Skip to content

ખાપરો કોડિયો કોણ હતા ? જાણો તેનો રસપ્રદ ઇતિહાસ

ખાપરો કોડિયો ગુફા
12500 Views

ખાપરો કોડિયો – કાઠિયાવાડના લોકોનાં હૈયે અને હોઠે રમતાં પાત્રો ખાપરો ને કોડિયો કોણ હતા ? જાણો ઇતિહાસકારો શુ કહે છે ? Khapro kodiyo kon hata ? , ખાપરો કોડિયો ગુજરાતી પિક્ચર, ખાપરા કોડિયાની ગુફા, ખાપરો ઝવેરી, ખાપરા ઝવેરીનો મહેલ, ખાપરો અને કોડિયો

આજે વાત કરવી છે. જૂનાગઢના ઉપરકોટની ઉત્તર તરફ સોનરખ નદીના કાંઠે આવેલ ખાપરા-કોડિયાની ગુફાઓની અને એની સાથે જોડાયેલા, સૌરાષ્ટ્રના લોકોનાં હૈયે ને હોઠે રમતા અને લોકમાનસમાં જીવતાં ભેદી પાત્રો ખાપરો અને કોડિયાની.

ખાપરો કોડિયોનો અર્થ

લોકબોલીમાં ‘ખાપરો’ શબ્દ ચતુર અને વિચક્ષણતાના પર્યાયરૂપ છે. ખાપરો-કોડિયો બે એકી સાથે બોલાતાં નામો છે. એકએકથી ગાંજ્યા ન જાય એવા એકબીજાથી ઠગાય નહીં એવા ઘૂર્ત- લુચ્ચા- ઠગ. તેઓ પરસ્પર દાવપેચ રમવામાં અને લોકોને ઘૂતી ખાવામાં બહુ નામાંકિત થયા હતા. તેના ઉપરથી લુચ્ચા માણસની જોડીને ગામડાના લોકો ‘ખાપરો-કોડિયો’ કહી બે જ શબ્દોમાં એમના નામાકામાની સઘળી નોંધ આપી દે છે, એમ ભગવદ્‌ગોમંડલ કહે છે.

ખાપરા કોડિયાની કથાઓ અને ઇતિહાસ

દંતકથાઓમાં આવતાં બાબરો ભૂત, વીર વૈતાલ, બૈજુ બાવરો, અલ્લાદીન જાદૂઇ ચિરાગ જેવી કૂતુહલપ્રેરક વાતો લોકહૈયાંમાં આદર- માન મેળવે છે. આ પાત્રો વિશે, એમના શક્તિ અને સામર્થ્ય અંગે જે વાતો પ્રચલિત છે તેનાથી એ બધા દૈવી કે એવા વિશિષ્ટ શક્તિવાળા હોય એમ જ લાગે. પરિણામ સ્વરૂપ એમના વિશે તથ્યપૂર્ણ વિગત જાણી શકવી લગભગ અશક્ય લાગે એમ ડૉ. હસમુખ વ્યાસ નોંધે છે. શ્રી કેશવલાલ સાલાકર, ડૉ. મંજુલાલ મજમુદાર વગેરેએ ખાપરા-કોડિયા પર પ્રકાશ પાડ્યો છે તે અનુસાર એમના અંગેની પ્રચલિત વાતો આ મુજબ તારવી શકાય છે.

ખાપરાનું ગામ ખાલપરા. ખાલપરાનો ચોર એ ખાલપરો ને પછી ખાપરા તરીકે જાણીતો થયો. કોડીનાર વાળો એટલે- કોડવાલવાળો કોડિનારિયો એના ઉપરથી ‘કોડિયો’ કહેવાયો એમ મનાય છે. એ બંને જૂનાગઢના છેલ્લા રાજા રા’મંડલિક અને નરસિંહ મહેતાના સમકાલીન હતા. પાવાગઢના જયસિંહદેવ પેથાઇ (પતાઇ)ના પણ ભેરુબંધ હતા, એમ ચારણો કહે છે. અમદાવાદના ગુજરાતી સુલતાનનું આક્રમણ જૂનાગઢ ઉપર કરાવવામાં રા’મંડલિકની નીતિભ્રષ્ટતાએ ખાપરા-કોડિયાને પ્રેર્યા હતા એમ સાયલાકરે એમના પરાક્રમમાં નોંઘ્યું છે

પણ ડૉ. મંજુલાલ મજમુદાર લખે છે કે આ ઐતિહાસિક તથ્યોને તપાસવાનું આપણી પાસે કોઇ સાધન નથી. તેઓ લખે છે કે ખાપરો-કોડિયો બંને બુદ્ધિશાળી હતા, સાહસિક હતા. પરોપકારની ભાવનાવાળા હતા. પરિણામે સૌરાષ્ટ્રના રત્નો ગણાય છે. તેમના સંબંધે મળતી અનેક દંતકથાઓને આધારે તેમને બહારવટિયા, અદ્‌ભૂત ઉઠાવગીર, ભેદ-ભરમ જાણનાર લૂંટારા અને ભક્તજન પણ લોકોને જણાયા છે. આ જોડી શ્રીમંતોને લૂંટીને ગરીબોને ધન આપી દેતી હતી. તેઓ ગમે તેવા હતા, છતાં એકંદરે સામાન્ય જનતાને તેમના હાથે નુકસાન કરતાં લાભ વધારે થયો છે. તેમની લૂંટ કે ચોરી પાછળ પરોપકારી હેતુ હતો. તેથી તેમનાં પરાક્રમો તિરસ્કારને પાત્ર નહીં પણ સન્માનપ્રેરક ગણાયાં છે.

બાબરો ભૂત એ કાળે દેવરૂપ મનાતો. તેના વરદાનથી આ બંને ચતુર ચોરોને વેશ બદલવાની અદ્‌ભુત કળા સિદ્ધ થઇ હતી. પરિણામે તેઓ કદી પકડાયા નહોતા. એવું મનાય છે કે- ‘તું ચીંતવીશ એવો તારો વેશ થશે, અને તને કોઇ નહીં ઓળખે : પરંતુ એટલું ઘ્યાન રાખજે કે કોઇ બોન દીકરીઉં અને બામણ- સરવણને સતાવીશ મા. એના રખોપાં કરજે.’ એવું તેને બાબરા ભૂતનું વરદાન હતું.

આમ ખાપરો- કોડિયો બંને ચોર- શિરોમણી હતા. તેઓ અઠંગ દ્યૂત રમનારા પણ હતા. તેમણે લૂંટેલા દ્રવ્ય ભંડારો સાચવવા ભોયરાં રાખ્યા હતાં. એવા બે ભોંયરા એક ઉપરકોટ (જૂનાગઢ)ની ઉત્તરે ગિરનારની તળેટીમાં ખાપરા- કોડિયાની ગુફાઓ તરીકે જાણીતું છે. બીજું, પાવાગઢ ઉપર પતાઇના મહેલની બાજુમાં ‘ખાપરા ઝવેરીનો મહેલ’ ખંડેરરૂપે આ જે બતાવાય છે. આજ રીતે કચ્છમાં લખપત તાલુકાના જૂના પાટગઢ પાસે ખાપરા-કોડિયાના નામ સાથે સંકળાયેલી બે ગુફાઓ છે એના તરફ શ્રી કે. કા. શાસ્ત્રીજીએ ઘ્યાન દોર્યું છે એમ શંભુપ્રસાદ દેસાઈ નોંધે છે.

ખાપરા-કોડિયાના મિલન અને મૈત્રી માટે એક આખ્યાયિકા જાણીતી છે. ચોમાસાની ૠતુ હતી. સાંજની વેળા હતી. ધરતી પર ગાઢ અંધકાર છવાયો હતો. મધરો મધરો મેહૂલો વરસતો હતો. કાળા ડિબાંગ અંધારામાં કંઇ સૂઝે એવું નહોતું. ખાપરો ધીમા ધીમા ડગ દેતો હાલ્યો જાતો હતો. ત્યાં સામેથી પડકારો સંભળાયો : ‘અલ્યા, ઊભો રહેજે’ એમ કહીને એની સામે તલવાર ઉગામી. બીજાએ અંધારામાં ય જાણી લીઘું કે તેણે તલવાર ખેંચી છે, કારણ કે એક ક્ષણ માટે વરસાદ અટકી ગયો હતો. તે અણસારાથી બીજાએ કહ્યું : ‘તલવાર મ્યાન કરી દે.’ પરસ્પરનું ચાતુર્ય બંને ઓળખી ગયા અને જીવનભરના જોડીદાર મિત્રો બની રહ્યા. આજની ઘડી ને કાલ્યનો દિ. બંને પાત્રો લોકજીવનમાં અમર બની ગયાં.

ખાપરા કોડિયાની ગુફા
ખાપરા કોડિયાની ગુફા



ખાપરો અને કોડિયો જોડીદાર હોવા છતાં જુદા જુદા પાત્રો હતા. ગુજરાતની કિંવદંતી બંનેની જોડી સૂચવે છે. રાજસ્થાનમાં પણ આ કથા જાણીતી હોવાનું ડૉ. હસમુખ વ્યાસ નોંધે છે. ‘મુંહતા- નૈણસીરી ખ્યાત ભાગ ૧’માં પાન ૨૭૨ થી ૨૭૮ ઉપર મળતી કથા અનુસાર ‘ખાપરો’ એ ઘૂર્તનું નામ છે જ્યારે ‘કોડિયો’ એના માનીતા ઘોડાનું નામ છે. આ કથા અનુસાર સિઘ્ધરાજ જયસિંહને એક રાત્રે આવેલા સ્વપ્નમાં પૃથ્વીદેવીએ સ્ત્રીરૂપે આવીને પોતાને એક સુંદર અલંકાર આપવા કહ્યું. સ્વપ્નમાંથી જાગેલા રાજવીએ પંડિતોને આનો અર્થ પૂછ્‌યો. ત્યારે ઉત્તર મળ્યો કે ‘પૃથ્વીનું ઘરેણું પ્રાસાદ ગણાય. એટલે રાજાએ અદ્‌ભૂત મંદિર બંધાવવાનો સંકલ્પ કર્યો અને શિલ્પીઓ પાસે એની રૂપરેખા તૈયાર કરાવી, પણ એને સંતોષ થયો નહીં.

એ સમયે ખાફરો અને કાબો નામના બે પ્રસિઘ્ધ ચોરો જુગાર રમવા બેઠા. ખાફરાએ પાટણના રાજા સિદ્ધરાજનો ‘કોડીધજ’ નામનો અશ્વ હોડમાં મૂક્યો. એમાં એ હારી ગયો એટલે આવતી દિવાળી સુધીમાં આ ઘોડો લાવી આપવાનું વચન આપી મજૂરવેશ ધારણ કરી પાટણમાં આવી રાજાની ઘોડારમાં એણે કામ મેળવ્યું. ખંત અને નિષ્ઠાભરી અશ્વોની ચાકરીથી સિઘ્ધરાજ ખુશ થયો. એને કોડીધજનો અશ્વપાલ નિમ્યો. એવામાં દિવાળી નજીક આવી. એક રાત્રે ખાફરો કોડીધજ અશ્વ લઇને ગઢ કૂદાવીને નાસી છૂટ્યો અને આબુ તરફ આવ્યો ત્યારે એક પ્રહર રાત બાકી હતી.

એ થાક ખાવા થોભ્યો ત્યાં એક ઘટના બની. મોટો ધડાકો થયો. ધરતી ફાટી અને એમાંથી સોનાનો એક અદ્‌ભૂત પ્રાસાદ બહાર આવ્યો. તેમાં ઘણાં દેવદેવીઓ હતાં. ખાફરો ચૂપચાપ જઇને આ પ્રાસાદ-મંદિરના એક ગોંખમાં બેસી ગયો. મંગળ પ્રભાત થવા આવતાં દેવદેવીઓ વિદાય થવા માંડયા. ખાફરો ત્યાં બેસી રહ્યો. મંદિર ખસ્યું નહીં. એટલે શંકા પડવાથી તપાસ કરી. ખાપરા નામનો માનવ મહીંથી મળી આવ્યો. એ કોણ છે અને શા માટે બેઠો છે એમ પૂછતાં એણે માંડીને વાત કરી ને ‘પ્રાસાદ ફરી અહીં ક્યારે પ્રગટશે’ એમ પૂછતાં ‘દિવાળીએ અને બીજા દિવસે’ ઉત્તર મળતાં ખાફરો બહાર નીકળ્યો. મંદિર ધરતીમાં સમાઇ ગયું.

સિઘ્ધરાજ શિલ્પીઓ સાથે વારંવાર દિવ્ય મંદિરમાં વાત કરતો એની ખાફરાને ખબર હોવાથી એને મનમાં થયું કે મેં રાજાનું લૂણ ખાઘું છે. લાવ, સિઘ્ધરાજને જઇ દિવ્ય મંદિરની જાણ કરું. એમ વિચારીને એણે રાજા પાસે આવી સઘળી વાત કરી. રાજાને આશ્ચર્ય થયું. ખાફરાની વાતની ખાત્રી કરવા સૌ બનાવના સ્થળે આવ્યા.

દિવાળીની વહેલી સવારે મંદિર ધરતીમાંથી બહાર આવ્યું. ખાફરો દેવદેવીઓની ભેળો જઇ ગોંખમાં બેસી ગયો. સમય પૂરો થતાં મંદિરની વિલીન થવાની પ્રક્રિયા આરંભાઇ. થોડીવારમાં એ અટકી જતાં ખુદ ઈન્દ્ર તપાસ કરવા માટે આવ્યા, ત્યારે રાજાએ જણાવ્યું કે ‘હું મંદિર બનાવવા ઈચ્છું છું. મને એનો બાંધનાર બતાવો. પછી જ અહીંથી ઊઠીશું.’ ત્યારે દેવ-દેવીઓએ રાજાને ૭ ગોળીઓ આપીને કહ્યું : ‘જે કોઇ વ્યક્તિ આ ગોળીઓ ઉપરા-ઉપરી ચડાવી આપશે તે આના જેવું મંદિર બનાવી શકશે. એ પછી સૌ પાટણ આવ્યાં. રાજાએ ખુશ થઇને એનો માનીતો અશ્વ ‘કોડીધજ’ ખાફરાને ઈનામમાં આવ્યો. આ ખાપરા કોડિયાની કથા સિઘ્ધરાજ સાથે જોડી દેવામાં આવી હોય તો પણ ખાપરા નામની વ્યક્તિ પ્રાચીન હોવાનું જણાય છે.

જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લાની ઉત્તરે આવેલ, ખાપરા-કોડિયાના નામે લોકમાનસમાં જીવંત રહેલ ચોર બેલડીના નામે ઓળખાતાં ભોંયરાં ખરેખર તો બુઘ્ધગુફાઓ છે. ડૉ. પ્રદ્યુમ્ન ખાચરના જણાવ્યા અનુસાર બૌઘ્ધ સાઘુઓએ વિહાર દરમિયાન આશરે ૧લી- ૨જી સદીમાં આ ગુફાઓ બનાવી હોવાનું અનુમાન છે. ‘ખેંગાર મહેલ’ના નામથી આ ગુફાઓ ઓળખાતી હતી. ખાપરા અને કોડિયા નામના બે ચોર લૂંટારાઓએ અહીં આશ્રય મેળવ્યો ત્યારથી આ ગુફાનું નામ બંને પરથી પડી ગયું છે.

‘ટ્રાવેલ્સ ઈસ્ટર્ન ઈંડિયા’ ગ્રંથ અનુસાર સને ૧૮૨૨માં અહીં આવેલા કર્નલ રોડ આ ગુફાઓને સૌ પ્રથમવાર પ્રકાશમાં લાવ્યા. એનું વિગતવાર વર્ણન બર્જેસે કર્યું છે. એની મુલાકાત સમયે ભોંયરાની લંબાઇ આશરે ૨૦૦ ફૂટ અને પહોળાઇ ૮૦ ફૂટ જેટલી જણાવાઇ છે. ગુફાના પૂર્વ તરફના અને પશ્ચિમ બાજુના છેડે બે-બે એમ ચાર સીડીઓ જોવા મળે છે. આ ગુફા એક મજલાવાળી હોવાનું અનુમાન કરવામાં આવેલ છે.

જોકે આજે સીડીઓ સિવાય કંઇ જ અસ્તિત્વ ધરાવતું નથી. આ શૈલ ગુફાઓ તદ્દન સાદી છે એમ રસેશ જમીનદાર નોંધે છે.
શ્રી વિજયલાલ ઘ્રુવ લખે છે કે ખાપરા- કોડિયાના નામે ઓળખાતી આ ગુફાઓ બૌઘ્ધ ગુફાઓ હોવાનું અનુમાન કરવામાં આવે છે તેમાં તથ્ય હોવાનું લાગે છે. ઈસુના પ્રારંભની ત્રણેક સદી દરમ્યાનની આ ગુફાઓ હોવી જોઇએ. પુરાતત્ત્વીય દ્રષ્ટિએ આ ગુફાઓ ઐતિહાસિક છે. એની વાતડિયું આવી છે ભાઇ.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

👉 કોઇ મિત્રો પાસે ખાપરા-કોડીયાને લગતી વિશેષ નોંધ, ઇતિહાસ કે કથાઓ હોય તો આપનુ સ્વાગત છે. આ લેખની કોપી કરીને અન્યત્ર ઉપયોગ ન કરવો આપ અહીથી share કરી શકો છો

આ પણ વાંચો 👉 ગેલ ગાત્રાડ મા અને બાબરો ભુત

ચામુંડા માતાજી ચોટીલા નો ઇતિહાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *