Skip to content

વરસાદની આગાહી કરતા ભડલી વાક્ય એટલે શું? ભડલી કોણ હતા ? ભડલીશાસ્ત્ર’ વિશે જાણવા જેવુ

ભડલી વાક્ય એટલે શું? ભડલી કોણ હતા ? ભડલીશાસ્ત્ર’ વિશે જાણવા જેવુ
3932 Views

વરસાદની આગાહી કરતા શાસ્ત્રને ‘ભડલી શાસ્ત્ર’ કહેવામાં આવે છે. પરંતુ, ભડલી એક વ્યક્તિ છે જેના દ્વારા સૌ પ્રથમ ‘ભડલીવાક્ય’ કહેવામાં આવ્યા છે. આવા મહાન પંડિત ભડલી (ભડ્ડરી) કોણ હતા ?, ભડલી વાક્યો સમજુતી, સ્ત્રીજ્યોતિષી : ભડલી – ખેતી અને વરસાદ સબંધી વાતો, Bhadli vakyo, bhadali kon hata ?, bhadalishastr, Bhadli vakya pdf,

ભડલી વાક્ય એટલે શું?
ભડલી કોણ હતા ?
ભડલીશાસ્ત્ર’ વિશે જાણવા જેવુ..

વાયુચક્રશાસ્ત્રના આવા મહાન પંડિત ભડલી (ભડ્ડરી) કોણ હતા તે વિષે ચોક્કસ-વિશ્વસ્ત માહિતી મળતી નથી. તે ક્યારે અને ક્યા પ્રદેશમાં થઈ ગયા તે વિષે પણ ચોક્કસ પ્રમાણ મળતાં નથી. છતાં આજ સુધીમાં ભડલી વિષે જે હકીકત-દંતકથાઓ વગેરે ઉપલબ્ધ થયેલ છે, તેનો અહીં સંક્ષેપમાં ઉલ્લેખ કર્યો છે.

વરસાદની આગાહી કરતા શાસ્ત્રને ‘ભડલી શાસ્ત્ર’ કહેવામાં આવે છે. પરંતુ, ભડલી એક વ્યક્તિ છે જેના દ્વારા સૌ પ્રથમ ‘ભડલીવાક્ય’ કહેવામાં આવ્યા છે.

ભારતીય લોકસાહિત્યમાં અને ગુજરાતની ગ્રામપ્રજાનાં હૈયે ને હોઠે ભડલી વાક્યો બહુ જાણીતા છે. ભડલી ખેડૂત પ્રજાનો માનીતો અને વિશ્વાસપાત્ર જ્યોતિષી છે. તેણે આપેલી વરસાદ અંગેની આગાહી ખેડૂતોનું પુરાણ બની ગઈ છે. તેની સાખીઓ, ચોખાઈ અને કહેવતો લોકજીભે ચડીને અમર બની ગઈ છે. લોકજ્યોતિષી તરીકે ભડલીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પણ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને પંજાબ પર્યંત તેનું નામ આજેય ગુંજે છે એમ ‘ભડલી વાક્યો’ સંશોધક શ્રી જેઠાલાલ ત્રિવેદી નોંધે છે.

ભારત કૃષિસંસ્કૃતિ ધરાવતો દેશ છે. ખેડૂતો અને ખેતીને વર્ષા સાથે પરાપૂર્વનો સંબંધ છે. વાદળ, વીજળી, વાયુ, હોળીનો પવન, મેઘગર્જના, મેઘધનુષ, વરસાદના ગર્ભના લક્ષણ, વૃષ્ટિના લક્ષણ, અનાવૃષ્ટિના લક્ષણ, મંગળ અને ગુરુની ચાલ, સંવત ઉપરથી સુકાળ-દુકાળ, સંક્રાંતિવિચાર, ગ્રહણ-વિચાર વગેરે પ્રાકૃતિક ચિહ્નો જોઈને ચાર છ માસ અગાઉથી વરસાદ ક્યારે અને કેવો વરસે તેની આગાહી ભડલીવાક્યોમાં જોવા મળે છે.

આ આગાહી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી હોઈ તેઓ તેમાં અપાર આસ્થા ધરાવે છે. આ વાક્યોના વરતારાને આધારે ખેડૂતો વર્ષમાં કયું ધનધાન્ય વાવવું તે અગાઉથી નક્કી કરે છે.

આપણે ત્યાં પોપાબાઈ, બાબરો ભૂત, ખાપરો કોડિયો, જેવાં લોકજીભે રમતાં ઐતિહાસિક, અર્ધઐતિહાસિક અને કિંવદંતીરૂપે પાત્રોનો ઊંડો અભ્યાસ કે સંશોધન થયું નથી એવું ભડલીનું પણ છે. વાયુચક્રના વિશારદ મનાતા અભણ મહાપંડિત ભડલી (ભડ્ડરી) કોણ હતા, ક્યારે અને કયા પ્રદેશમાં થઈ ગયા તેની પ્રમાણભૂત માહિતી આજેય પ્રાપ્ત થતી નથી. એના અંગેની જુદા જુદા પ્રદેશોમાં કહેવાતી દંત કથાઓ પ્રાપ્ત થાય છે.

😱 બાબરો ભૂત – ઈતિહાસની જાણી અજાણી વાતો

ખાપરો કોડિયો કોણ હતા ? રસપ્રદ વાતો

ભગવદ્‌ ગોમંડલમાં ભડલી અંગેની હકીકત

ભડલીએ હુદડ નામના સુપ્રસિદ્ધ ભવિષ્યવેત્તાની પુત્રી હતી. ૠતુ, વરસાદ વગેરે અંગે ભાખેલી તેની આગાહી આજેય લોકકંઠે પ્રચલિત છે. હુદડ જોષી સિદ્ધરાજ જયસંહિતાના સમયમાં અર્થાત્‌ સંવત ૧૨૦૦માં મારવાડ શહેરમાં રહેતો હતો. તેને પુત્ર ન હતો. સંતાનમાં માત્ર એક પુત્રી હતી. તેનું નામ ભડલી હતું. તેના ઉપર તેને ઘણી પ્રીતિ હતી.

જોષીએ પોતાની વિદ્યા તેને ભણાવી હતી. આ ભડલીએ જ્યોતિષ સંબંધી વર્ષના વર્તારાની સાખીઓ દેશી ભાષામાં રચેલી છે. જે ભડલીવાક્યના નામે સુપ્રસિદ્ધ છે. સાખીઓ ઉપરાંત વર્ષાવિજ્ઞાન અંગેના દૂહા, ચોપાઈ, શુકન અપશુકન, દિશાશૂલ વગેરે વિષયો ઉપર કહેવતો પણ આપી છે. કેટલીક સામાજિક અને નીતિવિષક કહેવતો ભડલીનાં નામે પણ ચકી ગઈ છે.

નક્ષત્રો વિશેનું ભડલીનું જ્ઞાન અગાધ હતું. તેના કહેલાં વાક્યો સદીઓ જૂનાં અનુભવ વાક્યો છે. આવાં વાક્યો ભડલીના પિતા હુદડ જોષી પાસેથી મળ્યાં છે. તેનું બીજું નામ વાઘ પંડિત હતું. તે મહાન જ્યોતિષી હતા, પણ ધંધો ઘેટા-બકરાં ચરાવવાનો હતો. ઘેટા-બકરાં ચારતાં તે દિનરાત ખેતર, પહાડ અને જંગલ ઝાડિયોમાં પડ્યો રહેતા અને વાયુ, વાદળ, વીજળી, વરસાદ અને આકાશી નક્ષત્રો સાથે અહર્નિશ મૈત્રી સાઘ્યા કરતા.

વર્ષોના એના નિરીક્ષણ ઉપરથી તેણે સૃષ્ટિના જે નિયમો જોયાં તે તેણે ભડલી પાસે મૂક્યા અને ભડલીએ તે સાદી લોકભાષામાં રજૂ કર્યાં. તેના ઉપરથી લોકો ચાલુ અને આવનારા વર્ષના વરસાદના વરતારા કાઢી શકે છે.

ભડલી કોણ હતા ?

ભારતના લોકસાહિત્યમાં ભડલીનાં વાક્ય બહુ જાણીતાં છે. લોકકવિ તથા જનતાના જ્યોતિષી તરીકે માત્ર ગુજરાતમાં જ નહિ, પણ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબ પર્યંત તેનું નામ જાણીતું છે. ભારત ખેતીપ્રધાન દેશ છે અને ખેડૂત જનતાને વરસાદ સાથે પરાપૂર્વનો સંબંધ છે. ભડલી આ ખેડૂત જનતાનો માનીતો જોષી છે. તેની વરસાદની આગાહીઓ ખેડૂતોનું પુરાણ બની ગઈ છે.

તેથી કહેવતો ખેડૂતોને કંઠે ચઢી અમર બની છે. વાદળ, વીજળી, વાયુ, તાપ, મેઘગર્જના કે મેઘધનુષ વગેરે ચિન્હો જોઈને ચાર-છ માસ અગાઉથી વરસાદ ક્યારે અને કેવો પડશે તેની આગાહી ભડલીવાક્યોમાં જોવા મળે છે. એ આગાહીમાં ખેડૂતો ખૂબ શ્રદ્ધા ધરાવે છે. ભડલીવાક્યોને આધારે વર્ષમાં ક્યો પાક થશે કે નહિ થાય તેની વિચારણા ખેડૂતો અગાઉથી કરે છે.

ભડલી અંગે લોકકથા અને ઈતિહાસ

ગુજરાતમાં મારવાડના જોશી ઉધડ(હુદડ)નું નામ ખૂબ લોકજીભે ચઢેલું છે. આ ઉધડ જોશીએ ગુર્જરેશ્વર સિદ્ધરાજનેસિદ્ધપુર (શ્રીસ્થળ)માં તેણે બંધાવેલા રુદ્રમહાલય (રુદ્રમાળ)નું ખાતમુહૂર્ત કાઢી આપ્યું હતું તેવી દંતકથા પ્રચલિત છે. શેષનાગના માથા ઉપર ખીંટી વાગે તેવું મુહૂર્ત ઉધડ જોશીએ રાજાને આપેલું હતું. પણ બીજા ઈર્ષાળુ બ્રાહ્મણોની શીખવણીથી રાજાએ ખાતમુહૂર્તની ખીંટી શેષનાગના માથે વાગી છે કે નહિ તેની ખાતરી કરી આપવા ઉધડ જોશીને આગ્રહ કર્યો. રાજાનો અતિ આગ્રહ જોઈ ઉધડ જોશીએ ખાતમુહૂર્તની ધરતીમાં ખોડેલી ખીંટી ખેંચવાનું રાજાને કહ્યું. ખીંટી ખેંચતા જ ધરતીમાંથી લોહીની ધારા ફૂટી.

આ ચમત્કાર જોઈ રાજા તથા બીજા બ્રાહ્મણો ચકિત થઈ ગયા. નારાજ થયેલા ઉધડે રાજાને ખીંટી ફરી ધરતીમાં દાબી દેવાનું કહ્યું. રાજાએ તે પ્રમાણે ખીંટી પુન: દબાવી દીધી પણ શેષનાગ આગળ સરકી જવાથી તે ખીંટી શેષનાગના માથાને બદલે પૂંછડી પર બેઠી. આ રીતે રાજાની હઠથી જોશીએ આપેલું શ્રેષ્ઠ મુહૂર્ત હાથથી ગયું અને તેથી રુદ્રમાળનો વિધર્મીઓને હાથે નાશ થયો.

આ ઉધડ (હુદડ) જોશીની એકની એક પુત્રીનું નામ ભડલી હતું એવી લોકમાન્યતા છે. ભડલી અને ઉધડ બેઉ ઘેટાં-બકરાં ચરાવતાં અને વનમાં રખડતાં. તે બેઉને આકાશના રંગ, વાદળ, વાયુ, મેઘધનુષ, વૃષ્ટિ, વીજળી વગેરે પ્રકૃતિની લીલાના ફેરફારોનું અવલોકન-અભ્યાસ કરવામાં ખૂબ રસ પડતો. એ અભ્યાસને પરિણામે પિતા-પુત્રીવર્ષાની આગાહીઓના દોહરા-ચોપાઈ રચી લલકારવા લાગ્યાં અને તે જનતામાં પ્રચાર પામ્યાં.

ભડલીની મા કોઈ રાજાના રાણીવાસમાં નોકરી કરતી હતી. ત્યાં પાંચેક વર્ષનો થયો. તે બહુ બુદ્ધિશાળી અને ચકોર હતો. તે રાજાની રાણીને પુત્રનો જન્મ થતાં વિદ્વાન જ્યોતિષીઓને બોલાવી રાજાએ જન્માક્ષર મંડાવ્યા. ગ્રહબળ જોઈ જોશીઓને કહ્યું : ‘બાળક દુરાચારી થશે અને તેને લીધે તેનાં માતાપિતા ઉપર બહુ આફત આવશે.’

બહુ વિચારણા પછી રાજાએ બાળકનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. તે બાળકને નગર બહાર ફેંકી દેવડાવ્યો અને ત્યાં તે આપોઆપ મરી જશે એમ સૌએ માન્યું. પછી દાસીઓ સુવાવડવાળા ઓરડાની સફાઈ કરવા લાગી. તે વખતે ભીંત ઉપર કાંઈક લખેલું જણાયું. એક ભણેલી દાસીએ વાચ્યું. તેમાં આ પ્રમાણે લખ્યું હતું : ‘આ બાળક બહુ ભાગ્યશાળી થશે. સંસારમાં કોઈ જ તેનો વાળ વાંકો કરી શકશે નહિ.’

આ વાત રાજા સુધી પહોંચી. રાજાએ જાતે આવી ભીંત ઉપરનું આ લખાણ વાંચ્યું. તેને બહુ નવાઈ લાગી. બહુ તપાસ કરતાં ખબર પડી કે, બાળક ભડલીએ આ લખ્યુ હતું. રાજાએ તેને બોલાવી પૂછતાં તેણે તે લખ્યાનું કબૂલ કર્યું.

રાજાએ કહ્યું : ‘બાળક, તું નાદાન છે. તારી લખેલ વાત ખોટી છે. એ બાળક તો મરી ગયો.’

ભડલીએ કહ્યું : ‘ખોટી વાત છે. એ બાળકને બ્રહ્મા પણ મારી શકે તેમ નથી.’

રાજાએ કહ્યું : ‘એ બાળક મરી ગયો હોય તો તને મારે શી સજા કરવી ?’

ભડલીએ હિંમતથી કહ્યું : ‘આપને જે કઠોરમાં કઠોર સજા કરવી હોય તે કરજો.’

પછી બાળકની તપાસ કરવામાં આવી. રાજાના સેવકોએ જઈ જોયું તો બાળકને જે ખાડામાં ફેંક્યો હતો ત્યાં જ હાથપગ હલાવી રમતો હતો. એક નાગ તેની ચોતરફ કૂંડાળું વાળી ચોકી કરતો હતો. નાગ પોતાની ફણાથી તેને છાયા પણ કરી રહ્યો હતો. આ વાત જાણી રાજા જાતે ત્યાં દોડતો આવ્યો અને રાજાની પ્રાર્થનાથી પેલો નાગ ત્યાંથી જતો રહ્યો. રાજા તથા સેવકો બાળકને લઈને મહેલમાં આવ્યા.

તે દિવસથી બાળ ભડલીનું રાજા ખૂબ સન્માન કરવા લાગ્યો. રાજા જ્યોતિષીઓને ખોટું ભવિષ્યકથન કરવા માટે શિક્ષા કરવા તૈયાર થયો ત્યારે ભડલીએ કહ્યું : ‘જ્યોતિષીઓનો કાંઈ વાંક નથી. બાળકના જન્મનો જે સમય તેમને બતાવવામાં આવ્યો હતો તે ખોટો હતો, તેથી જ ખોટું ભવિષ્ય કહેવાયું હતું.’ આ રીતે ભડલીએ જ્યોતિષીઓને બચાવી લીધા.

આ પ્રકારની જુદી જુદી દંતકથાઓ ઇતિહાસમાં મળે છે.

કેટલાક ભડલી વાક્યો સમજ સાથે
કેટલાક ભડલી વાક્યો સમજ સાથે

કેટલાક ભડલી વાક્યો સમજ સાથે

પાણી પીવાના કળશ્યામાં પાણી ગરમ થઈ જાય, આંગણાની ચકલીઓ પાંખો ફફડાવીને ઘૂળમાં ન્હાવા માંડે, કીડીઓ ઈંડા લઈને દોડતી જણાય એ ભારે વરસાદ આવવાનાં ચિહ્નો છે એમ ભડલી ભણે (કહે) છે.

પવન થાક્યો તેતર લવે, ગુડ રસીદે નેહ,
ભડલી તો એમ જ ભણે, એ દિન વરસે મેહ.

વહેતો પવન પડી જાય, તેતર પક્ષીઓ ટોળે મળી કળાહોળ કરી મૂકે. ઘરમાં મૂકેલા માટલાના ગોળમાં ચીકણી રસી થાય એ વરસાદ આવવાની એંધાણી ગણાય.

બોલે મોર મહાતૂરો, હોયે ખાટી છાશ,
પડે મેઘ મહી ઉપરે, રાખો રૂડા આશ.

ઝાડ માથે બેસેલા મોરલા આકાશી વાદળાં ભાળીને ડોકના ત્રણ ત્રણ કટકા કરીને મે…આવ મે…આવ મે…આવ કરતાં બોલવા માંડે. દોણાંમાં પડેલી મોળી છાશ ખાટી તૂર થઈ જાય એ એવી આશા આપે છે કે હવે મેધરાજાના મંડાણ થઈ રહ્યા છે.
સ્વ. શ્રી દુલેરાય હાકાણીએ કચ્છી બોલીનું એક ભડલી વાક્ય આ મુજબ નોંઘ્યું છે.

કારી ક્કરમેં આથમે, રતી પ્રો વિહાય,
ભડલી એ સંસારમેં પાની ન સમાય.

અર્થ –

કાળાડિબાંગ વાદળાની વચ્ચે સૂરજ મહારાજ આથમી જાય અને વહેલી સવારના રતુંબળા આભમાંથી સૂરજ કોર કાઢે તો પૂર આવે કે પ્રલય થાય એટલો ભારે વરસાદ વરસે.

રવિ આથમતે ભડ્ડલી જો જલબુંદ પડંત,
દિવસ ચોથે પંચમે, ઘન ગાજી બરસંત.

દિવસ આથમવાની વેળાએ જો છાંટા શરૂ થાય તો ચોથે કે પાંચમે દિવસે વરસાદ થાય.

।। અનાવૃષ્ટિનાં લક્ષણો ।।

ભડલી, ઉપરના લક્ષણો વૃષ્ટિ-વરસાદ થવાના જણાવે છે એમ એણે અનાવૃષ્ટિની પણ વરતારા આપ્યા છે. જેમકે –

સાવન વહે પૂરબિયા, ભાદર પશ્ચિમ જોર,
હળ-બળદ વેચીને કંથ ચલો કઈ મેર.

જો શ્રાવણ મહિનામાં પૂર્વનો વાયુ અને ભાદરવામાં પશ્ચિમનો વાયુ જોરથી વાય છે. હે કંથ! હળ-બળદ વેચીને પેટિયું રળવા દૂર દેશાવર જતાં રહીએ. અહીં આ વરસે કાળઝાળ દુકાળ પડશે.

ઊગે સૂર્ય પશ્ચિમ દિશા, ધનુષ ઊગતો જાણ,
તો દિન ચોથે પાંચમે રુંડમુંડ મહિ માન.

સૂર્ય ઊગતાં જ પશ્ચિમ દિશામાં મેઘધનુષ રચાય તો થોડા સમયમાં ધરતી રુંડમૂંડથી ભરાઈ જાય. ભયંકર દુષ્કાળ અને ભૂખમરાની આગાહી આ સાખી આપે છે.

પ્રાતઃ સમે ઠર ડબરા, રાત્રી ઊજળી હોય,
સૂર્ય તપે બે પહોરમાં, દુકાળ તો તું જોય.

સવારના પહોરમાં વાદળ ઘેરાય. રાતવરતના તારા કાઢે અને બપોર પછી સૂર્ય તપે એને દુકાળની નિશાની ગણવી.
ભડલી વાક્યોની સાખીઓ ઉપરાંત વર્ષાના વરતારા આપતી કહેવતો પણ લોકસાહિત્યમાં અને લોકકંઠેથી સાંપડે છે ઉ.ત.

દિવસે કરે વાદળાં, રાતે કાઢે તારા,
ખરા બપોરે છાંટા ને અગનોતરાના ચાળા.

સંવત ૧૮૬૯માં દુકાળ ટાણે આવા લક્ષણ જોવા મળેલા તેના પરથી આ કહેવત આવી હોવાનું મનાય છે. નક્ષત્રો સાથે વરસાદ જોડાયેલો છે તેવું અનુભવીઓ કહે છે.
આ રહી એનું પ્રમાણ આપતી કહેવતો –

જો વરસે આદ્રા (નક્ષત્ર) તો બારે માસ પાધરા.
જો વરસે ઉત્તરા તો ધાન ખાય કૂતરાં.
જો વરસે મધા તો થાય ધનનના ઢગા.
જો વરસે પૂર્વા તો લોક બેસે ઝૂરવા.
જો વરસે હસ્ત તો પાકે અઢારે વસ્ત.
હાથિયો વરસે હાર, તો આખું વરસ પાર.
જો વરસે હાથિયો તો મોતીએ પુરાય સાથિયો.

હાથિયો એટલે હસ્ત નક્ષત્ર, ગુજરાત સૌરાષ્ટ્રમાં હાથિયાની વૃષ્ટિ ખૂબ જ મહત્વની મનાય છે.

દિવસે ગરમી રાતે ઓસ,
કહે ધાધ વર્ષા સો કોસ.

ભડલી વાક્ય/કારતક માસ

ભડલી વાક્ય
ભડલી વાક્ય

દોહરો
કાર્તિક સુદિ પડવા દિને, જો હોયે બુધવાર;
વર્ષ હોય તે કરવરૂં, ન કરિશ વળી વિચાર, (૩)

દીવા વીતી પંચમાં, આવે જો રવિવાર;
ધન કણ રાખી સંગ્રહી, હું તુજ પુરું નાર, (૪)

માળવડે મરકી થશે, દક્ષિણમાં ઉતપાત;
પૂર્વે વિગ્રહ જાગશે, ખળભળશે ગુજરાત. (૫)

અખાના છપાની ચાલ

કાર્તિક સુદિ બારશને દેખ, માર્ગશિર્ષ સુદિ દશમ પેખ;
પોષ સુદી પાંચેમ વિચાર, માઘ સુદી સાતમ નિરધાર;
ને દિન જો મેઘો ગાજંત, માસ ચાર અંબર વરસંત. (૬)

દોહરો

કાર્તિક સુદિ એકાદશી, વાદળ વિજળી હોય;
અષાડમાં ભડળી કહે, વરખા સાચો જોય. (૭)

કાર્તિક સુદિ પૂનમ દિને, જો કૃતિકા કદિ હોય;
તેમાં વાદળ વિજળી, જોસ જોગશું સોય, (૮)

કાર્તિક પૂનમ કૃતિકા; અદકી હોય જ જેમ;
પળો વધે જે વર્ષનાં, ભારે વરખા એમ. (૯)

ચોપાઈ

જૂઓ જોશિ કાર્તિકિ અમાસ, રવી શની ભોમે જો વાસ;
સ્વાતિ યોગ આયુષ તે પાસ, કાળ કરાવે નાસા નાસ. (૧૦)

સુદિ બારશ મેઘો જો હોય, અશાડ માસે વરસે જોય;
માસ અવર પણ વરસ જાણ, કે’છે ભડલી સાચ પ્રમાણ (૧૧)

ભડલી વાક્ય/માગસર માસ

મેઘ માર્ગસિર્ષ વદિ આઠેમ, હોય મેઘ શ્રાવણમાં નેમ; દશમી વદિને પોષે માસ, શ્રાવણ વદિ દશમીએ વાસ. (૧૨)

દોહરો

જ્યેષ્ટા મહાર્ગશિર્ષમાં, વળી તપે જો મૂળ; બોલે ભડળી એમ જે, નિપજે અન્ન અતુલ. (૧૩)

માગશિર્ષ આઠમ ઘટા, વીજ સમેતી હોય; તો શ્રાવણ વરસે ભલો, સાખ સવાઈ જોય. (૧૪)

ભડલી વાક્ય/પોષ માસ

દોહરો

પોષ સુદીની સપ્તમી, આઠમ નામે ગાજ;
ગર્ભ હોય તે જાણજો, સરશે સઘળાં કાજ. (૧૫)

પોસ માસની સાતમે, પાણી નવ જો હોય;
વરસે આડદ્રા સએએ, જળ સ્થળ એક જ જોય. (૧૬)

પોસ વદિની સાતમે, આભ વિજળી છાય;
શ્રાવણસુદિ પુન્યો દિવસ, નિશ્ચય વરષા થાય. (૧૭)

પોસ વદી દશમી દિને, વાદળ ચમેકે વીજ
તો વરસે ભડ ભાદ્રવો, સાધો ખેલો ત્રીજ. (૧૮)

પોસ વદીની તેરશે, ચોદિશ વાદળ હોય,
પૂનમ અમાસ શ્રાવણી, જળધારા અતિ જોય. (૧૯)

પોસ અમાંસે મૂળથી, સારા ચ્યારે માસ,
નિશ્ચય બાંધો ઝૂંપડાં, વસો સુખેથી વાસ. (૨૦)

શનિ આદિતિને મંગળો, પોસ અમાંસે હોય;
બમણા ત્રમણા ચોગના, ધાન્ય મહાસાગર સોય. (૨૧)

સોમ સુક્રને સુરગુરુ, પોસ અમાંસે હોય;
ઘર ઘર હોય વધામણાં, બુરાન માને કોય. (૨૨)

ધનનો સૂરજ હોય તવ, મૂળાદિક નવ રક્ષ;
મેઘ રહિત જો જોઈએ, વરષા તો પ્રત્યક્ષ. (૨૩)

ભડલી વાક્ય/મહા માસ

દોહરો

મા’જો પડવે ઉજળો, વાદળ વાયુ બેય; તેલ અને સરશવ ખરે, અતિશે મોંઘાં કે’ય. (૨૪)

મા’ અજવાળી બીજ દિન, વાદળ વિજળી હોય. તો ભાખે ભડળી ખરૂં, અન્ન મહારગા હોય. (૨૫)

અજવાળી ત્રિજને દિને, વાદળ વિજળી પેખ; ઘઉં જવનો સંગ્રહ કરો, મોંઘું હશે જ દેખ. (૨૬)

મહા ઉજળી ચોથનો મેહ વાદળો હોય; _ નાળિયેર બેઉ એ, મોંઘા સાચે જોય. (૨૭)

_ અજવાળી દિને, વાયુ ઉત્તર વાય; _કે ભાદ્રવો, જળવિણ કોરો જાય. (૨૮)

ચોપાઈ

મહા માસમાં ન પડે સીત, મોંઘુ જાનો અન્ન ખચીત; પંચ હોય મા’માં રવિવાર, તો જોશી તું કાળ વિચાર. (૨૯)

દોહરો

અજવાળી છઠ મા’ તણો, વાર હોય જો ચંદ્ર; તેલ ઘીજ સાંધુ નહીં, ભાવે સાચો છંદ. (૩૦)

ગાજે નહિં મા’ છઠ દિને, મોંઘો હોય કપાસ; સાતમ દેખો નિર્મળી, તો નવ સારી આશ. (૩૧)

મહા સુદી જો સપ્તમી, સુર્ય નિર્મળો હોય; ભડળી ભાખે એમ જે જળ વિણ પૃથ્વી જોય. (૩૨)

સપ્તમિ મા’ ની ઉજળી, વાદળ મેઘ કરંત; અશાડમાં ભડળી કહે, ઘણો મેઘ કરંત; (૩૩)

મા’ સુદી જો સપ્તમી, હેમ વીજળી હોય; વરસે ચ્યારે માસમાં, શોચ કરો નવ કોય. (૩૪)

મહા સુધી હો સપ્તમી, સોમવારિ દિસંત; કાળ પડે રાજા લઢે, નર સઘળાજ ભમંત. (૩૫)

મા’ જો સાતમ ઉજળી, આઠમ વાદળ હોય; અશાડમાં તો ધુળિયા, વરષા જોશી જોય. (૩૬)

ચોપાઈ

ચંદ્ર આઠમે નિર્મળ હોય, વાદળમાં સૂરજ જો જોય; તો ના’સે રાજા ભય લેવ, એમ કહે જોશી સે’દેવ. (૩૬)

દોહરો

મા’ ની નવમી નિર્મળી, તો સુધો અષાડ; કણ વેચી પોતૂ કરી, ભડળી કૈ દુખ કાડ. (૩૮)

અથવા નવમી નિર્મળી, વાદળ કરે વિયાળ; ભાદરવે જળ આવશે, સરવર ફાટે પાળે. (૩૯)

અથવા નવમી નિર્મળી, વાદળ રેખ ન જોય; તો શ્રાવણ સૂકો જશે, મેહ બુંદ નવ હોય. (૪૦)

મા’ નવમીનો ચંદ્રમા, મંડળ સહીતો વાસ; અશાડમાં તો વરશસે, મૂકિશ નવ નિશ્વાસ. (૪૧)

વાદળ મા; સુદિ પુનમે, ઝાઝા પો’રજ હોય; ચોમાસાના ચ્યારમાં, ક્રમથી મેઘા જોય. (૪૨)

મહા સુદી પૂનમ દિને, ચંદ્ર નિર્મળો હોય; પશુ વેચો કણ સંગ્રહો, કાળ હળાહળ સોય. (૪૩)

મા’ અંધારી સાતમે, મેઘવેજ ચમકંત; માસે ચ્યારે વરસશે, ન કરો કોપણ ચંત (૪૪)

અંધારી નવમી મહા, મૂળ અર્ક જોવાર, ભાદરવા નવમી વદી, વરસે જળ નિરધાર (૪૫)

અમાસ વાદળું હોય તો, કઈ ભાતે વેચાય; ભાદરવાની પૂનમે, ચ્યાર પો’ર વરસાય. (૪૬)

ભડલી વાક્ય/ફાગણ માસ

દોહરો

ફાગણને પડવે વળી, સતભીષા કઈ હોય; તો તો કાળ પડે નકી, કહે સકાળ ન કોય. (૪૭)

ફાગણ સુદની સપ્તમી, આઠમ નુમ ગાજંત; અમોવાસિયા ભાદ્રવી, વરષા તો વરસંત. (૪૮)

ચોપાઈ

હોળી દિનનો કરો વિચાર, શુભ અને નવ શુભ ફલસાર. પશ્ચીમનો વાયૂ જો વાય, સમય એજ સારો કે’વાય. (૪૯)

વાયૂ હો પુર્વેનો થાય. કોરોને કઈ ભીનો જાય; દક્ષિણ વાયૂ ધનનો નાશ, એ સમેયે નવ નિપજે ઘાસ. (૫૦)

ઉત્તરનો વાયૂ બહુ હોય, પૃથ્વિ પર પાણી બહુ જોય; જો વમ્ટોલે ચ્યારે વાય, પ્રજા દુઃખમાં ઝરે રાય (૫૧)

જો વાયૂ આકાશે જાય, પૃથ્વિ રણસંગ્રામ બતાય; ફાગણની પૂનમને દિન, હોળી સમયે પારખ કીન. (૫૨)

દોહરો ફાગન વદિ જો બીજ, વાદળ હોય ન વીજ; વરસે શ્રાવણ ભાદ્રવો, સાધો ખેલો ત્રીજ. (૫૩)

મંગળ વારિ અમાંસને, ફાગણ ચેતી જોય; પશુ વેચો કણ સંગ્રહો, પોસ દુકાળો હોય. (૫૪)

શુક્ર અસ્ત જો હોય વળિ કદિ પણ ફાગણ માસ; ભડળી હું કહું છું તને, કણબી ન પિયે છાશ. (૫૫)

પાંચ મંગળો ફાગણે, પોસ દુકાળો હોય;’ કાળ પડે ભડળી કહે, વિરલા જીવે ધાર. (૫૬)

ભડલી વાક્ય/ચૈત્ર માસ

દોહરો

તિથી વધે તો ત્રન વધે, નક્ષત્રે બહુ ધાન; યોગ વધે તો રોગ બહુ, પે’લે દિન એ માન (૫૭)

ચૈત્ર દશ નક્ષત્ર જો, વાદળ વિજળી હોય; ભડળી તો એમજ ભણે, ગર્ભ ગળ્યા સૌ કોય (૫૮)

રેવે પાની ખરભડે, મૃગશિર વાયૂ વાય; જેટલુ આવે પુનર્વસુ, એટલુ અન વેચાય. (૫૯)

ભડલીવાક્યો

(સાખી)

નામ ગણાવે ગરભનું, જોયે એમ સહદેવ;

ગરભ કહે તે જાણજો, માસમાસમાં એવ.

(ચોપાઈ)

વાદળ વાયુ વીજ વરસંત, કડકે ગાજે ઉપલ પડંત;

ધનુષ અને પરિવેશે ભાણ, હિમ પડે દશ ગરભ પ્રમાણ.

[અર્થ]

કારતક-માગશરથી વરસાદનો ગર્ભ બંધાવવા લાગે છે. એ ગર્ભનાં લક્ષણો જોઈને ૧૩૫ દિવસ બાદ ક્યારે કેટલો વરસાદ ચોમાસામાં થશે કે નહિ થાય તે કહી શકાય છે. વાદળ, વાયુ, વીજળી, વરસાદ, આકાશના કાડાકા, ગર્જના, ઝાકળ પડવું, મેઘધનુષ, સૂર્ય પર મંડળ થવું અને હિમ પડવું એ દશ લક્ષણ વરસાદના ગર્ભનાં છે.

(ચોપાઈ)

કાર્તક સુદ બારસે દેખ, માગશર સુદ દશમી તું પેખ,

પોષ સુદ પાંચમ વિચાર, માઘ સુદિ સાતમ નિરધાર;

તે દિન જો મેઘો ગાજંત, માસ ચાર અંબર વરસંત.

ફાગણી પાંચમ ચૈત્રી ત્રીજ, વૈશાખી પડવો ગણી લીજ;

એહ દિન જો ગાજે મેહ, લાભ સવાયો નહિ સંદેહ.

[અર્થ]

કારતક સુદિ બારસ, માગશર સુદિ દશમ, પોષ સુદિ પાંચમ અને મહા સુદિ સાતમે જો મેઘ ગાજે તો ચોમાસામાં ચારે માસ વરસાદ થાય. તેવી જ રીતે ફાગણની પાંચમ, ચૈત્રની ત્રીજ અને વૈશાખના પડવાને દિને મેઘ-ગર્જના થાય તો વરસાદનો ગર્ભ બંધાયો એમ સમજવું. આ તિથિઓ મારવાડી મહિના પ્રમાણે કૃષ્ણપક્ષની સમજવી. જેવી રીતે વરસાદનો ગર્ભ બંધાય છે, તેવી જ રીતે અમુક કારણો પેદા થતાં તે ગળી પણ જાય છે. તે વિષેની વિગતો માસવાર ભડલીનાં વાક્યોમાં આપી છે.

[પોષ માસ માટે ભડલી વાક્યો ]

પોષ સુદિની સપ્તમી ને આઠમે ગાજ.

ગર્ભ હોય તે જાણજો, સરશે સઘળાં કાજ.

[અર્થ]

પોષ સુદિ સાતમ અને આઠમે મેઘ ગાજે તો ગર્ભ બંધાયો સમજવો અને તેનાથી સઘળાં કાર્ય સિદ્ધ થશે – ચોમાસામાં સારો વરસાદ થશે. પોષ વદિ સાતમે વાદળ હોય પણ વરસાદ ન થાય તો શ્રાવણી પૂનમે ચોક્કસ વરસાદ થાય. પોષ વદિ દશમે વાદળ અને વીજળી થાય અને પોષ વદિ તેરસે ચારે તરફ વાદળ થાય તો શ્રાવણની પૂનમ તથા અમાસે સારો વરસાદ થાય.

પોષની અમાસે મૂળ નક્ષત્ર હોય અને ચારે તરફથી વાયુ વાય તો જરૂરથી છાપરાં બાંધી લેવાં; કારણ કે ખૂબ વરસાદ પડશે. પોષની અમાસે શનિ, રવિ કે મંગળ આવે તો અનાજ બમણું, ત્રમણું અને ચારગણું મોંઘું થાય. સોમ, શુક્ર અને ગુરુ હોય તો લોકો સુખી થાય. ધનનો સૂરજ હોય ત્યારે મૂળ વગેરે નવ નક્ષત્રોમાં વાદળ થાય તો ચોમાસે વરસાદ સારો થાય એમ સમજવું.

પોષ માસમાં વીજળીઓ થાય, મેઘ ગાજે અને વરસે તો વરસાદનો ગર્ભ બંધાયો તેમ જાણવું. પોષની પૂનમે મેઘ ગાજે અને આકાશમાં વીજળીઓ ઝબૂકે તો ભડલી કહે છે કે, માત્ર બીજનો જ સંઘરો કરો. અર્થાત વરસ સારું પાકશે.

[નક્ષત્રવિચાર]

(ચોપાઈ)

અશ્વિની ગળતાં અન્નનો નાશ,

રેવતી ગળતાં નવ જળ આશ;

ભરતી નાશ તૃણનો સહી,

વરસે જો કદી કૃતિકા નહીં.

[અર્થ]

અશ્વિનીમાં વરસાદ પડે તો અન્નનો નાશ થાય અને રેવતીમાં પડે તો પાણીની આશા ન રાખવી. ભરણીમાં વરસાદ પડે તો ઘાસનો નાશ થાય. પણ કૃત્તિકા નક્ષત્ર ન વરસે તો જ આ ખરાબ ફળ મળે છે. જો કૃતિકામાં વરસાદ પડે તો અગાઉનાં ત્રણે નક્ષત્રોના દોષ મટી જાય છે.

કૃતિકામાં છાંટા થાય તો કલ્યાણકારી ગણાય છે. ભરણીમાં વરસાદ પડે તો તે બહુ ખરાબ ગણાય છે. કહેવત છે કે : ‘જો વરસે ભરણી તો નાર મેલે પરણી’ ભરણી વરસે તો એવો ભયંકર દૂકાળ પડે કે ખુદ સ્વામી સ્ત્રીને ત્યજીને જતો રહે. કૃત્તિકા નક્ષત્રમાં માત્ર વીજળીનો એક ઝબકારો થાય તો પણ આગલાં ત્રણ નક્ષત્રના દોષ મટી જાય છે, એવી પણ રાજસ્થાનમાં કહેવત છે.

હોળીના પવન વિશે ભડલી વાક્યો

ફાગણ સુદિ પૂનમે હોળીના સમયે હોળીની વચ્ચે ધજા રોપીને પવન જોવાનો રિવાજ પરાપૂર્વથી છે. તે પવન ઉપરથી સુકાળ કે દુકાળનું સૂચન ભડલી નીચે પ્રમાણે કરે છે.

(ચોપાઈ)

હોળી દિનનો કરો વિચાર, શુભ અને અશુભ ફળ સાર;

પશ્ચિમનો વાયુ જો વાય, સમય એ જ સારો કહેવાય.

વાયુ જો પૂરવનો વાય, કોરો ને કંઈ ભીનો જાય;

દક્ષિણ વાયુ ધનનો નાશ, એ સમય ન ઊપજે ઘાસ.

ઉત્તરનો વાયુ બહુ હોય, પૃથ્વી પર પાણી બહુ જોય;

જો વંટોળો ચારે વાય, પ્રજા દુ:ખમાં ઝૂરે રાય.

જો વાયુ આકાશે જાય, પૃથ્વી રણસંગ્રામ બતાય;

ફાગણની પૂનમને દિન, હોલી સમયે પારખ કીન.

[અર્થ]

હોળીના દિવસના પવન ઉપરથી શુભાશુભ ફળનો વિચાર કરવો. જો પશ્ચિમનો વાયુ વાતો હોય તો તે ઉત્તમ ફળ આપનારો જાણવો. જો પૂર્વનો વાયુ હોય તો વરસ કાંઈક સૂકું અને કાંઈક વરસાદવાળું નીવડે. દક્ષિણનો વાયુ હોય તો પશુધનનો નાશ થાય અને ઘાસ બરોબર ન થાય. ઉત્તરનો પવન હોય તો બહુ વરસાદ થશે એમ જાણવું. પવન ચારે તરફ ઝંકોરાય તો પ્રજા દુ:ખી થાય અને રાજા ઝૂર્યા કરે. જો પવન આકાશ તરફ જાય તો પૃથ્વી પર યુદ્ધ થાય.

[વૃષ્ટિનાં લક્ષણ]

(સાખી)

જળચર જળ ઉપર ભમે, ગો નભ ભણી જોવંત;

ભડલી તો એમ જ ભણે, જળધર જલ મેલંત.

પિત્તળ કાંસા લોહને, જે દિન કાળપ હોય;

ભડલી તો તું જાણજે, જળધર આવે સોય.

હોય પાણી કળશે ગરમ, ચલ્લીઓ દૂળે ન્હાય;

ઈંડાળી કીડી દીસે, તો વરષા બહુ થાય.

પવન થક્યો તેતર લવે, ગુડ રસી દે નેહ;

ભડલી તો એમ જ ભણે, તે દિન વરસે મેહ.

બોલે મોર મહાતુરો, હોયે ખાટી છાશ;

પડે મેઘ મહી ઉપરે, રાખો રૂડી આશ.

[અર્થ]

જળચર જળ ઉપર ભમવા માંડે અને ગાયો આકાશ ભણી તાકે ત્યારે, ભડલી કહે છે કે, તુરતમાં વરસાદ પડશે. પિત્તળ, કાંસા અને લોઢાને જ્યારે કાળાશ (કાટ) ચઢે ત્યારે જાણવું કે ઝટ વરસાદ થશે. લોટાનું પાણી ગરમ થઈ જાય, ચકલીઓ ધૂળમાં નહાય અને ઈંડાવાળી કીડીઓ દેખાય તો તે ભારે વરસાદનાં ચિહન જાણવાં. પવન પડી જાય, તેતર ચીસ પાડે અને ગોળ રસીને ચીકણો થાય તે દિવસે વરસાદ થાય. મોર વારંવાર બોલે અને છાશ ખાટી થાય તો વરસાદ થાય.

અષાઢ માસનાં ભડલી વાક્યો

અષાઢ માસ વર્ષાનો પહેલો મહિનો ગણાય છે તેના પર ખેતીનો પાયો છે, ભારત ખેતીપ્રધાન દેશ છે અને ખેડુત જનતાને વરસાદ સાથે પરાપૂર્વનાં સંબંધ છે. વરસાદની સચોટ આગાહી માટે ગુજરાતનાં જ નહિ પણ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબ સુધી જેનું નામ જાણીતું છે એવા લોકકવિ અને જનતાનાણ જ્યોતિષ તરીકે જાણીતા એવા ભડલી વાક્યોમાં અષાઢ માસ માટે ખાસ ભડલી વાક્યો પ્રસ્તુત છે.

ધર અષાઢી બીજડી નીમે નીરખી જોય,
સોમે, શુકરે, સુરગુરૂ, જળ બંબાકાર હોય,
રવિ તાતો બુધ શીતળો, મંગંળ વ્રષ્ટિ ન સોય
કરમ સંજોગે શનિ પડે, વિરલા જીવે કોય.

અષાઢ માસની પહેલી બીજે સોમ,શુક્ર અને ગુરૂવાર હોય તો ભારે વ્રષ્ટિ થાય, રવિ હોય તો તાતો ગણાય, બુધ શીતળ અને મંગળ હોય તો વ્રષ્ટિ ન થાય. નસીબ સંજોગે શનિવાર હોય તો કોઈ વિરલા જ જીવતા રહે.

અષાઢ સુદિ પંચમી જો ઝ્બુકે વીજઃ
દાણા વેચી ઘર કરો, રાખો બળદ ને બીજ.
સુદિ અષાઢી પંચમી, ગાજત ઘન ઘનઘોરઃ
ભડલી કહે તો જાણજે, મધુર મેઘાસોર.
ધોરી અષાઢી પંચમી, વાદળ હોય ન વીજઃ
વેચો હળ બળદને, નીપજે કંઇ ન ચીજ.
સુદિ અષાઢી સપ્તમી, શશી જો નિર્મળ દેખઃ
જા પિયુ! તુ તો માળવે, ભીખ માંગવી પેખ.

અષાઢ સુદી પાંચમે વીજળી થાય તો વરસ સારૂ પાકે એ કથન બહુ પ્રચલિત છે. અષાઢી પાંચમે ધનઘોર વાદળા ગાજે તો ભડલી કહે છે સારો વરસાદ થાય, પણ જો પાંચમે વાદળ ન હોય, વીજળી પણ ના થાય તો કોઈ ચીજ પાકશે નહી એમ ભડલીનું કથન છે. અષાઢ સુદી સાતમે જો ચંદ્ર વાદળ વગરનો નિર્મળ હોય તો દુકાળ પડશે. માટે પત્ની પતિને દુકાળમાંથી બચવા માળવા જવાનું કહે છે.

અષાઢ સુદિ નવમી દિને, વાદલડાનો ચંદ્રઃ
તો ભાગે ભડલી ખરૂ, ભોભ ઘણો આનંદ.
શનિ રવિ ને મંગળે, જો પોઢે જદુરાયઃ
અન્ન બહું મોંઘુ સહી, દુઃખ પ્રજાને થાય.

અષાઢ સુદ નોમની સવારે સૂર્ય નિર્મળ (વાદળ વગરનો) ઉગે અને ચંદ્ર-વાદળ છાયો હોયતો ભરપૂર મેઘ થાય અને ધરતી ઉપર આનંદ ફેલાય, જો દેવ-પોઢી એકાદશી(અષાઢ સુદ અગિયારશ) જો શનિવાર, રવિવાર કે મંગળવાર આવે તો અનાજ બહું મોંધુ થાય અને પ્રજા દુઃખી થાય(લાગે છે કે છેલ્લ ઘણા વર્ષોથી દેવ-પોઢી એકાદશી શનિ,રવિ કે મંગળવારે જ આવતી હશે)

અષાઢ માસે દો દિન સારા આઠમ પૂનમ ધોર અંધારાઃ
ભડલી કહે મે પાયા છેહ, જિતના બાદલ ઇતના મેહ.
અષાઢી પુનમની સાંજ, દિન વાદળ હોય નભમાંયઃ
પૂર્વ દિશા ઉત્તર ઇશાન, જોરે વહેતો સમ્યો મન.
અગ્નિ નૈઋત્ય વાયું કોણ, નાશે સબળો પવન જાણઃ
દક્ષિણ પશ્રિમ ધો એવ, કહે જાણ્યા જોષી સહદેવ.

અષાઢમાં આઠમ અને પુનમનાં દિવશે ખુબ વાદળ છવાયા હોય તો સારા. ભડલી કહે છે કે જેટલા વાદળ તેટલોજ સારો વરસાદ સમજી લેવો. અષાઢી પુનમની સાંજે ધજા બાંધીને પવનની દિશા જોવાની રીત તથા એનું ફળ ભડલી બતાવે છે. જો પૂર્વ, ઉત્તર કે ઇશાનનો પવન વાતો હોય તો તે વ્રષ્ટિ લાવનાર તથા સારૂ અનાજ આપનારો જાણવો. જો અગ્નિ અને નૈઋત્ય કોણનો પવન વાતો હોયતો સામય સાધારણ જાણવો અથવા અર્ધદુકાળ સમજવો.

ભડલી સ્‍ત્રી જયોતિષમાં નિષ્‍ણાત હતી. તેનાં વાકયો લોકોકિત જેવાં થઇ પડયાં છે. તેણે બારે માસના વરસાદની આગાહીનાં વાકયો સાખી ને ચોપાઇમાં આપેલ છે. આ ભડલી વાકયો ખેડૂતોને ઘણી યે વાર ઉપયોગી નીવડતાં કહેવાય છે અને તેથી લોકો સારી રીતે પરિચિત છે. એમના પિતા હુદડ જોષી પાસેથી એમણે એ જ્ઞાન સંપાદન કર્યું હતું. તે ભડલી વાક્યો નીચે પ્રમાણે છેઃ

ભડલી વાક્યો

👉કારતક માસની સાખી ને ચોપાઈ દીવા વીતી પંચમી, આવે આદિતવાર, ધન કણ રાખી સંગ્રહો, જગનાં સૌ નરનાર.

👉કાર્તિક સુદિ પૂર્ણિમા, હોય જો બુધવાર, વરસ હોય તે કરવરુ, ન કરીશ કાંઇ વિચાર.

👉કાર્તિક સુદિ એકાદશી, વાદળ વીજળી હોય, આષાઢે ભડલી કહે, વરખા સાથે જોય.

👉કાર્તિક પૂનેમ કૃતિકા, અદકી હોયે જેમ, પળો વધે જે વરસમાં, ભારે વરખા તેમ.

👉કાર્તિક સુદિ બારસે દેખ, માર્ગશીર્ષ સુદિ દશમે પેખ; પોષ સુદિ પાંચમ રવિવાર; માઘ સુદિ સાતમ નિર્ધાર.

👉તે દિન જો મેઘો ગાજંત, બાર માસ અંબર વરસંત; જુઓ જોષી કાર્તિક અમાસ, રવિ શનિ ભોમે જો વાસ,

👉સ્‍વાતિ યોગ આયુષ્‍ય તે પાસ, કાળ કરાવે નાસાનાસ; સુદિ બારસે મેઘો જો હોય, અષાઢ માસે વરસે તોય, માસ અવર પણ વરસે જાણ, કહે ભડલી સાચું પરમાણ.

👉માર્ગશીર્ષ માસની સાખી જયેષ્‍ઠા માર્ગશીર્ષમાં, વળી તપે જો મૂળ, બોલે ભડલી એમ જે, નીપજે અન્ન અતૂલ.

👉માર્ગશીર્ષ આઠમ ઘટા, વીજ સમેતી હોય, તો શ્રાવણ વરસે ભલો, સાખ સવાઇ જોય.

ભડલીશાસ્ત્ર’ વિશે જાણવા જેવુ
ભડલીશાસ્ત્ર’ વિશે જાણવા જેવુ

👉પોષ માસની સાખી પોષ માસની સાતમે, નભે પાણી નવ હોય, તો વરસે આર્દ્રા સહી, જળ સ્‍થળ એક જ હોય.

👉પોષ વદિ જો સાતમે, આભ વીજળી છાય, શ્રાવણ સુદિ પૂર્ણિમા, નિશ્ર્વય વર્ષા થાય.

👉 પોષ વદિ દશમી દિને, વાદળ ચમકે વીજ, પૂનમ અમાસે શ્રાવણે, જળ વરસે ધરી ખીજ.

👉પોષ અમાસે મૂળથી, સારા ચારે માસ, નિશ્ર્વય બાંધો ઝૂંપડાં, વસો સુખેથી વાસ.

👉શનિ રવિને મંગળે, પોષ અમાસે હોય, બમણાં ત્રમણાં ચોગણાં, મોંઘાં ધાન્‍ય જ હોય.

👉સોમ શુક્ર ને સુરગુરુ, પોષ અમાસે હોય, ઘર ઘર હોય વધામણાં, બૂરા ન માને કોય.

👉 ધનનો સૂરજ હોય તવ, મૂળાદીક નવ રક્ષ, મેઘ સહિત જો જોઇએ, વર્ષા તો પ્રત્‍યક્ષ.

👉મહા માસની સાખી તથા ચોપાઈ મહા જો પડવે ઊજળી, વાદળ વાયુ બેય, તલ અને સરસવ ખરે, અતિશય મોંઘા કહેય.

👉મહા અજવાળી બીજ દિન, વાદળ વીજળી જોય, તો ભાખે ભડલી ખરું, અનાજ મોંઘાં હોય.

👉 અજવાળી ત્રીજને દિને, વાદળ વીજળી પેખ, ઘઉં જવનો સંગ્રહ કરો, મોંઘું હશે જે દેખ.

👉 મહા ઊજળી ચોથનો, મેહ વાદળે હોય, પાન નાળિયેર બેઉએ, મોંઘાં સાચે જોય.

👉અજવાળી છઠ મહા તણી, વાર હોય જો ચંદ્ર, તેલ ઘી સોંઘું નહિ, ભાખું સાચો છંદ.

👉ગાજે નહિ મહા છઠ દિને, મોંઘા હોય કપાસ, સાતમ પેખો નિરમળી, તો નવ સારી આશ.

👉મહા સુદિ જો સાતમી, સોમવારી દિસંત, કાળ પડે રાજા લડે, નર સઘળા જ ભમંત.

👉મહા સુદિ જો સપ્‍તમી, સૂર્ય નિર્મળો હોય, ભડલી ભાખે એમ જે, જળ વિણ પૃથ્‍વી જોય.

👉સપ્‍તમી મહા ની ઊજળી, વાદળ મેઘ કરંત, અષાઢમાં ભડલી કહે, ઘણો મેઘ વરસંત.

👉મહા સુદિ જો સપ્‍તમી, હેમ વીજળી હોય, વરસે ચારે માસમાં, શોચ કરો નવ કોય.

👉મહા નવમી જો નિરમળી, તો સૂકો અષાઢ, કણ વેચી પોતું કરી, ભડલી કહે દુઃખ ક્હાઙ.

👉અથવા નવમી નિરમળી, વાદળ કરે વિશાળ, ભાદરવે જળ આવશે, સરોવર ફોડે પાળ.

👉અથવા નવમી નિરમળી, વાદળ રેખ ન હોય, તો શ્રાવણ સુકો જશે, મેહ-બુંદ નવ હોય.

👉મહા નવમીનો ચંદ્રમા, મંડળ સહિતે વાસ, અષાઢમાં તો વરસશે, મૂકીશ નહિ વિશ્વાસ.

👉વાદળ મહા સુદિ પૂનમે, ઝાઝા પહોર જ હોય, ચોમાસાના ચારમાં, ક્રમથી મોંઘા જોય.

👉મહા સુદિ પૂનમ દિને, ચંદ્ર નિરમળો હોય, પશુ વેચો કણ સંઘરો, કળ હળાહળ હોય.

👉 મહા અંધારી સાતમે, મેઘ વીજ ચમકંત, માસ ચારે વરસશે, ન કરો કો પણ ચંત.

👉અંધારી નવમી મહા, મૂળ અર્ક જો વાર, ભાદરવા નવમી વદિ, વરસે જળ નિર્ધાર.

👉અમાસ વાદળું હોય તો, કંઇ ભાવે વેચાય, ભાદરવાની પૂનમે, ચારે પહોર વરસાય.

👉 મહા માસમાં ન પડે શીત, મોંઘું જાણી અન્ન ખચિત, પાંચ હોય મહામાં રવિવાર, તો જોષી તું કાળ વિચાર.

👉ફાલ્‍ગુન માસની સાખી અને ચોપાઈ ફાગણ પડવે વળી, શતભિષા કંઇ હોય, તો તો કાળ પડે નકકી, કહે સુકાળ ન હોય.

👉ફાગણ સુદિની સપ્‍તમી, આઠમ નોમ ગાજંત, અમાવાસ્‍યા ભાદ્રવી, વરસા તો વરસંત.

👉 મંગળવારી અમાસને, ફાગણ ચેતી જોય, પશુ વેચો કણ સંગ્રહો, પોષ દુકાળો હોય.

👉શુક્ર અસ્‍ત જો હોય વળી, કદી પણ ફાગણ માસ, ભડલી હું કહું છું તને, કણબી ન પીએ છાશ.

👉પાંચ મંગળો ફાગણે, પોષ પાંચ શનિવાર, કાળ પડે ભડલી કહે, વિરલા જીવ ધાર.

👉હોળી વિષે ચોપાઇ હોળી દિનનો કરો વિચાર, શુભ ને અશુભ ફળ સાર, પશ્ર્વિમના વાયુ જો વાય, સમય એ જ સારો કહેવાય.

👉વાયુ જો પૂર્વનો વાય, કોરો ને કંઇ ભીનો જાય, દક્ષિણ વાયુ ધનનો નાશ, એ સમયે નવ ઊપજે ઘાસ.

👉ઉત્તરનો વાયુ બહુ હોય, પૃથ્‍વી પર પાણી બહુ જોય, જો વંટોળ ચારે વાય, પ્રજા દુઃખમાં ઝૂરે રાય.

👉જો વાયુ આકાશે જાય, પૃથ્‍વી રણસંગ્રામ બનાય, ફાલ્‍ગુની પૂનમને દિન, હોળી સમયે પારખ કીન.

👉 ચૈત્ર માસની સાખી તથા ચોપાઇ ચૈત્ર દશ નક્ષત્ર જો, વાદળ વીજળી હોય, ભડલી તો એમ જ ભણે, ગર્ભ ગળ્યા સૌ કોય.
👉તિથિ વધે તો તૃણ વધે, નક્ષત્રે બહુ ધાન, યોગ વધે તો રોગ બહુ, પહેલે દિન એ માન.
👉ચૈત્રી પહેલી પંચમી, વરખા કિંવા વીજ, સાતમે શ્રાવણ હરે નોમે ભાદર લીજ.
👉પૂનમ દિન પડઘા પડે, કોરા ચારે માસ, ભડલી હું તુજને કહું, શી જીવ્‍યાની આશ ?

👉 ચૈત્રી પૂનમને દિને, સોમ બુધ ગુરુવાર, ઘર ઘર હોય વધામણાં, ઘર મંગળ ઉચ્‍ચાર.
👉ચૈત્ર માસ દશ કૃષ્‍ણકા, જો કબુ કોરા જાય, તો ચોમાસે વાદળાં, ભલી વાત વરતાય.
👉અજવાળી પળ ચૈત્ર જ ભાખ, આઠ દિવસ વરસતા રાખ, નવમીને દિન વીજળી હોય, કાળ હળાહળ દેશે જોય.
👉ચૈત્ર સુદિ રેવતડી જોય, વૈશાખે ભરણી જો હોય, જયેષ્‍ઠ માસ મૃગશીર્ષ દિસંત, પુનર્વસુ આ અષાઢ વસંત, જેટલું નક્ષત્ર વરત્‍યું જાય, તેટલા શેરનું અન્ન વેચાય.

વૈશાખ માસની સાખી અને ચોપાઇ:

👉વૈશાખી પડવા દિને, વાદળ વીજ કરેહ, દાણા વેચી ધન કરો, પૂરી શાખ ભરેહ.
👉અખાત્રીજ રોહિણી નવ હોય, પોષ અમાસે મૂળ ન જોય. રાખી શ્રવણે હિતવિચાર, પૂનમ કાર્તિકા કૃતિકા ન ધાર.
👉 મહા મહિને ઉત્‍પાત પ્રકાશ, કહે ભડલી તો થાય વિનાશ.

જયેષ્‍ઠ માસની સાખી અને ચોપાઇ:

👉જયેષ્‍ઠ સુદિ પડવા દિને, બુધવાર જો હોય, મૂળ અષાઢી જો મળે, પૃથ્‍વી કંપે જોય,
👉જયેષ્‍ઠ બીજે ગરજિયો, જો અજવાળી પક્ષ, ગર્ભ ગળ્યા સહુ પાછલા, કહું તુજને પ્રત્‍યક્ષ.
👉દશમી જયેષ્‍ઠ માસની, આવે જો રવિવાર, પાણી ન પડે જન મરે, દુકાળ ભડલી ધાર.
👉 સ્‍વાતિ વિશાખા ચિત્રિકા, જયેષ્‍ઠ શું કોરા જાય, ગર્ભ ગળ્યા પૂઠના સહુ, વણિક શાખ મિટાય.
👉જેઠ આગલી પડવા દેખ, કોણ વાર છે તે તો દેખ, રવિવારે બહુ વંટોળ વાય, મંગળવારે વ્‍યાધિ બતાય.
👉બુધ અનાજને મોંઘું કરે, પ્રજા શનિવારે થરથરે, ચંદ્ર શુક્ર શનિ ને ગુરુવાર, ભરો અન્ન તો સહુ સંસાર.

અષાઢ માસની સાખી :

👉અષાઢી સુદિ પંચમી, જો વર્ષા કે વીજ, દાણા વેચી ધન કરો, રાખો બળદ ને બીજ, સુદિ અષાઢી પંચમી, ગાજત ઘન ઘનઘોર, ભડલી કહે તો જાણજે, મધુરો મેઘાશોર.
👉સુદિ અષાઢી સપ્તમી, શશી જો નિર્મળ દેખ, જો પિયુ તું માળવે, ભીખ માગવી પેખ.
👉નવે અષાઢી વાદળે, જો ગરજે ઘનઘોર. ભડલી ભાખે જોશથી કાળ તણું ઘણું જોર.
👉અષાઢ સુદિ નવમી દિન, નિર્મળ ઊગે સૂર, ભરે બહુ આભાં કરે, મેહ હોય ભરપૂર.
👉જાણ ખરું ભડલી કહે, માસ ચાર વરસેય, શોચ ન હવે કો કરો, જોશી શું જ કરેય ?
👉શનિ રવિ ને મંગળે, જો પોઢે જદુરાય, ચાક ચડાવે મેદની, પૃથ્‍વી પ્રલય થાય.

👉સુદિ અષાઢે બુધનો, ઉદય થયો જો દેખ, શુક્ર અસ્‍ત શ્રાવણ થયો, મહાકાળ અવલેખ.
👉અષાઢી પૂનમ દિને, વાદળ ભીનો ચંદ, તો ભડલી જોષી કહે, સઘળા નર આનંદ.
👉અષાઢી પૂનમ કદી, નિરમળ ચંદ્ર ભાસ, પિયુ તું તો જા માળવે, હું દુઃખમાં કરું વાસ.
👉 શ્રાવણ માસની સાખી શ્રાવણ સુદિ સપ્‍તમી, સ્‍વાતિ ઊગે સૂર, ડુંગર ઉપર ઘન કરો, પાધર કરશે પૂર.

👉ચિત્રા સ્‍વાતિ વિશાખડી, શ્રાવણ નવ વરસંત, અન્ન તુરત સહુ સંગ્રહો, બમણું મૂલ કરંત.
👉કર્ક જ ભીંજે કાંકરો. સિંહ અભીનો જાય, ભડલી તો એમ જ ભણે, કીડી ફરી ફરી ખાય.
👉 ભાદ્રપદ માસની સાખી ભાદરવા સુદિ પંચમી, યોગ સ્‍વાતિનો હોય, શુભ જોગે એ બે મળે, મંગળ વરતે જોય.
👉આશ્વિન માસની સાખી સ્‍વાતિ દીવા જો બળે, વિશાખા ખેલે ગાય, ઘણાક ભડલી રણ ચડે, ઊપજી સાખી ન સાય.

👉આસો વદિ અમાસડી, જો આવે શનિવાર, સમય આવશે આકરો, જોષી જોષ વિચાર.
👉વરસાદ વિષે વધુ લોકોકિતઓ વખ પખ બે ભાઇલા, વરસ્‍યા તો વરસ્‍યા, ને રાહ્યલા તો રાહ્યલા.

તીતરપંખી વાદળી, વિધવા કાજળરેખ,
એ વરસે આ ઘર કરે, તેમાં ન મીનમેખ.

અર્થાત્ : તેતર પંખીના રંગ જેવી વાદળિયું આકાશમાં દોટું દેતી હોય તો એ અવશ્ય વરસ્યા વિના ન રહે. અને જો વિધવા નારી આંખોમાં કાજલનાં આંજણ આંજી કામણ કરતી ફરતી ફરે તો નક્કી એ કોઈનું ઘર માંડે એમાં મીનમેખ નહીં.

ઉત્તર ચમકે વીજળી, પૂરબ વાયુ વાય,
હું કહુ તુજને ભડલી, બરધા ભીતર લાય.

ઉત્તરમાં વીજળી સળાવા લેવા માંડે અને પૂર્વ દિશાનો વાયરો વાય તો ભડલી કહે છે બળદોને કોઢમાં બાંધો તુરત જ સારો વરસાદ થશે એની એ એંધાણી છે.

જળચર જળ ઉપર ભમે, ગો નભભણી જોવંત,
ભડલી તો એમ જ ભણે, જળઘર જળ મેલંત.

જળચર પક્ષીઓ જળ ઉપર ભમતાં (ઉડતા) જણાય, ગાયો ઉંચા મોઢાં કરી ને આકાશભણી જોતી જણાય તો નક્કી માનવું કે મેઘરાજા પધરામણી કરી રહ્યા છે.

હોય પાણી કળશ્યે ગરમ
ઈંડાળી કીડી દીસે તો વરષા બહુ થાય.

પાણી પીવાના કળશ્યામાં પાણી ગરમ થઈ જાય, આંગણાની ચકલીઓ પાંખો ફફડાવીને ઘૂળમાં ન્હાવા માંડે, કીડીઓ ઈંડા લઈને દોડતી જણાય એ ભારે વરસાદ આવવાનાં ચિહ્નો છે એમ ભડલી ભણે (કહે) છે.

કારી ક્કરમેં આથમે, રતી પ્રો વિહાય,
ભડલી એ સંસારમેં પાની ન સમાય.

અર્થાત્ : કાળાડિબાંગ વાદળાની વચ્ચે સૂરજ મહારાજ આથમી જાય અને વહેલી સવારના રતુંબળા આભમાંથી સૂરજ કોર કાઢે તો પૂર આવે કે પ્રલય થાય એટલો ભારે વરસાદ વરસે.

પિત્તળ કાંસા લોહને, જે દિન કાળપ હોય,
ભડલી તો તું જાણજે, જળધર આવે સોય.

પિત્તળ અને કાંસના વાસણો કાળાં પડવા માંડે, લોઢું કટાવા માંડે ત્યારે જાણવું કે હવે વરસાદ આવવાની તૈયારીમાં છે.

પવન થાક્યો તેતર લવે, ગુડ રસીદે નેહ,
ભડલી તો એમ જ ભણે, એ દિન વરસે મેહ.

વહેતો પવન પડી જાય, તેતર પક્ષીઓ ટોળે મળી કળાહોળ કરી મૂકે. ઘરમાં મૂકેલા માટલાના ગોળમાં ચીકણી રસી થાય એ વરસાદ આવવાની એંધાણી ગણાય.

બોલે મોર મહાતૂરો, હોયે ખાટી છાશ,
પડે મેઘ મહી ઉપરે, રાખો રૂડા આશ.

ઝાડ માથે બેસેલા મોરલા આકાશી વાદળાં ભાળીને ડોકના ત્રણ ત્રણ કટકા કરીને મે…આવ મે…આવ મે…આવ કરતાં બોલવા માંડે. દોણાંમાં પડેલી મોળી છાશ ખાટી તૂર થઈ જાય એ એવી આશા આપે છે કે હવે મેધરાજાના મંડાણ થઈ રહ્યા છે.

વરસે ભરણી તો મૂકે પરણી.

રોણ દાઝી, મૃગશર તપ્‍યા, આર્દ્રાના વાયા વા,
પિયુ પલાણી પોઠિયો, જયાં જીવાય ત્‍યાં જા.

વરસે આર્દ્રા તો થાય કોદરા.

વરસે મઘા તો ઢૂંસાંના થાય ઢગા.

વરસ્‍યા પૂરવા ને કણબી બેઠા ઝૂરવા.

વરસે ઉત્તરા તો ધાન ન ખાય કૂતરા.

વરસે સ્‍વાતિ તો ક્યાંથી બજે તાંતી ?

વરસે હસ્‍ત તો પાકે સઘળી વસ્‍ત.

ભડલી વાક્યોના કેટલાક ફૂટ શબ્‍દોના અર્થઃ

કરવરુ = ઓછા પાકવાળું
વરખા = વરસાદ
અંબર = આકાશ
મૂળ = મૂળ નક્ષત્ર
ઘટા = વાદળાં
સમેતી = સહિત
પોતુ કરી = ફેરિયાનું જીવન ગાળી
કળ = દુકાળ
શતભિષા = એ નામનું નક્ષત્ર
વખ = વિશાખા નક્ષત્ર
પખ = પુષ્‍ય નક્ષત્ર
રાહ્યલા = રહી ગયા
દીવા = દિવાળી

આજે પૃથ્વી પરનું વાતાવરણ – પર્યાવરણ બદલાયું હોવા છતાંય આટલાં વર્ષો પછી પણ ભડલી વાક્યો પરનો લોક વિશ્વાસ જરા પણ બદલાયો નથી.

જુનાગઢ જોવાલાયક સ્થળોનું લીસ્ટ
જુનાગઢ જોવાલાયક સ્થળો

ગિરનાર જુનાગઢ જોવાલાયક સ્થળોનું લીસ્ટ | 20 Best Places to visit in Junagadh list

ગિરનાર

ગિરનાર પર્વત અને લીલી પરિક્રમાનો રોચક ઈતિહાસ Best 2 Girnar

ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગૂ તેલી વાર્તા

“ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગૂ તેલી” આ પ્રસિદ્ધ કહેવત ક્યાંથી આવી, શુ છે તેનો ઈતિહાસ ?જાણો 1


1 thought on “વરસાદની આગાહી કરતા ભડલી વાક્ય એટલે શું? ભડલી કોણ હતા ? ભડલીશાસ્ત્ર’ વિશે જાણવા જેવુ”

  1. Pingback: ઘરમાં ગરીબી આવવાના 50 કારણો, ભુલથી પણ ન કરવા આ કામ - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *