Skip to content

બાળવાર્તા 1 – ખડબડ ખડબડ ખોદત હૈ

ખડબડ ખડબડ ખોદત હૈ - બાળવાર્તા
8824 Views

ગુજરાતી બાળવાર્તા નો ખજાનો – આજે વાંચો બાળપણની યાદગાર બાળવાર્તા “ખડબડ ખડબડ ખોદત હૈ” Gujarati balvarta, Gujarati child story, ગિજુભાઈ બધેકાની વાર્તાઓ, અમરકથાઓ, પ્રાચીન વાર્તાઓ , Old stories, bachpan stories, school time stories, baalgit. gujarati bal varta collection, પંચતંત્રની વાર્તાઓ.

ખડબડ ખડબડ ખોદત હૈ – ગુજરાતી બાળવાર્તા

એક હતો બ્રાહ્મણ, તે બહુ જ ગરીબ. એક વાર તેની વહુએ કહ્યું, “હવે તો તમે કાંઈક કામધંધો કરો તો સારું. છોકરાં હવે તો કોઈ વાર ભૂખે મરે છે!” બ્રાહ્મણ કહે, “પણ હું કરું શું? મને કાંઈ કરતાં કાંઈ આવડતું નથી. તું કાંઈક બતાવ તો ઠીક.”

બ્રાહ્મણી ભણેલી ને ડાહી હતી તેણે કહ્યું, “લ્યો, આ શ્લોક હું તમને મોઢે કરાવું છું. તે કોઈ રાજા પાસે જઈને સંભળાવજો, એટલે તે તમને થોડા ઘણા પૈસા જરૂર આપશે. પણ શ્લોક ભૂલી જશો નહિ.” બ્રાહ્મણીએ તો બ્રાહ્મણને શ્લોક મોઢે કરાવ્યો અને તે બોલતો બોલતો બ્રાહ્મણ પરદેશ ચાલ્યો. રસ્તામાં એક નદી આવી. ત્યાં બ્રાહ્મણ નહાવા ધોવા અને ભાતું ખાવા ખોટી થયો.

નહાવા ધોવામાં રોકાયો ત્યાં વહુએ શીખવેલો શ્લોક ભૂલી ગયો. બ્રાહ્મણ શ્લોક સંભારતો બેઠો, પણ કશુંયે સાંભરે નહિ. એટલામાં તેણે એક જળકૂકડીને નદીકાંઠે ખોદતી જોઈ.

શ્લોક સંભારતાં સંભારતાં એણે જળકૂકડીને ખોદતી જોઈ, એટલે તેના મનમાં એક નવું ચરણ સ્ફૂર્યું. તે બોલવા લાગ્યો, “ખડબડ ખડબડ ખોદત હૈ.”

બ્રાહ્મણ ઉપર પ્રમાણે “ખડબડ ખડબડ ખોદત હે” બોલવા લાગ્યો, એટલે તેના અવાજથી કૂકડી લાંબી ડોક કરી જોવા લાગી. એટલે વળી બ્રાહ્મણના મનમાં બીજું ચરણ સ્ફુર્યું ને તે બોલ્યો, “લાંબી ડોકે જોવત હૈ.”

બ્રાહ્મણ બીજી વાર બોલ્યો, એટલે કૂકડી બીકથી છાનીમાની લપાઈ બેસી ગઈ. આ જોઈ બ્રાહ્મણના મનમાં ત્રીજું ચરણ આવ્યું. તે બોલ્યો, “કૂકડમૂકડ બેઠત હૈ.”

બ્રાહ્મણ આમ બોલ્યો, એટલે કૂકડી તો દોટ મૂકીને પાણીમાં જતી રહી. આ જોઈ બ્રાહ્મણના હ્રદયમાં ચોથું ચરણ ઊપજ્યું અને તે બોલ્યો, “ધડબડ ધડબડ દોડત હે.”

બ્રાહ્મણ તો એક શ્લોક ભૂલી ગયો, પણ આમ તેને બીજો શ્લોક હાથ લાગી ગયો. તે તો જાણે આ જ શ્લોક પોતાને શીખવ્યો હતો એમ માનીને બોલતો બોલતો આગળ ચાલ્યો,

ખડબડ ખડબડ ખોદત હે,
લાંબી ડોકે જોવત હે,
કૂકડમૂકડ બેઠત હે,
ધડબડ ધડબડ દોડત હે.

ચાલતાં ચાલતાં એક શહેર આવ્યું. શહેરના રાજાની કચેરીમાં તે ગયો અને સભા વચ્ચે જઈને બોલ્યો,

ખડબડ ખડબડ ખોદત હે,
લાંબી ડોકે જોવત હે,
કૂકડમૂકડ બેઠત હે,
ધડબડ ધડબડ દોડત હે.

રાજાએ આ વિચિત્ર શ્લોક ઉતારી લીધો. રાજા કે કચેરીમાં બીજું કોઈ શ્લોકનો અર્થ કરી શક્યું નહિ. પછી રાજાએ બ્રાહ્મણને કહ્યું, “મહારાજ, બે ચાર દિવસ પછી પાછા કચેરીમાં આવજો. હમણાં રાજનાં સીધાંપાણી ખાઓ અને સુખેથી રહો. તમને તમારા શ્લોકનો જવાબ પછી આપીશું.”

રાજાએ બ્રાહ્મણનો શ્લોક પોતાના સૂવાના ઓરડામાં લખાવ્યો. શ્લોકનો અર્થ વિચારવા રાજા રોજ રાતના બાર વાગે ઊઠે ને નિરાંતે એકાંતે શ્લોકનું ચરણ બોલતો જાય અને એના અર્થનો વિચાર કરતો જાય.

એક રાત્રીએ ચાર ચોર રાજાના મહેલમાં ચોરી કરવા નીકળ્યા. તેઓ રાજાના મહેલ પાસે જઈને ખોદવા લાગ્યા. બરાબર રાતના બાર વાગ્યા હતા અને રાજા આ વખતે શ્લોકના પહેલા ચરણનો વિચાર કરતો હતો. પેલા ચોરો ખોદતા હતા.
તેમને કાને રાજાનો બોલ આવ્યો, “ખડબડ ખડબડ ખોદત હે.”

ચોરોએ મનમાં વિચાર કર્યો કે રાજા તો જાગતો લાગે છે અને ખોદવાનો ખડબડાટ સાંભળે છે. તેથી ચોરોમાંથી એક જણ રાજાની બારીએ ચડ્યો અને રાજા જાગે છે કે નહિ તે બાબતમાં ખાતરી કરવા લાંબી ડોક કરી ઓરડામાં જોવા લાગ્યો. ત્યાં તો રાજા બીજું ચરણ બોલ્યો, “લાંબી ડોકે જોવત હે.”

આ સાંભળી જે ચોર બારીમાંથી જોતો હતો તેને ખાતરી થઈ કે રાજા જાગે છે એટલું જ નહીં પણ પોતાની બારીમાંથી ડોક લંબાવીને જોતાં પણ તેણે જોયો છે. તે એકદમ નીચે ઊતરી ગયો અને બીજાઓને છાનામાના બેસી જવાની નિશાની કરી. બધાય છાનામાના ઓડવાઈને બેસી ગયા. ત્યાં તો વળી રાજા ત્રીજું ચરણ બોલ્યો, “કૂકડમૂકડ બેઠત હે.”

ચોરોના મનમાં થયું કે હવે ભાગો! રાજા આ બધું જાણે છે અને જુએ પણ છે. હવે જરૂર પકડાઈ જશું અને માર્યા જશું. તેઓ બીકના માર્યા એકદમ દોડ્યા. ત્યાં તો રાજાએ શ્લોકના ચોથા ચરણનો ઉચ્ચાર કર્યો, “ધડબડ ધડબડ દોડત હે.”

હવે એ ચોરો તો હતા રાજાના પોતાના દરવાનો. તેઓ જ રાજાના ચોકીદારો હતા. તેમની દાનત બગડેલી તેથી ચોરી કરવાનો તેમને વિચાર થયેલો. ચોરો ઘેર તો ભાગી ગયા, પણ બીજે દિવસે કચેરી ભરાઈ ત્યારે રાજાની સલામીએ ન ગયા. તેમના મનને લાગ્યું હતું કે નક્કી રાજાજી બધું જાણી ગયા છે અને પોતાને ઓળખી લીધા છે.
દરવાનોને સલામે ન આવેલા જોઈને રાજાએ પૂછ્યું, “આજે દરવાનો સલામે કેમ નથી આવ્યા? ઘરે કોઈ સાજુ માંદુ તો નથી થયું ને?”

દરવાનોને તેડવા રાજાએ બીજા સિપાઈઓને મોકલ્યા. કચેરીમાં દરવાનો આવ્યા અને સલામ કરી ઊભા રહ્યા.

રાજાએ પૂછ્યું, “બોલો, તમે આજે કચેરીમાં કેમ નહોતા આવ્યા?”

પેલા દરવાનો ધ્રૂજવા લાગ્યા. તેમના મનને તો ખાતરી જ હતી કે રાજા બધી વાત જાણી ગયેલ છે. ખોટું બોલશું તો વધારે માર્યા જશું એમ ધારી તેમણે રાતે બનેલી બધી વાત કહી દીધી. રાજા તો આ બધું સાંભળી વિસ્મય પામ્યો.

તેને થયું કે આ તો પેલા બ્રાહ્મણના શ્લોકનો પ્રતાપ. શ્લોક તો ભારે ચમત્કારી! બ્રાહ્મણ ઉપર રાજા ઘણો ખુશ ખુશ થઈ ગયો. તેણે બ્રાહ્મણને બોલાવ્યો અને તેને સારું ઈનામ આપી વિદાય કર્યો.

✍ ગિજુભાઈ બધેકા

નીચેની બાળવાર્તાઓ વાંચવા ફોટા પર ક્લીક કરો 👇

સૂપડકન્ના રાજાની વાર્તા
બાળવાર્તા
ટીડા જોશીની વાર્તા
ટીડા જોશીની વાર્તા
બહુ તંત બલવંત - વાર્તા
બહુ તંત બલવંત – વાર્તા

ઉપરની કોઇપણ વાર્તા share 👇 કરી શકશો. copy કરીને ઉપયોગ કરવા માટે અમારી પરવાનગી લેવી ફરજીયાત છે. અમરકથાઓ

ગુજરાતી બાળવાર્તા નો ખજાનો , બાળપણની યાદગાર બાળવાર્તાઓ, બેસ્ટ વાર્તાઓ, લોકકથા, લોકગીત, ઇતિહાસ, જાણવા જેવુ માટે અમારી website ની નિયમીત મુલાકાત લેતા રહો. Gujarati balvarta, Gujarati child story, ગિજુભાઈ બધેકાની વાર્તાઓ, અમરકથાઓ, પ્રાચીન વાર્તાઓ , Old stories, bachpan stories, school time stories, baalgit.

આપની ફરમાઇશ કોમેન્ટમાં જણાવો.

1 thought on “બાળવાર્તા 1 – ખડબડ ખડબડ ખોદત હૈ”

  1. Pingback: બાલવાર્તા બિલાડીની જાત્રા - | Gujarati Balvarta - Biladi ni Jatra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *