Skip to content

મારા બાળપણનું વન – સુરેશ જોશી | Old Textbook 12

મારા બાળપણનું વન - સુરેશ જોશી | Old Textbook std 12
6503 Views

મારા બાળપણનું વન – સુરેશ જોશી ધોરણ – 12 નાં જુના પાઠ્યપુસ્તકમાં આવતો એક યાદગાર પાઠ. જે આપની બાળપણ ની યાદોને તાજા કરી દેશે. My childhood memoires, બાળપણની યાદો, Old gujarati textbook, 1990’s Text book, જુના પાઠ્યપુસ્તકો. બચપન કે ગીત, સુરેશ જોશી, જનાન્તિકે

મારા બાળપણનું વન – સુરેશ જોશી

મારું બાળપણ જે ગામમાં વીત્યું તેનું નામ હું તમને નહીં કહું. મોંઘો ખજાનો કોઈને ખબર ન પડે તેમ દાટીને સંતાડી રાખવો પડે ………

મારા ગામમાં રાજાનો કિલ્લો હતો, વન હતું , વનમાં વાઘ હતા , રીંછ હતાં. એક નદી હતી. એનું નામ ઝાંખરી. સંસ્કૃત નામોનો ઝંકાર એમાં નથી. ઝાંખરામાં થઈને રસ્તો કરી વહેતીવહેતી આવતી માટે ઝાંખરી …….
દુંદાળા ગણપતિ આનન્દ ચૌદશને દિવસે એમાં ડૂબકી મારીને અલોપ થઈ જતા ને દશેરાના દિવસે માતાની જવારાની સોનાની સળીઓ એનાં પાણીમાં તરી રહેતી. એ ઝાંખરીએ ધરાયેલો વાઘ પાણી પીવા આવતો ……

ગામને પૂર્વ છેડે ‘ સતીનું વન ‘ એ નામથી ઓળખાતું આંબાવાડિયું હતું. એ આંબાવાડિયામાં એક ચોતરો હતો. પાસે એક દહેરી હતી ને એમાં સતીનાં પગલાં હતાં. એ સતીના મહિમાની ત્યારે અમને કશી ખબર નહોતી , પણ એ પગલાંની છાપ મન પર આજ સુધી અંકાયેલી રહી છે. દન્તકથાઓની ફલદ્રુપ ભૂમિમાં એ પગલાં અમને દોરી જતાં હતાં. એ આંબાવાડિયા પર શાખિયાં તૈયાર થયાં છે એ સમાચાર વીજળીવેગે પ્રસરી જતા ને અમારી ટોળી નીકળી પડતી.

રખેવાળને કેમ ભોળવવો , કેમ ખોટી દિશામાં દોડાવવો , આગલી હરોળમાં કોણ રહે – આ બધાંની પાકી વ્યવસ્થા થતી , વ્યૂહ રચાતો ને અંતે મિષ્ટ કેરીમાં સાહસની ઓર મીઠાશ ભેળવીને અમે થોડે દૂર , રેલવેના પાટા પાસેના ઝરણની ઠંડકમાં , ઉમરાના ઝાડની ઘટામાં આરોગવા બેસતા.
એ પાતાળઝરણું અદ્ભુત રસનું પણ ઝરણું હતું. એ ઝરણાએ ચિત્તમાંનાં કેટલાંય પાતાળઝરણાંને , ત્યાર પછી તો , વહેતાં કરી દીધાં છે …….

કવિતામાં આપણે ‘ ફૂલ બોલે છે ‘ એમ કહીએ છીએ , પણ બાલ્યકાળમાં તો એ કવિતા નહીં , પણ વાસ્તવિકતા જ લાગે છે. દરેક ફૂલની ભાષા જુદી. કેસૂડો બોલે તે જુદું , મહુડો બોલે તે જુદું , ને શીમળાના લાલચટ્ટક ફૂલની બડાશ વળી જુદી જ તરેહની.
મોગરો , જૂઈ , જાઈ , ચમેલી પરીકથામાંની ભૂલી પડેલી નાનકડી નાજુકડી પરીઓ જ જાણે ! બાલ્યકાળમાં મધુમાલતીના પર જુલમ ગુજારેલો તેને સંભારીને હજુયે મન ચચણી ઊઠે છે.

કોઈ સોબતીના મનમાં તરંગ ઊઠ્યો : ચાલો – અત્તર બનાવીએ. ચૈત્રના અન્ત ભાગના દિવસો. પરીક્ષાબરીક્ષા પરવારી ચૂકેલા. મધુમાલતીને આખીય ખંખેરીને ફૂલોનો ઢગલો કર્યો , રસોડામાંથી તપેલું ચોરી આવ્યું , લાકડાં એકઠાં કરી સળગાવ્યાં ને પાણીમાં ફૂલ નાખીને ઉકાળ્યાં. સાંજ થતાંમાં અત્તરના શીશા ભરાઈ જશે એવી કલ્પના હતી , પણ સાંજ થઈ ને પાણી તો એવું ને એવું રહ્યું ! જાદુના પ્રયોગ અજમાવેલા ને થોડું વૈદક પણ ખરુંસ્તો !

વૃક્ષોવૃક્ષોની છાયા જુદી હોય છે , તે હજુય યાદ આવે છે. શિરીષની આછી સુગંધવાળી છાંય , લીમડાની મંજરીની મહેકથી તરબતર શીતળ છાયા ને પીપળાની વાચાળ છાયા – વૈશાખની બપોરે વૃક્ષોની છાયાના ચંદરવા નીચે જ અમારો દરબાર ભરાતો.
વૃક્ષ સાથે , પંખીનો પરિચય પણ થતો. કાબરને જ મેના માનીને એને પકડીને એની પાસે મીઠાં ગાણાં ગવડાવવાનો પણ પ્રયોગ કરી જોયેલો. આ વનસ્પતિ અને પંખીપરિવાર સાથેની આત્મીયતા હજુય શહેરની સાંકડી જગ્યાના ટુકડામાં એકાદ ગુલાબ – મોગરાને નિમન્ત્રવાની ઘેલછા કરાવે છે.

બાળપણના પાઠ્યપુસ્તકના અક્ષર સાથે મધુમાલતીનાં ડાળપાંદડાં ને ફૂલની છાયા એવાં તો ભળી ગયાં છે કે થોડાં વરસના વિચ્છેદ પછી ફરીથી મધુમાલતીને આંગણે બોલાવી આણી છે.

ઘાસના બીડ પર આંગળી ફેરવીને સરગમ છેડી જતા પવનને જોવો એ પણ લહાવો છે. કિલ્લા પર રૂસા નામનું ઘાસ થાય છે. એની એક પ્રકારની તીવ્ર વાસ આવે છે. સવારનું ઝાકળ પડ્યું હોય ને એ ઘાસ પર આળોટીએ તો શરીરને બહુ સુખ થતું ; ત્યારે એમ થતું કે આ ઘાસની ભેગા ઘાસ બનીને મહેકી ઊઠીએ , પવનના માથા પરની કલગી છટાથી ઝુલાવીએ.

આજેય વર્ષના પ્રારંભના દિવસોની કોઈક રાતે એકાએક વરસેલી વરસાદની ઝડીના અવાજથી જાગી જવાય છે , ત્યારે ધરતીના પેટાળમાંનાં અસંખ્ય તૃણબીજોના ગર્ભસ્ફુરણનો અનુભવ થતાં ચિત્ત વિહ્વળ બની ઊઠે છે. જમીનના નાનાસરખા ટુકડા ૫૨ ખેતી કરવાની રમતો રમતાં ત્યારે વાવેલાં બીજમાંથી ફણગા ફૂટે તે જોઈને આનંદનો રોમાંચ થતો. એ કૂંપળો જાણે અમારા સર્જનના મહાન પરાક્રમની પતાકા બનીને ફરફરી રહેતી ને વળી મકાઈનો છોડ ઊધરી આવ્યો હોય , એમાં મોતી જેવા દાણા દૂધભર્યા ગોઠવાઈ ગયા હોય ને એની સોનેરી મૂછના ગુચ્છા બહાર આવે , ત્યારે એ અમારા જ વિજયની ચામર ઝૂલતી હોય એવું લાગતું.

પોતાનાં રેશમી સ્વપ્નોને ઉડાવી મૂકતો શીમળો અમને તો બીજા કારણે જાણીતો હતો. શીમળાનો કાંટો ને ગૂંદીની છાલ ભેગાં ચાવવાથી મોઢે પાન ખાધા જેવો રંગ આવે એવી એક મિત્રે શોધ કરી હતી ; પછી એક અનુભવસિદ્ધ પ્રયોગ તરીકે એને જાહેર કરતાં કેટલી વાર ! રંગોને ને સ્વાદને ત્યારે છૂડા પાડી શકાતા નહીં.

નિશાળમાંનું કાળું પાટિયું ઓળખ્યું તે પહેલાં સુખડનાં ફળની કાળવી મીઠાશને અમે ઓળખી ચૂક્યા હતા. ફણસોટા નામનો એક છોડ યાદ આવે છે. એ રંગનો ખરો જાદુગર હતો. એનાં લીલાંછમ પાંદડાં જોતજોતામાં લાલચટ્ટક થઈ જતાં , ને તમે એને મસળી નાખો તો એમાંથી ધોળું દૂધ નીકળતું. લીલામાંથી લાલ ને લાલમાંથી ધોળું – આવું બહુરંગીપણું જોઈ ભારે અચરજ થતું. ઘણે વર્ષે કોઈએ કહ્યું કે એ છોડનું દૂધ દર્દનાશક છે. પણ આજેય મારા મનમાં તો એ રંગના જાદુગર તરીકે જ જડાઈ ગયો છે.

કિલ્લાના જીર્ણ અવશેષો અમારી સાહસભૂમિ હતી. જંગલી વેલને બાઝીને અમે ટારઝનની જેમ એક ઝાડથી બીજે ઝાડ કૂદતા. કિલ્લામાં ભોંયરાના ગુપ્ત માર્ગો હતા. એના રહસ્યમય અંધારને તળિયે પણ અમારામાંના સાહસિકો ડૂબકી મારી આવતા. અમારો એક સાથી એમાં સોનું છે એવી ભાળ કાઢી લાવ્યો. બસ , પછી પૂછવું શું ! સોનાની કિંમત નહોતી , એ તો સાહસના નિમિત્તરૂપ હતું. ભોંયરાના પોલાણમાં દીવાલ સાથે પથ્થરનો અથડાવાનો અવાજ ધાતુ જેવો રણકારની ભ્રાન્તિ ઊભી કરતો હતો , આથી સોનાની ખાણ શોધી કાઢ્યાનો આનંદ , એમાંનું રતીભાર સોનું લીધા વિના , પૂરી નિઃસ્પૃહતાથી અમે સૌએ માણ્યો.

પરીકથામાંની આખી અદ્ભુત સૃષ્ટિ આ અરણ્યાચ્છન્ન કિલ્લામાં અમે શોધતા. અષ્ટકોણી વાવની પાળે બેસીને રૂમઝૂમ પગલે સ્નાન કરવા ઊતરતી રાજકુંવરીને જોતા , તો એ જ ભીના અંધકારમાં કોઈ જીનના વાળની જટાનો ભાસ થતાં અમે ભયથી ફફડી ઊઠીને ભાગી જતા. પાંદડું ખખડતાં પાછળ જોતાં , વૃક્ષની પડછંદી કાયાનો પડછાયો જોઈને “ માણસ ગંધાય , માણસ ખાઉં ” કરતો રાક્ષસ ઊભો છે કે શું ? – એવી ભ્રાન્તિથી અમે છળી મરતા.

પાકેલા અનુછ ( સીતાફળ નામ તો પાછળથી જાણ્યું ) ની અંદરની રાખોડી ધોળાશવાળી પેશીઓ ડાકણના દાંત જેવી લાગતી ને કાપીને મૂકેલા દાડમના સૂર્યના તડકામાં ચળકતા પ્રત્યેક લાલલાલ દાણામાં એકએક તેજપરી છુપાઈને લાલચટ્ટક હસી રહી હોય એવું દેખાતું. બોરડીને ઝૂડીને નીચે પાડેલાં બોરનો ખટમધુરો સ્વાદ ચાખતા ત્યારે દેવશિશુની કાલી વાણીનો સ્વાદ ચાખતા હોઈએ એવું લાગતું.

કોઈ ચાંદની રાતે જાગી ઊઠીને બહાર નજર જતી તો ચન્દ્ર જાણે વાર્તા કહેતો હોય ને આખું વન માથું ધૂણાવીને હોંકારો પૂરતું હોય એવું લાગતું. રાત્રિના અંધકારમાં સંભળાતી વાઘની ત્રાડથી માથે – મોઢે રજાઈ ઓઢી લઈને બચવા મથતા ; ઉંબર બહાર પગ મૂકતાં અદ્ભુત અને ભયાનકનું સામ્રાજ્ય શરૂ થઈ જતું.

સમય ત્યારે ઘડિયાળના સેકન્ડના કાંટાના પગલે મપાતો ન હતો. સમયમાં સેલારા મારવાનું ત્યારે રુચતું. એકસરખો વનરાત્રિનો પર્ણમર્મર કાને પડતો હોય , વર્ષાઋતુમાં એકધારો ટ૫ક ટપક વરસાદ ટપકતો હોય , ત્યારે સમયનાં ચરણચિહ્ન ભૂંસાઈ જતાં.

વાર્તા સાંભળવાના લોભમાં ઊંઘને પણ પાછી હડસેલતા હોઈએ , એક વાર્તા પૂરી થાય એટલે ‘ હવે બીજી ’ એમ માગણી કરતા હોઈએ , ત્યારે ચતુર ડોશીમા શરૂ કરે – એકવાર રાજકુંવર રાજકુંવરીને કહીને ગયો કે આવતે વર્ષે વરસાદ પડે અને તું દસ ટીપાં ગણે તે પહેલાં તો હું આવી પહોંચીશ.

રાજકુંવરી તો આકાશ ભણી મીટ માંડીને બેઠી. એક દિવસ એક કાળું વાદળું દેખાયું , એક ટીપું એના ગાલ પર પડ્યું ટ૫ , એક ટીપું પીપળાના પાંદડા પર પડ્યું ટપ , એક ટીપું વડના પાંદડા પર પડયું ટપ આમ ટપ ટપ ટપ ટીપાં પડ્યે જ જાય , રાજકુંવરીની આંખમાંથીય આંસુ ટપક્યે જ જાય ….. ટપ ટપ ટપ અમારી આંખોમાં મીઠી નિદ્રા ટપકતી જાય ટપ ટપ ટપ…..

✍ સુરેશ જોશી
[ ‘ જનાન્તિકે’માંથી ]

આ પણ વાંચો 👉 સિંહની દોસ્તી

ગુજરાતી યાદગાર કવિતા સંગ્રહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *