Skip to content

અયોધ્યા રામ મંદિરનો સાચો ઇતિહાસ – આશુતોષ ગીતા

અયોધ્યા રામ મંદિરનો સાચો ઇતિહાસ
1089 Views

અયોધ્યા રામ મંદિરનો સાચો ઇતિહાસ – શ્રીહરિના અવતાર રામજીનું જન્મસ્થાન એટલે અયોધ્યા, રાજવી તરીકે જ્યાં તેમણે ઈશ્વરીય વાતાવરણનું સર્જન કર્યું તે અયોધ્યા, ધર્મયુક્ત રાજ કરી રાજધર્મના સટીક અને સાચા દ્રષ્ટાંતો ઉભા કર્યા તે અયોધ્યા. આપણો અપ્રતિમ દૈવત્વપૂર્ણ ઇતિહાસ જ્યાં રચાયો તે અયોધ્યા.

અયોધ્યા રામ મંદિરનો સાચો ઇતિહાસ (ભાગ 1)

૨૨મી જાન્યુઆરી, ૨૦૨૪ની આપણે બધા અત્યંત ઉત્સાહ અને ઉમળકા સાથે રાહ જોઈ રહ્યા છીએ. પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરમાં રામચંદ્રજીની મૂરતની પ્રાણપ્રતિષ્ઠા થશે. અયોધ્યા આ રામ મંદિરને કારણે આખાય વિશ્વમાં જાણીતી બનશે એવી કોઈને ભ્રાંતિ હોય તો કહી દેવું જોઈએ કે, અયોધ્યા આજથી નહિ પુરાણોકાળથી, યુગોથી જાણીતી હતી જ. બસ વર્ષોથી ઇરાદાપૂર્વક આપણા આ સાંસ્કૃતિક વૈભવને દબાવી દેવાના, બીભત્સ બનાવી દેવાના, મજાક, મશ્કરીનું સાધન બનાવી દેવાના પ્રયત્નો થતા રહ્યા. જેને કારણે થોડી ધૂળ આ ભવ્ય સ્થળના નામ પર ચઢી ગઈ હતી જે હવે ખંખેરાશે. તે જ રીતે આપણા બધાના માનસપટલ પર પણ જે ખોટી જાણકારી, માન્યતાઓ અને માહિતીઓની ધૂળ હમણાં સુધી જામેલી રહી છે તેને હવે આ ટૂંકી શ્રુંખલા દ્વારા દૂર કરવાનો પ્રયત્ન કરીએ.

શ્રીહરિના અવતાર રામજીનું જન્મસ્થાન એટલે અયોધ્યા, રાજવી તરીકે જ્યાં તેમણે ઈશ્વરીય વાતાવરણનું સર્જન કર્યું તે અયોધ્યા, ધર્મયુક્ત રાજ કરી રાજધર્મના સટીક અને સાચા દ્રષ્ટાંતો ઉભા કર્યા તે અયોધ્યા. આપણો અપ્રતિમ દૈવત્વપૂર્ણ ઇતિહાસ જ્યાં રચાયો તે અયોધ્યા. આ શૃંખલા શરૂ કરવાનું એક કારણ એ છે કે, ઘણાં બુદ્ધિજીવીઓએ વર્ષોથી એવી દલીલો કરી છે કે, ધર્મમાં એટલું જ માનતા હોવ તો તમારે ત્યાં મંદિર બનાવવાની જ જીદ્દ શું કામ કરવી છે? હોસ્પિટલ કે શાળા બનાવો જેથી હજારો લોકોને તેનો ફાયદો થાય. મંદિર જ બનાવવું હોય તો અહીં જ બનાવવું એવી જીદ્દ શું કામ કરો છો? મંદિર તો બીજે ગમે ત્યાં બની જ શકે છે. કોઈ બીજા ધર્મનું પ્રાર્થના સ્થાન ઇદગાહ જેવા પવિત્ર સ્ટ્રકચરને તોડી પાડી ત્યાં મંદિર બનાવવું એ કેવી પાશવી વૃત્તિ કહેવાય? તમારો ધર્મ તમને શું આ જ શીખવે છે? જો હા તો, આવો ધર્મ શું કામનો જે હિંસા કરી કોઈકની ભાવનાઓને આહત કરી સ્વમંદિર સ્થાપના શીખવે! આવા આક્ષેપો કે દલીલોની યાદી બનાવવા જઈએ તો એક અલાયદી બીજી શૃંખલા બની શકે. પરંતુ, આવા બધા જ આક્ષેપો, દલીલો અને તર્કોને હવે આ શૃંખલા પછી આપણે એટલું જ કહેવાનું કે, આ સો ટચ સોના જેવી સાચી હકીકત (પુરાવાઓ સાથે) વાંચી જજો, જાણી લેજો પછી અમારે નહિ પણ તમારે જ કશુંય કહેવા જેવું નહિ રહે.

તો શરૂ કરીએ, અયોધ્યાના રામમંદિરનો સાચો છતાં અજાણ્યો ઇતિહાસ. રામચંદ્રજીના રાજ્યાભિષેકથી લઈને આજના વર્તમાન દિવસ સુધીની એકે એક માહિતી સાથે. રામચંદ્રજીના જીવન અને રામાયણ અંગે પણ અનેકવાર અનેક પ્રકારના પ્રશ્નો ઉઠતા રહ્યા છે. કારણ કે આ બંને બાબતોને તોડી મરોડીને, સુધારા-વધારા-ઉમેરા કરીને બગાડવાના, બદનામ કરવાના અનેકાનેક પ્રયત્નો થયા છે. પરંતુ, મારી દ્રષ્ટિએ સચોટ અને સટીક મૂળ વાલ્મિકી રામાયણ (છેડછાડ થયા વિનાનું ઓરીજીનલ) છે.

વાલ્મિકી રામાયણમાં આપણને સ્પષ્ટ અને વિસ્તૃત વર્ણન મળે છે કે, શ્રીરામચંદ્રજીનો જન્મ મહારાજા દશરથના ઘરે અયોધ્યા નગરીમાં થયો હતો. આ અયોધ્યા નગરી એટલે એક સમયે કૌશલ રાજ્યની રાજધાની. જેની સ્થાપના વૈવસ્વત મનુએ સ્વયં કરી હતી. ત્યારબાદ સમય વીતતા તેમના પુત્ર ઈક્ષ્વાકુએ અયોધ્યાને પોતાના રાજ્યની રાજધાની બનાવી. જેના વંશજ રાજવી દશરથે (બ્રહ્માજીથી લઈને રાજા દશરથની આજસુધીની આખીય વંશાવલી કોઈએ જાણવી હોય તો એ પણ આ લખનાર પાસે ઉપલબ્ધ છે.) અયોધ્યા પર ૬૦ હજાર વર્ષ સુધી રાજ્ય કર્યું. ત્યારબાદ, વનવાસથી પાછા ફરેલા દશરથ પુત્ર અને શ્રીહરિના અવતાર શ્રી રામનો રાજ્યાભિષેક થયો અને રાજવી તરીકે રાજ્યનો કારભાર તેમણે સંભાળ્યો. રામચંદ્રજીના રાજ્યાભિષેક પછી તેમણે ૧૧ હજાર વર્ષો સુધી અયોધ્યા નગરી પર રાજ્ય કર્યું હતું. (જેના લિખિત પુરાવા રામાયણમાં મળે છે અને અનેક આર્કિયોલોજીકલ પુરાવાઓ પણ મળી ચૂક્યા છે.)

૧૧ હજાર વર્ષો રાજ કર્યા બાદ જ્યારે રામચંદ્રજીએ પોતાની લીલાઓ સંકેલી લઇ સરયૂ નદીમાં નિર્વાણ લેવાનો નિશ્ચય કર્યો ત્યારે તેમણે પોતાના અધિકારની બધી જમીન એટલે કે રાજ્ય પોતાના સંતાનો કુશ અને લવને અને પોતાના ત્રણ ભાઈ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નના બે-બે પુત્રોને સરખે ભાગે વહેંચી દીધી.

મુખ્ય અયોધ્યાનું રાજ્ય રામજીના સૌથી મોટા દીકરા કુશને મળ્યું. બાકીના લવ અને ત્રણ ભાઈઓના સંતાનોના વંશ ત્યારબાદ લાંબો સમય સુધી આગળ નહિ વધ્યા અને તેમના કૂળનો અંત આવતો ગયો. પરંતુ, કુશનો વંશ ખૂબ આગળ વધ્યો. (એટલો કે આજે પણ તેમના વંશજ જીવિત છે. અને તમે નહિ માનો પણ ભારતના એક રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે હમણાં તેઓ રાજ્યનો કારભાર સંભાળી રહ્યા છે.) એટલું જ નહિ કુશે પોતાના સાશનકાળ દરમિયાન પોતાના રાજ્યની સીમા પણ અત્યંત વિશાળ કરી. અયોધ્યાથી શરૂ થયેલા રાજ્યની હદ છેક અફઘાનિસ્તાન સુધી વિસ્તરી. (વિશ્વ આખું જેને હિંદુકુશની ઘાટી અથવા હિંદુકુશની પર્વતમાળા કહે છે તે નામ કોના નામ પરથી પડ્યું એ સમજી શકો છો!)

અને અહીંથી શરૂ થાય છે, અયોધ્યાના રામમંદિરનો ભવ્ય ઇતિહાસ. પ્રભુ શ્રીરામચંદ્રજીએ જ્યારે પોતાની લીલાઓ સંકેલી લઇ નિર્વાણ લીધું ત્યારબાદ અયોધ્યાનું વાતાવરણ અને ત્યાંના લોકો પ્રભુની ગેરહાજરીમાં અત્યંત ઉદાસ રહેવા લાગ્યા. આખાય રાજ્યનું વાતાવરણ જાણે બોઝિલ થઇ ગયું. અને તે સમયે સ્વયં શ્રીરામના પુત્ર કુશે અયોધ્યામાં પહેલીવાર રામ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એટલું જ નહિ, આ મંદિર એ જ સ્થળે બંધાયું, જ્યાં આજે ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થયું છે. પ્રભુ શ્રીરામનું જન્મસ્થાન. અર્થાત આજે જે મંદિર બંધાયું છે તેનો પાયો વાસ્તવમાં તો ત્રેતાયુગમાં નંખાયો હતો અને બન્યું હતું એક ભવ્યાતિભવ્ય રામમંદિર. તે પણ કોના પ્રયત્ન, નિર્ણય અને હસ્તકમળોથી? સ્વયં રામપુત્ર કુશના!

કુશના રાજ્યકાળ બાદ તેમની ૩૧ પેઢીઓએ કૌશલરાજ્ય પર સાશન કર્યું અને આ દરેક રામવંશના સાશનકાળ દરમિયાન અયોધ્યા જ તેમની રાજધાની રહી હતી. હા એ વાત સાચી કે ૩૧મી પેઢી આવતા સુધીમાં રામવંશ એટલે કે સૂર્યવંશીઓનું પ્રભુત્વ અને પરાક્રમતા તેવી નહોતી રહી જેવી રામચંદ્રજીના રાજ્યકાળ દરમિયાન હતી. છતાં, તેવા સમયમાં પણ કૌશલરાજ્ય એક અત્યંત શક્તિશાળી રાજ્ય તરીકે તો સ્થાપિત હતું જ અને તેની પ્રતિષ્ઠા મહાજનપદ તરીકેની જ રહી હતી. આ સમય સુધી (૩૧ પેઢીઓ સુધી) કુશે બનાવડાવેલું રામ મંદિર એટલી જ ભવ્યતાથી સ્થાપિત હતું.

આ સમયબાદ રામજીની ૩૨મી પેઠીમાં એક એવો રાજવી થયો જેણે સનાતન ધર્મના બીજા મહાકાવ્ય એવા મહાભારતના યુદ્ધમાં પોતાનું કૌશલ દેખાડ્યું હતું અને કૌરવો તરફથી લડ્યા હતા. (આ આખીય કહાણી જાણવી હોય તો મારી અધિકની લેખમાળામાં તમને મળી રહેશે.) મહાભારતના યુદ્ધમાં સૂર્યવંશીઓનું પ્રતિનિધિત્વ કરનારા એ મહાન લડવૈયા અને રામચંદ્રજીના ૩૨માં વંશજ એટલે બૃહદબલ. મહાભારતના યુદ્ધમાં તેઓ ૧૩ દિવસ સુધી પોતાનું પરાક્રમ અને વીરતા દેખાડી લડતા રહ્યા અને ૧૩માં દિવસે અભિમન્યુના હાથે તેઓ વીરગતિ પામ્યા.

બૃહદબલ બાદ અયોધ્યાની રાજગાદી પર તેમનો પુત્ર બૃહત્ક્ષણ આરૂઢ થયો. અને રામ મંદિરમાં પ્રભુની પૂજા-અર્ચના તેની પૂર્ણ ભવ્યતા અને શ્રદ્ધપૂર્વક થતી રહી. બૃહદબલ બાદ પણ ૨૨ પેઢીઓ સુધી અયોધ્યા પર સૂર્યવંશીઓનું જ રાજ રહ્યું અને અયોધ્યા હજીય એક રાજધાની તરીકે અને મહાજનપદ તરીકેનો જ મોભ્ભો ભોગવી રહી હતી.

બૃહદબલની ૨૩મી પેઢીમાં એટલે કે કુશની ૫૫મી પેઢીમાં એક એવા રાજવી આ રાજ્યની રાજગાદી પર આવ્યા જેમને રાજ્ય કરવામાં નહિ પરંતુ સ્વના સંશોધનમાં વધુ રસ જણાયો. સાધનાને જ પોતાનો જીવન ધ્યેય બનાવી તેઓ સન્યાસના માર્ગે અગ્રેસર થયા. તેમનું નામ હતું સિદ્ધાર્થ. જી હા એ જ સિદ્ધાર્થ જેઓ પછીથી ગૌતમ બુદ્ધ તરીકે વિશ્વ આખામાં જાણીતા થયા અને તેમણે આપેલા ઉપદેશ અને માર્ગદર્શન બૌદ્ધ ધર્મ તરીકે વિશ્વભરમાં ફેલાયો. સિદ્ધાર્થના સન્યાસ લેવાને કારણે રાજગાદી તેમના પુત્ર રાહુલે સંભાળી. એટલે કે અયોધ્યા હવે રાહુલના સાશન હેઠળ હતી. ગૌતમબુદ્ધને કારણે રામચંદ્રજીની ત્યારબાદની કેટલીક પેઢી સુધી બૌદ્ધ ધર્મનો પ્રભાવ રહ્યો. પરંતુ, અયોધ્યાનું તે રામ મંદિર તેના પૂર્ણ પ્રભાવ સાથે સ્થાપિત હતું. અહીં મળી આવેલા બૌદ્ધધર્મના શિલાલેખોમાં પણ શ્રી રામ મંદિરના અસ્તિત્વનો ઉલ્લેખ મળે છે.

આ સમયબાદ શરૂ થયો મોર્ય સામ્રાજ્યનો સુવર્ણકાળ. ચંદ્રગુપ્ત મોર્યના સાશનકાળના અનેક શિલાલેખો પુરાત્વવિદોને મળ્યા હોવાની જાણકારી આપણને છે જ. જેમાં ચંદ્રગુપ્ત મોર્ય દ્વિતીયના સાશનકાળના શિલાલેખો વિશેની માહિતી તમે ચકાસશો તો તેમાં જાણવા મળે છે કે, ચંદ્રગુપ્ત મોર્ય દ્વિતીયના સાશનકાળ સુધી અને ત્યારપછી પણ પેઢીઓ સુધી અયોધ્યા જ ગુપ્ત સામ્રાજ્યની રાજધાની હતી અને તે શિલાલેખોમાં પણ અયોધ્યામાં ભવ્ય રામમંદિર હોવાનો ઉલ્લેખ મળે છે. આ કાળ સુધી અયોધ્યાનું કુશ દ્વારા સ્થાપિત રામ મંદિર તેના પૂર્ણ વૈભવ સાથે સ્થાપિત હતું.

હવે જે માહિતી અને પુરાવાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે રામમંદિરના બદલાઈ રહેલા વાઘાઓ વિશેની છે. ૧૮૦ ઈસાપૂર્વ વર્ષોમાં અયોધ્યા પુષ્યમિત્ર શુંગના સાશન હેઠળ આવી. તેમના સાશનકાળ દરમિયાનના મળેલા શિલાલેખો દ્વારા જાણવા મળે છે કે, અયોધ્યાના એ ભવ્ય રામમંદિરનો તેમણે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એટલું જ નહિ તે શિલાલેખોમાં એ વિષે પણ સ્પષ્ટ ઉલ્લેખ મળ્યા છે કે તે મંદિરમાં પુષ્યમિત્ર શુંગે બે અશ્વમેધ યજ્ઞો પણ કરાવ્યા હતા.

કુશ દ્વારા નિર્મિત તેમના પિતાના આ ભવ્ય મંદિરનો પહેલીવાર જીર્ણોદ્ધાર થયો અને મંદિરને ભવ્યમાંથી નવો અતિભવ્ય આકાર મળ્યો.

— આશુતોષ ગીતા

ભવ્યાતિભવ્ય રામ મંદિરનો સાચો ઇતિહાસ (ભાગ 2)

સૂર્યવંશી રાજા રામચંદ્રના જ્યેષ્ઠ પુત્ર કુશ દ્વારા નિર્મિત ભવ્ય રામમંદિરના પહેલા જીર્ણોદ્ધાર સુધીની કહાણી આપણે ગઈકાલના એપિસોડમાં જાણી. હવે આગળ…

મહાકવિ કાલિદાસે સનાતન હિંદૂ ધર્મમાં એક અજય અને અમર કહી શકાય એવા ગ્રંથનું સર્જન કર્યું હતું, રઘુવંશમ. જેમાં તેમણે રઘુકૂળ વિશેનું વિસ્તૃત અને અત્યંત રસપ્રદ વર્ણન કર્યું છે. કાલિદાસજીના આ ગ્રંથમાં પણ આપણને અયોધ્યામાં શ્રી રામ મંદિર હોવાનો ઉલ્લેખ મળે છે.

તો અહીંથી આગળ વધતા ઈસાપૂર્વ ૧૦૦ વર્ષ, જયારે સૂર્યવંશી મહાપ્રતાપી એવા રામચંદ્રજીનો રાજવંશ અયોઘ્યાનું પ્રભુત્વ ગુમાવી ચૂક્યો હતો. તે સમયમાં એવો ઉલ્લેખ મળે છે કે શ્રી રામ મંદિર ખૂબ જર્જરિત અવસ્થામાં આવી પડ્યું હતું. પરંતુ, તે જ સમય દરમિયાન ઉજ્જૈનના રાજવી વિક્રમાદિત્યનું અયોધ્યા પહોંચવાનું થાય છે. વિક્રમાદિત્ય પોતાની સેના સહીત પ્રવાસમાં હોય તેમણે વિશ્રામના આશયથી અયોધ્યામાં થોડો આરામ કરવા વિચાર્યું. ક્યારેક અત્યંત ભવ્યતા ભોગવી ચૂકેલા તે મંદિરની નજીક વિક્રમાદિત્ય પોતાની સેના સાથે આરામ કરી રહ્યા હતા ત્યારે તેમને મંદિરની આસ-પાસના વાતાવરણમાં અત્યંત દિવ્યતાનો અનુભવ થયો.

મંદિરની આસ-પાસના વિસ્તારમાં આવી દિવ્યતાનો અનુભવ શા કારણથી? રાજવીને જિજ્ઞાસા જાગી કે આ જગ્યામાં એવું તે શું છે કે જેને કારણે આ ભૂમિ અને તેની આસ-પાસનું વાતાવરણ આટલું નિર્મળ અને દિવ્ય જણાય છે? તેમણે આસ-પાસના બ્રાહ્મણો પાસે તે સ્થાન વિષે જાણવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એમને ખબર પડી કે તેમણે જ્યાં આશ્રય લીધો છે એ સ્થાન, કોઈ ઓર નહિ પણ સ્વયં ભગવાન શ્રીરામના મંદિરનું પ્રાંગણ છે. અને ક્યારેક ભવ્ય મંદિર હતું જે આજે જર્જરિત અવસ્થામાં પહોંચી ચૂક્યું છે. પ્રભુ શ્રી રામમાં અત્યંત ઘનિષ્ઠ આસ્થા ધરાવતા રાજવી વિક્રમાદિત્યએ ત્યારપછી તે મંદિરનો ફરીવાર જીર્ણોદ્ધાર કરાવ્યો.

આ રીતે કુશ નિર્મિત તે મંદિરનો બીજીવાર જીર્ણોદ્ધાર થયો. (આ આખીય ઘટનાનું વર્ણન અને ઉલ્લેખ વિક્રમાદિત્યના સમયમાં મળી આવેલા શિલાલેખોમાં છે. કોઈને આ બાબતે શંકા હોય તો ભારતના આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટની આર્કાઇવમાં ચકાસી શકે છે.)

રાજવી વિક્રમાદિત્યએ જીર્ણોદ્ધાર દ્વારા ફરી એકવાર કાળા પથ્થરોથી એક ભવ્ય મંદિરની સ્થાપના કરી જે ૮૪ વિશાળ સ્તંભો પર ઉભું કરવામાં આવ્યું. એ કહેવાની જરૂર નથી કે ત્રેતાયુગમાં સ્થપાયેલા એ મંદિરને બે યુગ જેટલો સમય વીતી ચૂક્યો હતો. અર્થાત, ત્રેતાયુગ બાદ દ્વાપર યુગ પૂર્ણ થઇ ચૂક્યો હતો અને કળિયુગની સ્થાપના થઇ ચૂકી હતી. આ યાદ કરાવવાનું કારણ એટલું જ કે શ્રી રામના મંદિરને આ સમય સુધીમાં કેટલા વર્ષો થયા હશે તેનો અંદાજ તમે લગાવી શકો છો.

૬૩૦મી સદીમાં બૌદ્ધ ધર્મનો અનુયાયી એવો એક ચીની યાત્રી હેનત્યસાંગ ભારત આવે છે. પોતે જે ધર્મને અનુસરે છે તેના ગુરૂના જન્મસ્થાન અને જ્ઞાન પ્રાપ્તિ સ્થાનની મુલાકાત દરમિયાન તેણે જોયેલી બાબતો વિષે પોતાના પ્રવાસ વર્ણનમાં તે લખે છે, અયોધ્યા આસ-પાસ લગભગ ૨૦ જેટલા બૌદ્ધ મંદિરો છે. જેમાં ૩૦૦૦ કરતા પણ વધુ બૌદ્ધ ભિક્ષુકો રહે છે. તેમના પ્રવાસ વર્ણનના લેખમાં જ તેઓ આગળ લખે છે. અહીં એક વિશાળ અને ભવ્ય મંદિર છે. જ્યાં હજારોની સંખ્યામાં હિંદૂ ભક્તો દર્શન માટે આવે છે. હેનત્યસાંગ દ્વારા વર્ણિત એ મંદિર બીજૂ કોઈ નહિ પરંતુ, અયોધ્યા સ્થિત વિક્રમાદિત્ય દ્વારા જીર્ણોદ્ધાર કરાયેલું રામમંદિર જ હતું.

૧૨મી શતાબ્દી, ભારતના એક મહાદ્રોહી જયચંદને પાપે મહોમ્મદ ઘોરીએ ભવ્ય ભારત વર્ષ પર આક્રમણ કર્યું અને તે સમયે મહોમ્મ્દ ઘોરીનો ચમચો એવો જયચંદ કન્નોજથી અયોધ્યા આવ્યો. તેણે આ મંદિર પર લગાડેલા પ્રશસ્તિપત્ર અને શિલાલેખો પરથી વિક્રમાદિત્યનું નામ હટાવી પોતાના નામની તકતીઓ અને પ્રશસ્તિપત્રો લગાવડાવી દીધા.

મંદિરના સ્થાપત્ય અને મંદિર સાથે સંકળાયેલા ઇતિહાસમાં આ રીતે પહેલીવાર છેડખાની અહીંથી શરૂ થઇ. અને કરી કોણે? ભારતવર્ષમાં ઇસ્લામિક આતંકીઓના પગપેસારા માટે જવાબદાર એવા મહોમ્મ્દ ઘોરીના ચમચા જયચંદે. મહોમ્મદ ઘોરીના એ આક્રમણ પછી ભારત સતત ૨૦૦ વર્ષ સુધી મુસ્લિમ આક્રમણકારીઓના આક્રમણ સહેતુ રહ્યું. લૂંટફાટ અને બળજબરીએ ધર્મપરિવર્તન તો તેમના અત્યાચાર અને પાશવી કૃત્યોની લાંબી યાદીમાં આવતા માત્ર બે નાના પડાવો છે.

તે સિવાય સ્ત્રીઓ સાથે બળજબરી, બળાત્કાર, સ્ત્રીઓનું વેચાણ, ગુલામ બનાવવી, બાળકોને અનાથ કરવા, તેમની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કાર્ય આચરવું, પુરુષોને હીજડા બનાવી દેવા, તેમના જનાનખાનામાં સેવક તરીકે રાખવાથી લઈને તે ઇસ્લામિક સાશકો કે જે મૂળ તો લૂંટારુઓ અને અત્યાચારી હતા. તેમના મળમૂત્ર સાફ કરવા સુધીના જુલ્મો ભારતની પ્રજા પર આચરવા જેવા અનેક ધૃણાસ્પદ જુલ્મો એક સનાતન ધર્મી રાષ્ટ્રએ સહન કરવા પડ્યા.

આટલા જુલ્મો અને અત્યાચાર છતાં, ૧૪મી સદી સુધી મહારાજા વિક્રમાદિત્ય દ્વારા જીર્ણોદ્ધાર કરાવવામાં આવેલું તે મંદિર જેમનું તેમ તેના ભવ્ય ઇતિહાસ સાથે ઉભું હતું. ૧૪મી શતાબ્દીમાં ઇબ્રાહિમ લોધીના સાશનકાળ સુધી આ મંદિર અયોધ્યામાં સ્થાપિત હોવાના અનેક પ્રમાણો મળે છે. ત્યારબાદ આવી ૧૫૨૬નું એ વર્ષ જ્યારે પાણીપતનું યુદ્ધ લડાયું. ઇબ્રાહિમ લોધીનું મૃત્યુ થયું અને બર્બર ઓહ સોરી બાબર દ્વારા મુગલ સામ્રાજ્યનો પાયો નાખવામાં આવ્યો. આપણે ભણતા હતા ત્યારે જે અકબરનો ઇતિહાસ આપણને “મહાન અકબર” તરીકે ભણાવવામાં આવ્યો હતો તે જ હીપોક્રેટ અકબરનો પૂર્વજ એવા બાબરનો સાશનકાળ આવ્યો.

અને શરૂ થયું અત્યાચારનો એ દૌર જે અત્યારસુધીના જુલ્મો અને અત્યાચારથી સાવ અલગ હતો. એક એવો દૌર જે અત્યંત ધૃણાસ્પદ, નિમ્નકક્ષાનો અને પાશવી હતો. અત્યારસુધીના બાહરી આક્રમણકારો, હિંદૂ રાજવીઓ, ઘરો અને સાથે અત્યંત પવિત્ર અને આસ્થાનું સ્થાન એવા મંદિરોને લૂંટતા હતા. અને એ બધી લૂંટેલી મિલકત પોતાના મુલ્કમાં લઇ જતા હતા. પરંતુ, બાબરના સાશનકાળની શરૂઆતના સમયની આસ-પાસ હવે શરૂ થયો તોડફોડ, આતંક અને જોર જબરદસ્તીનો એક એવો દૌર કે જેને કારણે આ દેશની પ્રજા વર્ષો સુધી ભયભીત રહેવાની હતી. દબાયેલી, કચડાયેલી માનસિકતાનો શિકાર થઇ જવાની હતી. સંસ્કૃતિનું નખ્ખોદ કાઢી નાખવાની આ પૂર્વતૈયારી રૂપે ભારતના અનેક મંદિરો તોડી નાખવાનો પાશવી દૌર શરૂ થયો.

બર્બર સાશક બાબરે અયોધ્યાનું મહિનાઓ પુરાણુ નહિ, વર્ષો પુરાણુ પણ નહિ, પરંતુ યુગો પુરાણુ પ્રભુ શ્રી રામનું મંદિર તોડી પાડવાનું રીતસર એક અભિયાન ચલાવ્યું. ૧૫૨૭નું એ કાળમુખુ વર્ષ કે જ્યારે હરામખોર, પરદેશી લૂંટારા બાબરે અયોધ્યાનું રામમંદિર તોડી પાડવાનું ફરમાન બહાર પાડ્યું. અને અહીંથી શરૂ થયો મંદિર બચાવી લેવાના ભગ્ન પ્રયત્ન રૂપે એક એવા વણથંભ્યા યુદ્ધનો જેનો ક્યારે અંત આવશે તેની કદાચ ઇતિહાસના એ પાનાઓને પણ નહોતી ખબર.

૧૫૨૭ની સાલમાં બાબરે ફરમાન બહાર પાડ્યું અને ૧૫૨૮ની સાલમાં બાબરનો સેનાપતિ મીર બાકી તેને તોડી પાડવા માટે અયોધ્યા પહોંચ્યો. તે સમયે મંદિરના મુખ્ય મહંત તરીકે હતા, શ્યામાનંદજી! શ્યામાનંદજી કોઈપણ ભોગે આ મંદિર તૂટે એ સાંખી લેવા તૈયાર નહોતા. આથી તેમણે ભીટીના રાજા માહતાબસિંહ બદ્રીનાથને મદદે આવવા તેડૂં મોકલાવ્યું. તે સમયે બુલેટ ટ્રેન કે સોનિક સ્પીડ કાર્સ કે બાઈક્સ તો હજી હતા નહિ. આથી મહારાજ બદ્રીનાથને મદદ માટે આવતા સમય લાગવાનો છે તે અયોધ્યાવાસીઓને ખબર હતી.

એવા સમયે અયોધ્યાથી લગભગ ૧૦ કિલોમીટર દૂર આવેલા સનેથૂ ગામમાં રહેતા પંડિત દેવીનંદન પાંડેએ તમામ સ્થાનિક લોકોને ભેગા કર્યા. બધાને હાકલ નાખી પ્રભુ શ્રીરામના મંદિરને બચાવી લેવા માટેની. બધાય સ્થાનિક લોકો એકત્ર થયા અને તેમણે મીર બાકીની સેના સામે બાથ ભીડવાની બહાદૂરી કરી લેવાનું નક્કી કર્યું. બર્બર મુગલીયો બાબર અને તેના સેનાપતિની વિશાળ સેના સામે બિચારા સ્થાનિક બ્રાહ્મણો અને બીજા સામાન્ય લોકો ક્યાં સુધી અને કેટલું લડી શકે! તે યુદ્ધમાં સામેલ એકે-એક સ્થાનિક વીર સ્ત્રી-પુરુષો મૃત્યુને ભેટ્યા, વીરગતિ પ્રાપ્ત કરી!

અને અહીંથી શરૂઆત થઇ અયોધ્યામાં સ્થિત સ્વયં રામપુત્ર દ્વારા મૂળ નિર્મિત એવા રામ મંદિર માટેના પહેલા યુદ્ધની. હિંદૂઓના રાષ્ટ્રમાં હિંદૂઓના મંદિરના અસ્તિત્વ માટે કરવા પડેલા અનેક યુદ્ધોમાંનું એક એટલે ૧૫૨૮ની સાલમાં મીર બાકીની સેના સામે શ્રદ્ધાળુ સામાન્ય જનતાનું પોતાના ઇષ્ટદેવના મંદિર માટેનું યુદ્ધ.

રામ મંદિર માટે થયેલા આ પહેલા યુદ્ધની વાત દ્વારા આજના આ લેખને અહીં વિરામ આપીએ.

-આશુતોષ ગીતા

અયોધ્યા રામ મંદિરનો સાચો ઇતિહાસ (ભાગ 3)

સામી છાતીએ વીરગતિને વ્હાલી કરનારા એ સ્થાનિક વીરો, જેમને નહોતી ખબર કે, ભવિષ્યમાં પોતાની ભવ્ય સંસ્કૃતિ ભૂલાવી દેનારા નમાલા થઇ ગયેલા અને અહિંસાનો પાઠ ભણનારા હિંદૂઓ, તેમને ભૂલાવી દેવાના છે. શ્રીહરિના અવતાર એવા મહાપરાક્રમી રાજવી પ્રભુ શ્રીરામ પ્રત્યેની અમારી શ્રદ્ધા અને આસ્થાને હૃદયમાં રાખી અમે જે યુદ્ધ લડ્યા છીએ તે અમારું બલિદાન પણ ભૂલાવી દેવાના છે. પણ ના, કમ સે કમ આપણે તો તેમને નહિ ભૂલાવીએ… સનાતન ધર્મનો સાચો ઇતિહાસ જાણવાની જિજ્ઞાસા રાખી વાંચશું, જાણશું, પ્રશ્નો ઉઠાવશું અને ખોટા આક્ષેપો કરનારાને નિઃશંક ડારશું પણ ખરા જ… તો ચાલો બે એપિસોડ્સમાં થોડી વિગતો જાણ્યા બાદ હવે ત્રીજા એપિસોડ તરફ આગળ વધીએ…

સ્થાનિકોની લાશો જોઈ પોરસાતા બાબરના સેનાપતિ મીર બાકી સામે યુદ્ધ લડવા માટે હવે મહારાજ બદ્રીનાથ અયોધ્યા પહોંચી ચૂક્યા હતા. વાત આખાય કૌશલ પ્રદેશમાં ફેલાઈ ચૂકી હતી. આથી બદ્રીનાથજીની સેના સાથે તે યુદ્ધમાં ઉતરવા માટે અયોધ્યાની આસ-પાસના બીજા અનેક સામાન્ય લોકો પણ જોડાયા. પરંતુ, પાશવી મુસ્લિમ સાશકની તે વિશાળ સેના સામે બદ્રીનાથજીની સેનાનું સંખ્યાબળ ઓછું હતું આથી વીરતાપૂર્વક લડવા છતાં તે યુદ્ધમાં તેમની હાર થઇ.

અયોધ્યાની આસ-પાસના વિસ્તારના સામાન્ય લોકો પણ બદ્રીનાથજી મહારાજ સાથે યુદ્ધમાં જોડાયા છે તે વાત આગની જેમ આજૂ-બાજૂ ફેલાવા માંડી. એક ક્ષત્રિયનું લોહી ઉકળી નહિ ઉઠે તો બીજૂ શું થાય? ૧૫ જ દિવસ બાદ હંસવરના મહારાજા રણવિજય સિંહ મંદિરની રક્ષા કરવા માટે અગ્રેસર થયા. મહાન વીર એવા હંસવરના એ રાજવીને ખબર હતી કે દુશ્મનની વિશાળ સેના સામે તેમની નાની સેના ઝીંક નહિ ઝીલી શકે. છતાં પોતાના ૧૦૦૦ સૈનિકોની સેના લઈ રણવિજય સિંહ રામ મંદિરના તે પ્રાંગણ નજીક આવી ચઢ્યા. મીર બાકીને લલકારતા તેમણે કેસરિયા કર્યા અને હિંદૂઓના દુર્ભાગ્યે તેઓ પણ વીરગતિ પામ્યા.

આ આખાય લોહિયાળ ઇતિહાસની કથા વિષે કહેવાતા ઈન્ટલેકચૂઅલ્સમાંના કોઈપણ નબીરા કે નબીરીને શક હોય તો, લખનૌ ગેઝેટિયરમાં લખાયેલો ઇતિહાસ ચકાસી શકે છે. જેમાં લખ્યું છે કે, તે સમયે અંદાજે ૧,૭૪,૦૦૦ જેટલા હિંદૂઓ મંદિરની રક્ષા કરતા-કરતા શહિદ થઇ ગયા હતા. પોણા બે લાખ બાહોશ શ્રદ્ધાળુઓનો જીવ લીધા બાદ મીર બાકી આખરે પ્રભુ શ્રી રામનું એ મંદિર તોડી પાડવામાં સફળ થયો. એ મંદિર જે સ્વયં શ્રી રામચંદ્રજીના પુત્ર કુશે બંધાવ્યું હતું, એ જ મંદિર જે મહારાજ પુષ્યમિત્ર શુંગ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, એ જ મંદિર જેનો પુનઃ જીર્ણોદ્ધાર મહારાજા વિક્રમાદિત્યએ કરાવ્યો હતો.

હિંદૂ રાષ્ટ્રમાં હિંદૂઓની શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ એવું મંદિર, જે માત્ર કોઈ ભગવાનનું મંદિર નહોતું. પરંતુ, ભવ્ય ભારતના ભવ્યાતિ ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિનું જીવંત સ્વરૂપ હતું. તે હવે તૂટી ચૂક્યું હતું. પાશવી નરાધમો આ કૃત્ય દ્વારા એક અમાનુષી આનંદ લઇ રહ્યા હતા. મંદિર તૂટ્યું અને બાબરના સેનાપતિ મીર બાકીએ ત્યાં પહેલીવાર એક મસ્જિદનો ઢાંચો બનાવડાવ્યો. કુદરતની બલિહારી જૂઓ કે, હિંદુઓનું જે મંદિર તોડી મીર બાકીએ મસ્જિદ બનાવડાવી તેનું નામ શું રાખ્યું? મંદિરના કાટમાળ પર મંદિરના જ સ્તંભો દ્વારા બનેલી તે મસ્જિદને નામ આપવામાં આવ્યું, “મસ્જિદ-એ-જન્મસ્થાન” અર્થાત, જન્મસ્થાનની મસ્જિદ.

એટલું જ નહિ, આ મસ્જિદ બનાવી ત્યાં તેણે કોતરણી કરાવી તકતી પર એક સંદેશ લખાવ્યો. “મહાન બાબરના આદેશ પર દયાળુ મીર બાકીએ ફરીશ્તોની આ જગ્યાને મુક્કમલ સ્વરૂપ આપ્યું છે!” કોઈને સમજાય છે, આ સંદેશ વાક્યમાં “ફરિશ્તા” કોને કહેવાયું હશે? જી હા, પ્રભુ શ્રી રામચંદ્રજી માટે શબ્દ વપરાયો હતો “ફરિશ્તા!” અર્થાત તેમણે મંદિર તો તોડી પાડ્યું, ત્યાં મસ્જિદ પણ બનાવી લીધી. પરંતુ, ક્યાંક એ દૈત્યોનો પણ આત્મા ડંખ્યો હશે કે જે તેમને ફરિશ્તાનો ઉલ્લેખ કરવા પર મજબૂર કરી રહ્યો હતો. આ રીતે જે નરાધમે આ મંદિર તોડ્યું તેનું પોતાનું પણ માનવું હતું કે, તેણે જે સ્થાને મસ્જિદ બનાવડાવી છે તે પ્રભુ શ્રી રામનું જન્મસ્થાન હતું. ત્યારબાદ પાછળથી આ જ મસ્જિદને બાબરી મસ્જિદ તરીકે ઓળખવામાં આવી.

પરંતુ, તે સમયના બાહોશ હિંદૂઓનું લોહી હજી આપણા જેટલું ઠંડુ નહોતું પડી ગયું. ના તેમને ‘અહિંસા પરમો ધર્મ’ની જુઠ્ઠી અને સ્વનો વિનાશ નોતરનારી જડીબુટ્ટી પીવડાવવામાં આવી હતી. તેથી જ મંદિર તૂટી ગયું હોવા છતાં તે માટેનો સંઘર્ષ હજીય ચાલૂ રહેવાનો હતો. મીર બાકી સાથે યુદ્ધમાં વીરગતિ પામેલા મહારાજા રણવિજય સિંહની વિધવા રાણી જયરાજ કુમારી હંસવર હવે મેદાને પડવાની હતી. વિચાર કરો આ એ જ દેશ છે જ્યાં આજે પણ હજી સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રીને થતા અન્યાય માટેની વાતો ચાલે છે.

એ જ દેશની એક વીરાંગના રાણી જયરાજ કુમારી હંસવરે શ્રી રામ મંદિરને દુશ્મનોથી મુક્ત કરાવવા માટે ૩૦૦૦ વીરાંગનાઓની એક સેના બનાવી. એટલું જ નહિ કોઈ તાલીમબદ્ધ સશસ્ત્ર સૈનિકોની સેનાને પણ શરમાવે તે રીતે તેમણે કેટલાય દિવસો સુધી વીરાંગનાઓની તે ટૂકડી સાથે મળી દુશ્મનો સામે છાપામાર યુદ્ધ ખેલ્યું. કોઈ ધારણા મૂકી શકો તેઓ દુશ્મનો સામે આ યુદ્ધ ક્યાં સુધી લડ્યા હશે? પણ એનો જવાબ મેળવવા પહેલા એ જાણી લઈએ કે છાપામાર યુદ્ધ એટલે શું?

છાપામાર યુદ્ધ શૈલી એ ગુપ્ત યુદ્ધકળાનો પ્રકાર છે. જેમાં, દુશ્મન સાથે યુદ્ધ મેદાનમાં સામ-સામે યુદ્ધ લડવામાં નથી આવતું. મુખ્યત્વે આ શૈલી ત્યારે અપનાવવામાં આવે છે જયારે દુશ્મનની સેના પોતાની સેના કરતા વધુ વિશાળ અને શક્તિશાળી હોય. શત્રુને અચાનક હુમલા દ્વારા અચંબિત કરી નાખનારી, છૂપાઈને હુમલો કરવાની આ યુદ્ધકળા છે. રાણી જયરાજ કુમારી હંસવરની ૩૦૦૦ વીરાંગનાઓની તે સેના આ યુદ્ધ બાબરના મૃત્યુ પછી હુમાયુના સાશનકાળ સુધી લડતી રહી હતી.

દેશની એક વિધવા ક્ષત્રિયાણી જ્યારે ૩૦૦૦ સ્ત્રીઓ સાથે હાર્યા અને થાક્યા વિના આટલા લાંબા સમય સુધી યુદ્ધ કરી શકે તો ઈશ્વર વંદનામાં જીવન વિતાવતા સંતો કેમ નહિ! તે સમયમાં સ્વામી મહેશ્વરાનંદ નામના એક સન્યાસીએ બીજા અનેક સન્યાસીઓને ભેગા કર્યા અને રાણી જયરાજ કુમારીની સેનાને મદદ કરવા માટે તેમની સાથે મળી યુદ્ધમાં જોડાયા. “યુદ્ધ” જે આજ સુધી ક્ષત્રિય પુરુષોનો વીરતાધર્મ ગણાતું હતું તે હવે સ્ત્રીઓ અને ભારત દેશના સન્યાસીઓ લડી રહ્યા હતા. શા માટે? કારણ કે પાશવી શત્રુએ ઈશ્વર વંદનાનું સ્થળ તોડી પાડવાની હિંમત કરી હતી.

થાક્યા અને હાર્યા વિના કેટલાંય લાંબા સમય સુધી ચાલતા રહેલા આ યુદ્ધનું આખરે પરિણામ એ આવ્યું કે, રાણી જયરાજ કુમારી હંસવરે, મહેશ્વરાનંદ સ્વામી સાથે મળી રામ મંદિર મુગલોના ચુંગલમાંથી મુક્ત પણ કરાવી લીધું. અર્થાત મંદિર હવે ફરી એકવાર હિંદૂ ભક્તોનું પ્રાર્થના સ્થાન બની ચૂક્યું હતું. પરંતુ, એક સ્ત્રી અને એક સન્યાસી આ રીતે જીતી જાય એ વાત કોઈ નરાધમ સાશક કઈ રીતે ચલાવી લઇ શકે? હુમાયુએ તેને પોતાની પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી લીધો અને તે મંદિર કે જે તેને માટે તો એક મસ્જિદ હતી તે પાછી મેળવવા માટે તેણે પોતાની પૂર્ણ સૈન્યશક્તિ કામે લગાડી દીધી. વિશાળ પાશવી મુગલ સેના સામે ફરી એકવાર હિંદૂઓની નાના સૈન્યબળવાળી સેના હારી ગઈ અને ફરી એકવાર મંદિરનો જે હવે મસ્જિદ બની ચૂકી હતી, તેનો હવાલો કે કબ્જો મુગલો પાસે ચાલી ગયો.

રામ જન્મભૂમિ સ્થળ અને મંદિર આ રીતે ફરી એકવાર અનિધિકૃત અને અન્યાયી પગલાંઓ દ્વારા જુલ્મી વિધર્મીઓ પાસે જાતે રહ્યું તેના અફસોસ સાથે આજની વાતને અહીં વિરામ આપીએ, આગળની વાત આવતીકાલે.

*નિવેદન -*
આ આખીય શૃંખલા વાંચતીવેળા મનોમન એ હિસાબ રાખતા રહેજો ખરાં કે આપણી સંસ્કૃતિ અને શ્રદ્ધાના સંવર્ધન હેતુ આ એક મંદિર માટે કૂલ કેટલા યુદ્ધો લડાયા હતા અને તેમાં કેટલાં હિંદૂઓએ પોતાનો જીવ આપી દઈ બલિદાન વ્હાલું કર્યું હતું. કારણ કે, લોકો તમને એવું કહેનારા મળશે કે, હિંસા અને વેરનો ભૂતકાળ યાદ રાખવા કે યાદ કરવાથી તમે પણ તેવા જ બની જાવ છો. તેમને ભવિષ્યમાં તમારે કહેવું પડશે કે, જે પ્રજા પોતાનો ભૂતકાળ ભૂલાવી દે છે તે કાળક્રમે નામશેષ થઇ જાય છે.

વિશ્વના કોઈપણ મહાન દેશ કે મહાન સંસ્કૃતિ વિષે જેમણે થોડોઘણો પણ અભ્યાસ કર્યો હશે તેમને ખબર હશે કે, તે જ દેશ અને પ્રજા પોતાનું સ્થાન જાળવી રાખી શકી છે જે પોતાનો ઇતિહાસ નથી ભૂલી. બાકીના અનેક એવા રાજ્યો, દેશ, ધર્મ અને પ્રજા સમયની ગતિમાં વિલીન થઇ આજે ભૂલાઈ ચૂક્યા છે. તેમનું અસ્તિત્વ નામશેષ થઇ ચૂક્યું છે.

— આશુતોષ ગીતા

આ લેખના કુલ છ ભાગ છે, આગળના બાકી ત્રણ ભાગ વાંચવા માટે અહી ક્લીક કરો.

અયોધ્યા રામ મંદિરનો સાચો ઇતિહાસ
અયોધ્યા રામ મંદિરનો સાચો ઇતિહાસ – ભાગ 2

રામ આયેંગે તો અંગના સજાઉંગી

Ramayan Quiz
(આપ રામાયણ વિશે કેટલુ જાણો છો ? ચેક કરો..)

આપને અહી રામાયણના ૨૫ પ્રશ્નો પૂછવામાં આવશે, દરેક પ્રશ્નના ચાર વિકલ્પ આપેલા છે, સફળ થવા માટે ઓછામાં ઓછા પંદર પ્રશ્નોના સાચા જવાબ આપવાના રહેશે. એક પ્રશ્નનો જવાબ આપ્યા પછી સુધારી શકાશે નહી, સાથે અને અંતમાં પરિણામ અને સાચા જવાબો પણ મળી રહેશે.

રામ આયેંગે તો અંગના સજાઉંગી
Ram aayenge to angana lyrics in gujarati, Hindi

3 thoughts on “અયોધ્યા રામ મંદિરનો સાચો ઇતિહાસ – આશુતોષ ગીતા”

  1. Pingback: જાણો અયોધ્યામાં રામ મંદિરનો સાચો ઈતિહાસ (ભાગ 2) - AMARKATHAO

  2. ભાઇ ગોધરાકાંડ વખતે અમદાવાદમાં બાલબ્હ્મચારી સાધુ એવા મારા સગા કાકા મુસ્લિમો સામે ત્રિશુલ લઇ લડવા નિકળી પડ્યા હતાં. એમને મુસ્લિમોએ કાપીને સળગાવી નાંખ્યા હતાં, ૨૫૦ લોકોની મુસ્લિમોની ટોળકી સામે ૧૫૦૦ જેટલા અન્ય હિન્દુઓ તમાશો જોઇ રહ્યા હતાં. જેમણે મારા કાકાને કોઇ જ મદદ કરી નહોતી. અને વિર શહીદોની યાદીમાં પણ બાલબ્હ્મચારી સાધુ એવા મારા સગા કાકાનું નામ સુધ્ધા નોંધાયુ નથી. એટલે તમે ઇતિહાસમાં છેડછાડ કર્યા વિના, બીજા હિન્દુઓને ઉશ્કેરણી કર્યા વિના આવી કોઇ ઘટના સમયે પ્રથમ હરોળમાં ઉભા રહો, ઘરના ખુણામાં સંતાઇ ના જાવ એટલુ કરો એટલે હિન્દુ ધર્મની ખુબ મોટી સેવા કરી ગણાશે.

  3. Pingback: Thirty putli ni varta gujarati | 30 મી પૂતળી - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *