Skip to content

જુના બાળગીત, જોડકણા, કાવ્યો | 20 Best Balgeet collection

જુના બાળગીત, જોડકણા, કાવ્યો
7230 Views

બાળગીત pdf, બાળગીત lyrics, બાળગીત mp3, બાળગીત લખેલા, બાળગીત ગુજરાતીમાં, બાળગીત અભિનય સાથે, ચકીબેન ચકીબેન બાળગીત, બાળગીત હસતા રમતા, નવા નવા બાળગીતો, Balgeet in Gujarati Lyrics, Gujarati Balgeet Book, Gujarati Balgeet Audio, Gujarati balgeet photo, Gujarati Balgeet with Action, Gujarati Balgeet video song, Gujarati Rhymes, Gujarati Balgeet download Video, balgeet collection

એક હતી શકરી – જોડકણા

એક હતી શકરી

એણે પાળી બકરી

શકરી ગઈ ફરવા

બકરી ગઈ ચરવા

ફરીને આવી શકરી

ભાળી નહીં બકરી

રડવા લાગી શકરી, એં એં એં,

આવી પહોંચી બકરી બેં બેં બેં

ભાઇ બહેન – જોડકણા

આવ રે બહેન!…નહિ આવું.

તારી કોડઠીએ જાર,…નહિ આવું.

તારી ભેંસ વિયાણી,…નહિ આવું.

તારી પાડી રણકે,…નહિ આવું.

તારી માડી છણકે,…નહિ આવું.

તારો ભઇલો રડે,આ…..આવી!

બાળપણ – બાળગીત

પારણે ઝુલતું, આંબા ડાળે ડોલતું,

કેવું અદ્દભુત છે મારું બાળપણ.


મોજ-મસ્તી કરતું, ધીંગા મસ્તી કરતું,

કેવું અજાયબી છે મારું બાળપણ.


બગીચામાં ખીલતું, ફૂલોને ચુમતું,

કેવું વિચિત્ર છે મારું બાળપણ.


રમકડાંથી રમતું, લોકચાહના પામતું,

કેવું પ્રેમાળ છે મારું બાળપણ.


વડિલોને પૂજતું, નિત્ય પ્રાર્થના કરતું,

કેવું સુખ રૂપ છે મારું બાળપણ.


સારું ગ્રહણ કરતું, સુવિચાર આચરતું,

કેવું વિચારશીલ છે મારું બાળપણ.

ચકીબહેન, ચકીબહેન, મારી સાથે રમવા બાળગીત

ચકીબહેન, ચકીબહેન, મારી સાથે રમવા
આવશો કે નહિ ? આવશો કે નહિ ?

ચક ચક ચણજે, ચીં ચીં કરજે,
ચણવાને દાણા આપીશ તને.
આપીશ તને.

બા નહિ વઢશે, બાપુ નહિ બોલશે,
નાનો બાબો તને ઝાલશે નહિ,
ઝાલશે નહિ.
બેસવાને પાટલો, સૂવાને ખાટલો,
ઓઢવાને પીછાં આપીશ તને,
આપીશ તને…

પહેરવાને સાડી, મોરપીંછાંવાળી,
ઘમ્મરિયો ઘાઘરો આપીશ તને,
આપીશ તને….

  • જુગતરામ દવે

ચુંદડી ચૌદ લોકમાં ગોતું

ટાઢા ટબુકલાની વાર્તા | ટાઢુ ટબુકલુ અને ડોશીમાની વાર્તા
ટાઢા ટબુકલાની વાર્તા | ટાઢુ ટબુકલુ અને ડોશીમાની વાર્તા

આભમાં ગોતું
ગેબમાં ગોતું
સાત પાતાળે ઘૂમતી ગોતું. ચુંદડી…

ચૂંદડી ચાર રંગોમાં બોળી !
લાલ પીળા પરભાતમાં બોળી,
ચાંદલી પુનમ રાતમાં બોળી,
વીજળી કેરા હોજમાં બોળી,
મેઘધનુના ધોધમાં બોળી. ચુંદડી…

ચુંદડી ચાર ચોકમાં ઓઢું !
માનસરોવર ઝીલતી ઓઢું,
આભના વેલ્યે વીણતી ઓઢું,
ડુંગરે ડુંગર દોડતી ઓઢું,
વાયરા ઉપર ચઢતી ઓઢું. ચુંદડી…

ચુંદડી ચાર છેડલે ફાટી !
રાસડા લેતાં,
તાળીઓ દેતાં,
સાગરે ના’તાં નીરમાં ફાટી. ચુંદડી…

૦ ઝવેરચંદ મેઘાણી

ચોખ્ખું ઘરનું આંગણું બાળગીત

ચોખ્ખું ઘરનું આંગણું

ચોખ્ખો ઘરનો ચોક;

ચોખ્ખો ઘરનો ઓટલો

ચોખ્ખાં મેડી ગોખ.

ચોખ્ખાં ઘર, કપડાં થકી,

માણસ બહુ સોહાય,

શરીર ચોખ્ખું રાખીએ,

રોગ કદી નવ થાય.

નાહ્યેથી તન સાફ રહે,

સાચેથી મન સાફ.

મન, તન, ઘર છે સાફ,

દૂર રહે નિત પાપ.

ઢિંગલી મેં તો બનાવી મઝાની બાળગીત

ઢિંગલી મેં તો બનાવી મઝાની
તૈયાર એને હવે કરવાની.
એનું ઝભલું સીવડાવવા દરજી પાસે જાઉં
દરજીભાઈ દરજીભાઈ ઝભલું સીવી દો,
લાલ પીળા ઓઢણામાં આભલા જડી દો … ઢિંગલી

એના ઝાંઝર બનાવવા સોની પાસે જાઉં
સોનીભાઈ સોનીભાઈ ઝાંઝર બનાવી દો
મોતીની માળા ને બંગડી ઘડી દો … ઢિંગલી

એની મોજડી સીવડાવવા મોચી પાસે જાઉં
મોચીભાઈ મોચીભાઈ મોજડી સીવી દો,
લાલ મખમલની મોજડી સીવી દો … ઢિંગલી

એને સુંદર બનાવવા મમ્મી પાસે જાઉં
મમ્મી મમ્મી પાવડર લગાવી દો,
આંખે આજણ ગાલે લાલી લગાવી દો … ઢિંગલી

એનો ગજરો ગૂંથાવવા માળી પાસે જાઉં
માળીદાદા માળીદાદા ગજરો બનાવી દો,
મોગરા ગુલાબનો ગજરો બનાવી દો … ઢિંગલી
એને હોંશિયાર બનાવવા બેન પાસે જાઉં
બેન ઓ બેન લખતાં શીખવાડી દો,
એક બે ત્રણ ચાર ગણતાં શીખવાડી દો … ઢિંગલી
ઢિંગલી મેં તો બનાવી મઝાની
તૈયાર એને હવે કરવાની.

અંધેરી નગરી ગંડુ રાજા વાર્તા
અંધેરી નગરી ગંડુ રાજા વાર્તા

દાદાનો ડંગોરો લીધો બાળગીત

દાદાનો ડંગોરો લીધો,

તેનો તો મેં ઘોડો કીધો.

ઘોડો ચાલે રૂમઝૂમ,

ધરતી ધ્રૂજે ધમધમ

ધમ ધમ ધરતી થાતી જાય,

મારો ઘોડો કૂદતો જાય,

કૂદતાં કૂદતાં આવે કોટ,

કોટ કૂદીને મૂકે દોટ !

જંગલ કેરા પ્રાણીઓની છુક છુક ગાડી ચાલી બાળગીત

જંગલ કેરા પ્રાણીઓની છુક છુક ગાડી ચાલી…


સૌથી આગળ કાળો હાથી, એંજીન એ કહેવાય.

હાથી ઉપર બેઠું સસલું, ડ્રાઈવર એ કહેવાય,


મોટાં મોટાં ફળ એ હાથીને દેતું જાય.

જંગલ આખું ધમધમ થાતું, પક્ષીઓ હરખાય.


લાંબી ડોકે જીરાફભાઈ જંગલ જોતા જાય,

વરુ અને શીયાળ એના પગમાં અથડાય;


કાણી આંખે કાગડાભાઈ જંગલ જોતા જાય,

હરણ અને સાબર એ તો ઠેકડા મારતા જાય.


કોટ પહેરી વાંદરાભાઈ ડબ્બે ડબ્બે જાય,

પાંદડાની ટિકિટ તપાસે, ચેકર એ કહેવાય;


સૌની આગળ ઝંડી લઈને રીંછભાઈ જાય;

પી-પી સીટી વગાડી, ગાડી ઊપડી જાય.

બા મેં તો બાગમાં બાંધી નિશાળ બાળગીત

બા મેં તો બાગમાં બાંધી નિશાળ,

ભણવાને આવે છે ચકલીઓ ચાર,

બા મેં તો બાગ માં બાંધી નિશાળ.


નાની ખિસકોલી ભણવામાં પહેલી,

આવે છબીલી એતો સૌથી એ વહેલી,

જરા ના બોલે એ સૌથી શરમાય,

જરા ના બોલે એ સૌથી શરમાય,

બા મેં તો બાગ માં બાંધી નિશાળ.


કલબેલી કાબર ને છેલ્લે હું કાઢું,

કચ કચ કરે તો એને આંખો દેખાડું,

જરા ના મારુ હું ખોટો એ માર,

જરા ના મારુ હું ખોટો એ માર,

બા મેં તો બાગ માં બાંધી નિશાળ

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.


મારી ચપટી વાગે છે પટ પટ પટ,

જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ,

પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ.

બા, મને બિલ્લી ભગાડતાં આવડી ગઈ.


તું કપડાં ધુએ ભલે ધબ્બ ધબ્બ ધબ્બ,

હું પાણીમાં નહીં કરું છબ્બ છબ્બ છબ્બ,

મારી ચપટી ભીંજાઈ જાય ડબ્બ ડબ્બ ડબ્બ.

બા, મને મુન્ની રમાડતાં આવડી ગઈ.


બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.


-રમેશ પારેખ

બેન બેઠી ગોખમાં જોડકણા

બેન બેઠી ગોખમાં,

ચાંદો આવ્યો ચૉકમાં.


બેની લાવી પાથરણું,

ચાંદો લાવ્યો ચાંદરણું.


પાથરણા પર ચાંદરણું,

ને ચાંદરણાં પર પારણું.


ચાંદો બેઠો પારણે,

બેની બેઠી બારણે.


બેને ગાયા હાલા,

ચાંદાને લાગ્યા વ્હાલા.


બેનનો હાલો પૂરો થયો,

ચાંદો રમતાં ઊંઘી ગયો.

– સુન્દરમ્

ભઈલો મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો

હાલા રે વાલા, મારા ભઈલાને,
હાં…હાં…હાં…હાં

ભઈલો મારો ડાહ્યો,
પાટલે બેસી નાહ્યો,
પાટલો ગયો ખસી,
ભઈલો પડ્યો હસી,
હાલા રે વાલા મારા ભઈલાને,
હાં…હાં…હાં…હાં

ભાઈ મારો છે સાગનો સોટો,
આવતી વહુનો ચોટલો મોટો,
ભાઈ મારો છે વણઝારો,
એને શેર સોનું લઈ શણગારો,
હાલા રે વાલા મારા ભઈલાને,
હાં…હાં…હાં…હાં

હાલા રે વાલા મારી બેનડીને,
હાં…હાં…હાં…હાં

બેની મારી છે ડાહી,
પાટલે બેસીને નાહી,
પાટલો ગયો ખસી,
બેની પડી હસી,
હાલા રે વાલા મારી બેનડીને,
હાં…હાં…હાં…હાં

બેની મારી છે લાડકી,
લાવો સાકર ઘીની વાડકી,
ખાશે સાકર ઘી મારી બેની,
ચાટશે વાડકી મિયાંઉ મીની,
હાલા રે વાલા મારી બેનડીને,
હાં…હાં…હાં…હાં

ઈટ્ટા-કિટ્ટા એક ઘડીના

લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું!

મારું, તારું ને ગમવું પણ, લાવ,લાવ કરીએ સહિયારું!

તું જીતે ને થાઉં ખુશી હું, લેને, ફરી ફરીને હારું!

ઈટ્ટા-કિટ્ટા એક ઘડીના, બાકી સઘળું પ્યારુંપ્યારું!

હસિયેં રમિયેં મીઠું લાગે, થૂ, આંસુ તો લાગે ખારું!

ગીત હોય તો શીદ અબોલા, તું ઝીલી લે, હું લલકારું!

રમિયેં ત્યાં લગ હાથ રમકડું, મોજ મહીં શું તારું-મારું!

-રાજેન્દ્ર શુક્લ

રંગ રંગ વાદળિયાં

હાં રે અમે ગ્યાં’તાં

હો રંગના ઓવારે, કે તેજના ફુવારે,

અનંતને આરે, કે રંગ રંગ વાદળિયાં,


હાં રે અમે ઉડ્યા હો મોરલાના ગાણે, કે વાયરાના વહાણે,

આશાના સુકાને, કે રંગ રંગ વાદળિયાં,


હાં રે અમે થંભ્યાં,

હો મહેલના મિનારે, પંખીના ઉતારે,

ડુંગરાની ધારે, કે રંગ રંગ વાદળિયાં,


હાં રે અમે પહોચ્યાં, હો આભલાને આરે,

કે પૃથ્વીની પાળે, પાણીના પથારે, કે રંગ રંગ વાદળિયાં,

હાં રે અમે નાહ્યાં,

હો રંગના ઓવારે, કે તેજના ફુવારે,

કુંકુમના ક્યારે, કે રંગ રંગ વાદળિયાં,


હાં રે અમે પોઢયાં,

છલકતી છાળે, દરિયાને હિંડોળે,

ગગનને ગોળે, કે રંગ રંગ વાદળિયાં,


હાં રે અમે નાચ્યાં, તારાના તરંગે, રઢિયાળા રંગે,

આનંદના અભંગે, કે રંગ રંગ વાદળિયાં,

હાં રે અમે આવ્યાં,

હો રંગ રંગ અંગે, અનંત રુપરંગે,

તમારે ઉછંગે, કે રંગ રંગ વાદળિયાં,


– સુંદરમ્

રાતી રાતી ચણોઠી ને બીજું રાતું બોર

રાતી રાતી ચણોઠડી ને બીજું રાતું બોર;

ત્રીજું રાતું ચોળિયું ને દુખિયું રાતું ચોળ.

કાળો કાળો કામળો ને બીજો કાગ;

તેથી કાળા મોવાળા ને ચોથો કાળો નાગ.

ધોળું ધોળું પતાસું ને તેથી ધોળું રૂ;

તેથી ધોળો રૂપિ‍યો ને સૌથી ધોળું દૂધ.

પીળી પીળી હળદરડી ને બીજા પીળા પાન;

તેથી પીળો કેસરી ને ચોથું સોનું જાણ.

ગાડી ચાલી સરરરર….સરરરર

સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર..

ફીણના ધુમાડા ને પાણીનું પેટ્રોલ,

સ્ટીઅરીંગ મળે નહીં બસ, પપ્પાનો કંટ્રોલ;

ઑટૉમેટિક બ્રેક છે….ચૂઉંઉંઉંઉં..

ઑટૉમેટિક બ્રેક છે ને છે એક્સીલરેટર…

સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…

હાથપગની ગલીઓમાં મેલના છે બમ્પર,

સાબુભાઈની ગાડીમાં મજબૂત છે જમ્પર;

પૈડા મળે નહીં… ફૂરરરર…

પૈડા મળે નહીં તો ક્યાંથી પડે પંક્ચર ?

સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…


-વિવેક મનહર ટેલર

હું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા

હું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠા
મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઇ લુંગી
પડદો બાંધી અમે બનાવી ફિલમ એની મૂંગી
દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધા કાચ
એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું
હું ફિલમ પાડું ત્યારે જોવા આવે છે ચંદુ
કાતરીયામાં છુપાઇને બેઠી તી બિલ્લી એક
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી
બીક લાગતા ચંદુડીયાએ બુમાબુમ ચગાવી
ઓ મા… ઓ મા……
દોડમ દોડ ઉપર આવી પહોચ્યાં મમ્મી પપ્પા
ચંદુડીયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા

રમેશ પારેખ ………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *