6942 Views
Pannabhabhi Gujarati Book by Joseph Macwan. પન્નાભાભી – જોસેફ મેકવાન, ગુજરાતી સાહિત્યમાં પન્નાભાભી નામની વાર્તા છે. એ હકીકતે ચરિત્ર નિબંધ હતો, પણ ઉમાશંકર અને દર્શક સહિતના વિદ્રાનોએ તેને વાર્તા ગણાવી. જેથી બાદમાં તે પન્નાભાભી નામના વાર્તાસંગ્રહમાં સમાવિષ્ટ થઈ. આ વાતનો પન્નાભાભી પુસ્તકની પ્રસ્તાવનામાં લેખક જોસેફ મેકવાને ખૂદ ઉલ્લેખ કરેલો છે.
પન્નાભાભી – જોસેફ મેકવાન
મને ભાભીનો બહુ મોહ. પણ મારે મોટાભાઈ જ નહીં એટલે ભાભી આવે ક્યાંથી? ફળિયામાં નવી વહુઓ આવે. ગામહક્કે કે કુટુંબદાવે એમને ભાભી કહીએ, પણ
‘હોળીને દહાડે, ‘ભાભીને મેં ગુલાલ છાંટ્યો તો એણે સવાશેર ખજૂર લાવી દીધી’
‘હું તો રંગ લઈને ગયો તો ભાભીએ મને જ રંગી નાખ્યો’
‘આ આણે તો ભાભી મારે માટે રંગીન મોજડી લઈ આવી, એના બાપા રેલવેમાં નોકરી કરે છે.’
આવી-આવી રસિક વાતો સગી ભાભીઓવાળા ભાઈબંધો કરતા જાય ત્યારે મારું મન દૂણાયા કરે. કાશ! મારેય એક ભાભી હોત! આવી વેળા નાનપણમાં મરી ગયેલા મારા મોટાભાઈનું મોત મને ખૂબ સાલે. ભાભીના ઓરતા આ આયખામાં તો વણપૂર્યા જ રહી જવાના એવા નિસાસે દિલ દુભાયા કરે.
એ અરસામાં મુંબઈથી મોટાકાકાનો બાપુના નામે કાગળ આવ્યો: ગામડેથી વેવાઈએ બેચાર સમાચાર કહ્યા છે. ઈશ્વરાની વહુનું આણું તેડી લાવો. મૂરત જોવડાવી મહારાજને મોકલજો. દસેક દહાડાની રજા લઈ ઈશ્વરાને દેશમાં મોકલીએ છીએ.
આ ઈશ્વરો તે મારા મોટા પિતરાઈકાકાનો દીકરો. એનું બાળલગ્ન કરેલું. મુંબઈવાળા કાકાઓનો બધો વે’વાર મારા ઘેરથી જ ચાલે. હું તો ખુશખુશાલ થઈ ગયો. ચાલો આપણા ઘરેયે હવે આપણી જ કહેવાય એવી ભાભી તો આવવાની.
જે દિવસે મા’રાજ આણું લઈ આવવાના તે દિવસે મારો તો હરખ ના માય. મુંબઈથી આવેલી કાકાની દીકરી, હું અને નાની ફોઈ ઘડો પાણી ભરી, આણિયાત વહુને લેવા સામે ચાલ્યાં. ગાડી અગિયાર વાગે આવવાની, ને પછી ત્રણ ગાઉ સ્ટેશનથી ચાલતાં આવવાનું. નવી વહુને અતોલું ના લાગે, તરસ લાગી હોય તો ટાઢું જળ દેવાય; સૌથી વધુ તો એની સાથે આગવું હેત ગંઠાય એવા મનસૂબા!
અમે સ્ટેશન પહોંચીએ તે પહેલાં તો ગાડી આવી ગયેલી. આગળ મા’રાજ ચાલે ને પાછળ રેશમિયા બાંટમાં મઢાયેલી, ઘૂમટે આખુ મોઢું ઢાંકેલી, મજબૂત બાંધાની આણિયાત ભાભી ધીમે ધીમે ચાલે. મુંબઈથી આણેલાં ચંપલ એને તોછડાં પડેલાં તે પગે ડંખ્યા કરે અને એને વેદના દીધા કરે. લખલખતો તાપ શરૂ થયેલો ને એ ઉઘાડા પગે કેમની ચાલે!
એક આંબાના છાંયે અમે મેળાપ કર્યો. ફોઈએ એનાં દુ:ખણાં લીધાં. ‘જો આ તારી હગી નણંદ! મુંબઈથી આઈ છ. નં આ તારો દિયર!’
મેંદીમઢ્યા, ચૂડીઓભર્યા બે ગોરા ગોરા હાથ ઊંચા થયા. નમણી આંગળીઓએ ઘૂંઘટની કિનાર ગ્રહી. પટ ખૂલ્યો ને મારું નાનકડું અંતર આહ્લાદથી ભરપૂર થઈ ગયું. ભાભી હતી રૂપરૂપનો અંબાર, ટીલડીથી ઓપતું એનું ચંદનઅર્ચિત ગોરું-ગોરું ગોળમટોળ મુખડું અસ્સલ સોન સરીખું દીસતું હતું. હલામણ જેઠવાના ખેલમાં અમે રૂપાળી સોન જોયેલી. ભાભી એ સોનનેય સો વાર ટપી જાય એટલી દેખાવડી હતી.
‘મમઈમાં જ હમાય એવું રૂપ લેઈનં આઈ છો તું!’ ફોઈ ગણગણ્યાં ને મેં ઘડામાંથી પાણીનો લોટો ભરી એની સામે ધરી દીધો.
ફોઈ કહે — ‘ઊભો રે!’ ને મારા હાથમાંથી લોટો લઈ એમણે ભાભીને માથે ત્રણ વાર વાર્યો ને એ પાણી આંબાના થડમાં રેડી દીધું, ફરી મેં લોટો ભર્યો ને ભાભીને ધર્યો.
ઘૂમટાનો પટ માથે વાળી ભાભીએ બંને હાથ લંબાવ્યા. લોટાગાળે ચપસાયેલ મારા પહોંચા સોતા એમના બંને પંજા વીંટાયા ને મધૂરું મલપતાં મલપતાં એમણે ઠંડા પાણીના ઘૂંટ ભર્યા. એ હેતાળ સ્પર્શે મારા અંગેઅંગમાં ઝણઝણાટી રેલાઈ ગઈ ને બીજા હાથમાંનો માટીનો ઘડો છૂટી ગયો. ફડાક કરતો એ ફૂટ્યો.
તરસી ધરતીમાંથી અનેરી સુગંધ ઊઠી ને એના છંટકાવથી ભાભીનો નવોનકોર લાલ-લાલ બાંટ છંટાઈ ગયો. હું છોભીલો પડી ગયો, પણ ભાભી મઘમઘતું હસી પડ્યાં ને ફોઈ બોલી ઊઠ્યાં: ‘હેંડો શકન હારાં થયાં. વણબોટ્યો ઘડો ફૂટ્યો. તારું સુખેય એવું જ રહેવાનું. એમાં કોઈ ભાગ નહીં પડાવે.’
‘પણ ફોઈ, સુખના તો ભાગ સારા. મેં ચોથી ચોપડીમાં વાંચ્યું છે.’
‘એ તો સંસારનું સુખ ભાઈ! હું તો અમારું બૈરાંનું સુખ કે’તી’તી. તને એ ના હમજાય!’
સાચું છે, મને એ નહોતું સમજાતું, પણ ભાભીની નવીનકોર સાડી બગડ્યાનો મને વસવસો હતો. મેં એ વ્યક્ત કરી જ દીધો. ‘મારી ભૂલે તમારી સાડી રગદોળાઈ ભાભી. ડાઘા નહીં જાય તો તમને મારા પર કઢાપો થવાનો.’
ભાભીનું હાસ્ય જરાય નંદવાયું નહોતું. એ બોલ્યાં: ‘આ તો ધૂળના છાંટા, હમણાં વેરાઈ જશે. ને ડાઘ નહીં જાય તો હું તમને હંમેશ યાદ રાખીશ કે આ મારા લાડકા દિયરના શીતળ જળની યાદગીરી છે.’
હું તો આભો બનીને એમના મુખડે પ્રસ્ફુટતી એ સ્નેહસભર વાણી સંભાળી જ રહ્યો. મનોમન હરખાયો. ‘ભાભી સુંદર તો છે જ. પણ ભણેલાંય છે.
ગામડાગામમાં ત્યારે ભાગ્યે જ કોઈ સ્ત્રી ભણેલી હોતી!’ અમે ચાલ્યાં. પણ ફોઈ વળી વળીને પાછું જુએ. મને દોડાવીને એમણે આગળ જતા મા’રાજને ઊભા રાખ્યા ને પૂછ્યું: ‘તમે આણંદ સ્ટેશન તપાસ કરી’તી? ઈશ્વરો અજુય મમઈથી નથી આયો!’
મા’રાજે એક વાર નવોઢા ભાભી હાંમે જોયું, પછી ડોકું ધુણાવ્યું, ‘આવશે હેંડો, આજે નહીં તો કાલે!’
ગામમાં આ પહેલી સ્ત્રી હતી જે પહેલા આણે આવી હતી ને એનો ‘વર’ તેલ-ફુલેલ લગાવી વરણાગિયો થઈ એની આતુર નેણે વાટ નહોતો જોતો!
પહેલી વાર સાસરે આવતી નવવધૂને પાદરના મહાદેવે પગે લગાડાતી. પછી સગાંસંબંધી એવી સ્ત્રીઓ – જવાન છોકરીઓ વ્યંગ-કટાક્ષ કરતી એને ગામમાં લઈ આવતી. ફળિયામાં અડીને જે સગો થતો હોય એના ઘેર એને બેસાડાતી. સાંજે વાજતેગાજતે એનું સામૈયું થતું. બનેલો-ઠનેલો વર એને લેવા આવતો. ફટાણાં ગાતી સ્ત્રીઓમાંથી વરની મોટી ભાભી થતી સ્ત્રી, નવી વહુને સૌભાગ્યનો ચાંલ્લો કરી ચોખા ચોડતી ને એના હાથમાં નાળિયેર પકડાવતી.
પછી વર-વહુ બેય સાથે ચાલતાં. ઘેર આવતાં સુધી જવાન છોકરીઓ ‘છોડી કોરો ઘડો ભરી લાય, તરસે મરીએ છીએ!’ ગાતી એને ઊછળી ઊછળીને ભાંડતી, ઘરની પરસાળે વરવહુનાં પાટબેસણાં થતાં. ઉંબરે નવી વહુ નાળિયેર વધેરતી અને એના પોતાના ઘરમાં પગલાં માંડતી. આમ આણામાંય લગનના જ લહાવા લેવાતા.
પણ પન્નાભાભીના ભાયગમાં આમાંનું કશું જ નહોતું નિર્માયું. એમનો નાવલિયો હજી નેવેજ નહોતો ચઢ્યો ત્યાં એમનું ફુલેકું કરવું કેમનું?
એક આ પળે મને મારું નાનપણ શૂળની જેમ સાલેલું. ‘ભલે એવો એ ના આવ્યો, હેંડો એકલી ભાભીનું ફુલેકું ફરીએ!’ અધિકારભાવે મારાથી એમેય નહોતું કહેવાતું અને મન એક લલકે ચડ્યા કરતું હતું, જો પેલાની જગ્યાએ હું હોત તો…! અરે એમ ન હોત તોય જો હું ઉમ્મરલાયક હોત તો… ને ગામમાં ઘટી ગયેલી એક ઘટના મને દર્દ દીધા કરતી — અમરકથાઓ
એક વાર આમ જ ગામમાં માણેકવહુનું આણું આવેલું. એ જ સવારે માણેકનો થનાર માણિગર ઘર છોડીને નાસી ગયેલો. સમાચાર લખતો ગયેલો. ‘સંસારમાં મારો જીવ નથી. મને શોધશોય નહીં, સાધુઓ સાથે ચાલ્યો જાઉં છું. શોધખોળ કરશો તો ડૂબી મરેશ, ઘેર પાછો નહીં આવું.’ ત્યારે સવાલ ઊભો થયેલો. આણિયાત વહુનું શું કરવું? આણું તેડ્યા વિના ફારગતી કરી હોત તો વ્યવહાર ગણાત. આણું વળાવી લાવ્યા પછી, આવા બહાને પાછી મોકલવી એમાં એનાં પગલાં ખોટાં ગણાય ને માથે જિંદગીનું કહેણ બેસે. આ બધી ગડમથલ ચાલતી હતી ત્યારે, નાસી જનારના કાકાનો દીકરો દાનો, ખરે ટાણે દાનો નીવડ્યો. એણે બીડું ઝડપ્યું. ‘આણિયાત વહુને પૂછો. જો હું એને પસંદ હોઉં તો એના છેડા ગાંઠો મારી હંગાથ. એ રાજી હોય તો. એનાં માવતરનેય પૂછી જોવો!’ નોંધારા નસીબના ચક્કરમાં ફસાયેલી નવોઢાને તો આ કહેણ મળતાં કિનારો લાધેલો. પેલા કાયર ભાગેડું કરતાં આ ભડ ભરથાર સો દરજ્જે સારો! અને બમણા રંગે-ચંગે એમનાં ઘડીયાં લગન લેવાયેલાં. દીકરો નાસી ગયો એનો વસવસો મા-બાપને ઘણો; પણ ખરે ટાંકણે ભત્રીજે ભીડ્ય ભાંગી એનો હરખેય હવાયો.
મનેય ‘દાનો’ થવાનો દમ ભરાયેલો. પણ મારી બાર-તેર વરસની વયને કોણ પૂછે? આખરે વર વિનાના ઘરને ભાભીએ વધાવવું ને વાલમની વાટ્ય જોવી એવો નિર્ણય લેવાયો. રંગેચંગે ભાભીનું ફુલેકું કરવાના અમારા ઓરતા અટવાઈ ગયા. ને તોય હસતે મોઢે પન્નાભાભીએ ઉંબરો પૂજ્યો. આંબા વેડાયેલા તે ઘરમાં પકવણાના પાથરા. પડખેનું ખાલી ઘર વાળીઝૂડી નવી વહુના નવ દહાડા માટે સજાવેલું. ત્યાં જ ભાભીની પધરામણી કરાઈ.
બપોર નમ્યો. સાચવેલી સારામાં સારી કેરીઓ લઈ હું ભાભી પાસે પહોંચ્યો. એમની ઊલટ ના માય. કેરી ઘોળી, ડીંટું કાઢી હું એમના હાથમાં દઉં, એક કેરી ચૂસ્યા પછી એ બોલ્યા: ‘ચાખીને આલો, આ થોડી ખટાશ ભળી છે!’
મેં હથેળીમાં રસ ચાખ્યો તો કહે, ‘એમ નહીં, મોઢે માંડીને ચાખો!’
મેં સહેજ રસ ચાખીને એમને કેરી દીધી તો મધુરું હસતાં હસતાં કહે: ‘હા, હવે બરાબર મીઠડી લાગી!’
મેં કહ્યું: ‘પણ મીઠામાં મીઠા આંબાની છે, તમને પહેલી કેરી ખાટી કેમ લાગી?’
‘તમે ચાખી નહોતી ને એટલે!’ કહેતાં એમણે પોતે ઘોળેલી કેરી મારા હોઠે ધરી દીધી અને બેએક ઘૂંટ ભરાવી પોતે મોઢે માંડી દીધી, હું અણુએ અણુએ એમનો થઈ ગયો. મને મનમાં થવા માંડ્યું, ‘હવે તો પેલો ભાઈ જેટલો મોડો આવે એટલું વધારે સારું!’ ચારેક વાગ્યે મારે ખેતરે જવાનું થયું. મને એ ના ગમ્યું. આખે રસ્તે મને ભાભીના જ વિચાર વ્યથા દેતા રહ્યા.
ખેતરમાં મોટો આંબો વેડાતો હતો ને જમીનદારનું ગાડું કેરીઓ ભરવા નહોતું આવ્યું એટલે મારે મોડું થયું. છેક સાડા નવ વાગ્યે હું ઘેર આવ્યો ત્યારેય છેલ્લી ગાડીમાં મુંબઈવાળા ભાઈની રાહ જોવાતી હતી. એ રઘવાટમાં કોઈને મારી સામે જોવાનીય મોકળાશ નહોતી ત્યારે ઠંડા પાણીનો લોટો ભરી ભાભીએ જ મારી ચિંતા દાખવી: ‘આટલું બધું મોડું? ભૂખ-તરસેય ના લાગી? હું તો ચિંતાની મારી અર્ધી થઈ ગઈ. ને અહીં તો કોઈને ફિકરેય ના મળે! કોઈને પૂછુંય કેમની?’
‘એ તો એવું ભાભી! કામ હોય તો અર્ધી રાતેય થાય. નિતનું લાગ્યું. ચિંતા કોણ કરે?’
હું આખો લોટો પાણી ગટગટાવી ગયો. ભાગની કેરીઓના કોથળા પરસાળમાં મુકાવ્યા. નાહ્યો, ત્યાં સુધીમાં સ્ટેશનથી છેલ્લી મોટર આવી ગઈ. મુંબઈથી સવારે ગાડી પકડી હોય તો ઈશ્વરભાઈ આ બસમાં આવવા જોઈતા હતા. પણ એ ના આવ્યા. ફોઈએ મને ભાણું પીરસ્યું ને ભાભીનેય કહી દીધું: ‘હવે તો કાલે જ આવે. હેંડ્ય વહુ તુંય ખાઈ લે!’
ઘણાંબધાંનો આગ્રહ થતાં ભાભીય મારી સાથે જમવા બેઠાં. પણ એમના કંઠે કોળિયા નહોતા ઊતરતા!
રાતે મોડે સુધી અમે વાતો કરી. ભાભી સાતમા ધોરણ સુધી ભણ્યાં હતાં. વાંચવાનો રસ હતો. આઠેક વરસની વયે એમના બાળવિવાહ થયા હતા. ત્યાર પછી કદી એમણે વરનું મોઢું નહોતું જોયું. પણ મોટા શહેરમાં નોકરી કરતો એમનો વર વરણાગિયો હશે એવી એમની કલ્પના હતી, પોતે એની નજરમાં ઊણાં નહીં ઊતરે એવો ભરોસો હતો. ને પહેલી નજરે એને પોતાનો કરી લેવાના એમને ઓરતા હતા. છેક આણાના મૂરત સુધી એ કેમ ના આવ્યો એની એમનેય ચિંતા હતી. પિયુમિલનની પહેલી રાતે નણંદ સાથે એ સૂતાં ત્યારે આંગણામાં સૂતેલો હું ઊંડી વિમાસણમાં પડી ગયેલો કે, આ તે કેવો નઠોર ભરથાર! જે ખરા અવસરે એની આણિયાત વહુના ઓરતા રિબાવી રહ્યો છે! – અમરકથાઓ
સવારે એ રિબામણ પૂરી થઈ. આખી રાતની ખેપ કરી ઈશ્વરલાલ આવી પહોંચ્યા હતા અને પરસાળ ભરેલાં બૈરાં એમની ખત-ખબર પૂછતાં હતાં ત્યારે ઊંધા ખાંડણિયાની ખુરશી કરી બેઠેલા એ મુંબઈગરા મહાશય ઉબરાશિયાં ખાતા હતા, એમના મુખ પર અરમાન ભરેલી નવોઢાને નીરખવાની જરાય ઊલટ નહોતી વર્તાતી ને વ્યવહાર- નિર્વાહની લજ્જાથી ભાભી પેલા ઓરડામાં એમનાં પગલાં સાંભળવા, ભરથારનાં દર્શન કરવા આંખ-કાન માંડી રહ્યાં હતાં.
‘મને ઊંઘ આવે છે. આખી રાતનો ઉજાગરો છે!’ એ કહેતા હતા અને ફોઈ એમને ‘થોડુંક ખાઈ-પીને સૂઈ જા ભાઈ! થાક્યોપાક્યો વિસામો લે!’ કહેતાં એની સગવડ સાચવવા મથતાં હતાં.
આવડી જિંદગીમાં હું એમને પહેલી વાર જોતો હતો. શહેરી વેશમાં સજ્યા હોવા છતાં મારી આંખ અંતરે એ ભાભીથી હેઠ્ય અંકાતા હતા. એમની પેટી ફંફોસી આગમચ આવેલી બહેન નિરાશાથી માથું ધુણાવતી હતી: ‘ભાઈ, ભાભી હાતર કશુંય નથી લાયા?’
ખાઈને એ ખાટલામાં પડ્યા તે પડ્યા જ. એ ઘોરતા હતા ત્યારે ત્રણ-ચાર વાર અન્યોથી આંખ બચાવી ભાભી ઊંચા શ્વાસે એમના જીવનસાથીને જોઈ ગયાં. નવું જીવન માંડવાના આ અણમોલ અવસરનો ઉમંગ જેને જરાય નહોતો અડતો એવા માણસને પ્રાણપણથી જીતી લેવાની એમની મંશા મૂરઝાતી જતી હતી.
પાંચેક વાગ્યે એ ઊઠ્યા ત્યારે હું ખેતરે આંટો મારવા નીકળતો હતો ત્યાં તે કહે: ‘ઊભો રહે. મારેય જરા પગ છૂટા કરવા છે!’
અમે ખેતર ભણી ચાલ્યા. એમને ને મારે કોઈ નેડો નહીં. ભાઈ લેખે થોડોઘણો હેળવાત એય ભાભી પ્રત્યેના નિર્દય વર્તનને કારણે ઉલી ગયેલો. મનોમન એ કશુંક વિચારતા રહ્યા અને હું મૂંગોમંતર પગલાં ગણતો રહ્યો.
ખળામાં એમણે સિગારેટ સળગાવી. બે-એક કસ ખેંચીને પૂછ્યું: ‘કેવીક છે લ્યા તારી ભાભી?’
‘તમને તો જોવાની તમાય નથી.’
ખાસ્સી વાર શાંત રહીને ફરી બોલ્યા: ‘ગમે તેવી હોય, દેશની છોકરી, મુંબઈમાં ના શોભે!’
‘તો પછી તમારે ના પાડી દેવી હતી ને! આણું શું કામ તેડાવ્યું?’
એ કાંઈ ના બોલ્યા. એનો પરચો રાતે થયો. અમારી પડખેના ઘરમાં એમની સોહાગરાત. પરસાળમાં હું! એ રાતે શું વીત્યું એ તો ખબર નહીં, પણ ભાભીનાં છેક બહાર સુધી સંભળાતાં ડૂસકાંએ મારી મતિ મૂંઝવી નાખેલી. આખી રાત એમના ફળફળતા નિસાસા મને સંભળાતા રહેલા.
સવારે ચહેરો વિલાયેલો. આંખો ઓશિયાળી, બે દિવસ પહેલાં પેલો ખિલુ ખિલુ કરતો ઊલટ ઉમંગાવતો ચંદ્રમા પૂનમ પહેલાં જ ખગ્રાસ થઈ ગયો હતો. મારી સાથે ખેતરે આવવા એ હઠે ચડ્યાં. નણંદ પણ સાથે થઈ. રસ્તે મેં પૂછ્યું, પુછાઈ ગયું: ‘કેમ ભાભી! આટલાં ગુમસુમ કેમ છો?’
જાણવા છતાં પૂછો છો! – એમના મૌનમાં એવો ભાવ હતો.
‘ભાઈ મુંબઈથી શું લાવ્યા તમારે માટે?’
‘મોત!’
મને ધ્રાસકો પડ્યો: ‘પણ કશું સમજાવો તો ખરાં? આખી રાત તમે રડતાં કેમ હતાં?’
‘વીરા મારા! તમને નહીં સમજાય! ભગવાને આંખો અને કાળજું આપ્યાં છે, એ ના આપ્યાં હોત તો પારકા દુ:ખે તમે આટલાં દુ;ખી ના થાત. નસીબ મારાં!’ કહેતાં મોકળે મોંએ રડી પડ્યાં.
થોડાંક હળવાં થયાં પછી એમણે જ વાત માંડી, ‘ભાઈ કોઈક પારસી શેઠનો ડ્રાઇવર છે. પારસણ એના પર રીઝેલી છે. પારસણે દાટી ભિડાવી છે કે, બૈરી લઈને મુંબઈ આવશે તો નોકરીમાંથી કાઢી મૂકશે. ને ભાઈને નોકરી કરતાંય પારસણ વધારે વહાલી છે!’
એની સગી બહેન સામે બેઠી હતી. એને મેં પૂછ્યું: ‘સવિ, ભાભી કહે છે એ વાત સાચી?’
‘હા, એના સકંજામાંથી છોડાવવા તો ભાઈનું આણું કરાવ્યું!’
‘પણ એ તો હપૂચો નામક્કર જાય છે, ને આટલું જાણતાં હતાં ત્યારે ભાભીને ઊંડાં પાણીમાં શા હાતર ઉતાર્યાં?’
સવિ કહે: ‘મુંબઈમાં બધાંને એમ હતું કે, ભાભીને જોતાં જ ભાઈનું મન ફેરવાઈ જશે!’
‘ફેરવાય એવું લાગે છે ભાભી?’
‘ના. એ પાણીએ મગ ચડે એમ નથી લાગતું. આખી રાત એમના પગ પકડીને રડી છું.’ ભાભીના સ્વરમાં આર્જવ હતો.
હું અસહાય હતો. એક ફોઈ કંઈક સમજે એમ હતાં. ત્યારે એમને સાસરે ઓચિંતું તેડું આવ્યું હતું. મોટેરાંને મન આ આંતરદ્વન્દ્વની કશી મહત્તા નહોતી, એ એમના વ્યવહારમાં સાચવવામાં પડ્યાં હતાં.
બીજી રાતે સૌ જંપ્યાં હશે ત્યારે બારણું ખૂલ્યું. ભાઈસાહેબ બહાર આવ્યા ને મને પડખાં ઘસતો ભાળી હુકમ કર્યો: ‘મને અંદર ગરમી થાય છે. જીવ મૂંઝાય છે. જા, તું મહીં જઈ સૂઈ જા. હું અહીં બહાર સૂઈશ.’
આદેશ અનુસર્યા વિના મારો છૂટકો નહોતો. હું અંદર ગયો તો ભાંગી પડેલી ભાભી બાપડી મને બાઝી પડી. ડામચિયેથી ગોદડી ખેંચી હું નીચે લંબાવવા કરવા કરતો હતો ને ભાભીએ મારો હાથ ઝાલ્યો.
‘ના. હેઠણ નહીં. અહીં ખાટલામાં સૂવો. મને નીચે સૂવાની ટેવ છે!’ હાથ ખેંચી એમણે મને ખાટલે ખેંચ્યો. ને મારા માથાને પસવારતાં-પસવારતાં એય મારી સાથે સૂતાં. એક હતાશ, યુવાન ભગ્નહૃદયા સ્ત્રી સાથે સૂવાનો જીવનનો એ પહેલો પ્રસંગ! આવેગથી ધબકતી એમની છાતી માત્ર આશરો ઝંખતી હતી.
સ્ત્રીના દેહની ગંધ ગમે એનું પહેલું જ્ઞાન મને ત્યારે થયેલું. ફરી એક વાર ‘દાના’ બની એની પીડા હરી લેવાના કોડ થયેલા. એના સ્નેહાસિક્ત આશ્લેષથી કિશોરસહજ આવેગેય ઊપજેલા પણ એ શાણી-સુશીલ સ્ત્રીના સ્પર્શમાં એક એવું હેત મારા રોમે-રોમમાં સંચરતું હતું કે, જનેતાના ભાવનો ભવ-ભવનો ભૂખ્યો હું એ છાતીમાં માથું સમાવી અનેરું સાંત્વન પામ્યો. મારા આવેગ સરી ગયા. ને એના દુ:ખે મારાંય ડૂસકાં બંધાઈ ગયાં. સમદુ:ખિયાંની સહાનુકમ્પા અણધારી આશાયેશ આપે છે. ધરપત વળતાં ખૂબ જ શાંતિથી સહેજ બાજુએ ખસી એમણે મારું માથું-બરડો પસવાર્યાં કર્યાં અને એ હેતાળ હૂંફનો માર્યો હું ક્યારે ઊંઘી ગયો એનુંય ભાન મને ના રહ્યું.
એ જ સવારે મુંબઈગરો ભાઈ પાછો મુંબઈ જતો રહ્યો ને મારા બાપુને કહેતો ગયો કે ફારગતી લખી દેજો. મારે આ બાઈ નથી જોઈતી. એના ગયા કેડે ચોધાર આંસુએ રડતાં પન્નાભાભીની આસપાસ સ્ત્રીઓનું ઝુંડ જામી ગયેલું. સૌને એક જ સવાલ હતો: ‘એવું તે શું થયું કે, બે દા’ડામાં એ આદમી ધરાઈ ગયો? આવડું રૂપેય એને કેમ ના હખાયું?’
ભાભી કંઈ જ ના બોલ્યાં. સમાચાર સાંભળીને નાની ફોઈ દોડી આવ્યાં. એમના ગળે વળગીને કલપતાં ભાભી કહેતાં હતાં:
‘આમ કરવું હતું તો આ માણસે મારો ભવ શું કામ બગાડ્યો? મારું ઘર શા હાતર ગણાવ્યું! મારું આણું જ ના તેડ્યું હોત તો મારું જીવતર તો ના રવડત! હવે કોણ મને કુંવારી કન્યા માનશે?’
રિવાજ મુજબ ગોર ના હોય તો ઘરનું કોઈ માણસ આણાત વહુને પિયર મૂકવા જાય. ફારગતી કરવાની એટલે મોટેરું કોઈ ના ગયું ને પન્નાભાભીને પહોંચાડવા આણામાં ચડાવેલા દાગીનાની યાદી સહિત મને મોકલવામાં આવ્યો.
ફ્લેગ સ્ટેશનથી એમના ગામ સુધી ત્યારે બેએક ગાઉ ચાલવું પડે. અમે મૂંગી વ્યથા વાગોળતાં ચાલતાં હતાં ને મને વાચા ફૂટી, મેં દાનાની કથા ભાભીને કહી સંભળાવીને છેલ્લે ઉમેર્યું:
‘આજે મને સાત-આઠ વરસ મોડા જનમવાનો અફસોસ થાય છે ભાભી! જો હું મોટો હોત…!’
કોણ જાણે કેમ પણ એવડા દુ:ખમાંય ભાભી હસી પડ્યાં. મારા ખભે હાથ મેલી બોલ્યાં: ‘તો તમે મોટા થાવ ત્યાં લગી હું તમારી વાટ જોઉં?’
હું ઊંધું ઘાલી ગયો. ગામ આવ્યું. ઘર આવ્યું. ચોથે જ દા’ડે પાછી આવેલ આણિયાત છોકરીને મળવા આખું ફળિયું એકઠું થઈ ગયું. પણ હોઠે ને હૈયે પથરો મેલી ભાભી હસતાં જ રહ્યાં. મારે કડવાં વેણ સાંભળવાં ના પાડે એ સારુ એમણે પોતાના વીતકનો હરફેય ના ઉચ્ચાર્યો.
એ જ સાંજે હું પાછો વળ્યો. ભાભી મને પાદર સુધી વળાવવા આવ્યાં. ‘જન્મારામાં કદીકેય મળવાનું થાય તો ઓળખાણ રાખજો. આ ચાર દા’ડામાં તમે જે દીધું છે એ અહીં—’ એમણે છાતી પર હાથ દીધો — ‘થાપણ બનીને સંઘરાઈ રહેશે.’ એ કહેતાં હતાં ત્યારે એમનાં લોચનમાં થીજી ગયેલાં આંસુ જે મેં જોયેલાં તે આજેય નથી ભુલાતાં. ત્યારે દિવસો સુધી લાગ્યા કરેલું કે અંદરથી કશુંક ટૂટી ગયું છે, ક્યાંકથી કશુંક એવું ખોવાઈ ગયું છે કે એ શોધ્યુંય નથી જડતું!
ધીરે-ધીરે-ધીરે દહાડા મારું દુ:ખ ખાઈ ગયા. એ ઘટના, એ પ્રસંગ અને એના મુખ્ય પાત્રના દૂરાપાએ સ્મૃતિને ધૂંધળી કરવા માંડી અને બદલાતા જતા મારા જીવનની ઘટમાળે એ દુ:સહ યાદને અંતરના એક ખૂણે ધરબી દીધી. -અમરકથાઓ
વરસો વીતી ગયાં એ વાતને. ને સામાજિક સમસ્યાઓમાં મારી વાત કે ઉકેલ વગદાર ગણાવા લાગ્યાં. એમાં એક મિત્રની દીકરીના છૂટાછેડાનો પ્રસંગ જેટલો રોમાંચક એટલો જ હૃદયસ્પર્શી બની ગયેલો. શહેરમાં નોકરી કરતો એનો સ્વચ્છંદી પતિ મૈત્રીકરાર કરી બેઠેલો. ને એક બાળકની મા એવી ભલી-ભોળી પત્ની પાસે છૂટાછેડાના દસ્તખત પણ લઈ ચૂકેલો. એ સ્ત્રીનો પક્ષ લઈ એનાં સાસુ ખુદ પોતાના દીકરા સામે વહુને ખાધા-ખોરાકી અપાવવા કોર્ટે ચડેલી. દીકરીનો બાપ-મારો મિત્ર – દીકરીને એટલી ચાહે કે એને આ ઝઘડામાં પક્ષકાર થવાનું ના રુચે. ત્યક્તા છોકરી ભારે પડે છે એટલે ખર્ચ લેવા કોર્ટે ચડ્યો એવી લોકવગોવણીનો એને ડર અને પડી તિરાડ સાંધી ના સંધાય તો નાહક મન ખાટાં શા કાજ કરવાં? આમેય દીકરીએ તો છૂટાછેડાના દસ્તખત કરી જ આપ્યા છે. એવા એના મનોભાવ. એણે દીકરીની સાસુને બેચાર કાગળ લખી જોયા, એકાદ સગાનેય મોકલ્યો કે એ દીકરીને તેડી લાવે પણ પેલી સાસુ ધરાર ના પાડે. ‘તમારે મન એ દીકરી છે તો મારે મન નરી વહુ નથી, મારીય એ દીકરી જ છે. મારા વેલાના વાંકે એનું જીવતર હું પાધર નહીં થવા દઉં. આદમીનો અવતાર મળ્યો એટલે અસ્ત્રીની જાતને ઠેબે ના ચડાવાય. છો મારો છોકરો રહ્યો, પણ મારે એને બતાવી આપવું છે.’
આવી આ સાસુ છાપાના ‘સમાચાર’ પણ બની ચૂકેલી. કોર્ટમાં મુદત ઉપર મુદતો પડે. પેલો દીકરો આવે. માથી મોઢું સંતાડ્યા કરે. પોકાર પડે ત્યારે પોતાના વકીલની ઓથે આવીને ઊભો રહે. મા સામે નજર ના માંડે અને એનો વકીલ કોઈ ને કોઈ બહાને મુદત મેળવી લે. ન્યાયના લંબાતા જતા આ નાટકથી ત્રાસેલી એ સ્ત્રી એક મુદતે, પોકાર પડતાં જ કાયદાના કઠેરે પહોંચી ગઈ અને બેઉ પક્ષના વકીલો કશીક પેરવી કરે એ પહેલાં જ બોલી ઊઠી:
‘સાયેબ! મને રજા દ્યો તો મારે થોડુંક કહેવું છે!’
આ અણધાર્યા પ્રોસીજરથી અકળાયેલા ન્યાયમૂર્તિ સાહેબે એની સામે જોયું ને પૂછ્યું: ‘કોણ છો તમે?’
ઊંધું ઘાલીને ઊભેલા દીકરા સામે આંગળી ચીંધી એણે કહ્યું: ‘આ કપાતરની મા!’
‘ઠીક છે. સમય આવે ને સાક્ષી લેવાની થાય ત્યારે કહેજો જે કહેવું હોય એ!’
‘મારે એ જ કહેવું છે સાયેબ, કે એવો તે ચેવો તમારી આ કોરટનો સમય છે કે આજે હાત-હાત મહિના થયા પણ એ આવવાનું નામ જ નથી લેતો! નાનું છોકરું લઈને ધક્કા ખાતી આ ગભરું બાઈની પણ તમને દયા નથી આવતી?’
કોર્ટની શાન જાળવવાના આદી સાહેબના ભ્રૂભંગ પેલા અવાક બની ગયેલા ઍડવોકેટો ભણી વંકાયા. ને મોકો મેળવી ચૂકેલી એણે કહેવાનું હતું એ કહી નાખ્યું:
‘મને આ નથી સમજાતું — સાયેબ કે ન્યાયની દેવડીએ સાચનો સ્વીકાર ઝટ કેમ થતો નથી? આ કપાતરે મારું લોહી લજવ્યું તે મને ધરતીમાં સમાવાનો મારગ નથી મળતો. અબળાના જીવતરને ધૂળધાણી કરી મેલનારા આવા નફ્ફટોને તો ફાંસીને માંચડે લટકાવવા જોઈએ. બોલ્યુંચાલ્યું માફ કરજો સાયેબ, પણ આનો પરોગ લાવો. નહીં તો કાયદામાંથી અમારો પતિયાર ઊઠી જશે.’
વારો આવવાની વાટ જોતા વકીલો અને અન્ય સૌ એકવારકા સ્તબ્ધ બની ગયા. મુદતોથી ત્રાસેલાઓમાં અનેરો ઉમંગ વ્યાપી ગયો અને વકીલોની વિમાસણ ગગણાટમાં વટલાઈ ગઈ. ઑર્ડર! ઑર્ડર! કરતા સાહેબે પેલા બંને વકીલોને તતડાવ્યા. ને આદેશ દીધો: ‘રિસેસ પછી કામ ચલાવું છું, જે હોય તે નક્કી કરીને આવો.’
કામ ચાલ્યું ત્યારે પેલો છૂટવા માગતો ધણી પંદર હજાર ઉચ્ચક આપવા તૈયાર થયેલો. સાહેબે પૂછ્યું: ‘તમે આ ભાઈની મા હોવા છતાં એણે તરછોડેલી સ્ત્રીનો હાથ પકડ્યો છે. તમારી એ ભાવનાની હું કદર કરું છું. બોલો તમારી શી ઇચ્છા છે. કેટલી રકમે તોડ આવે?’
‘મને પચાસ થયાં ને એક બાળકની મા એવી આ વહુને તેવીસમું બેઠું. એનો દીકરો ભણે-ગણે ને ધંધે વળગે ત્યાં લગી મહિને દા’ડે એને પાંચસો રૂપિયા મળી રહે એટલી રકમનો જોગ કરાવો સાયેબ. મોંઘવારીએ માઝા મેલી છે. ને બીજું ઘર માંડનારાનાય ઓરતા હખણા થવા જોઈએ.’
આવડી મોટી રકમનો તોડ કરવા પેલાના વકીલે ફરી એક વાર મુદતની આજીજી કરી. એની તારીખ આડે કૉર્ટનું ઉનાળુ વેકેશન શરૂ થયું. એ જ અરસામાં એ સાસુને સમજાવી દીકરીને હું તેડી લાવું એ માટે મિત્રે મને એને ગામ ધકેલેલો.
હું ગયો ત્યારે એ ખેતરમાં ગયેલાં. દીકરીની જેઠાણીએ મને આવકાર્યો ને સાસુને બોલાવવા માણસ મોકલ્યો. મને આવેલો જોઈ દીકરી મૂંઝવણમાં મુકાઈ ગઈ. મેં એને કહ્યું: ‘આવ બહેન, તારી સાસુ આવે ત્યાં સુધી તારા બાપાનો ઉદ્ેશ હું તને સમજાવું.’ તો એ બોલી ઊઠી:
‘ના, કાકા!’ બા આવે એમની સાથે જ તમે તમારે વાતો કરી લેજો. એમના વિના હું એક અક્ષરેય નહીં બોલું!’
એ આવ્યાં. હાથ-મોં ધોઈ મારી સામે બેઠાં. હળવે રહી ખત-ખબર પૂછી. પછી કહે: ‘તમારા આવવાનું કારણ તો જાણે જાણ્યું પણ મારા વેવાઈને મારો પતિયાર નથી? શા હાતર એ હંદેહા ને માણહ મોકલ્યા કરે છે?’
‘એટલા માટે કે તમારા ઉપકારના બોજા હેઠળ એમને ઝાઝા નથી દબાવું. તમારી ભલમનસાઈના એ ઓશિંગણ છે. પણ નાહકનો તમારે સગા દીકરા સંગાથ અંટસ વહોરવો એમને ઓછો રુચે છે. અમારી દીકરીએ છૂટાછેડાના ખત પર દસ્તખત કરી આપ્યા છે. વ્યવહાર પ્રમાણેય એનાથી અહીં ના રહેવાય. ને અમને એ ભારે નથી પડવાની. તમારા છોકરા (પૌત્ર) પર હક તમારો, મોટો થયે એને તેડાવી લેજો. સામાજિક રીતે અમારે વર્તવું પડે એટલે આવ્યો છું. અમારે એની ખાધા-ખોરાકીય નથી જોઈતી! તમે સમજો તો સારું!’
‘હું તો સમજેલી જ છું. ને મારી સમજણમાં જે ઊતર્યું એ મેં કર્યું છે. છો વીઘાં ભોંય છે. એમાંથી અર્ધી સુધાના નામે કરવાની છું. મોટો મારા કહ્યામાં છે. એની વહુમાં જરાય વહેરો-આંતરો નથી. જે કરું છું એમાં એ બેયનો પૂરો સાથ છે. હું જીવું છું ત્યાં લગી નાનાનો હવે અહીં પગ ના પડે. સુધા અહીં રહેશે તો મારી આંછ્ય માથે ને એના બાપને ઘેર એને જવું હોય તો હું આડો હાથ નથી દેવાની. બોલ્ય સુધા! શું કરવું છે તારે?’
‘તમે જ કહો કાકા! મારી મા કરતાં સવાયાં આ સાસુને છોડીને હું તમારી સાથે આવું? તમને યોગ્ય લાગતું હોય તો હું આવું!’
સુધાના સવાલે મને તળે-ઉપર કરી નાખ્યો. ‘તારાં સાસુની શોભા ને શાંતિ તો તું અહીં રહે એમાં જ છે બેટા!’
‘બસ ત્યારે એટલું મારી મા અને બાપુને સમજાવી દેજો!’ સુધા આંસુ લૂછતી લૂછતી અંદર જતી રહી. એની સાસુ બોલ્યાં:
‘એની દુ:ખતી રગ તમે દાબી સાયેબ. મારા વે’વાઈને કે’જો, ફારગતી મેં નથી કરી. મેં તો મારા છૈયા હંગાથનો છેડો ફાડી નાંછ્યો છે. મારા વે’વાઈ અમારો વે’વાર જાળવી રાખે. પેટની જણીની જેમ સુધાને નહીં સંભાળું ત્યાં લગી મારા જીવને જંપ નથી વળવાનો. એક દા’ડો તો એ અક્કર્મીની આંખો ઊઘડશે. મારું વેઠ્યું અકારથ નંઈ જાય!’
‘લ્યો સારું ત્યારે, હું હવે જાઉં. મારી જરૂર પડ્યે મને યાદ કરજો!’
‘ના રે! એમ શાના જાવ? બહુ વરહાંથી તમને હાંમે બેહાડીને જમાડવાની અબળખા હતી, હેંડી-ચાલીને આયા છો તે યાદ કર્યા વના! બહુ યાદ કર્યા છે તમને!’
‘એટલે? શું કહેવા માગો છો તમે? હું ના સમજ્યો!’
‘સાયેબ! તમને ચશ્માં આવ્યાં. પણ ચશ્માંની પાર ચહેરો વાંચતાં ના આવડ્યું. જરાક નજર માંડો તો મારા ભણી. કશી ઓળખ વર્તાય છે?’
ચક્ષુ ખોલતાં જ ચહેરો વાંચી લેવાની મગરૂબીવાળો હું ચીસ ખાઈ ગયો. પાકટ દેહ, પાકો રંગ, અધપાક્યા બાલ ને આયખા ના આયપતે ઓળવી લીધેલાં રૂપ-રંગ. ભૂતકાળની ભવાટવિમાં મારા મનડાએ ખાસ્સાં ચક્કર માર્યાં પણ મને કશા સગડ નહોતા સાંપડતા. મારી અસમંજસને પારખતાં એ હસી પડ્યાં: ‘તમારે ‘દાનો’ થવું હતું ને? તમે મોટા થાવ ત્યાં લગી મેં વાટ જોવાનું કહ્યું હતું એય ભૂલી ગયા?’
અચાનક મારા આગળા ઊઘડી ગયા. ‘ભાભી તમે? પન્નાભાભી તમે?’
‘હા. હવે હાચું બોલ્યા!’
ઘેરા વિસ્મયથી હું એમની સામે નીરખી રહ્યો. સુધાને રક્ષણનું કવચ ધરવાની એમની ખોળાધરી હું સમજી ચૂક્યો. મને એ નારીની ચરણરજ લેવાનો ઉમળકો થઈ આવ્યો. ભાવુક મારી આંખ જળજળાં થઈ ગઈ.
‘બહુ વરસે મળ્યા ભઈ તમે! નામ સાંભળતી’તી તમારું. પણ એ તમે જ હશો એવો વિશ્વાસ નહોતો બેસતો. આજે બેઠો.’
પૃચ્છાતુર નજરે હું એમને નિહાળી રહ્યો હતો એ પામી જતાં એમણે જ કહ્યું:
‘તમે મેલી ગયા એ પછી બીજે વરસે આ ઘર માંડ્યું. જીવતરમાં સુખ નહીં લખેલું તે બે દીકરા થયા પછી એ આઠમે જ વરસે દેવ થયા. એમને પાળી-પોષીને આ ઘર વસાવ્યું. પરણાયા-પજીઠ્યા. પણ નાનો કપાતર નીવડ્યો. ક્યાંક મારા ઘડતરમાં કે ક્યાંક મારા વેઠ્યામાં કશીક કસુર-કવણ રહી ગઈ હશે ભઈ! બાકી પહેલે આણે મને જે વીત્યું એ જીવતાં મારી આંછ્યો આગળ કોઈના પર વીતે એ મારાથી કેમનું વેઠ્યું જાય!
હું અવાક હતો. ને એમણે છોગું વાળ્યું:
‘તમે મોટા તો થયા. પણ મને દીધો હતો એ વાયદો ના પાળ્યો!’
‘પણ તમેય મારી વાટ જોવા ક્યાં રોકાયાં ભાભી?’
‘જોઈ. બહુ વાટ જોઈ! હજીય જોઉં છું. વાટ આંખથી નથી જોવાતી ભઈ! અંતરથી જોવાય છે!’ ને હું કંઈ કહું તે પહેલાં હરખને હેલ્લાળે ચડાવી બોલ્યાં:
‘સુધા! તારા કાકા મારા હગા દિયર છે બેટા! તું એમની પાસે બેસ્ય. આજે રસોઈ હું જ કરું છું!’
✍ જોસેફ મેકવાન
આ પણ વાંચો 👉 ભવાન ભગત – જોસેફ મેકવાન
👉 બાબુ વીજળી
Pingback: 7 લઘુકથાઓ - લેખક-નટવરભાઈ રાવળદેવ થરા - AMARKATHAO
Pingback: ઘરનું ઘર - જોસેફ મેકવાન | Best Gujarati varta 3 - AMARKATHAO
Pingback: ગોવાલણી (મલયાનિલ) - ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા - AMARKATHAO