Skip to content

23મી પૂતળીની જાદુઈ ગોટકાની વાર્તા

1855 Views

આજે વાંચો ત્રેવીસમી પૂતળીની જાદુઈ ગોટકાની વાર્તા – મિત્રો અગાઉના કોઈ પણ ભાગ વાચવાના બાકી હોય તો પોસ્ટના અંતે તમામ ભાગોની લિંક મળી જશે.

23મી પૂતળીની જાદુઈ ગોટકાની વાર્તા

23 મે દિવસે ભોજ રાજા મુહૂર્ત જોઈ જેવા સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં પૂતળી ચંદ્રવદની એ તેમને સિંહાસન ઉપર બેસવા જતાં અટકાવી બોલી: “ઊભા રહો રાજન ! આ સિંહાસન ઉપર તે જ બેસી શકે કે જેણે વિક્રમ રાજા જેવાં પરાક્રમો કર્યા હોય.” આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમ ને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી

એક દિવસ વિક્મ રાજા અંધારપછેડો ઓઢી રાત્રિના સમયે નગરચર્ચા સાંભળવા નીકળ્યા. તેઓ ફરતાં ફરતાં પ્રધાનના આવાસ આગળ આવ્યા. તેમણે જોયું કે પ્રધાનની સોળ વર્ષની પુત્રી સોળે શણગાર સજીને છાનીમાની ઘરમાંથી નીકળી બહાર ચાલવા લાગી. અંધારી રાતે પ્રધાનપુત્રીને બહાર જતી જોઈ રાજા અચરજ પામ્યા. તેઓ પ્રધાનપુત્રી ક્યાં જાય છે તે જોવા માટે અદશ્ય સ્વરૂપે તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. પ્રધાનપુત્રી સીધી નગરશેઠની હવેલીએ ગઈ અને બંધ બારણા પર સાત ટકોરા માર્યા એટલે બારણું ખૂલ્યું ને બારણા વચ્ચે નગરશેઠનો પુત્ર ઊભેલો દેખાયો.

પ્રધાનપુત્રી બોલી : “આપણા કોલ મુજબ હું આવી પહોંચી છું.”

નગરશેઠના દીકરાએ કહ્યું : “આવી તો ભલે આવી, તારા પ્રેમનું પારખું થઈ ગયું. હવે તું પાછી જા.”

પ્રધાનપુત્રી બોલી : “હું જઈશ પણ સવાર પડતાં, અત્યારે તો હું અહીં રાત રહેવા આવી છું.”

નગરશેઠના દીકરાએ કહ્યું “ના,એ નહિ બને. લગ્ન પહેલાં આપણાથી સાથે ન રહેવાય. આ રાજ્ય નીતિમાન વિક્રમ રાજાનું છે. જો તેમને આ વાતની ખબર પડી જાય તો બંનેને ફાંસીએ ચઢાવી દે.”

પ્રધાનપુત્રી ગુસ્સામાં બોલી : “એ વિક્રમ રાજાથી શું ડરવાનું? હું તો તેમની સહેજ પણ પરવા કરતી નથી. જો હું ઇચ્છું તો ઘડીના છઠ્ઠા ભાગમાં રાજાનું મસ્તક કાપી તારી સામે હાજર  કરું.

ઓહો ! રાજાનું મસ્તક ઉતારવાની તારામાં હિંમત છે? જા, મસ્તક લઈને જ મારી પાસે આવજે.” નગરશેઠના દીકરાએ કહ્યું.

સારું.  કહી પગ પછાડતી પ્રધાનપુત્રી ત્યાંથી ચાલતી થઈ. અદેશ્ય રૂપે રાજાએ પ્રધાનપુત્રીની આ વાત સાંભળી. તેમને થયું કે આ છોકરી હિંમતવાન લાગે છે. જોઈએ તો ખરા કે તે કન્યા કેવી રીતે મારું મસ્તક કાપે છે ? આમ વિચારી તેઓ પ્રધાનપુત્રીની પાછળ પાછળ ચાલવા લાગ્યા. પ્રધાનપુત્રી પોતાના ઘરમાં ચાલી ગઈ પછી રાજા પણ પોતાને મહેલે જતા રહ્યા. તેમને આખી રાત ઊંઘ આવી નહિ. તેમને પ્રધાનપુત્રીના શબ્દો કાનમાં ગુંજા કર્યા.

સવાર પડતાં જ પ્રધાનપુત્રી શું કરે છે તે જોવા માટે રાજા પ્રધાનના ઘેર અદેશ્ય બનીને આવી ગયા. પ્રધાનપુત્રી સવારના પહોરમાં જ પૂજનનો થાળ લઈને ક્ષિપ્રા નદી તરફ જવા લાગી.

ક્ષિપ્રા નદીને કાંઠે કેટલાય દિવસથી એક સાધુ ધૂણી ધખાવીને બેઠા હતા. તેના ચમત્કારની વાતો સાંભળી પ્રધાનપુત્રી રોજ તેમના દર્શને જતી હતી. અત્યારે પણ તે સાધુ પાસે ગઈ અને હાથ જોડીને ઊભી રહી. એટલે સાધુએ કહ્યું: “દીકરી! તું રોજ મારા દર્શને આવે છે. હું તારા પર પ્રસન્ન છું બોલ,આજે તો તું જે જોઈએ તે માંગ.”

પ્રધાનપુત્રી તક જોઈ તરત જ બોલી : “મહારાજ ! મેં વિક્રમ રાજાનું મસ્તક ઉતારવાની પ્રતિજ્ઞા કરી છે, માટે મને તેનો ઉપાય બતાવો.”

“હે શું કહ્યું?” સાધુ સાંભળતાં જ ગભરાયા. તેમણે કહ્યું : “બેટા, તું છેલ્લા કેટલાય દિવસથી મારી પાસે આવે છે. આજે પહેલી વાર તે કંઈક વિચિત્ર અને બેહુદી માગણી કરી. તું આ સિવાય બીજું કંઈ માંગ”

પરંતુ પ્રધાનપુત્રી તો એકની બે ન થઈ. તે તો રાજાના મસ્તકની જ હઠ લઈને બેઠી. છેવટે સાધુએ કહ્યું : “ભલે ! તું આવતી કાલે આવજે. હું વિચારીને કહીશ”

વિક્રમ રાજાએ પણ અદેશ્ય રૂપે સાધુ અને પ્રધાનપુત્રીની વાત સાંભળી. પ્રઘાનપુત્રી ત્યાંથી ઘેર ગઈ. રાજા પણ આશ્ચર્ય અનુભવતા ત્યાંથી મહેલે ચાલ્યા ગયા.

નગરશેઠના દીકરાને નિર્ભયદાસ નામે એક મિત્ર હતો. તે અભાગિયો રાજાની એક રાણીના પ્રેમમાં પડ્યો હતો, પરંતુ રાણી તો આ બાબતે અજાણ હતી. નિર્ભયદાસ હંમેશા રાણીને મળવા આતુર રહેતો. તે રોજ રાણીને મળવા માટે કંઈ ને કંઈ તુક્કા વિચાર્યા કરતો, પરંતુ રાણીને મળવા માટે મહેલમાં જવું પડે અને બધા ચોકીદારોની વચ્ચેથી મહેલમાં દખલ થવું કઈ રીતે? એ વિચારે તે રાણીને મળી શક્યો નહિ આ નિર્ભયદાસને ખબર પડી કે પ્રધાનપુત્રી રાજાનું મસ્તક કાપવાની પ્રતિજ્ઞા લઈને બેઠી છે, તે તો હર્ષઘેલો થઈ ગયો. તે તો સીધો જ પ્રધાનપુત્રીને મળ્યો અને પોતાનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો.

તેણે પ્રધાનપુત્રીને રાજાનું મસ્તક કાપવા માટે જે મદદ જોઈએ તે આપવાનું કહ્યું. આ સાંભળી પ્રધાનપુત્રી પણ ખુશ થઈ ગઈ, કારણ તેને પણ એક મદદગારની જરૂર હતી. બંનેએ એકબીજાને મદદ કરવાનું વચન આપ્યું. બીજે દિવસે સાધુ પાસે જવાનું નક્કી કરી બંને છૂટા પડ્યાં.

આ જ વખતે ઉજજયનીમાં એક બીજો બનાવ બન્યો. એક ચોરની સ્ત્રી તેના અઢાર વર્ષના પુત્રને પાણી ચઢાવતી કહેતી હતી કે, “બેટા, વિક્રમ રાજાએ તારા બાપને ફાંસી દીધી હતી, માટે તારે તારા બાપનું વેર લેવું જોઈએ. જો તું વિક્રમ રાજાનું મસ્તક કાપી લાવે તો જ તે મારા દૂધની લાજ રાખી કહેવાય.”

દીકરો તો માનાં આવાં વચનો સાંભળી આવેશમાં આવી ગયો. તેણે કહ્યું : “મા, હું ગમે તે ભોગે તારા દૂધની લાજ જરૂર રાખીશ. હું આવતી કાલે જ વિક્રમ રાજાનું મસ્તક કાપી તારા ચરણોમાં હાજર કરી દઈશ.”

બીજે દિવસે નક્કી કર્યા મુજબ પ્રધાનપુત્રી અને નિર્ભયદાસ બંને રાતે સાધુ પાસે મળ્યા. વિક્રમ રાજા પણ અદેશ્ય સ્વરૂપે ત્યાં હાજર થઈ ગયા હતા. સાધુએ પ્રધાનપુત્રીને આવેલી જોઈને કહ્યું : “બેટા, હજી તારો નિર્ણય બદલીને બીજી કંઈ વસ્તુ માગે તો સારું.”

પરંતુ પ્રધાનપુત્રી તો પોતાના નિર્ણય ઉપર અડગ રહી, એટલે સાધુએ પોતાની ઝોળીમાંથી એક જાદુઈ ગોટકો કાઢ્યો અને તે પ્રધાનપુત્રીને આપીને કહ્યું : “આ જાદુઈ ગોટકો છે. તેને મોઢામાં રાખીને સંકલ્પ કરવાથી જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય, અને બીજું એ કે તું આ જાદુઈ ગોટકો તારું કામ પતી જાય પછી મને તરત આપી દેજે.”

પ્રધાનપુત્રી બોલી: “મહારાજ ! હું જાદુઈ ગોટકો જરૂર પાછી આપી જઈશ. જો ગોટકો પાછા આપવામાં નિષ્ફળ જઈશ તો આખી જિદગી આપની દાસી થઈને રહીશ”

આમ આમ કહી પ્રધાનપુત્રી અને નિર્ભયદાસ ત્યાંથી પાછા ફર્યા. રસ્તામાં પ્રધાનપુત્રીએ તે જાદુઈ ગોટકો નિર્ભયદાસને આપ્યો ને કહ્યું : આ જાદુઈ ગોટકો મોંમાં મૂકીને તમે મહેલમાં પહોંચી જાવ અને કામ પતે એટલે તરત તે જાદુઈ ગોટકો મને પાછો આપજો.”

નિર્ભયદાસ તો ક્યારનોય મહેલમાં જવા માટે અધીરો બન્યો હતો. તે તો જાદુઈ ગોટકો મળતાં જ સીધો મહેલે પહોંચી ગયો અને મોંમાં જાદુઈ ગોટકો મૂકી રાણીના શયનગૃહમાં દાખલ થઈ ગયો. તે સમયે રાણી ઊંઘતાં હતાં. નિર્ભયદાસ રાણીના ઝળહળતા રૂપને જોઈને એવો તો મુગ્ધ બની ગયો કે તે પલંગની બાજુમાં બેસીને રાણીના રૂપને નિરખવા લાગ્યો. તેને પ્રધાનપુત્રીને આપેલું વચન પણ યાદ આવ્યું નહિ.

બરાબર આ જ સમયે પેલો ચોરનો છોકરો પણ પોતાની માને આપેલા વચન મુજબ રાજાનું મસ્તક ઉતારવા રાણીના મહેલે આવ્યો. તેણે રાણીની બાજુના પલંગ ઉપર કોઈ પુરુષને બેઠેલો જોયો તો તેને થયું કે જરૂર આ વિક્રમ રાજા જ છે. તેણે સિફતથી પાછળ જઈને તલવારના એક જ ઝાટકે નિર્ભયદાસનું મસ્તક કાપી લીધું. પછી એ મસ્તક લઈને મહેલમાંથી નાઠો ને ઘરભેગો થઈ ગયો. ઘેર આવીને તેણે નિર્ભયદાસનું મસ્તક માને આપ્યું ને કહ્યું: “મા,આજે મેં તારા દૂધની લાજ રાખી છે. લે આ વિક્રમ રાજાનું મસ્તક, હવે મારા પિતાજીનું વેર વળી ગયું.”

આ બાજુ રાજમહેલમાં નિર્ભયદાસની ચીસથી રાણી ઝબકીને જાગી ગયાં હતાં. તેમણે જોયું તો પોતાના પલંગની પાસે એક મસ્તક વગરનું ધડ પડ્યું હતું. તે તો આ જોઈ ગભરાઈ ગયાં તેમને થયું કે જો રાજા આ સાંભળશે કે રાણી પાસે કોઈ અજાણ્યા પુરુષનું ધડ પડ્યું હતું, તો તેઓ ખોટા વહેમાશે. આ બીકે રાણીએ પોતાની એક માનીતી દાસીને બોલાવીને આ ધડને ચાદરમાં . લપેટી તેને આપ્યું ને કહ્યું: “આને હમણાં હમણાં નદીમાં નાખી આવ” પરંતુ અંધારી રાતે નદીકાંઠે જવાની દાસીની હિંમત ચાલી નહિ, એટલે તેણે તે ધડ ઝાડની એક બખોલમાં છુપાવી દીધું.

વિક્રમ રાજા અદ્રશ્ય સ્વરૂપે મહેલનો આ બધો ખેલ જોઈ રહ્યા હતા. તેમને ખબર હતી કે નિર્ભયદાસના મોંમાં ચમત્કારિક જાદુઈ ગોટકો છે, એટલે તેઓ અદૃશ્ય રૂપે રાણીના પલંગ પાસે તે જાદુઈ ગોટકો શોધવા લાગ્યા. નિર્ભયાસની ગરદન પર પેલા ચોરે જેવી તલવાર મારી કે તરત જ તેનું મોં ફાટી ગયું ને મોંમાંથી જાદુઈ ગોટકો નીકળી એક ખૂણામાં પડ્યો હતો. રાજાએ તે શોધીને જાદુઈ ગોટકો ઉઠાવી લીધો.

આ બાજુ પ્રધાનપુત્રી ઘરમાં બેઠી બેઠી નિર્ભયદાસની રાહ જોતી હતી. સવાર થયું છતાં નિર્ભયદાસ પાછો આવ્યો નહિ, એટલે પ્રધાનપુત્રી ચિંતા કરવા લાગી. તેને થયું હવે સાધુને હું શું કહીશ? તે તો મનમાં વિચારતી વિચારતી સાધુ પાસે ગઈ ને બોલી. : “મહારાજ! હું તમારો જાદુઈ ગોટકો સાચવી શકી નહિ. મને માફ કરો. હું મારા વચન મુજબ તમારી પાસે આવી છે. આજથી હું તમારી દાસી થઈને તમારી પાસે રહીશ.”

સાધુ ગોટકો ખોવાતાં ખૂબ જ નિરાશ થઈ ગયા. તે બોલ્યા : હવે હું ગંગાકિનારે કઈ રીતે જઈશ ?” સાધુએ શોકમાં ને શોકમાં અન્નજળનો ત્યાગ કરીને દેહ પાડવાનો નિશ્ચય કર્યો. પ્રધાનપુત્રી સાધુનો નિર્ણય સાંભળી ખૂબ જ દુખી થઈ ગઈ. તેણે પણ સાધુ જોડે અન્નજળનો ત્યાગ કર્યો ને તે પણ સાધુ જોડે મરવા તૈયાર થઈ.

જ્યારે ચોરની માતા પહેલાં તો વિક્રમ રાજાનું મસ્તક જોઈને બહુ હરખાઈ હતી, પણ પાછળથી તેને પસ્તાવો થવા લાગ્યો કે મેં લાખોના પાલનહારને મારા સ્વાર્થ ખાતર મરાવી દીધો. મેં બહુ ખોટું કામ કર્યું. હું આ પાપમાંથી ક્યારે છૂટીશ? આમ વિચારી તે ચોધાર આંસુએ રડવા લાગી.

વિક્રમ રાજા તેના ઘર આગળથી નીકળ્યા. ત્યારે તેમણે ચોરની સ્ત્રીને ચોધાર આંસુએ રડતી જોઈ. તેમને ખૂબ જ દુખ થયું. તેઓ તરત તેની પાસે ગયા ને બોલ્યા: “હે બહેન! તું આમ કલ્પાત ન કર. વિક્રમ રાજા તો હું છું. તારો છોકરો મારા બદલે બીજાનું માથું કાપી લાવ્યો છે, તે નિર્ભયદાસનું છે. તેના ઘરનાં માણસો ખૂબ જ દુખી છે. માટે તમે મહેરબાની કરીને તેનું મસ્તક મને સુપરત કરો અને તેના બદલામાં તમે મારું મસ્તક કાપી લો. હું તે માટે તૈયાર છું.”

વિક્રમ રાજાને પોતાની સામે ઊભેલા જોઈ ચોરની સ્ત્રી એકદમ રાજી થઈ ગઈ. તે તરત જ વિક્રમ રાજાને પગે પડીને તેમની માફી માગી બોલી : “મહારાજ ! તમતમારે ખુશીથી તે મસ્તક લઈ જાઓ. મારે હવે કોઈનું મસ્તક જોઈતું નથી. હવે આજથી મારો દીકરો પણ ચોરી નહિ કરે. તે હવે પ્રામાણિક ધંધો કરી ગુજરાન ચલાવશે.” આમ કહી તેણે નિર્ભયદાસનું મસ્તક રાજાને આપ્યું.

રાજા નિર્ભયાસનું મસ્તક લઈ મહેલે આવ્યા અને રાણી પાસેથી નિર્ભયદાસનું ઘડ મેળવીને હરસિદ્ધ માતાના મંદિરે ગયા. તેમણે માતાજીને પ્રાર્થના કરી કહ્યું: “હે મા ! આને સજીવન કરો. માણસ માત્ર ભૂલને પાત્ર છે.” હરસિદ્ધ માતા પ્રસન્ન થયાં. માતાજીની અમીદ્રષ્ટિ પડતાં જ નિર્ભયદાસ જીવતો થયો. તે પ્રથમ માતાજીને પગે લાગ્યો, પછી વિક્રમ રાજાને પગે લાગી પોતાની ભૂલની માફી માગી. રાજાએ તેને માફ કર્યો. તે પોતાને ઘેર ગયો.

પછી વિક્રમ રાજા ત્યાંથી નગરશેઠના ઘેર ગયા અને તેના દીકરાને મળ્યા. નગરશેઠના દીકરાની વાતચીત પરથી રાજાને લાગ્યું કે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને એકબીજા વગર રહી શકે તેમ નથી. તેથી રાજા નગરશેઠ પાસે ગયા ને તેમને ભલામણ કરી કે, તેમના દીકરાના લગ્ન પ્રધાનપુત્રી સાથે જલદીથી કરી દે. શેઠ વિક્રમ રાજાની વાત ટાળી શક્યા નહિ. તેઓ તરત સંમત થઈ ગયા.

ત્યાંથી રાજા સીધા સાધુ પાસે આવ્યા ત્યારે સાધુ અને પ્રધાનપુત્રી બંને અન્નજળનો ત્યાગ કરીને ક્ષિપ્રા નદીને કાંઠે બેઠાં હતાં. રાજા તેમની પાસે આવી બોલ્યા “બહેન! તારે નગરશેઠના દીકરા સાથે લગ્ન કરવા છે? હું તને નગરશેઠના દીકરા સાથે લગ્ન કરાવી આપું.”

પ્રધાનપુત્રી તો રાજાની વાત સાંભળી ખૂબ જ રાજી થઈ ગઈ, પછી કંઈક યાદ આવતાં તે પાછી ઉદાસ થઈ ગઈ ને બોલી : “હું આ જન્મે લગ્ન નહિ કરી શકું. આ જન્મે તો મારે સાધુની દાસી બનીને તેમની સેવા કરવાની છે.”

રાજાએ પૂછ્યું: “બહેન, તારે એવું તે શું દુખ આવી પડ્યું કે આટલી નાની ઉંમરે સાધુની દાસી બનવું પડ્યું ?”

પ્રધાનપુત્રી શું જવાબ દે ? તેની આંખોમાંથી આંસુનો ધોધ છૂટ્યો. તે મહામુસીબતે બોલી : “આ સાધુ પાસેથી હું એક જાદુઈ ગોટકો લઈ ગઈ હતી અને તે મારાથી ખોવાઈ ગયો છે. હવે મારે મારા વચન મુજબ જ્યાં સુધી એ જાદુઈ ગોટકો નહિ મળે ત્યાં સુધી સાધુની દાસી બની રહેવું પડશે.”

આ સાંભળી રાજાએ તરત જ જાદુઈ ગોટકો સાધુને બતાવ્યો તે જોઈ સાધુ અને પ્રધાનપુત્રી બંને ખુશ થઈ ગયાં. પછી પ્રધાનપુત્રી સાધુ તથા વિક્રમ રાજાને પગે લાગી પોતાને ઘેર ગઈ.

પછી રાજાએ સાધુને પૂછયું: “હે મહાત્મન્ ! હવે તમારી કોઈ ઇચ્છા હોય તો જણાવો.”

સાધુએ કહ્યું : “મહારાજ ! મારું મૃત્યુ હવે નજીક છે. મારા મૃત્યુ પછી આ જાદુઈ ગોટકો તમે રાખજો. મારે હવે આ જાદુઈ ગોટકાની કાંઈ જરૂર નથી. તમે આ જાદુઈ ગોટકાની મદદથી લોકસેવાનાં કામો કરજો. અત્યારે તમે મને આ ગોટકાની મદદથી ગંગાકિનારે લઈ જાવ.”

રાજાએ તરત સાધુને પોતાના ખોળામાં બેસાડી મોઢામાં જાદુઈ ગોટકો મૂકી ગંગાકિનારે લઈ ગયા. ત્યાં રાજાએ સાધુની તન – મનથી સેવા કરી થોડા દિવસમાં સાધુ મૃત્યુ પામ્યા. રાજાએ તેની ઉત્તરક્રિયા પતાવી, જાદુઈ ગોટકો લઈ પાછા ઉજ્જયિની નગરીમાં આવ્યા. પછી નગરશેઠના પુત્ર ને પ્રધાનપુત્રીના લગ્ન ધામધૂમથી થઈ ગયાં.

ચંદ્રવદની પૂતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું : “હે ભોજ રાજા ! વિક્રમ રાજા જેવા ઉદાર અને ચતુર રાજા જ આ સિંહાસન પર બેસી શકે.”

આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.

આ પણ વાંચો – ગૌસેવાની 22 મી પૂતળીની વાર્તા

અમરફળની વાર્તા : સિંહાસન બત્રીસી

સિંહાસન બત્રીસી : 17 મી પૂતળીની અમરફળની વાર્તા

1 thought on “23મી પૂતળીની જાદુઈ ગોટકાની વાર્તા”

  1. Pingback: 32 પૂતળી - ચોવીસમી પૂતળીની ચતુર કન્યા અને વેશ્યાની વાર્તા - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *