7681 Views
મામેરુ – પિતાજીની વાર્તાઓમાંથી, ભીમસેન અને પાંડવોએ ધરમની માનેલી બહેનનું મામેરુ કેવી રીતે આપ્યુ ? અને ભીમસેને કેવુ પરાક્રમ કર્યુ તેની સુંદર મજાની લોકકથા, મહાભારતની વાતો, મહાભારતની કથાઓ, Mahabharata story
મામેરુ
આમ તો પાંડવોને કોઈ બહેન નહોતી પરંતુ ભીમ સાથે એક બહેનની દંતકથા સંકળાયેલ છે જે બાળપણમાં પિતાજી પાસેથી સાંભળેલી….
બાળપણમાં ભીમસેન જ્યારે ગાયો ચરાવવા જતા એ વખતે હાથની આંગળી પર સોઈ વાગી. લોહી વહેવા લાગ્યું. નજીકમાં જ ધરમાં નામની એક રબારીની દિકરી પણ ઢોર ચરાવી રહી હતી એણે આ જોયું. ઝટપટ ભીમ પાસે આવીને પોતાની ચુંદડીનો છેડો ફાડીને ઘાવ પર પાટો બાંધી દીધો. ભીમ ગદગદીત થઈ ગયા. ધરમાંના માથે હાથ મુકીને બોલ્યા, ‘આજથી તું મારી ધર્મની બહેન. વિકટ સંજોગોમાં યાદ કરજે, હું જરુર આવીને ઉભો રહીશ’.
સમય વહી ગયો. બાળપણના કોલ ભુલાઈ ગયા. ધરમાં પરણીને સાસરે ગઈ. પાંડવો રાજા બન્યા.
ધરમાંને એક દિકરી. એ પણ પરણાવવા લાયક થઈ ગઈ. ધરમાંની આર્થિક પરિસ્થિતિ બહુ કંગાળ.ધરમાંનો પતિ ગામનાં ઢોર ચરાવે ને એમાંથી બે પૈસા મળે તેનાથી ઘરનું જેમતેમ ગુજરાન ચાલ્યે જાય. ગામમાં રબારી સમાજની ઘણી દિકરીઓના એક સાથે વિવાહ હતા. કોઈએ આવીને ધરમાંને સલાહ આપી કે, ધરમાં તારી દિકરીના પણ પીળા હાથ કરાવી નાખ. બધા વિવાહ સાથે તારી દિકરીના વિવાહ પણ થઈ જશે.દિકરીની જાન પણ સૌના ભેગી જમી લેશે ને વગર પૈસે તારો અવસર ઉકેલી જશે. ધરમાંને સલાહ સાચી લાગી ને દિકરીનાં લગ્ન લખાઈ ગયાં.
એ સમયે મામેરાનો બહુ મોટો મહિમા. બ્રાહ્મણ મામેરાની કંકોતરી લઈને જાય એવો રિવાજ. જેટલી દિકરીઓના લગ્ન હતાં એના મામેરાની કંકોતરીઓ લઈને ભૂદેવો ઉપડી ગયા. એક ગરીબ ધરમાં બાકી. ગામમાં રહેતા એક ગરીબ બ્રાહ્મણને જાણ થઈ. ગામ પછવાડે ભાગેલ તૂટેલ ઝૂંપડામાં રહેતી ધરમાં પાસે આવીને બ્રાહ્મણ બોલ્યો, બહેન તારે કોઈ ભાઈ નથી? ધરમાંએ નકારમાં માથું હલાવ્યું. કોઈ ધર્મનો કરેલ ભાઈ પણ નથી?
ધરમાં રડવા લાગી. સાથે સાથે બાળપણમાં ભીમે આપેલ કોલ યાદ આવ્યો. આંસું લુંછીને મહારાજને કહ્યું, ભીમને ધર્મનો ભાઈ માનેલ છે પરંતુ અત્યારે એ તો હસ્તિનાપુરના રાજા છે. થોડું એમને યાદ હશે.
ગરીબ બ્રાહ્મણની આંખો ચમકી. મામેરુ લઈને આવે કે ના આવે પરંતુ મને દક્ષિણા જરુર મળી રહેશે એ વિચારે ધરમાંની મામેરાની કંકોતરી લઈને મહારાજ ઉપડી ગયા હસ્તિનાપુરના પંથે.
ભીમને હાથોહાથ કંકોતરી આપીને અઢળક દક્ષિણા સાથે ભૂદેવ પરત થયા.
ભીમસેનને બાળપણનો કોલ સાંભરી આવ્યો. ખુશ થઈ ઉઠ્યા. માતા કુંતી પાસે આવીને બધી હકીકત કહી.મામેરુ લઈને જરુર જવાનું છે. કુંતા માતાએ પણ હા કહી. બસ, હવે પુછવું જ શું!!!!
ભીમસેન ઉપડ્યા સોની બજારમાં. જેટલા સોના ચાંદીના દાગીના હતા એનો મોટો પોટલો બાંધીને આવ્યા રાજમહેલમાં. પાછળ વેપારીઓની વણઝાર સીધી મહારાજ યુધિષ્ઠિર પાસે ફરિયાદ માટે. સૌની એક જ ફરિયાદ. ભીમસેન બધા જ દાગીના લઈને આવી ગયા છે. યુધિષ્ઠિરે હકીકત જાણીને હસતાં હસતાં સૌને સાંત્વના આપી કે ભાવ મોકલીને સૌ નાણાં લઈ જાઓ.મામેરાના હરખમાં અને બહેનના પ્રેમમાં આ બધું થયું છે.
પછી તો કાપડ બજાર અને વાસણ બજારમાં પણ એ જ પરાક્રમ ભીમસેનનું. બસ, મહારાજ યુધિષ્ઠિર સૌને નાણાં ચુકવતા જાય ને મરક મરક હસતા જાય. આનંદનો અજબ માહોલ રચાયો. માલ સામાન, દાગીના, કાપડનાં ગાડે ગાડાં ભરાયાં. રથ જોડાયા ને મોંઘું મામેરુ ચાલ્યું ધરમાંને ગામ.શ્રી કૃષ્ણ, માતા કુંતી, સહદેવ અને નકુળ સાથે…..
કુંતા માતાને ભીમની હસ્તિનાપુરની હરકતો યાદ આવી. પારકા ગામમાં જઈને આવું કરશે તો? બપોરનો સમય થયો. રસ્તાની બાજુમાં મોટા વડલા નીચે વિશ્રામ લેવાયો. વિશ્રામ લઇને રથ જેવા જોડાયા કે તરત જ કુંતા માતાએ ભીમને કહ્યું, બેટા આ વડલાનો છાંયડો ઓળંગીને જો તું આગળ વધે તો તને મારા સોગંદ છે.ભીમે કહ્યું, કેમ શું થયું માતાજી? કુંતા માતાએ હસ્તિનાપુરની હકીકત કહી. તું પારકા ગામમાં હસ્તિનાપુર જેવી હરકતો કરે તો આબરૂ જાય. તું તો અહીં જ રહે. મામેરુ ભરીને વળતાં તને લેતાં જઈશું.
ભીમ સૂનમૂન બનીને ઉભા રહ્યા. બહેન મારી, ખરીદી મેં કરી ને હું જ મામેરામાં નહિ? આ ક્યાંનો ન્યાય! પરંતુ માતાનું વચન પણ કઈ રીતે ઉથાપાય? અચાનક આંખો ચમકી. વડના થડ પાસે આવીને આખો વડ ઉખાડ્યો ને બાથમાં ભરીને મોટા ડગલે ચાલી નિકળ્યા મામેરા પાછળ. છાંયડો તો સાથે જ હતો ને! ક્યાં એને ઓળંગ્યો હતો!!!!
મામેરાના માણસોની નજર પાછળ ગઈ.કોઈ કહે વાદળી ચડી છે, કોઈ કહે આંધી આવે છે, સહદેવે સૌને કહ્યું, ભીમસેન વડલો ઉપાડીને આવે છે. ધીમે ધીમે ભીમ મામેરા સાથે થઈ ગયા. કુંતા માતાએ વડલાને બાજુમાં રોપાવ્યો ને શીખામણના બે શબ્દો કહ્યા. ભીમે વચન આપ્યું કે આપણી આબરૂ ઘટે એવું કોઈ વર્તન નહી કરુ……
બહેન ધરમાંનું ગામ આવી ગયું. ગામના પાદરમાં જાતે ઉતારો તૈયાર થયો, કારણ કે આટલા મોટા મામેરા માટે ક્યાં સગવડ હોય?ને ગામલોકો પણ આ રસાલો જોઈને અંદરો અંદર વિચારતા હતા, કોણ હશે? ક્યાં જતા હશે? ધરમાંનું મામેરુ હશે એવી કલ્પના કોને હોય!
ભીમે કુંતા માતાની અનુમતિ લઈને બહેનને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરી. રજા આપતાં જ ભીમસેન તો ઉપડ્યા બહેનના ઘેર. મહા મુસીબતે ગરીબ બહેનનું ઝુંપડું શોધી કાઢ્યું.ક્યાંથી ઓળખે બહેન!
બહેન, હું તારો ભાઈ ભીમસેન… બસ પુરુ થયું. હસ્તિનાપુર નરેશ એક રાંક બહેનના આંગણે! સંબંધોને ક્યાં સીમાડા હોય છે! ધન્ય ઘડી ધન્ય ભાગ્ય છે ધરમાંનાં. અનિમેષ નયને જોઈ રહ્યાં ભાઈ બહેન એકબીજાને. આ મિલનને કયા શબ્દોના શણગાર કરુ?
બહેન આ તારુ ખોરડું? આ તારા હાલ? વિચારોને ખંખેરીને થોડુ હસ્યા ભીમસેન… હા બહેન, હું એ તો ભુલી જ ગયો. હા, જમવાની શું વ્યવસ્થા છે બહેન? સંકોચાતા વદને બહેન એટલું જ બોલી શકી, ભાઈ બધી જાનો સાથે આપણે જમવાનું છે. ચાળીસ જાનો સાથે.
ભીમસેન બોલ્યા, વાંધો નહિ બહેન પરંતુ જમણવારનો બંદોબસ્ત જોઈ આવું.
મનમાં કંઈક ગાંઠ વાળીને ભીમસેન ઉપડ્યા રસોડે. બંદોબસ્તમાં ઉભેલ માણસોને પુંછ્યું, કેવીક બનાવી છે રસોઈ મિત્રો? મશ્કરી ભાવે કોઈકે કહ્યું, ભાઈ આંધળા છો કે શું? આ સામેના પાંચ ઓરડા રસોઈથી ભરેલા છે.લ્યો આ ચાવી, જોઈ લ્યો જાઓ. ને પેટ ભરીને ખાવી હોય તો પણ ખાઈ લેજો. અનુમતિ મળી ગઈ વૃકોદરને પછી પુંછવું જ શું? ઓરડા ખોલાતા ગયા ને ભીમસેન ઓયાં કરતા ગયા. પરત આવીને ચાવી આપતાં એટલું જ બોલ્યા, રસોઈ સારી હતી.
જાનો આવી ગઈ. ઉતારા અપાઈ ગયા. જમણવાર માટે યુવાનો રસોડે કેડ બાંધીને તૈયાર થઈ ગયા. રસોઈના ઓરડા ખોલાયા. હાહાકાર મચી ગયો રસોડે. રસોઈ ક્યાં? શું બન્યું? હવે? આવડો મોટો બંદોબસ્ત તરત કઈ રીતે થાય? વડીલો ભેગા થયા. આ તો આખા ગામના નાકનો સવાલ.
ઉતારે આવીને ભીમસેન સીધા શ્રી કૃષ્ણને મળ્યા. કમરમાં ગોદો મારીને પરાક્રમ વર્ણવ્યું. હે ગિરધર! હવે ઉઠો ને ચાલો ધરમાંને ઘેર.રસોઈનો પ્રબંધ તમે જ કરી શકો એમ છો. વાર ના લગાડો નહિતર હાહાકાર મચી જશે.
બહેનની દુર્દશા જોઈ શ્રી કૃષ્ણ પણ વિહવળ થઈ ગયા. ભીમસેન લાકડાથી સોટીથી નકશો દોરતા ગયા, શ્રી કૃષ્ણ મકાનનો આકાર આપતા ગયા……
આ તો મારા નાથની લીલા!કોણ એનો પાર પામે!આવાસ તૈયાર થઈ ગયું હવે રસોઈનો વારો! શ્રી કૃષ્ણ હાથ ફેરવતા ગયા.રસોઈનાં વાસણો તૈયાર. વાસણો પર હાથ ફેલાવ્યો રસોઈ તૈયાર… આખું ગામ જમે એટલી ને એ પણ મારા ધણીની બનાવેલ….
ધરમાં ચકળ વકળ આંખે બધું જોતી રહી. બોલે તો પણ શું બોલે!!!!!
બહેન ધરમાં, ચાલ આખા ગામમાં ઘેર ઘેર ફરીને ભોજનનું આમંત્રણ આપવાનું છે, બધા જાનીવાસે પણ.ચાલ હું સાથે આવું છું…. આમંત્રણ અપાઈ ગયું.
વાહ રે ગિરધારી! આખા ગામમાં કૌતુક ફેલાયું છે. જે ઘરને પારકા ઘરોમાં જમવાનું હતું એ ઘરના આંગણે આખું ગામ હેલે ચડ્યું છે. ઘડીભરમાં વાત ફેલાઈ ચુકી કે, ધરમાંનું મામેરુ હસ્તિનાપુરથી ભીમસેન, સહદેવ, નકુળ, કુંતામાતા સહ શ્રી કૃષ્ણ લઈને પધાર્યા છે પછી શું ખામી હોય….. હોંશે હોંશે આખું ગામ જમ્યું, જાનો જમી, મામેરાં જમ્યાં, આમંત્રિત મહેમાનો જમ્યા….
સૌનાં મામેરાં ભરાયાં. છેલ્લો વારો ધરમાંનો હતો. હેકડેઠઠ જનમેદની વચ્ચે ભીમસેને ઉભા થઈને બાથો ભરી ભરીને મામેરુ આપ્યું….આખું ગામ વ્યવહારથી ઢાંક્યું એમ કહીએ તો ખોટું નથી. સગાં સબંધી કેમ બાકાત રહે! ધરમાં યાદ કરતી ગઈ ,ભીમસેન પહેરામણી કરતા ગયા. એક રાંક બહેનના ચહેરા પર આજે જગત આખાનો આનંદ છવાયો છે, ધન્ય ઘડી ધન્ય ભાગ્ય છે ધરમાંનાં….
આજ સુધી પાંડવોના મામેરા જેવું કોઈ મામેરુ ભરાયું નથી……..
=============!============
પિતાજીની વાર્તાઓમાંથી………
✍ નટવરભાઈ રાવળદેવ
આ પણ વાંચો 👇
મહાભારત Quiz આપનું જ્ઞાન તપાસો
મહાભારત – વિરાટ યુદ્ધ ( ભાગ ૧ થી ૪)