Skip to content

જુની રમતો – બાળપણની વિસરાતી જતી જુની રમતો કોને કોને યાદ છે ?

631 Views

વિસરાતી જતી શેરી રમતો, ગામડાની જુની રમતો, દેશી રમતો, પરંપરાગત ગ્રામીણ રમતો, સંતામણી, આંબલી પીપળી, ઘર ઘર, નારગોલ, છુટ દડી, મોઈ દાંડીયો, ઘર ઘર, લખોટી અને બિજી અનેક રમતો વિશેનો સુંદર લેખ.

બાળપણની વિસરાતી જતી જુની રમતો

એક સમય હતો કે જ્યારે હજુ મોબાઇલ આવ્યા નહોતા , ટીવી પણ ગામમા ગણાગાંઠ્યા હતા, વિડીયોગેમનું તો નામોનિશાન નહોતું. શાળાએથી આવીને બાળકો એક ખુણામાં દફતર મુકીને ઘરની બહાર નીકળી જતા. શેરીમાં , ચોકમાં કે પછી આંગણામાં સાત આઠ બાળકો ભેગા થતા અને અવનવી રમતો રમતા. શાળામાં રીસેસ પડે ત્યારે પણ બાળકો આવી રમતો રમતા. કદાચ તમે પણ આવી રમતો રમીને મોટા થયા હશો.

આ એ સમય હતો કે જ્યારે બાળકોને કાન પકડીને ઘરે લાવવા પડતા. તેમાંય વેકેશનમાં તો બાળકોને રીતસર શોધવા નીકળવું પડતું. હવે સમય બદલાયો છે બાળકોને ઘરેથી બહાર નિકળવા માટે કહેવું પડે છે. વેકેશન પડી ગયું છે છતા તમને આંગણ કે શેરીમાં બાળકો નહીં દેખાય. જ્યારથી બાળકોના હાથમાં મોબાઇલ ફોન આવ્યા છે, ત્યારથી બાળપણ ક્યાંક ખોવાઈ ગયું હોય તેમ લાગે છે.

એક સમયે શેરી , આંગણા કે ચોકમાં ધમાચકડી મચાવતા બાળકો આજે ઘરના કોઇ ખૂણામાં હાથમાં મોબાઇલ , વીડિયો ગેમ કે પછી ટીવીનું રિમોટ લઇને પડ્યા રહે છે. વર્તમાન સમયે બાળકોનું બાળપણ કદાચ ઇન્ટરનેટની દુનિયામાં ખોવાયું છે. ટેલિવિઝન , ઇન્ટરનેટ અને મોબાઇલ ફોને ઘણું આપ્યું છે એની સામે ઘણું છીનવી પણ લીધું છે.

આપણી પરંપરાગત શેરી રમતો પણ તેમાંની એક છે , જેની આજની પેઢીને ખબર નથી ! તે સમયનું બાળપણ અનેક પ્રકારની શેરી રમતો વડે સમૃદ્ધ હતું. એવી રમતો જે ગમ્મત સાથે જ્ઞાન આપતી , આનંદ સાથે શરીરને મજબૂત બનાવતી અને સમુહ ભાવના વિકસાવતી. તમે પણ આ રમતો રમી જ હશે.

દોસ્તો સાથે આ બધી રમતો રમવાની જે મજા છે તે મજા પબજીમાં ના મળે. શહેરોની અંદર તો આ પરંપરાગત રમતો નાશ પામી છે, પરંતુ ગામડાઓમાં હજુ પણ ક્યાંક બાળકો આવી રમતો રમતા જોવા મળે છે.

ઘર ઘર

તે સમયે બાળકો જે સૌથી પહેલી રમત રમતા તે હતી ઘર ઘરની રમત. ઘર ઘરની રમત વડે જ રમતો રમવાની શરુઆત થતી. જ્યારે જરા અમથી સમજણ પણ ના આવી હોય એવા સમયે એટલે કે પાંચેક વર્ષની ઉંમરે કલ્પનાના ધર બનતાં , પાંચ કે છ બાળકો મળીને આ રમત રમતા. માત્ર ધૂળ અને પથ્થરોની મદદ વડે પોતાની કલ્પનાનું ઘર બનાવવાનું. જેની સામે કરોડોના બંગલા અને મહેલ પણ ફિક્કા લાગતા.

ઘરેથી મમ્મીની જાણ બહાર લાવેલી વિવિધ વસ્તુઓનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવતો. ત્યારબાદ એક છોકરો કહે કે હું પપ્પા બનીશ એટલે તરત કોઇ છોકરી મમ્મી બનવા તૈયાર થતી. જો બે છોકરીઓ મમ્મી બનવા તૈયાર થાય તો પાકવાનું. આ રીતે પરિવારના અન્ય સભ્યો નક્કી થતા. બાળકોએ ઘરે પોતાની આસપાસ જે કંઇ જોયું હોય તેની નકલ કરવાનો પ્રયત્ન કરતા.

બસ પછી બધાને કામ વહેચી દેવામાં આવતા. કોઇ ખેતરે જતું , કોઇ માર્કેટમાં જતું તો વળી કોઇ રસોઇ બનાવતું. રમતમાં સાંજ પડે અને સવાર પણ થતી. ડોક્ટર આવીને ઇંજેક્શન પણ આપે અને બધા મેળામાં પણ જાય , તો વળી આ ઘરમાં ઢીંગલા અને ઢીંગલીના લગ્ન પણ થતા. ટૂંકમાં બાળકોની આખી એક અલગ દુનિયા ઉભી થતી.

ચકરડા અને ચોકઠાની રમત

શેરીની ધૂળમાં પગ વડે ચકરડાં દોરવાનાં , ધૂળ ખસેડી ગોળ આકાર આપવાનો. મોટાભાગે સાત ચકરડા દોરવામાં આવતા પહેલા એક – એક , પછી બે , ફરી એક અને છેલ્લે બે. સાથે એક કૂકરી એટલે કે નાનો પથ્થર હોય. એ કૂકરીને વારાફરતી ચકરડાંઓમાં નાખી , એક પગે એટલે કે લંગડી કરીને ચકરડાં પસાર કરવાનાં. જે ચકરડામાં કૂકરી પડી હોય તેને કુદી જવાનું.

વારાફરતી દરેક ચકરડામાં કૂકરી નાંખવાની , જો કૂકરી ચકરડા બહાર જાય અથવા તો પગ ચકરડા બહાર જાય તો આઉટ ગણાતું અને જો આઉટ થયા વગર સામે પહોંચી જાવ તો જીતી ગયા.

આના જેવી જ એક બીજી રમત પણ હતી. જેમાં ધુળમાં ચકરડાના બદલે ચોરસ ખાના દોરવામાં આવતા. ધૂળ ના હોય તો ચોકથી કોલસાથી છ , આઠ કે દસ ખાના દોરતા. તેને પણ એક કૂકરી ફેંકીને જ રમવામાં આવતી. એક પગ ઉંચો લઇને લંગડી લેતા લેતા ખાનાઓમાં જવાનું અને રમવાનું. બીજા પગથી કૂકરીને ( પથ્થરનો ટૂકડો ) સરકાવવામાં આવતો જેથી પગ લાઈન પર ન પડે.

ક્યારેક વળી ખાનાઓમાં ૧૦૦ , ૨૦૦ , ૫૦૦ એવા નંબર પણ લખવામાં આવતા. ખાનામાં જેમ આગળ વધો તેમ આ સંખ્યા મોટી થતી જાય. જેની ગણતરી પોઇન્ટ તરીકે થતી. રમતના અંતે જેના પોઇન્ટ સાથી વધારે તે વિજેતા ગણાતો. બધા સાથે મળીને આ રમત રમવાની મજા જ અનેરી હોય છે.

ગિલી દંડો અથવા મોઈ દાંડીયો

સમગ્ર દેશમાં આ મોઇ દાંડિયાની રમત રમાતી હતી. અલગ અલગ વિસ્તારોમાં તેને અલગ અળગ નામથી ઓળખાતી. આપણે ત્યાં તે ગિલ્લી દંડો અથવા તો મોઇ દાંડિયા તરીકે પ્રચલિત છે. નામ પ્રમાણે જ તેમાં બે વસ્તુઓ હોય છે , એક ગિલ્લી અને બીજી દાંડી.

ખુલ્લા મેદાનમાં તે રમાય છે. ગિલ્લી બેથી અઢી ઇંચ લાંબી લાકડાની બનેલી હોય છે અને દંડો આશરે એકથી દોઢ ઇંચ જાડો અને એક હાથ લાંબો લાકડામાંથી જ બનેલો હોવો જોઇએ , તેને રમવા માટે નાનો ખાડો ખોદવામાં આવે છે. જેને બદી અથવા ગબી તરીકે ઓળખવામાં આવે છે.

કોણે દાવ આપવો અને કોણે લેવો તે પહેલાં નક્કી કરવામાં આવે છે. ખેલાડી ગિલ્લીને ખાડામાં ગોઠવીને દાંડિયાની મદદથી મારે અને બીજો ખેલાડી તે ગીલ્લીને પકડવાનો ( કેચ ) પ્રયાસ કરે છે. જો તે પકડાય જાય તો તેને આઉટ ગણવામાં આવે છે. જો કેચ ના થાય તો દાવ આપનારે તે ગિલ્લીને ખાડા તરફ એવી રીતે ફેંકવી કે તે બદીમાં પડે અથવા દંડાને આંટે.

જો એમ થાય તો રમનારનો દાવ જાય. જો કેચ ના થાય અથવા ટોલ્લો વાગતાં નીચે પડે તો બદીથી જેટલે દૂર પડી હોય તેટલી જગ્યાની માપણી એ દંડા વડે કરવાની. માપણી વખતે વકટ , લેન , મૂઠ , નાર , આંખ , વૈદ અને જગુ એમ મોઢેથી બોલે. એ રીતે સાત દંડા થાય એટલે એક જગુ થયો ગણાય. જેટલા જગુ થાય તેટલા સામા પક્ષ ઉપર લેણા થાય. અલગ અલગ વિસ્તાર પ્રમાણે આ રમતની ભાષા અને નિયમો અલગ અલગ હોઇ શકે છે .

મોઈ દાંડીયાની બિજી રમતમાં મોઈને ગબીમાં મુકીને દાંડીયાથી ઉછાળીને દૂર મારવામાં આવે. આમા એક ઘાથી મોઈ જેટલે પડે ત્યાથી બિજીવાર આમ એક-બે-ત્રણ વાર મારીને ગબીથી મોઈ જેટલી દૂર ગઇ હોય એટલા આશરે દાંડીયા માંગે. દા.ત. ૨૦-૩૦-૫૦ એમ.
જો દાવ આપનારને એવુ લાગે કે એટલા દાંડીયા નહી થાય તો તે માપી પણ શકે… જો ઘટે તો દાવ જાય. અને થઇ જાય તો ફરી બિજી વારી આવે. અને નક્કી કર્યા મુજબ જે ૫૦૦ ના ટાર્ગેટ સુધી પહોચી જાય તે પાકી જાય… અને તે બધા પર દાવ લે. જે છેલ્લે રહે તેણે બધાનો દાવ આપવો પડે.

ગિલી દંડામા ત્રીજી રીત.
આમા ગબીની ફરતે એક કુંડાળુ (વર્તુળ) દોરવામાં આવે દાવ લેનાર દંડો લઇને ગબીમાથી ગિલીને ઉછાળે. જો કેચ ન થાય તો દાવ આપનારે તે ગિલીને ફેકીને વર્તુળમાં નાખવાની રહે. દાવ લેનાર દંડો લઇને ગિલીને રોકે અને જોરથી તેને દૂર મારે… આમ દાવ ન ઉતરે ત્યા સુધી રમત ચાલે…

નારગોલ , સતોડીયુ અથવા પિઠ્ઠુ

આ રમત પણ દેશના અલગ અલગ વિસ્તારમાં જુદા જુદા નામથી ઓળખાય છે. જેને રમવા માટે એક દડો અને સાત ચપટા પથ્થરની જરુર પડે છે. રમત માટે બે ટીમ બનાવવામાં આવે છે. ત્યારબાદ વચ્ચે એક ગોળ કુંડાળું દોરવામાં આવે છે. જેમાં સાત પથ્થરને એક ઉપર એક તેમ ગોઠવવાના. પહેલા મોટો , પછી થોડો નાનો અને ઉપર સૌથી નાનો.

હવે એક ટીમનો કોઇ ખેલાડી થોડા અંતરેથી પથ્થરના ટાવરને નિશાન બનાવીને દડો ફેંકે છે. જો તે દડાથી પથ્થર પડી જાય એટલે તરત જ બીજી ટીમના ખેલાડીઓ ફરીથી તને એક ઉપર એક એમ ગોઠવવાના કામમાં લાગી જાય. જ્યારે બીજી ટીમ કે જેના પર દાવ હોય છે , તે પથ્થર ગોઠવી રહેલા ખેલાડીઓ પર દડો ફેંકે. જો પથ્થર ગોઠવતી વખતે તમારી ટીમના કોઇ ખેલાડીને અથવા તમને દડો અડી જાય તો તે આઉટ થઇ જાય અને દાવ તે ટીમ ઉપર આવી જાય.

જો પહેલી વારમાં દડા વડે પથ્થર ના પડે તો પછી સામેની ટીમનો કોઇ ખેલાડી દડો ફેંકે છે. જ્યાં સુધી પથ્થર ના પડે ત્યાં સુધી આ પ્રક્રિયા શરુ રહે છે.

છૂટ દડી

ઘરમાં મમ્મી , દાદી અથવા તો બહેનને મનાવીને તેમની પાસે નકામા કપડાનો એક દડો બનાવવામાં આવતો. પછી સાત્ત આઠ છોકરાઓ શેરીમાં અથવા તો ફળિયામાં છૂટ દડીની રમત રમતા. પહેલા તો દાવ કોણ આપશે તે નક્કી કરવામાં આવતું . ત્યારબાદ જેના પર દાવ હોય તે બાળક કપડાના દડા વડે બાકીના ખેલાડીઓને મારવાનો પ્રયત્ન કરતો અને તેઓ આમથી તેમ ભાગતા. જો દડો કોઇને અડી જાય એટલે તે આઉટ ગણાય અને પછી તેનો દાવ દેવાનો વારો આવતો.

અમુક વિસ્તારમાં કોઇ નિયમ વગર આડેધડ દડો જેના હાથમાં આવે તે બિજાને મારે… હા… એમા પણ જે જગ્યાએથી દડો હાથમા આવે તે જગ્યાએથી જ દડો મારવાનો દડો હાથમા લઇને આગળ ન દોડી શકાય.. અને જ્યારે રમનાર બે બાળકો એકબિજાને અડી જાય તો તેને દડો નહી મારવાનો પણ બિજાને મારવાનો..

અલગ અલગ વિસ્તારમાં આ રમત અલગ અલગ નામથી ઓળખાતી. કપડાનો દડો હોય એટલે વાગવાનો ડર પણ રહે અને રમતની મજા વધી જાય .

આમલી પીપળી

જ્યાં પીપળાનું , વડનું અથવા તેવું બીજું કોઈ નીચું ઝાડ હોય અને જમીન ઉપર સારો દળ હોય તેવી જગ્યાએ આ રમત રમાય છે. આ રમતમાં આઠથી દસ અથવા તેથી વધારે ખેલાડીઓની જરૂર પડે છે. બધા છોકરા ઝાડ નીચે ઊભા રહે , ત્યાં એક કૂંડાળું કરી તેમાં એક દંડો (નાની લાકડી) મૂકે.

પછી ગમે તે એક છોકરો કૂંડાળામાં ઊભો રહીને તે દંડો પોતાના હાથમાં લઈને જમણો પગ ઊંચો કરી તેની નીચે હાથ નાખી દંડાને જોરથી દૂર ફેંકે. જેના ઉપર દાવ હોય તે છોકરો દંડો લેવા દોડે. તેટલામાં બધા છોકરા ઝાડ ઉપર ચડી જાય. દાવવાળો છોકરો દંડો લાવી , પેલા કૂંડાળામાં મૂકી. ત્યારબાદ તે છોકરાઓને પકડવા માટે ઝાડ ઉપર ચડે. તે જેવો ઝાડ પર ચડે એટલે ઝાડ ઉપર ચડેલા છોકરાઓ એક ડાળથી બીજી ડાળ કૂદાકૂદ કરી નાસભાગ કરે અથવા નીચે કૂદી પડે અને પેલા કૂંડાળામાં પગ મૂકી દે. પછી દંડો લઈ ફરીથી દડાનો ઘા કરે એટલે દાવવાળા છોકરાને ફેંકેલ દડો લેવા જવું પડે.

જો કૂંડાળામાં પગ મૂકતાં પહેલા દાવવાળો છોકરો કોઈને અડી જાય તો તેનાં ઉપરથી દાવ ઊતરે અને જેને અડી ગયો હોય તેના ઉપર દાવ આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *