Skip to content

ચંદ્રશેખર આઝાદ સંપુર્ણ જીવન પરિચય

ચંદ્રશેખર આઝાદનાં પ્રસંગો
8435 Views

ચંદ્રશેખર આઝાદ ભારતની આઝાદીના સંગ્રામમાં પ્રથમ કોટિના ક્રાંતિકારીઓના હૃદયસમ્રાટ ચંદ્રશેખર આઝાદનું નામ સદાયને માટે સુવર્ણક્ષરે અંકિત થયેલું છે ચંદ્રશેખર આઝાદ સંપુર્ણ જીવન પરિચય. – અમરકથાઓ. Chandrashekhar Azad history in Gujarati, ચંદ્રશેખર આઝાદ વિકીપીડિયા

ચંદ્રશેખર આઝાદ બાળપણનો પ્રસંગ

ચંદ્રશેખરનું નામ આઝાદ કેવી રીતે પડ્યુ ?

ભારતીય સંસ્કૃતિના કેન્દ્ર સમી કાશી નગરીમાં જ્ઞાન વાપી પાસે સંસ્કૃત પાઠશાળામાં થોડા વિધાર્થીઓ ઉચ્ચ સ્વરે વ્યાકરણનો પાઠ કરી રહ્યા હતા . એ વખતે તેમને કાને એકાએક જયનાદ સંભળાયો : ” વંદે માતરમ્ , ભારતમાતાકી જય , મહાત્મા ગાંધીજી કી જય ! “

રાજમાર્ગ ઉપરથી એક વિશાળ સરઘસ પસાર થતું હતું. હજારો માણસો જયનાદ ગજવતા આગળ વધતા હતા. સામેથી પોલીસ પલટન આવી પહોંચી. લોકોને વિખેરાઈ જવાનો હુકમ આપ્યા સિવાય લાઠીધારી પોલીસો લોકો પર તૂટી પડ્યા.

સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓમાંથી એક મજબૂત શરીર અને દઢ સંકલ્પવાળો સોળ વરસનો કિશોર એકદમ બહાર પડ્યો અને પોલીસ લાઠી વીંઝતી હતી તેની સામે ઉભા રહી બુલંદ અવાજે જયનાદ કર્યો : ” ભારતમાતાકી જય , મહાત્મા ગાંધીજી કી જય ! “

એક ગોરા અફસરે એને પકડી લીધો અને તેને જેલમાં લઈ જવામાં આવ્યો. બીજા પણ કેટલાક જુવાનો પકડાયા. એ બધાનો કેસ અદાલતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ ચલાવવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે કોઈને ત્રણ મહિના તો કોઈને છ મહિનાની સજા ફરમાવી.

આખરે સંસ્કૃત પાઠશાળાના કિશોર વિધાર્થી નો વારો આવ્યો.

મેજિસ્ટ્રેટે પૂછ્યું : ‘ તુમ્હારા નામ ? ‘

‘ આઝાદ ! ‘

‘ તુમ્હારા બાપકા નામ ? ‘

‘ સ્વાધીન ! ‘

‘ કહાં રહતે હો ? ‘

‘ જેલખાને મેં ‘

‘ ક્યાં કરતે હો ? ‘

‘ અદાલતકા બોયકોટ ! ‘

‘ હં…….. અચ્છા ! ‘ મેજિસ્ટ્રેટે દાંત ભીંસ્યા ‘ બદમાશી કરતે હો ક્યા ? ‘

‘ જી નહીં. ‘

‘ તુમકો સીધા કિયા જાયગા. ‘

‘ બે શક ! ‘

ચંદ્રશેખરના નીડરતા અને જુસ્સાભર્યા જવાબો સાંભળી કોર્ટમાં બેઠેલા તમામ પ્રેક્ષકો તેના ઉપર ખુશ થઈ ગયા. પ્રેક્ષકોની નજરમાં પોતાની રેવડી થતી જોઈ મેજિસ્ટ્રેટ ખૂબ ગુસ્સે થયો અને ગુસ્સામાં અને ગુસ્સામાં તેણે ચુકાદો આપ્યો : ‘ બારહ બૅંત કી સજા. ‘

અદાલતમાં બેઠેલા માણસો ઉપર જાણે વીજળી પડી. ઘડી પહેલાં હસતા લોકો એકદમ ગંભીર બની ગયા. ‘ગજબ કિયા, બાપ રે ! ‘ કોઈ બોલી ઉઠ્યું : ‘ ઉફ , ઈતને નાદાન બચ્ચે કો બારાહ બેંક કી સજા ! ક્યા જુલ્મ હૈં ! ‘ અદાલતમાં હાહાકાર મચી ગયો. સૌ મનમાં ને મનમાં મેજિસ્ટ્રેટને ગાળો ભાંડવા લાગ્યા.

ફટકાની સજા કેવી આકરી કષ્ટદાયી હોય એનો ખ્યાલ આજના જમાનામાં ન આવે. ભલભલા બહારવટિયા , ક્રિમિનલ કેદીઓ , રીઢા ગુનેગારો ફટકાની સજાનું નામ સાંભળી કંપી ઉઠતાં.

જેને ફટકાની સજા કરવામાં આવે તેનાં બધાં કપડાં ઉતારી નાખવામાં આવે , માત્ર લંગોટીભેર નવસ્ત્રા બનાવે , પછી તેના હાથ ત્રિકોણાકાર ઉંચી ઘોડી સાથે બાંધે અને બે પગ પહોળા રાખી ઘોડીના પાયા સાથે બાંધે. પછી મીઠાના પાણીમાં બોળેલી નેતરની સોટી ફટકા મારવામાં આવે.

ચામડી ચિરાઈ જાય , લોહીની શેડો ઉડે , માંસના લોચા બહાર નીકળી પડે અને બે – ચાર ફટકા વાગતાં માણસ બેભાન બની જાય , એટલે ડોકટર તેને દવા આપી ભાનમાં લાવે. આવી ભયંકર સજા સોળ વર્ષના સુકુમાર ચંદ્રશેખરને કરવામાં આવી ત્યારે પ્રેક્ષકોમાં અરેરાટી છૂટી ગઈ. પરંતુ , ચંદ્રશેખર તો હસતો હતો !

અદાલતનું કામકાજ પુરું થયું. ચંદ્રશેખરને સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો. ત્યાં તેને ફટકાની સજા કરવામાં આવી. એક , બે , ત્રણ …. જેમ જેમ ફટકા પડતા ગયા તેમ તેમ શરીરની વેદના વધતી ગઈ. લોહીની શેડો ફૂટી પણ ચંદ્રશેખરના મુખમાંથી જયઘોષ ગાજી રહ્યો : ” ભારતમાતા કી જય ! “

જેલના કેદીઓ , વોર્ડરો , અધિકારીઓ સૌ કોઈએ દશ્ય જોઈને થથરી ઉઠ્યા. તેમના મુખમાંથી ચંદ્રશેખરની અદ્ભૂત વીરતા જોઈને ઉદ્ગાર નીકળી પડ્યા : ” વાહ , વાહ ! “

જેલરે પોતાની જિંદગીમાં આવો બહાદુ યુવાન જોયો ન હતો. ડોકટરે દવા લગાડી , સારવાર કરી અને ચંદ્રશેખરને મુકત કરવામાં આવ્યો.

તે દિવસે આખું બનારસ ચંદ્રશેખર આઝાદની બહાદુરી ઉપર વારી ગયું. એ શૂરવીર કિશોરને લોકોએ તેડી લીધો , તેને ફૂલની માળાઓથી ઢાંકી દીધો. માતાઓની આંખોમાં આંસુ ઉભરાયાં. અબાલવૃદ્ધ સૌ કોઈ વીર આઝાદની મુકતકંઠે પ્રશંસા કરવા લાગ્યાં. કાશી નગરના નેતાઓ અને પ્રજાજનોની જીભ ઉપર ચંદ્રશેખર આઝાદનું નામ રમવા લાગ્યું. (ત્યારથી ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખાયા. )

ઈ. સ. ૧૯૨૧ માં ગાંધીજીએ ઉપાડેલી અસહકારની રાષ્ટ્રવ્યાપી હિલચાલમાં કાશી નગરીએ તે દિવસે ત્યાગ અને બલિદાનનો કળશ ચડાવ્યો.

ચંદ્રશેખર આઝાદનો જન્મ


મધ્યભારતના અલિરાજપુર રિયાસતના ભાવરા નામના નાનકડા ગામમાં ઇ. સ. ૧૯૦૫ માં ચંદ્રશેખરનો જન્મ થયો હતો. ચંદ્રશેખરનાં માતાપિતા , વતન , બાળપણ અને અભ્યાસ એવાં જ રોમાંચકારી અને પ્રેરણાદાયી હતાં. તેના પિતાનું નામ સીતારામ તિવારી અને માતાનું નામ જગરાનીદેવી હતું. પિતા સિતારામ જમીનદારના બગીચામાં કામ કરતા હતા. તેમને માસિક પાંચ રૂપિયા પગાર મળતો હતો.

સ્વાભિમાની પિતાનો વારસો ચંદ્રશેખરમાં ઉતરી આવ્યો. બાળપણમાં તો તેણે સહન કરી લીધું , પણ ઉંમર લાયક થતાં માતાને સમજાવી ઘર છોડીને ચાલી નીકળ્યા અને કાશીમાં સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ મેળવી અભ્યાસમાં તલ્લીન બન્યાં.

સને ૧૯૨૧ ની સાલ આવી. અસહકારનું આંદોલન દેશભરમાં ફરી વળ્યું. હજારો માઈલમાં પથરાયેલો આપણો પ્રાચીન મહાન ભારત દેશ કોઈ જાદુગરે મંત્ર છાંટયો હોય તેમ જાગી ઉઠ્યો.

સોળ વર્ષનો સુકુમાર ચંદ્રશેખર તેમાં વીરતાપૂર્વક કૂદી પડ્યો. અને ” આઝાદ ” તરીકે સૌના હૃદયમાં આદરભર્યુ સ્થાન પામ્યો.

અસહકારની ઝુંબેશમાં સરકારી શાળા – કોલેજો છોડી દેવાની હાકલ ગાંધીજીએ કરી હતી. હજારો વિદ્યાર્થીઓએ તેને વધાવી લીધી. તેઓના અભ્યાસ માટે દેશભરમાં રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાઈ હતી. પૂનામાં લોકમાન્ય તિલક વિદ્યાપીઠ , અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ તેમ બનારસમાં કાશી વિદ્યાપીઠ મહાત્મા ગાંધીજીના શુભ હસ્તે સ્થાપવામાં આવી હતી. ચંદ્રશેખર તેમાં જોડાયા.

એ વખતે કાશી વિદ્યાપીઠમાં એક બંગાળી વિદ્યાર્થી આવ્યો હતો. તેનું નામ પ્રણવેશ ચટોપાધ્યાય. બંગાળમાં બોંબ યુગ પુરજોશમાં ચાલતો હતો. પ્રણવેશ એ ક્રાંતિકારીઓનો આગેવાન હતો. ક્રાંતિના પ્રચાર માટે જ તે કાશી વિદ્યાપીઠમાં જોડાયો હતો.

ચંદ્રશેખર આઝાદને જોતાં જ તે મુગ્ધ બની ગયો ….. કદાવર શરીર , કેરીની ફાડ જેવી વિશાળ આંખો , વાંકડી મૂછ અને તેજસ્વી ચહેરો ! પ્રણવેશની સાથે તેનો ક્રાંતિકારી મિત્ર મન્મથનાથ ગુપ્ત પણ હતો. એ બંને મિત્રોની નજર આઝાદ ઉપર ઠરી. અને તેને પોતાના દળમાં લેવાનો નિશ્ચય કર્યો. આઝાદ પણ આવા જ કોઈ મિત્રોને શોધતો હતો. અસહકારના શાંત આંદોલનમાં જે ઠંડી તાકાત અને સબૂરી જોઈએ તે એના સ્વભાવમાં ન હતી.

એકવાર સરઘસ ઉપર પોલીસે અમાનુષી લાઠીમાર કર્યો. તેમાં સ્ત્રીઓ અને બાળકો પણ હતાં. જોઈને આઝાદનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે પોલીસના હાથમાંથી લાઠી ખૂંચવી લીધી અને પોલીસને સખત માર માર્યો. તેની ધરપકડ કરવામાં આવી. અદાલતમાં મેજિસ્ટ્રેટ પાસે તેને ખડો કરવામાં આવ્યો , ત્યારે મેજિસ્ટ્રેટને આપેલ જવાબમાં ચંદ્રશેખર સંસ્કૃત શ્લોકો બોલવા લાગ્યો એટલે મેજિસ્ટ્રેટે એને પાગલ ગણીને છોડી મૂક્યો !

ચંદ્રશેખર આઝાદ અસહકારી મટીને સંપૂર્ણ ક્રાંતિકારી બની ગયો. પોતાના દળને માટે જોઈતાં નાણાં મેળવવા પોતાના મિત્રો સાથે મળીને અનેક નાની મોટી ધાડો પાડી. સને ૧૯૨૩ માં પંડિત રામપ્રસાદ બિસ્મિલની સરદારી નીચે બિચપુટીની ધાડ પાડવામાં આવી.

તેમા ચંદ્રશેખર આઝાદ પણ જોડાયો હતો. ઈ. સ. ૧૯૨૪ માં શચીન્દ્રનાથ સન્યાલે ” ક્રાંતિકારી ” નામની એક પત્રિકા તૈયાર કરી તેની હજારો નકલો દેશભરમાં ખૂણે ખૂણે પહોંચાડવામાં આઝાદનો મુખ્ય ફાળો હતો.

ઈ. સ. ૧૯૨૫ ના ઓગસ્ટની ૯ મી તારીખે દસ ક્રાંતિકારી યુવાનોએ એક સાહસભર્યું ષડયંત્ર રચ્યું. તેને આઝાદીના ઈતિહાસમાં ” કાકોરી કાવતરા ” (કાકોરી કાંડ) તરીકે ઓળખાવવામાં આવે છે. તેના સેનાપતિ ચંદ્રશેખર આઝાદ હતા.

લખનૌ મુગલસરાઈ લાઈન પર કાકોરી નામનું નાનું સ્ટેશન આવે છે. ચંદ્રશેખર આઝાદ અને તેના મિત્રોએ કાકોરી સ્ટેશને સાંકળ ખેંચીને ગાડીને ઉભી રાખી. પંદર વીશ મિનીટ જેટલા થોડા સમયમાં સરકારી ટપાલના થેલા લૂંટી લીધા. રોકડ રકમ તથા નોટો મળીને રૂપિયા ૫૦૦૦ હાથમાં આવ્યાં. તે લઈને યુવાનો નાસી છૂટયા.

દેશભરમાં આ હિંમતભરી ધાડના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા. સરકાર ચોંકી ઉઠી. યુકત પ્રાંતમાં ઠેર ઠેર દરોડા પડયા. લખનૌ , કાનપુર , મેરઠ , અલ્હાબાદ , વગેરે શહેરોમાં પોલીસોએ ધરપકડનો દમનદોર ચલાવ્યો. અને ચાલીસેક યુવાનોને પકડી લીધા. બનારસના ક્રાંતિકારીઓ ઉપર પણ છાપો માર્યો ; પરંતુ મોટા ભાગના ક્રાંતિકારીઓ તો બનારસ છોડી ક્યારના રફૂ ચક્કર થઈ ગયા હતા.

રાજેન્દ્ર તો ધાડ પહેલાં જ બોમ્બ બનાવવાનું શિક્ષણ લેવા કલકતા પહોંચી ગયો હતો. શચીન્દ્ર સિનેમા જોવા ગયા પછી ઘેર પાછો જ ન ફર્યો. મન્મથનાથ ગુપ્તા થોડોક વખત ગુપ્ત રહ્યા પછી પોલીસના હાથમાં આવી ગયો. શાહજહાનપુરથી રામપ્રસાદ બિસ્મિલ અને રોશનસિંહ પકડાયા. અશફાકઉલ્લાખાન અફઘાનિસ્તાન નાસી છૂટવાની તૈયારી કરતા હતા, એવામાં તેમને એકાએક દિલ્હીમાં જ ગિરફતાર કર્યા , આઝાદે જોયું કે બનારસમાં વધારે વખત રહેવામાં જોખમ છે , એટલે એક દિવસ લાગ જોઈને અલોપ થઈ ગયા.

પાછળથી નાસતા ફરતા કેટલાયે પકડાઈ ગયા , પણ ચંદ્રશેખર આઝાદ આખર સુધી ન પકડાયા તે ન જ પકડાયા. તેની તો પ્રતિજ્ઞા હતી : ” ગમે તેમ થાય પણ જ્યાં સુધી દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી હું જીવતો શત્રુના હાથમાં કદી નહીં આવું. સરકાર ભલે મારા મૃતદેહને ગિરફતાર કરે પણ મને જીવતો તો કદી નહિ જ પકડી શકે. “

બનારસ છોડયા પછી તેણે કેવી કઠિન દશામાં દિવસો ગુજાર્યા એ આપવીતી આઝાદના પોતાના જ શબ્દોમાં વાંચીએ : ” કાકોરીની ધાડ પછી જ્યારે ઘણા માણસો ગિરફતાર થવા લાગ્યા ત્યારે હું બનારસ નાસી આવ્યો. રામપ્રસાદ , શચીન, સન્યાલ , રોશનસિંહ , લાહિડી વગેરે બધા જેલમાં પહોંચી ગયા હતા. કેટલીયે વાર તેમને છોડાવવામાં મનસૂબા કર્યા. તૈયારીઓ પણ કરી …….. કાકોરી કાવતરા કેસના ચૂકાદાને પરિણામે ચાર જુવાનોને ફાંસી દીધી , ત્યારે તો હું પાગલ થઈ ગયો. મારા માથામાં લોહી ચડી આવ્યું. એ વખતે મારી પાસે માત્ર એક બંદૂક હતી. કેટલીય વાર વિચાર કર્યો કે બંદૂકને બિસ્તરમાં વીંટી લખનૌ ચાલ્યો જાઉં અને તસદુક હુસેન ખાનબહાદુર જે કાકોરી કેસમાં પોલીસ તરફથી ફરિયાદી હતો તેને ઠાર મારી નાખું.

પરંતુ લોકોએ મને સમજાવ્યો , હાથ પકડી રોકી રાખ્યો. એથી શો ફાયદો ? હું શું કરી શકવાનો હતો ? “

ચંદ્રશેખર આઝાદને લાગ્યું કે હવે યુકત પ્રાંતમાં રહી શકાશે નહીં , એટલે તેઓ મુંબઈ ચાલ્યા ગયા. બંદર ઉપર ગોદામમાં મજૂરી કરવા લાગ્યા. રોજના નવ આના મજૂરી મળતી. બાર વાગ્યા સુધી ચાર – ચાર આનામાં બે વખત સિનેમા જોઈ મોડી રાતે પાછા ફરતા અને ગોદામની ખુલ્લી ફરસંબંધી ઉપર સૂઈ રહીને રાત વિતાવી દેતા. યુકત પ્રાંતનો મામલો કાંઈક શાંત પડયો ત્યારે આઝાદ ઝાંસી આવ્યા અને ત્યાં ગુપ્ત થાણું નાખ્યું.

કાકોરી કાવતરા કેસમાં તેમના કેટલાક સાથીઓને પાંચથી પંદર વર્ષ સુધીની લાંબી સજાઓ થઈ હતી. અને કેટલાકને ફાંસીને માંચડે લટકાવી દેવામાં આવ્યા હતા. આથી ચંદ્રશેખર આઝાદનું લોહી ઉકળી રહ્યું હતું. તેઓ કોઈક મોટો ક્રાંતિકારી કાર્યક્રમ વિચારી રહ્યા હતા.

ઈ. સ. ૧૯૨૮ માં સાઈમન કમિશન હિન્દુસ્તાનમાં આવ્યું. મહાત્મા ગાંધીજી અને દેશના મોટા નેતાઓએ તેનો બહિષ્કાર કરવાની હાકલ કરી. વિરોધમાં વિશાળ સરઘસો નીકળ્યાં , સભાઓ થઈ. લાહોરમાં લાલા લજપતરાયની આગેવાની નીચે નીકળેલા સરઘસ ઉપર પોલીસે અમાનુષી લાઠીમાર ચલાવ્યો. લાલાજી સખત ઘાયલ થયા. અને તેમનું દુઃખદ અવસાન થયું.

લાલાજીને લાઠી મારનાર સોન્ડર્સ નામના અધિકારીને ઠાર કરવાની યુવાનોએ પ્રતિજ્ઞા લીધી. તેમાં ભગતસિંહ, અને તેના સાથીઓ હતા. ચંદ્રશેખર આઝાદ એમનો સેનાની હતો. એક પણ યુવાન પકડાયો નહીં.

બીજે વરસે ભગતસિંહ અને દતે વડી ધારાસભામાં બોંબ ફેંક્યો અને તેઓ પકડાયા. ભગતસિંહ , રાજ્યગુરૂ અને સુખદેવને ફાંસીની સજા ફરમાવવામાં આવી.

ભગતસિંહને ફાંસી અપાયા બાદ ચંદ્રશેખર આઝાદ પોતાનું બલિદાન આપવા અધીરા બન્યા હતા. એવામાં અણધાર્યો એક એવો પ્રસંગ બન્યો , જેણે એના મૃત્યુને ધન્ય બનાવ્યું.

” સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમે હૈ,

દેખના હૈ જોર કીતના બાજુ એ કાતિલ મે હૈ.”

એકવાર આઝાદ આલ્ફ્રેડ પાર્કમાં એક વૃક્ષ નીચે પોતાના મિત્ર સાથે નિરાંતે વાત કરી રહ્યા હતા. એવામાં અચાનક એક મોટર આવી દસ વાર દૂર ઉભી રહી અને તેમાંથી પોલીસ ઉપરી નોટ બાવર બહાર કૂદીને દોડતો આઝાદની સામે આવી ઉભો.

તેણે રિવોલ્વર તાકી હુકમ કર્યો : ” હાથ ઉંચા … શરણે થાઓ ! “

આઝાદ તો આવા કટોકટીના પ્રસંગે હંમેશાં તૈયાર જ રહેતા. એણે તરત જ પિસ્તોલ કાઢી ડી. એસ. પી. નોટ બાવર ઉપર ગોળી છોડી. ગોળી નોટના હાથને વીંધીને આરપાર થઈ ગઈ. બાવરની ગોળી આઝાદની જાંઘમાં વાગી.

છતાં, આઝાદની ગોળીઓ તો છૂટતી જ હતી. બાવર એક ઝાડની ઓથે છુપાઈ ગયો. એ વખતે એક બીજી પોલીસ ટુકડી આવી પહોંચી અને આઝાદને ઘેરી લીધા. પછી ચારે બાજુથી તેની ઉપર ગોળીઓનો વરસાદ વરસ્યો.

ક્રાંતિ સેનાપતિ ચંદ્રશેખર પોલીસોની ગોળીઓથી વીંધાઈને ચાળણી જેવો બની ગયો. તેના શરીરમાંથી રુધિરની ધારાઓ છૂટી. અને પોતાની પ્રતિજ્ઞા પાળવા પોતાની પિસ્તોલની છેલ્લી ગોળી પોતાને લમણે રાખી ટ્રીગર દબાવી દીધુ. તેના પ્રાણ ઉડી ગયા. “

” સરકાર મારા મૃતદેહને પકડી શકશે. હું જીવતો એના હાથમાં આવવાનો નથી. ” પોતાની આવી દઢ પ્રતિજ્ઞા એ વીર પુરૂષે આખરે પાળી બતાવી.

ભારતની આઝાદીના સંગ્રામમાં પ્રથમ કોટિના ક્રાંતિકારીઓના હૃદયસમ્રાટ ચંદ્રશેખર આઝાદનું નામ સદાયને માટે સુવર્ણક્ષરે અંકિત થયેલું છે અને રહેશે.

ક્રાંતિકારી – વીર સાવરકર 👈

દેશભક્તિ ગીતો 👈

ચંદ્રશેખર આઝાદ સંપુર્ણ જીવન પરિચય, ચંદ્રશેખર આઝાદ વિશે નિબંધ, ભારતના ક્રાંતિકારી, આઝાદીનો ઇતિહાસ, ભારતની આઝાદીનો ઇતિહાસ, Chandrashekhar Azad Quotes, Chandrashekhar Azad real photo,Chandra Shekhar Azad History, Chandrashekhar Azad in Gujarati, Chandra Shekhar Azad History, ચંદ્રશેખર આઝાદ જીવન, ચંદ્રશેખર આઝાદ અવસાન, આઝાદી નો ઇતિહાસ, ગુજરાતી ક્રાંતિકારી, તમને ગમતા સ્વાતંત્ર સેનાની વિશે પાંચ વાક્યો લખો. વીર ક્રાંતિકારી, આઝાદી પહેલાનું ભારત નિબંધ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *