Skip to content

સ્વામી સચ્ચિદાનંદજી પાસે પુસ્તક ખરીદવા માટે નહોતા અઢી આના જાણો પછી તે પુસ્તક કઇ રીતે મેળવી શક્યા ?

અઢી આના - સ્વામી સચ્ચિદાનંદ
8229 Views

અઢી આના – સ્વામી સચ્ચિદાનંદજીનાં પુસ્તક ‘મારા અનુભવો’ માથી આ પ્રસંગ લેવામાં આવ્યો છે. જ્યારે સંસ્કૃતનાં અભ્યાસ માટે ‘લઘુકૌમુદી’ પુસ્તકની જરુર હતી… હાલ ધોરણ-8 નાં અભ્યાસક્રમમાં આ પાઠ આવે છે. – Adi Ana

અઢી આના – સ્વામી સચ્ચિદાનંદ

બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો રુદ્રી વગેરનું અધ્યયન કરેલું. પણ વ્યાકરણ વગેરે કશું જાણું નહિ. મને રહી રહીને થયા કરતું કે જો મારે સારી રીતે ધર્મપ્રચાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. મારી તેત્રીસ વર્ષની ઉમર થઈ ગઈ હતી અને હું હવે મને પોતાને ભણવા માટે મોટી ઉંમરનો માનતો હતો.

સુરપુરાના એક મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા , મારી ઇચ્છા હતી કે હું એક બે વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં, સંસ્કૃત શ્લોકોને સમજી શકું એટલે બસ.

મેં સુરપુરામાંથી મથુરા – વૃંદાવન જવાનું નક્કી કર્યું મને વિદાય આપવા આખું ગામ હિલોળે ચડ્યું હતું. સૌની આંખોમાં અશ્રુ હતાં. દર વર્ષે અહીં આવવાનું એવો સૌનો આગ્રહ હતો. ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિ:સ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવવિભોર થઈ જતા હોય છે.

ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો. ગામલોકોએ મને ત્રીસ રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે એટલે રૂપિયાને સ્પર્શ નહિ કરવાનો નિયમ ચાલી નહિ શકે.

થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંરયો. નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો. નામ પણ ઘણા મોટા અક્ષરોએ લખાયું હતું : શ્રોતમુનિ આશ્રમ.

મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી આ જ આશ્રમમાં રહેવા – ભણવા માટે જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે. મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે ?

આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજીએ કહ્યું કે “ હમારે પંડિતજી આપકો પઢને દેંગે, લેકિન રહને કી જગહ નહીં હૈ”

મેં પૂછયું કે તો બીજી કોઈ જગ્યા હોય તો બતાવો. તેમણે મને દૂર આવેલા ‘ પરમહંસ આશ્રમ ‘નું નામ આપ્યું અને ત્યાં જવા સૂચન કર્યું. સાથોસાથ ‘લઘુકૌમુદી’ (વ્યાકરણનું પુસ્તક)લઈને આવતી કાલે ભણવા આવી જવા પણ સૂચવ્યું.

વિશાળ આશ્રમના બંધ પડેલા પચાસેક રૂમોને જોતાંજોતાં હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતાં પહેલાં લઘુકૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તાં તથા સારાં પુસ્તકો મળતાં હતાં.

મેં “ લઘુકૌમુદી ” જોઈ. તેનું મૂલ્ય સાડા દસ આના ( લગભગ 65 પૈસા ) હતું. મારી પાસે માત્ર આઠ જ આના બચ્યા હતા. બાકીના અઢી આના ( પંદર પૈસા ) લાવવા ક્યાંથી ? હું નિરાશ થયો. પુસ્તક પાછું આપ્યું.

સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી. હવે શું કરવું ? લગભગ માઈલ – દોઢ માઈલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો. પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઊતરવાની જગ્યા. પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહિ. અન્નક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. અહીં પોતાનું પાથરણું પાથરીને સુઓ અને કૂવાનું પાણી પીઓ.

માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બીરગિરિજી તેનું સંચાલન કરતા. માણસ બહુ જ સારા, ભલા અને સમજુ. મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યું. અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ ન હતો.
હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો. આવતી કાલથી ભણવાનું શરૂ કરવું છે પણ લઘુ કૌમુદી વિના કેમ ભણાશે ? અઢી આના લાવવા ક્યાંથી ? વાતાવરણ અજાણ્યું હતું. કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતી. શું કરવું ? કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો :

વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો અઢી આના માગ. કોઈ તે જરૂરી આપી દેશે. બીરગિરિજીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા. સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચભરી દૃષ્ટિથી જોતો. કદાચ આ માણસ મને અઢી આના આપે. પણ માગવાની હિંમત ના ચાલે. કદાચ ના પાડશે તો ? કદાચ અપમાન કરશે તો ?

માણસમાં જ્યારે યાચનાવૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ , ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઢસ જેવું થઈ જાય છે તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો.

અઢી આના - સ્વામી સચ્ચિદાનંદ
swami sachchidanand photo

લગભગ દોઢ માઈલના રસ્તા ઉપર કેટલાંય માણસો સામે મળ્યાં. મેં સૌને નિહાળ્યાં , પણ કોઈની પાસે અઢી આના માગી શક્યો નહિ. બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. મને થઈ ગયું કે હું અઢી આના માગી શકીશ નહિ અને પુસ્તક વિના ભણી શકીશ નહિ. નિરાશા વધી ગઈ હતી. તેવામાં મારી દૃષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી.
કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો મારી હથેળીમાં રાખેલા આઠ આના તેને બતાવ્યા અને કહ્યું , “ મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે. અઢી આના ખૂટે છે. જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ પણ જો નહિ મળે તો નહિ આપું. ”

કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ અઢી આના આપી દીધા. મારા આનંદનો પાર ન હતો. મને થયું , નરસિંહ મહેતાની હૂંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું.

જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો. હું મૂર્તિપૂજામાં બહુ માનતો નહિ તેમ છતાં કોઈ કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ બાધ માનતો નહિ. બિહારીજીનાં દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવ્યો. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહિ તેમ વીજળી પણ હતી નહિ. એટલે કોઈ ને કાંઈ કહ્યા વિના ચુપચાપ પોતાના આસને જઈ બેસી ગયો.

મને બરાબર યાદ છે કે એક મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું. એક મહિના પછી એક રૂપિયો મળ્યો હતો, જેમાંથી અઢી આનાનું દેવું મેં તરત જ ચૂકવી દીધું હતું.

અઢી આના ચૂકવી દેવાનું મહત્ત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાનદાસે મને અઢી આના આપ્યા હતા તેનું મહત્ત્વ છે. આવા પ્રસંગો જીવનભર વીસરાવા જોઈએ નહિ.

( ” મારા અનુભવો ” માંથી – સ્વામી સચ્ચિદાનંદ )

આ પણ વાંચો 👇👇

સ્વામી સચ્ચિદાનંદ દંતાલી, સ્વામી સચ્ચિદાનંદના પુસ્તકો, swami sachchidanand ni books, Mara anubhavo by swami sachchidanand, Best Gujarati Books, મારા અનુભવો. swami sachchidanand books in gujarati

4 thoughts on “સ્વામી સચ્ચિદાનંદજી પાસે પુસ્તક ખરીદવા માટે નહોતા અઢી આના જાણો પછી તે પુસ્તક કઇ રીતે મેળવી શક્યા ?”

  1. Hemantkumar Jashavantlal Soni

    મનના શુદ્ધ ભાવથી કરવામાં આવેલ કામના ઈચ્છીત ફળ નિઃશંકપણે આપે જ છે. પૂ. સ્વામીજીના જીવનની આ ઘટના જાણ્યા પછી દર્શન કરવાની ઈચ્છા જાગૃત થઈ છે.

  2. Pingback: સંત મેકરણ દાદા નો અમર ઈતિહાસ વાંચો ભાગ 1 થી 3 - AMARKATHAO

  3. Pingback: ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 101 વાર્તાઓનો સંગ્રહ - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *