Skip to content

ભવાન ભગત – ગુજરાતી વાર્તા | Best Gujarati Story – Bhavan Bhagat – Josef macwan

ભવાન ભગત વાર્તા
10544 Views

આજે વાંચો જોસેફ મેકવાનની હ્રદયસ્પર્શી વાર્તા ‘ ભવાન ભગત ‘

( ગામડુ, બાળપણ, સંબંધોની સુવાસ, આ પોષ્ટ વાંચીને લાગશે કે દરેક કુટુંબમા-ગામમાં ભવાનભગતની જરુર છે. આ પોષ્ટ આપને બાળપણ- સુખ-દુ:ખનો અનુભવ કરાવશે…. જો પુરી વાર્તા વાચ્યા પછી આંખોના ખુણા ભીના ન થાય તો જ નવાઇ….)
—————————-
ભવાન ભગતને વનવાસ લીધે બારમું વરસ ચાલતું’તું ને ગામમાં એમનો જુવાનજોધ દીકરો પુંજો ફાટી પડ્યો. વાવડ દેવા હું ગયો ત્યારે ઉઘાડા આકાશ ભણી નજર નોંધી એ બોલેલા “ તું મને નિરાંતે મરવા દે એમ નથી લાગતું ! ”

પછી એમણે તીર તરાટામાં ખોસ્યાં , વહેરું માથે વીંટ્યું ને ઝૂંપડીને ઝાંપલી દીધી ,

દીકરાની માટી વાળી લોક સથવારે બેઠું ત્યારેય એ કાંઈ ન બોલ્યા. રોજ મળસકે ઊઠી જે જગ્યાએ સારંગી પર ભગત ભજન કરતા એ જ જગ્યાએ માથાના વેહરાને ગોઠણભર બાંધી એમણે જ રોપેલી રાયણનાં ડાળાંપાંખડાંમાં ખોવાઈ રહ્યા. સૌને એમ કે ડોસો કંઈક કહેશે , માયા – મમતા મેલવાનાં બે વેણ વદશે ; કારણ કે એ પહેલાં જ્યારે પણ કોઈનું ગામતરુ થતું ત્યારે ચાર – પાંચ રાતોનાં સોગ – બેસણાં ભવાનકાકાની અનુભવવાણીએ જ ઠરી રહેતાં ; પણ આજની વસમી વેળા ખુદ એમના ઘેર આવી હતી અને ભલી કાકીના મોત કેડે આટલા લાંબા અવતારમાં આ ઘર આ પહેલવહેલા મોતનો પડછાયો પડ્યો હતો. આખી દુનિયાદારી અને , પરભવની દાતારીના જાણતલ ભવાનકાકાને કોઈ શું સમજાવે ?

એમનો સૌથી મોટો દીકરો મિશનરી બની છોટા – ઉદેપુરના આદિવાસીઓમાં ખૂંપી ગયેલ તે ઘર – ગામેય વીસરી ગયેલો. સૌથી નાનો મોટી લડાઈ ( બીજું વિશ્વયુદ્ધ ) નો લડવૈયો બની બહાદુરી મેળવી ચૂકેલો તે સરકારના શિરપાવ સમી કોઈક સારી નોકરી અને એવી જ કોઈક લાડી પામીને કોઈક શહેરમાં ખોવાઈ ગયેલો તે ભાગ્યે ઘર – ગામની ભાળ લેતો. રહ્યો વચેટ પૂંજો ભવાનકાકાની છતરી (૩૬) કળામાંથી એક સીવવાની એને હાથ ચડેલી તે લશ્કરી ભાઈના દીધા સિલાઈ મશીન પર એ ગામ આખાનાં લૂગડાં સીવતો. એની વહુ મોંધી ગાજ બટન કરતી ને સંસાર ચાલ્યા કરતો.

પુંજો પરણ્યો ને એનો વિસ્તાર વધ્યો ત્યારપછી ભવાન ભગતે દુનિયાદારીની માયા મેલી દીધેલી ને જે ઝાડવાં એ સાચવતા એ જ ઝાડવાંમાં એ એક ઝૂંપડી બાંધી તેઓ સાચો વનપ્રવેશ સાધી રહેલા. બપોરે એક ટાણાના રોટલા એમને પૂંજો પહોંચાડતો , પછી સાંજની કોઈ આપદા એમને ન રહેતી. #અમર_કથાઓ

ગામમાં એ ભવાન ભગતને નામે જ ઓળખાતા ને લોક એમને છત્રીસ કળાના જાણકાર તરીકે પારખતું. આ છત્રીસ કળા કઈ – કઈ એ તો જવલ્લે જ કોઈ જાણતું , પણ એ દાતરડી ઘડતા , એના કાકર કાઢતા , કરબડાનાં પાસિયાં ટીપતા ને હળનાં ચૌડાંય બનાવી જાણતા ! એમણે ઘડેલી તરફેણ પંથકમાં પંકાતી. અને એમની ઓરણી મલક આખામાં વખણાતી. ગાડાની ઝુંસરી બાંધવાના એમના વીંધ ( વેધ ) નો જોટો ન જડતો ; તો ખાતર ભરવા ગાડાને ચડાવાતા પાંજરાના એ કસબી લેખાતા. પલળેલી કે લીલી વેણ્યોની એ એવી પાંખો વણતા કે એમાંથી તલ કે બાજરીનો દાણોય ના સંચરતો , બળદની સેંચી ને આંબા વેડવાના ખેરાય એ એવા જ અફલાતૂન ગૂંથતા ; પણ આ બધા કસબના માથે મોડ મૂકતું એમનું વૈદું. ગામડાગામમાં મજૂરી કરતા લોકોનાં બાળકોને ભૂખના કારણે ગળાં પડતાં કાં ચડેલા ધાવણનાં અકરાંતિયા પાને મરડા થઈ જતા. ભવાન ભગત ચપટી વગાડતાં ઓસડિયાં દ્વારા આ રોગ મટાડી દેતા.

એમની પડખે અમારું ઘર. મારી નવી માને ખાસ્સી બાધા – આખડી પછી થયેલો તે મારો બીજો ભાઈ આઠેક માસનો એ ગોરો – ગોરો ભર્યા બદનવાળો , કોઈ પણ હોંશેહોંશે એને રમાડવા ધાય એવો રૂપકડો. એનું ગળું પડ્યું ને એમાં વળગ્યા ઝાડા. લોહી ને પરુના ઝાડાને કારણે મહિનામાસમાં તો એની કાયા કંતાઈ ગઈ પોચા રૂના પોલ જેવું એનું માંસલ શરીર સુકાઈને કાંટા જેવું થઈ ગયું.
દવા – દારૂમાં બાપુએ પાછું વળીને નહીં જોયેલું છતાંય ભાઈની પાંસળીઓ ચોખ્ખી ગણાય એવી. પાતળી નીલી કાત જેવી ચામડી એના પર વળગી રહેલી. એ અરસામાં ભવાનકાકા ક્યાંક ગામતરે ગયેલા બે મહિનામાસ થવા છતાં પાછા નહીં આવેલા. દશા એ આવી કે મારાં માબાપે ભાઈની આશા છોડી દીધી.
તે દિવસે બાળક ક્યારે છેલ્લો શ્વાસ લેશે એની દુઃખદ વાટ જોતાં માબાપ , જીવીકાચી ને પાસપડોશનાં ખાસ્સાં જણ મારી પરસાળે બેસી રહેલાં.

તે જ વેળાએ માથે ફાળિયું , ખભે ખડિયો ને બીજે ખભે અનેક નાનીમોટી પોટલીઓના સામાન સાથે ભવાન ભગત કયાંકથી આવી પહોંચ્યા. ધરભરેલું માણસ જોતાં સહેજ ખમચાયા ને પળવારમાં પ્રાણ જવાની હેડકીએ ચડેલા ભાઈ પાસે જઈ એમણે એની ડોક પકડી. કપાળે હાથ દઈ ખડિયામાંથી એક જડીબુટ્ટી કાઢી , ઘંટીના પડ પર એને લસોટીને એમણે બે આંગળાં ભાઈની જીભે મેલ્યાં , પછી આદેશ આપ્યો :
વડલાની તાજી ફૂટેલી મૂળીઓના કૂણા ફાગા લાવો અને થોડીક ખસખસ. ” બેય વાનાં હાજર થતાં , એ લસોટાવ્યાં અને એની એક ચમચી રુષ્ણ બાળકના કંઠે ઉતારતાં જ પેલી પ્રાણઘાતક હેડકી દબાઈ ગઈ.

કલાક પછી ભાઈએ આંખો ખોલી. ઊંડી ઊતરી ગયેલી એ આંખોનાં પડળ જોઈ ડોસો બોલેલા : “ અર્ધા કલાક મોડો પડ્યો હોત તો આ ન રહેત. એની જીવાદોરી મને ખેંચી લાવી . ” ને ડોસાના એ ઔષધે પંદર દા’ડામાં ભાઈને રમતો કરી દીધો.

આવા તો અનેક કિસ્સા ભવાન ભગતના નામની આજુબાજુ ચકરાવા લીધા કરે. એ વીંછી ઉતારવાનું જાણે ને સાપનું ઝેર ચૂસવાનાય એ જાણતલ. ઝેરી સાપની ડોક દબાવી એનું ઝેર ઓકાવે તો રાતવરત ક્યાંકથી ઘૂસી આવેલ સાપને હાથ વડે ઝાલીને સીમમાં મૂકી આવે. આ બધી વિદ્યાને પરતાપે લોક એમનો મલાજો રાખે ને એમનું વેણ સૌ આંખે – માથે લે.

અમારે બાળકને મન પણ ભવાન ભગત લાખેણા દેવ હતા. એમના ભાથામાંથી જેમ તીર ન ખૂટતાં એમ અમારે માટે એમની જબાને ઝરતી રસિયણ વાતો ન ખૂટતી. સિંહાસનબત્રીશી , સૂડાબોંતેરી , બરાસકસ્તૂરી , વિક્રમ ને વેતાળ અને સદેવંત – સાવળિંગાથી માંડીને પોતે ઘડેલી અલકમલકની વાતો એ અમને રાતોની રાતો કહેતા રહેતા.

એમાં વિક્રમની વીરતા હોય ને હોય વૈતાળનાં પરાક્રમ. અડધી રાતે છૂરી વતી સાડલો કાપી ઊંઘતી અસ્ત્રી એવી દમયંતીને અંતરિયાળ મેલી હાલી નીકળતા નળને એ એવો ચીતરતા કે દૂર શ્રોતા બનેલી સ્ત્રીઓ નળ પર ફિટકાર વરસાવે. એમની કથામાં સરવણ ( શ્રવણ ) એવો તો કંડારાય કે અમે બધા કાવડ ઊંચકતા માબાપભક્તો બની જઈએ. #અમર_કથાઓ

આ બધું ચાલે ચોમાસે – શિયાળે , પણ અમે આરાધતા હોઈએ ઉનાળો. ચૈતર બેસે કે એ હંભાળે ધારિયું કે કુહાડી , વીસેક વીઘાંના ખેતરની વચ્ચોવચ્ચ ગાંધીવાળો આંબો. એનાં છાંયે એ બે માળનો માંચો બનાવે. ચોમેર કરે તરાટુ. એ બને એમનો ગ્રીષ્માવાસ. દન આખો એ ઝાડવાં હાચવતા જાય અને દાતરડાંના દસ્તા કરબડીઓના હાથા ને ગાડાનાં ખલવાં બનાવતા જાય. સાંજ પડ્યે એ ગામમાં આવે , ઓષડવૈદું કરે અને જોઈતું – કરતું લઈને રાતે નવેક વાગ્યે એ રખોપે નીકળે. સાથે હોઈએ અમે. ખુલ્લા ખેતર વચાળે લઈ જઈ એ અમને બતાવે હરણિયું , ગચુમલી , ગોવાળ , ઠગલિયું ને ધ્રુવનો ટેકીલો તારો. આકાશના ઘણા તારાનાં નામ એમને આવડે અને એના પરથી એ વરતારા બાંધે. એ વાર્તા માંડે. આ ઘનઘોર ઝાડવાંના એકાંતમાં એ ખીલી ઊઠે.

વાત માંડતાં – માંડતાં અટકે , એક ખોંખારો ખાય ને પછી કહે : “ લ્યો , તારે તમારામાંથી કયો માડીનો જણ્યો મેધારે જઈ પાણીનો ઘડો ભરી લાવશે ? ચાલ જોયે જસ્યા, આજે તારો વારો ! ”

એ માંચાથી મેધારું ( તળાવનું નામ ) ખાસ્સે હાતેક ખેતરવા દૂર. વચ્ચે ખતરીની દેરી આવે. એની ઉપર પીપળો પાન ખખડાવતો હોય અને ત્યાંથી થોડે દૂર હોય ટુંગારાયણ , જ્યાં ખરે બપોરેય બીક લાગે. ઘડો ભરવા એકલા જ જવાનું હોય ને ડોસાનો આ હુકમ થયો હોય ત્યારે રાતનો દોઢેક વાગ્યો હોય !
એ મણિયાને આદેશે : “જા જોઈએ , જલેલડી આંબડીએ ( એક મીઠા આંબાનું નામ ) હાખ પડી. લઈ આવ તો ! ” બોલ માનવા જ પડે ને શાખ લઈને આવેલા ભડવીર દીકરાને માથે એ હાથ ફેરવે . “ ખરો ખરો ! હાચો બા’દુર ! તું જિંદગીમાં કોઈથીય નંઈ બીએ ! ”

હું માંચામાંથી નીચે ઊતરું, ખાલી ઘડો હાથમાં લઉં. છેક મેધારેથી પાણી લાવવાની આ અગ્નિપરીક્ષા હું વાટ જોઉં કે કાકા કોઈને સાથે મોકલે. અમરકથાઓ

ત્યાં તો મારા ભાવ કળી જતાં એ કહે : “ એંહ મેધારાની પાળે તારું છેતર ! દન આખો તો ભમ્યા કરછ ને આ જરીક અંધારું થયું તાં બી મરછ ! જા જા હેંડ્ય , પછી વાત આગળ વધારું. કુંવરના બાવડે બલોયું તે એનો કોઈથી વાળ વાંકો ના થાય , એમ મારો બોલ તારી હંગાથે હોય તો હામે કાંઠે પાણી પીતો વાધેય તને જોઈને પાછો વળી જવાનો ! ” આમ બલોયાનો ભરોસો દઈનેય પાછા એ વાઘનો ભો વધારી મેલે ને એમના બોલના પરતાપે હામ ભરીને હું હીંડવા માંડુ.

ખળાવાળા મહુડે પહોંચું કે એ ઓંકારે : “ જોજે હોં , હું અહીં ખોંખારતો રહીશ. મારો ખોંખરો છેક તારી જોડે રહેશે ! ” એ જોરથી ખોંખરતા રહે કાં દુહો લલકારતા રહે. હું ખતરીની દેરી પસાર કરું કે એ અંધારા ચીરતો એમનો અવાજ આવે : “ શાબાશ ! જબરો ભઈ ! ખરો ભડ ! ” ને પછી એમનો અવાજ આથમી જાય , જીવ ઉપર આવેલો હું અંધારે દોટ દઉં , નિતના ટેવાયેલ ઓવારે પહોંચી હું ઘૂંટણસમાણાં પાણીમાં જઈ ઘડો ભરું અને પછી રમરમાટ માંચા ભણી દોડવા માંડુ.

ખળાવાળા મહુડે પહોંચુ ત્યાં તો પાછળથી પ્રેમાળ અવાજ આવે : “ ગભરાતો નહીં , હોં ! હું તારી હાથે જ છું ! ” મારા ધબકાર શમી જાય અને છેક તળાવે જઈ આવ્યાનો મને પોરસ ચડે.
માંચે પહોંચતાં જ એ મને થાબડે ને કહે : “ બોલ , કશુંય દેખાયું તને ? હતું કોઈ ? કોઈ ના હોય. આ બધી વાતો જ છોકરાં ; મનમાં ભો ના હોય તો આપણું કોઈ કહેતાં કોઈ , કાંઈ જ બગાડી ના શકે , હમજ્યા ? હુશિયાર થાવ. મારે તમને મરદ બનાવવા છે ! ” ને ત્યારે અમને સમજાય કે ભવાનકાકા અમને નિર્ભયતાના પાઠ શિખવાડે છે. અમારા દિલમાં બેઠેલા ડરને સોઈ ઝાટકીને કાઢી નાખવાના અખતરા કરે છે , ને એમાં ક્યાંક અમે કાચા ના પડીએ એની પૂરતી કાળજી રાખે છે.

ભવાનકાકાના આ આચરણે અમારામાં એવી તો નીડરતા સીંચેલી કે એવા અંધારે ધાતે તાં જવાની અમારામાં હોડ બકાતી. ઘણીયે વાર એ “ લ્યો તમે હેંડતા થાવ , હું આ આયો જાણો ” કહી અમને માંચડે મોકલે. એમના આવ્યાની વાટ જોતા અમે વારાફરતી ઝાડેઝાડ ફરી વળીએ ને મેધારેથી પાણી ભરી લાવીએ ને પછી તો વાતો કરતાં ઊંધી જઈએ ત્યારે એ છેક મળસકે આવી અમને જગાડે ને શાખો વીણવા તગેડે . એમના આ અનુભવપાકે અમને એવા સાબદા કરેલા કે અમે એકલાય ખેતરે રાતવાસો કરવાની હામ ભીડતા થઈ ગયેલા.

દિવસે એ અમને જાત – ભાતના દાવ શીખવે , એમાં કુસ્તી હોય , લાકડી ફેરવવાની હોય અને કાંટાળી વાડો કૂદવાનું સામેલ હોય. તીર – કામઠાં ઉપર એમનો હાથ ભારે પાવરધો. અમે કહીએ એ ટોચની ડાળે ઝૂલતી કેરી એ અચૂક પાડે. ક્યારેક અમારી પાસે કેરી ઉછળાવે અને પછી પડતી કેરી વીંધી નાખે ત્યારે અમે બાઘા બની આંખો ફાડી એમની એ કળા જોઈ રહીએ. કામઠા પર પણછ ચડાવવાની સરળ રીત એ અમને શીખવે ને તાકોડી કરવાના કીમિયાય બતાવે. તળાવે લઈ જઈ એ ચત્તા , ઊભા ને બેઠા તારા તરતાં શીખવે બંને પગ ભેળા હોય , હાથ છાતી પર જોડેલા હોય એ મુદ્રામાં તરતા તરતા એ તળાવની વચ્ચોવચ જઈ ચત્તાપાટ સ્થિર થઈ જાય ત્યારે અમારા આશ્ચર્યની અવધિ ના રહે. એમણે હાથે ગૂંથેલી ભીંડીની ગોફણનું ઇનામ ઊભું કરી એ અમને તળાવ પાર કરવાની ચાનક ચડાવે ને મોટે ભાગે એમાં મણિયો મેદાન મારી જાય. #અમર_કથાઓ

ભવાનકાકાનાં વહુ ભલીકાકીને અમે નહીં જોયેલાં , પણ લોકો કહેતાં ભલી અને ભવાનની જુગતે જોડી હતી. ભલીકાકીના દેવ થયા કેડે ભવાનને સંસારની માયા મેલીને સાધુ થઇ જવાનુ મન થઇ ગયેલુ પણ ભલીએ મરતાં મરતાં ત્રણ – ત્રણ દીકરાના સોંપણા કરેલા એટલે ભવાન ભગત સંસારી સાધુ જ સિદ્ધ થઈ રહેલા.

મળસકે ઊઠી એ ઊંડા કુવેથી પાણી ખેંચી નહાય , પછી રોજની જગ્યાએ પલાંઠી વાળી સારંગી ચડાવે.
સારંગીના ગજ સાથે બાંધેલી ઘૂઘરીઓ મીઠા ઝંકારનો તાલ દેતી હોય અને એ હળવી હલકે લલકારે.

ભવાનકાકાના ગળે રેલાતી અનેક ટૂંકો અમને કંઠસ્થ થઈ ગયેલી. ભજનમંડળમાં એમનાં રચેલાં અનેક ભજનો ગવાતાં. સારે – માઠે અવસરે એમના મોટેથી અનર્ગળ ચોપાઈઓ ને કહેવતો સરી પડતી. એ કદી પંચમાં ન બેસતા , ન કદી મેતરાઈ કરતા , પણ પંચે લીધેલા કે લેવાના નિર્ણય પર એમની માન્યતાની મહોર વાગતી ત્યારે એની આમન્યા અદકી થઈ જતી.

આવા આ ધર્મીને ત્યાં પૂંજાના મોતે ધાડ પાડી ત્યારે મલકમાં અરેરાટો થઈ ગયેલો. એ નહોતા નેમ ચૂક્યા , નહોતા નીતિ ચૂક્યા , ભલાઈ વગર એમની ખેપમાં બીજું ખપતું જ નહોતું ને તોય પરમાત્મા આવી આકરી તાવણી કરે !

મોટાને એકેય સંતાન નહોતું. કાકાને એમ કે એકાદ – બેને એ ખોળે લઈ લે તો બાકીનાં એમની માં કને ઊછરે ! પણ હડળ હાંમે જોતાં મોટો છૂટી પડ્યો : “ હું નર્યા જંગલી વિસ્તારમાં રહું છું , તાં એમનું ભણતરનું ઠેકાણું ના પડે . કા’તો મિશનમાં જોગ કરાવું ! ”

“ તારાથી થી નથી પલવાતાં હગા ભઈનાં છોકરાં તે મફતિયા રોટલા ખાવા મિશનમાં મેલવાની વાત કરછ ? અલ્યા , તારા જેવો મનેય લાજ શરમ વ’નો ધાર્યો ?
અજુ તો હું બતરી વરસનો બેઠો છું ”

ને ભવાનકાકાએ નવો ખેલ બરાબર ભજવ્યો. ચાર છોકરાંના એ મા ને બાપ બની રહ્યા. ઓજારોનો કાટ ઊતર્યો ને એણે છોકરાંનાં પેટ અજવાળ્યાં. પાંચ વર્ષે મોટા મણિભાઈને શહેરમાં નોકરી મળી. બેત્રણ વરસમાં ઠરીઠામ થતાં એ ત્યાં જ પરણ્યો ને નાના ભાઈભાંડુનેય પોતાની પાસે લઈ ગયો. એમનાં હાજાંભલાનો કાગળ આવતો ત્યારે ડોસાના કરચલિયાળા ચહેરા પર રાજીપાની ઓકળીઓ અંકાઈ જતી , મણિભાઈ અવારનવાર દાદાની ખબર કાઢવા આવી જતો. દર ફેરા એ નોતરા કરતો કે દાદા એની સાથે જાય અને શહેર જુએ , પણ એ એકના બે ન થયા . #અમર_કથાઓ

“ ના દીકરા , આછયે અવે કશુંય નવતર નથી જોવું . આજ સુધી જે જોયું એટલા હંગાથ જ આછ્યો મેંચાય એટલી અબળખા અવ બાકી રઈ છે ”

પણ એમને હજી એક ખેલ જોવાનો હતો. મણિભાઈને ઘેર દીકરો આવ્યો. એ ધસી આવ્યો : “ હેંડો દાદા , તમારા દીકરાને માથે હાથ દેવા ; એનું મોઢું જોવા ! તમારા આશીર્વાદ વિના અમને નંઈ ચાલે ! તમે એને જુઓ ને આપો એ જ નામ પાડવાનું છે ! ”

લોકોએ દબાણ કર્યું : “ હરખનો અવસર છે . ભવાનકાકા , તમારાથી વધીને મણિભાઈનું કોણ ? ને આ તમારે તો વ્યાજનું વ્યાજ ! તમારાં તપ ફળ્યાં. જાવ , ના ફાવે તો પાછું ક્યા નથી અવાતું ? ”

ત્રીજી પેઢીના પુત્રને જોતાં ભવાનકાકાના રાજીપાનો પાર ન રહ્યો. મણિભાઈનો કારસો એવો કે ડોસાનું મન માયામાં બંધાય તો પછી પાછા જવાનું નામ ન લે. એ બહાનાં કાઢતો જાય ને ડોસાના દન લંબાવતો જાય. શહેરનું બંધિયાર જીવન ડોસાને ખાવા ધાય , પણ મણિભાઈનો દીકરો વાને વળે , એ ચિંતામાં ડોસાથી પારણું રેઢું ના મેલાય. એ જાતભાતનાં ઓસડનાં નામ દે , ગાંધીની દુકાનેથી મળે એ મંગાવે ને નવા જન્મેલા બાળકને ચટાડે.

દાદરાની પાસે આવેલી મણિભાઈની ઓરડી શહેરની રીતેય થોડીક મોકળી ખરી. ડોસાની પથારી એ દાદર કને અને એની હાંમે પારણું , ક્યારેક રંગમાં આવે તો ડોસો એવું હાલરડું લલકારે શહેરીઓ માટે નવતર ગાણું બની રહે ને કેટલાંય ડોકાં હાંભળવા કાન દે.

ધીરે ધીરે ડોસા શહેરમાં ફરતા થયાં , નદી સુધી જતા થયા ને નદી જોયા પછી એમની વિઘા ઝાલી શાની રહે ! કશી નહીં ને કશીક જડીબુટ્ટી એ ગોતી જ લાવે. ભૂલેચૂકેય નાના બાળકને કંઠે દાક્તરની દવા ન ચડવા દે ને પેલા બાળકને લાગવા માંડી દાદાની માયા. દાદાની કાળજીએ ચારેક માસનો થતાં તો એ ઢેંગલા જેવો થઈ ગયેલો.

એ જ અરસામાં ડોસા શહેરમાં મોટરની હડફેટે આવી ગયા. થાપામાંથી પગ ભાંગ્યો , ઢળી ગયેલી ઉંમર અને પગે પ્લાસ્ટર ! દાદરા પાસેની પથારીમાંથી પગલુંય ખસાય નહીં. ડોસા પાછા વિલાયતી દવા નામનીય ન લે. “જિંદગી આખી લોકોને દેશી ઓસડ આલ્યાં ને મરતી વેળા હું મારો કોઠો અભડાવું ! ના , એ દવા મને ન પચે.”

ડોસાની આ માંદગી લાંબી ચાલી. દીકરાવહુનું નામ કરુણા. તે ડોસા માટે એ સાક્ષાત્ કરુણાનો અવતાર સિદ્ધ થઈ રહી. પહેલાં તો એ આધુ ઓઢતી , પણ ડોસાની સેવામાં ખડેપગે રહેતાં એણે ઘૂમટાની પરવા ન કરી . પતિના મુખે એણે દાદાની કથા સાંભળેલી. પંડ્યના પેટ પર વરસતા દાદાના વહાલને એણે નયણે કરેલું. જરાસરખું સળેખમ થતાં છેક સગડીએ ધસી આવી બાળકને અજમાનો શેક કરતા ડોસાની ચિંતા એણે પારખેલી. પ્રસૂતિ પછી પોતાની ‘ કેડ્યુ બંધાય ’ એની નૂસખો ડોસો છેક ગામડેથી પોટલી બાંધી લાવેલા એનીય એ ઓશિંગણ હતી.
એણે એમની સેવામાં જરાય પાછું વળીને જોવાનું ના રાખ્યું.

ભરી સગડી ડોસાની પથારીએ ચેતતી રહે , ચોખ્ખા ઘીનો શીરો ને રાબ – ડોસાને ભાવતા પદારથ , કોઈ વાતે એમને ઓછું – ઊલટું ના વર્તાવું જોઈએ એ જ કરુણાની ભાવના.

પણ ડોસો વલોપાત કર્યા કરે કે “ આ મારી મરણપથારી છે મણા ! મને ગામ લઈ જા. મારી માટી મારા મલકમાં પડે એમ કર્ય ; મારા દિકરા ”

મણિભાઈનો કાગળ આવતાં હું ત્યાં પહોંચ્યો. દાદાની આંખના ખૂણા ભીના થયા. મારો હાથ બેઉ કરચલિયાળા પંજામાં સમાવી કહે , “ બેટા જસ્યા ! મણાને હમજાય , ધાતે તે કરો પણ મને ઘેર લઈ જાવ , મારે અહીં નથી મરવું . ” #અમર_કથાઓ

“ તમારી આટલી ભાળ ઘેર કોણ લેશે , દાદા ? તમને મટી જાય એટલે ઘેર જવા દેવા મણિભાઈ તૈયાર છે. તમારી સેવાનો એમનેય લા’વો છે , દાદા ! તમે અધીરા ન થાવ . ”

ને એમના અંતરની વાત ફૂટી નીકળી , “ મારે બેટા ! કોઈ મારું જરાય આલુંટૂલું કરે એ નતું જોઈતું. મારે બચાડા – બાપડા થૈને ન’તું મરવું. હાચું કવ છું આમણાની વહુ મારી માનો અવતાર છે. મારી માય મને આટલો નંઈ પાલવ્યો હોય , આટલું હેત આ હાવ છોકરવાદ વહુમાં ! મને હાચું નથી લાગતું ! મારાં છૈયાંને કકળતા મેલીને મોંઘલી જતી રહી ત્યારે સ્ત્રી જાત પરનો મારો આખો પતિયાર લૂંટી ગઈ’તી.
મણાની વહુ એ પતિયાર પાછો લઈ આવી. બસ , આટલો ખેલ બતાવવો બાકી હતો માલિકને , તે જોઈ લીધો. આટલું ના જોયું હોત તો મરતાં મરતાં આ દુનિયાને સરાપતો જાત ; પણ અવ ન સરાપું. મારું મોત સુધરી ગયું ! બસ , અવ ઘેર લઈ જાવ. મારે આ અંતરિયાળ નથી મરવું . ”

જેમતેમ કરીને ડોસાને સમજાવ્યા. પગે ઊભા થાય કે પછી ગામ લઈ જઈએ એવી આશા આપી ; પણ એ પથારીએ એમનો પીછો ન છોડ્યો.
ગામ આવવાની એમની અબળખા અધૂરી રહી ગઈ. ને મણિભાઈના પત્ર મુજબ , “ એક રાત્રે મન – ભાવતું ભોજન આરોગી એ હૂતા તે હૂતા. સવારે જોયું તો આપણા દાદા નહોતા રહ્યા. ખૂબ આદરમાનથી એમને દફનાવ્યા છે ! ”

બેસણા પછી અમે સ્મશાને ગયા. ભવાનકાકા એ માટીની નીચે પોઢયા હતા. એ મારાથી નહોતું મનાતું. માટીમાંથી મનેખ પેદા કરવાનો કસબ એના કોઠે હતો. એ માટી ભેગા થાય ખરા ? હું મારું દરદ મનમાં જ ધરબી રાખું તો ભવાનકાકાને શું લાગે ? મારાથી પોક મુકાઈ ગઈ.
મારા ખભા પર મણિભાઈનો હાથ હતો , અને એમની આંખોમાં ચોધાર આંસુ ! અમરકથાઓ

“ દાદા મર્યા તે દા’ડે અમારી હાચી માં મરી ગઈ , જસ્યા ! દાદાએ આપણને રડવાનું ક્યાં શિખવાડ્યું હતું ? ”

✍ જોસેફ મેકવાન ( વ્યથાના વિતક )

પન્નાભાભી ગુજરાતી ટુંકીવાર્તા – જોસેફ મેકવાન

ઘરનું ઘર – જોસેફ મેકવાન

આપ અહીથી share કરી શકો છો.👇 કોઇપણ સંજોગોમાં copy paste કરવુ નહી.

જોસેફ મેકવાન
જોસેફ મેકવાન

જોસેફ મેકવાન – ભવાન ભગત (વ્યથાના વિતકમાથી)

Best Gujarati Story, Poems, general knowledge, Balvarta, Best Gujarati books, Gujarati books Pdf free downland. amarkathao.in અમરકથાઓ , ભવાન ભગત વાર્તા,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *