2207 Views
ગીરના સાવજ, સિંહ વિશે જાણવા જેવું, સિંહ વિશે નિબંધ, સિંહની ખાસિયતો, સિંહ હુમલો ક્યારે કરે ?, ગીરના સિંહના ફોટા, સિંહ જોવા જવાનો શ્રેષ્ઠ સમય ક્યો છે?
ગીરના સાવજ વિશે જાણવા જેવુ
ઘણા લોકો આફ્રિકા ના સિંહ ની પોસ્ટ મૂકી ને લખી નાખે છે હા ગીરની મોજ હા..
ગીર નો સાવજ નમણો છે એ કાળીયા ભેગો મોટો નથી થયો.
ચડે નહિ શૂરવીરતા શિયાળયા ના મોભે,
સાવજ ની વાતો સાહેબ સાવજ ને જ શોભે.
એશિયાઇ સિંહ એ બિલાડી વંશનું સૌથી ઊંચું અને વાઘ પછીનું સૌથી મોટું પ્રાણી છે.
આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે.
એશિયાઇ સિંહએ ભારતમાં જોવા મળતી ૫ “મોટી બિલાડી” ઓ માંથી એક છે.
અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફ નો દિપડો (snow leopard), અને ધબ્બેદાર દિપડો (clouded leopard) વગેરે છે.
પહેલાના સમયમાં તે અરબસ્તાન થી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ, વખત જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પુરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે.
પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખીજ હોય છે.
એશિયાઇ સિંહ
એશિયાઇ સિંહ સ્થાનિક નામ સિંહ, સાવજ, કેશરી, ઉનિયો વાઘ, બબ્બર શેર
અંગ્રેજી નામ ASIATIC LION
વૈજ્ઞાનિક નામ Panthera leo persica
આયુષ્ય ૧૫ થી ૧૮ વર્ષ
લંબાઇ માથાથી પુંછડી સુધી. ૨૭૦ સેમી.(નર),
૨૮૯ સેમી.(માદા)
ઉંચાઇ ૧૦૫ સેમી.
વજન ૧૫૦ થી ૧૮૦ કિલો (નર), ૧૨૫ થી ૧૩૫ કિલો (માદા)
સંવનનકાળ ઓક્ટોબર થી ડીસેમ્બર
ગર્ભકાળ ૧૦૫ થી ૧૧૦ દિવસ
પુખ્તતા ૪.૫ વર્ષ (નર), ૩.૫ વર્ષ (માદા)
દેખાવ શરીર રતાશ પડતા ભુખરા રંગનું, આગળથી માથાનો ભાગ ભારે, પાછળનો શરીરનો ભાગ પાતળો., જાડી લાંબી પુંછડી, નાના કાન., નર સિંહને ગળામાં કેશવાળી હોય છે.
ખોરાક સામાન્ય રીતે પ્રતિદિન ૬ થી ૮ કિલોગ્રામ, ચિત્તલ, સાબર, જંગલી સુવર, ચોશીંગા, ચિંકારા, ભેંશ, ગાય વગેરે.
વ્યાપ ફક્ત ગીરનાં જંગલમાં.
રહેણાંક સુકુ ઝાંખરા યુક્ત જંગલ, કાંટા વાળું જંગલ, સવાના પ્રકારનું જંગલ.
ઉપસ્થિતિ ના ચિન્હો : પગલાં, મારણ, ગર્જના.
ગુજરાતમાં સિંહની વસ્તી કેટલી છે ?
સિંહની સૌપ્રથમ વસ્તી ગણતરી એપ્રિલ 1936મા જૂનાગઢ રાજ્યના નવાબ મહોબ્બતખાન-3 દ્વારા કરવામાં આવી હતી. ત્યારે સિંહોની સંખ્યા 287 હતી. ઈ.સ. 1965 થી ભારતના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ – 2015 માં સિંહની વસ્તી 523 હતી, જે વર્ષ 2020 માં વધીને 674 થઈ છે. ( 29% જેટલો વધારો નોંધાયો છે. ) આ વસ્તી ગણતરી પોઈન્ટ મેથડ તથા પૂનમ અવલોકનના આધારે કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા સિંહોના સંરક્ષણ માટે વર્ષ 1972મા ‘પ્રોજેક્ટ લાયન’ શરૂ કરવામાં આવ્યો હતો.
2005 – 359
2010 – 411
2015 – 523
2023 – 674
આ પ્રાણી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે, ચાર બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે.
વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ ૨૯ વર્ષ નોંધાયેલું છે, જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વધુમાં વધુ ૨૩ વર્ષ અને અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાં ૨૬ વર્ષ નોંધાયેલ છે.
સિંહ હુમલો ક્યારે કરે ?
સિંહ સામાન્ય રીતે માણસ પર હુમલો કરતો નથી એ સિંહ નો સ્વભાવ પણ નથી, પરંતુ સિંહ ની આ ખાનદાની ને મનુષ્ય સિંહ ની કાયરત સમજવા માંડ્યા…
ગુજરાતના ગીર વિસ્તારમાં ભાગ્યેજ સિંહના હુમલાની ઘટના બની છે. ફોટો લેનારા એક પ્રવાસી પર 2012માં સિંહે હુમલો કરીને જીવ લીધો હતો. સિંહ ને ખીજવો તો જ એ હુમલો કરતો હોય છે. નહિતર મનુષ્ય પર ભાગ્યેજ કોઈ ઘટના માં હુમલો કરેલો જોવા મળે છે.
સિંહને કોઈએ છંછેડ્યો હોય ત્યારે તે માણસ પર હુમલો કરે છે. જો કોઈ સિંહ ભૂખ્યા હોય અને ગુસ્સામાં હોય તેવા સંજોગોમાં હુમલો કરી શકે.
સારવાર માટે આપેલી દવાઓના કારણે પણ સિંહ ગુસ્સામાં હુમલો કરી શકે. સિંહે મારણ કર્યું હોય ત્યારે કે તે મેટિંગ ટાઈમ મા હોય ત્યારે તેની નજીક જનારા પર સિંહ હુમલો કરે તેવી શક્યતા છે…
જૂનાગઢઃ સાસણગીરના દેવળીયા પાર્કમાં સિંહે વનકર્મીઓ પર હુમલો કર્યો હતો. 3 વનકર્મીઓ પર સિંહે હુમલો કરતા એક વનકર્મીનું મોત થયું હતું જ્યારે 2 વનકર્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે, સામાન્ય રીતે સિંહ કોઈ માણસ પર હુમલો કરતો નથી. અસામાન્ય સંજોગોમાં જ સિંહ હુમલો કરે છે.
ગીરના સિંહો વિશે રસપ્રદ માહિતી
ગીરનો એક સિંહ રોજનું નવ કીલો માંસ આરોગે છે શિકારની જવાબદારી મોટેભાગે સિંહણ માથે હોય છે…
પુખ્તસિંહને દરરોજ ૬થી ૯ કિલોગ્રામ ખોરાકની જરૂર પડે છે. સિંહ-સિંહણ તેના બચ્ચાની સાથે રહે છે.
સિંહના ટોળા ન હોય તે કહેવત બરાબર નથી.
સિંહ પરિવાર પ્રેમી છે.
૧૨થી ૧૫ સિંહો એકીસાથે રહેતા હોવાનું પણ જણાયું છે.
બે સિંહ સાથે તોય બેલાડ કહેવાય છે. એકલો સિંહ બહુ ઓછો જોવા મળે છે
એકવાર શિકાર કર્યા પછી ૨૪ કલાક સુધી સિંહ શિકાર કરતો નથી.
જો કે બીજી વિશેષતા એ છે કે, સામાન્ય રીતે સિંહ શિકાર કરતો નથી પરંતુ સિંહણ જ મારણ કરીને પોતાના પરિવારનું પેટ ભરતી હોય છે.
શિકાર કર્યા પછી તેના પરિવાર સાથે તે મિજબાની માણે છે. ભોજન સમયે સિંહ કોઈની દખલઅંદાજી ચલાવી લેતો નથી.
તેવું જ સંવનન (મેટિંગ) સમયે પણ હોય છે. શાંતિથી તે આ બંને ક્રિયાઓ કરવામાં માને છે.
સોરઠનું ગીર અભયારણ્ય બે સદી પહેલા સિંહોની વસતીથી ઉભરાતું હતું પરંતુ રાજા- મહારાજાઓ અને ત્યારબાદ મોગલો તથા અંગ્રેજોના શાસનમાં સિંહોના શિકારનો શોખ એટલી હદે વધી ગયો કે સન ૧૮૮૦માં માત્ર ૧૨ જ સિંહ બચ્યા હતા.
સિંહોના અસ્તિત્વ સામે જ સવાલ ઊભો થતા આખરે જૂનાગઢના નવાબી શાસને સન ૧૮૮૦માં પહેલીવાર સિંહોના શિકાર પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.
જૂનાગઢ સ્ટેટ દ્વારા સન ૧૮૮૦ ના રોજ પ્રસિદ્ધ કરાયા બાદ તા ૧૧-૪-૧૮૯૬ના રોજ, જૂનાગઢના દિવાન બેચરદાસ વિહારીદાસ દેસાઈએ નવો શિકાર ધારો બહાર પાડ્યો ત્યારબાદ જૂનાગઢના નવાબ મહાબતખાન ત્રીજાએ તા ૧૯-૯-૧૯૨૫ ના રોજ તમામ પ્રકારના પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો આ પછી સિંહોની વસ્તી વધવા લાગી હતી.
અને હજુ વધતી જાય છે…
સિંહ વિશે જાણી અજાણી વાતો
સિંહનું નામ સાંભળતા જ એક અનેરો રોમાંચ સૌ કોઈ અનુભવે છે. સદીઓથી સિંહ, માનવીઓ સાથે વણાયેલો છે. ભારતમાં
તો વેદકાલીન યુગમાં પણ સિંહની વાતો વાચવા મળે છે.
દુનિયામાં હાલ બે જ જગ્યાએ સિંહો વસે છે.
તેમાં એક છે આફ્રિકાનું જંગલ અને બીજું આપણા દેશના ગુજરાત નું ગીર જંગલ.
આફ્રિકાનો સિંહ લિયો તરીકે ઓળખાય
છે.
જયારે ગીરના સિંહ, પેન્થેરા લિયો પર્સિકા
તરીકે ઓળખાય છે.
આફ્રીકા અને ગીરના સિંહોની તુલનામાં આફ્રિકન
સિંહ મોટા માથાવાળો, ખુંખાર, હિંસક અને
આક્રમક હોય છે.
જયારે ગીરનો સિંહ, દેખાવે અને સ્વભાવે સૌમ્ય, જોવો ગમે તેવો આકર્ષક, અકારણ ન ક્રોધિત થાય તેવો, પેટ ભરેલું
હોય તો મારણ ન કરે અને માનવી ઉપર ભાગ્યે જ હુમલો કરે તેવી મનોવૃત્તિ વાળો છે.
સમગ્ર એશિયા ખંડમાં એક માત્ર ગીરના જંગલમાં જ એશિયાઈ કુળ ના સિંહો વસે છે.
-> ગરમ લોહી ધરાવતું પ્રાણી છે,
શિયાળો વધુ ગમતી ઋતુ છે
-> નિશાચર પ્રાણી છે.
મોટાભાગે સિંહ રાત્રિ સમયમાં અવર જવર કરે છે.
એક રાત માં ઘણું બધું અંતર કાપી નાખે છે.
દિવસ નો સમય આરામ કરવામાં વિતાવે છે.
-> આંખો દિવસ આરામ કર્યા પછી
સાંજે પાણી પીધા બાદ શિકાર ની શોધ માં નીકળે છે.
મોટાભાગે હંમેશા સિંહણ શિકાર કરે છે અને શિકાર ની મિજબાની માણ્યા બાદ સવારે પાણી પીધા પછી આખો દિવસ આરામ કરવામાં વિતાવે છે.
-> આમ તો પોતે વિચરતું પ્રાણી છે
પરંતુ પોતાનો વિસ્તાર જાતે નક્કી કરે છે મોટા વૃક્ષો ઉપર પોતાના પંજા ના નખના નિશાન બનાવીને અને પોતાના પેશાબના ગંધ છોડીને એ જે તે વિસ્તાર પોતાનો છે એવું સાબિત કરવા માટે.
-> પૂરતો હવા ઉજાસ ને પવન મળે
મચ્છર ના કરડે એવી ખુલી જગ્યા અથવા નાની નાની ટેકરીઓની ટોચ ઉપર આરામ કરવાનું વધુ પસંદ છે.
-> રસ્તો, કેડી, પગદંડી, એટલે કે
સામન્ય રીતે ચાલી સકાય ત્યાં જ પોતે ચાલવાનું પસંદ કરે છે
ઝાડી ઝાંખરા , કાંટાળી કેડી અસ્ત વ્યસ્ત જગ્યા પર ચાલવાનું
ઓછું પસંદ કરે છે
-> ઊંડાણ વાળા પાણીથી દુર રેહવાનું વધુ પસંદ કરે છે.
અતિ આવશ્યક પરિસ્થિતિ સિવાય પાણીમાં જવાનું ટાળે છે.
-> ઉદાહરણ તરીકે કૂવા માં પડશે તો પોતાની પૂરતી શક્તિ નો ઉપયોગ કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરવામાં ડૂબી જશે.
એ જ જગ્યાએ જો દીપડો હસે તો કૂવામાં લટકતી કોઈ પણ વસ્તુ માં સહારે એને પકડી ને ટકી રેહસે ખાલી ખોટ પાણીમાં તરફડીયા નહિ મારે.
-> એકદમ શાંત સ્વભાવ અને પોતાની મોજ માં રહેવાનું વધુ પસંદ કરે છે બીજા કોઈ વ્યક્તિ કે વસ્તુની નોંધ લેવી અને પસંદ નથી અને એના કુદરતી વસવાટ માં દખલ એને પસંદ નથી.
-> સિંહની ઉંમર એના મોઢામાં રહેલા
આગલા તીક્ષ્ણ દાંત ઉપરથી નક્કી કરવામાં આવે છે
આફ્રિકાના સિહોની સંખ્યામાં પાંચ આકડામાં છે.
વળી ત્યાના જંગલનો વિસ્તાર ખુબ જ મોટો છે.
જયારે ગીરનું જંગલ ૧૪૧૨ ચોરસ કિ.મી. માં ફેલાયેલું છે જે ૨૦ મી સદીની શરૂઆતમાં ૫૦૦૦ ચોરસ કિ.મી. સુધી ફેલાયેલું હતું.
ગીરના સિંહની અનેક ખાસિયતોમાં એક નોંધવા લાયક બાબત છે કે, એક જ માતા-પિતાના સંતાનો અર્થાત તેના નર અને માદા બચ્યા ક્યારેય સંભોગ અર્થાત મેટિંગ કરતા નથી.
આમ સાચા અર્થમાં તેઓ ભાઈ-બહેનનો સંબંધ નિભાવે છે.
>> રમેશભાઈ રાવળ એ નોંધેલી વાતોની માહિતી પણ અહીં હું રજૂ કરું છું.
શક્તિપુંજ સમ દેહ ભયો, ભયો શૌર્ય માર્તંડ,
સૃષ્ટિ સઘળી સ્તબ્ધ ભયી,ભયી તવ ત્રાડ પ્રચંડ,
રક્ષક તું રેવતા ચલનો, નિજ તવ ઉત્તુંગ સ્થાન,
સ્મરતા શૌર્ય નિપજે, જેહી ઉપજાવે સ્વમાન,
પ્રથમ વાચને એમ લાગે કે હનુમાન ચાલીસાનું આ કોઇ નવું સંસ્કરણ છે. પણ પછી આગળ વાંચતા ભેદ ખુલ્લો થાય છે,
જય જય સિંહ શૌર્ય સહસ્ત્રા,
નિશિત દંત ,નખ,ત્રાડ હી શસ્ત્રા ,
કરભીર ગિર અદ્રીએ શોભે,
તુજ દર્શનથી ત્રિલોક થોભે.
થોડા વર્ષ પહેલા આવા કુલ ચાલીસ દોહાનું બનેલું સિંહચાલીસા રચનારા સુરેન્દ્રનગરના ડૉ.નરેન્દ્ર રાવલ બનારસમાં દંડી સ્વામીશ્રી પ્રણવાનંદતિર્થજી પાસે ગયા ત્યારે એ સાંભળીને સ્વામીજીથી ઉદગાર નીકળી ગયા, ‘ઇસ રચનામેં શબ્દબ્રહ્મ હૈ,.નાદબ્રહ્મ ભી હૈ.યે જરૂર ફલ દેગી.’
આ સાંભળીને રચયિતા ખુદ તો ધન્ય થયા, પણ સાથે આવનાર દીવના રમેશ રાવળ તો ચોધાર આંસુએ રડી પડ્યા. આ રમેશ રાવળ કોણ છે ? એમની ઇચ્છાને વશ થઇને ભલે આ સિંહચાલીસાની રચના થઇ પણ એ આમ ભાવવિભોર થઇને રડવા શા માટે માંડે ? એવો તો કયો લગાવ એમને સિંહો સાથે ?
મૂળ ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના રમેશચંદ્ર ભાનુશંકર રાવળ 1972માં જ્યારે ત્રેવીસ વર્ષના હતા અને ભાવનગરની શામળદાસ કૉલેજમાં ભણતા હતા ત્યારે એકવાર શિવરાત્રીમાં જૂનાગઢ ગયા. પછી વળી સતાધાર અને પછી તુલસીશ્યામ પહોંચ્યા, એ વખતે ગીરના જંગલમાં વાયા કનકાઇ-બાણેજ એક બસ ચાલતી.
બાણેજ પહોંચ્યા ત્યાં સાંજ પડી ગઇ. બસમાંથી ઉતરીને જરા પગ છૂટા કરતા હતા ત્યાં અચાનક જ સામે નજર પડી. સામે થોડા ફૂટ છેટે જ એક મોટી કેશવાળીવાળો ડાલામથ્થો આંખો ચળકાવતો અને ધીમો ધીમો ઘુરકાટ કરતો ઉભો હતો. રમેશ રાવળના હાંજા ગગડી ગયા. પણ કોણ જાણે કેમ એ ત્યાંથી ખસી ના શક્યા.
બે-ચાર મિનિટ એની સામે નજર મેળવીને ઉભા રહી ગયા. ભય ધીરે ધીરે ઓસરતો ગયો, જાણે કે ઓટના કિનારાથી દૂર થતાં જતાં નીર ! સિંહ પણ ત્યાંથી ના હટ્યો. ઘૂરકાટ શમી ગયો. બેપગા અને ચોપગા વચ્ચે કોઇ અજબ તારામૈત્રક રચાયું.પરસ્પરની આંખોમાંથી પરસ્પર પ્રત્યેના ડરનો લોપ થયો.( જે રમેશ રાવળ ત્યાંથી ભાગી છૂટ્યા હોત તો ના થાત એમ જીવ માત્રની કોમન સાયકોલોજી કહે છે.)
બસ, થોડી જ વાર આ સ્થિતી રહી. પછી અંધારાં ઉતર્યાં. અને બન્ને પોતપોતાના રસ્તે પડ્યા.
એ દિવસથી રમેશ રાવળનો જીવનપલટો થયો. પણ સિંહજાત તરફ જાગેલા એ ભાવનો શો અર્થ ? કારણ કે એ પછી તો ગીર સાથે સંબંધ જ ના રહ્યો હોય ને ? રમેશ રાવળ ભણવામાં પડી ગયા. પણ ભણતા ભણતા મનમાં થયા કરતું હતું કે સિંહ સાથે દોસ્તી કરવી છે. એના પર કંઇક કામ કરવું છે. પણ ગીર ગયા વગર શી રીતે થાય ?
જો કે 1979માં કુદરતે એમની ઝંખના પૂરી થાય તેવો યોગ સાધી આપ્યો. બી. એ; બી એડ. પૂરું કર્યા પછી એમને શિક્ષક તરીકે નોકરી દીવમાં મળી જે ગીરના પાદરમાં જ ગણાય. પણ ગીર તો નહિં જ.
શું કરવું ? એમણે ગીરમાં જેમના બેસણા હોય તેવા સાધુસંતો સાથે સંબંધ રાખવા માંડ્યો.સાધુ સરસ્વતીદાસજી બાણેજમાં હતા તો મથુરાદાસબાપુ પાતળામાં વિરાજતા હતા. તુલસીશ્યામ તો ખરું જ. એવા બીજા ત્રણ ચાર થાનક. સંબંધોને લીધે મધ્ય ગીરની મૂલાકાતો વધી અને હરિ મિલે, ગોરસ બિકે, એક પંથ દો કાજ જેવું થયું.
સિંહની સાવ લગોલગ જવાનું ઉપરાછાપરી બનવા માડ્યું. વિસ્મય શમતાં કુતૂહલ જાગ્યું અને એણે એમને સંશોધનની અણખૂટ કેડી પકડાવી દીધી. હવે સિંહો સાથે જાણભેદુની કક્ષાની દોસ્તી જન્મી.
એમણે પહેલાં બજાજ સ્કૂટર અને પછી કાવાસાકી બજાજ મોટરસાઇકલ એવી લીધી કે ગમે તેવા દુર્ગમ અને કાંટાળા રસ્તે પણ હરેરી ના જાય. જોતજોતામાં 1980થી 1991 દરમ્યાન દોઢ લાખ કિલોમીટર ગીરમાં ને ગીરમાં જ ખેડી નાખ્યા.
1991-92માં પત્ની અને બે પુત્રો સાથે ગીરની પરકમ્મા કરવા નીકળ્યા તે કેવળ પર્યટન ખાતર નહિં,પણ સંશોધન ખાતર.
1880 થી 1990 ના એકસોદસ વર્ષો દરમ્યાન ગીરમાં કેટલા સિંહો હતા,એમની વિશિષ્ટતાઓ, ખાસીયતો,વર્તણુંકો,એમની દિનચર્યાઓ, એમની ઋતુચર્યાઓ જેવી વિગતો અનેક દસ્તાવેજો, જાણકારોની રૂબરૂ મૂલાકાતો,અને બીજા સ્રોતોમાંથી મેળવી અને તેનું એક નાનકડું પુસ્તક સિંહ જીવનદર્શન ગાંઠના ખર્ચે 1992માં પ્રગટ કર્યું.
કારણકે કોઇ ધંધાદારી પ્રકાશક તો હાથ ઝાલે નહિં. જો કે પુસ્તક પ્રકાશિત થયા પછી એમની કદર થઇ. સરકાર તરફથી જુનાગઢ જિલ્લાના વાઇલ્ડ લાઇફ વૉર્ડન/ Wild life warden તરિકે એમની નિમણુંક થઇ. દૂરદર્શનના અધિકારીઓ જોવા આવ્યા તો એ લોકો એ જોઇને દંગ થઇ ગયા કે એમની નજર સામે જ રમેશ રાવળે સિંહને બોલાવવાના ખાસ અવાજો કાઢીને અગ્યાર જેટલા સિંહોને એકત્ર કરી બતાવ્યા અને તેમને લાકડીથી હાંકી બતાવ્યા.
હા, રમેશ રાવળ સિંહોની અલગ અલગ ભાવો, જરૂરત અને વૃત્તિઓની અભિવ્યક્તિના અવાજો કાઢી શકે છે, એમના રૂદનનો પણ! આ વસ્તુ એમને એમની સાથેની વિશ્વસનિયતા પેદા કરી આપવામાં કામ આવી છે .
તળપદી અને સાદી ભાષામાં એમ કહી શકાય કે સિંહને હેળવવામાં આ વસ્તુ એટલી તો કારગર નીવડી કે આમ તો દીવ શહેર જેવી માનવવસ્તીમાં સિંહ આવે જ નહિં, પણ એકવાર ગીરથી પાછા ફરતીવેળા એક સિંહણ રમેશભાઇની પાછળ પાછળ ચાલી આવેલી, અને ખળભળાટ મચી ગયેલો. રમેશભાઇ જ એને સિફતથી પાછી મૂકી આવેલા.
ગીરમાં બે જાતના સિંહ છે એવું રમેશ ભાઈ રાવળ એ સિંહ જીવન દર્શન બુક મા નોંધેલું છે. એક ગધીયો અને બીજો વેલર.
બન્નેના શારિરીક લક્ષણો, અને આંતરિક સૂઝ વગેરેમાં ઘણો તફાવત છે.
જંગલમા તમે બંદૂક ફોડો ત્યારે જો ગધીયો હોય તો નાસી જાય પણ વેલર હોય તે પાછો વળીને ઊભો રહે.
( ઝૂમાં જોવા મળતા આફ્રિકન સિંહ/African Lion ની ઓળખ જ જૂદી છે.તેઓ અમારા એટલે કે ગીરના સિંહ/Gir Lion કરતાં વધારે કદાવર હોય છે.)
વેલર વધુ લાંબો હોય છે.
એના કાન લાંબા હોય છે.
ગધીયો જરા જાડો અને ગોળમટોળ હોય છે…
સિંહ વિષેની ઘણી ગેરમાન્યતાઓ –લોક્માન્યતાઓ એમના સંશોધનોને કારણે દૂર થઇ.રોજેરોજ સિંહને મારણ જોઇએ એ રૂઢ માન્યતા ખોટી છે. એને બે-ત્રણ દિવસે એકવાર ખોરાક જોઇએ. એક ભેંસ હોય તો એને ત્રણ દિવસ ચાલે. ભૂખ્યો હોય કે ના હોય પણ એ માણસને ભાગ્યે જ મારે છે.અખબારોમાં ઘણીવાર એવા સમાચારો આવે છે તે મોટે ભાગે વાઘ કે દીપડાનો ભોગ બનેલાના હોય છે, જે સિંહના નામે ચડાવી દેવામાં આવે છે.
સિંહની પોતાની આયુષ્ય પંદરથી વીસ વર્ષની. જો કે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં એક સિંહણની મરણ વખતની વય સત્તાવીસ વર્ષની નોંધાયેલી. સિંહણ સાડાત્રણ ચાર વર્ષની વયે માતૃત્વ ધારણ કરવા સક્ષમ બને અને ક્ષમતા પ્રમાણે બેથી માંડીને ચાર સુધી વેતર કરે (ગર્ભાધાન કરે) એ એક સાથે ત્રણ કે ચાર બચ્ચાને જન્મ આપે છે. ભૂરી નામની એક સિંહણે 1974માં એક સાથે પાંચ બચ્ચાંને જન્મ આપેલો.
સિંહના વાળ ઉમર વધતા ધોળા નહિં, પણ કાળા થાય છે. કોઇ પણ સિંહની ઉમર રમેશ રાવળ તરત જ કહી શકે. શી રીતે? એની હુંકની(એના મોંમાંથી નીકળતા અવાજની) ફ્રિક્વન્સી પરથી એ કહી શકે છે.પંદર વર્ષનો સિંહ હોય તો એની હુંક એકત્રીસ-બત્રીસ જેટલી થાય એ એમણે અનૂભવે તારવ્યું છે.
વાઘની બોડ હોય, દીપડાની ,જરખની અરે શિયાળીયાની પણ ગૂફા હોય, પણ સિંહોની ગૂફા નથી હોતી. એનું રહેઠાણ કરમદાના ઢૂવામાં હોય. એને નદીનો કિનારો પસંદ છે. ઠંડક હોય, ઉપર વૃક્ષની છાયા હોય અને નીચે રેતી હોય.
સિંહને જોવા માટે ઉત્તમ સમય એપ્રિલ-મેનો છે. ચોમાસાનો નહિં. ચોમાસામાં સિંહ રસ્તા ઉપર આવી જવાનું વલણ ધરાવે છે. કારણ કે જંગલમાં એને મચ્છરો બહુ સતાવે છે.
સિંહને કુદરતી મોત પણ આવે અને રોગને કારણે પણ મરી શકે છે. વાયરસ લાગુ પડી શકે અને હડકવા પણ લાગુ પડે. વાયરસને કારણે ઘણા સિંહો 1993માં મરી ગયા. ક્યારેક વન વિસ્તારના ખુલ્લા કૂવાઓમાં અકસ્માતે પડી જવાને કારણે પણ અને છેલ્લે તદ્દન ગેરકાયદે એવા શિકારને કારણે પણ સિંહોની વસ્તી ઘટતી ચાલી છે,
વન્ય જીવન સુરક્ષા કાયદો (1972) / Wild Life Protection Act (1972) અસ્તિત્વમાં છે તો પણ !
પૂરા ગીરનો સરકાર દ્વારા રક્ષિત જાહેર કરાયેલો વિસ્તાર હવે માત્ર 1412 ચોરસ કિલોમીટરનો જ રહ્યો છે. જે પૂરો રમેશ રાવળે પગ તળે કાઢી નાખ્યો છે. 20મી સદીની શરૂઆતમાં જૂનાગઢના નવાબે આ વિસ્તારમા સિંહોની શિકારબંધી ફરમાવી અને 1965 માં સરકારે તેને અભયારણ્યનો દરજ્જો આપ્યો.
(આ લેખના લેખકના નામની જાણ નથી, જો જાણ થશે તો લેખકનુ નામ ઉમેરી દેવામા આવશે)
સિંહની દોસ્તી પાઠ ધોરણ 7 | Best Gujarati Story