?’ મોતી અમારી કૂતરી હતી. મોતી જેવી સફેદ, સુંદર, સુંવાળી.

મેં કહ્યું: ‘હિંદુસ્તાનમાં કામ કરનારને ખાવા નથી મળતું પણ કામ નહીં કરનારને મળી રહે છે. માણસને નથી મળતું, પણ કૂતરાં, કીડીઓ, મંકોડા, માછલાં એમને મળી રહે છે. તો મને તમારી કોઈની ચિંતા થતી નથી.’

‘ભલે, જવાની ના નથી, પણ ક્યાં જવું છે?’

પૂરીઓ વણતાં વણતાં મેં કહ્યું: ‘છૂપી પોલીસો અને ગુના પકડ્યાની વાતો લખો છો ત્યારે એટલું તમારી મેળે જ શોધી લેજો.’ કદાચ એમના આવ્યા પહેલાં મારે નીકળવું પડે. માટે મેં ચિઠ્ઠી લખીને, તેમના જોવામાં આવે એમ, એમની અધૂરી લખેલી વારતા ઉપર, દબાવીને મૂકી હતી.

‘તારી આંખોમાંથી તો કાંઈ એક્સ–’

‘ગુજરાતીમાં બોલો.’

‘ક્ષ–કિરણો નીકળે છે.’

મેં પૂરીઓ તળતાં જવાબ આપ્યો: ‘ક્ષ નહીં, એથી જરા આગળ જ્ઞ-કિરણો નીકળે છે.’

‘ત્યારે એ જ્ઞ-કિરણો વડે જરા પ્રેમાનંદનાં નાટકો કોનાં છે તે કહો ને મારાં સર્વજ્ઞા બાઈ! બિચારો ‘જ્ઞ’ ઘણા વખતથી મહેનત કરે છે, તેમને મદદ થશે. તે દહાડે આપ્યાં પણ વાંચ્યાં કેમ નહીં?’

‘ચાલો’; મેં પીરસ્યું. ‘જમતાં જમતાં વાત કરો. તમે કહેતા હતા કે પ્રેમાનંદની કૃતિઓ સ્ત્રીબાલવૃદ્ધ સર્વને ગમે તેવી છે. આ નાટકો અમને ગમતાં નથી તો એ પ્રેમાનંદનાં નથી એમ સાબિત થયું કે નહીં? હવે તમે ખુશીથી કહી શકો કે નાટકો પ્રેમાનંદનાં નથી.’

‘હું એમ પ્રસિદ્ધ કરું કે મારી પત્નીને એ નાટકો ગમતાં નથી માટે એ પ્રેમાનંદનાં નથી? વાહ!’

મેં કહ્યું: ‘વાહ કેમ? મારો અભિપ્રાય પ્રસિદ્ધ કરતાં શરમાશો? તમે તો એવા ને એવા રહ્યા, અને પેલા ભાઈએ ગાંધીજીનું મોઢું ગમે કે નહીં એ પોતાની બૈરીને પૂછીયે લીધું, અને પ્રસિદ્ધ પણ કર્યું! તમે તો કોઈ મહાજન વિશે મને પૂછ્યું પણ નહીં!’

‘લે, હું એક અગત્યના મોઢા વિશે પૂછું.’

‘પૂછો.’

‘મારું મોઢું તને ગમે છે?’

‘પણ તમે મહાજન છો?’ મેં કહ્યું.

‘એક અંગ્રેજ લેખક એક સ્ત્રીપાત્ર પાસે કહેવરાવે છે કે ઇંગ્લૅન્ડનો પ્રધાન કોણ છે એ કરતાં મારો ધણી કોણ છે એ મારે અગત્યનો પ્રશ્ન છે. તો મોઢાની બાબતમાં કોઈ બીજાના મોઢા કરતાં મારા મોઢાનો પ્રશ્ન વધારે અગત્યનો ખરો કે નહીં?’

મેં કહ્યું: ‘અને ના પાડીશ તો શું કરશો?’

‘તું જે કહીશ તે.’

‘ત્યારે તમારું મોઢું આ પંદર દિવસ નહીં ગમે; અને કહું છું આગ્રાની ટિકિટ લઈ આપો.’

એકદમ ગંભીર થઈને પૂછ્યું: ‘કેમ કમળાને ઠીક નથી?’

મેં કહ્યું: ‘કંઈ ગંભીર નથી પણ ઑપરેશન કરાવવું પડશે એવો તાર છે. ઝનાના ઇસ્પિતાલ એટલે ઓઝાથી મળી પણ નહીં શકાય, હું એટલા દિવસ કમળા સાથે રહીશ.’

ઓઝાદંપતી અમારાં સ્નેહી હતાં.

જગતમાં પત્ની વિનાના સધુરની સ્થિતિ બહુ વિચિત્ર છે. એટલી બધી વિચિત્ર છે કે તેને માટે શબ્દ પણ નથી જડતો. સ્ત્રી પરણી ન હોય તો કુમારિકા, ધણી જીવતો હોય તો સૌભાગ્યવતી, ધણી પ્રવાસે ગયો હોય તો પ્રોષિતભર્તૃકા, મરી ગયો હોય તો વિધવા. કુમારિકા એ સુખ સૌભાગ્યશૃંગારનું આલંબન, સૌભાગ્યવતી વાત્સલ્યનું, પ્રોષિતભર્તૃકા વિયોગના શૃંગારનું, વિધવા કરુણનું. પુરુષ પરણ્યો ન હોય તો? વાંઢો. પરણ્યા પછી? વળી પછી શું – પરણેલો, ધણી. સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો? તેનું નામ જ નહીં? રાંડ્યા પછી વિધુર. બિચારો! કોઈ પણ રસનું આલંબન નહીં: વાંઢો એટલે જગત બહારનો. પરણ્યા પછી જો સ્ત્રી તરફ આસક્ત હોય તો પોમલો; 

 એમ ન હોય તો લાગણી વિનાનો, નિર્દય અને સદાને માટે સ્ત્રીનું સૌંદર્ય ને સ્વાતંત્ર્ય હરી લેનારો! ધણી એટલે જ મૂર્ખ, વિધુર એટલે બીજી વાર પરણવાનો ઉમેદવાર, ફાંફાં મારનાર. સ્ત્રી મળે તો પાછો ધણી અને ના મળે તો વાંઢો. સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો? તો શું ‘કંઈ એક દિવસનું છે, કોને ઘેર જવાય?’ અથવા ‘થોડા દિવસ ગમે ત્યાં કાઢી નાખશે.’ પણ કોઈ દિલસોજી ધરાવે નહીં. દિલગીર દેખાવા જઈએ, પણ કોઈ દિલગીરીનું કારણ જ સ્વીકારે નહીં!

સ્ત્રી ન હોય તો થઈ શું ગયું? શું તમને ખાવા નથી મળતું? પહેરવા નથી મળતું? પૈસા નથી મળતા? શું નિરાધાર થઈ ગયા! તમને શી ખોટ છે? ઊલટું વિધુર એટલે થોડો વખત ધુરા-ધોંસરી નીકળી ગઈ! મને લાગે છે કે પુરુષને ધોંસરી ઉપાડવાની એટલી બધી ટેવ પડી ગઈ છે કે ધોંસરી વિના તેને અડવું લાગે છે. હું એક વાર ગાડામાં મુસાફરી કરતો હતો ત્યારે સાથે એક મકરાણી અધમણની જામગરીવાળી દેશી બંદૂક લઈ સાથે આવતો હતો. મેં કહ્યું: ‘જમાદાર, બંદૂક ગાડામાં મૂકી દો. કંઈ ભો જેવું નથી.’ જમાદાર કહે, ‘એ બોજ સે ઠીક ચલા જાતા હે.’ પ્રેમાનંદ કહે છે તેમ ધણી ‘સુરભિસુત’ છે તેને ધોંસરી વિના ખાલી ચાલવું ગમતું નથી.

એક દિવસ ઓઝાનો છોકરો મંદવાડમાંથી ઊઠ્યા પછી જમવા બેઠો હતો. જમી રહ્યો; કમળા કહે: ‘ઊઠ, મોં ધોઉં.’ કીકો ઊભો થયો અને રડવા લાગ્યો, કહે: ‘ચલાતું નથી; પગમાં કંઈ થાય છે, કાંટા વાગે છે.’ બેઠેલાં બધાં હસી પડ્યાં. તેને પગે ખાલી ચડી હતી. સ્ત્રી જાય છે તેથી ઝાઝું કાંઈ થતું નથી: હૃદયને ખાલી ચડે છે, હૃદય ચાલતું નથી તેને જરાજરા કાંટા વાગે છે, અને આપણાથી ન ચલાય તો લોકો હસે છે.

સ્ત્રીનું પુરુષ ઉપર કેટલું પ્રભુત્વ છે! આ બધા સ્ત્રીસ્વાતંત્ર્યની વાતો કરે છે. મને લાગે છે કે પુરુષસ્વાતંત્ર્યનો પ્રશ્ન વધારે વિકટ બનતો જાય છે.

હવે કરવું શું? શાસ્ત્રકારોએ કુમારિકા, સૌભાગ્યવતી, પ્રોષિતભર્તૃકા, વિધવા, સર્વનાં કાર્યોનો વિધિ રસના સિદ્ધાંત ઉપર ઠરાવેલો છે. પુરુષને માટે કશું લખ્યું નથી. પુરુષ પ્રોષિતપત્નીક હોય ત્યારે તેણે શું કરવું ને શું ન કરવું? નાહવું નહીં? પાણી ગરમ કર્યા વિના ચલાવી લેવું? ચા ન પીવી? ખરાબ કરીને પીવી? બહાર ખાવું? ઘેર ખાવું? હજામત ન કરવી? વાળ ન ઓળવા? ઓફિસમાં વખતસર ન જવું? રાત્રે દીવો ન કરવો? ખુરશીમાં ઊંઘવું? રાતે જાગી દિવસે ઊંઘવું? શું કરવું ને શું ન કરવું? ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.

અંતે ભૂખ લાગી. ભૂખ એ સારી વસ્તુ છે. કાંઈ ન સૂઝે ત્યારે એ સૂઝે છે. મેં કપડાં પહેર્યાં. ઊઠ્યો. કમાડ વાસવા ગયો ત્યાં પૂંછડું હલાવતી મોતી પાસે આવી. તે પણ અત્યાર સુધી ગમગીન થઈને બેઠી હતી. વિરહમાં કાવ્ય સ્ફુરે છે; મને નીચેનું કાવ્ય સ્ફુર્યું.

कच्चिद् भर्त्र्या: स्मरति रसिके! त्वं हि तस्या: प्रियेति। {कच्चिद् | भर्तृ स्मरति रसिक! त्वं हि तस्य: प्रियेति । – મેઘદૂત}

તેનો ગુજરાતી અનુવાદ પણ તરત જ સ્ફુર્યો:

‘ધણિયાણીને સ્મરછ કનિ તું વહાલી તેની હતી તે?’

તમને આમાં દોષો લાગશે. પણ મોતી તો સમજી ગઈ. મેં તેને થાબડીને ખુરશી ઉપર બેસાડી કમાડ વાસ્યું.

પહેલાં આવે પ્રસંગે એક વીશીની ઓળખાણ કરી હતી ત્યાં ગયો. જરા મોડું થયું હતું પણ હજી વીશી ચાલતી હતી. મહારાજ નવો આવેલો હતો, પણ જાણે ઘણાં વરસથી મને ઓળખતો હોય તેમ કહે: ‘ઓહો! સાહેબ, ઘણા દિવસે આવ્યા? આવા દૂબળા કેમ પડી ગયા? અહીં જમતા ત્યારે તો સારા હતા શરીરે?’ હું એની પ્રગલ્ભતાથી ઘણો ખુશ થયો. મને જાણે વિચાર કરવા, રમવા એક નવું જ રમકડું મળ્યું.

મેં કહ્યું: ‘હા મહારાજ, એટલે જ હવે તમારે ત્યાં જમવા આવવાનો છું. પીરસો.’

‘જે દી નવરો દીનોનાથ’ તે દી મહારાજને ઘડ્યો હશે. તેનો વર્ણ ધોળો હતો, બટાટાને બાફીને છાલ કાઢી નાંખીએ એવો ધોળો, અને તેની ઉપર કાળા, રાતા, પીળા તલની ઝીણી છાંટ હતી. તેનાં લથડબથડ અંગો જાણે ધસી ન પડે એટલા માટે, કાછિયો સૂરણ-બટાટાં ગાંસડીમાં બાંધે તેમ, કાળી ઝીણી પોતડીથી બંધ બાંધી બાંધેલાં હતાં.

પેટ મોટું હતું પણ આ બંધથી તેના બે ભાગ પડી જતા હતા, અને ઉપલા ભાગ ઉપર કાળું જનોઈ પરસેવાથી ચોંટી ગયું હતું, ઊભો રહે ત્યારે વચ્ચેથી પગ જરા વધારે પહોળા, ગોળાકાર રહેતા. અને પગલું લાંક વિનાનું ઊંટના જેવું પડતું. મોંમાં જાણે નીચલા જડબામાં એક નહીં પણ દાંતની બે હારો જેવું, અથવા આખા જડબામાં જાણે દાઢો જ હોય તેવું જણાતું હતું અને બ્રહ્મા ઘડીને એટલા ખુશ થઈ ગયેલા હશે કે માટી કાચી હશે એટલામાં જ તેને કપાળે અને બરડે થાબડ્યો હશે – કપાળ તરફ માથું એટલું ઢળતું અને વાંસો એવો બહાર નીકળેલો હતો.

મહારાજ પીરસતા હતા એટલામાં મેં મારી સાથે જમવા બેઠેલા ભાઈ રેવાશંકરનું ઓળખાણ તાજું કરી લીધું. તે મહારાજનો ઉપયોગ બરાબર સમજતા હતા. મહારાજે પીરસી લીધું એટલે રેવાશંકર કહે: ‘મહારાજનો સ્વભાવ બહુ સારો!’ મહારાજ પીરસી રહ્યા હતા પણ પાછા રસોડામાં ગયા, ઘીની વાડકી લઈ આવ્યા અને કાંઈ પણ જરૂર વિના મને બે ચમચા અને રેવાશંકરને બે ચમચા ઘી પીરસ્યું, અને પછી અમારી બેની સામે પગ પર પગ ચડાવી બેસીને, પગનાં તળિયાં પર ડોલતાં ડોલતાં હાથ ફેરવતાં ફેરવતાં બોલવા લાગ્યા:

‘મારો તો જીવ મોટો. અમે તરવાડી કોઈ દી લોભ ન કરીએ. આ શેઠ છે ને શેઠ, એ પંડ્યા, એમનો જીવ જરીક જેવડો. અમારી નાતમાં પાશેર તાંબાનું નામ પાડી અડધા ભાર ઓછા લોટાનું લહાણું કર્યું હતું. અમે તો લોટો સાચવી રાખ્યો છે; ભલેને અહીં નોકર હોઈએ, પણ નાતમાં સૌ સરખા. એમ કોઈની સાડીબાર ન રાખીએ. નાત વચ્ચોવચ સંભળાવી દઈએ. હું તો શેઠ હોય તોય નજર ચુકાવી ઘી પીરસી દઉં. બહુ કહે તો આ તારી નોકરી, જા, નથી કરતા. બ્રાહ્મણના દીકરા છીએ, હાથમાં ઝોળી લઈ માગી ખાતાં કાંઈ ઓછી જ શરમ લાગવાની હતી. કેમ હેં?’

મહારાજને વાતના ટેકાની જરૂર જણાઈ તેથી ગમે તે પ્રશ્ન પૂછી નાખ્યો: ‘આ પંડ્યા તમારી નાતના છે?’

‘હા સાહેબ, એ અમારી નાતમાં હલકા ગણાય, એ તો કન્યા કોઈ નહોતું આપતું તે મેં આપીને મોટા કર્યા. મારી ભાણેજનો આ સગે હાથે ચાંલ્લો કર્યો છે, પણ મારાં લગ્ન માટે એણે બે વેણેય કોઈને કહ્યાં નથી.’

મેં રેવાશંકર સામું જોઈને કહ્યું: ‘બિચારા મહારાજ પરણ્યા વિનાના છે ત્યારે! એમને જક્ષણીની વાત કહું?’ રેવાશંકરે હા પાડી તે પહેલાં મહારાજ બોલી ઊઠ્યા: ‘જક્ષણી કોણ?’

મેં કહ્યું: ‘મારે ઘેર એક જક્ષણી છે. સાક્ષાત્ મહામાયા જોઈ લો. રાતે અંધારામાં જુઓ તો બે આંખો દીવા જેવી ઝગારા મારે. જે માનતા માનીએ તે ફળે એવાં છે!’

‘ત્યારે મને એક વાર દર્શન કરવા લઈ જાઓ ને!’

મેં કહ્યું: ‘અરે! અરે! એ શું બોલ્યા! એ તો કોઈને મળતાં જ નથી. બસ, દિવસ આખો ઘરમાં બેસી રહે અને ધ્યાન ધર્યા કરે. એમ લોકોને મળવા દે તો પછી લોકો એમની માનતા માની માનીને એમને જંપવા પણ દે કે? અને આપણા લોકો માગે, તે અક્કલ વિનાનું માગે, નસીબમાં ન હોય એવું માગે. એક બાઈના નસીબમાં છોકરો નહીં ને માગ્યો તે આંધળો છોકરો આપ્યો. બોલો!’

હું બોલતો હતો તે દરમિયાન મહારાજના મુખ ઉપર હર્ષ, ઉદ્વેગ વગેરેની રેખાઓ આવીઆવીને ઊડી જતી હતી. છેલ્લું વાક્ય સાંભળી મહારાજનો જીવ કાંઈક હેઠો બેઠો અને બોલ્યા: ‘પણ મારા નસીબમાં તો છે. મારું સગપણ તો ભટને ત્યાં થઈ ગયું છે. જોકે કન્યા જરા નાની છે. પણ રૂપાળી બહુ છે હોં! અને નાની છે પણ મૂઈ અત્યારથી બધુંય સમજે છે. હું જાઉં તો કહેશે, મારા સારુ શું લાવ્યા? અને પાણી મંગાવું તો ધમ ધમ કરતી લાજ કાઢીને ચાલે!’

છેલ્લાં વાક્યો બોલતાં મહારાજના હૃદયનો રસ મુખમાં આવતો હતો અને દર ક્ષણે તેનાં શીકરો ઊડવાની ભીતિ રહેતી હતી. મેં શાક માગ્યું. મહારાજ ઝપાટાબંધ ઊઠી શાક લઈ આવ્યા. મને અને રેવાશંકર બન્નેને પીરસ્યું. શાક અને ઘી મહારાજની પ્રસન્નતાનાં ખાસ ચિહ્નો છે.

મેં કહ્યું: ‘ત્યારે તો તમારે જક્ષણીમાતાનું કાંઈ કામ નથી.’

મહારાજ ઊંડા વિચારમાં પડી બોલ્યા: ‘તમે વૈદું જાણો છો?’

‘ના.’

‘હું મહેતા ડેપ્યુટીસાહેબને ત્યાં નોકર હતો. એ નવી બાયડી પરણ્યા હતા. તેને રાંધતાં નહોતું આવડતું તે મને રાખેલો. મારા ઉપર ભાઈ, પૂરેપૂરો વિશ્વાસ’ – નાની બૈરીના ધણીને નોકરની પસંદગીમાં જે દીર્ઘદૃષ્ટિ અને ઝીણવટ રાખવી પડે છે તેને માટે આ અજ્ઞાત ‘ડેપ્યુટી’ તરફ મને ઘણું માન થયું – ’બૈરી નાની તે વૈદને પૂછીને તેમણે ટોપરું ખવરાવ્યું, તે બૈરી તો મોટી આવડી થઈ!’ મહારાજે ડાબા હાથનો પંજો પોતાને ડાબે ખભે અંગૂઠાને આધારે ટેકવ્યો. ‘હું એક વાર સાંભળું તો ભૂલું નહીં. મેંય ખવરાવવા માંડ્યું છે, પણ હજી ઊંચી નથી થઈ. ઓંમ કાઠું કર્યું છે, પણ હજી દીઠે નીચી લાગે.’

મેં કહ્યું: ‘ત્યારે બીજી બાયડી જોઈએ છે?’

‘ના, ના; બીજી આવી ન મળે. જક્ષણીમાતાને કહીને મોટી થાય એમ કરો. અને મારે ઘેર બૈરી સુખી થાય હોં. જુઓ કશું કામ છે? રાંધું પણ હું, તેને દાળચોખા વીણવા પડે. અને હું રસોઇયો ખરો, પણ બાર વાગ્યે છુટ્ટો. ગામમાં નીકળું તો મને કોઈ રસોઇયો ન જાણે. હજામત તો હૅરકટિંગમાં જ કરાવવાનો. આઠ આના, તો લે આઠ આના, ને માથામાં તેલ, અત્તર, પોમેડ. મહિનામાં એક-બે વાર નાટકસિનેમા તો ખરાં જ. બૈરી દુઃખી ન થાય હોં.’ મહારાજે ધણી તરીકેની સર્વ લાયકાત ગણાવી છેવટે કહ્યું: ‘ત્યારે હું જક્ષણીમાતાનાં દર્શન કરવા આવું?’

મેં કહ્યું: ‘ના, એમ તો નહીં. એ તો હું ન હોઉં ને તમે જાઓ તો કૂતરી થઈને વળગે. તમે એમને માટે રોજ ખાવાનું મોકલતા જાઓ.’

મહારાજ ખુશ થઈ ગયા. હું જમી રહ્યો. મહારાજે તરત જ ભાણું તૈયાર કરી મને ખબર આપી. મેં કહ્યું: ‘એ રાત્રે તો જમતાં નથી; સવારે છોકરો મોકલીશ એટલે પહેલાં એની સાથે મોકલજો. સાંભળો, ફક્ત ચાર રોટલી, ભાત, દાળ, શાક નહીં, ઘી પણ જરાક જ. હું પૈસા આપીશ. એ મફત ખાતાં નથી. પણ વખતસર કરવું.’

મહારાજ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. અને બીજા દિવસથી મોતીનું કામ ચાલ્યું.

હું પાછી આવી. ધાર્યા કરતાં એક દિવસ વહેલી નીકળી શકી. ઘર ઉઘાડ્યું. સ્ત્રીપુરુષના સમાન હક હોવાથી ઘરની કૂંચીઓ અમો બન્ને પાસે રહે છે.

ઘરમાં ગઈ. મોતી પૂંછડી હલાવતી હલાવતી સામી આવી પણ આખા ઘરમાં માત્ર એ જ બરાબર હતી. બાકી જ્યાં જોઉં ત્યાં ધૂળ. ખુરશીઓ સિવાયની બધી વસ્તુઓ, ચોપડીઓ, પણ એમ ને એમ પડેલી. ટેબલ ઉપર પણ ધૂળ અને કાગળદાબણિયા નીચે મેં ચિઠ્ઠી મૂકેલી તે એમની એમ! આ પુરુષો તે ભગવાને કેવા ઘડ્યા હશે?

મેં બધું વાળીને સાફ કર્યું. ટેબલ પર જઈ કાચમાં જોયું. રસ્તાનો થાક અને આ ધૂળ! મનમાં થયું, લાવ. માથે નાહી લઉં. માથું છોડ્યું ત્યાં કમાડ ખખડ્યું. મને થયું કે કદાચ એ આવ્યા હશે. સાલ્લાનો છેડો ગળા ફરતો લઈ એમ ને એમ જઈ કમાડ ઉઘાડ્યું. આ કોણ?

એક ઘણો જ કદરૂપો માણસ, કાળો કોટ પહેરેલો, તાજા વાળ કપાવી હજામત કરાવેલો, વાળમાં ખૂબ તેલ અને પોમેડ, ઉપર તેલથી રીઢી થઈ ગયેલી કોરવાળી કાળી ફેલ્ટની ટોપી, પાતળી ચીપી ચીપીને પાટલી વાળેલી મિલની ધોતલી, હાથમાં દાતણ. અને આવીને મને પગે પડવા લાગ્યો. હું ખસી ગઈ. મેં કહ્યું: ‘અલ્યા કોણ છે? કેમ આવ્યો છે?’

‘જક્ષણીમાતા! ખમા કરો! સેવકના ઉપર મહેર કરો.’

મેં કહ્યું: ‘પણ હું જક્ષણી કે દા’ડાની?’

‘હંમેશ નીકળતો, પણ ઘર બહારથી બંધ; આજ જ તાળું નથી એટલે દર્શન કરવા આવ્યો છું. મારા મનના મનોરથ એક વાર પાર પાડો. તમે કહેશો એ માનતા માનીશ.’

‘ભાઈ, તને કોઈએ ભરમાવ્યો છે. હું જક્ષણી નથી.’ કહી મેં કમાડ બંધ કરવા માંડ્યું તો અંદર આવવા લાગ્યો અને કહે: ‘માતાજી, આજ દિવસ સુધી તમને ખાવાનું મોકલ્યું તે સામું તો જુઓ!’ હું ચિડાઈ ગઈ. ‘વળી, તું ખાવાનું મોકલનાર કોણ: જાય છે કે નહીં કે આ ધોકણું લગાવું?’ 

 અને અંદરથી મોતી ઘૂરકી. મેં લગાવ્યું જ હોત, પણ તેની દીન મુદ્રા જોઈ પાછું મૂક્યું. તે વળી બક્યો: ‘માતાજી, મારા નસીબમાં બૈરી છે. મારે નવી નથી જોઈતી. તે ઝટ મોટી થાય એટલું કરો.’ હવે મારા ગુસ્સાનો પાર ન રહ્યો. મેં હાથમાં ધોકણું લીધું. ‘હરામખોર’ કહી મારવા જતી હતી ત્યાં ‘ચંડી, કોપ ન કરો.’ કહી મને અટકાવી, પેલાને આંગળીની નિશાનીથી રવાના કરી, એ અંદર પેઠા. મને ફરી કહ્યું: ‘ચંડી, પ્રસન્ન થાઓ!’

વિ. સં. ૧૯૮૨ [દ્વિરેફની વાતો: ૧]

🍁 જન્મભૂમિનો ત્યાગ – ધૂમકેતુ

🍁 ભૈયાદાદા – ધૂમકેતુ

🍁 ભીખુ – ધૂમકેતુ

🍁 રજપુતાણી – ધૂમકેતુ

1 thought on “જક્ષણી વાર્તા – રામનારાયણ પાઠક | Jaxani Best Gujarati stories”

  1. Pingback: ગુજરાતી સાહિત્યની Best 101 વાર્તાઓનો સંગ્રહ | Gujarati Varta Pdf - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *