Skip to content

જીવ વાર્તા – માય ડિયર જયુ “છકડો” વાર્તાના લેખક

જીવ
7410 Views

જીવ એ વાર્તાસંગ્રહ છે. “ગિલાનો છકડો” આ વાર્તા તો તમે વાંચી જ હશે. આ વાર્તા લેવામાં આવી છે “જીવ” માથી જેના લેખક છે જયંતીલાલ ગોહેલ એટલે કે માય ડિયર જયુ. એ જીવ પુસ્તકની જ મુખ્ય વાર્તા જીવ આપ સમક્ષ મુકુ છુ. જે આપ સૌને ખુબ જ ગમશે. આપના પ્રતિભાવો જરુર મોકલશો. Jeev Gujarati story book, my dear Jayu. Gila no chhakdo, જીવ માય ડિયર જયુ

જીવ ટૂંકીવાર્તા – માય ડિયર જયુ

ભગો ચમાર હેઠવાસ સુધી આવતાં આવતાં ભાંગી પડ્યો. પોતાના દેહ પર વીંટેલા ફાટલતૂટલ ધાબળાને વધુ ભીંસથી લપેટ્યો તોય એની થરથરાટી બંધ ન થઈ. ઝૂંપડાની માલીપા પગ મૂકતાં જ ઢગલો થઈ ગયો. પોતાની આસપાસ જ અંજવાળું પાથરતાં ટમટમિયાના ઝાંખા તેજમાં એણે ડોશીની નિસ્તેજ આંખો સાથે પોતાની કંપતી આંખો મેળવી. ડોશી ખેરોગથી કણસતા જુવાન દીકરાની તૂટમૂટ ખાટલીનો પાયો પકડીને બેઠી હતી. એની નિસ્તેજ આંખોમાં ચમકતા પ્રશ્નને પામી ગયો હોય એમ એ બોલ્યો,

‘હજી જીવ સ.’

સાંભળતાં જ છોકરાએ કણસાટ બંધ કરીને પીળા ડોળા ડોસા તરફ ફેરવ્યા. છોકરાને આગળપાછળની કોઈ વાતની ખબર નહોતી. એ તો બધી વાત પોતાની જ થાય છે એમ સમજતો. થોડા દિવસથી એ પોતાના પંડને જમરાજ સામે પડેલો જોતો હતો. જમરાજ ક્યારે હાથ લંબાવે ને ક્યારે જીવ લઈને ચાલતા થાય એ નક્કી નહોતું. ડોશી – ડોસાએ પણ આશા મૂકી દીધી હતી. તોય, એકનો એક દીકરો, જુવાનજોધ, સાજોનરવો હોય તો ઘરે વહુ આંટા મારતી હોય; તે બે ય કંઈક ને કંઈક ઓસડ ઉપાય ને બાધાઆખડી કરવાથી થાકતાં નહીં. પણ આ તો રાજરોગ, એક વાર વળગે કે જીવ લઈને જ જાય. જેમ એવી માન્યતા, તેમ આવીય માન્યતા કે બચાવવાવાળો હજાર હાથવાળો છે; એની કિરપાએ જમરાજના હાથમાં ગયેલો જીવ પણ છોડાવી શકાય. એ આશામાં ને આશામાં ડોસા-ડોશી ગમે તે ઉપાય ચીધે કે જીવ પર આવીને કરવા તૈયાર થઈ જતાં.

જુઓ ને, આગલી રાતે વાસના ફળિયામાં બેઠેલા ગરૂડાએ કંઈક મંતર ભણીને ભગાને રાખની ચપટી આપેલી, ને કહેલું, આ અટાણે સોકરાના કપાળે લગાડવાનીં, ને હાંભળ, નારણ ઊગે તંઈથી બેય માણહે નિરજળા અપ્પા કરવાના. ખોટું કામ તો હું, ખોટો વિશાર પણ નંઈ કરવાનો. સોવીસ કલાક કાઢી નાખો, ને બીજે દિ’એ નારણ ઊગે ઈની હારોહાર તારો ગગો બેઠો નોં થાય તો મને ફટ કે’જે.

છોકરા માટે ચોવીશ ક્લાક તો શું, ચોવીશ દિવસ અન્નપાણી વગર બેસી રહેવાની ભગાની તૈયારી. રાખની ચપટી છોકરાના કપાળે લગાવતાં એ ડોશી સામે મરકીને બોલ્યો હતો, ‘સોવીહ ક્લાકમાં આને બેઠો થ્યેલો ભાળું.’ સાંભળીને ડોશીના ચહેરા પર રાજીપો છલકાઈ પડ્યો હતો; ને છોકરાના ફિક્કા ડોળામાં ઝબકાર થયો હતો. નિર્જળા ઉપવાસની વાત કરી એમાં તો ડોશીની શ્રદ્ધા અનેકગણી વધી ગઈ હતી. બેય માણસ આવતા દિવસની તૈયારી કરતા હોય તેમ આમતેમ આંટા મારવા માંડ્યાં હતાં. આવતીકાલની આશા અત્યારે એમના પગમાં ઊતરી હતી.

એ વખતે હેઠવાસના છેડેથી સાદ સંભળાયો, ‘ભગા!’

ભગો ઉતાવળે પગે બહાર આવ્યો. જેસુભા ઘોડી ઉપર બેઠેલો. ભગો નજીક આવ્યો ને એ બોલ્યો, ‘અટાણે આંટો માર. ને મરી ગિયો હોય તો ઢહડતો આવ્યું. મને થ્યું, વાડીયે જાતાં જાતાં તને કે’તો જાવ. જીબાપુ નેય હવે ચિંતા થવા માંડી છે. આ તો પેટ સોળીને શૂળ ઊભું કર્યું એમ કે’તા’તા.’

ભગાના દેહમાં ઘડીક પહેલાં દોડતો હતો તે ઉત્સાહ શમી ગયો. એણે ઠાવકાઈથી ઉત્તર વાળ્યો, ‘હાંજકના તો હું જ્યાવ્યો’તો, માબાપ! તયે તો જીવ અતો. ને ધાર્યા કરતાં કાઠો સ, ઈમ નંઈ મરે.’

‘તો તારે કાંક કરવું જો હે.’ જેસુભાએ હુકમની ભાષા વાપરી.

‘પરમ દિ માંડવો સે. ઈ પે’લાં તો આંગણામાંથી બા’રો કાઢવો જોહે. કાંઈ કૂતરાં ધરવવાં રોડ ઉપર તો નંઈ ફેંકાય!’

‘ઈમાં ઉં છું કરું, માબાપ?’ ભગો વધુ બોલી શક્યો નહિ. એની મૂંઝવણ એકસામટી વધી પડી.

‘હવે જોહું કાલ, ત્યાં હુધીમાં તો ઘીના ઠામમાં ઘી પડી રે’હે. કહીને જેસુભાએ એક એડી મારી ને જતાં જતાં હળવાશથી કહ્યું, ‘અટાણે આંટો તો માર.’

આવતી કાલનો સૂરજ ઊગે તે પહેલાં કોઈ કામ માથે ન રહેવું જોઈએ. સૂરજ ઊગે ને છોકરાની ખાટલી સામે પલાંઠી મારીને બેસી જાવું છે. તે બીજા દિવસ સુધી ઊભા થાવું નથી. આમ છોકરો પથારીમાં બેઠો થાય, ને આમ પોતે પલાંઠી છોડીને ઊભો થાય એમ કરવું છે, એવા એવા વિચારે ભગો એ વખતે જી બાપુની બંગલી તરફ ઊપડ્યો હતો.

જઈને જોયું તો, પાડો જેમ પડ્યો હતો તેમ જ પડ્યો હતો આડો. ડોળા સ્થિર હતા, જાગતા સૂતેલા દર્દી જેવા. પણ ક્યારેક ક્યારેક કાન હલાવતો હતો. પેટની ધમણ ધીમે ધીમે એકધારી ચાલતી હતી. ક્યારેક એકાદ પગ ઊંચો કરીને પછાડતો હતો. પણ જીવાતના બણબણાટને દૂર કરવા પૂંછડું ફંગોળવાની તાકાત ન હતી. પૂંછડું તો બે દિવસથી કાઢતા રહેલા મળમાં ખરડાઈને નિર્જીવ થઈ પડ્યું હતું. આખા શરીરની રુવાંટી બેઠી થઈ ગઈ હતી, ભીષ્મ પિતામહની બાણશય્યા જેમ. પણ, તોય જાણકાર જોઈને કહેતા કે ઘડીબઘડીમાં જીવ જાય એવું લાગતું નથી.

અત્યારે ભગાએય પાડાને જોઈને નિસાસો નાંખ્યો. એને પણ થયું કે હમણાં જીવ જાય એવાં કોઈ લખણ દેખાતાં નથી. એને પાડો આજ મરે કે કાલ મરે એની ઉપાધિ નહોતી. એને તો એનો દીકરો બેઠો થાય એની ચિંતા હતી. આવતીકાલ સવારથી નિર્જળા ઉપવાસનું વ્રત લઈને સાંજ સુધી પલાંઠી મારીને બેસી જવાનું નક્કી કરેલું એની ચિંતા હતી. પરંતુ પરમ દિવસે જી બાપુને આંગણે અવસર. ભઈલુભાઈનો માંડવો. તે પહેલાં આ પાડો આંગણામાંથી દૂર થવો જોઈએ.

પાડા સામું જોઈને ભગો એમ ને એમ બેસી રહ્યો. આજ રાતમાં કે આવતી કાલ સુધીમાં પાડાનો જીવ નહિ જાય તો શું થાશે?

ભગાએ બેઠા બેઠા ચારે કોર નજર ફેરવી. આડે દિવસે દસ- પંદર ઢોરની લાઇન ઊભી હોય ત્યાં – ગમાણ અત્યારે ખાલીખમ હતી. બધાં ઢોરને વાડીએ લઈ જવાયાં હતાં. ડેલી વટાવીને આંગણામાં આવો તો વીઘાએકનું આંગણું અત્યારે વાળીઝૂડીને સાફ કરવામાં આવ્યું હતું. એક ઓસરીએ આવેલા ચારે ઓરડાના બારસાખ ભરતચીતરથી શોભતાં હતાં. ડેલીમાં પુરુષો ને ઓરડામાં સ્ત્રીઓની વાતચીતમાં ઉમંગ છલકાતો હતો. એક આ પાડો બે દિવસથી જેમનો તેમ પડ્યો હતો, તે હવે, અત્યારે જી બાપુને ગળાનું હાડકું થઈ પડ્યો હતો.

એમાં જીવાનીય ભૂલ નહોતી. આઠદસ વાહાનું પાડરું કાનમાં ફળફળતું તેલ રેડો કે બેપાંચ કલાકમાં ઠરી જાય. જીવાની માન્યતા કાંઈ ખોટી નહોતી. આજ સુધીમાં એણે આવા હજારો પાડાને પતી જાતા જોયેલા. એ હિસાબે જ આગલી રાતે પાડાના કાનમાં તેલ રેડેલું. એમ કે સવાર સુધીમાં પતી જાશે. પણ પાડો લોંઠકો નીકળ્યો. બાપુની ભેંશ ખાધેલ-પીધેલ. હાડે જબરી. તે પાડો જન્મ્યો ત્યારે જ મહિના-માસનો હોય એવો જબરો હતો. જીવાને એમ કે રહેવા તો દેવો નથી; ભલે આઠદસ દિ’ ખાઈપીને ઠેકડા મારે. તે છુટ્ટા મોંએ દૂધ – છાશ પીવા દીધાં. પાડો થઈ ગયો અઠવાડિયામાં છ-આઠ મહિનાનો હોય એવો. તે હાથણી જેવી ભેંસો ને ઘોડા જેવી ગાયોને એનાં વાછરું સમેત વાડીએ લઈ ગયા ત્યારે પાડાને અહીં જ રહેવા દીધેલો. મા વગરનો થઈ ગયો કે તરત બરાડવા માંડેલો. એમાં રાત પડ્યે જીવલાએ બે જણની મદદ લઈને ફળફળતા તેલનું છાલિયું પાડાના કાનમાં ઊંધું વાળેલું. એવા ખ્યાલે કે સવાર પડતાં પતી જાશે. ભગલાને કહેશું, ઢહડી જાશે.

પણ પાડો બીજી ભાત નીકળ્યો. તેલ રેડ્યા ભેગો મંડ્યો મોટે મોટેથી લાંબા લાંબા બરાડા પાડવા, ને ઠેકડા મારવા. હમણાં સાંકળ તોડી નાંખશે એવા અમાળછેડા લેવા. પછી માથાં પછાડવાં. પછી ઘણી વારે ઠેરાવીને સાંકળ તોડી નાખવી હોય એમ તંગ ઊભો રહ્યો. હવે એના બરાડા બંધ થઈ ગયા ને મોં ફાટી રહ્યું. મોંમાં ફીણના ફોહા વળ્યા. એકધારું બળ કરીને તંગ ઊભેલો તે ડોળા ફાટી ગયા. એમ ને એમ ઘણી વાર ઊભો રહ્યો. પછી ધબ્બ કરતો પડ્યો. ડેલીમાં બેઠાં બેઠાં જીવો ને જેસુભા ને બીજા બેત્રણ જણ બીડીઓ પીતાં પીતાં ને ગામગપાટા મારતાં મારતાં વચમાં વચમાં પાડા સામી નજર કરી લેતા હતા. પાડો પડ્યો પડ્યો પગ પછાડવા માંડ્યો, માથું પછાડવા માંડ્યો, ને છેરી ગયો. હવે અવાજ કરતો નહોતો. પણ પેટની ધમણ જોરજોરથી હાલતી હતી. જીવાએ અભિપ્રાય આપેલો કે, વાડીએ જાતાં જાતાં ભગલાને કહેતો જાઉં, સવારે ઢહડી જાય.

ગઈ રાતે જેસુભા કહીને ગયો ત્યારે ભગાને આનંદ આનંદ થઈ ગયો હતો. એક તો શિયાળે ઢોર ઓછું મરે, તે ક્યારેક તો આખો શિયાળો સવાદિયા કોરા રહે. એમાં પોતાના ઇજારામાં ઢોર મરે તો ચામડું તો રહે, પણ સારા માંસની સુકવણી પણ મન ચાહે એમ કરી શકાય. એ તો ઠીક, જી બાપુ જેવા મોટા માણસને ત્યાંથી મૂએલું ઢહડી આવીએ એટલે દાણોપાણીય સારાં મળે, ને વખતે ભઈલુભાનાં લગન છે તે માથે બંધણુંય આલે! સારા માલિકના ફાયદાય કેવા સારા! જી બાપુની આથ છે એટલે આમેય કેટલા ફાયદા થાય છે! વાડીપડાના કામમાં કે ભગાને પાલી દાણા વધુ આપજો. જી બાપુની પાછળ પાછળ ગામના બીજા ઘણાની આથ ભગવાનભાઈને. તે ચમારનાં બે ઘરમાં ભગાનું ખોરડું બહુ મોટું કહેવાય. એના ભાઈ ખોડાને આથ ઓછી ને વસ્તાર ઝાઝો. કામ ઓછું મળે, તે દિવાળીએ દાણા પણ ઓછા ભેગા થાય. ખોડો સદાય ભગાનો ઓશિયાળો હોય એમ દિવસો કાપે. જ્યારે ભગો તો ખાધેપીધે સુખી. હેઠવાસમાંથી બજારે નીકળે ત્યારે કાછડીય સારા લૂગડાની હોય, ને માથે બંધણુંય કંઈ ફાટલતૂટલ ના હોય. એનું ઉઘાડું ડિલ એના સુખની સાખ પૂરે.- અમરકથાઓ

પણ, આ બે વરસની માલીપા છોકરાએ ભગાને ઠેકાણે કરી નાંખ્યો. છોકરો દહાડે-દિવસે લેવાતો ચાલ્યો, ને રોજરોજ પીળા બાળખાનો ઢગલો કરવા માંડ્યો. ભગો ભાંગી પડ્યો. ઓસડ માટે આંટા મારે એ સિવાય કોઈ કામમાં જીવ માને નહીં. રાતદિવસ છોકરા સામું જોઈને નિસાસા નાંખે, તે વરસદહાડામાં તો પોતે ગલઢોખખ થઈ ગયો. જીવતરનો સવાદ રહ્યો નહીં. પહેલાં જેવો ઠાઠમાઠ રહ્યો નહીં. જોઈતું-કારવતું કામ કરે ને પછી લમણે હાથ દઈને બેસી રહે. ડોશીનેય જીવતર અકારું થઈ પડ્યું. એવી ને એવી સ્થિતિમાં ભગાએ ઘણા ઘરાક ખોડાને આપી દીધેલાં. જોકે, ઘરાક પર હક પોતાના રાખેલા, એટલે ઘરાક પહેલાં આવે એની પાસે, પછી ભગાને જાવું હોય તો જાય, નહીંતર ખોડાને મોકલે. ગઈ રાતે જેસુભા કહી ગયો કે, સવારે બાપુના ફળિયેથી પાડરું ઢહડી આવજે, ત્યારે એને આનંદ એ વાતનો હતો કે કામ કરતાં બદલો સારો મળશે.

સવાર પડી, ને ઉતાવળે પગલે જીબાપુની બંગલીએ પહોંચ્યો, ને જોયું તો, પાડાનો શ્વાસ તો ચાલે છે! ભગો પાડાના ફાટ્યા ડોળાને ખુલ્લા મોંને તાકતો ઉભડક બેસી રહ્યો. એ વખતે જ જેસુભાએ ડેલીમાં પગ મૂક્યો. કંઈક અકળ ભાવથી ભગાએ જેસુભા તરફ નજર માંડી.

‘કાં, કેમ લાગેસ?’ પાડા સામું જોતા જેસુભા બોલ્યો.

હજુ જીવ સ, માબાપ. આમ તો ઘણો ટેમ ખેંશી ગ્યો કે’વાય!’ ભગાના અવાજમાં ઢીલાશ દેખાતી હતી.

પાડો આજ મરે કે કાલ મરે એનું જેસુભાને મહત્ત્વ નહોતું. આવતી કાલ સુધીમાં પાડો આંહી ન રહેવો જોઈએ એ જ વાત અગત્યની હતી. પરમ દિવસે મંડપમુહૂર્ત. આજનો દિવસ ને કાલનો દિવસ બાકી. પાડો નીકળ્યો જબરો. જેમ આમ એક રાત કાઢી નાંખી, એમ બીજી બે કાઢી નાંખે, તો તો ભારે થાય એ મૂંઝવણમાં જેસુભા બોલ્યો, ‘ગમે તેમ, કાલ સુધીમાં તારે એનો નિકાલ લાવવો જોહે.’

હવે ભગાની આંખોમાં મૂંઝારો ડોકાયો. એ કટકે કટકે બોલ્યો, ‘પણ અમીં તો મેલું ઢહડી જાઈં, માબાપ. કાંઈ જીવતે જીવ તો નો લઈ જાઈં ન, બાપા!’

‘તો શું, માંડવા વખતે આને આંઈ ને આંઈ થોડો પડ્યો રહેવા દેવાશે?’ જેસુભા અકળાયો.

‘પણ અમીં જીવતા જીવને તો નૉ ઉપાડીઈ ન, માબાપ!’ ભગા પાસે બીજો જવાબ નહોતો.

‘તમે નૉ ઉપાડો તંયે કોણ ઉપાડે, શિવશંકર ગોર?… જેનું કામ છે ‘ કરે…’ જેસુભાના અવાજમાં કરડાકી ભળી.

‘અમારું કામ મૂએલું લઈ જાવાનું, માબાપ.’ ભગો પોતાની રીતે બરાબર હતો. જેસુભા એ સમજતો હતો. પણ અત્યારે આ અધમૂવા જીવનું કેમ કરવું એ એને મન મોટો મૂંઝારો હતો. હવે બીજા કોઈને કહીએ એ પણ સારું નહીં. ને કહીએ તો શું કહીએ? હવે પાડાને ઉપાડીને અડખે-પડખેના ફળિયામાં તો મુકાય નહીં! એય સારું ન લાગે. જે કરવાનું થશે તે ભગાએ જ કરવાનું રહેશે. હજી બે દિવસ છે. ઠાકર મહારાજ સારાં વાનાં કરશે, એવા વિચારે જેસુભાએ મન વાળ્યું.

જીવ વાર્તાસંગ્રહ પુસ્તક
જીવ વાર્તાસંગ્રહ પુસ્તક‘ઠીક અટાણે તો જા તું તારે. સાંજકના આંટો મારજે. ઈ પે’લાં પતી જાહે તો બોલાવવા મોકલીશ.’ જેસુભાએ કહ્યું. ભગો બેય ગોઠણે હાથ ટેકવીને ઊભો થયો. આવ્યો ત્યારે એના પગમાં જોર હતું તે જતી વખતે ન રહ્યું. ઢીલાં પગલે એ હેઠવાસ તરફ ચાલ્યો. છોકરો માંદગીમાં પટકાણો ત્યારથી એને વાતવાતમાં અમંગળ કલ્પનાઓ ચમકી જતી. અત્યારે એમાં ઉમેરો થતો લાગ્યો. અત્યાર સુધીમાં કંઈ કેટલાંયે ઢોર ભલીભાતે ઢહડી આવ્યો હતો. ક્યારેય આવી મૂંઝવણ ઊભી થઈ નહોતી. આખી જિંદગી જીબાપુના કોઈ કામની ના પાડી નથી. બાપુએય એને જેમ છે તેમ સાચવ્યો છે; ના કેમ પડાય! એમાંય આવા અવસરે! પણ, જીવતાં જીવને ઉપાડવાથી તો પાપ લાગે. દેવની આડી. એવું કરીએ તો નખ્ખોદ નીકળી જાય. સહુ સહુના ધરમ. ધરમ પ્રમાણે ચાલવું જોઈએ. એવા એવા વિચારે ભગો આખો દિવસ છોકરાની ખાટલી પાસે બેસી રહ્યો. ઓલો જીવ જાય એમ થાય છે ને આ જીવ બચે એમ થાય છે, અને એની કલ્પનાઓ વારંવાર અમંગળ દેશમાં ઊડાઊડ કરે છે. સાંજ પડી તોય જીબાપુની ડેલી સુધી જઈ આવવાની અડપ ન થઈ. સાંજ પડી તોય કોઈ બોલાવવા આવ્યું નહિ. એટલે એને એ વાત ખોતરતી રહી કે પાડો હજી જીવતો હશે.

આખો દિ’બેશી હું ય સ? જરાક બારા તો નકરો!’ ડોશીએ ટપાર્યો ને એ બહાર નીકળ્યો. વાસના ફળિયામાં પાંચસાચ ગલઢેરા વચમાં બેઠો બેઠો ગરુડો ચલમ ખેંચતો હતો ત્યાં આવીને બેઠો. મંડળીમાં ભગાના વસમા દિ’ની વાત નીકળી. એકના એક જુવાન દીકરામાં ભગાનો જીવ વળગ્યો રહે છે એ વિપતની વાત થઈ. ગરુડાએ મંતર ભણીને રાખની ચપટી આપી, ને આવતી કાલે નિર્જળા ઉપવાસ રાખવાનું કહ્યું. સવારથી બેસી જાવું છે એવા વિચારે જેસુભાએ ન કહ્યું હોત તો ય ભગો આંટો મારવાનો જ હતો.- અમરકથાઓ

એ રાતે જઈને પાડાને જોઈ આવ્યો. પાડો જેમનો તેમ પડ્યો હતો.

બીજા દિવસની સવારે ડોસો – ડોશી નાહ્યાં. ડોશીએ મઢમાં દીવો કર્યો. ભગાએ દીકરાને ખભેથી પકડીને બેઠો કર્યો. પીળા ડોળા સિવાય છોકરાના કોઈ અંગમાં ચેતન નહોતું. ભગાએ છોકરાને હાથજોડ્ય કરાવી. ‘કાલ હવારે તો મારો હાવજ બેઠો થાહ, હોં!’ કહેતાં કહેતાં નિર્જળા વ્રતવાળી આંખોમાં જળનાં પડળ રચાણાં. અત્યારે એની કલ્પના મંગળ પ્રદેશના સીમાડા ઓળંગી રહી. દીકરાને સુવરાવીને એ દેવનું નામ લેતો લેતો ખાટલી સામે પલાંઠી લગાવીને બેસી ગયો.

બેસતા શિયાળાના દિવસો. ટૂંકા ને મીઠી હૂંફાળા. દીકરા સામું જોઈને ડોસા – ડોશીને અન્નનો દાણો મોંમાં મૂકવાની ઇચ્છા થતી નહીં, એમાં કાલ સવારે સૂરજ નારાયણ ઊગે ત્યારે એનો મોભી બેઠો થયેલો જોવાની શ્રધ્યા ભળી. એક દિવસ તો શું, એક મહિનો પાણી વિના બેસી રહેવાની તૈયારી. ડોશી ઉપવાસ છતાં ટહેલ ટપર કરતી હતી. આવે વખતે પુરુષ કરતાં સ્ત્રીઓનું મનોબળ જબરું હોય છે, પણ ડોસાનું મન બેઠાં બેઠાંય આઘુંપાછું થયા કરતું હતું. દીકરો નજર સામે હતો. પણ પાડો વારંવાર મનમાં ઊપસી આવતો હતો. પાડાનું શું કરવું? એ આજનો દિવસ કાઢી નાખે તો સવારે દિ’ ઊગે એ પહેલાં ઢહડી આવીશ. પછી જીવતો હોય કે મરેલો. અને આજ દિ’ આખામાં મરી જાશે તો તો ગમે ત્યારે કોઈક બોલાવવા આવશે જ. જેમ જેમ દિવસ ચડતો ગયો તેમ તેમ ભગાને એની ચિંતા પણ વધતી ચાલી. બપોર થયા, સૂરજનારાયણ શિયાળાની ભૂખરી દિશામાં ડૂબી ગયા. ભગાના ચહેરા પર દિવસ સુખરૂપ પસાર થયાની ચમક આવી. દેવ સહાય છે. ગરુડાએ કીધું તેમ ચોવીસ ક્લાક નીકળી જાય તો તો જિંદગીના દિવસો ફરી જાય! દિવસ હેમખેમ નીકળી ગયો, એમ રાત નીકળી જાય તો તો ઈશ્વરનો પાડ. ડોશીએ ટમટમિયું સળગાવ્યું. છોકરો સૂનમૂન પડ્યો પડ્યો ડોળા ફેરવ્યા કરતો હતો.

હેઠવાસની બહાર કોઈએ બૂમ પાડી, ‘ભગા!’ ને ભગો ઊઠીને બહાર આવ્યો.

એક જુવાન કહીને ચાલતો થયો, ‘જેસુભા બોલાવે, જીબાપુની ડેલીએ.’

ભગાને સારાં શુકન થયાં લાગ્યાં, બોલાવવા મોકલ્યો છે તો પાડો મરી ગયો હશે! ખોડાને લઈ જાવ ને લઈ આવીએ. એકલાથી તો ઊપડે એવો નથી. મરેલું લઈ આવવું એ તો આપણો ધરમ. જેસુભા કહેતા’તા એમ જ થયું, ઘીમાં ઘી પડી ગયું. મારો અપ્પા અખંડ રહેશે અને જીબાપુનું કામ ટેમસર પતી જશે. એવા એવા વિચારમાં એ ભૂલી ગયો કે આજ એણે આખો દિવસ જળનું ટીપુંય લીધું નથી. એના દેહમાં આશાના સંચારે લોહી ફરવા લાગ્યું. ડોશીને કહીને, ફાટલતૂટલ ધાબળો ખબે નાંખતો’ક ને એ ગામ ભણી ઊપડ્યો.

ડેલીએ પહોંચ્યો. જેસુભા ડેલી બહાર ઓટલે બેઠો હતો. અંદરથી મહેમાનોનો બોલાશ સંભળાતો હતો. જેસુભા ભગાને કતરાતી નજરે જોઈ રહ્યો. એની શિકલ જોઈને જ ભગાને ધ્રાસકો પડ્યો, સારાં વાનાં નથી લાગતાં!

‘કેમ એલા! આંખ્યું ઓડે ગઈ છે?’ જેસુભાએ દાંત વચ્ચેથી એક એક શબ્દ કાઢ્યો.

‘કિમ, માબાપ!’ ભગો વધુ બોલી શક્યો નહીં.’

‘તને કાલ કીધું નો’તું કે કાલ હુધીમાં પાડો આયા રહેવો નૉ જોઈ?’

‘કીધું’તું ને, માબાપ.’ ભગો ધ્રૂજી ગયો. પળવારમાં એના હોઠ સુકાઈ ગયા. ગળે ખખરી બાજી.

‘તો કેમ નૉ ઉપાડી ગ્યો?’

‘જીવ અતો નીં કિમ ઉપાડી જાવ, માબાપ?’

જેસુભાનો અવાજ સ્ટેજ મોટો થયો, ‘જીવ તો અટાણેય છે. તે શું આમ ને આમ માંડવા વચમાં પડ્યો રહેવા દેવાશે? હેં?’

ભગાએ ડોકું હલાવ્યું. જેસુભાએ હુકમ છોડ્યો, ‘અટાણે ને અટાણે આઈથી ઉપાડી જા. જીબાપુ તો કહીને ગયા છે કે ઈ નૉ લઈ જાય તો ઈના ભાઈને કહો.’

ભગાનો જીવ તાળવે ચોંટી ગયો. મગજમાં ચક્કર ઘૂમી ગયું : હું ના પાડું, ને ખોડાને કહે તો મારે શો વાંધો હોય? આમેય હું સામે ચાલીને ખોડાને કામ આપું છું ને! પણ અટાણે ના પાડું, ને બાપુને એમ થાય કે મેં ખરે ટાણે ના પાડી, ને બાપુ ક્રોધે ભરાઈને મારા નામ માથે ચોકડી મારી દે તો તો ભારે થાય. જીબાપુને લીધે તો મારા બીજા ઘરાક છે એ બધું બંધ થઈ જાય. એટલું જ નહિ, બાપુ રાજાના ભાયાત. આ ગામમાં જ નહિ, અડખેપડખેનાં ગામોમાં બાપુની આણ વર્તે. પછી તો આંહીંય નૉ રહેવાય, ને અડખેપડખેનાં ગામમાંય નૉ રહેવાય. ઈશ્વર કરે ને કાલ દીકરો સાજોનરવો થાય તો બાપનું ગામ મૂકીને ક્યાં ભટકવું?

થોડી વાર મૂંગો મૂંગો જેસુભા સામું જોઈ રહીને ભગો કટકે કટકે બોલ્યો, ‘ઉપાડી તો હું જ જાશ, માબાપ. પણ મારા સોકરાને અહખ સ, તિ…’

જેસુભા વચ્ચે બોલ્યો, ‘તે એને અટાણે મુંબી લઈ જાવો છે?’

‘નંઈ નંઈ માબાપ. કાંય લઈ જાવો નથ. આજ મારે ઈના હારું અપ્પા સ તિ દિ’ ઊગતા પેલાં લઈ જાવ તો હાલે?

હવે જેસુભાનો પિત્તો ઊછળ્યો. એ ઊભો થઈ ગયો.

‘એટલે તારું કહેવું એમ છે કે માંડવામૂરત પહેલાં આંગણામાંથી મડદું નીકળે એમ? કાલો થા મા, કાલો. અટાણે ને અટાણે ઢહડી જા.’ કહીને જેસુભાએ પગ ઉપાડ્યા.

ભગો એની પાછળ પાછળ ચાલતા બોલ્યો, ‘લઈ જાશ, લઈ જાશ માબાપ, અટાણે જ વેંત કરું સવ. મારા એકલાથી તો ઊપડે ઈમ નથ. ખોડાને કવ. ઈસમાલનો એકો લઈ આવીશું. અટાણે જ લઈ જાઈં સઈં, માબાપ.’

ભગો બોલતો રહ્યો. જેસુભા શેરીનું નાકું વળી ગયો. ભગાનું ચેતન હરાઈ ગયું. ટાઢો પવન એની સાથે છેડતી માંડી રહ્યો. એણે ફાટલતૂટલ ધાબળો ખભેથી લઈને શરીર પર લપેટ્યો. પણ થરથરાટી વધતી ચાલી. અત્યારે એને ભાન થયું કે નિર્જળા ઉપવાસથી શરીર ચેતનવિહોણું થઈ પડ્યું છે. છતાં અત્યારે જ આ કામ કરવું પડે તેમ છે. પગ ઉપાડ્યા વગર છૂટકો નથી. વિચારતાં વિચારતાં ચાલતો હતો, ને વચમાં વચમાં ઊભો રહી જાતો હતો એનું એને ભાન નહોતું. હેઠવાસ આવ્યો ત્યારે તો એના પગ ભાંગી ગયા. ઢગલો થઈને બેસી પડ્યો, ને એટલું જ બોલી શક્યો કે, ‘હજુ જીવ સ.’

‘ઈમાં આપડે હું કરીં ઈ!’ ડોશીને આગળપાછળ વાતની ખબર નહોતી. એને તો એટલી જ ખબર હતી કે બાપુનો પાડો મરી જાવાનો છે અને એને લઈ આવવાનો છે. એ માટે ભગો બે દિવસથી ધક્કા ખાય છે.

‘આપડે જ કાં’ક કરવું જોવે.’ ભગો મૂંઝવણભર્યું બોલ્યો.

‘મેલું ઢહડી આવીં ઈ આપડું કામ. બીજું આપડને હું અડે?

ઈંમ નથ, ઈમ નથ આ વાત. ભારે મૂંઝારો સ. કાલ્ય હવારે બાપુને આંગણે માંડવામૂરત સ. પે’લા પાડાને ત્યાંથી આઘો કરવાનો સ.’

‘હા. તિ કો’ખોડભાયને, જઈને બાપુની વાડીઈ મેલીયાવે. આપડે આજ કોય અધરમનું કામ નીં કરવાનું. હમજ્યાં?’ ડોશીને પોતાના નિર્જળા ઉપવાસ હેમખેમ પાર ઊતરે, છોકરાનો રોગ મટે, એમાં જ રસ હતો. એ માટે અત્યારે એ એવું કોઈ કામ કરવા તૈયાર નહોતી કે જે કામમાં અધર્મ હોય, પાપ હોય, એની આસ્થા ડગી જાય એવી અવઢવ હોય.

‘ખોડાને બરકવા જ આવ્યો સવ. આમેય અટાણે ખોટો વિશાર ય નીં કરવાની વાત અતી, ઈમાં ખોટું કામ કરવાનો વખત આવ્યો તિમાં મારા દેયમાં દેવ નથ રિયા. પણ જાતાં જાતાં થયું કે આણે કાંય ગળા હેઠે ઉતાર્યું કે નંઈ ઈ જોતો જાવ.’ ભગો સાવ ઢીલું ઢીલું બોલ્યો.

છોકરાએ બપોરેય કાંઈ ખાધું નહોતું. ડોશીએ ધાન રાંધેલું. ને એ વખતે બકરીનાં આંચળ ખેંચીને ચાંગળું દૂધ દોહેલું. દૂધમાં ધાન ચોળીને સૂતેલા છોકરાના મોંએ લગાડેલું. પણ એક ઘૂંટડો ભરીને છોકરો ડોકું ફેરવી ગયેલો. માથું ધુણાવવાની શક્તિ નહોતી; જરાક માથું હલાવીને, હવે ગળે નહિ ઊતરે એવો ઇશારો કર્યો હતો. બેય માણસે માનેલું કે, મન આજનો દિ જેમ કરવું હોય એમ કરે. આવતી કાલથી જેમ જેમ રોગ મટતો જાશે તેમ તેમ ખોરાક લેતો થાવાનો જ છે ને!

તે પછીય ડોશીએ એક બે વાર છાલિયું બતાવેલું. પણ છોકરાએ આંખથી જ ના પાડેલી. સાંજ પડતાં તો પાણીનો ઘૂંટડો ભરવાનીય શક્તિ રહી નહોતી. જાણે કે, માટી ઠરતી જતી હોય એવી આશંકાથી ભગો ખાટલી પાસે બેઠો બેઠો વારેઘડીએ હાથ લંબાવીને છોકરાના શરીરનો તપારો માપ્યા કરતો હતો. એના વ્રતમાં પોતે અડગ છે એ શ્રદ્ધા એને બળ પૂરું પાડતી હતી.- અમરકથાઓ

‘મન તાર, મારો વાલોય મન આજનો દિ’ અપ્પા કરી લે, કિમ?’ કહીને ભગાએ વહાલથી દીકરાના કપાળે હાથ મૂક્યો. છોકરાએ નિષ્પ્રાણ આંખોને એ ઝાઝી વાર સહન કરી શક્યો નહીં. ‘હવણે આવું સવ, હો.’ કહીને ડોશી તરફ ફર્યો ને મનોમન બોલતો હોય એમ બોલ્યો, ‘ટાઢો પડી ગયો સ. રેઢો નીં મેલતી. ઉં ગ્યા ભેળો આવું સવ.’

ડોશીને થયું, કહી દઉં કે, નથી જાવું અધરમના કામે. મન જે થાવું ઈ થાય. પણ એ કાંઈ બોલી શકી નહીં.

ભગો બહાર નીકળ્યો ત્યારે હેઠવાસનાં બીજાં ઝૂંપડાં ટાઢ અને અંધારું ઓઢીને લપાયેલાં પડ્યાં હતાં. અજવાળી આઠમનો ચંદ્ર એમાં પ્રવેશી શકે તેમ નહોતો. ખોડાનું ઝૂંપડું પડખે જ હતું. ભગાએ એને સાદ પાડ્યો. ખોડો બહાર આવ્યો. ભગાએ હુકમની ભાષામાં વાત કરી; ‘જીબાપુના ફળિયે અધમૂવું પાડરું પડ્યું સ. ઈને કાં બાપુની વાડીઈ, કાં આંયાં થોરના ઢૂવે મેલી દેવું સ, હાલ્ય.’

ખોડાએ ચોખ્ખી ના ભણી દીધી, ‘જીવતા જીવને ખભે લઈને મારે પાપના ભારા નથ બાંધવા. મન અમી ભૂખી મરીશું. જીવતા જીવને ઉપાડવું આપડો ધરમ નંઈ. ઉં તો કવ તમીંય આવું અધરમનું કામ નો કરો તો હારું.’

ભગાએ ઘણું સમજાવ્યો; પણ ખોડો એકનો બે ન થયો. નથી આવવું કહીને ઝૂંપડામાં ચાલ્યો ગયો.

વળી ભગાના પગ ભાગી ગયા. હવે? જેસુભાને કહ્યું છે કે કંઈક કરવું તો જોઈશે. શું કરવું? વિચારતાં વિચારતાં એ ગામના નાકે આવ્યો. ઇસ્માઇલની ખડકી પાસે ઊભા રહીને સાદ પાડ્યો. અંદરથી એની બૈરીએ જવાબ આપ્યો, ‘તો ભાડે ગ્યા સ. હવારે આવવાના…’

પગમાં એક તીર વાગે, બીજું તીર વાગે, ત્રીજું વાગે, ને જીવ ફંગોળાઈને પડે એમ ભગો રસ્તા વચ્ચે બેસી પડ્યો. શિયાળાની રાત. માણસ વહેલું જંપી જાય. ગામને છેવાડે તો માણસની ટહેલટપર પણ નહોતી. એક બાપુની બંગલી તરફ અજવાળાનું વાદળું ઊતર્યું હોય એમ લાગતું હતું. બાકી આખા ગામ ઉપર માંદું અજવાળું પાથરતો આઠમનો ચંદ્રમા પ્રકાશ કરતાં અંધારાના ઓછાયા પાથરતો હતો. એટલે બેઠે બેઠેય ભગાનો જીવ જીબાપુની બંગલીને જોઈ રહ્યો. અત્યારે મનમાં અધમૂવો દીકરો ને નજર સામે અધમૂવો પાડો એકસાથે એના શ્વાસ સાથે શ્વાસ લેતા હોય એમ અનુભવી રહ્યો.

જલદી જલદી પાડાને ઠેકાણે પાડીને ઝૂંપડે પહોંચું; એ સિવાય બીજો રસ્તો નથી એવા વિચારે એ ઊઠ્યો. આજ પહેલાંવહેલાં એને ગામના ઉબડખાબડ રસ્તા પર ચાલતાં લથડિયાં આવી જતાં લાગ્યાં.

જીબાપુની બંગલી દેખાણી ને બંગલીમાં કિસનલાઇટનું ઝમઝોકાર અજવાળું દેખાયું. ડેલીએ પહોંચ્યો તો ડેલીમાંય કિસનલાઇટ. ઉપર બંગલીમાં ઠિઠિયારા સંભળાય; ને ડેલીમાં, આંગણામાં, ઓસરી ને ઓરડામાં માણસોનો બોલાશ સંભળાય. સહુ પોતપોતાની મસ્તીમાં હોય તેમ હરતાં-ફરતાં ને વાતો કરતાં હતાં. મંગળગીતો ગાઈને બૈરાંઓ વીખરાયાં હતાં. સહુનાં ગળ્યાં મોંમાં આનંદ ઓગળતો હતો. એક ભગાનું ગળું સુકાઈ ગયું હતું. કોઈને કાંઈ કહ્યા વિના મૂંગો મૂંગો એ ફળિયામાં આવ્યો. ડેલીને અડીને ફળિયાના એક ખૂણામાં પાડો પડ્યો હતો, જેમનો તેમ. હા, જીવા જેવાએ એને આઘો કરીને ગુણિયા પર નાખ્યો હતો અને પાડા આસપાસના કચરાને સાફ કર્યો હતો. ભગો પાડા પાસે વાંકો વળ્યો ત્યારે એને એનો દીકરો યાદ આવી ગયો. બેયમાં જીવ હતોય, ને નહોતોય.

ત્યાં ડેલીમાંથી જીવો આવ્યો. કામ તો નક્કી છે એમ જાણતો હોય તેમ એ કાંઈ બોલ્યો નહિ. ભગાએ એની સામું જોઈને કહ્યું, ‘હારું રાંઢવું જોહે, માબાપ.’

તરત જીવાએ રાંઢવું લાવી આપ્યું.

‘આ ગુણિયું હેઠ મન રયું. જીવતે જીવ ઢહડીઈને ઈંને પીડા થાય, માબાપ!’

‘મન, લઈ જા તું તારે’, કહીને જીવો ડેલીમાં ચાલી ગયો.

ભગાએ ગુણિયા સમેત પાડાના પાછલા પગ કચકચાવીને બાંધ્યા. એને એની આંખે અંધારાં આવી ગયાં. અત્યારે એને પાડાની જગ્યાએ એનો દીકરો દેખાતો હતો. પાડાને બાંધતી વખતે દીકરાની નનામી બાંધતો હોય એવી અમંગળ કલ્પના ઝબકી ગઈ. પાડાને વાડીએ મૂકીને કે હેઠવાસની થોરની વાડ સુધી લઈ જઈને તરત દીકરા પાસે પહોંચી જવાની તાલાવેલીએ એનામાં બળ પૂર્યું. એણે જીવ પર આવીને પાડાને ઢહડવા માંડ્યો.

જીબાપુની ડેલી વટાવી પછી અજવાળું નહોતું. આઠમનો ચંદ્ર ઢળી ગયો હતો. ગામના નાના રસ્તા પડછાયામાં ડૂબી ગયા હતા. તોય કોઈ સામે મળે ને પોતાના આ કરતૂત વિશે કંઈ વાત થાય તો! – એ બીકે એ પાદર તરફ વળ્યો. ગામ નાનું. પાંચ ઘર મૂકો ને પાદર આવે. પાદર વટાવીને હેઠવાસ કોર નીકળી જઈશ એવા વિચારે એણે શેરી વટાવી. પણ એટલી વારમાં હાંફી ગયો. ગમે તેટલું બળ કરે તોય પાડાને ખેંચી શકતો નહોતો. હાથમાંથી રાંઢવું હેઠું મૂકીને એ પાડા પાસે બેસી પડ્યો, જાણે એના દીકરાની ખાટલી પાસે બેસી પડ્યો હોય એવો ભાવ અનુભવી રહ્યો. બાજુમાં એક કૂતરું આ જોઈને આઘું ગયું ને ભસ્યું. એને લીધે બીજાં કૂતરાં પણ ભસી ઊઠ્યા. ને પછી લાંબે રાગે રડવા લાગ્યાં.

શેરીને નાકે ધૂળિયાં ઘર. છૂટાછવાયાં ઝાડવાં. પાડા પાસે બેઠેલો ભગો. રડતાં કૂતરાંને એ બધું જોતો ઢળતો ચંદ્રમા, આ બધું જોઈને ભગો કંપી ઊઠ્યો. કૂતરાં રોવે એ તો અપશુકન. બધાએ ના પાડી’તી, અધરમનું કામ કરવાની. એને દીકરાનો દેખાવ, ને ગરુડાનો મંત્ર, ને ડોશીની સલાહ, ને ખોડાની ખીજ, ને પોતાની નિરાધારી એવાં એવાં ઊભરી પડ્યાં કે સુકાયેલી આંખોમાં પાણી તબકી ગયાં. એનાથી ડૂસકું મુકાઈ ગયું. થોડી વાર થઈ એટલે કૂતરાઓએ વધુ દેકારો મચાવ્યો, જાણે પોતાનો દીકરો મરી ગયો ને આખો હેઠવાસ એકઠો થઈને રોકકળ મચાવે છે એવું દૃશ્ય માનસપટ પર ઊડ્યું!

દીકરો યાદ આવતાં એ ઊઠ્યો. વળી જીવ પર આવીને પાડાને ઢહડવા માંડ્યો. પણ હવે એનું શરીર કામ આપતું નહોતું. હાથપગ પાણી પાણી થતા ચાલ્યા, ને આંખોમાંથીય પાણી નીકળી પડ્યાં. બીજી બાજુ, દીકરાનો શ્વાસ એનાં રૂવેં રૂંવે ફરકી રહ્યો. ઘડીભર તો થયું કે આને આમ ને આમ મૂકીને હેઠવાસ કોર દોટ મૂકું. પણ કૂતરાં ઝાઝાં ભેગાં થઈ ગયાં હતાં. તરત આને ફાડી ખાય, ને ગમે ત્યાં ઘસડી જાય. અને સવારે જેસુભાને ખબર પડે તો મને ત્યારે ને ત્યારે ગામ મુકાવે. એનો જીવ દીકરાને વળગ્યો હતો, ને એને પાડો વળગ્યો હતો. આખા દિવસનો નિર્જળા ઉપવાસ. આખા દિવસની કહેવાય નહિ ને સહેવાય નહિ એવી મૂંઝવણ, તે ભગો જીવ વગરનો થઈ પડ્યો.

અડધી રાત સુધી ચંદ્રમાનું અજવાળું હોય ત્યાં સુધીમાં આને ઠેકાણે પાડી દઉં તો સારું. નહિતર અંધારે આ કૂતરાં શું કરે તે કહેવાય નહિ! – એવા વિચારે ઊઠ્યો. યાદ આવતાં ગયાં એ દેવદેવીઓનાં નામ લેતો, પોતે કરી રહ્યો છે એ પાપ છે ને પાપ નથી એવી અવઢવ સાથે, પાડાને થોરના ઢૂવે જીવતો પહોંચાડે ને ઝૂંપડામાં દીકરાને જીવતો જુએ તો આમાં પાપ નથી જ નથી એવા વિચારે પાડાને ઝનૂનપૂર્વક ઢહડવા માંડ્યો. મનના મનસૂબા પ્રમાણે શરીર કામ કરતું નહોતું. એમાં ગામના રસ્તા કરતાં પાદરમાંથી નીકળતો રસ્તો વધુ ઉબડખાબડ હતો. ને પાડો વારેઘડીએ કોઈ ઢેખાડા સાથે ભરાઈ પડતો હતો. એમ થાય ત્યારે એ હાંફવા માંડતાં હતાં. ગમે તેટલું બળ કરે છે તોય અંતર કપાતું નથી એ જોઈને ભાંગી પડતો હતો. કૂતરાં તો ત્યાં ઊભાં ઊભાં જ રડતાં હતાં, પણ એને લાગતું હતું કે વધુ નજીક આવી રહ્યાં છે.

કૂતરાનાં રુદન સાથે એની અકળામણ વધતી ચાલી. એને પોતાના દીકરાનો જીવ જતો લાગ્યો. પાડાને ખભે ઉપાડીને દોટ મૂકું – એવા ઝનૂનથી એણે પાડાને ઢસડ્યો; ને પાડો એક પાણામાં ફસાઈ ગયો. ભગો અડબડિયું ખાઈ ગયો. ઊભો થયો ત્યારે આંખે અંધારાં ફરી વળ્યાં. જોયું તો, ચંદ્ર આથમવાની અણી પર હતો. આ દૃશ્ય જોઈને કૂતરા નજીક આવીને વધુ જોરથી ભસવા માંડ્યાં. આ દશા ભગાને ગાંડો બનાવી મૂકે એવી હતી. આથમતાં અંજવાસમાં એણે જોયું કે હેઠવાસ દેખાય છે, એનો દીકરો છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. ડોશી વારેઘડીએ ઝૂંપડામાંથી બહાર ડોકાઈ રહી છે. પાડાને પથ્થરમાંથી ખેસવવા એ પાડા પર વાંકો વળ્યો. પાડાની ડોક બાથમાં લીધી. ઉંચકવા મથ્યો. પાડો હલ્યો નહીં. એકબે વાર એમ કર્યું ને હાંફ ચડી. આંખો ફાટી રહી. મોંએ ફીણ આવી ગયાં. ચંદ્ર આથમ્યો. અંધારું. કૂતરાએ દેકારો મચાવ્યો. ભગાએ ભાન ગુમાવ્યું. કૂતરાના રુદનમાં એને હેઠવાસ તરફથી આવતી પ્રાણપોક સંભળાયાનો ભાસ થયો. જીવ પર આવીને એણે પાડાને ઊંચકવા બળ કર્યું. એની કમરમાં સબાકો થયો. આંખો ધબ્બ થઈ. એક ક્ષણ અંધારામાં તાકી રહી. બીજી ક્ષણે એ પાડા પર ધબ્બ દઈને ફસડાઈ પડ્યો. પાડો ચારે પગે ઊભો થયો લાગ્યો. પાડા પર સવાર થઈને જમરાજ એના ઝૂંપડા તરફ જતા દેખાયા. એના મોંમાંથી ફીણ નીકળી પડ્યાં. મરેલા પાડાના મોં પર બાઝેલા ફીણ સાથે ભગાના મોંમાંથી નીકળતાં ફીણ મળી ગયાં.

વહેલી પરોઢે જેસુભા વાડીએથી ઘેર જવા આ રસ્તેથી નીકળ્યો ત્યારે આછા ઉજાસમાં એણે રસ્તા વચ્ચે કંઈક પડેલું દીઠું. ઘોડી ઊભી રાખી. નીરખીને જોયું.

અને ઘોડીને એડી મારી.

જયંતિ ગોહેલ – માય ડિયર જયુ.

આ પણ વાંચો 👇 લિંક કે ફોટા પર ક્લીક કરો.

👉 ખીજડીયે ટેકરે – ચુનીલાલ મડીયા

👉 સાવજની દોસ્તી – ભાણભાઈ ગીડા

👉 શરણાઈના સૂર – ચુનીલાલ મડિયા

છકડો પાઠ
છકડો વાર્તા વાંચવા click કરો
ભૈયાદાદા - ધૂમકેતુ ની શ્રેષ્ઠ વાર્તાઓ
ભૈયાદાદા – ધૂમકેતુ ની શ્રેષ્ઠ વાર્તાઓ