2034 Views
અયોધ્યામાં રામ મંદિરનો સાચો ઈતિહાસ ભાગ 1 વાંચવાનો બાકી હોય તો અહીથી વાંચો. આ રામ મંદિરના ઈતિહાસનો છેલ્લો ભાગ છે- આશુતોષ ગીતા. Ram mandirno sacho Itihas, Ayodhya Ram mandir History.
અયોધ્યા રામ મંદિરનો સાચો ઇતિહાસ (ભાગ 4)
ગઈકાલના એપિસોડ સુધી આપણે વાત કરી હતી કે કઈ રીતે હુમાયુએ રામ મંદિર કે જે હવે મસ્જિદ-એ-જન્મસ્થાન, બાબરી મસ્જિદ બની ચૂકી હતી તે ફરી એકવાર હિંદૂ ભક્તોના હાથમાં ચાલી જવાથી તેને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધો અને પોતાનું તમામ બળ લગાવી તેને ફરી હિંદૂઓ પાસેથી આંચકી લીધું. હવે આગળ…
હુમાયુએ તેના પૂરા સૈન્યબળ સાથે ફરી એકવાર અયોધ્યાની ગેરકાનૂની બાબરી મસ્જિદ (મૂળ રામ મંદિર) પાછી મેળવવા માટે હુમલો કર્યો અને તે યુદ્ધમાં ભારત વર્ષે તેની મહાવીર ક્ષત્રિયાણી રાણી જયરાજ કુમારી અને સ્વામી મહેશ્વરાનંદને ગુમાવવા પડ્યા. ભારતના આ બંને પનોતા સંતાનો અને તેમની સેના (જેમાં સૈન્ય તરીકે સ્ત્રીઓ અને સંતપુરુષો હતા.) લડતા-લડતા લોહી નીંગળતા શરીર સાથે વીરગતિ પામી અને મંદિરના ઇતિહાસમાં વધુ એક રક્તરંજિત પાનું ઉમેરાઈ ગયું.
આ ઘટના બાદ પણ અનેક એવી ઘટનાઓ અને કિસ્સાઓ બન્યા કે જ્યારે હિંદૂ વીર લડવૈયાઓએ વારંવાર એ મંદિરના પુનઃ સ્થાપન માટે પોતાના પ્રાણોની આહૂતિ આપી. હુમાયુનું સાશન પૂર્ણ થયું અને અકબરનું સાશન આવ્યું ત્યાં સુધી આ પ્રયત્નો સતત ચાલતા રહ્યા. પણ દરેક સહનશીલતાને એક એવો પોઇન્ટ હોય છે કે જ્યાં સહનશીલતા તેની સપાટીએ આવી જાય અને વ્યક્તિ મરણિયો બની જાય. જયારે અહીં તો કોઈ એક વ્યક્તિનો સ્વાર્થ કે કોઈ એકની વાત જ નહોતી. આખી એક પ્રજાની વાત હતી. જે કેમેય કરી હાર માનવા તૈયાર નહોતી. આખીય એક પ્રજા દ્વારા ચાલતા આ સતત યુદ્ધથી તે સમયે અકબર એવો ગભરાયો કે તેણે બીરબલ અને ટોડરમલની સલાહ માનવી પડી.
આખરે ગભરાયેલા અકબરે, પ્રજાનો આંતરવિદ્રોહ રોકવા માટે બીરબલ અને ટોડરમલના કહેવાથી મસ્જિદના ચબૂતરા પર એક ૩ ફૂટનું નાનું રામ મંદિર બંધાવ્યું. જ્યાં હિંદૂઓ પોતાની પૂજા અર્ચના કરી શકે. અકબરના સાશન બાદ આવ્યો જહાંગીર અને ત્યારબાદ આવ્યો શાહજહાં… ભલે નાનું તો નાનું પણ પોતાના ઈશ્વરનું ધામ હતું. હિંદૂઓ એટલી મોટી સંખ્યામાં ત્યાં પૂજા અર્ચના કરી રહ્યા હતા કે જહાંગીર કે શાહજહાંમાંથી કોઈની હિંમત નહોતી કે તે મંદિરને ત્યાંથી હટાવવાની કે તોડી પાડવાની વાત સુધ્ધાં કરે.
પણ, સમય ફરી એકવાર બદલાવાનો હતો.
એક ભવ્ય મંદિરને અન્યાયપૂર્વક આંચકી લીધા પછી પણ નાનું મંદિર મળ્યું હોવાનો સંતોષ માનતા હિંદૂઓ પર ફરી એક મોટો હથોડો ઝીંકાવાનો હતો. શાહજહાંનું નરાધમ, દૈત્ય સંતાન ઔરંગઝેબ પોતાના સગા બાપને બંધી બનાવી લઇ રાજગાદી પર આવ્યો. અને તેણે ફરી એકવાર મંદિર તોડી પાડવાના પ્રયાસો શરૂ કર્યા. (આખાય ભારતમાં સૌથી વધુ મંદિરો ઔરંગઝેબના સાશનકાળ દરમિયાન તૂટ્યા અને લૂંટાયા છે. આખાય ભારતમાં સૌથી વધુ બળજબરીએ ધર્મ પરિવર્તન પણ ઔરંગઝેબના સાશનકાળ દરમિયાન જ થયા છે.)
હવે જે આંકડો તમે વાંચવા જઈ રહ્યા છો તે ખરેખર ચોંકાવનારો છે. ઔરંગઝેબ નામના એ પાશવી મુગલે અયોધ્યાનું એ ૩ ફૂટનું નાનું મંદિર પણ તોડી પાડવા માટે અયોધ્યા પર અંદાજે ૧૦ વાર આક્રમણ કર્યું. દરેક આક્રમણ દરમિયાન તેણે અયોધ્યાના અનેક મંદિરો તોડ્યા અને લૂંટ્યા. પણ આ ભારતવર્ષ છે, સાહેબ… ઔરંગઝેબે જો અયોધ્યા પર દસ વાર હુમલો કર્યો તો ઔરંગઝેબના જ સાશન દરમિયાન એ જ રામંદિરની રક્ષા માટે શ્રી વૈષ્ણવદાસજીએ લગભગ ૩૦વાર ઔરંગઝેબ પર આક્રમણ કર્યું.
આ સતત ચાલતા રહેલા યુદ્ધ, યુદ્ધ અને યુદ્ધમાં સાલ આવી ૧૭૧૭ની. જ્યારે જયપુરના રાજા જયસિંહ બીજાએ યુદ્ધથી નહિ પણ વાટાઘાટથી હિંદૂઓનું આ પવિત્ર સ્થાન ફરી હિંદૂઓને મળે તે માટેના પ્રયાસ આરંભ્યા. જયપુરના રાજવી જયસિંહ બીજા એક પ્રભાવશાળી રાજા તો હતા જ સાથે જ તેમની મુગલ સાશકો સાથે સારી મિત્રતા પણ હતી. આથી તેમણે મુગલોને રજૂઆત કરી કે હિંદૂઓને તેમનું ધાર્મિક સ્થળ પાછું સોંપી દેવામાં આવે.
પરંતુ, મુગલ સુલતાન ફારૂક સિયાર પોતાના મિત્રની વાત માનવા તૈયાર નહોતો. તેણે ફટ કરતા રાજા જયસિંહ બીજાને ના કહી દીધી. છતાં, જયસિંહે હાર માન્યા વિના પોતાના પ્રયાસો ચાલૂ રાખ્યા અને તે ૩ ફૂટના નાનકડા મંદિરની પાસે તેમણે એક રામ ચબૂતરો બનાવડાવ્યો. જેથી હિંદૂ ભક્તો ત્યાં પૂજા કરી શકે. પુરાવા રૂપે હજી એક પ્રમાણ ભારતના હિંદૂઓને મળે છે. સાલ હતી ૧૭૮૮. ફ્રાન્સના એક પાદરી જોસેફ ટિફનટલર જે સ્વયં તે સમયે ભારતમાં હાજર હતા. તેઓએ લખેલા એક પુસ્તકમાં નોંધે છે કે, બાબરી મસ્જિદ એ શ્રી રામનું મંદિર તોડીને બનાવવામાં આવી હતી એટલું જ નહિ તેમણે પોતાના પુસ્તકમાં રામ ચબૂતરાનો પણ ઉલ્લેખ કર્યો.
મુગલો પછી આવ્યા ફિરંગી અને ત્યારબાદ આવ્યા અંગ્રેજો. સાલ હતી ૧૮૧૩ની જ્યારે દેશના હજારો હિંદૂઓએ ભેગા મળી અંગ્રેજો સામે રજૂઆત કરી અને મૂળ હિંદૂઓનું આ પવિત્ર સ્થાન હિંદૂઓને પાછું આપવામાં આવે તે વિષે કહેવામાં આવ્યું. પણ તે સમયે અંગ્રેજો ભારતમાં પોતાના મૂળિયાં હજી એટલા મજબૂત નહોતા કરી શક્યા કે તે કંઈ કરી શકે. મહેમાન અને વ્યાપારી બનીને આવેલા એ વિદેશીઓએ હજી પોતાનો અસલી રંગ દેખાડવાની શરૂઆત જ કરી હતી. છતાં, તેમણે એક સર્વે અને સંશોધન શરૂ કર્યું. જેનો રિપોર્ટ અંગ્રેજ સરકારને જમા કરાવવામાં આવ્યો. તે રિપોર્ટમાં ચોખ્ખે-ચોખ્ખું એવું લખવામાં આવ્યું હતું કે, મસ્જિદની આસપાસ મંદિરની વાસ્તુકલાના પુરાવાઓ મળ્યા છે. અને આ મસ્જિદ મૂળ મંદિર હોવાની પૂરેપૂરી શક્યતા છે. (કોઈ બુદ્ધિજીવી ઈન્ટલેકચૂલે સત્યતા તપાસવી હોય તો, ઇંગ્લેન્ડની “હિસ્ટરી ઓફ બ્રિટિશ ઇન્ડિયા” આરકાઈવમાં આજે પણ આ રિપોર્ટ મોજૂદ છે.) પણ છતાં, દેશના મુસ્લિમ સાશકોને અને અંગ્રેજોને ક્યાં કોઈ ફર્ક પડતો હતો.
૧૮૨૭ની એ સાલ કે જ્યારે અવધના નવાબ નસીરૂદ્દીન હૈદરશાહ દ્વારા ફરી એકવાર મસ્જિદ પર હકદાવો કરવામાં આવ્યો અને તેણે બળજબરીએ તે મસ્જિદ કે જે મૂળ મંદિર હતું તેનો અધિકાર પોતાની પાસે લઇ લીધો. પણ હિંદૂઓની શ્રદ્ધા, આસ્થા, ભક્તિ અને વિદ્રોહ હજીય થમવાનું નામ નહોતું લઇ રહ્યા. કારણ કે તમારો મૂળભૂત અધિકાર કોઈ જુલ્મી છીનવી લે તો પણ અહિંસક બની ભલમનસાઈ દેખાડવી અને કોઈ એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ સામો ધરવા જેવી બુઠ્ઠી, સ્વનો વિનાશ નોતરનારી અને ગળચટ્ટી લોલીપોપ હજી ભારતીયોના મોઢામાં મૂકાઈ નહોતી. નસીરૂદ્દીન હૈદરશાહે જમાવી લીધેલા એ ગેરકાનૂની અધિકાર સામે રામજન્મભૂમિની સ્વતંત્રતા માટે અયોધ્યાના સ્થાનીય લોકોએ ફરી એકવાર ભેગામળી એક સેના બનાવી.
અને અયોધ્યા (અવધ)ની સેના પર ત્રણવાર આક્રમણ કર્યું. જેમાં બે વાર તેમણે હારનો સામનો કરવો પડ્યો. હજારો સ્થાનિક લોકોએ તેમાં જીવ ગુમાવ્યો. પણ તે સશક્ત હિંદૂઓએ તેમ છતાં હાર નહિ માની અને ત્રીજીવારના હુમલા બાદ તેમણે અવધના નવાબની તે સેનાને મારી ભગાડી. આખરે વર્ષોની મહેનત રંગ લાવી અને વર્ષો બાદ ફરી એકવાર શ્રી રામ જન્મભૂમિ પર સ્થિત રામ મંદિર (અનઅધિકૃત મસ્જિદ) પર હિંદઓએ આધિપત્ય મેળવ્યું.
અવધના નવાબની સેના એટલે કે નવાબની હાર થઇ હતી અને હિંદૂઓ પોતાના રાષ્ટ્રમાં પોતાના ધાર્મિક સ્થળ માટેની લડાઈ ફરી એકવાર જીતી ચૂક્યા હતા. પણ, જુલ્મી, પાશવી અને અત્યાચારી મુગલીયા સાશકો તેના દૈત્યરૂપી કૃત્યોથી ક્યાં બહાર આવવાના હતા. જે સાશકો રાષ્ટ્રના મૂળ હિંદૂ પુરુષોની વૃષણ કોથળીઓ તોડી નાખી તેમને કિન્નર બનાવી દેવા સુધીનો જુલ્મ કરી શકતા હોય તે બીજું શું-શું ન કરી શકે. દિલ્હીના સુલ્તાન અકબરશાહ અને અવધના નવાબ નસીરૂદ્દીન હૈદર શાહે હિંદૂ રાષ્ટ્રમાં, હિંદૂઓના હકના મંદિર માટે થયેલા યુદ્ધની હાર સામે સહિયારી સેના બનાવવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય ભારતના આ મંદિર ઇતિહાસમાં ફરી એકવાર રક્તરંજિત ઇતિહાસ સાબિત થવાનો હતો.
દિલ્હીના સુલ્તાન અકબરશાહ અને અવધ નવાબ નસીરૂદ્દીન હૈદર શાહની સમ્મલિત સેનાએ અયોધ્યા રામ જન્મભૂમિ પર હિંદુઓના નરસંહારનો પ્રારંભ કરી દીધો. જે સામે દેખાય તેને ક્રુરતાથી આ સેના મારવા માંડી. બાળક, સ્ત્રી, પુરુષ તેમને મન કોઈ ભેદ નહોતો. દરેક વ્યક્તિને મારી નાખવી એ જ જાણે લક્ષ્ય હોય તે રીતે તેમણે સામૂહિક નરસંહાર ચલાવ્યો. સ્થાનીય હિંદૂઓએ ફરી એકવાર લડવા માટે તેમની સેના બનાવી પણ આટલી વિશાળ સેના સામે તેઓ ક્યાં સુધી ટકી શકે. છેલ્લા શ્વાસ સુધી લડતા રહી તે સ્થાનિક હિંદૂઓની લાશો પર ચઢી ફરી એકવાર તે મુગલોએ જન્મભૂમિ મંદિરનો કબ્જો લઇ લીધો.
ત્યારબાદ દિલાસા તરીકે ફરી એકવાર હિંદૂઓને પ્રમાણ મળ્યા. સાલ હતી ૧૮૩૮ની. અંગ્રેજ પુરાતત્વવિદ મોંટેગો મેરી માર્ટિનના વડપણ હેઠળ એક સંશોધન ચલાવવામાં આવ્યું. સંશોધનનો પૂર્ણ રિપોર્ટ સબમિટ કરાવતા મોંટેગો મેરી માર્ટિન તેમાં લખે છે કે, “જે સ્તંભો પર બાબરી મસ્જિદ ઉભી કરવામાં આવી છે તે દરેકે-દરેક સ્તંભ વાસ્તવમાં એક મંદિરના સ્તંભ જ છે!” (આ રિપોર્ટ પણ ઇંગ્લેન્ડની લાયબ્રેરીમાં “હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા”ની આરકાઈવમાં સચવાઈને પડ્યા છે. સો સેક્યુલર્સ, ઈન્ટલેકચૂઅલ્સ પ્લીઝ ગો અહેડ એન્ડ ચેક!) તેમના આ રિપોર્ટ પર દેશના મુસ્લિમોએ ખુબ મોટો વિરોધ કર્યો. ધમાલો કરવા માંડી.
૧૮૩૮ના રિપોર્ટની સાબિતી પર આજની વાતને અહીં વિરામ આપીએ.
— આશુતોષ ગીતા
અયોધ્યા રામ મંદિરનો ઇતિહાસ (ભાગ 5)
૧૮૩૮ની સાલમાં અંગ્રેજ પુરાતત્વવિદ મોંટેગો મેરી માર્ટિનના રિપોર્ટ વિષે વાતો કરી આપણે એપિસોડ પૂર્ણ કર્યો હતો. હવે આગળ…
મોંટેગો મેરી માર્ટિનના રિપોર્ટને દસ વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો હતો. બીજા ભલે ભૂલી જાય, હિંદૂઓ તેમના હક અને ધર્મસ્થાનને ભૂલ્યા નહોતા. ૧૮૪૮ની એ સાલ કે જ્યારે ફરી એકવાર ધર્મના હક માટે યુદ્ધ ખેલાયું. વાજિદ અલી શાહના સાશનમાં ફરી એકવાર હિંદૂઓ ભેગા થયા અને તેમના આ પવિત્ર મંદિરને પાછું મેળવવા માટે પ્રયાસ કર્યો. મુગલ સૈનિકો અને હિંદૂઓ વચ્ચે બે દિવસ સુધી ઘોર યુદ્ધ ચાલ્યું. ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને લગનીએ આ વખતે ફરી એકવાર હિંદૂઓને વિજયી બનાવ્યા. વાજિદ અલી શાહની સેના હારી ગઈ.
ફરી એકવાર હિંદૂઓએ ઔરંગઝેબે જે નાનું મંદિર તોડી પાડ્યું હતું તે ૩ ફૂટના મંદિરમાં રામચંદ્રજીની મૂર્તિનું સ્થાપન કર્યું. પણ ધાર્મિક પ્રજાની પૂજા-અર્ચના પણ એ બાહરી, જુલ્મી લૂંટારુ સાશકોને એટલા ખૂંચતા હતા કે, વાજિદ અલી શાહની મદદે બહાદૂરશાહ ઝફર આવ્યો અને તેણે વાજિદ અલીને પોતાની સેનાની મદદ આપવાની ઓફર કરી. વાજિદ અલી શાહ અને બહાદૂરશાહ ઝફરની સંમલિત સેનાએ ફરી એકવાર હુમલો કર્યો અને હિંદૂઓને હરાવી તે મસ્જિદ અને પેલા નાના મંદિરનો કબ્જો લઇ લીધો.
પરંતુ, તે સમયે એ નહોતી ખબર કે બે સુલ્તાનો દ્વારા ભારતની ધાર્મિક સહિષ્ણુ પ્રજા પર થયેલો આ હુમલો અને પુનઃ થયેલું ગેરકાનૂની અધિગ્રહણ ભવિષ્યમાં કોઈક અણધારી અને ભયંકર મોટી પનોતી લઈને આવવાનો હતો. ૫ વર્ષ બાદ આ મંદિર ઇતિહાસના કપાળે વધુ એક કાળીટીલી લાગી. કોમી રમખાણોની! સાલ હતી ૧૮૫૩ની, ભારતના ઇતિહાસમાં પહેલીવાર પેલા બે મુગલ સુલ્તાનોના સમર્થક મુસ્લિમોએ હિંદૂઓ પર હુમલા કર્યા. અને શરૂ થયો સામાન્ય પ્રજા વચ્ચે અંદરો-અંદર ઘર્ષણનો એક નવો જ રક્તરંજિત ઇતિહાસ.
બંને પક્ષોના અનેક માણસો આ દંગાઓમાં માર્યા ગયા. બે વર્ષ સુધી ઓછાં-વધતા પ્રમાણમાં ચાલતા રહેલા આ રમખાણો પછી ફરી એકવાર હિંદૂઓ સાથે છેતરપિંડી થઇ. અને આ વખતે હિંદૂઓને છેતર્યા અને દગો કર્યો હતો, અંગ્રેજોએ! ૧૮૫૫ની સાલમાં અંગ્રેજોએ મુસ્લિમોને તો તે મસ્જિદમાં જવાની પરવાનગી આપી દીધી પણ હિંદૂઓને ત્યાંના મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. લાચાર અને દગો ખાધેલા હિંદૂઓએ છેતરાયા હોવાની લાગણી સાથે તે મસ્જિદથી ૧૫૦ ફુટ દૂર રામ ચબૂતરા પર પ્રભુ શ્રી રામનું એક મંદિર બનાવ્યું અને ત્યાં પૂજા-અર્ચના કરવી શરુ કરી.
ત્યારબાદ બે જ વર્ષ બાદ ૧૮૫૭ની સાલમાં ભારતમાં ક્રાંતિની શરૂઆત થઇ. જેને આપણે ૧૮૫૭ના વિપ્લવ તરીકે ઓળખીએ છીએ. આ વર્ષે ફરી એકવાર રામ મંદિરના જીર્ણોદ્ધાર માટે અયોધ્યાના તે સમયના મહંત રામચરણદાસજીએ પ્રયાસો આરંભ્યા.
રામચરણદાસજીએ એક મૌલવી આમિર અલીને પોતાની વાતો સમજાવી. આમિર અલી માની પણ ગયા કે વાસ્તવમાં આ સ્થાન શ્રી રામ જન્મભૂમિ છે!
હિંદૂઓએ તેમની આ સમજ અને સ્વીકારને વધાવી લીધા. પરંતુ, એક મુસ્લિમ આ રીતે રામના ગુણગાન ગાય તે વાત મુસલમાનોને હજમ નહિ થઇ. મુસ્લિમો તે મૌલવી અને સ્વામી રામચરણદાસજીનો કોઈપણ જાતના કારણ વિના વિરોધ કરવા માંડ્યા. તેમણે આ રીતના વિરોધ પ્રદર્શનને એટલું મોટું સ્વરૂપ આપી દીધું કે અંગ્રેજોની કંપની સરકારને ફરી એકવાર કોમી હુલ્લડનું જોખમ દેખાવા લાગ્યું. જેનું પરિણામ અત્યંત દુઃખદાયી આવ્યું. કોઈપણ જાતના વાંક ગુના વિના, કોઈપણ વ્યાજબી કારણ વિના કંપની સરકારે તે જ મંદિરની નજીક એક ઝાડ પર તે મૌલવી અને સ્વામી રામચરણદાસજીને એક સાથે લટકાવી દઈ ફાંસી આપી દીધી.
અંગ્રેજ સરકાર અને મુસલમાનોના આવા કૃત્યથી દેશના હિંદૂઓ જબરદસ્ત ભડક્યા. અંગ્રેજોને સમજાય ગયું હતું કે જો આ હિંદૂઓ શાંત નહિ થયા તો મોટી મુશ્કેલી સર્જાશે. આથી ફરી એકવાર હિંદુઓની કોણીએ ગોળ વળગાડવામાં આવ્યો. દર્શન અને પૂજાની જુઠ્ઠી લોલીપોપ દરેક હિંદુના મોઢામાં મૂકવામાં આવી. અત્યંત ચાલાક અંગ્રેજ સરકારે તે વિવાદિત સ્થળ પર એક સેન્ટીંગ એટલે કે બોર્ડર બનાવી દીધી. અને મુસલમાનોને અંદરનો હિસ્સો અને હિંદૂઓને પૂજા કરવા માટે બહારનો હિસ્સો આપી દેવામાં આવ્યો. આ રીતે વચ્ચેનો માર્ગ કાઢી અંગ્રેજોએ પ્રયાસ કર્યો કે હિંદૂઓના માનસ પરથી પોતે કરેલી ભૂલ હટાવી શકાય અને મુસલમાનોને ખુશ કરી શકાય. કમાલ જૂઓ કે તેમનો આ પેંતરો કામ કરી પણ ગયો. ઘણા લાંબા સમય સુધી દેશમાં આ મુદ્દે શાંતિ સ્થપાઈ ગઈ.
ત્યારબાદ, વર્ષ આવ્યું ૧૮૮૫નું. જ્યારે, હિંદૂઓના રાષ્ટ્રમાં, હિંદૂઓના જ દેવતાના હિંદૂ મંદિર માટે પહેલીવાર કોર્ટનો દરવાજો ખટખટાવવો પડવાનો હતો. નિર્મોહી અખાડાના તે સમયના મહંત શ્રી રઘુવર દાસજીએ પહેલીવાર ન્યાય સિસ્ટીમમાં ભરોસો રાખી રામ જન્મભૂમિના મુદ્દાને કોર્ટમાં લઇ જવાનું નક્કી કર્યું. ફૈઝાબાદની કોર્ટમાં ઘા નાખવામાં આવી. તે સમયે ફૈઝાબાદ કોર્ટના જજ તરીકે હતા, પંડિત હરિકિશન! મહંત શ્રી રઘુવર દાસજીએ કોર્ટને પ્રાર્થના કરી કે, રામ ચબૂતરા પર છતરી લગાડવાની પરવાનગી આપવામાં આવે. પણ, હિંદૂ મેજોરિટીવાળા આ રાષ્ટ્રની કરૂણતા જૂઓ કે કોર્ટે તેમની આ અરજી ફગાવી દીધી. હિંદૂ દેશમાં, હિંદૂ મંદિરમાં જ પૂજા કરવા માટે એક હિંદૂ સંતે કોર્ટમાં અરજી કરવી પડે અને તે અરજી ફગાવી દેવામાં આવે.
૧૯૩૪ની સાલમાં ફરી એકવાર હિંદૂઓ અને મુસ્લિમો વચ્ચે કોમી હુલ્લડ થયું અને તેમાં વર્ષોથી અન્યાય સહન કરી રહેલા ગુસ્સે ભરાયેલા હિંદૂઓએ બાબરી મસ્જિદની દિવાલ તોડી પાડી. પણ અંગ્રેજ સરકારે તે દિવાલ પાછી બંધાવડાવી દીધી. આ હુલ્લડનો એક ફાયદો જરૂર થયો. હિંદૂઓએ આ વખતના હુલ્લડ પછી એટલો જબરદસ્ત વિરોધ કર્યો કે અંગ્રેજ સરકારે મુસ્લિમોને ત્યાં નમાજ પઢવા જવાની મનાઈ ફરમાવી દીધી. ત્યારબાદ આની આ જ પરિસ્થિતિ કાયમ રહી અંગ્રેજો આ દેશમાંથી ગયા ત્યાંસુધી, દેશ આઝાદ થયો ત્યાં સુધી.
૧૯૪૭ની સાલ આવી. દેશ આઝાદ થયો પરંતુ તે સાથે જ હિંદૂ-મુસ્લિમ આંતર વિગ્રહ પણ તેની ચરમસીમાએ ફાટી નીકળ્યો. મહમ્મદ અલી જિન્નાહને મુસ્લિમો માટે તેનો એક નવો દેશ જોઈતો હતો. હિંદૂઓને થયું કે હવે તો મુસ્લિમોનો નવો દેશ પણ બની ગયો અને મુસ્લિમો ત્યાં ચાલી ગયા. હવે તો હિંદૂઓના અત્યંત ધાર્મિક એવા સ્થળે મંદિર બનશે જ બનશે! પરંતુ, એવું નહિ બન્યું. તત્કાલીન કોંગ્રેસ સરકારની “કરવા જેવા કામો”ની યાદીમાં “રામ મંદિર”નો ક્યાંય ઉલ્લેખ સુધ્ધાં નહોતો. અધૂરામાં પૂરું આઝાદ દેશની નવી બનેલી સરકારે મસ્જિદના દરવાજે જ તાળા લગાવી દીધા. હા, પણ તેમાં એક વાત સારી બની કે, હિંદૂઓને બીજા એક અન્ય દ્વારથી પ્રવેશ માટેની પરવાનગી આપવામાં આવી.
અહો આશ્ચર્યમ, ૧૯૪૯ની સાલમાં એક એવી ઘટના ઘટી કે જે કોઈને માનવામાં નહિ આવે. અચાનક એક દિવસ મસ્જિદની અંદરથી ઘંટડીનો અવાજ આવવા માંડ્યો. તપાસ કરવામાં આવી તો ખબર પડી કે, મસ્જિદની અંદર એક મૂર્તિ દેખાય આવી છે. પાકિસ્તાન નહિ ગયેલા ભારતમાં જ રહી ગયેલા જૂજ બચેલા મુસલમાનોમાના કેટલાંક મુસ્લિમોએ આરોપો લગાવ્યા કે હિંદૂઓએ તે મૂર્તિ જાણી જોઈને ત્યાં મૂકી છે. આ વિવાદ એટલો વકર્યો કે મસ્જિદ જે મૂળ મંદિર હતું તે સ્થળે અનેક હિંદૂ અને મુસ્લિમો ભેગા થવા માંડ્યા.
જો જો હોં… હવે પછી આવનારી વાત વાંચી બેઠેલી જગ્યા પરથી ગબડી નહિ પડતા… આંખો પણ પહોળી નહિ કરતા… આશ્ચર્ય તો જરા પણ અનુભવતા જ નહિ… આખરે આ વિવાદ એટલું જોર પકડવા માંડ્યો કે વાત છેક દિલ્હીમાં બેઠેલા દેશના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂ સુધી પહોંચી ગઈ. અને ચાચા નહેરૂ, બાળકોના પ્રિય એવા નહેરૂ, છાતીએ ગુલાબ લઇ ફરતા આપણાં દેશના પરમ દયાળુ એવા પ્રથમ પ્રધાનમંત્રી નહેરૂજીએ મુસ્લિમોનો પક્ષ લેતા, અયોધ્યાનાં જિલ્લા અધ્યક્ષ શ્રી કે. કે. નાયરને હુકમ કર્યો કે, તેઓ પ્રભુ શ્રી રામની તે મૂર્તિઓને ત્યાંથી હટાવી દે. પણ સદ્દનસીબે તત્કાલીન જિલ્લા અધ્યક્ષ નાયર સાહેબે તેમ કરવાની ના કહી દીધી.
તારીખ હતી ૨૭મી ડિસેમ્બર, ૧૯૪૯. ચાચા જવાહરલાલ નહેરૂએ ફરી એકવાર પત્ર દ્વારા શ્રી કે. કે. નાયરને હુકમ કર્યો કે શ્રી રામની મૂર્તિઓ હટાવી લેવામાં આવે. (આ ઓફિશિયલ કોમ્યુનિકેશનની કોપી ઉત્તરપ્રદેશ સરકારના આરકાઈવમાં અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં આજે પણ મોજૂદ મળશે.) પરંતુ, સ્વમાની, ધાર્મિક હિંદૂ એવા કે.કે. નાયરે જવાબમાં પોતાનું રાજીનામુ આપી દીધું અને સાથે કહ્યું પણ ખરૂં કે, મૂર્તિઓ હટાવવાની જગ્યાએ ત્યાં એક જાળીવાળો દરવાજો લગાવી દેવામાં આવે. ભોળા, હિંદૂ ધર્મ પ્રેમી નહેરુજીને નાયરનો આ સુજાવ ગમ્યો. તેમણે પ્રભુ શ્રી રામની મૂર્તિની આસ-પાસ એક જાળીવાળો દરવાજો લગાવવાનો હુકમ કર્યો.
અર્થાત, પ્રભુ શ્રી રામ પોતે જ્યાં જનમ્યા હતા તે જ સ્થળે હવે તેઓ એક કેદીની જેમ આજુ-બાજુથી જાળીઓમાં કેદ હતા. બિચારા પ્રભુને કદાચ એ વાત પહેલેથી જ ખબર હતી કે, તેમણે આ રીતે હજી કેટલા વર્ષો સુધી રહેવાનું છે. પરંતુ, ભગવાનને કેદી બનાવી શકે એટલી તાકાત અને હિમ્મત હજી વિશ્વના કોઈ ચમરબંધીમાં આવી નથી અને આવશે પણ નહિ. આથી જ એથી સાવ ઉલટું પરિણામ ભવિષ્યના સૂર્યોદય ક્ષિતિજે ઉદ્દગ્મની રાહ જોઈ રહ્યું હતું. આજની વાતને અહીં વિરામ આપીએ…
કાવા દાવાઓની આ મેલી રમત વિષેની વાત આવતીકાલે કરી આ ટૂંકી શૃંખલાને અહીં પૂર્ણ કરીશું. આવતી કાલે આ સીરીઝનો છેલ્લો એપિસોડ. અને સોમવારે આપણે બધા ભેગામળી રામચંદ્રજીના પુન: રાજ્યાભિષેકનો મહોત્સવ મનાવશું!
*એક નમ્ર અરજ – આપ આ આર્ટિકલને વધૂને વધૂ ફોરવર્ડ કરો એવો શુભ આશય તો ખરો જ. પરંતુ, જ્યારે ફોરવર્ડ કરો ત્યારે ફેસબુકની તે પોસ્ટની લિંક સાથે ફોરવર્ડ કરો એવી વિનંતી. જેથી હિંદૂ ધર્મના સાચા ઇતિહાસ અને સાચી માહિતી ફેલાવવાનો અહીં જે આશય છે તેને વધૂને વધૂ લોકો સુધી પહોંચાડી શકાય.*
— આશુતોષ ગીતા
અયોધ્યા રામ મંદિરનો ઇતિહાસ (ભાગ 6)
૧૯૪૯ની એ સાલ વિશેની વાત આપણે ગત હપ્તામાં કરી હતી. કઈ રીતે આપણા આઝાદ થયેલા દેશના પ્રથમ પ્રધાનમંત્રી મહાન નેતા શ્રી જવાહરલાલ નહેરૂએ રામચન્દ્રજીની મૂર્તિને જાળીવાળી એક દીવાલ બનાવી કેદ કરી દીધા. હવે આગળ…
૧૯૫૦ની સાલમાં હિંદૂ મહાસભાના આધિકારિક વક્તા એવા ગોપાલ વિશારદ સાહેબે ફૈઝાબાદની અદાલતમાં અરજી નાખી. રામ મંદિર માટે બીજીવાર કોર્ટનો દરવાજો ખટખટાવવામાં આવ્યો. પણ આ વખતે ગોપાલ વિશારદ સાહેબની અરજીને માન્ય રાખવામાં આવી. તેમણે અરજીમાં કોર્ટને કહ્યું હતું કે, આ સ્થાન એ હિંદૂઓની આસ્થાનું સ્થાન છે અને નામદાર કોર્ટ આ મંદિરમાં પૂજા કરવા દેવાની પરવાનગી આપે. કોર્ટે અરજી મંજૂર કરી અને હિંદૂઓને ત્યાં પૂજા કરવાની પરવાનગી મળી, પણ માત્ર બહારથી. સામાન્ય જનતા જાળીવાળા પેલા દરવાજાની બહારથી જ મૂર્તિના દર્શન કરી શકતી હતી. મંદિરની અંદર માત્ર પૂજારીને જ જવાની પરવાનગી હતી. ૩૪ વર્ષ સુધી આની આ પરિસ્થિતિ અયોધ્યામાં ચાલતી રહી.
૧૯૮૪ની સાલમાં અયોધ્યાના મંદિરની પરિસ્થિતિમાં કદાચ કોઈ મોટો બદલાવ થવાનો હતો. પરંતુ, ત્યાં જ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા થઇ ગઈ અને તે બદલાવની ઘડી થોડી પાછી ઠેલાઇ ગઈ. વાત કંઈક એવી હતી કે, ૧૯૮૪ની સાલમાં વિશ્વ હિંદૂ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીએ ભેગા થઇ એક સમિતિની સ્થાપના કરી. અને નક્કી એવું થયું કે સીતામઢીથી શરૂ કરી અયોધ્યા સુધી આ સમિતિ એક રથયાત્રા કાઢશે. પરંતુ, ત્યાં જ ઈન્દિરાજીના મૃત્યુના સમાચાર આવ્યા અને રથયાત્રાનું પ્લાનિંગ હાલ પૂરતું અભેરાઈએ ચઢાવી દેવું પડ્યું.
ઈન્દિરાજીના મૃત્યુ પછી રાજીવ ગાંધી સત્તા પર આવ્યા અને ૧૯૮૬ની સાલમાં દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા એક એવા કેસનો ચૂકાદો સંભળાવવામાં આવ્યો જે આખાય દેશમાં અત્યંત ચર્ચામાં રહ્યો હતો. કોર્ટમાં અનેકવાર ઉહાપોહ થયો હતો. “શાહબાનો કેસ!” આ વિષે આપણે બધા જ જાણીએ છીએ. શાહબાનો પોતાના પતિ પાસે ગુજરાન ચલાવવાનું ભથ્થું મેળવવા અંગેનો કેસ જીતી ગઈ અને દેશભરના મુસ્લિમોને એવું લાગ્યું કે જાણે સરકાર અને કોર્ટે તેમના શરીયા કાનૂનનું અપમાન કરી નાખ્યું છે.
વોટબેન્કની ચિંતામાં ચિંતિત પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ મુસ્લિમોને ખુશ કરવા માટે સંસદમાં એક પ્રસ્તાવ મૂક્યો, તે પ્રસ્તાવ સંસદમાં પાસ પણ કરાવ્યો અને કોર્ટના આખાય ચૂકાદાને જ તેમણે પલટાવી નાખ્યો. આ કોઈ બીજાનું નહિ પણ કોર્ટનું અપમાન હતું. દેશનું અપમાન હતું. હિંદૂઓ ભડક્યા. આ અસંતોષ એટલો મોટો હતો કે આખાય દેશમાં તેનો અવાજ ગૂંજવા માંડ્યો. સંસદમાં પ્રસ્તાવ પાસ કરાવી લઇને મુસ્લિમોને ખુશ કરી જ દીધા હતા. હવે હિંદૂઓને ખુશ કરવાના હતા… તો શું કરવું? રાજીવ ગાંધીએ બીજો એક મહત્વનો નિર્ણય લીધો. બાબરી મસ્જિદમાં હિંદૂઓના પ્રવેશ પર પેલું જે તાળું લાગેલું હતું એ તાળું ખોલાવી નાખ્યું, હિંદૂઓને ત્યાં પૂજા-અર્ચના કરવાની પરવાનગી આપી દેવામાં આવી.
પહેલા મુસ્લિમોને ખુશ કર્યા અને ત્યારબાદ હિંદૂઓ ભડક્યા તો તેમને પણ શાંત કર્યા. પણ રાજીવ ગાંધીને કદાચ એ નહોતી ખબર કે, હિંદૂઓને શાંત કરવા માટે તેમણે આ જે નિર્ણય લીધો છે તેનાથી આખોય મામલો શાંત નથી પાડવાનો, પણ ઉલટાનો વધુ ભડકવાનો હતો. ૬ઠ્ઠી ફેબ્રુઆરી, ૧૯૮૬નો એ દિવસ… હિંદૂઓને તેમના પ્રભુ શ્રી રામની પૂજા કરવાની પરવાનગી મળી તેથી નાખુશ અને ગુસ્સે ભરાયેલા મુસ્લિમોએ એક સમિતિની રચના કરી. “બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિ!”
૧૯૮૯ની સાલમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતૃત્વ હેઠળ રામ જન્મભૂમિ કે જે હિંદૂઓ સિવાય બાકીના બધા જ લોકો માટે એક વિવાદિત સ્થળ હતું (કેટલાંક સો કોલ્ડ હિંદૂ માટે પણ). તેની નજીક જ શ્રી રામ મંદિર બનાવવા અંગે પ્રતીકાત્મક પાયો ખોદવામાં આવ્યો. અને તે જ વર્ષે અલ્હાબાદ હાઇકોર્ટનો શ્રી રામમંદિર ઇતિહાસનો સૌથી મહત્વનો, સચોટ, સટીક, સટ્ટાક અને ગૌરવપ્રદ ચૂકાદો આવ્યો. કોર્ટે કહ્યું કે, વિવાદિત સ્થળના મુખ્ય દ્વારો ખોલી નાખવામાં આવે અને તે જગ્યા મૂળતઃ હિંદૂઓની હોય તેનો કબ્જો કાયમ માટે હિંદૂઓને આપી દેવો જોઈએ.
કોર્ટના આ ચૂકાદા પછીનો આખોય ઘટનાક્રમ આપણને બધાને જ ખબર છે. કારણ કે કોર્ટના આ નિર્ણય બાદ આ મંદિર બાબતે દરેકે-દરેક ડેવલપમેન્ટ સમાચાર પત્રો અને ટેલિવિઝન ન્યુઝ ચેનલ્સ પર આવતા જ રહ્યા હતા. છતાં, સાવ ટૂંકાણમાં વાત કરી લઈએ.
૧૯૯૦ની સાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદૂ પરિષદના નેતૃત્વમાં લાલકૃષ્ણ અડવાણીજીએ ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાનો પ્રારંભ કર્યો. આ રથયાત્રામાં વચ્ચે બિહાર પણ આવતું હોવાથી યાત્રા બિહાર રાજ્યના સમસ્તીપુરમાંથી પસાર થઇ રહી હતી અને તે જ સમયે બિહારના તત્કાલીન મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે લાલકૃષ્ણ અડવાણીને પકડી લઇ જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. યાત્રાના યાત્રિકો અને હિંદૂઓ આ ગિરફ્તારી જોઈ ગભરાઈ જશે એવું બિહાર સરકારનું માનવું હતું જે સદંતર ખોટું પડ્યું.
અડવાણીજીની ગિરફ્તારી છતાં યાત્રા ચાલૂ રહી અને જે દિવસે તે અયોધ્યા પહોંચવાની હતી તે દિવસે એટલે કે, ૩૦મી ઓક્ટોબર, ૧૯૯૦ના દિવસે હજારો, લાખોની સંખ્યામાં રામભક્તો અયોધ્યા પહોંચી ગયા. અયોધ્યામાં તૈનાત પોલીસે હિંદૂઓને રોકવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આટલા વર્ષોનો ગુસ્સો, અસંતોષ, અન્યાયની લાગણી, રામ પ્રત્યેની ભક્તિ, શ્રદ્ધા અને ધર્મની જીત જેવી અનેક લાગણીઓભર્યા એ ટોળાને રોકવું અશક્ય હતું. રામભક્તોએ તે દિવસે બાબરી મસ્જિદના વિવાદિત ઢાંચા પર હિંદૂ ધ્વજ ફરકાવી દીધો.
આ ઘટનાના ત્રણ જ દિવસ પછી, એ તારીખ હતી કે જે ભારતનો ઇતિહાસના પાને કાળા ડિબાંગ અને શરમના અક્ષરો દ્વારા લખવાના હતા. ૨જી નવેમ્બર, ૧૯૯૦નો એ દિવસ કે જ્યારે તત્કાલીન ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવે આદેશ કર્યો, બંદૂક ઉઠાવી રામભક્તો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવવાનો! સેંકડો, હજારો રામભક્તોનું તે ગોળીબારીમાં મૃત્યુ થયું. હજારો રામભક્તો પોતાના જ દેશમાં, પોતાના જ ધર્મના મંદિર માટે અયોધ્યા ગયા હતા જે તે દિવસે ઘરે મૃતદેહ તરીકે પણ પાછા ફર્યા નહોતા. કહેવાય છે કે તે દિવસે સરયૂ નદીના કિનારે લાશોનો એટલો મોટો ઢગલો થઇ ગયો હતો કે જો તેમને મેદાની કિનારા પર ગોઠવવામાં આવે તો સરયૂ નદીના પટ કરતા મોટો લાંબો પટ બની શકે.
હવે ગુસ્સો બેવડાયો હતો, ભક્તિ અને શ્રદ્ધા બંને હવે હિંદુના દિલ અને દિમાગમાં જૂનૂનનું સ્વરૂપ લેવા માંડી હતી. પોતાના જ દેશમાં પોતાના જ ધર્મ માટે આટલો બધો સંઘર્ષ કરવો પડે એ હિંદૂ હવે ચલાવી લેવા તૈયાર નહોતો. લોહીની સાથે-સાથે હવે હિંદુત્વ પણ નસોમાં વહેવું શરૂ થઇ ચૂક્યું હતું. અલ્હાબાદ હાઇકોર્ટનો નિર્ણય આવી ગયો છતાં, હિંદૂઓને તેમનો હક નહિ મળે. ઉલ્ટાનું એક મુખ્યમંત્રી ગિરફ્તારી કરાવે અને બીજા મુખ્યમંત્રી નિર્દોષ લોકો પર અંધાધૂંધ ગોળીઓ ચલાવવાનો આદેશ આપે?
આ હવે પાશવીપણાની હદ હતી. ૬ઠ્ઠી ડિસેમ્બર, ૧૯૯૨. ૨ લાખ કરતાંય વધુ રામભક્તો, કારસેવકો અયોધ્યા પહોંચ્યા. ભીડ એટલી જબરદસ્ત હતી કે પોલીસની તાકાત નહોતી તે સંભાળી શકે. ૬ઠ્ઠી ડિસેમ્બરની બપોરે ૧.૫૫ને બાબરી મસ્જિદનો પહેલો ગુમ્બજ તોડી પાડવામાં આવ્યો. ત્યારબાદ દોઢ કલાકમાં ૩.૩૦ વાગ્યે મસ્જિદનો બીજો ગુમ્બજ પણ જમીન ભેગો કરી નાખવામાં આવ્યો. પાંચ વાગતા સુધીમાં તો ત્રીજો ગુમ્બજ પણ જમીન પર આવી ચૂક્યો હતો. આ કૃત્યની જવાબદારી લેતા તત્કાલીન મુખ્યમંત્રી કલ્યાણસિંહે રાજીનામુ આપી દીધું અને સાંજે સાત વાગ્યે આખાય ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ સાશન લાગૂ કરી દેવામાં આવ્યું.
આમ જોવા જઈએ તો આટલો આખોય ઇતિહાસ જાણ્યા પછી અને છેલ્લી ઘટનામાં હિંદૂઓ પર થયેલા અંધાધૂંધ ગોળીબાર પછી કારસેવકો દ્વારા કરવામાં આવેલું મસ્જિદનું પતન જરાય ખોટું નહોતું. વર્ષો પહેલાનું જે ડ્યુ હતું તે જ હિંદૂ ભક્તોએ પાછું મેળવ્યું હતું. છતાં, અવાવરૂ એવી મસ્જિદના ગુમ્બજ તૂટ્યા તેનાથી મુસ્લિમોની લાગણીઓને ઠેસ પહોંચી અને આખાય દેશમાં મુસ્લિમ-હિંદૂ વચ્ચે કોમી રમખાણો ફાટી નીકળ્યા. એકમાત્ર અયોધ્યામાં જ ૧૦૦૦ કરતાંય વધુ લોકોની અને મુંબઈમાં ૯૦૦ જેટલા લોકોની, ગુજરાતમાં અંદાજે ૨૫૦૦ અને મહારાષ્ટ્રમાં ૧૫૦૦ જેટલા લોકોએ આ હુલ્લડોમાં જીવ ગુમાવ્યા. દાઉદ જેવા ગૂંડાઓએ આ ઘટનાનો ફાયદો લઇ બૉમ્બ બ્લાસ્ટસ પણ કરાવ્યા. જે બધું જ આપણે જાણીએ જ છીએ.
આ ઘટનાના ૧૦ દિવસ પછી તેની તપાસાર્થે એક સંશોધન સમિતિની રચના કરવામાં આવી જેને લિબ્રહાન સમિતિ તરીકે ઓળખાય છે. લિબ્રહાન સમિતિને આખાય મામલાની તપાસ કરી રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. અને ડેડલાઈન તરીકે સમય આપવામાં આવ્યો હતો, ત્રણ મહિનાનો. વાહ રે મેરી લિબ્રહાન સમિતિ… તેરા કરમ નિરાલા, તેરી જાંચ નિરાલી…
ત્રણ મહિનાની ડેડલાઇનને ૧૭ વર્ષનો સમય લાગી ગયો. ૨૦૦૩ની સાલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આયોગ પાસે પણ આ સ્થળની તપાસ અને સંશોધન કરાવવામાં આવ્યું. જે રિપોર્ટમાં તેમને સ્પષ્ટપણે લખ્યું કે, મસ્જિદનો જે વિવાદિત ઢાંચો બનાવવામાં આવ્યો હતો એ નિઃશંક મંદિર તોડીને જ બનાવવામાં આવ્યો હતો. (એ જ શબ્દો, એ જ રિઝલ્ટ જે ૧૮૧૩ની સાલમાં અંગ્રેજો દ્વારા કરાવવામાં આવેલા સંશોધનમાં આવ્યું હતું, ત્યારબાદ ૧૮૩૮ની સાલમાં પણ ફરી એકવાર અંગ્રેજ પુરાતત્વવિદ મોંટેગો મેરી માર્ટિને પોતાના રિપોર્ટમાં કહ્યું હતું.) ૩૦મી જૂન, ૨૦૦૯ જ્યારે લિબ્રહાન કમિટીએ ૭૦૦ પાનાનો એક વિસ્તૃત રિપોર્ટ પોતાના સંશોધનને આધારે બનાવ્યો. જેમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનો રિપોર્ટ પણ સામેલ કરવામાં આવ્યો અને તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહને તે સોંપવામાં આવ્યો.
આ બધા સરકારી કામો ચાલતા હતા ત્યાં જ ૨૦૧૦ની સાલમાં એક બીજો ઐતિહાસિક ચૂકાદો અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયમાંથી જ આવ્યો. અયોધ્યાનો પૂર્ણ ઇતિહાસ, આજ સુધીના તમામ પુરાવાઓ અને સત્યતા તપાસ્યા બાદ કોર્ટે આ વિવાદિત ઢાંચાવાળી જમીનને રામજન્મભૂમિ જાહેર કરી દીધી. પણ છતાં, કોઈને પૂરેપૂરી ખુશી અને કોઈને પૂરેપૂરું દુઃખ નહિ થાય અને દેશમાં સોહાર્દ જળવાઈ રહે તેવો ચૂકાદો આપવાની પડોજણમાં કોર્ટે કહ્યું કે…
શ્રીરામજીની મૂર્તિઓ ત્યાંથી હટાવી લેવામાં આવે અને આખીય જમીનના કૂલ ત્રણ સરખા ભાગ કરી, એક ટૂકડો રામ જન્મભૂમિ ટ્રસ્ટને, એક ટૂકડો નિર્મોહી અખાડાને અને એક ટૂકડો સુન્ની વક્ફ બોર્ડને આપી દેવામાં આવે. આતે કેવી વાત? જ્યારે કોર્ટ સ્વીકારે છે કે તે રામ જન્મભૂમિ જ છે અને આજ સુધી તેના પર ગેરકાનૂની એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યું હતું. તો પછી જમીનના ત્રણ ટૂકડા કરવાની વાત ક્યાંથી આવી?
કોર્ટનો આ ચૂકાદો હિંદૂ અને મુસ્લિમો બંનેમાંથી એકેય પક્ષને મંજૂર નહોતો. ૨૦૧૧ની સાલમાં આખોય મામલો પહોંચ્યો દિલ્હી સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આખાય કેસ સંબંધિત બધાય કાગળોનું અંગ્રેજીમાં અનુવાદ કરાવો. અહો આશ્ચર્યમ, કાગળોનું અંગ્રેજી અનુવાદ કરવામાં જ વર્ષોનો સમય લાગી ગયો. વર્ષો સુધી આ કેસ બાબતે સુપ્રીમ કોર્ટમાં કોઈ હિઅરીંગ જ નહિ થયું. આખરે, ૯મી નવેમ્બર, ૨૦૧૯ના દિવસે સુપ્રીમ કોર્ટનો એ અંતિમ ચૂકાદો આવ્યો જેની દેશને આટલા વર્ષોથી રાહ હતી. કોર્ટે કહ્યું કે આખીય જમીન રામ જન્મભૂમિ ટ્રસ્ટને સોંપી દેવામાં આવે! કોઈ અંદાજ મૂકી શકો કેટલા વર્ષના લાંબા સંઘર્ષ બાદ આખરે ભારતના હિંદૂઓનું આ મંદિરનું સપનું સાકાર થયું હશે? હવે તો આખોય ઇતિહાસ જાણીએ છીએ તેથી ગણતરી કરી જ શકીએ. પરંતુ, જવા દો નથી કરવી.
૪થી ફેબ્રુઆરી, ૨૦૨૦માં એક ટ્રસ્ટ સ્થાપવામાં આવ્યું અને મંદિરનું નિર્માણ કાર્ય આરંભ થયું. જયાં આખરે ૨૨મી જાન્યુઆરી, ૨૦૨૪ના દિવસે પ્રભુ શ્રી રામચંદ્રજીની પાંચ વર્ષની આયુવાળી સુંદર મૂર્તિનો રાજ્યાભિષેક (પ્રાણપ્રતિષ્ઠા) થશે. અને અયોધ્યાની સાથે સાથે ફરી એકવાર આખોય દેશ રામરાજ્યનો સાક્ષી બની રામમય થશે.
*આ આખીય શૃંખલા લખવાનું, વર્ષો-દિવસો સુધી અથાક મહેનત કરી આટલી બધી માહીતિઓ એકઠી કરવાનું અને તેને ક્રમબદ્ધ કરી શબ્દોમાં આલેખન માટે તૈયાર કરી વાચનયોગ્ય, જાણવા યોગ્ય સાહિત્યનું સ્વરૂપ આપી તમારી સામે પીરસવાનો આશય માત્ર એટલો છે કે, આજે આ તૈયાર થયેલું જે ભવ્ય રામ મંદિર આપણે ઘેરબેઠાં જોઈ રહ્યા છીએ. આવતી કાલે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો જે ભવ્ય સમારોહ, મહોત્સવ આપણે જોશું એ બધું જ શક્ય બન્યું તેની પાછળ પાંચસો વર્ષ કરતાંય વધુ જૂનો એવો હજારો વર્ષનો ઇતિહાસ છે. કેટલાંક સો નહિ, કેટલાંક હજારો પણ નહિ, પરંતુ લાખો લોકોએ તે માટે બલિદાનો આપ્યા છે. ત્યારે આ મંદિર આપણે મેળવી શક્યા છીએ. આ જિંદગી ભર, પેઢીઓ સુધી અને કાળના અંત સુધી યાદ રહેવું જોઈએ!*
હવે પછી જો કોઈ સેક્યુલરિયા ફુરફુરીયા કે ઈન્ટલેકચૂઅલનો પટ્ટો ગળે પહેરી ભાઉં ભાઉં કરતા વાંકી પૂંછડીવાળા મળે અને સહિષ્ણુતા, સમાનભાવ અને પરમાર્થના કામની પિપૂડી વગાડતા કહે કે, મંદિરની શું જરૂર છે, હોસ્પિટલ કે શાળા બનાવોને,મંદિર માટે આટલા લાડવાની કે જીત્યા પછી આટલા ખુશ થવાની શું જરૂર છે? તો ત્યારે ગર્વથી કોલર ઊંચો કરીને કહેજો… અબે ચલ, નિકલ… હવા આને દે… હોસ્પિટલ અને શાળા જ બનાવવી છે ને તારે? કોઈ ક્લબ, રિસોર્ટ તોડીને બનાવને… અને જો એટલો જ ભરોસો હોય તો કોઈ મસ્જિદ કે ચર્ચ તોડીને હોસ્પિટલ કે શાળા બનાવવાની વાત કરી જો… પછી તું વાત કરવા લાયક કે જીવતો / જીવતી બચે તો આગળ વાત કરશું.
— આશુતોષ ગીતા
Pingback: અયોધ્યા રામ મંદિરનો સાચો ઇતિહાસ - આશુતોષ ગીતા - AMARKATHAO