Skip to content

દુર્ગાભાભી : એ મહિલા ક્રાંતિકારી જે ભગતસિંહને બચાવવા તેમના પત્નિ બન્યા હતા

દુર્ગાભાભી - મહિલા ક્રાંતિકારી
2593 Views

ક્રાંતિકારી દુર્ગાભાભી ભગતસિંહને ધરપકડથી બચાવવા અંગ્રેજ મેડમ બન્યા હતા, એસેમ્બલીમાં બોંબ ફેંકવા જઇ રહેલા ભગતસિંહને પોતાના લોહીથી તિલક કર્યુ હતું, તેઓ સ્વાતંત્ર સેનાની ભગવતિ ચરણ બોહરાના ધર્મ પત્ની હતા. story about Durga Bhabhi, Durgawati Devi

દુર્ગાભાભી – ઈતિહાસનુ એક સોનેરી પાનુ

ભાગ 1

૧૯૨૮ના ડિસેમ્બરની એક સર્દ રાત. લાહોરનું એક શાંત મકાન.

પતિ ક્યાંક બહારગામ ગયેલો છે.

ઘરમાં માત્ર વીસ વર્ષની ગૃહલક્ષ્મી હાજર છે અને એની ગોદમાં છે એક વર્ષનો પુત્ર. અંધકારની પછેડી ઓઢીને એક યુવાન ઘરમાં પ્રવેશે છે. ધીમેથી પૂછે છે…

‘દુર્ગાભાભી ! એક કામ કરવાનું છે. કરશો ?’

‘ભાઈ, મારાથી એકલીથી થઈ શકે તેવું હોય તો ફરમાવો, તમારા મિત્ર તો કોલકાતા માં બેઠા છે.’ ભાભી એ જવાબ આપ્યો…

‘એ હોત તો પણ આ કામ તો તમારે એકલાંએ જ કરવું પડ્યું હોત.’

યુવાન આટલું બોલીને અટકયો,

પછી મુદ્દાની વાત પર આવી ગયો,

‘એક માણસને લાહોરમાંથી ભગાડવાનો છે.’

‘કોણ છે ?’ દુગૉએ પૂછ્યું.

‘નામ નહીં જણાવું,

કામ જણાવું છું. એ એક ક્રાંતિકારી છે. થોડાક દિવસ પહેલાં જ એણે એક અંગ્રેજનું ખૂન કર્યું છે. જો પકડાશે તો એને ફાંસીની સજા થશે. સરકાર લાહોર ની ધૂળમાં એનું પગેરું શોધી રહી છે. શહેરમાંથી બહાર જવાના એક-એક માર્ગ પર પોલીસ નજર રાખીને બેઠી છે. કોઈ વાહન ચેકિંગ વગર છટકી શકતું નથી. ભાભી, હા પાડતાં પહેલાં, વિચાર કરી લેજો. જાનનું જોખમ છે. ગોળી પણ ચાલી શકે છે.’

‘હું તૈયાર છું.

મારે શું કરવાનું છે ?’

વીસ વર્ષની યુવતી જીવતો સાપ હાથમાં પકડવા માટે તૈયાર થઈ ગઈ.

‘આજે મોડી રાત્રે એ યુવાન અહીં પહોંચી જશે. હું જ એને લઈને આવી પહોંચીશ. એનો ચહેરો-મહોરો પૂરા હિન્દુસ્તાન માં હવે તો જાણીતો બની ચૂકયો છે. માટે એણે પૂરો વેશપલટો કરી લીધો હશે. એ હિન્દુસ્તાન માં રહેતા અંગ્રેજ સાહેબ ના ગેટઅપમાં સજજ હશે. સાથે એનો નોકર પણ હશે.‘

‘નોકર તો નિર્દોષ હશે ને ?’

દુગૉએ પૂછ્યું…

‘ના, એ પણ ક્રાંતિકારી છે.

આપણે મન ક્રાંતિવીર અને અંગ્રેજો માટે આતંકવાદી છે. તમારે ગોરી મેમસાહેબ બનીને પેલા બડા બાબુની સાથે પ્રવાસમાં સામેલ થવાનું છે. ક્રાંતિકારી ની પત્ની બનીને. સાથે તમારો દીકરો હશે. પોલીસ ને ખબર છે કે એ યુવાન કુંવારો છે, એટલે તમને ત્રણેય ને સાથે જોઈને કોઈને શંકા નહીં પડે.’

‘ક્યાં જવાનું છે?

ક્યારે નીકળવાનું છે? કઈ રીતે?’

‘કાલે સવારે કોલકાતા એક્સપ્રેસના ફર્સ્ટ કલાસમાં રવાના થવાનું છે. ટિકિટો આવી ગઈ છે. પહોંચવાનું છે કોલકાતા.’

‘અરે !

તમારા ભાઈ ત્યાં જ ગયા છે.

આજે સવારે જ એમની સાથે વાત થઈ,

એ પૂછતા હતા કે કોંગ્રેસ નું અધિવેશન આ વરસે કોલકાતામાં ભરાવાનું છે, હું એમાં હાજરી આપવા જવાની છું કે નહીં ?’

‘તમે શો જવાબ આપ્યો, ભાભી ?’

‘મેં ના પાડી,

પણ હવે હું જઈશ.

પતિને મળવા માટે નહોતી જવાની,

પણ હવે એક દેશભકતને ભગાડવા માટે જઈશ. હે ભગવાન! મારી સહાય કરજે! મારા પતિના મનમાં કશી ગેરસમજ ન પ્રગટે!’

ચર્ચા પૂરી થઈ.

મોડી રાત્રે ત્રણ યુવાનો ખડકી માં દાખલ થયા. ગોરાસાહેબે યુરોપિયન ઓવરકોટ, પેન્ટ અને બૂટ પહેર્યાં હતાં.

માથા પર તીરછી અદામાં ફેલ્ટ હેટ ધારણ કરેલી હતી. સાથે જાણે છેલ્લી સાત પેઢીથી નોકર પરંપરા ચાલી આવતી હોય એના વારસદાર જેવો એક નોકર હતો. દુગૉભાભી એ બંનેની સામે ધારી ધારીને જોઈ રહ્યાં. પહેલાં તો એ બંને ઓળખાયા જ નહીં, પછી જ્યારે ઓળખાયા ત્યારે દુગૉભાભી નાં મુખમાંથી આશ્ચર્ય મિશ્રિત શબ્દો સરી પડ્યા..

‘અરે !

આ તો આપણો ભગત છે !’

હા, એ દેશી બાબુ હતા ક્રાંતિવીર ભગતસિંહ. સાથેનો નોકર હતો રાજગુરુ અને એમને લઈને આવનાર હતો સુખદેવ. ભારત માતાના લલાટ ઉપરના સૌથી તેજસ્વી સિતારા એવા આ ત્રણ સરફરોશ ક્રાંતિકારીઓ બહુ નજીક ના ભવિષ્ય માં શહીદે આઝમ બનીને ઈતિહાસ માં અમર થઈ જવાના હતા.

અત્યારે તો અંગ્રેજ પોલીસ અમલદાર સોંડર્સની હત્યા કરીને એ ત્રણેય લાહોર છોડી જવાની ફિરાકમાં હતા અને એમને મદદ કરવાના હતા એમના જ એક ક્રાંતિકારી મિત્ર ભગવતીચરણ બોહરા ની પત્ની…દુગૉદેવી.

ભગવતીચરણ મૂળ ગુજરાત ના નાગર યુવાન હતા, પણ પંજાબ માં સ્થાયી થયાં હતાં. એમની પત્ની દુગૉ જ્યારે લગ્ન કરીને આવી હતી ત્યારે સામાન્ય, અશિક્ષિત અને અબુધ બાળા જેવી હતી. પતિનું પડખું સેવતાં-સેવતાં એ સસલી મટીને સિંહણ બની ગઈ હતી. અંગ્રેજી અને સંસ્કૃત પણ શીખી રહી હતી. એની ગોદમાં રમી રહેલા એક વર્ષના પુત્ર શચિને તો ભાન પણ ક્યાંથી હોય કે આવતી કાલે સવારે એ ભારત ના સ્વાતંત્રય સંગ્રામ ની એક મહત્વ ની ઘટના નું અતિમહત્વ નું પાત્ર બની જવાનો છે ?!

સવારે ભગતસિંહ કોલકાતા એક્સપ્રેસના ફર્સ્ટ કલાસના ડબ્બામાં ચડ્યા ત્યારે પ્લેટફોર્મ ઉપર ખડકાયેલા પોલીસમેનો પાઘડીધારી શિખ આતંકવાદીને પકડી પાડવા માટે આમથી તેમ ફાંફાં મારી રહ્યા હતા. ભગતસિંહે લાંબા કેશ કપાવી નાખ્યા હતા. ઓવરકોટનો કોલર ઊભો કરીને ચહેરાને અડધો-પડધો ઢાંકી લીધો હતો. તીરછી હેટ બાકીનું કામ પૂરી કરી આપતી હતી. તેમ છતાં જો કોઈ પોલીસ એમની તરફ ઝીણી નજરે જોવાનો પ્રયત્ન કરે, તો એમણે તેડેલો ‘પુત્ર’ શચિ જાણે પિતાને વહાલ કરતો હોય એવી અદામાં ગાલ પર ચૂમી કરી લેતો હતો. સાથે મેમસાહેબ બનેલાં દુગૉભાભી લાંબું ફ્રોક ચડાવીને ઊંચી એડીના સેન્ડલ પહેરીને ‘ખટ-ખટ’ કરતાં ચાલી રહ્યાં હતાં. નાગરાણી હતાં એટલે રૂપાળાં તો હતાં જ, ઉપરથી ગાલ ઉપર પાઉડરનો થર ! ગોરી મે’મ પણ એમની આગળ હબસણ જેવી લાગે એવો ઠાઠ હતો.

અંગ્રેજ પોલીસ ફાંફાં મારતી રહી ગઈ અને ગાડી રવાના થઈ ગઈ. રેલવેના આજ સુધીના ઈતિહાસ માં કોઈ ટ્રેન આવા અને આટલા મોંઘેરા મુસાફરો સાથે ઊપડી નહીં હોય. બાજુના થર્ડ કલાસના ડબ્બામાં ભજન ગાતાં બાવાઓની જમાતમાં એક બાવો બનીને પ્રવાસ કરી રહ્યા હતા ચંદ્રશેખર આઝાદ. આ ચારેય જણા પછીથી આથમી ગયા. જિંદગી જેને સાચવી શકવાની ન હતી, એમને આ ટ્રેન સાચવીને લઈ જતી હતી.

કોલકાતાના રેલવે સ્ટેશને ભગવતીચરણ બોહરા પત્નીને અને સાથીદારોને લેવા માટે આવ્યા. એમને તાર દ્વારા સમાચાર મળી ગયા હતા. એ દુગૉને શોધતા હતા, ત્યાં એક અંગ્રેજ મેડમ સામે આવીને ઊભી રહી ગઈ…

‘મને ઓળખી ?’

પતિ એ પત્ની ને તો ન ઓળખી,

પણ એના અવાજને ઓળખ્યો. પોતાના મિત્રના પ્રાણ બચાવનાર પત્ની માટે છાતીમાંથી પ્રેમના સાત દરિયા સામટા ઊછળી પડ્યા. એ આટલું જ બોલ્યા…

‘તને મેં આજે જ ઓળખી, દુગૉ !’

રૂઢિચુસ્ત ભારતની એક સંસ્કારી નારી પોતાનાં પતિ ના મિત્ર ની પરણેતર બની ને ટ્રેનના એકાંત ડબ્બામાં પ્રવાસ ખેડે, કોલકાતા પહોંચ્યા પછી પણ ડોળ ચાલુ રાખવા ખાતર પારકા જુવાન સાથે હોટલ મા રાત રહે. અને એનો પતિ એની પવિત્રતા નો સ્વીકાર કરે,

આ …‘ન ભૂતો ન ભવિષ્યતિ’

જેવી ઘટના છે.

ભગતસિંહ કોલકાતા જઈને બંગાળી ક્રાંતિકારીને મળ્યા, એમની પાસેથી બોમ્બ બનાવવાનું શીખ્યા અને પછી ધારાસભામાં બોમ્બવિસ્ફોટ કર્યો.

🌼 દુર્ગાભાભીનો પરિચય – જીવન 🌼

દુર્ગાભાભી
દુર્ગાભાભી

દુર્ગાભાભીનો જન્મ ૭ ઓકટોબર ૧૯૦૭માં શહજાદપુરમાં થયો હતો.

તેઓ સ્વાતંત્ર સેનાની ભગવતિ ચરણ બોહરાના ધર્મ પત્ની હતા.

ભગવતી ચરણ બોહરાના પિતા રેલવે ખાતામાં ઉચ્ચ પદ પર બિરાજમાન હતા છતાં તેઓ બ્રિટિશ સરકાર સામે લડવા માટે તૈયાર કરેલા એક ક્રાંતિકારી સંગઠનના સચિવ બન્યા હતા.

દુર્ગાભાભી પણ પતિના પગલે ક્રાંતિકારીઓની મદદ માટે આગળ બહાર આવ્યા હતા. આ બંન્ને દંપતિએ એ જમાનામાં રુપિયા ૫૦ હજાર ક્રાંતિકારીઓ માટે ખર્ચ કર્યા હતા.

ઇસ ૧૯૨૬માં ભગવતિ ચરણ બોહરાએ ભગતસિંહની સાથે લોહીથી લખાયેલા કાગળ પર હસ્તાક્ષર કર્યા હતા. ભગવતી ચરણ બોહરા ૨૮ મે ૧૯૩૦ના રોજ રાવી નદીના કાંઠે તેમના સાથીઓની સાથે બોંબ બનાવી રહયા હતા બોંબના પરીક્ષણ દરમિયાન શહીદ થયા હતા. પતિના શહિદ થયા પછી દુર્ગાભાભીએ ભગતસિંહ,ચંદ્રશેખર આઝાદ જેવા શહીદોને મદદ અને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું હતું.

૯ ઓકટોબર ૧૯૩૦ના રોજ દુર્ગાભાભીએ ગર્વનર હેલી પર ગોળીઓ છોડી જેમાં હેલી બચી ગયો પરંતુ તેનો એક સૈનિક અધિકારી ટેલર ઘાયલ થયો હતો.

ત્યાર બાદ મુંબઇના પોલીસ કમિશ્નરને પણ દુર્ગાભાભીએ ગોળી મારી હતી. આથી પોલીસ આ ક્રાંતિકારી મહિલાની શોધખોળ પાછળ પડી ગઇ હતી.

મુંબઇમાં એક મકાનમાંથી દુર્ગાભાભી તથા યશપાલની ધરપકડ કરવામાં આવી હતી. દુર્ગાભાભી રાજસ્થાનથી ક્રાંતિકારીઓ માટે પિસ્તોલ પુરી પાડવાની કામગીરી કરતા હતા.

#ચંદ્રશેખર_આઝાદ અંગ્રેજો સામે લડતા લડતા શહીદી વ્હોરી લીધી એ પિસ્તોલ પણ દુર્ગાભાભીએ જ લાવી આપી હતી.

તેમણે પિસ્તોલ ચલાવવાની તાલિમ લાહોર અને કાનપુરમાં લીધી હતી.

ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત જયારે કેન્દ્રીય એસેમ્બલીમાં બોંબ ફેંકવા જઇ રહયા હતા ત્યારે તેમણે #પોતાના_લોહીથી_તિલક કર્યું હતું.

ભગતસિંહને ફાંસી અપાયા પછી દુર્ગાભાભી સાવ એકલા પડી ગયા હતા.પોતાના પાંચ વર્ષના પુત્રને લઇને અભ્યાસ માટે દિલ્હી આવ્યા જેની પોલીસને જાણ થતા લાહોર જતા રહયા હતા. પોલીસે અહી તેમની ધરપકડ કરીને ત્રણ વર્ષ સુધી નજર કેદ રાખ્યા હતા.

જેલમાંથી છુટીને ૧૯૩૫ માં ગાઝીયાબાદમાં પ્યારેલાલ કન્યા વિધાલયમાં નોકરી કરવા લાગ્યા હતા. ઇ.સ. ૧૯૩૯માં મદ્રાસ જઇને મારિયા મોન્ટેસરીમાં મોટેસરી પધ્ધતિનું શિક્ષણ લઇને ૧૯૪૦માં લખનૌ કેન્ટ રોડ પાસે નજીરાબાદમાં પાંચ વિધાર્થીઓ સાથે મોન્ટેસરી શાળા ખોલી હતી જે આજે મોન્ટેસરી ઇન્ટર કોલેજના નામથી ઓળખાય છે. ૧૪ ઓકટોબર ૧૯૯૯ના રોજ ગાજીયાબાદમાં દુર્ગાભાભીનું અવસાન થયું હતું.

દુર્ગાભાભી સાથે મુલાકાત અને ઇન્ટરવ્યુ

(અભિયાન મેગેઝીનમાં પ્રગટ થયેલ મુલાકાતના અંશો)

બસ, એક જ વાર મળવાનું થયું હતું. આપણાં તેજસ્વિની ક્રાંતિકારિણી દુર્ગાભાભીને.

દુર્ગાભાભી; દૂર્બળ દેહી. ખાદીની સાડી. ચશ્મામાંથી ધીર-ગંભીર નજર.

👉 મેં કહ્યું કે, મારે તમારા યુગને તમારા જ શબ્દોમાં સાંભળવો છે, તો તેમના મનના ખૂણે જળવાયેલાં સંસ્મરણો સળવળી ઊઠ્યાં…

‘એ (ભગવતીચરણ) લાહોરમાં ભણતા હતા. ઇન્ટરને વર્ષ પૂરું થયા પછી લાલા લાજપતરાયની નેશનલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ૧૯ર૩માં બી.એ. થયા. મેં ‘પ્રભાકર’ પદવી મેળવી. નેશનલ કૉલેજમાં તો ભાઈ પરમાનંદ જેવા ક્રાંતિકાર ભણાવતા હતા, તેમનો સંગ થયો. જાણે કે સંજીવનીનો સ્પર્શ! પિતા બ્રિટિશ સામ્રાજ્યના વફાદાર રાયબહાદુર, સમાજમાં મોટી પ્રતિષ્ઠા, ઘરે નોકર-ચાકરની ફોજ, એક મોટો સિગરામ (શણગારેલી ગાડી) ગાઝિયાબાદના ઉદયવીર શાસ્ત્રી પણ અધ્યાપક હતા. બધા સાંગોપાંગ દેશભક્તો. ભગતસિંહ સહિત સૌના ગુરુજનો!

૧૯ર૧માં કોંગ્રેસે ચળવળ શરૃ કરી હતી. સ્વદેશભક્તિને વ્યક્ત કરવાનું એ મોટું નિમિત્ત બન્યું. એ જ સમયે ભગતસિંહ અને સુખદેવ તેમજ ભગવતીચરણ એકબીજાના સંપર્કમાં આવ્યા. અસહકાર આંદોલન તો વિંટાળી લેવાયું, પણ કંઈક વધુ પ્રચંડ બનવાની એષણા ક્યા અસ્ત થવાની? આ બધા યુવકોએ એક સંસ્થાની સ્થાપના કરી. નામ રાખ્યું ‘નૌજવાન ભારત સભા’. નેશનલ કૉલેજનું મેદાન, લાહોરનો ખાદી ભંડાર અને ‘પરી મહેલ’ એ યુવકોનાં મિલન સ્થાનો બની ગયાં. ર૪ કલાક બસ, એક જ ઇચ્છા- ભારત માટે સંઘર્ષ કરવો.

👉 ‘તમારો ભગતસિંહ સાથેનો પરિચય ક્યારે થયો?’ મેં પૂછ્યું.

દુર્ગાભાભીએ સ્મૃતિ ખંખોળી : ‘પહેલીવાર ભગતસિંહને જોયો ત્યારે લબરમૂછિયો યુવક હતો તે. માથા પર મેલી ખાદીની પઘડી. પંજાબી વસ્ત્રો. પહેલીવાર ભગતને મળી તો તેના જૂતાં પણ રિપેર કરેલા હતાં! મને કહેવામાં આવ્યું કે નૌજવાન ભારત સભાનો આ સૌથી જુસ્સાદાર યુવક સભ્ય છે.

લાહોરનાં ત્રણ સ્થાનો- પંજાબ નેશનલ કૉલેજ, પરી મહેલ અને ખાદી ભંડાર ક્રાંતિ પ્રવૃત્તિનાં સ્થાનકો બની ગયાં. બધા એકઠા થાય, ચર્ચા કરે. કોઈ ઠીક સમય પર ભોજન પણ ન લે. મેલાં-ફાટેલાં કપડાં!

ભગતનું ગામ શહેર (લાહોર)થી દૂર નહોતું. ક્યારેક તે જઈ આવે. પિતા સરદાર કિશનસિંહને શંકા હતી કે પુત્ર નવા રસ્તે છે. શોધવા પણ નીકળે પછી દાઢી પર હાથ ફેરવતાં ખુશીપૂર્વક બોલે : ચલો, આજ ભી વો નહીં મિલા!

તેને માટે એક સરદાર કન્યા પણ શોધી રાખી હતી. પિતા તો ગુસ્સો કરે એટલે માને કહી દીધું હતું કે મારાં લગન તો નક્કી થઈ ગયાં છે, હવે છોકરી શોધવાની ચિંતા ના કરે…’

‘કોણ છે એ દુલ્હન?’ મા પૂછતી.

ભગતસિંહ જવાબ વાળતો; છે એકદમ ગૌરવવંતી.

માતાને ક્યાં ખબર કે બલિદાન તેની પ્રિયતમા હતી.

તેને માટે ‘રંગ દે બસંતી…’ ગીત બધાં એકત્ર થઈને ગાતા યે ખરા! ર૩ વર્ષનો ભગતસિંહ ભાવુક હૃદય ધરાવતો, ચિંતનની તેની વિશાળ દુનિયા હતી, કોઈ પણ ઘટનાને તે સમયપથ પરના એક નિર્ણાયક વળાંકની સાથે જોડતો. સમગ્ર અધ્યયન તેની વિશેષતા હતી.

એ વખતે તો ક્યાંથી કલ્પના આવે કે આ છોકરડા જેવો યુવક દેશ આખાને હચમચાવી મૂકશે! દુનિયા આખીમાં, ‘શહીદે આઝમ’ તરીકેની તસવીરો લાગશે!

👉 …અને ચંદ્રશેખર આઝાદ?’

દુર્ગાભાભીની આંખોમાં ભીનાશ હતી. કહેતાં હતાં. ‘૧૯ર૯માં ભૈયા આઝાદને પહેલીવાર મળવાનું બન્યું. એ સમયે દિલ્હી મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. ભગવતીચરણે મને લાહોરથી દિલ્હી બોલાવી. વૈશમ્પાયન પણ સાથે હતા. એક અગોચર, ગુપ્ત સ્થાને અમે મળ્યાં.

તેજસ્વી અને સ્વસ્થ દેહી યુવાન. એ જ સમયે મેં અનુભવ્યું કે કોઈ અલૌકિક દિવ્યાત્માની સમક્ષ હું ઊભી છું! નિર્ભિક ચહેરો, આંખોમાં સરળતા ખરી, પણ કોઈક અનોખું તેજ. તેમનું વ્યક્તિત્વ ઊંચેરા શિખર સરખું હતું. કોઈ પ્રપંચ નહીં. બુલંદ અને મસ્તમૌલા! અ-પાર સમસ્યાઓની વચ્ચેય સહન-સરળ અને અ-ગંભીર રહે.’

એક સુશીલાદીદી હતાં, અમારી ક્રાંતિમંડળીના સભ્ય. અમે બંને ક્રાંતિકારોને સાચવતા. બંન્ને આઝાદ ભઈયાને મળવા જતાં. આઝાદ એવા મતના કે સ્ત્રી સ્વભાવે કોમળ અને સુંદર હોય છે.

ક્રાંતિના ધખધખતા રસ્તે આ બંને બાબતો અવરોધક બને છે. અમે કહેતાં, ભઈયા, અમારી કસોટી કરો. અગ્નિપરીક્ષા માટે તૈયાર છીએ; પછી નક્કી થયું કે બોમ્બ પ્રવૃત્તિ શરુ કરી દેવી. દિલ્હીના એક નાનકડા મકાનમાં અમે તો બોમ્બની ફેક્ટરી બનાવી.

તેમાંથી જ ભગવતીચરણ વિસ્ફોટક સામગ્રી લઈને લાહોરની રાવી નદીના કિનારે પરીક્ષણ માટે ગયા. (ત્યારે ભગતસિંહ લાહોર જેલમાં હતા અને તેમને છોડાવવા માટે આ પ્રયોગ થવાનો હતો) પણ ર૮ મે, ૧૯૩૦ એ રાતે રાવી કિનારે વિસ્ફોટ અચાનક થતાં એ (ભગવતીચરણ) ઘવાયા, શરીર ક્ષત-વિક્ષત થઈ ગયું. તેમનું મોત થયું હતું, અમે તો લાહોરના મકાનમાં તેમની રાહ જોઈ રહ્યાં હતાં. આઝાદ પણ હતા.

હું તો શૂન્યમનસ્ક થઈ ગઈ. આઝાદને પહેલીવાર એક બાળકની જેમ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડતા જોયા. કોણ કોને આશ્વાસન આપે? અને આ રુદન બહાર સંભળાય તો તુરત આશંકિત પોલીસ દોડી આવે.

ભગવતી તેમના પરમ મિત્ર હતા. તેની વિદાય પછી મારા ત્રણ વર્ષના પુત્ર શચિને છાતી પર લગાવીને રાતભર જાગતા રહ્યા. તેને જલેબી ખવડાવી. પીઠ થપથપાવીને સૂવડાવ્યો. ક્યારેક કહેતા : ‘તું અમારા ક્રાંતિદળનો અમૂલ્ય ખજાનો છે બેટા!’ -અમરકથાઓ-

‘અને… ર૮ ફેબ્રુઆરી, ૧૯૩૧ મીએ આઝાદને અલ્હાબાદના બાગમાં ઘેરી લેવાયા. છેલ્લી પળ સુધી તે પિસ્તોલથી ગોળીબાર કરીને પોલીસને હંફાવતા રહ્યા. અલ્હાબાદ પાર્કમાં તેમની શહીદી પછી અમે સૌ ગુપ્ત સ્થાને અંજલિ આપવા એકત્રિત થયાં ત્યારે મેં કહ્યું હતું : આઝાદ પોતાનાં જ સપનાંઓમાં ડૂબેલા કલાકાર હતા. તેમની અંદર-બહાર બધું જ પવિત્ર હતું. અત્યંત કોમળ હૃદય અને કઠોર કર્તવ્યનો સંગમ હતા…’

દુર્ગાભાભીની આંખમાં અશ્રુધારા છે. પચાસ વર્ષ પૂર્વેની સ્મૃતિ પણ કેવી દિવ્ય-ભવ્ય અને પ્રગાઢ હતી?

સંસ્મરણોની યાત્રા થોડા વિરામ પછી આગળ વધી.

👉 ‘૧૮ એપ્રિલ, ૧૯ર૮. લાલા લાજપતરાયના નેતૃત્વમાં જૂલૂસ નીકળ્યું. લાઠીમાર થયો. લાલાજી ઘવાયા અને પછી દેહાવસાન થયું. તેના બરાબર એક મહિના પછી આઝાદ ભઈયા અને ભગતસિંહ, રાજગુરુએ ભરબજારમાં લાલાજીના હત્યારા સોન્ડર્સને વિંધી નાખ્યો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચનનસિંહ ગોળી ચલાવતા ભગતસિંહની પાછળ દોડ્યો. આઝાદ ભઈયાએ તેને ઠાર કર્યો. સોન્ડર્સની હત્યાથી લાહોરમાં ભારે ખળભળાટ મચી ગયો. ચારે તરફ બ્રિટિશ પોલીસ અને જાસૂસોની જાળ બિછાવવામાં આવી. નૌજવાન ભારત સભાએ તો દીવાલો પર પોસ્ટર્સ લગાવીને સત્તાને પડકારી હતી. હા, અમે લાલાજીના મોતનો બદલો લીધો છે…

અને પછી?

[ જે ભગતસિંહ અને દુર્ગાભાભીની આખી ઘટના ભાગ-૧ માં મુકેલી છે.]

👉 ક્રાંતિકથા ક્યાં, ક્યારેય સમાપ્ત થતી હોય છે?

દુર્ગાભાભીના- એ પછીના દિવસો- તેમના જ શબ્દોમાં સાંભળી રહ્યો હતોઃ

‘દિલ્હી એસેમ્બલી બોમ્બ કેસમાં ભગતસિંહ-રાજગુરુ-સુખદેવને ફાંસીની સજા ફરમાવી દેવામાં આવી હતી. સાથી-પતિ ભગવતીચરણ રહ્યા નહોતા. હવે મારે શું કરવું? વૈશમ્પાયનની સાથે હું મુંબઈ પહોંચી. વૉરંટ તો પાછળ હતું જ. ત્રણ-ચાર વર્ષનો શચીન્દ્ર સાથે. મુંબઈમાં કેટલાક ક્રાંતિકારોએ સાથે મળીને અંગ્રેજ પોલીસ કમિશનર હેલીનો વધ કરવાની યોજના ઘડી કાઢી. તેમાં એક પૃથ્વીસિંહ આઝાદ પણ હતા.

તે દિવસોમાં બાબારાવ સાવરકર (વિ.દા. સાવરકરના ભાઈ) શાંતાક્રુઝમાં રહેતા હતા. મેં શચીન્દ્ર તેને સોંપ્યો. યોજના માટે તેમણે મને એકસો રુપિયા આપ્યા… પૃથ્વીસિંહનો સ્વભાવ વિચિત્ર હતો.

હું તેમની સાથે રાતે આઠ વાગે મલબાર હિલમાં આવેલા, પોલીસ કમિશનર હેલીના બંગલા પાસે પહોંચ્યા. પોલીસનો ત્યાં કડક પહેરો હતો. લેમિંગ્ટન રોડ પર અમે અમારી કારમાં રખડતાં રહ્યાં. ત્યાં ચાર અંગ્રેજ સાર્જન્ટો દેખાયા! પૃથ્વીસિંહે કહ્યુંઃ ‘શૂટ!’ મેં પિસ્તોલ ચલાવી. બે ગોરા અને એક મેડમ તેમાં ઝપટમાં આવી ગયા… પછી અમે ભાગ્યાં. આઝાદ ભઈયા ગુસ્સામાં. તેમણે કહ્યુંઃ ભાભી, આવું બાલિશ કામ કેમ કર્યું? પૃથ્વીસિંહને કોણે કહ્યું હતું કે આવી સૂચના આપે?

પછી તો લેમિંગ્ટન-કેસ ચાલ્યો. પૃથ્વીસિંહ ગુજરાત તરફ ચાલ્યા ગયા હતા. કેસ ચાલ્યો, પોલીસે પકડી તો સ્તબ્ધઃ ‘આ દૂર્બળદેહી મહિલાએ ગોળી ચલાવી હતી?’

(મેં ગુજરાતી મહિલાનું શારદાબહેન નામ રાખ્યું હતું!) નજરકેદ કરવામાં આવી. પુત્રને ક્રાંતિસાથીઓએ ઉછેર્યો…

#અમર_કથાઓ

મુંબઈ- ઘટના પછી તેમનાં બંન્ને મકાનો સરકારે જપ્ત કરી લીધાં. ગૃહહીન, આશ્રયવિહોણી જિંદગી! સગાંવહાલાંઓએ મોં ફેરવી લીધું. જેઠે ફરમાવ્યું કે ભાઈ (ભગવતી) મૃત્યુ પામ્યો, કરજ બાકી છે! કાનપુરથી દુર્ગાદેવી અલ્હાબાદ આવ્યાં. પિતા સંન્યાસી થઈ ગયા હતા, તેમની ભાળ ન મળી. પુરુષોત્તમદાસ ટંડનને ત્યાં રહી. ત્યાંથી દિલ્હી.

ત્યાં જ ખબર પડી કે આલ્ફ્રેડ પાર્કમાં ‘ભઈયા’ (ચંદ્રશેખર) પોલીસ સંઘર્ષમાં માર્યા ગયા છે. આ તો આકાશ ફાટ્યું!

આઝાદ સમગ્ર ક્રાંતિમંડળીના વટવૃક્ષ હતા.

દુર્ગાભાભી પકડાયાં નહોતાં એટલે બધે પોલીસ તેમની પાછળ હતી. દિલ્હીથી હરિદ્વાર સુધી પગપાળા મુસાફરી કરવી પડી! પુત્ર શચીન્દ્ર અચ્યુત પટવર્ધનને ત્યાં રહેતો હતો. હરિદ્વારથી લાહોર જઈને પોલીસ સમક્ષ નિવેદન આપ્યું; ગિરફ્તાર કરવી જ હોય તો લો, આ રહી હું!! પોલીસ અફસર જેકિલ્સે કહ્યું : તમારી ક્રાંતિમંડળીની બધી વિગતો પૂરી પાડો.

દુર્ગાભાભી કહે કે તમારી પાસે દસ્તાવેજો હોય તો તેના આધારે મુકદ્દમો કરો ને?

દુર્ગાભાભીને ૧પ દિવસ રિમાન્ડ પર રાખવામાં આવ્યાં. જેલમાં દાદાભાઈ નવરોજીની પૌત્રી ખુરશીદ નવરોજી, લાહોરની જુત્સી, પાર્વતીદેવી, સત્યવતીદેવી… બધાં મળ્યાં! કહે, ‘અમે તો માનતા હતાં કે દુર્ગાભાભી કેવી ખૂંખાર મહિલા હશે! આ તો દૂબળીપાતળી મહિલા છે!!

👉 સરદાર ભગતસિંહ અને તેના સાથીદારોની અન્નપૂર્ણા સરસ્વતીઓ હતી સુશીલાદીદી અને દુર્ગાભાભી.

દુર્ગાભાભીએ ભાગ્યે જ પોતાનું મોં ખોલ્યું છે. છેક હમણાં સુધી તેઓ આપણી વચ્ચે હતાં, એક શાળા ચલાવતાં. ક્યારેક સ્મરણ ગઠરિયા ખોલતાં તો બલિદાની જિંદગીની લાંબી સફરનો અહેસાસ થઈ આવે!

દુર્ગાભાભીને કોઈ સરકારે પદ્મભૂષણ કે ભારતરત્નથી નવાજિત કેમ નહીં કર્યાં હોય?

આઝાદીના આટલા વર્ષો પછી પણ એ વિરાંગના આપણી વચ્ચે હતા… પરંતુ ઇતિહાસ એમને યોગ્ય ન્યાય નથી આપી શક્યો.. #અમર_કથાઓ

દુર્ગા ભાભીને સ્વર્ણિમ ઇતિહાસમાં આ વીરાંગનાઓ તરીકે હંમેશા યાદ રાખવામાં આવશે.

એવી કેટલીય હકીકત જે જાણીને આપને આ વિરાંગના પર ગર્વ થશે..

🕳 મોટા-મોટા સેનાનીઓ સાથે ચાલ્યા છે

આપે ભગત સિંહ, ચંદ્ર શેખર આઝાદ, ભગવતી ચરણ વોહરા જેવા કેટલાય એવા લોકોનું નામ સાંભળ્યા હશે કે જેમણે દેશ માટે પોતાની જાનની કુર્બાની આપી દિધી હતી.

આ તમામની સાથે દુર્ગા ભાભી ડગ માંડીને ચાલ્યા હતાં અને તેઓ બહુ મોટા વીરાંગના હતા. તેમના નામની અંગ્રેજોમાં દહેશત હતી.

🕳 દુર્ગાનો અવતાર હતા

જાણીતા ક્રાંતિકારીઓમાં દુર્ગા ભાભીના નામની વીરાંગના અંગ્રેજો માટે માતા દુર્ગાનો બીજો અવતાર હતાં. તેમના પતિને ક્રાંતિકારી સંગઠન હિન્દુસ્તાન રિપબ્લિકન સોશિયલિસ્ટ એસોસિએશનના માસ્ટર બ્રેન ગણવામાં આવે છે, તો દુર્ગા ભાભીને બૅકબૉન કહેવામાં આવતા હતાં.

દુર્ગા ભાભીનું અસલી નામ દુર્ગા દેવી બોહરા છે. ભગવતી સિંહ બોહરાનાં પત્ની હોવાનાં કારણે ક્રાંતિકારી સાથીઓ તેમને દુર્ગા ભાભી કહીને બોલાવતા હતાં. તેઓ અંગ્રેજોનાં મગજમાં હંમેશા ખૂંચતા હતાં.

🕳 હથિયાર બનાવતા હતા ભગવતી સિંહ

આપે ભગત સિંહનાં સાથી બોહરાનું નામ તો જરૂર સાંભળ્યુ હશે. તેઓ દેશી કટ્ટા અને હથિયારોની સાથે-સાથે બૉંબ પણ બનાવવામાં માહેર હતાં. ઘણી વાર તેમના બનાવેલા હથિયારોથી અંગ્રેજોને મારવામાં આવ્યા હતાં. ભગવતી સિંહ વોહરાને લઈને અંગ્રેજો બહુ પરેશાન રહેતા હતાં. તેમને પકડવા માટે અંગ્રેજોએ ઘણી રણનીતિઓ પણ બનાવી હતી.

🕳 જ્યારે શહીદ થયા હતાં દુર્ગાનાં પતિ

આ વાત આપનાં હૃદયોમાં ગ્લાનિ ભરી દેશે કે દુર્ગાનાં પતિ બૉંબ બનાવતા શહીદ થયા હતાં. ત્યારે દુર્ગાએ ભયભીત થઈ હાર ન માની, પણ તેઓ રાજસ્થાનથી હથિયારો લઈ ક્રાંતિકારીઓને આપતા હતાં અને પોતે પણ અંગ્રેજો માટે કાળ બનેલા હતાં. તે તે સમય હતો કે જ્યારે અંગ્રેજોના મૂળિયા હચમચી રહ્યા હતાં.

🕳 આ ગવર્નર પર પણ કર્યો હુમલો

વીરાંગના દુર્ગા ભાભીએ ગવર્નર હૅલી પર પણ હુમલો કરવાનુ સાહસ 9મી ઑક્ટોબર, 1930નાં રોજ દાખવ્યુ. તેમણે ગવર્નર હૅલી અને તેમના સાથીઓ પર અંધાધુંધ ગોળીઓ વરસાવવી શરૂ કરી દિધી.

દુર્ગા ભાભીની ગોળીઓનો ભોગ મુંબઈ પોલીસ કમિશનરથી લઈ સૈન્ય અધિકારી ટેલર સુધી થયાં. આ ઘટનાએ અંગ્રેજોને દહેશતથી ભરી દિધી હતી.

અમરકથાઓ.. 🌼

આ પણ અવશ્ય વાંચો 👇

🇮🇳 ચંદ્રશેખર આઝાદનું બાળપણ અને જીવન

ભગતસિંહ નું બાળપણ

🇮🇳 સુભાષચંદ્ર બોઝ

🇮🇳 મંગલ પાંડે

🇮🇳 ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ

🇮🇳 વીર સાવરકર

🇮🇳 ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ

🇮🇳 નાયિકા દેવીનો ઇતિહાસ

🌺 દેશભક્તિ ગીતો લખાણ સ્વરૂપે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *